Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—68

દીપક મહેતા|Opinion - Opinion|31 October 2020

૧૯૦૭ની એક સવારે ચર્ની રોડ સ્ટેશન પર ઉતરેલો એ યુવાન કોણ હતો?

ઉછીનો લાવેલ કાળો કોટ પહેરીને કોર્ટમાં જનાર એ યુવાન કોણ હતો?

ઘનશ્યામ વ્યાસના નામે નવલકથા લખનાર એ યુવાન કોણ હતો?

ઈ.સ. ૧૮૮૭ની એક સવારે ચર્ની રોડ સ્ટેશન પાસેથી ૧૮-૧૯ વરસનો એક જુવાન, નામે સરસ્વતીચંદ્ર, ઘર છોડીને, મુંબઈથી દૂર ચાલ્યો ગયો હતો અને પહોંચ્યો હતો ભદ્રા નદી અને સાગરના સંગમ પાસે આવેલા સુવર્ણપુરમાં. બરાબર વીસ વરસ પછી બહાર ગામથી આવતી ટ્રેનમાંથી એ જ ચર્ની રોડ સ્ટેશન પર વીસ વરસનો એક યુવાન ઉતરે છે. નર્મદા નદી અને સાગરના સંગમ નજીક આવેલા ભરૂચ શહેરથી એ આવ્યો છે. તેણે પહેલી વાર મુંબઈમાં પગ મૂક્યો એ અગાઉ ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે સરસ્વતીચંદ્રના સર્જક ગોવર્ધનરામનું મુંબઈમાં અવસાન થયું હતું. સરસ્વતીચંદ્ર ગયા પછી તેના ઘરની ઘોડા ગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવી હતી. વીસ વરસ પછી આ યુવક ઉતરે છે ત્યારે ઘરની ઘોડા ગાડી તો નથી. પણ ભાડાની વિક્ટોરિયા તો ઊભી છે સ્ટેશનની બહાર. પણ આ યુવાન વિક્ટોરિયામાં બેસવાને બદલે, મજૂરને માથે સામાન ચડાવી, તેની સાથે ચાલવા લાગે છે. કેમ? વિક્ટોરિયાનું બાર આનાનું ભાડું પોસાય તેમ નથી. મજૂર ચાર આના લે. આઠ આના બચતા હોય તો ગિરગામ વિસ્તારમાં આવેલી પીપળ વાડી સુધી ચાલવામાં આ જુવાનને વાંધો નથી.

વકીલ કનૈયાલાલ મુનશી

બી.એ. એલએલ.બી. થઈને સરસ્વતીચંદ્રે મુંબઈ છોડ્યું હતું. વિદ્યાર્થી મટી અનુભવાર્થી થવા નીકળ્યો હતો. વીસ વરસ પછી આ યુવક બી.એ. થયો હતો અને એલએલ.બી. થવા મુંબઈ આવ્યો હતો. ના, ઓગણીસમી સદીમાં ગયેલો યુવાન સરસ્વતીચંદ્ર વીસમી સદીમાં પાછો આવ્યો નહોતો. તે પાછો આવી શકે એ શક્ય જ નહોતું. આ તો વીસમી સદીનો સ્વપ્નદ્રષ્ટા આવ્યો હતો. પોતાની સૃષ્ટિ પોતે રચીને તેનો નાથ થવા સર્જાયેલો આ યુવક હતો. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને દસ ડગલાં આગળ લઈ જવા સર્જાયેલો આ યુવક હતો. પણ એ વાતની એ વખતે કોઈને ખબર નહોતી  –  એ યુવકને પોતાને પણ નહિ. વીસેક મિનિટ ચાલીને એ પીપળ વાડી આવી પહોંચ્યો, એના ત્રણ સાવકા મામાઓને ઘેર. કોઈ બંગલામાં નહોતા રહેતા આ ત્રણ મામા. પીપળ વાડીની એક ચાલની ડબલ રૂમમાં રહેતા હતા. મોટા મામા અને મામી રસોડામાં સૂતાં. બીજા બે મામા અને આ યુવાન આગલી રૂમમાં કે છજામાં સૂતા.

એ યુવાનનું નામ? કનૈયાલાલ માણેકલાલ મુનશી. જે વર્ષે ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો એ જ વર્ષે, ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે, બપોરે બાર વાગે ભરૂચમાં જન્મ. એ જમાનાના રિવાજ પ્રમાણે ૧૩ વરસની ઉંમરે, ઈ.સ. ૧૯૦૦માં તો તેનાં લગ્ન થઈ ગયાં હતાં, અતિલક્ષ્મી પાઠક સાથે. ગ્રેજ્યુએટ થવા માટે બરોડા કોલેજમાં ૧૯૦૨માં દાખલ થયા, જ્યાં અરવિંદ ઘોષ તેમના અધ્યાપકોમાંના એક. બી.એ.માં એલિયટ મેમોરિયલ પ્રાઈઝ મેળવેલું.

