હાર્વી કાળો (આફ્રિકન અમેરિકન) હતો. ૧૯૭૨માં મારી સાથે લોન્ગ આયલેંડ – ન્યુ યોર્કના વિસ્તારમાં આવેલા એક ટેક્સટાઈલ પ્રિન્ટીંગ પ્લાંટમાં કામ કરતો હતો.
હાર્વી, કાળો એટલે? કાળો ભૂત લાગે! સવા છ ફૂટ ઊંચું કદ કોઈને પણ ડરાવે. ચાલે તો જાણે ડોલતો ગજરાજ! અંધારામાં ઊભો હોય તો તેના ચમકતા સફેદ દાંત જ એકલા દેખાય. જો આવડતા હોય તો ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરવાનો આ જ સમય. પણ સ્વભાવે મીંદડી. જો કોઈ તેની સાથે ઊંચા અવાજે વાત પણ કરે તો ય હાર્વી ગભરાય. એટલે ઝઘડો ટાળવા કાયમ મોં હસતું રાખતો.
કોઈ પણ કહી શકે કે તેને સૌથી વધારે ડર તેની પત્ની ઇલિઝાબેથનો લાગતો. ઇલિઝાબેથનું નામ તેની જીભે વાતેવાતે આવતું. અમારી સાથે બર્ની વિલિયમ્સ પણ કામ કરતો હતો. તે બન્ને મિત્રો હતા. બર્ની પણ આફ્રિકન–અમેરિકન હતો; પણ તે વાને થોડો ગોરો હતો. એટલે તે પોતે આફ્રિકન ગણાવવામાં નાનમ સમજતો. તેમાં તેની પત્ની સેન્ડી ગોરી અમેરિકન હતી. તેનું તેને અભિમાન રહેતું. હું તેને કહેતો કે : ગોરી કે કાળી; પત્ની એટલે પત્ની! પત્નીની એક જુદી નાત હોય છે. બર્નીને તેની પત્નીએ પોતાનો પડ્યો બોલ ઝીલવાની ટેવ પાડી હતી. એટલે જ્યારે તે વર્ક પર મોડો પડતો, તો પત્નીના નામનું બહાનું કાઢતો. જ્યારે હાર્વીને ગોરા–કાળાની મગજમારી નહોતી. બર્નીની ઈચ્છા હોલીવુડમાં જવાની હતી. પણ કમનસીબે મારા જેવા ઇન્ડિયનના હાથ નીચે ભેરવાઈ ગયો હતો. અને મારી કુંડલીમાં એવું તો શું હતું કે હું જનમ્યો ભારતમાં અને પનારો પડ્યો દસ હજાર માઈલ દૂર આ લોકોની સાથે!
હું પ્રિન્ટીંગ પ્લાંટના કલર ડિપાર્ટમેંટનો ઈનચાર્જ હતો. સ્ટાફમાં બીજા પચીસ વર્કર હતા. તે બધાનો હું સુપરવાઈઝર હતો. અમે બપોરની બીજી શિફ્ટમાં કામ કરતા હતા અને રાતે સાડાદસે છૂટી જતા. સામાન્ય રીતે હું સ્ટાફ સાથે ભળતો નહીં. હું હજુ અમેરિકાથી બરાબર ટેવાયલો નહોતો. એટલે આ કાળા આફ્રિકન–અમેરિકન મને ડરામણા લાગતા. જ્યારે હાર્વીને પહેલવહેલો જોયો ત્યારે મને મારી કલ્પનાનો, મહાભારતના ભીમ અને બકાસુરના પ્રસંગનો બકાસુર યાદ આવ્યો હતો. અને ખરેખર બકાસુરની જેમ જ આ બકાસુર પણ બહુ ખાતો. એક બાજુ હાથ વજન કરતા હોય તો ય, કાંઈને કાંઈ ચાવતો હોય. હાર્વી પ્લાંટમાં પ્રિન્ટીંગ માટે જોઈતા જાતજાતના કલરનું ટિકિટ પ્રમાણે વજન કરતો. તે તેની ડ્યુટી હતી. બર્નીને હું ટિકિટ આપતો. બર્ની તે ટિકિટો હાર્વીને આપતો. હાર્વી તે કલર તૈયાર કરતો. દિવસના અંતે જાતજાતના કલર્સના કારણે આ કાળા હાર્વી પર ભૂરા–પીળા કલરના લીસોટા દેખાતા. તે તેને ભયાનક રૂપ આપતા. ઘેર જતાં પહેલાં અમારા દરેક વર્કરે ફરજિયાત શાવર–બાથ લેવો પડતો. જો તેમ ન હોત તો ભૂતાવળ છૂટી હોય તેવું લાગે.
