અનેક અટકળો વચ્ચે મોડે મોડે પણ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ને એ સાથે જ આચાર/લાચાર સંહિતા પણ લાગુ થઈ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની છે ને એની ચૂંટણીનું ભગીરથ કાર્ય ચૂંટણી પંચને માથે આવ્યું છે. ચૂંટણી પંચનાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થવાની જાહેરાત કરી છે. પહેલો તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે ને સાતમા તબક્કાની ચૂંટણી 1 જૂને પૂરી થશે. 21 રાજ્યોમાં 1 જ તબક્કે મતદાન થશે, જ્યારે યુ.પી., બિહાર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 7 તબક્કામાં મતદાન થશે. ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો પર 7 મેએ મતદાન થશે ને એ જ દિવસે વિધાનસભાની 5 બેઠકો પર પણ મતદાન સંપન્ન થશે. ભારતના કુલ 96.88 કરોડ મતદાતાઓ 55 લાખ ઇ.વી.એમ. પર, 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર મતદાન કરશે ને 1.5 કરોડ કર્મચારીઓ મતદાનની વિધિ સંપન્ન કરાવશે. મતદાતાઓમાં 49.72 કરોડ પુરુષો હશે ને 47.15 કરોડ મહિલાઓ હશે, તથા 1.82 કરોડ મતદાતાઓ પહેલી વખત મતદાન કરશે. 85થી વધુ ઉંમરના મતદાતાઓ તથા 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદાતાઓ ઘરેથી મતદાન કરી શકશે. ગુજરાતની વાત કરીએ તો હજી બંને પક્ષના 21 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. માત્ર ગુજરાતનાં જ 4.94 કરોડ મતદાતાઓ મતદાન કરશે. ગુજરાતમાં જ 10,322 એવા મતદાતાઓ છે જેમની ઉંમર 100થી વધુ વર્ષની છે. રહી વાત સુરતની તો 4,476 મતદાન મથકો પર 48,23,163 મતદાતાઓ મતદાન કરશે, જેમાં 25.23 લાખ પુરુષો અને 21.84 લાખ સ્ત્રીઓ હશે. 4 જૂને 543 સીટોનાં ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.
81 દિવસ લાગુ થનારી આચાર સંહિતાની સાથે જ શું ન થઈ શકે એની મોટા ઉપાડે ચૂંટણી પંચે જાહેરાત કરી છે, પણ તેનો અમલ રાજકીય પક્ષોએ કરવાનો હોય છે ને તે કેટલો થાય છે તે સૌ જાણે છે. બીજી મહત્ત્વની વાત એ કે 81 દિવસ આચાર સંહિતા લાગુ થવાને કારણે લગભગ બધાં જ સરકારી કામો ઠપ થઈ જતાં હોય છે. એક તરફ અતિશય ખર્ચાળ ચૂંટણી ને બીજી તરફ લગભગ ત્રણેક મહિના સરકારી કામકાજની બંધી, આ બંનેની અસર થયા વગર રહેતી નથી. આ સ્થિતિમાં સુધાર થયો નથી ને થતો નથી તે ચિંત્ય છે. આમ તો એનો સીધો રસ્તો એ છે કે ચૂંટણી ઓછા તબક્કાઓમાં ને ઓછામાં ઓછા સમયમાં થાય, પણ એ તો થાય ત્યારે ખરું. બીજો એક રસ્તો તે વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે થાય તે છે. આ વખતે આંધ્ર, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડીસા વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થઈ રહી છે તે પરથી ભવિષ્યમાં પણ અન્ય વિધાનસભાઓ સંદર્ભે વિચારી શકાય. ચાર વિધાનસભાની ચૂંટણી જો લોકસભાની ચૂંટણી સાથે થઈ શકતી હોય તો બધી વિધાનસભાની પણ થઈ જ શકે. એટલીસ્ટ, કોશિશ તો થઈ જ શકે.