કેવું હતું મુંબઈની ચાલીનું એ જીવન? મુનશીના જ શબ્દોમાં જોઈએ: “ચારે તરફ ગંદવાડ, રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એઠવાડ નાખે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. ખંડોમાં પરસેવાની ગંધ મારે. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે, ને વચ્ચે વચ્ચે મૂકેલી ઇંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે. કોલાહલ કરતા આ જનસમૂહના વાસમાં આખો દિવસ ‘નળ બંધ કરો’ની બૂમો ઉપલા માળવાળા નીચલા માળવાળાને કાને પહોંચાડતા. નીચે કેરી વેચનારાઓ ઉપરવાળાને સંભળાવવા મોટેથી બૂમ મારતા : ‘પાયરી, આફૂસ.’ જેનો જવાબ અમે ‘બૈરી ડફઉઉફસ’ કરીને વાળતા ને મોઢામાં કેરીનો સ્વાદ આણતા.”

મુંબઈની ચાલ

થોડા દિવસ તો આ રીતે માંડ માંડ કાઢ્યા. પછી એલએલ.બી. ભણતા બે મિત્રો સાથે મળીને ‘ખોલી’ ભાડે રાખીને રહેવાનું નક્કી કર્યું. એક પછી એક મકાનનાં પગથિયાં ઘસવા માંડ્યાં. પણ જ્યાં જાય ત્યાં સૌથી પહેલો એક જ સવાલ: ‘બૈરી સાથે છો ને’? પણ મુનશી પત્નીને ભરૂચ રાખીને આવેલા અને બીજા બે મિત્રો હજી કુંવારા હતા. એટલે જવાબમાં ‘ના’ પાડે કે તરત મહેતાજી જ ‘આવજો’ કહી દે. છેવટે કાંદાવાડીમાં આવેલી કાનજી ખેતસીની ચાલમાં હિંમત કરી સીધા ટ્રસ્ટી પાસે પહોંચ્યા. ટ્રસ્ટીએ નામ સાંભળી પૂછ્યું: 'ડાકોરમાં અધુભાઈ મુનશી હતા તેના તમે કંઈ સગા થાવ?’ ‘હા, હું એમનો ભત્રીજો થાઉં.’ આ સાંભળી ટ્રસ્ટીએ હુકમ કર્યો: ‘ભૈયાજી, ઉન કો અચ્છી ખોલી દે દો.’ આ અંગે મુનશી લખે છે: ‘એ જ ચાલોનો એક દિવસ હું ટ્રસ્ટી થવાનો છું એ ખ્યાલ ત્યારે તો સ્વપ્નામાં પણ નહોતો.’ પણ સ્વપ્નામાં પણ ન કલ્પ્યું હોય એવું તો ઘણું ઘણું બનવાનું હતું આગળ જતાં. 

કવિ નર્મદની જન્મભૂમિ સુરત, પણ કર્મભૂમિ મુંબઈ. ગોવર્ધનરામની જન્મભૂમિ નડિયાદ, પણ કર્મભૂમિ મુંબઈ. તેવી જ રીતે મુનશીની જન્મભૂમિ ભરૂચ, પણ કર્મભૂમિ મુંબઈ. આત્મકથા ‘સીધાં ચઢાણ’માં મુનશી કહે છે : ‘જૂન ૧૯૦૭ની શરૂઆતમાં હું એલએલ.બી.નો અભ્યાસ કરવા મુંબઈ આવ્યો, ત્યારથી મુંબઈગરો થયો.’ મુનશી જેવા અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસ મુંબઈ જેવા મહાનગર પ્રત્યે ન આકર્ષાય તો જ નવાઈ. મુનશીના વ્યક્તિત્વમાં, તેમનાં પોશાક, રહેણીકરણી, વિચારો, વાણી-વર્તન અને આદર્શોમાં, મહાનગરની વિશાળતા અને ઊંચાઈ છે. તેમનાં લખાણોમાં જે સફાઈ, સુઘડતા, વ્યવવસ્થા, મુક્તિ, અને પરિષ્કૃત સંસ્કારીતા સતત જોવા મળે છે તે તેમના મહાનગરવાસની નિશાની છે.

