બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્દ-અસદ્દ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમ જ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ – આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે.
ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન છે
ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તે અધ્યાયના ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગમાં દૈવી સંપત્તિના ૨૬ ગુણો અને આસુરી સંપત્તિના ૬ દોષોનું વર્ણન કર્યું છે. બીજા વિભાગમાં અસુર-ચરિત્રનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં દૈવી સંપત્તિ વિરુદ્ધ આસુરી સંપત્તિ.
પહેલા અધ્યાયમાં જે રીતે પાંડવ – કૌરવની સેનાઓનું વર્ણન છે, તેવી રીતે અહીં દૈવી-આસુરી ગુણોની સેના સામસામે ખડી છે. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ સુર-અસુર સંગ્રામ દરેકના હૃદયમાં ચાલતો હોય છે. બહાર સમાજમાં જે ઝઘડો ચાલે છે, તે તો માત્ર પડછાયો છે. તેનું મૂળ આપણા હૃદયમાં છે. જો આ મૂળને જ આપણે ખોદી કાઢીએ તો સમાજનો ઝઘડો મટી જાય.
ભગવાને દૈવી સંપત્તિના ૨૬ ગુણો બતાવ્યા છે. આ યાદી પૂરી નથી. તેમાં વૃદ્ધિ કરી શકાય. દૈવી ગુણોની સેનાનો સેનાપતિ છે અભયમ્, નિર્ભયતા. માનસશાસ્ત્રના અભ્યાસથી સમજાશે કે ભય જ એક એવો મોટો દુર્ગુણ છે, જેણે બીજા અનેક દુર્ગુણોને પોષ્યા છે અને અભય જ એક એવો ગુણ છે જેણે અનેક સદ્ગુણોને પોષ્યા છે. તેથી પ્રાચીન ભારતમાં કાયદો અને વ્યવસ્થા (law & Order) પર એટલું વજન નહોતું દેવાયું, જેટલું કે સમાજને નિર્ભય બનાવવા પર દેવાયું. શિક્ષણ, સમાજશાસ્ત્ર, રાજનીતિ એ તમામ ક્ષેત્રોમાં નિર્ભયતા હોવી જોઈએ. જો એવું કરી શકીએ તો તમામ સદ્ગુણોનો વિકાસ થઈ શકશે.
દૈવી સંપત્તિની સેનાની આગળ અભય જેવા મહા સેનાપતિને નિયુક્ત કર્યો છે અને પાછળ ‘નમ્રતા’ જેવા ગાર્ડને મૂક્યો છે. નિર્ભયતા એન્જિન ડ્રાઈવર. એ બેની વચ્ચે બીજા બધા સદ્ગુણો રાખ્યા છે. ગાંધીજીએ કહેલું કે આ બધા જ ગુણોને આપણે સત્ય અને અહિંસાની અંદર સમાવી શકીએ છીએ.
અભય
આ દેશમાં પ્રાચીનકાળથી નિર્ભયતાનું શિક્ષણ અપાયું છે. તેના આધારે આજનો સમાજ બન્યો છે. નિર્ભયતા બધા ગુણોમાં શ્રેષ્ઠ મનાયો છે. ભગવાને દૈવી સંપત્તિનું વર્ણન કરતા કહ્યું છે अभयं सत्त्व संशुधि: – અભયને પ્રથમ સ્થાન આપ્યું. સત્ત્વસંશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિને બીજું સ્થાન આપ્યું. કેમ ? મનુષ્યમાં નિર્ભયતા નહીં હોય તો બીજા કોઈ ગુણોનો વિકાસ નહીં થાય. ન સત્યનિષ્ઠા ટકશે, ન ચિત્તશુદ્ધિ વિકસી શકશે.
