મંગલ એટલે જંગલનું સંતાન. પહાડ, ઝરણાં, ખેતર અને તળાવ – આ જ બધું હતું એનું જીવન. જંગલમાં ગયા વિનાનો એનો એક્કે દિવસ ન જાય. જંગલનાં ઝાડ-પાન, પશુ-પંખી, અરે! જંગલના એક એક વળાંકને એ ઓળખતો. એની પત્ની શુકરી એને કહેતી, ‘તું તો પહેલેથી જંગલને પરણેલો જ હતો તો મારી સાથે શું કામ પરણ્યો?’
‘તને પરણ્યો કેમ કે, હું તને ચાહું છું પણ જંગલની તો હું પૂજા કરું છું.’
સાચે જ, મંગલ જંગલનાં વૃક્ષોને ભગવાન માનીને એમની પૂજા કરતો. લાકડાં એકઠાં કરવા ભલે ઝાડની ડાળીઓ કાપવી પડે પણ થડ પર કદી ય કુહાડી ન મારતો. પોતાના સાથીદારોને ય સમજાવતો, ‘આ ઝાડ તો જંગલની રખેવાળી કરે છે. આપણને સૌને પાળે-પોષે છે. એની રક્ષા કરવાની આપણી ફરજ છે. મહેરબાની કરીને એનો નાશ ન કરો.’
વૃક્ષો પ્રત્યેના પૂજ્યભાવને કારણે એ સવાર-સાંજ વૃક્ષોને વંદન કરતો. એનું આવું વર્તન જોઈને બધા મજાક ઉડાવતા, ‘આ મંગલિયાનું મગજ ચસકી ગયું લાગે છે. એને ભાન નથી કે, સરકારે આ આખું જંગલ એક પરદેશની કંપનીને વેચી દીધું છે. હવે જંગલ સાફ કરીને અહીં કારખાનું નખાશે.’
‘આપણી જેમ એક ઝાડ કાપવાના પાંચસો રૂપિયા ચુપચાપ ખિસામાં મૂકી દેતો હોત તો અત્યાર સુધીમાં તૂટેલાં-ફૂટેલાં ઝૂપડાંને બદલે પાકું ઘર બનાવી લીધું હોત.’
પણ મંગલમાં સાચે જ એવી ગતાગમ નહોતી. એ તો સામી છાતીએ કોંટ્રાક્ટરને કહેવા જતો, ‘કપાવી તો જુઓ જંગલ! અમારા બાવડામાં એટલું જોર છે કે, તમારા માણસોને ભોંયભેગા કરી દઈએ. અમે એવા બાણાવળી છીએ કે, અમારા ધનુષમાંથી નીકળેલું તીર બરાબર નિશાન પર જ વાગે.’
કોંટ્રાક્ટર જોરથી હસીને કહેતો, ‘વાહ રે બાણાવળી! જરા તારા દોસ્તોને પૂછી તો આવ કે તને સાથ દેવા કોણ તૈયાર છે? ને હવે તીર-કામઠાંનો નહીં, રિવોલ્વર ને મશીનગનનો જમાનો છે, સમજ્યો?’
શુકરીને પણ લાગતું કે, નક્કી મંગલને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે. મારે કોઈ ભગત-ભૂવા પાસે જવું પડશે. ભગતને જઈને પૂછીશ કે, ‘જુઓને, આને હું થ્યું છે? જંગલ કપાતું જોઈને ક્યારેક રડવા લાગે છે તો ક્યારેક વળી દાંત કચકચાવીને ગુસ્સે થાય છે.’ એ રોજ કાલે જઈશ, કાલે જઈશ એમ વિચારતી પણ એના પેટમાં મંગલની નિશાની હતી. જ્યારથી એને ખ્યાલ આવ્યો કે, મહિના રહ્યા છે ત્યારથી એ વિચાર્યા કરતી કે, પોતાનો ધણી જંગલમાં એકલો એકલો ઉદાસ બેઠો હશે ત્યારે જઈને આ વાત કરીશ. આ સાંભળીને જરૂર એના મનમાં મોહ-માયા જાગી ઊઠશે.
શુકરીની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે બાજુના ખોરડા વાળા શામુએ દોડતા આવીને ખબર આપી કે, ‘મંગલે એવું તાકીને તીર ચલાવ્યું કે, કોંટ્રાક્ટર ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. એના હાથમાં બેડી નાખીને પોલીસ એને પકડી ગઈ.’
ખલાસ! શુકરી ને એની સાસુને માથે આભ તૂટી પડ્યું. એ બેઉનું કલ્પાંત જોઈને કિશોરને દયા આવી ગઈ. એ મંગલના પિતરાઈનો દીકરો હતો અને શહેરમાં રહીને ભણતો હતો. એ આ સાસુ-વહુને આશ્વાસન આપવા આવ્યો.