આચાર સંહિતાનું તો એવું છે કે રાજકીય પક્ષો છટકબારીઓ શોધીને ધારેલું કરી જ લેતા હોય છે. જેમ કે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે જાતિ-ધર્મને નામે ઉશ્કેરશો તો પગલાં લઈશું ને આ વખતે ઠપકો આપીને છોડી નહીં મુકાય, પગલાં જ લેવાશે. ચૂંટણી પંચ દ્વારા એવું ભારપૂર્વક કહેવાયું છે. સાંભળવામાં આ બધું સારું લાગે છે, પણ પ્રચારમાં કઈ જાતિ કે ધર્મને ટાર્ગેટ કરાય છે તે જગજાહેર છે. જોઈએ, આવનાર પચાસેક દિવસમાં કેવો પ્રચાર થાય છે ને તેનો પંચ કેવોક પડઘો પાડે છે ! જાહેરાતો તો એવી પણ થઈ છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકાશે તો તેને રોકવામાં આવશે કે નાણાંની હેરાફેરી રોકવાના પ્રયત્નો પણ થશે. કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા તો રોકી શકાય એમ નથી, કારણ એવું થાય તો મોટે ભાગના ઘરે બેસે, પણ એવા ઉમેદવારો માટે ચૂંટણી પંચે એવી સગવડ કરી છે કે ઉમેદવારે પોતે કલંકિત છે એવી ત્રણ વખત અખબારોમાં જાહેરાત આપવી પડશે. પંચ પણ કેવું કરમુક્ત મનોરંજન પૂરું પાડે છે, નહીં? કલંકિત ઉમેદવાર એક વાર નહીં, ત્રણ ત્રણ વખત છાપાંમાં જાહેરાત આપે તો એ પગ પર કુહાડો નહીં, કુહાડા પર પગ મારે છે એમ જ માનવું પડે. એવી તો ઘણી વાતો છે જેમાં અગાઉ ચૂંટણી પંચે ઉદારતા દાખવી છે ને એનો લાભ ઉમેદવારોએ/પક્ષોએ લીધો છે.
આમ જોઈએ તો આ વખતનો ચૂંટણી જંગ એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ વચ્ચેનો છે. ભા.જ.પ. અને તેના સાથી પક્ષોનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંભાળે છે, જ્યારે ઇન્ડિયામાં કોઈ એકનું નેતૃત્વ સ્પષ્ટ નથી. 28 વિપક્ષોનું ગઠબંધન ઉત્તરોત્તર વિખેરાતું રહ્યું છે. એક તબક્કે જેટલા વિપક્ષી નેતાઓ એટલા વડા પ્રધાન પદના દાવેદાર – એવી સ્થિતિ હતી. મમતા બેનરજી જેવી તૃણમૂલ કાઁગ્રેસની સક્ષમ મુખ્ય મંત્રીએ ગઠબંધન છોડ્યું ને 42 સીટો પર સ્વતંત્ર રીતે લડી લેવાનું નક્કી કર્યું. આ પગલું એટલે પણ સફળ ન થાય એમ બને કે સંદેશખાલી પ્રકરણે પશ્ચિમ બંગાળની ભીષણ વાસ્તવિકતાને ઉઘાડી કરી દીધી છે. વધારામાં ચૂંટણી બોન્ડમાં કાઁગ્રેસને પાછળ મૂકીને તૃણમૂલ કાઁગ્રેસ બીજા નંબરે છે તે પણ સૂચક છે. એ જ પ્રમાણે ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ રકમ અંકે કરીને ભા.જ.પ. પહેલે નબરે છે તે વાત પણ તેની તરફેણમાં કેટલી જાય તે વિચારવાની રહે. આમ તો ચૂંટણી બોન્ડ વધુ પારદર્શિતા માટે શરૂ કરાયા, પણ એ પણ રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠ અને લાભાલાભને જ ખુલ્લાં કરે છે, બલકે, બીજા શબ્દોમાં કહીએ તો તેનું રક્ષણ કરે છે એમ પણ ખરું.