એક બપોરે હાર્વી મારી ઓફિસમાં આવ્યો. મને કહે : ‘જાની, મારા કલરરૂમમાં આવ.’ હું હાર્વીના કલરરૂમમાં ગયો. હાર્વી કહે, ‘તને અમેરિકન પાઈ ખબર છે? એપલ પાઈ તો અમારા અમેરિકાની સ્પેશ્યાલિટી છે. મારી વાઈફ બહુ સરસ બનાવે છે. તે તારા માટે લાવ્યો છું.’ મેં તેને કહ્યું કે : ‘આટલી મોટી દસ ઈંચની પાઈ મારાથી નહીં ખવાય.’ બર્ની કહે, ‘હું ખાવા લાગીશ.’ એપલ પાઈ એટલે બાફેલા એપલ પર ખાંડની ચાસણી નાખેલી મીઠાઈ. અમેરિકામાં જાતજાતના ફ્ૃૂટ્સની બનેલી પાઈ મળે. પછી અમે કામ કરતાં કરતાં તે પાઈ આરોગી. અને પછી તો હાર્વી રોજ પાઈ લાવતો. મેં જોયું તો મારું તો નામ માત્ર હતું; હાર્વીને જ પાઈ ભાવતી. મને થતું કે હાર્વીએ જન્મતાની સાથે દૂધની જગ્યાએ પાઈ માંગી હશે. કદીક તે પાઈને બદલે કેક લાવતો. આમ અમારો સમ્બન્ધ આગળ વધ્યો. ખાસ કારણ તો એની ખાવાની ટેવને લીધે. બર્ની પણ હાર્વી માટે ખાવાની વાનગીઓ લાવતો. પણ નવાઈની વાત એ હતી કે મને પણ તેમની જ્યાફતમાં જોડતો. પણ જો તે વાનગી વેજીટેરિયન હોય તો જ હું જોડાતો. તેમનો ઉત્સાહ બહુ રહેતો. હું ઇન્ડિયન હતો. બીજા દેશમાંથી આવ્યો હતો એટલે મને નવું નવું ફૂડ ટેસ્ટ કરાવવા માંગતા હતા. અમારો સમ્બન્ધ સાથે કામ કરવા કરતાં, ખાવાની વાનગીઓને લીધે વધ્યો.
એક દિવસે એ બન્નેને મેં મારે ત્યાં નોતર્યાં. મારો એક ઈરાદો એ પણ હતો કે મારાં પત્ની કોઈ કાળા અમેરિકનને નજીકથી જૂએ અને તેમનાથી ન ડરે. તે બન્ને એક શનિવારે આવ્યા. તેમણે પ્રેમથી હસીને વાતો કરી. પોતાના રૂમમાં છુપાઈ ગયેલી મારી દીકરીઓ પણ બહાર નીકળીને રમવા લાગી. એમને દેશી ભોજન ન ભાવ્યું. કશામાં મરચું નહોતું નાખ્યું; તો ય દરેક વાનગી તેમને તીખી લાગી. અમેરિકનોનું આ જ તો દુ:ખ છે, બીચારા મરીમસાલામાં શું સમજે ! ગુલાબજાંબુ બહુ ગળ્યાં લાગ્યાં. ફક્ત લુખ્ખી પૂરીઓ બે હાથે તોડીતોડીને ખાધી. કાળા અમેરિકનોને તળેલી વસ્તુઓ બહુ ભાવે. તેમાં પણ ‘ફ્રાઈડ ચીકન’ મળે તો તો, બ્રાહ્મણને લાડુ મળ્યા બરાબર! તેમને ભોજનનો આનંદ તો ન મળ્યો; પણ એક ઇન્ડિયન ફેમિલીને મળ્યાનો તેમને સંતોષ હતો. જતાંજતાં હાર્વીએ એટલું જ કહ્યું, ‘તમે લોકો પાણી તો એવી રીતે પીઓ છો કે જાણે બીયર ન પીતા હો?’
એક બપોરે હાર્વી મારી ઓફિસમાં આવ્યો. બેંક પાંચ વાગે બંધ થાય તે પહેલાં, પોતાનો તે દિવસે મળેલો પગારનો ચેક વટાવવા જવાની તેણે રજા માંગી. બેંક અમારા પ્લાંટની નજીકમાં જ હતી. હાર્વી પંદરેક મિનિટમાં આવી જશે એમ ધાર્યું હતું; પણ તે ન આવ્યો. પછી લગભગ અડધા કલાક પછી એનો ફોન આવ્યો. ગભરાયેલા અવાજે મને બેંકમાં આવવાનું કહ્યું. જતાંવેંત મેં જોયું તો, બહાર બેચાર પોલીસ–કાર હતી. અંદર હાર્વીને ખુરશી પર બેસાડ્યો હતો. અંદર ગયો. પોલીસ મારા માટે તૈયાર જ હતી. મારે પોલીસોને જાતજાતના સવાલોના જવાબ આપવા પડ્યા. પછી મને આખી વાત સમજાઈ.
થયેલું એવું કે, બેંકમાં બે ચાર કસ્ટમર હતા. કેશિયરની બારી પર હાર્વીનો બીજો નંબર હતો. તેણે જોયું કે તેની આગળના કસ્ટમરે કેશિયર સામે ગન ધરી અને બેંક લૂંટવા પ્રયત્ન કર્યો! હાર્વીને ખ્યાલ આવી ગયો કે શું ચાલી રહ્યું છે. હાર્વીએ પાછળથી પેલાના માથામાં પોતાનો પોલાદી મુક્કો માર્યો. પેલા લુંટારાભાઈ જમીન પર પડ્યા અને હાથમાંની ગન પણ દૂર ઊડી ગઈ. હાર્વી એની છાતી પર બેસી ગયો. એ તો લુંટારાભાઈએ સવારે કોઈ સારાનું મોં જોયું હશે, બાકી હાર્વી કોઈની છાતી પર બેસે તો તેના રામ જ રમી જાય! એટલામાં પોલીસ આવી ગઈ અને કાળા હાર્વીને ચોર માની તેને જ બે ડંડા ફટકાર્યા અને લુંટારાની સાથે તેને પણ પકડી લીધો. કાળા અમેરિકનોને પોલીસનો આ જ પ્રોબ્લેમ છે. હાર્વીએ પોલીસને જણાવ્યું કે તે અમારી કંપનીમાં કામ કરે છે. તો પોલીસે મારી જુબાની લેવા મને બોલાવ્યો. મારી ઊલટ તપાસ પછી પોલીસે હાર્વીને છોડી દીધો. અને બીજે દિવસે બેંકે હાર્વીને બોલાવીને સરસ શેમ્પેઈનની બોટલ ભેટ આપી. અને લોકલ છાપામાં હાર્વીનો ફોટો આવ્યો તે જુદું.
તેવામાં અમારી કંપનીના પ્રિન્ટીંગ બિઝનેસમાં મંદી આવી ગઈ. લોકો પ્રિન્ટ વિનાના બ્લુ જીન્સ પહેરતા થઈ ગયા. કંપની બંધ પડી ગઈ. અમે સૌએ નવી જોબ શોધી લીધી.
બરાબર સત્તર વરસ પછી હું પ્લાસ્ટિક એન્જીિનયર્સની કોન્ફરન્સમાં ન્યુ યોર્ક ગયો હતો. બપોરે લંચ લઈને ટાઈમ્સ સ્ક્વેર એરિયામાં ચાલતો હતો, અને મેં જોયું કે કોઈ કાળો અમેરિકન બૂમો પાડતાં પાડતાં મારી પાછળ દોડતો હતો. આ માણસ મારી પાછળ કેમ દોડે છે? નક્કી, આપણું આવી બન્યું! આ ન્યુ યોર્ક છે. રોજના વીસત્રીસ ખૂન થાય છે. મેં દોટ મૂકી; પણ પેલા કાળાએ મને પકડી પાડ્યો. જોયું, તો તે હાર્વી હતો! હું એને જોઈને ખુશ થઈ ગયો! તેનો પહેલો સવાલ એ હતો કે “મને જોઈને તું કેમ નાસતો હતો?” પછી મેં સમજાવ્યું કે આ ન્યૂ યોર્ક છે. અહીં કોઈના પર ભરોસો ન કરાય. અમે ભેટી પડ્યા. પછી હાર્વીકુમાર બોલ્યા, ‘અમારા કાળા લોકોની તો ઈમ્પ્રેશન જ ચોર–લુંટારાની છે ને!’ તે હવે ત્યાંની બેંકમાં સિક્યુરિટી ગાર્ડ હતો. જાત જાતની વાતો કરી. જૂનાં સંસ્મરણોને વાગોળતાં અમે બન્નેએ હાવર્ડ જોન્સન રેસ્ટોરાંમાં એપલ પાઈ ખાધી. અને છૂટા પડ્યા.
અમને બન્નેને ખબર હતી કે હવે નહીં મળાય. પણ મારા સ્મરણપટમાં તો પેલો વિશાળ કાય હાર્વી, એક સસલાની માફક લપાયો છે.
ખાસ નોંધ :
અમેરિકામાં આફ્રિકન–અમેરિકન પ્રજા માટે ફેબ્રુઆરી મહિનામાં ‘બ્લેક હીસ્ટ્રી મન્થ’ની ઊજવણી થાય છે. ટીવી પર કે બીજા પ્રિન્ટ મીડિયામાં તેમના વિશે સારી સારી વાતોનો પ્રચાર–પ્રસાર થાય છે. તે પ્રસંગે ‘સન્ડે ઈ.મહેફીલ’ પણ તેને માટે યોગ્ય એવી, પરાણે વહાલા લાગે તેવા એક આફ્રિકન–અમેરિકન ‘હાર્વી વિલિયમ્સ’ની આ સ્મરણીય ચરિત્રકથા રજૂ કરે છે.
હરનિશભાઈ હાલ તેમના આગામી ગ્રંથ માટે ‘હાસ્ય–ચરિત્રો’ લખવામાં વ્યસ્ત છે .. આગામી દિવસોમાં એમનું એ પુસ્તક ‘હાસ્ય–ચરિત્ર’ પ્રકાશિત થઈ રહ્યું છે. તેમાંનો આ એક નવો લેખ તે ‘હાર્વી વિલિયમ્સ’. શરૂઆતથી જ ‘સ.મ.’ના જબરા ચાહક અને સાચા સમર્થક રહેલા ભાઈ હરનિશ જાનીએ, ‘સન્ડે ઈ.મહેફીલ’ માટે આ લેખ, સ્નેહથી મોકલ્યો તે બદલ તેમનો ખૂબ આભાર ..
− ઉત્તમ ગજ્જર
સર્જક–સમ્પર્ક : 4-Pleasant Drive, Yardville, NJ-08620-USA • Email : harnishjani5@gmail.com
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 393 –February 04, 2018