વ્યક્તિ વિશેષ
(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.)
જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો.
‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો પાઠ રહેંટ ચલાવતાં ચલાવતાં થતો હતો. એક વાર જયપ્રકાશજી મને મળવા આવ્યા. તે દિવસોમાં અમારો વિચારભેદ હોવા છતાં તેઓ મારી સાથે રહેંટ ચલાવવામાં જોડાઈ ગયા. તેઓ ઘણી પ્રેરણા લઈને ગયા. (જે.પી.એ કહ્યું હતું, “મેં ત્યાં પ્રકાશનું કિરણ જોયું. વિનોબા સાથે એમની એ પહેલી મુલાકાત હતી.)
જયપ્રકાશજી વિદ્યાપ્રાપ્તિ માટે અમેરિકા ગયા હતા. અહીંથી પૈસા લઈને ગયા નહોતા. ત્યાં એમણે મજૂરી કરી. હૉટેલ વગેરેમાં કામ કર્યું, પૈસા કમાયા અને અધ્યયન કર્યું. બિલકુલ મામૂલી મજદૂરી કરી. આ રીતે એમના જીવનમાં પુરુષાર્થની પ્રેરણા હતી. જેઓ કષ્ટ સહન કરીને વિદ્યા મેળવે છે તેઓ જીવનમાં ક્યારે ય હારતા નથી.
જયપ્રકાશજીએ સાહિત્ય ખૂબ વાંચ્યું હતું. એને પચાવ્યું હતું. પરંતુ એમને લાગ્યું કે ઈશ્વર વગર ‘ગુડનેસ’(ભલાઈ)ને માટે ‘ઇન્સેન્ટિવ’ (પ્રેરણા) નથી થતી. દુનિયામાં પરિશુદ્ધ ચૈતન્ય વ્યાપ્ત છે. તે જ પરમાત્મા છે. એ વ્યાપક પરિશુદ્ધ ચૈતન્ય સાથે જ આ પિંડના ચૈતન્યનો સંબંધ થવાથી આ ચૈતન્ય શુદ્ધ બને છે.
જયપ્રકાશજીની બે-ત્રણ વિશેષતાઓ હતી. પહેલાં ચર્ચા ચાલતી હતી કે જવાહરલાલજી પછી પ્રધાનમંત્રી કોણ બનશે ? ત્યારે જયપ્રકાશજીનું જ નામ લેવાતું હતું. પણ જયપ્રકાશજીએ ક્યારે ય સત્તા હાથમાં લીધી નહીં. સત્તાની ઇચ્છા એમને નહોતી. લોકોએ એમને ‘લોકનાયક’નું બિરુદ આપ્યું. પરંતુ એમણે ક્યારે ય પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં. લોકસેવક જ માન્યા.
જો તેઓ ઇચ્છતા હોત તો પ્રધાન મંત્રી કે રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ આવી કોઈ ઇચ્છા એમના મનમાં ક્યારે ય થઈ નહીં. લોકો સાથે એકરૂપ થઈને જ તે લોકોની સેવા કરતા રહ્યા. ગામેગામ લોકોની, ખાસ કરીને ગરીબોની શક્તિ વધે, એ એકમાત્ર એમની ઇચ્છા હતી. તે માટે એમણે આખું જીવન હોમી દીધું. છેલ્લે સુધી દરિદ્રનારાયણની સેવા કરતાં કરતાં એમણે પોતાનું જીવન સાર્થક બનાવ્યું.
બીજી વિશેષતા, તેઓ ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ પતિ-પત્ની બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. રામકૃષ્ણ પરમહંસ બ્રહ્મચારી હતા. એમના લગ્ન કરાવ્યાં તો એમની પત્ની શારદાદેવી બ્રહ્મચારિણી રહ્યાં. એનાથી ઊંધી વાત જયપ્રકાશજીની છે. પ્રભાવતી બાપુની સેવામાં રહેતાં હતાં, બાપુ સાથે નિકટના સંબંધ હતા. બાપુના વિચારોને કારણે પ્રભાવતીજીને બ્રહ્મચર્યની પ્રેરણા મળી હતી અને નિશ્ચય કર્યો. જયપ્રકાશજીએ કહ્યું, ‘હું તમને અનુકૂળ રહીશ.’ આ બિલકુલ સહજ રીતે થયું. ‘મેં કોઈ બહુ મોટી વાત કરી’ એવો અહમ્ નહીં. સહજ નિરહંકારી હતા. આ વાત કોઈને ખબર પણ નહોતી. ગાંધીજીએ કસ્તૂરબાને ‘માતા’ માન્યાં હતાં એ વાત બધાને ખબર છે. રામકૃષ્ણની વાત પણ જાહેર છે. પરંતુ જયપ્રકાશજીની વાત કોઈને ખબર નથી. દુનિયામાં આવાં ઉદાહરણો ઓછાં જોવા મળે છે.
