એવું નથી લાગતું કે આખા દેશમાં શિક્ષિત બેકારોની ભરપટ્ટે મજાક થઈ રહી છે? બેકારી વધારે હોય તો એક જગ્યા માટે અનેક અરજીઓ આવે એવું બનવાનું, પણ એ અરજીઓ હવે કમાણી કરાવતી થઈ હોય એવું પણ લાગે છે. માત્ર થોડી જગ્યાઓ ભરવાની છે, એવી જાહેરાત આપો કે ઢગલો નોકરી ઈચ્છુકો અરજી કરવા માટે કે ઇન્ટરવ્યૂ આપવા લાઇન લગાવશે. હાથમાં નોકરી ન હોય ને કોઈ રીતે પણ તે મળવાની શક્યતા ઊભી થતી લાગે તો શિક્ષિતો અરજી કરવાની મહેનત કરશે જ ! આ અરજી હવે સાદા કાગળો પર ભાગ્યે જ થાય છે. તેને માટે તો હવે નક્કી કરેલું ફોર્મ ભરવાનું હોય છે.
એમાં જેટલી કેટેગરી કે પોસ્ટ હોય તેનાં ફોર્મ પાછાં જુદાં ! એ બધાં માટે જુદી જુદી અરજીઓ કરવાની થાય. એ ફોર્મની પાછી ફી હોય જે મોટે ભાગે 100 રૂપિયાથી શરૂ થતી હોય છે ને દરેક અરજી સાથે પરીક્ષા ફી પણ અલગ અલગ ભરવાની હોય છે. એ દરેકની સાથે માર્કશીટ, પ્રમાણપત્રો અને બીજા પુરાવાની નકલો જોડવાની થાય તે તો નફામાં. આ નકલો મફત નથી થતી. એમાં જો અરજી મંજૂર થાય તો તેની પરીક્ષા આપવા મોટા શહેરોમાં રેલવે, બસ કે રિક્ષાથી પહોંચવાનું થાય ને ત્યાં એકથી વધુ દિવસ રોકાવાનું થાય તો તેની કોઈ સગાને ત્યાં કે હોટેલમાં વ્યવસ્થા પણ જાતે જ કરવાની થાય છે. એ પછી ઈન્ટરવ્યૂનું નસીબ હોય તો તેની તૈયારી કરવાની ને ઇન્ટરવ્યૂ સ્થળે વળી ભાડાંતોડાં ખર્ચીને પહોંચવાનું. ઇન્ટરવ્યૂ પછી જાણ કરવામાં આવે કે પસંદગી થશે તો કોલ લેટર આવશે. એ કોલ લેટરની રાહ જોવામાં આંખોનાં નંબર વધતાં રહે ને લેટર આવ્યો તો જંગ જીત્યાનો આનંદ અને ન આવ્યો તો ફરી બીજી નોકરી માટે એ જ બધાં પુનરાવર્તનો ….
એમાં અત્યાર સુધી કરેલાં ખર્ચ તરત જ નકામા થઈ જાય ને તે સો-બસોમાં હોતા નથી. વારુ, એમાં યોગ્યતા ન હોય ને નોકરી ન મળે તે તો સમજાય, પણ પાત્રતા હોવા છતાં નોકરી ન મળે ત્યારે ઉમેદવાર હતાશાથી ઘેરાઈ જતો હોય છે. એ હતાશા બેવડી બને છે જો કોઈને લાગવગને કારણે નોકરી મળ્યાની જાણ થાય છે. આમાં અરજી બહાર પાડતી સંસ્થાઓ કમાણી કરતી હોય એવું પણ બને છે. નોકરી આપવા પહેલાં જ આવી સંસ્થાઓ અનેક રીતે ને પ્રકારે કમાણી કરતી હોય તો તે જાણે, પણ અરજી કરનારો તો દરેક અરજીએ ખર્ચમાં ઊતરે જ છે એમાં શંકા નથી. એ પણ કમાણી વગરનો બિન ઉત્પાદકીય ખર્ચ જ છે ને તે શિક્ષિત બેકારમાં એક પ્રકારનું ડિપ્રેશન ઊભું કરે છે. આમાં વળી કેટલાક લેભાગુઓ નોકરી ઇચ્છુકની ગરજ જોઈને અમુકતમુક નોકરી અપાવવાને બહાને લાખોમાં રડાવી પણ જતાં હોય છે. એવું થાય કે ન થાય, પણ નોકરીને નામે ઘણાં નાટકો થતાં હોય છે ને નોકરી ઈચ્છુકોની મજાક પણ કરતાં હોય છે. આ સ્થિતિ બેરોજગારોમાં ડિપ્રેશન જન્માવે છે જે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી.
આવી હતાશાનું એક મોટું ઉદાહરણ તાજેતરમાં બિહારના રેલવે બોર્ડે પૂરું પાડ્યું છે. પાંત્રીસેક હજાર જગ્યાઓ માટે રેલવેએ 2019માં જાહેરાત આપી, તેનાં જવાબમાં સવા કરોડ અરજીઓ આવી. એમાં બધી જગ્યાઓ યોગ્ય ઉમેદવારોથી ભરી દેવાય, તો પણ લગભગ કરોડ જેટલા તો નોકરી વગરના જ રહે એ નક્કી છે ને એણે અરજી, પરીક્ષા માટે કરેલો ખર્ચ માથે જ પડે જે કરોડોમાં હોય તે સમજી શકાય એમ છે. એમાં ઓપન કેટેગરીવાળા વધારે લૂંટાય ને બાકીના, ફીમાં રાહત આપી હોવાને કારણે ઓછાં લૂંટાય એમ બને, પણ એ લૂંટાંય તો છે જ ! એક તો કારમી બેરોજગારી ને તેમાં આવો ખર્ચ ખાતર પર દિવેલ જ સાબિત થાય છે. આ સવા કરોડ અરજીઓનો કોઈ અર્થ રહ્યો નહીં, કારણ રેલવે બોર્ડે જે પહેલાં ઉમેદવારો શોર્ટ લિસ્ટ કર્યાં તે સાતેક લાખ લગભગ હતાં, તે પછી એકાએક જ બીજી યાદી પણ બહાર પાડી જેમાં ચારેક લાખ તો એમ જ નીકળી ગયા. એ બાદબાકીમાં જે હોંશિયાર હતાં તેમની પણ બાદબાકી થઈ ગઈ. દેખીતું છે કે જેણે ખરેખર પાત્રતા સિદ્ધ કરી હોય તેને કોઈ કારણ વગર જ નિષ્ફળ જાહેર કરી દેવામાં આવે તો લોહી ફાટે ને એમ જ થયું. રેલવેની અપ્રમાણિકતા સામે રોષ ફાટી નીકળ્યો ને યુવાનોએ રેલવેમાં તોડફોડ કરી અને રેલવે સ્ટેશનોને આગ ચાંપી. આ કોઈ રીતે યોગ્ય ન જ હતું, પણ રેલવેની યોગ્યતા પણ ક્યાં રહી હતી? એમાં ઉશ્કેરણી કરનારાઓ પણ લાભ લેતા જ હોય છે ને રાજકીય પક્ષો તો ટાંપીને જ બેઠાં હોય છે. સાતેક રાજકીય પાર્ટીઓએ યુવાનોને સમર્થન જાહેર કર્યું અને પટણા ને બીજા સ્થળોએ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી જ રહી. એ અત્યંત ખેદજનક છે કે રેલવે અને એવાં બીજા બોર્ડ નોકરી આપવાને નામે મનસ્વી રીતે લાખો બેરોજગારોનાં ભવિષ્ય સાથે પૂરી નિર્દયતાથી રમતો રમતાં હોય છે ને એ વેઠી લેવા કે આક્રોશ વ્યક્ત કરવા સિવાય બેરોજગારો પાસે કોઈ ઉપાય જ નથી રહેતો.
કોઈ પણ પ્રકારની તોડફોડ કે આગજનીની ઘટનાઓને વખોડવાની જ હોય, પણ રેલવેએ જે ભૂમિકા ભજવી છે તે પણ બધી રીતે વખોડવાને પાત્ર છે.