ભરૂચમાં હતા ત્યારથી જ મુનશીને નાટક જોવાનો ગાંડો શોખ. મુંબઈ આવીને પણ જૂની રંગભૂમિનાં અનેક નાટક જોયાં. નાટકમાં બે અંક વચ્ચે પડદો પડે ને પછી પાછો ઊપડે. ઊપડે ત્યારે દૃષ્ય બદલાઈ ગયું હોય. મુનશીના જીવન-નાટકનો પડદો ઊપડે છે અને એક નવું દૃષ્ય. સમય છે ૧૯૧૨નો જૂન મહિનો. અમદાવાદથી પ્રગટ થતું એક માસિક, નામે ‘સુંદરી-સુબોધ’. એ મહિનાના અંકમાં એક ટૂંકી વાર્તા પ્રગટ થાય છે : ‘મ્હારી કમલા.’ (પછીથી જોડણી બદલીને ‘મારી કમલા’) લેખકનું નામ લખ્યું છે : કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ., એલએલ.બી. ગુજરાતીમાં છપાયેલી મુનશીની આ પહેલવહેલી કૃતિ, લખાઈ મુંબઈમાં. પછીથી મુનશીએ પોતે નોંધ્યું છે : ‘ચંદ્રશંકર માસ્તર અને કાન્તિલાલ પંડ્યા ગુજરાતીમાં લખવા માટે મને પ્રેર્યા કરતા હતા, પણ મારી હિમ્મત ચાલતી નહોતી. હું નિશાળમાં ગુજરાતી ભણ્યો નહોતો. ગુજરાતીમાં એક સારો પત્ર પણ લખવાનું મારાથી બની શકતું નહિ. જ્યારે જયારે મને કોઈ પણ પ્રકારનો તીવ્ર ઉદ્વેગ થતો ત્યારે તેને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી, તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મને નાનપણથી ટેવ હતી, પણ તે અંગ્રેજીમાં જ. ૧૯૧૨માં મને એવો ઉદ્વેગ થયો ત્યારે ગુજરાતીમાં એ વ્યક્ત થઈ શકશે કે કેમ તેનો પ્રયોગ કરવા મેં ‘મારી કમલા’ નામક ટૂંકી વાર્તા લખી કાઢી.’ અને તે દિવસે મુંબઈમાં ગુજરાતી ભાષાને મળ્યો એનો દિગ્ગજ ગદ્યકાર, સાહિત્યકાર, સર્જક. કમલાથી કૃષ્ણાવતાર સુધીની મુનશીની લેખનયાત્રા ચાલી મુંબઈમાં.

પણ મુનશી માત્ર સર્જક નહોતા, મોટા ગજાના વિધાયક હતા. અને એમની વિધાયક શક્તિ એક બાજુથી સાહિત્યમાં પ્રગટ થઈ, તો બીજી બાજુથી સંસ્થાઓમાં છવાઈ ગઈ. મુનશી ‘એકલો જાને રે’ના માણસ નહોતા. સૌનો સાથ લઈને ચાલનારા માણસ હતા. ૧૯૧૨માં જ મુંબઈની ‘ગુર્જર સભા’ સાથે મુનશી સંકળાયા. થોડાં વરસ પછી તેમને લાગ્યું કે મુંબઈના ગુજરાતી સાહિત્યકારોને એકબીજા સાથે સાંકળવાની જરૂર છે. અને તેથી ૧૯૨૨માં તેમણે ‘સાહિત્ય સંસદ’ શરૂ કરી. ‘ગુજરાત’ નામનું માસિક શરૂ કર્યું જેણે એ વખતનાં આગળ પડતાં ગુજરાતી સામયિકોની હરોળમાં સ્થાન મેળવી લીધું. મુનશી ‘ઉપરથી આવતી’ પ્રેરણાના માણસ નહોતા. પરસેવાના અને પ્રયત્નના માણસ હતા. એટલે જ લખે છે : ‘મારી સર્જન શક્તિનું મને ભાન આવ્યું એટલે સાહિત્ય સંસદ અને ગુજરાત માસિક દ્વારા ગુર્જરી સાહિત્ય અને સંસ્કારનાં વિકાસ ને વિસ્તાર સાધવા માટે હું તત્પર બન્યો.’ સાહિત્ય સંસદ અને ‘ગુજરાતી’ માસિક એ મુનશીની ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મુંબઈથી અપાયેલી પહેલી ભેટ.