જયપ્રકાશજીની ત્રીજી વિશેષતા હતી, એમની નમ્રતા, સરળતા અને સ્નેહ. એમના અનેક ગુણોનો પ્રભાવ મારા પર પડ્યો છે. એમાં એમના હૃદયની સરળતા મને વધુ પ્રિય હતી.
ગાંધી-નિધિએ ગાંધીજીના શતાબ્દી-મહોત્સવનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. એમાં અધ્યયન મંડળ, પુસ્તકાલય, ખાદી વગેરે અંગે વાતો થઈ હતી. જે.પી. એના સભ્ય હતા. મેં એમનો લેખ વાંચ્યો. એમાં લખ્યું હતું કે “ઘણા કાર્યક્રમ છે. પણ ક્રાંતિકારી કાર્યક્રમ કોઈ નથી. એટલે આ પ્રસંગ પછી ગાંધી-નિધિ પાંચ વર્ષ સુધી ગ્રામદાન અને ખાદીનું કામ ઉપાડી લે. ત્યારે મને યાદ આવી સિંહણની વાર્તા. શિયાળનું બચ્ચું ઘરડી સિંહણની પાસે શૂરાતનની વાતો વધારીને કરવા લાગ્યો. બધું સાંભળ્યા પછી સિંહણે કહ્યું. “નિ:સંદેહ તું શૂરવીર છે. પણ ખેદ એ વાતનો છે કે જે કુળમાં તું જન્મ્યો છે, ત્યાં હાથીનો શિકાર કરવામાં આવતો નથી. ઘણાં કામો શિયાળના આ બચ્ચાના કામ જેવાં થતાં હોય છે. પણ ગાંધીજીના નામે કોઈ કામ કરવું હોય તો એની કસોટી હશે ‘ક્રાંતિ’.
જયપ્રકાશજીનું શરીર થાકેલું હતું. લોકોના આગ્રહને કારણે થોડો સમય આરામને સારુ હિમાલયની ગોદમાં ગયા હતા. એટલામાં બિહારમાં અમારા સાથીઓને નક્સલવાદીઓ દ્વારા ખૂનની ધમકી મળી. એની ખબર જયપ્રકાશજીને મળી. તો તેઓ તરત દોડી આવ્યા. અને એમણે ત્યાં પોતાના જાનની બાજી લગાવી દીધી. નકસલવાદીઓનું કામ શરૂ થઈ ગયું હતું. માલિકોનાં ખૂન શરૂ થઈ ગયાં હતાં. જયપ્રકાશજીનું પણ ખૂન થઈ શકે ! તો તે આશ્ચર્યની વાત નહોતી. જે.પી. ત્યાં ગયા તો કોઈ કહેતા, હવે ક્રાંતિની દિશામાં નવું પગલું મળશે; કોઈ કહેતું, ગ્રામદાનની નવી ટેકનિક મળશે; કોઈ કહેતું, સત્યાગ્રહનો નવો રસ્તો મળશે. પણ આ બધાની કિંમત ઓછી છે. જે સ્નેહ હતો, જેને માટે તેઓ દોડી આવ્યા, તેની કિંમત વધારે હતી.
જે.પી. પોતાનો આરામનો કાર્યક્રમ છોડી, મુસહરી પ્રખંડમાં ગામે – ગામ ફરી રહ્યા હતા, અને હું મારું મગજ બંધ રાખું તે બની શકે નહીં. મેં મારું મગજ ખુલ્લું રાખ્યું. મેં કહ્યું, “જયપ્રકાશજીએ જાનની બાજી લગાવી છે એટલે બાબા ભારતના મધ્યમાં આવીને બેઠા છે. બાબા કચરો ઉઠાવે છે, તો તે પણ એક જપ બની જાય છે. આ સફાઈનું કામ એ બાબાનો મુસહરી પ્રખંડ છે. જયપ્રકાશજી ત્યાં કામમાં લાગ્યા છે અને બાબા અહીંયા. એમની તરફ મારું અભિધ્યાન સતત રહ્યું છે. એ બે-ત્રણ મહિના સ્નેહની મૂર્તિ મારી સામે રહી હતી જયપ્રકાશ બાબુની. મારી ટેવ છે હંમેશાં જલદી સૂવા જવાની, અને મધ્યરાત્રીમાં જાગી જાઉ છું તો કલાક બે કલાક આપણા સાથીઓનું સ્મરણ કરતો રહું છું. એ દિવસોમાં ઘણી વાર જયપ્રકાશજીને યાદ કરતાં મારી આંખોમાંથી આંસુ વહેતાં.
જયપ્રકાશજીનાં કામનો (વિચાર-ભિન્નતા હોવા છતાં) વિરોધ હું નહોતો કરતો. એનું કારણ બતાવીને હું કહેતો: નંબર એક, તેઓ સજ્જન છે. નંબર બે, તેઓ નિ:સ્વાર્થ છે. નંબર ત્રણ, જ્યારે તેમને ભૂલ સમજાશે, ત્યારે તેઓ ભૂલ કબૂલ કરશે અને વાત પાછી વાળી લેશે.