નિર્ભયતાનાં બે પાસાં :-
બીજાને ન ડરાવવા અને બીજાથી ન ડરવું. અંગ્રેજ શાસન સમયે આપણે એટલા બધા ડરતા હતા કે સાહેબનું નામ લેતાં જ ધ્રૂજતા હતા. અહીં અંગ્રેજનું નામ લેતાં ડરતા પણ બીજી બાજુ હરિજનોને ડરાવતા હતા. તો આપણે ડરવું અને ડરાવવાનું બંને છોડવાનું છે. તેને જ વેદાંત અથવા આત્મવિદ્યા કહે છે. એ જ આપણું ભારતીય દર્શન છે. આપણે પોતાને શરીર નથી સમજતા. શરીર તો આવે ને જાય. શરીરની કોઈ કિંમત નથી. તેને આપણાં કપડાં રૂપ જાણીએ છીએ. ફાટેલું ખમીશ ફેંકી દઈ બીજું પહેરી લઈએ તેવું. આપણે નિર્ભય બનીએ – ન કોઈથી ડરીએ, ન કોઈને ડરાવીએ.
બિલાડી ઉંદર સામે વાઘ જેવી, પણ કૂતરા સામે શિયાળ જેવી. વાઘ સસલા સામે વાઘ જ, પણ બંદૂક સામે બિલાડીની જેમ ભાગી જાય. મતલબ નિર્ભયતા નહોર કે દાંત પર નથી હોતી, તે તો આત્મિક આધાર પર હોય છે. તે તો એવી આત્મિક શક્તિ થકી આવશે, જેને આપણે મર્યાદિત ભાષામાં ‘નૈતિક શક્તિ’ અથવા વધુ સ્વચ્છ અને સ્પષ્ટ ભાષામાં ‘અહિંસાની શક્તિ’ કહીએ.
અહિંસાનો નિર્ભયતા સાથે ગાઢ સંબંધ છે. બંને એકરૂપ છે. જો કોઈ બહારથી અહિંસક લાગે પણ મનમાં ડર ધરાવતો હોય, તો તે અહિંસક છે જ નહીં. એનાથી વિપરીત, કોઈ વીર દેખાય, શસ્ત્રના આધારે તે પોતાની વીરતાનું પ્રદર્શન કરી રહ્યો હોય, તો પણ તે કાયરતા જ છે. તે આત્માની શક્તિને જાણતો નથી. તેથી શસ્ત્રોનો આધાર લે છે. પણ અભય શસ્ત્રમાં નથી. સાધનમાં નથી, સાધકમાં છે.
પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં અભય :
પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં એક મહત્ત્વપૂર્ણ શબ્દ જોવા મળે છે. રાજ્યમાં શું શું થવું જોઈએ, એ બતાવતી વખતે કહેવાયું છે કે રાજ્યમાં બધા ‘અભય’ હોય, અર્થાત્ બધા જ નિર્ભયતા અનુભવે. દરેક સમજે કે મારા પર કોઈ અન્યાય નહીં થઈ શકે, અને જો થશે તો મારા પક્ષે ધર્મ છે, ન્યાય છે, મને ભયનું કોઈ કારણ નથી. જે દેશમાં નિર્ભયતા રહેશે તે દેશમાં સ્વરાજ્ય છે, એમ કહેવાશે.
મૂડીવાદી સમાજમાં મૂડી થોડાના હાથોમાં કેન્દ્રિત હોય છે. એવી જ રીતે નિર્ભયતા થોડા જ લોકોના હાથમાં રહેશે. તો તે નહીં ચાલે. જેમ સંપત્તિનું વિભાજન થશે, તેમ નિર્ભયતા પણ બધા પાસે હોવી જોઈએ. નાના બાળકમાં પણ એ શક્તિ હોવી જોઈએ કે, હું એકલો દુનિયાનો સામનો કરી શકીશ. અગર જો મારા પક્ષે સત્ય હશે. એ સમયે સ્વરાજ્ય આવ્યું ગણાશે.
પરંતુ આજે તો ભયની તાલીમ અપાય છે. બાળક અને વિદ્યાર્થીને મારવાનું જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દુનિયામાંથી ‘મિલીટરિઝમ’ નહીં જાય. હિંસાવાદ રહેશે. માની લો કે તમારો દીકરો કોઈ ખોટું કામ કરે છે, તમે એને પીટશો. ડરને કારણે તે ખોટું કામ છોડી દેશે, તો પણ તેનું અત્યંત નુકસાન થયું ગણાશે. જો તે સવારે વહેલો નથી ઊઠતો અને તેને તમે માર્યો, તે જલદી ઊઠવા લાગ્યો. નિયમિતતાનો પાઠ તમે શીખવ્યો પરંતુ ભયભીતતાનો દોષ તમે તેનામાં રોપ્યો. એ દોષ વધુ ભયંકર છે. તમે એને ભયની તાલીમ આપી. તમે એને શીખવ્યું કે તારા શરીરને કોઈ તકલીફ આપે તો તકલીફ દેનારની વાત માની લેવી. નિર્ભયતા શ્રેષ્ઠ ગુણ છે. જો મનુષ્યમાં તે ગુણ નથી તો બીજો કોઈ ગુણ વિકસી નહીં શકે.
આજે તો ડરાવવાનું એટલે સુધી ફેલાયેલું છે કે મારી યાત્રામાં પણ કોઈ બળજબરીથી લોકોને રસ્તામાંથી દૂર કરે છે કે ‘બાબા’ આવી રહ્યા છે. શું ‘બાબા’ વાઘ છે ? સમજવાની વાત છે કે અગર આપણે આપણાં બાળકોને ડરાવવા ધમકાવવાની તાલીમ દઈશું, તો તેને કારણે શસ્ત્રધારી પોતાનો જુલમ ચલાવતા રહેશે. પણ જો આપણે નિર્ભયતાની તાલીમ આપીશું તો તમામ શસ્ત્રાસ્ત્ર ખતમ થઈ જશે. જુલમી લોકો દુનિયાભરના લોકોને ખતમ કરીને નહીં, બધાને ડરાવીને રાજ્ય ચલાવવાનું ઇચ્છે છે. જુલમી લોકોની જુલમની પૂરી તાકાત ભયવૃત્તિમાં છે.
આપણાં સમાજશાસ્ત્રોએ અભય શબ્દ દીધો છે. પરંતુ આજ તેને બદલે ‘લો એન્ડ ઓર્ડર’ શબ્દ ચાલ્યો છે. એવું માની લેવાયું છે કે ભલે ને, લોકો ભયભીત થઈને પણ, ‘લો એન્ડ ઓર્ડર’ પાળે. એ રીતે આપણે આજે વ્યવસ્થાદેવીને પરમદેવી માની લીધી છે. વ્યવસ્થાનું મૂલ્ય આપણે પણ સમજીએ છીએ. પરંતુ જ્યાં બહારથી લદાયેલી વ્યવસ્થા છે ત્યાં ખરી શાંતિ નથી. કારણ કે ભીતર તો ડર કાયમ છે. અંદર ઊકળતો ચરુ છે. તે વધુ ભયંકર અને ખતરનાક છે. તે પ્રગટ થઈ જાય તો સારું. પરંતુ આપણે તો તેને અંદર જ દબાવી દઈએ છીએ. જો આપણે ડર પેદા કરીને શાંતિ સ્થાપિત કરનારી વ્યવસ્થા કરીશું. તો તે ‘દૈવી’ વ્યવસ્થા નહીં કહેવાય. ‘રાક્ષસ’ વ્યવસ્થા બનશે. માટે વ્યવસ્થામાં પણ આવશ્યક છે, ‘અભય’.
અત્યાર સુધી જે મન બન્યું છે તેમાં બદલાવ લાવીને નિર્ભયતા વિકસાવી શકાશે, પરંતુ હાલની મનોવૃત્તિને જ પ્રમાણ માનીને ચાલવાથી આજના યુગમાં નિર્ભયતા નહીં લાવી શકાય. તેવે વખતે તો આપણે વિવશ અને વ્યાકુળ રહીશું અને આપણી વ્યવસ્થા ડામાડોળ રહેશે. માટે આપણે આપણા મનમાં જ પરિવર્તન લાવવું પડશે. નવો માનવ બનાવવો પડશે. નવાં મૂલ્યો સ્થાપવાં પડશે. પોતાનું જીવન બદલવું પડશે.
અસુર ચરિત્ર
૧૬મા અધ્યાયના બીજા વિભાગમાં અસુર ચરિત્ર છે. એવો કોઈ મનુષ્ય નથી કે જે કેવળ અસત્યનો ભક્ત હોય. સત્યનો કોઈ ને કોઈ પ્રકારે આધાર લીધા વિના અસત્ય ટકી નથી શકતું. તેથી અસત્ય વાતો પણ સત્યનો ઓપ ચઢાવી કહેવાતી હોય છે. જેઓ સત્યઅસત્યના મિશ્રણમાં માને છે તેને ગીતા અસુર કહે છે, પ્રાય: જે યુદ્ધો થતાં હોય છે, તે કૌરવ-પાંડવનાં યુદ્ધ જ હોય છે. ઉભય પક્ષે વત્તા ઓછા પ્રમાણમાં અસત્ય અને અન્યાયની સાથોસાથ સત્ય રહેતું હોય છે. રામ-રાવણની એક જ લડાઈ એવી હતી, જેમાં એક તરફ કેવળ સત્ય હતું ને બીજી તરફ કેવળ અસત્ય હતું. આ કાલ્પનિક લડાઈનું વર્ણન વાલ્મીકિએ પોતાના કાવ્યમાં કર્યું છે. આ પ્રકારની લડાઈ અત્યંત ભયંકર હોય છે. તેમાં બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન નથી થઈ શકતું. આવી લડાઈ થઈને કાયમ માટે સમાપ્ત થઈ જાય છે. સત્યાસત્ય મિશ્રિત લડાઈમાં સંધિ/સમાધાન થતાં હોય છે અને આગળ-પાછળ વારેવારે યુદ્ધ પણ થતાં રહે છે. તેનો ક્યારે ય અંત નથી આવતો.
આસુરી સંપત્તિમાં, ભલે ને થોડું જ કેમ ન હોય, પણ સત્યનું મિશ્રણ હોય છે. અસુર પણ યજ્ઞ-યજ્ઞાદિ કરતા હોય છે. તેઓ પોતાની એક સભ્યતા ખડી કરે છે. ભગવાને આસુરી સંપત્તિના ગુણો ગણાવતી વખતે પ્રથમ દંભને મૂક્યો છે. દંભમાં અસત્ય તો હોય જ છે, પરંતુ થોડો અંશ સત્યનો પણ હોય છે. ભગવાન માને છે કે અસુર-ચરિત્ર કામના-પ્રધાન છે. જો કામનાની મર્યાદા બાંધવામાં આવે અને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તેથી લાભ થઈ શકે છે. પરંતુ અસુર એવું નથી કરતા. કામના એક તરફથી આશામાં ફસાવે છે અને બીજી બાજુથી ચિંતા પેદા કરે છે. ચિંતાને લઈને પરિગ્રહ, સંગ્રહ થાય છે. તેને જ લોભ કહે છે, લોભને પણ મર્યાદિત કરી શકાય છે પરંતુ તે મર્યાદામાં નથી રહેતો. ધન સારા માર્ગે પણ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ એટલાથી સંતોષ નથી થતો. તેથી ખોટાં સાધનોથી, અસત્યનો આશરો લેવામાં આવે છે. તેથી વેર અને દુર્ગુણો વધે છે.
અસુર ચરિત્ર-સાર
આસુરી સંપત્તિની મીમાંસા કરતા ક્યારેક કામનો ઉલ્લેખ કરે છે, ક્યારેક કામ-ક્રોધ બંનેનું નામ લે છે, તો ક્યારેક કામ-ક્રોધ-લોભનો પૂરો ત્રિકોણ બનાવે છે. આ ત્રણેય વૃત્તિઓમાં અસુર ચરિત્રનો સાર છે. માનસશાસ્ત્રી પણ આ વાત માને છે. ગીતા આ ત્રણને નરકદ્વાર કહે છે. તે આત્માનો નાશ કરનારા છે, આ ત્રણેય ત્યાગ્યા વિના કલ્યાણમાર્ગે પહોંચવું અસંભવ છે. કામ-ક્રોધ-લોભને જીતવા માટે ક્રમશ: દમ-દયા-દાનનો શાસ્ત્રીય માર્ગ શ્રુતિએ બતાવ્યો છે.
