ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં એક ખાંડ મિલમાં કામ કરતા તેજપાલ સિંહ નામના એક માણસના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. તેનો દાવો કરે છે કે તેણે તેની 26 વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ રજા લીધી છે. તેજપાલે હોળી-દિવાળી હોય કે રવિવાર હોય, બધા દિવસોમાં કામ કર્યું છે. 1995થી નોકરી શરૂ કરનાર તેજપાલે 2003માં તેમના ભાઈના લગ્નમાં માત્ર એક જ દિવસની રજા લીધી હતી. કર્મના પૂજારી તેજપાલનો આ રેકોર્ડ ગયા અઠવાડિયે ‘ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સ’માં દર્જ થઇ ગયો છે.
તેજપાલ સિંહે 26 ડિસેમ્બર, 1995ના રોજ દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ટ્રેઈની કારકુન તરીકે નોકરી શરૂ કરી હતી અને હાલમાં તે એડિશનલ મેનેજર (પર્સનલ) તરીકે કાર્યરત છે. તેઓ કહે છે કે તેઓ હંમેશાં તેમના કામ પર સમય પહેલાં પહોંચે છે. કંપની તરફથી સાપ્તાહિક રજા, તહેવારની રજા ઉપરાંત વર્ષમાં 45 રજાઓની જોગવાઈ છે, પણ તેઓ તે રજાઓ ભોગવતા નથી.
સોશિયલ મીડિયા પર તેજપાલને લઈને સામા છેડાના અભિપ્રાય જોવા મળ્યા હતા. એક ભાઈએ લખ્યું હતું, ‘આ માણસ પાગલ છે. તેની નિંદા થવી જોઈએ. એક માણસ પાગલ હોય તો બધા લોકોએ પાગલ થઇ જવું જોઈએ! રજા ન લેવી તે વાતનું મહિમા મંડન કેવી રીતે થાય?’ બીજા કોઈકે મજાક કરી કે, ‘પત્નીથી ત્રાસેલો હશે!’
એક તરફ દુનિયામાં કર્મચારીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે સપ્તાહમાં 3 દિવસ રજા રાખવાની વિચારણા ચાલી રહી છે ત્યારે તેજપાલના રેકોર્ડે નવી ચર્ચાને જન્મ આપ્યો છે; વર્કોહોલિઝમ ખરાબ છે કે સારું?
મોટા ભાગના લોકો સંમત થશે કે વર્કહોલિક હોવું એ ખરાબ બાબત છે. આલ્કોહોલિક (આલ્કોહોલના બંધાણી) શબ્દમાંથી બનેલો આ શબ્દ પોતે જ એક વ્યસનનો ઘોતક છે, પરંતુ હકીકત એ પણ છે અમેરિકન જેવા વ્યવસાયિક દેશમાં તે સામાજિક રીતે સ્વીકાર્ય છે – પુરસ્કૃત પણ છે.
આપણે વર્કહોલિક વ્યક્તિની એવી કલ્પના કરીએ છીએ જે વેરણછેરણ ઓફિસમાં તેના ટેબલ પર માથું નમાવીને પસીને રેબઝેબ હિસાબો કરતો હોય અને આખી ઓફિસ ખાલી થઇ ગઈ હોય તો પણ એક વાર માથું ઊંચું કરીને ઘડિયાળમાં ના જુવે! તેને હાઈ બ્લડ પ્રેસર હોય, વારંવાર બાથરૂમ જવું પડતું હોય અને તે ક્યારે ય હસતો ના હોય.
પરંતુ લાંબા સમય સુધી કામ કરવું વર્કહોલિક હોવાની નિશાની છે? હકીકતમાં, એવા કર્મચારીઓના પણ દાખલા છે જે લાંબા કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ રાતોરાત માનસિક રીતે ‘રિચાર્જ’ કરવામાં સક્ષમ હતા અને તેઓ તેમના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતા ન હતા. જો કે જે લોકો લાંબા કલાકો સુધી કામ કરતા હતા અને ફરજિયાત કામ કરવાની માનસિકતા ધરાવતા હતા તેમને મેટાબોલિક સિન્ડ્રોમ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હતું.
જો તમે લાંબા કલાકો સુધી કામ કરતા હોવ, સતત કામની ચિંતા કરતા હોવ, તેમાં સ્વીચ-ઓફ કરી શકતા ના હોવ, રાતે જલદી ઊંઘી શકતા ના હોવ, તો કામ કરવાની આ બિનતંદુરસ્ત ટેવ છે.
વર્કહોલિક્સ બે પ્રકારના હોય છે; એક, જે તેમના કામથી સંતુષ્ઠ ના હોય અને મજબૂરીમાં ઢસડબોળો કરતા હોય. હાઈ બ્લડ પ્રેસર, હાઈ બ્લડ સુગર, ઊંચું કોલેસ્ટ્રોલ, મેદસ્વી કમ્મર જેવાં મેટાબોલિક સિન્ડ્રોમની દૃષ્ટિએ તેમનામાં નબળાં સ્વાસ્થ્યના સંકેતો હોય છે.