બિહારના નીતીશકુમારની અનીતિ એ જ નીતિ રહી છે. ભા.જ.પ. અને નીતીશ એકબીજાને ભરપૂર ધિક્કારી ચૂક્યા પછી એકબીજામાં ફરી ભળી-ગળી ગયા છે. રાજકારણમાં કોઈ સિદ્ધાંત કે નીતિ જરૂરી નથી એટલે આ બધું હવે શક્ય છે. એક તબક્કે નીતીશ, ઇન્ડિયાનું નેતૃત્વ કરે એવી સ્થિતિ હતી, પણ હવે તો તેમને જ ભા.જ.પ. સંભાળે એવી સ્થિતિ છે. કાઁગ્રેસ અને અખિલેશ યાદવે માયાવતીને વડા પ્રધાનપદની ઓફર સાથે 25 બેઠકો ધરી, પણ માયાવતીએ એ ઓફર ઠુકરાવી. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે, બિહારમાં તેજસ્વી અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ રાહુલ ગાંધી સાથે દોસ્તીદાવ અજમાવી રહ્યા છે, પણ ભા.જ.પ. સામે એમનો પનો ટૂંકો જ પડી રહ્યો છે તે એમને ય ખબર છે. સાચું તો એ છે કે ઇન્ડિયા ગઠબંધન પાસે ભા.જ.પ. સામે વન ટુ વન મૂકી શકાય એવાં માથાં જ નથી. રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં છે એટલો રસ કદાચ ચૂંટણીમાં નથી, એટલે ભા.જ.પ. સામે સક્ષમ એવો વિપક્ષ જ લગભગ નથી.
આમ તો કૈં ન કરે તો પણ ભા.જ.પ.ને જીતવા બહુ મહેનત કરવી પડે એમ નથી. વિપક્ષોનો કુસંપ જ ભા.જ.પ.ને વિજયી બનાવવા પૂરતો છે. એની સામે 370 નાબૂદી, સી.એ.એ., રામમંદિર, મહિલાઓને 33 ટકા અનામત જેવા ઘણા મુદ્દા ભા.જ.પ.ને જમા પક્ષે છે. એ સ્થિતિમાં ભા.જ.પ. 370 અને એન.ડી.એ.ના બીજા 39ની જીતનો દાખલો ગણે તો એ ખોટો પડે એવું લાગતું નથી. ભા.જ.પે. દક્ષિણના રાજ્યો પર વધારે ધ્યાન આપવાનું રહે. તેણે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના તેલુગુદેશમ્ સાથે અને કર્ણાટકમાં જનતા દળ યુનાઈટેડના દેવેગૌડા સાથે ચૂંટણીનું ગઠબંધન કર્યું છે. એ દિશામાં જ ભા.જ.પે. વધુ સક્રિય રહેવું પડે. એ ખરું કે ભા.જ.પે. હિંદુત્વની મતબેન્ક મજબૂત કરી છે. જો કે, વિપક્ષો પાસે પણ મોંઘવારી, બેકારી, ગરીબીના મુદ્દા છે જ, પણ દેશ સામે ધરી શકાય એવું સર્વસંમત માથું નથી ને એ તેને કોઈ ચમત્કાર વગર જીત અપાવે એવું લાગતું નથી.
હજી ઘણા દિવસો ચૂંટણીને છે ને રાજકીય પક્ષો જીતવા માટે શક્ય તે બધું જ કરી છૂટશે. દરેકને માટે જીત એ જ એક માત્ર લક્ષ્ય હશે. તે કેવી રીતે જીતાય છે, તેનું મહત્ત્વ નથી. તે જીતાય તે જ મહત્ત્વનું છે. એને જીતાડનાર પ્રજા છે. પ્રજાએ અણધાર્યાં પરિણામો પણ આપ્યાં જ છે. એ પરિણામોમાંનું એક તે 2014નું પરિણામ છે. આ એ જ પ્રજા છે જેણે દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને બદલ્યું હતું ને તે વખતના વિપક્ષી ભા.જ.પ.ને સત્તા સોંપી હતી. 2024માં સ્થિતિ એ છે કે પ્રજાએ શાસન બદલવું હોય તો પણ સામે કોઈ એવું નથી જેના પર ભરોસો મૂકી શકાય. લોકશાહીમાં વિપક્ષ સબળ ન હોય તો ભવિષ્યમાં ચૂંટણી જ ન આવે એવા દિવસો પણ આવી શકે છે. વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 માર્ચ 2024