‘ચિંતા ન કરો. હું કાલે જ પાછો શહેરમાં જવાનો છું. એક હોશિયાર વકીલને ઓળખું છું. ભલભલા ગુનેગારને એ નિર્દોષ છોડાવે છે. મંગલકાકા પણ જરૂર પાછા આવશે.’
મહાંતી વકીલ ખરેખર બાહોશ હતા. એણે મંગલને બરાબર પટ્ટી પઢાવી. ‘કોઈ ગમે તેટલું પૂછે, તારે ફક્ત એટલું જ કહેવાનું કે, મને નથી ખબર.’
શુકરી જેલમાં મંગલને મળવા આવી ત્યારે એના હાલ-હવાલ જોઈને રડી પડી. પચીસ વર્ષનો મજબૂત બાંધાનો એનો પતિ આટલા દિવસમાં પંચાવનનો લાગતો હતો. છાતીની પાંસળીઓ દેખાતી હતી અને કાળા ભમ્મર વાળ સફેદી પકડવા લાગ્યા હતા. એને રડતી જોઈને મંગલે કહ્યું, ‘મારી ફિકર કરજે મા. હું મજામાં છું. બસ, તું મારી માને ને તારા પેટમાં આપણું બચ્ચું છે એ બેયને સાચવજે. હું જલદી પાછો આવીશ.’ શુકરીએ જેલના સળિયામાંથી હાથ નાખીને મંગલનો હાથ પકડ્યો અને પોતાના પેટ પર મુકાવીને સોગંદ આપ્યા કે, એ વકીલના કહેવા મુજબ જ કોર્ટમાં બોલશે.
કેસ ચાલ્યો ત્યારે મહાંતીએ જોરદાર દલીલો અને કેટલા ય સાક્ષીઓ દ્વારા પુરવાર કરવાની કોશિશ કરી કે, ‘મંગલ ઘટનાના દિવસે જંગલમાં ગયો જ નહોતો. એ તો કંઈક ખરીદી કરવા બાજુના ગામમાં ગયો હતો.’
સાચું બોલી દેવા મંગલના હોઠ ફફડતા હતા પણ વકીલનો ઈશારો સમજીને એ ચૂપ થઈ ગયો ને વળી શુકરીને આપેલા સોગંદ પણ એને રોકતા હતા. મહાંતીની દલીલોના જવાબમાં સામા પક્ષના વકીલ ઊભા થયા અને મંગલ તથા બીજા વનવાસીઓની એમણે ઝાટકણી કાઢવા માંડી.
‘યોર ઓનર, આ લોકો ભલા-ભોળા દેખાય છે પણ હકીકતમાં મહા પાખંડી છે. આ જે આરોપીના પાંજરામાં શાંતિથી ઊભો છે એ એક નર પિશાચ છે. માણસને મારવા એ તો એમનો ડાબા હાથનો ખેલ છે.’ એમણે પોતાની પાસેના કાગળિયા આત્મવિશ્વાસથી રજૂ કરતા કહ્યું, ‘નામદાર કોર્ટને માલુમ થાય કે, આ ગરીબડો દેખાતો આદિવાસી એક ખુંખાર માઓવાદી ટોળકીનો સભ્ય છે. મારી વાતને ટેકો આપતા પુરાવા મેં આપ સમક્ષ રજૂ કર્યા છે.’
એક વિજયી સ્મિત સાથે મંગલની આંખમાં આંખ નાખી એમણે પૂછ્યું, ‘એક જીવતા-જાગતા માણસ પર તીર ચલાવીને એની હત્યા કરતી વખતે તને એવો વિચાર ન આવ્યો કે, એનામાં જીવ છે?’
મંગલે ધીમેથી કહ્યું, ‘આવ્યો હતો ને સાહેબ!’
‘એનામાં જીવ દેખાયો તે છતાં તેં એની હત્યા શા માટે કરી?’
મંગલ જોરથી હસી પડ્યો અને બોલ્યો, ‘કેવી વાત કરો છો સાહેબ? મને કોંટ્રાક્ટરમાં જીવ ન દેખાય એ મારો ગુનો, પણ તમને સૌને આટલાં બધાં ઝાડમાં જીવ ન દેખાય અને તમે એની હત્યા કરો એનું કંઈ નહીં?’
ચુકાદો લખવા જતા ન્યાયાધીશના હાથમાંથી કલમ ક્યારે પડી ગઈ એનું એમને ધ્યાન ન રહ્યું.
(બિજય નાયકની ઓડિયા વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 24