આ જગતમાં અત્યારે સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો) જેવી એક ડઝન જેટલી વાંઝણી સંસ્થાઓ અને જે તે દેશોના પરસ્પર હિતસંબંધો પર આધારિત દેશોના સમૂહો (બ્લોકસ) અસ્તિત્વ ધરાવે છે, એમાં એક ‘ક્વાડ’ છે. ‘ક્વાડ’ ‘ક્વાડ્રીલેટરલ સિક્યુરિટી ડાયલોગ’નું ટૂંકું રૂપ છે. એમાં ભારત, અમેરિકા, જપાન અને ઓસ્ટ્રેલિયા એમ માત્ર ચાર જ દેશો સભ્યદેશ છે અને તેમની કોમન ચિંતા ચીન છે. જગતમાં અત્યારે જેટલા બ્લોકસ અસ્તિત્વ ધરાવે છે, એમાં સૌથી વધુ સક્રિય બે બ્લોકસ છે અને એ છે; નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) જેમાં ૩૦ દેશો છે અને બીજો ક્વાડ, જેમાં ચાર દેશો છે. આજકાલ ક્વાડને ‘એશિયન નાટો’ તરીકે ઓળખાવવાનું શરૂ થયું છે. જે બ્લોકની તુલના નાટો સાથે કરવામાં આવે છે, એ બ્લોક વાંઝિયો કઈ રીતે હોઈ શકે? અને બીજો સવાલ એ છે કે એમાં માત્ર ચાર જ દેશો કેમ છે?
સક્રિય હોવાનો અર્થ ઉપજાઉ નથી થતો. ઘણીવાર સક્રિયતા બતાવવા માટેની હોય છે, ઘણીવાર પરિસ્થિતિના દબાણને કારણે સક્રિય બનવું પડતું હોય છે, પણ સંજોગો એવા હોય કે પરિણામ ન મળે. ક્વાડની બાબતમાં બન્ને સ્થિતિ સાચી છે. ક્વાડની રચના ૨૦૦૭ની સાલમાં જપાનની પહેલથી થઈ હતી. ક્યાં અમેરિકા, ક્યાં ભારત, ક્યાં જપાન અને ક્યાં ઓસ્ટ્રેલિયા. આ ચાર દેશો વચ્ચે સમાનતા એટલી જ છે કે આ ચાર દેશો લોકશાહી દેશો છે અને લોકશાહી ટકાવી રાખવા માટે સમૂહ રચવાની જરૂર નથી. ઊલટું ભારત અને અમેરિકામાં તો ત્યાંના શાસકોને કારણે અને ભ્રમિત નાગરિકોને કારણે લોકશાહી ભીંસમાં છે. અમેરિકામાં સત્તાપલટાને કારણે અત્યારે તો લોકતંત્ર પરની ભીંસ ઓછી થઈ છે, સાવ દૂર નથી થઈ. બીજું, એક ઊલટી હકીકત એ પણ છે કે આ ચાર મહાન લોકશાહી દેશો તેની લોકશાહી ટકાવી રાખે, એમ ચીન પણ ઈચ્છે છે. માથાભારે થવા માટે ધારાધોરણો અને મર્યાદાઓનો અંચળો ફગાવવો પડે એમ ચીન નથી ઈચ્છતું કે આ ચાર દેશોમાંથી કોઈ કે ચાર દેશો સામૂહિકપણે તેની સામે નાગાઈની રિંગમાં ઊતરે. ત્રીજી ઊલટી હકીકત એ પણ છે કે અમેરિકાએ તેનો સૂર્ય જ્યારે મધ્યાહ્ને હતો ત્યારે જગતના લોકશાહી દેશોને ઓછી મદદ કરી છે અને ગામના ઉતાર જેવા શાસકોને અને એવ દેશોને જ વધારે મદદ કરી છે.
તો ક્વાડની રચનાના કેન્દ્રમાં ચીન છે. ભૌગોલિક રીતે મોટું અંતર ધરાવનારા આ ચાર દેશો નજીક એટલા માટે આવ્યા છે કે ચીન અત્યારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાએ વિસ્તરી રહ્યું છે. ઉત્તરે રશિયા છે અને રશિયા તો હમસફર છે. ભૌગોલિક રીતે જોઈએ તો પૂર્વે પ્રશાંત મહાસાગરથી લઈને પશ્ચિમે એટલાન્ટીક મહાસાગર સુધી ચીન અને રશિયા વિસ્તરેલાં છે. આ સિવાય દક્ષિણે શ્રીલંકા સુધી તેનાં ખંડિયા રાષ્ટ્રો છે. ક્વાડની સક્રિયતાનું કારણ આ છે. પણ સમસ્યા એ છે કે બિલ્લીની ડોકે ઘંટ બાંધે કોણ? આ ચાર દેશોમાં ભૌગોલિક અંતરના કારણે સૌથી સુરક્ષિત દેશ અમેરિકા છે અને સૌથી અસુરક્ષિત દેશ ભારત છે. એમાં અમેરિકા ભરોસાપાત્ર સાથી નથી એવો તેનો કલંકિત ઇતિહાસ છે. યુક્રેન આનું તાજું ઉદાહરણ છે. જપાન પણ ભૌગોલિક અંતરના કારણે ભારતની જેમ અસુરક્ષિત છે, પણ જપાને અન્ય સમાન ચિંતા ધરાવતા દેશોના સહયોગ સાથે મળીને સુરક્ષાની તજવીજ કરવાનું મન બનાવી લીધું છે. જપાન ભારતની જેમ દ્વિધામાં નથી. દ્વિધામાં ભારત અને ઓસ્ટ્રેલિયા રહ્યા છે. ૨૦૦૭ની સાલમાં કવાડની રચના થઈ એ પછીથી ૨૦૧૭ સુધી તે લગભગ કાગળ પર જ હતો અને તેનું કારણ ભારત અને ઓસ્ટ્રેલિયા હતાં. ઓસ્ટ્રેલિયાએ ચીનની સામે નહીં પડવાનું વલણ અપનાવ્યું હતું અને ભારતમાં ચીન સામે સક્રિય મોરચો માંડવો કે કેમ એ વિષે દુવિધા હતી. છેલ્લે ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી ભારતને એમ લાગ્યું હતું કે હવે ચીનના નેતાઓને હિંચકે ઝૂલાવવાનો અને ઢોકળાં ખવડાવવાનો કોઈ અર્થ નથી.
પણ કરવું શું અને કરે કોણ? સક્રિયતા સાચી છે અને સક્રિય થવું પડે એમ પણ છે કારણ કે પરિસ્થિતિનું દબાણ પ્રચંડ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ક્વાડમાં નામ પૂરતી સક્રિયતા દાખવી હતી અને ભારતની જેમ હળવે હલેસે કામ લેતું હતું, પરંતુ ત્યાં અત્યારે ચીનની સામે સક્રિય થવા માટે પ્રજાકીય દબાણ વધવા માંડ્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન સ્કોટ મોરિસનની લિબરલ પાર્ટીનો પરાજય થયો, તેનાં કેટલાંક કારણોમાં એક કારણ તેમનું ચીન સામેનું ઢીલું વલણ હતું. નવા વડા પ્રધાન એન્થોની એલબેન્સી ચીન સામે વધારે આક્રમક વલણ ધારાવે છે. આમ પરિસ્થિતિવશાત્ ક્વાડ દેશો સક્રિય તો થયા છે, પણ ઉપાય શો અને અજમાવે કોણ? માટે ટોક્યોમાં મળેલી ચાર દેશોના વડાઓની પરિષદ પછી જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં ચીનનો નામોલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી.
જગત અત્યારે જ્વાળામુખીના મુખ પર છે. ગમે ત્યારે જ્વાળામુખી ફાટી શકે છે. વિશ્વના કહેવાતા આગેવાન દેશો પાસે ટકી રહેવા માટે અત્યારે માત્ર શસ્ત્રો છે અને પાળેલા (કે કલ્પિત) દુ:શ્મનો અને દુ:શ્મનો સામેનો દ્વેષ છે. આ સિવાય કાંઈ જ નથી એ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની નાદારીએ સાબિત કરી આપ્યું છે. યુદ્ધને ત્રણ મહિના થઈ ગયા પણ રશિયા યુક્રેનને હરાવી શક્યું નથી. તાકાતની પુનઃવ્યાખ્યા કરવી પડે એમ છે અને ભારતે પણ પોતાની તાકાતની અને જરૂરિયાતોની વસ્તુનિષ્ઠ ચકાસણી કરવી જોઈએ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 મે 2022