જયપ્રકાશજીએ છેલ્લે નિવેદન કર્યું હતું એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “વિનોબાજીએ આપણી સામે જે આદર્શ મૂક્યો છે, તે અત્યંત વિચારવાલાયક છે. એમાં આપણે આપણી તાકાત લગાવવી જોઈએ. ફક્ત રાજનૈતિક કાર્યથી કામ થશે નહીં, આપણે આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરવું પડશે.
બિહારમાં બાબા અને જે.પી. જ્યારે એક જ સભામાં બોલતા હતા; બાબાનું વ્યાખ્યાન અડધો કલાક થતું હતું અને જે.પી.નું દોઢ-બે કલાક થતું. બંનેનું મેળવી શ્રોતાઓનું સમાધાન થઈ જતું હતું. સર્વોદયવાળામાં એ કહેવત રૂઢ થઈ ગયેલી કે બાબાનું કોઈ પણ વ્યાખ્યાન અડધા કલાકથી વધારે થાય નહીં. અને જયપ્રકાશજીનું કોઈપણ વ્યાખ્યાન બે-અઢી કલાકથી ઓછું થાય નહીં. અને બંનેને સાંભળીને શ્રોતાઓની આકાંક્ષા પૂર્ણ થતી હતી. પણ તે જવાબદારી મારા એકલા ઉપર આવી પડી હતી. કારણ કે જે.પી. બીમાર થઈ ગયા હતા. તેઓ મુંબઈ ગયા હતા અને ટ્રસ્ટીશિપની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે બોલતાં બોલતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા અને બીમાર થઈને પટના પહોંચ્યા હતા.
એ દિવસોમાં જે.પી.ના ચિત્તમાં શાંતિ રહે એવી પ્રાર્થના હું હંમેશાં કરતો હતો. એક સાથી મળવા આવ્યા. મેં એમને લખીને આપ્યું હતું કે, “જે.પી.ને હું રોજ યાદ કરું છું. વળી હું રોજ અહીં ફરું છું, તો મને જે.પી.નાં દર્શન રોજ થાય છે. (વિનોબા કુટિરની પાસે જમીન પરની વિવિધ આકૃતિઓમાં વિવિધ લોકોના ચિત્રની કલ્પના કરતા. એમાં જે.પી. પણ એક હતા.) અમે બંને સાથે જ રહીએ છીએ.
પંડિત નહેરુને ગંગા પર એટલો પ્રેમ હતો કે એમણે કહ્યું કે, “મારી થોડી રાખ દૂર દૂર ખેતરોમાં અને થોડી ગંગામાં વિસર્જન કરજો. જયપ્રકાશજીએ પણ કહ્યું કે, “જલદીથી જલદી મને ગંગાકિનારે લઈ જાઓ. મુંબઈથી બહાર કાઢો. તેઓ તો ભોલેનાથ હતા જ.
અહીંયા (બ્રહ્મવિદ્યા મંદિરમાં) પ્રજ્ઞા પથ પર જયપ્રકાશ અને પ્રભાવતીજીનાં નામ પર કેરીનાં બે ઝાડ છે (જે.પી. – પ્રભાવતીજીએ બંનેએ પોતે જ વાવ્યાં છે). હું રોજ કહું છું, जयप्रभा एकिती, तुलसी रामायण गाती (પ્રભાવતી દીદી રોજ તુલસી રામાયણનો પાઠ કરતાં).
જયપ્રભા સાંભળે છે, તુલસીદાસ રામાયણ ગાય છે. ગીતાઈમાં જયપ્રકાશજીનું નામ આવ્યું છે :
जय मी आणी निश्चय ….
જયપ્રકાશજીનું દેહાવસાન થયું. તેઓ હંમેશાં સૂર્યોદય થતા પહેલાં એક-દોઢ કલાક વહેલા ઊઠતા. આધ્યાત્મિક શબ્દ, સૂત્ર, મંત્ર ગણગણતા રહેતા હતા. અથવા એમને સંભળાવવામાં આવતા હતા. તે દિવસે પણ એવું જ કર્યું. પછી સૂવા ગયા. સવારે પોણા છ વાગ્યે તેઓ ચાલ્યા ગયા. પ્રાર્થના પછી જે ઊંઘમાં જ ચાલ્યા જાય છે તે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જાય છે.
મેં જયપ્રકાશજીને ‘જપુજી’ નામ આપ્યું હતું. એમને જે.પી. કહેતા હતા. હિંદીમાં એનું જ.પ. થાય છે. એને ‘ઉ’ લગાવ્યો. પ્રેમથી ‘જી’ લગાવ્યો તે આદર માટે. તો બન્યો જપુજી. ‘જપુજી’ ગુરુ નાનકનો પ્રખ્યાત ગ્રંથ છે, ગુરુ નાનકનું એક ભજન એમની સ્મૃતિ માટે ઉત્તમ છે.
बिसर गयी सब तात पराई
जब ते साधु-संगत मोंहि पाई
ना को बैरी नाज़ बिगाड़
सकल संगि हमको बनि आई …
સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 08-09