જે વર્કહોલિક્સ તેમના કામ ખૂબ મગ્ન અને પરિપૂર્ણ હોવાનો અહેસાસ કરતા હોય તે તંદુરસ્ત હોય છે. તેઓ લાંબા કલાકો કામ કરે કે ખૂબ મહેનત કરે કે કામને લઈને દબાવમાં રહે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમનામાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ એટલું જ હોય છે જેટલું તે એક 9થી5ની નોકરી કરતાં કોઈ બિન-વર્કહોલિક કર્મચારીમાં હોય.
હકીકતમાં, વર્ક અને લાઈફ વચ્ચે સંતુલન જેવું કશું હોતું નથી. આપણે જે સમયમાં જીવીએ છીએ તેમાં રોજે ચોક્કસ સમયે મગજને કામ કરવામાંથી બંધ કરી દેવું શક્ય નથી. અસલમાં, કોરોનાની મહામારી તો કામને ઓફિસમાંથી ઘરે લઇ આવી હતી.
એ સાચું કે કામની સાથે પારિવારિક જીવનનું પણ એટલું જ મહત્ત્વ જાળવાવવું જોઈએ, પરંતુ કામનું જીવન ક્યાં પૂરું થાય છે અને પરિવારનું જીવન ક્યાં શરૂ થાય છે તેની કોઈ નિશ્ચિત સીમા રેખા નથી. આપણે પરિવાર સાથે હોઈએ અથવા પાર્ટી કરતા હોઈએ ત્યારે પણ મગજના બેકગ્રાઉન્ડમાં ક્યાંક કામના પ્રશ્નો કે મુદ્દાઓ ચાલતા જ હોય છે અને તે ખોટું પણ નથી.
અસલ જીવનમાં દરેક વ્યક્તિની આગવી પરિસ્થિતિ અને જરૂરિયાતો હોય છે અને તે રીતે તે તેની જિંદગી અને કામ સાથે મેળ બેસાડે છે. એમાં બીજા કોઈનાં ઉદાહરણો કામ આવતાં નથી. કામ એ આપણા પરિવારો, મિત્રો, શોખ વગેરે જેટલું જ જીવનનો એક ભાગ છે. આ બધી બાબતોને સંતુલિત કરવાથી જ આપણે ખુશી મેળવીએ છીએ.
હવેની દુનિયામાં તો કામ કરવાની, કશું શીખવાની અને કશું બદલવાની એટલી જુદી જુદી રીતો ઉપલબ્ધ છે કે કામને નફરત કરવી કે પછી કામ માટે અંગત જીવનનું બલિદાન આપવું એ કોઈ અસલી સમસ્યાને બદલે માનસિકતાનો પ્રશ્ન વધુ છે.
વધુ વ્યવહારુ અભિગમ એવો હોવો જોઈએ જેમાં કામ જીવન હોય અને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ? અને જીવનને આપણે એક કામ તરીકે ના લેતા હોઈએ તો તેમાં સફળતા કેવી રીતે આવે? કોઈપણ કામ હોય, અને એમાં માત્ર પૈસા કમાવાની વાત નથી, તે જીવનનો જ હિસ્સો છે.
આપણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને કે ઘર-પરિવારને અવગણીને કામમાં રચ્યાં પચ્યા રહીએ (જો કે એવી આર્થિક મજબૂરીવાળા પણ લાખો લોકો છે), તો એ નિશ્ચિતપણે હાનિકારક છે, પરંતુ કામ કરવાની માનસિકતા હોવી, કામમાંથી આનંદ મેળવવો, કામ કરીને આપણી આવડતને વધુ બહેતર બનાવવી, કામ કરીને કેરિયરમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી એ એકદમ ઇચ્છવા યોગ્ય સ્થિતિ છે.
વર્કોહોલિઝમ ત્યારે ખરાબ કહેવાય, જ્યારે એમાંથી ખુશી મળતી બંધ થઈ જાય અને ઘાંચીના બળદની જેમ આપણે ગાળામાં કામનો ઘંટ પહેરીને નિરુદ્દેશ ગોળ-ગોળ ફરતા રહીએ.
આપણે જો કામમાં સૌથી વધુ ખુશ રહેતા હોઈએ અને એ કામ જો આપણી આસપાસનાં ચાર કે ચારસો લોકોના જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરતું હોય, તો તેનાથી ઉત્તમ બીજું કશું નથી. કામ આપણને આપણા વિચારો અને લાગણીઓના સીમિત દાયરામાંથી બહાર કાઢે છે અને મોટા લક્ષ્ય સાથે જોડે છે. કામ આત્મસન્માન અને અત્મસંતુષ્ટિનો મહત્ત્વનો સૉર્સ છે. એવા વર્કોહોલિક હોવું સારું કહેવાય.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 17 માર્ચ 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર