૧. સરકારે 'ગુજરાતી ભાષા નિયમન ધારો’ ઘડવો જોઈએ. અત્યારે ગુજરાતી ભાષા જે પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહી છે એ કટોકટીને કેવળ પરિપત્રો દ્વારા પહોંચી નહીં વળાય.
૨. આ ધારા હેઠળ સૌ પહેલાં વહીવટી ભાષાનું આયોજન કરવું જોઈએ. અત્યારે ગુજરાત સરકાર વહીવટમાં જે ભાષા વાપરે છે એમાં કેવળ જોડણીની જ નહીં, વ્યાકરણની અને usageની પણ અપાર ભૂલો હોય છે. સરકારના મોટા ભાગના પરિપત્રો શબ્દાળુ અને ન સમજાય એવા હોય છે. જો વહીવટની ભાષાનું બરાબર આયોજન થાય તો કાગળ પણ બચે, શાહી પણ અને ભાષા પણ.
૨.૧ (દા.ત.) વહીવટી ભાષામાં સંક્ષિપ્તીકરણના ચોક્કસ એવા નિયમો હોવા જોઈએ. ગુજરાતી સિલેબિક ભાષા હોવાથી 'બાબુ સુથાર’નું 'બસ’ ન થાય. 'બાસુ’ જ થાય. એ નિયમ દરેક સ્તરે જળવાવો જોઈએ.
૩. આની સમાન્તરે ગુજરાત સરકારે જાહેર જીવનમાં (public domainમાં) ગુજરાતી ભાષાના ઉપયોગને લગતો પેટાધારો પણ ઘડવો જોઈએ. એ ધારાના ઉપક્રમે સરકારે જાહેર જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. એમાં દુકાનોનાં બોર્ડની ભાષા પણ આવી જાય.
૩.૧ આ ધારો બનાવ્યા પછી સરકારે (અને કદાચ સામાજિક સંસ્થાઓએ પણ) એકાદ વરસ પૂરતા ગુજરાતી ભાષા માટે એક હૉટલાઇન શરૂ કરવી જોઈએ. આ હોટલાઇનના ઉપક્રમે આપણે ગુજરાતી ભાષાને લગતા કોઈ પ્રશ્નો હોય તો એના જવાબ આપવા જોઈએ. એ પ્રશ્નો કેવળ જોડણી કે વ્યાકરણને લગતા જ હોવા જોઈએ. જો આવું કરવામાં આવે તો સાઇનબોર્ડ વગેરે ચીતરનારાઓને શબ્દોની જોડણી કે વ્યાકરણના નિયમો અંગેની માહિતી મળી રહે.
૪. છેલ્લાં ત્રીસેક વરસમાં સરકારે ગુજરાતી ભાષાનું સંરચનાના સ્તરે અવમૂલ્યન કર્યું છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા કેવળ પાસ કરવાની જ રહી એવો સરકારનો નિર્ણય આનું ઉદાહરણ છે. એ નિયમ બદલવો જોઈએ અને ગુજરાતી ભાષાના અભ્યાસને ગણિત તથા વિજ્ઞાનના અભ્યાસની સમકક્ષ મૂકવો જોઈએ.
૪.૧ અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માટે પણ પાંચમા ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરવી જોઈએ. જો કે, એ બાળકોને ગુજરાતી બીજી (second) ભાષા તરીકે શીખવવી જોઈએ.
૫. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસનું સ્વરૂપ બદલવું જોઈએ. અત્યારે પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યના એક ભાગ રૂપે ભણાવવામાં આવે છે. એને બદલે સરકારે કેવળ લેખન અને વાંચન પર જ ભાર મૂકવો જોઈએ. બાળકો ગુજરાતી ભાષા આત્મસાત્ કરીને શાળામાં આવતાં હોય છે. શાળામાં એમણે કેવળ લેખન અને વાંચન જ શીખવાનું હોય છે.
૬. (૫)માં કરવામાં આવેલા સૂચનના એક ભાગ રૂપે પી.ટી.સી.નો અભ્યાસક્રમ પણ બદલવો જોઈએ. પી.ટી.સી.ના વિદ્યાર્થીઓને વાંચન/લેખન ભણાવવા માટે તૈયાર કરવા જોઈએ.
૭. ગુજરાતી ભાષાની જોડણીવ્યવસ્થા અંગે નવેસરથી વિચાર કરવો જોઈએ. સૌ પહેલાં તો ગુજરાતીમાં જોડણી કોને કહેવાય એ વિશે સ્પષ્ટતા કરવી જોઈએ. યાદ રાખો કે ગુજરાતી સિલેબિક ભાષા છે. આલ્ફાબેટિક નહીં. એમ હોવાથી ગુજરાતી જોડણીનું સ્વરૂપ પણ જુદું જ હોવાનું. ત્યાર બાદ, ગુજરાતી ભાષાનું કેટલું અને કયું ધ્વનિતંત્ર જોડણીમાં પ્રગટ થવું જોઈએ એ અંગેનો નિર્ણય લેવો જોઈએ. છેલ્લે, ગુજરાતી રૂપતંત્ર અને વાક્યતંત્રને પણ જોડણી સાથે જોડવાં જોઈએ.
૮. જોડણી અંગે વિચાર કરતી વખતે શિક્ષકો, પ્રિન્ટિંગ પ્રેસ, અને ભાષા સાથે કામ પાર પાડતા બીજા કેટલાક લોકોને પણ સાંકળવા જાેઈએ. કોઈ એક માણસ ર્નિણય લે એ ન ચાલે.
૯. કૉલેજોમાં દરેક ગુજરાતી વિભાગમાં ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કરેલો હોય એવો ઓછામાં ઓછો એક અધ્યાપક હોવો જોઈએ. આવા અધ્યાપકો તૈયાર કરવા માટે ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમાના કોર્સ શરૂ કરવા જોઈએ.
૧૦. યુનિવર્સિટીઓમાં દરેક ગુજરાતી વિભાગ બે વિભાગમાં વહેંચાયેલો હોવો જોઈએઃ સાહિત્ય વિભાગ અને ભાષાશાસ્ત્ર વિભાગ. એમ.એ. કરતા વિદ્યાર્થીઓએ કેટલાક core courses લીધા પછી કાં તો સાહિત્યનો અભ્યાસ કાં તો ભાષાશાસ્ત્રનો અભ્યાસ પસંદ કરવો જોઈએ. જો કે, આ કામ જરા અઘરું છે પણ મુશ્કેલ નથી.
૧૧. ગુજરાતી શબ્દકોશો શાસ્ત્રીય ઢબે તૈયાર થઈ શકે અને જે કંઈ શબ્દકોશો છે એમનો શાસ્ત્રીય ઢબે અભ્યાસ થઈ શકે એ માટે વધારે નહીં તો એક કે બે યુનિવર્સિટીએ Diploma in Lexicographyનો (શબ્દકોશશાસ્ત્રમાં ડિપ્લોમા) કોર્સ શરૂ કરવો જોઈએ.
નોંધઃ ગુજરાતી ભાષા/સાહિત્યના અધ્યાપકોને એક ખાસ સલાહઃ વાંચીને કે ગૂગલ મહારાજને પૂછીને કંઈ પણ ભણાવી શકાય એવા ખોટા ખ્યાલમાં રહેવું નહીં.
૧૨. આટલાં વરસોથી ગુજરાતીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ એમ.એ. અને પીએચ.ડી. કરે છે. એમ છતાં એકૅડેમિક ગુજરાતી કહી શકાય એવી ભાષાનાં ધોરણો આપણે નક્કી કર્યાં નથી. એને કારણે પણ મોટા ભાગના ગુજરાતી શોધનિબંધો અને સંશોધનનિબંધો પણ ઊતરતી કક્ષાના લાગતા હોય છે. ગુજરાતીના અધ્યાપક સંઘે અને સરકારે પણ આ બાબતમાં યોગ્ય પગલાં લેવાં જોઈએ. દરેક ગુજરાતી વિભાગે એકૅડેમિક ગુજરાતી ફરજિયાત કરવાનું કહેવું જોઈએ.
૧૩. જો કોઈ સમાજમાં એક કરતાં વધારે ભાષાઓ બોલાતી હોય તો એમાંની એક ભાષા કદાચ 'મોભાની ભાષા’ બની જાય. અત્યારે અંગ્રેજી મોભાની ભાષા છે. એ ભાષા પણ ભણાવવી જોઈએ. પણ, એ ભાષા પહેલી ભાષાને મદદ કરતી હોવી જોઈએ. મેં અમેરિકામાં અત્યાર સુધીમાં નહીં નહીં તો બસોથી પણ વધારે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવી છે. એ બાળકો ગુજરાતીના કારણે અંગ્રેજી (એમની માતૃભાષા) નથી ભૂલ્યાં. પણ, ગુજરાતમાં, અને બીજે પણ, અંગ્રેજી ભાષા શીખતું બાળક આગળ જતાં અંગ્રેજી વધારે વાપરશે અને ગુજરાતી ઓછું. આ ઉદાહરણ સમજવા જેવું છે. પહેલા કેસમાં ગુજરાતી મોભાની ભાષા નથી. બીજામાં અંગ્રેજી મોભાની ભાષા છે. સરકાર ભાષા-આયોજન કરીને ભાષાનો મોભો વધારે નહીં તો થોડોક ઊંચો લાવી શકે. ભાષાશાસ્ત્રમાં આવું કામ કરનારાઓ ભાષા-આયોજકો તરીકે ઓળખાય છે. આપણે એવા ભાષા આયોજકોની પણ મદદ લેવી જોઈએ.
માતૃભાષાને મા સાથે જોડવી ને માને કરતા હોઈએ એવું વહાલ કરવું વગેરે વાતોને લાગણી સાથે સંબંધ છે. એમાં શાસ્ત્ર નથી હોતું. આવી લાગણી વ્યક્ત કરનારાઓમાં કેટલાક તો વિધિના (ritual) ભાગ રૂપે એમની લાગણી વ્યક્ત કરતા હશે. હું એવી લાગણીઓને બહુ માનથી જોતો નથી.
[ફેસબુક સૌજન્ય]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 16