ભય : ઉત્પત્તિ અને નિવૃત્તિ
ભાગવતમાં ભગવત-ભક્તિનું વર્ણન આવે છે કે, જે ભગવાનના ચરણોની સેવા કરે છે તે આ દુનિયામાં કોઈથી ક્યારે ય ડરશે નહીં. તેને કોઈ પ્રકારનો ભય સંભવે નહીં. તો પણ આશ્ચર્યની વાત છે કે હિંદુસ્તાનમાં ભગવાનની ભક્તિ અધિક જોવા મળે છે અને ડરનારા લોકોની સંખ્યા પણ અધિક જોવા મળે છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ અને છતાં ચિત્તમાં ડર રાખીએ આવું કેમ બને છે ? એટલા માટે જ કે આ ભક્તિમાં જડતા છે. તે જીવિત, જાગૃત ભક્તિ નથી. મા પર બાળકની જીવિત શ્રદ્ધા હોય છે. તે માના ખોળામાં હશે, તો ડરશે નહીં, મા કોઈ મોટી શક્તિ તો નથી તો પણ બાળક સમજે છે કે મારી મા દરેક પ્રકારે બચાવ કરનારી છે. ઘરમાં આગ લાગી હોય તો પણ બાળક કોઈ હિલચાલ નહીં કરે. મા પ્રત્યે બાળકની જેટલી શ્રદ્ધા છે, શું ભગવાન પ્રત્યે આપણી એટલી શ્રદ્ધા છે ? આપણને ભરોસો જ નથી કે “આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમનું નામ જપીએ છીએ તો હર હાલતમાં તે આપણને બચાવશે, આપણે નિર્ભય છીએ આપણને જીવિત શ્રદ્ધા નથી. જો જીવિત શ્રદ્ધા હોય તો કોઈ પ્રકારનો ભય રહેશે જ નહીં.
ભય કેવી રીતે પેદા થાય છે અને કેવી રીતે તેમાંથી નિવૃત્ત થઈએ છીએ, તો કહે છે “असद् आत्माभावात् – દેહ ભાવથી, “દેહ જ આત્મા છે એવી મિથ્યા કલ્પનાને કારણે, उद्विग्निबुध्धे : ।
જેની ઉદ્વિગ્ન બુદ્ધિ છે તેથી, તથા વિશ્વાત્મના એટલે કે આખું વિશ્વ મારું જ રૂપ છે એવી વ્યાપક ભાવના સેવીને – અચ્યુતની સેવા કરીને ભયમાંથી નિવૃત્ત થાય છે – निवर्तते मी: ‘હું દેહ છું’, એવી ભાવના દૃઢ થતાં ભય પેદા થાય છે અને દેહભાવની જગ્યાએ વિશ્વાત્મભાવ પેદા થાય છે ત્યારે ભય નિવૃત્ત થાય છે. ભગવત-ભક્તિ મનુષ્યને પોતાના દેહથી અલગ કરીને આખા ય વિશ્વ સાથે જોડી દે છે.
આ વિશ્વાત્મભાવ પર ‘કુરાને’ ખૂબ જોર દીધું છે. “रब्बुल आलमीन, ભગવાન કેવા છે ? આખી દુનિયાના પ્રભુ છે, કેવળ મારા નહીં, સહુના પ્રભુ છે. એનાથી વ્યાપક બુદ્ધિ બને છે. આપણે સહુ એક પ્રભુનાં સંતાન છીએ, વિશ્વ અને આપણે એક છીએ, એવી ભાવના બને છે. આ રીતે ભગવતભક્તિથી વિશ્વાત્મા બને છે અને તેનાથી ભય નિવૃત્ત થાય છે.
સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 01-03