બોમ્બે હાઈ કોર્ટ – ૨૦મી સદીની શરૂઆતમાં

ફરી દૃષ્ય બદલાય છે. ૧૯૧૩ના માર્ચ મહિનાની પંદરમી તારીખે સવારે સાડા અગિયાર વાગે મુનશીના જીવનનું એક નવું દૃષ્ય શરૂ થાય છે. વકીલનો કાળો ઝભ્ભો અને સફેદ ‘ફરફરિયાં’ (કોલર પર બાંધવાના બેન્ડઝ) ખરીદવાના પૈસા ખિસ્સામાં નથી એટલે કોઈકનાં માગીતાગીને લાવ્યા છે. એ પહેરીને બોમ્બે હાઈ કોર્ટમાં મુનશી દાખલ થાય છે, ન્યાયમૂર્તિ બીમન સાથે શેક-હેન્ડ કરે છે અને એડવોકેટ ઓ.એસ. (ઓરિજિનલ સાઈડ) બની તેમની વચ્ચે જઈ બેસે છે. પછીથી છેક ૧૯૬૨માં એ અંગે મુનશી લખે છે : ‘જાણે ડૂબતો હોઉં તેવો મને ભાસ થયો.’ પછી થાણાની કોર્ટમાં પહેલી વાર દલીલો કરવા ઊભા થાય છે. ‘હું અપીલ ચલાવવા ઊભો થયો ત્યારે મારી આંખ આગાળ કોર્ટ ચક્કર ચક્કર ફરતી હતી. મારો અવાજ ગળાની બહાર નીકળી શકતો નહોતો. કાનમાં તો જોરથી ઘંટનાદ સંભળાતા હતા. પંદર-વીસ મિનિટે મને શુદ્ધિ આવી, ને હું બરાબર બોલવા લાગ્યો.’ પછી તો વખત જતાં મુનશીની ગણના બોમ્બે હાઈ કોર્ટના અગ્રણી વકીલોમાં થવા લાગી. ઊછીનો ઝબ્બો અને ફરફરિયાં પહેરીને પહેલી વાર કોર્ટમાં દાખલ થનાર મુનશી લખે છે : ‘૧૯૨૨ના છેલ્લા ત્રણ માસની મારી આવક વિશુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકના અધિકારી બનાવે તેટલી મોટી હતી.’

૧૯૧૩ના વર્ષમાં બીજી પણ એક મહત્ત્વની ઘટના બને છે જે આગળ જતાં ગુજરાતી નવલકથાની દશા અને દિશા બદલી નાખે છે. એ જમાનામાં ‘ગુજરાતી’ નામના સાપ્તાહિકની બોલબાલા હતી. તેના સ્થાપક તન્ત્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની તેમાં પ્રગટ થતી ધારાવાહિક નવલકથાઓ તેનું એક મુખ્ય આકર્ષણ હતી. પણ ૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે ઇચ્છારામનું અવસાન થયું તે પહેલાં કેટલાક વખતથી તેમણે લખવાનું લગભગ બંધ કર્યું હતું. એટલે ‘ગુજરાતી’ને નવા નવલકથાકારની તાતી જરૂર હતી. એ સાપ્તાહિક સાથે સંકળાયેલા અંબાલાલ જાની મુનશીના મિત્ર. તેઓ ‘ગુજરાતી’ માટે ધારાવાહિક નવલકથા લખવા મુનશીને સૂચવે છે. અને મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ ગુજરાતી’ સાપ્તાહિકના ૧૯૧૩ના ઓગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી હપ્તાવાર પ્રગટ થાય છે. હજી વકીલાતની શરૂઆતના દિવસો. પોતાને નામે એ નવલકથા પ્રગટ કરવાનું યોગ્ય ન લાગ્યું. ન કરે નારાયણ, ને કોઈક તકલીફ ઊભી થાય તો! એટલે એ નવલકથા ‘ઘનશ્યામ વ્યાસ’ તખલ્લુસથી પ્રગટ થાય છે. ભેદભરમ, કાવાદાવા, વેર અને તેની વસૂલાત વગેરેથી ઊભરાતી આ નવલકથાને વાચકો વધાવી લે છે. પણ આ નવલકથા લખવા પાછળનું ખરું કારણ શુ હતું? વર્ષો પછી મુનશી લખે છે : ‘કોલમના ચૌદ આના (આજના ૮૫ પૈસા!) જતા કરવાનું રુચ્યું નહિ, એટલે વારતા લખવાનો નિશ્ચય કર્યો ને વેરની વસૂલાત લખી.’

પણ મુંબઈમાં રહીને મુનશીએ વેરની વસૂલાત ન કરી, જાણે આગલા ભવનું લેણું ચૂકવતા હોય તેમ અનેક ક્ષેત્રોમાં અઢળક કામ કર્યું. તેની કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 31 ઑક્ટોબર 2020

Loading

31 October 2020 દીપક મહેતા
← હોઇ શકે…..
મારા વહાલા હિન્દુત્વવાદીઓ અને ભક્તો, તમારે કોની સાથે ઊભા રહેવું જોઈએ ? એર્ડોગન સાથે કે મેક્રોન સાથે ? →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved