દેશના અર્થતંત્રની હાલત ખરાબ છે. ૨૦૧૪ કરતાં પણ વધુ ખરાબ છે. આ હું નથી કહેતો, ‘ઇન્ડિયા ટુડે’ની કવરસ્ટોરી કહે છે અને તેમાં દસેક જેટલા અર્થશાસ્ત્રીઓના લેવામાં આવેલા અભિપ્રાય કહે છે. એમાંના કોઈ એક અર્થશાસ્ત્રીએ કહ્યું નથી કે યુ.પી.એ.-૨ (૨૦૦૯-૨૦૧૪)ની સરકારની તુલનામાં એન.ડી.એ. સરકારના સમયમાં આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. નોટ અ સિંગલ. દરેકે કહ્યું છે કે બગાડો થયો છે. થોડીક શરમ ધરાવતા મીડિયાને પણ હવે લાગવા માંડ્યું છે કે વિકરાળ વાસ્તવિકતાઓ વાચકોની કે દર્શકોની છાતી પર ચડીને બેઠી હોય ત્યારે ક્યાં સુધી દેશપ્રેમના નગારાં વગાડીને શાસકોને સાથ આપવો. હવે થોડીક શરમ ધરાવનારાઓ ધીરે-ધીરે બોલવા લાગ્યા છે. બચ્યા છે માત્ર બેશરમ. ગયા અઠવાડિયે રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે મુંબઈમાં એ.ડી. શ્રોફ મેમોરિયલ લેકચર આપ્યું હતું જેમાં તેમણે સરકારની રિઝર્વ બેન્કના કામકાજમાં કરવામાં આવતી ઘોબાજાળીની ટીકા કરી હતી. નાણાકીય મેનેજમેન્ટ એ રિઝર્વ બેન્કનું કામ છે અને સરકારે તેને સ્વતંત્રતાથી કરવા દેવું જોઈએ. સી.બી.આઈ. પછી રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર કહે છે કે જેનું જે કામ હોય એને એ કરવા દો.
અહીં ‘ઇન્ડિયા ટુડે’ના સંપાદક અરુણ પુરીએ તેમના સંપાદકીય લેખમાં અર્થતંત્રની હાલત ઉપરની કવર સ્ટોરીનો જે સાર આપ્યો છે તેનો અનુવાદ આપું છું:
‘તળાવમાં પાણી ઓસરી જાય ત્યારે આપોઆપ ખબર પડે કે તળાવમાં કોણ નગ્નાવસ્થામાં તરી રહ્યું છે.’ અબજોપતિ રોકાણકાર વોરેન બુફેટ્ટનું આ જાણીતું વાક્ય અત્યારે ભારતીય અર્થતંત્રને લાગુ પડે છે. ક્રુડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, રૂપિયો ગબડતો હોય એમ તૂટી રહ્યો છે, ફુગાવો વધી રહ્યો છે, રોકાણનો દર ઘટી રહ્યો છે અને શેર બજાર તૂટી રહ્યું છે. બેન્કરો, ઉદ્યોગપતિઓ અને શાસકો મૂક – બધિર અવસ્થામાં છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીને અર્થતંત્રનો વારસો બહુ ખરાબ હાલતમાં મળ્યો હતો એમ ન કહી શકાય. ૨૦૧૫માં સુધારવામાં આવેલા જી.ડી.પી. મુજબ જો ગણતરી માંડવામાં આવે તો યુ.પી.એ. સરકારના સમયમાં ૨૦૧૪માં ૬.૯ ટકાનો વિકાસદર હતો. (આનો અર્થ એ થયો કે ૬.૯ ટકાવાળું અર્થતંત્ર ૨૦૧૪માં વારસામાં મળ્યું હતું.) જો યુ.પી.એ. સરકારના દસ વરસની સરેરાશ કાઢવામાં આવે તો ૨૦૦૪-૨૦૧૪નાં વર્ષોનો વિકાસદર ૮.૧ ટકાનો હતો. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ બેરલે ૧૦૬ ડોલર હતો અને પછી એમાં ઉત્તરોત્તર ઘટાડો થયો હતો તે ત્યાં સુધી કે ૨૦૧૬ના જાન્યુઆરી મહિનામાં ક્રુડ ઓઈલનો ભાવ ઘટીને બેરલે ૨૮.૦૮ ડોલર થઈ ગયો હતો. એક સરખામણી કરવા જેવી છે : યુ.પી.એ. ટુ સરકારના વખતમાં (૨૦૦૯-૨૦૧૪) ક્રુડ ઓઈલનો સરેરાશ ભાવ બેરલે ૯૩ ડોલર હતો જ્યારે મોદી સરકારના વરસોમાં ઓઈલના ભાવની સરેરાશ ૫૩ ડોલર રહી છે. મોદી સરકાર માટે તમામ બાહ્ય પરિબળો અનુકૂળ હતા જેને અર્થતંત્ર માટે ગોલ્ડીલોક મોમેન્ટ કહેવામાં આવે છે.
અત્યારે હવે સ્થિતિ ઝડપભેર દુ:સ્વપ્નમાં ફેરવાઈ રહી છે. ભારતના વિદેશી હૂંડિયામણનું ધોવાણ સૌથી વધુ ક્રુડ ઓઈલની આયાતમાં થઈ રહ્યું છે. ૨૦૧૭માં બેરલે ૮૮ ડોલરની સરેરાશે તેલ આયાત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં બેરલે એક ડોલરનો વધારો ભારતને ૮૨૩ કરોડનું નુકસાન પહોંચાડે છે. આને કારણે નાણાકીય ખાધ વધી રહી છે. ગયા નાણાકીય વરસમાં કરંટ એકાઉન્ટ ડેફિસીટ ૧.૮ ટકા હતી જે વર્તમાન નાણાકીય વરસની પહેલી તિમાહીમાં વધીને ૨.૪ ટકા થઈ ગઈ છે. આમાં ગગડતાં રૂપિયાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એમ કહેવાય છે કે ચલણનું અવમૂલ્યન નિકાસ માટે લાભકારી નીવડે છે. રૂપિયાનું કલ્પના બહાર અવમૂલ્યન થયું છે, પરંતુ નિકાસમાં વધારો થવાની જગ્યાએ ૨.૧૫ ટકાનો ઘટાડો થયો છે. ઉપરથી સરકાર ખેતપેદાશ જેવી કેટલીક ચીજોની આયાત કરવા દે છે જેની દેશને કોઈ જરૂર નથી. ક્રુડ ઓઇલના ભાવ વધી રહ્યા છે જે ફુગાવો વધારશે એનો ભય છે. અમેરિકામાં વ્યાજના દર વધી રહ્યા છે અને જગતમાં બારણાં વાસવાનો ટ્રેન્ડ છે. આ સ્થિતિમાં વિદેશી રોકાણકારોએ ૯૦,૭૪૬ કરોડ રૂપિયા ભારતની બજારમાંથી પાછા ખેંચ્યા છે. ૨૦૦૨ની સાલ પછી આટલા મોટા પ્રમાણમાં રોકાણ પાછું ખેંચાયું હોય એવું બન્યું નથી.
આટલું ઓછું હોય એમ ઘરઆંગણે સ્થિતિ વણસી રહી છે. સરકારી બેન્કોએ ૩.૨ લાખ કરોડ માંડી વળ્યા છે અને હજુ બીજા ૧૦ લાખ કરોડ જોખમમાં છે જે પાછા મળે એવી શક્યતા બહુ ઓછી છે. બેન્કો હવે ધિરાણ કરી શકવાની સ્થિતિમાં જ નથી અને ધિરાણના અભાવમાં ધંધાને નુકસાન થઈ રહ્યું છે. નવા પ્રોજેક્ટ તો દૂરની વાત છે. આગલી તિમાહી(એપ્રિલ-જૂન)ની તુલનામાં બીજી તિમાહી(જુલાઈ-સપ્ટેમ્બર)માં નવા પ્રોજેક્ટની જાહેરાતમાં ૪૧ ટકાનો ઘટાડો થયો છે. નોટબંધી પછીના વરસમાં એટલે કે ૨૦૧૭માં રોકાણદરમાં જી.ડી.પી.ના ૨૯.૬ ટકાનો ઘટાડો થયો હતો એ તો જાણે સમજાય છે, પરંતુ તેમાં માર્ચ ૨૦૧૮ સુધીમાં વધારો થવાની જગ્યાએ હજુ વધુ ઘટાડો થઈને ૩૦.૮ ટકા થયો છે. ૨૦૧૧માં રોકાણદરમાં ૪૧.૦૨નો ઘટાડો નોંધાયો હતો એ પછીનો સૌથી વધુ ઘટાડો. આઈ.એફ.એલ.એસ.નું ૯૩ હજાર કરોડનું દેવાળું બતાવે છે કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે.
ગ્રામીણ ભારતને પણ ક્યાં કોઈ સુખનો અનુભવ થઈ રહ્યો છે! રેટિંગ એજન્સી ક્રિસિલ કહે છે કે ખેડૂતો માટે આવતા જૂન સુધીનો સમય આકરો નીવડવાનો છે. મંડીમાં ટેકાના ભાવ મળતાં નથી અને બીજી કોઈ મદદ નથી. ગ્રામીણ ભારતની ક્રયશક્તિ ઘટશે જે અર્થતંત્રને હજુ વધુ નુકસાન પહોંચાડશે.
મોદી સરકારના નોટબંધીએ અને ઉતાવળા તેમ જ ક્ષતિગ્રસ્ત જી.એસ.ટી.એ ભારતનાં અર્થતંત્રને કારમો મુક્કો માર્યો છે અને તેની કળ હજુ પણ વળી નથી. આ ઉપરાંત ‘મેઇક ઇન ઇન્ડિયા’ જેવી નરેન્દ્ર મોદીની સિગ્નેચર સ્કીમ અપેક્ષા કરતા ઘણી ઊણી ઊતરી છે. આવી વિકટ અવસ્થામાં સરકાર નીતિનિર્ધારણ અને સુધારાઓ કરવાની જગ્યાએ પ્રતિક્રિયા અને બચાવ કરીને કામ ચલાવે છે એ દુઃખદ છે.
દેશની આર્થિક સ્થિતિ અને અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો વિગતે જાણવા હોય તો ‘ઇન્ડિયા ટુડે’ની કવર સ્ટોરી જોઈ જાવ.
[અહીં નીચે લિંક આપીએ છીએ : વિ.ક.]
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 નવેમ્બર 2018