સ્ક્રીન પર સિંહરાજાના અંતિમ દિવસોના દર્શાવાતા વીડિયો સાથે
દર્શકોને સંબોધતા ઉત્સાહભેર ભાષ્ય તમે ચાલુ કરો છો —
“મારા જીવનનું સૌથી કરુણાજનક આ દૃશ્ય હતું.
આ વયોવૃદ્ધ સિંહરાજા એનાં જીવનના
છેલ્લાં ચાર દિવસોમાં શું શું અનુભવશે?
આ દૃશ્ય જોયા બાદ પ્રકૃતિની અજાયબી પર વિસ્મય થાય છે.
સામાન્યપણે જાજરમાન સિંહરાજાઓનો ઠસ્સો આપણે જોતાં હોઈએ છીએ
એને બદલે આપણી નજર સામે આ વયોવૃદ્ધ સિંહરાજા
હાડપીંજર જેવો પાતળો અને ભારે હાંફતો દેખાય.
પાયાની લડવાની ક્ષમતાની પણ સમસ્યા છે એને.
અંતનો અણસાર એને કદાચ આવ્યો હોય એમ
સિંહરાજાએ આરામના અંતિમ સ્થળ તરીકે
પસંદ કર્યું છે આ ઘટાદાર વૃક્ષ.”
મરણના આરે પહોંચેલા સિંહરાજાને
વીડિયોગ્રાફર બતાવતો જાય છે હરખભેર ક્લોઝઅપમાં
અને ઉત્તેજિત અવાજે તમે બોલતા જાવ છો —
“એના કૃષ થઈ ગયેલા પેટ પરથી ખ્યાલ આવે છે કે
કેટલા ય દિવસથી એ ભૂખ્યો છે.
શરીર સાવ ક્ષીણ થઈ ગયું હોવાથી શિકાર કરવાની ક્ષમતા નથી રહી.
આ ગળાકાપ સવૅના*માં વધ્યોઘટ્યો શિકારે ય ક્યાં સહેલાઈથી મળે છે?”
વીડિયોગ્રાફર ૩૬૦ ડિગ્રી કૅમૅરા ફેરવતો જાય અને તમે બોલો —
“આ ઘડીએ સિંહરાજાને વૃક્ષ નીચે શાંતિથી પડ્યા રહેવું છે
અને એની સામે એક વખતે ગર્જના કરતા સવૅનાને નિરખ્યા કરવું છે ફક્ત.”
શિકાર કરવા લાયક નથી એટલે ભૂખ ના હોય?
ભર પેટ ખાધા પછી શાંતિથી પડ્યા રહેવાની જરૂર લાગે એવું એને મન છે?!
કેટલી મૂર્ખામીથી આવું માની લીધું તમે! કહેવું પડે!
દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ આગળ ચાલે છે:
“વીડિયોગ્રાફર બીજા દિવસે ગયા ત્યારે
સિંહરાજા એ જ મુદ્રામાં પડેલા દેખાયા.
અત્યંત નિર્બળ થઈ ગયેલા કેટલા ય દિવસોથી
પાણીના એક ટીપા વગર.
શિકારી કૂતરો જો આવી ચઢે તો કદાચ આસાનીથી એનો શિકાર કરી શકે.
સિંહો મહદઅંશે એકાકી જીવન જીવતા હોય છે,
મોટા ભાગનો એમનો સમય રણમેદાનમાં પસાર થતો હોય છે
અને જૂજ સિંહો જ કુદરતી રીતે વૃદ્ધ થાય છે.
એ પરિપેક્ષ્યથી આ સિંહ નસીબવાન છે.
જો કે આ ઘડીએ પડ્યા રહેવા માટે પણ
એને વૃક્ષના થડનો ટેકો લેવાની ફરજ પડતી હોય.
આમ છતાં એણે માથું હજુ ઊંચું રાખેલું છે.
કૅમૅરાના લૅન્સમાંથી એ કહેવું મુશ્કેલ છે
કે એના મગજમાં શું ચાલતું હશે?
પરંતુ એની નજરમાં પરખાય છે કંઈ કેટલી ય કહાનીઓ.
ત્રીજે દિવસે સિંહરાજા હજુ ત્યાં જ પડેલો છે.
હવે પેટ પર સૂવાની શક્તિ પણ રહી નથી.
માત્ર પંજા અને માથું થોડાંઘણાં હલાવી શકે છે.
વીડિયોગ્રાફરને બીજા દિવસે લાગતું હતું કે સિંહરાજા રાત નહીં કાઢે.
અણધારી રીતે સિંહરાજા નિર્ધારપૂર્વક ત્રીજા દિવસ સુધી ટકી રહ્યાં.
ચોથા દિવસે વીડિયોગ્રાફર ફરી ગયા ત્યારે
સિંહરાજા પ્રાણ ત્યાગી ચૂક્યા હતા.
સવૅનાના એક સમયના પ્રભાવશાળી સિંહરાજા
વૃદ્ધત્ત્વના ભાગ્યથી છટકી ન શક્યા.
કદાચ એનો અંતિમ અફસોસ એ હશે કે એની સિંહણ અને સંતાન
એના પડખે નહોતા નહીં તો યથાર્થ અંત હોત.
અંત બાદ નવી શરૂઆતની કહાનીઓ સવૅનામાં દરરોજ સર્જાય છે.
આ જ સવૅનાનું આકર્ષણ છે.”
આટલું કહી તમે વિરમો છો.
અમને પણ સવાલ થાય છે.
આ દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ
ઉત્સાહભેર દર્શાવી સિદ્ધ શું કર્યું તમે?
રોકડી કરી એ જીવની પીડાની?
વાહ વાહ મેળવવા?
ના એને ખાવા આપ્યું
ના પાણી પાયું
નશ્વર તમે પોતે
નીકળ્યા અમર બનાવવા એને?
શીદ ને એની કબર પર મંડ્યા મહેલ ચણવા તમે?
*સવૅનાઃ આફ્રિકાના ઘાસ મેદાન
e.mail : rupaleeburke@yahoo.co.in