આમ તો 2019માં રેલવે દ્વારા નોન ટેકનિકલ સ્ટાફ- ક્લાર્ક, ગાર્ડ, ટાઈમકીપર … વગેરે માટે અરજીઓ બહાર પાડવામાં આવી. ત્યારે કોરોના પણ ન હતો ને પરીક્ષાઓ સપ્ટેમ્બર, 2019માં લેવાની હતી, પણ લઈ શકાઈ નહીં ને એ પરીક્ષા ડિસેમ્બર, 2020થી જુલાઇ, 2021 દરમિયાન લેવાઈ અને તેનું પરિણામ જાન્યુઆરી, 2022માં જાહેર થયું. કારણો ગમે તે હોય પણ પરીક્ષા લેવામાં જ બે વર્ષ જેટલો વિલંબ થયો. આ સમય બેરોજગારોમાં હતાશા પ્રેરે તે શક્ય છે. તેમાં સાત લાખ શોર્ટ લિસ્ટ થયા હોય તે યાદી લગભગ અડધી કરી નાખવામાં આવે ત્યારે ગોલમાલ થયાની શંકા ન પડે તો જ આશ્ચર્ય થાય. પોતાનું જ પરિણામ ખોટું ઠેરવીને બીજી યાદી જાહેર કરવામાં આવે એને તરંગીપણા સિવાય કયું નામ આપવું તે સમજાતું નથી ને સવાલોનો સવાલ તો એ છે કે એ તરંગીપણાનો કોઈ પણ વાંક વગર ભોગ બેરોજગારોએ શું કામ થવાનું? આ બેરોજગારોની માનસિક સ્થિતિનો જેમને ખ્યાલ હોય તેઓ સમજી શકશે કે તેમની પ્રતિક્રિયાઓ હિંસક પણ હોય. ન થવી જોઈતી હતી, પણ હિંસા થઈ. એની સામે પોલીસોનું વર્તન અહિંસક હતું? ના, એમણે લાઠીઓ ફટકારી. જે પોતાની રૂમમાં હતા એમને ઉપદ્રવી ગણીને, બહાર ખેંચી કાઢીને પોલીસે ફટકાર્યા. રેલવેએ તેમનું મોં બંધ કરવા ધમકી પણ આપી કે જે પ્રદર્શન કરશે તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવશે. વાત, આટલેથી જ અટકતી નથી, રેલવે એ તો ત્યાં સુધી કહી દીધું કે જેમણે રેલવેને નુકસાન કર્યું છે એમને હવે રેલવેની નોકરીઓ નહીં મળે. આંદોલન શરૂ કરતાં પહેલાં બેરોજગારોએ અલ્ટિમેટમ પણ આપ્યું હતું ને રેલવેએ ખુલાસાઓ પણ આપ્યા હતા, પણ તેને અંદાજ ન હતો કે વાત આટલી વધી પડશે. હવે પહોંચાતું નથી તો રેલવે ધમકીઓથી કામ લે છે. ખરેખર તો રેલવે બોર્ડ વાંકમાં છે, તેણે સ્પષ્ટતાઓ કરવી જોઈએ જે યુવાનોને આશ્વસ્ત કરે, તેને બદલે તુમાખીથી વાત કરે તો તેથી વાત વધુ વણસે એ સમજી લેવાનું રહે.
આ માત્ર બિહારનો જ પ્રશ્ન છે એવું નથી. દેશ આખામાં બેરોજગારીનો પ્રશ્ન ગમે ત્યારે ભડકવાનો જ છે. સરકાર અબજોપતિઓ વધ્યાની વાતે ભલે રાજી થાય, પણ દેશમાં ગરીબોની સંખ્યા પણ વધી છે તે ધ્યાને લેવાનું રહે. આડેધડ થયેલા લોકડાઉને લાખોને નોકરીધંધા વગરના કર્યા ને એમાંના ઘણાં વતન પરત થયા. બેકારી તો આમ પણ હતી, તેમાં લોકડાઉને વધારો કર્યો. કૈં પણ કર્યાં વગર અબજોપતિ વધ્યા હશે, પણ કોરોનાએ ગરીબો પણ વધાર્યા છે તે ભૂલવાનું નથી. દુનિયા સામે ભારતનું રોઝી પિકચર ભલે બતાવાતું હોય ને દુનિયામાં વાહ વાહ પણ ભલે થતી હોય, પણ અંદર ઘણું પોલું અને સડેલું છે તે કમસે કમ સરકારે તો સમજવાનું રહે જ છે. લીંપાપોતી થોડો વખત ચાલે, થોડો વખત કોઈ છેતરાય પણ ખરું, પણ લાંબે ગાળે અસલિયત તો સામે આવતી જ હોય છે. એમાં બેરોજગારી એવો પ્રશ્ન છે જે લાંબો સમય ઢાંકી શકાય નહીં. એ ઢાંકો તેમ વકરે. કામ કેટલુંક થતું પણ હશે, પણ એ ભારે અપૂરતું છે. નોકરીઓ ઊભી કરાઈ હોવાનો દાવો ભલે કરાતો હોય, પણ સમસ્યા વકરી રહી છે ને જ્યારે બધું ભડકશે ત્યારે સ્થિતિ બાર સાંધો ત્યાં તેર તૂટે જેવી નહીં થાય એવી પ્રાર્થના કરવાની રહે.
સાવ નકલી અને આડંબરી દુનિયા વચ્ચે આપણે જીવી રહ્યાં છીએ એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જાન્યુઆરી 2022