“આપણે અહિંસા વિશે જેટલું વધુ જાણીએ તેટલું વધુ પ્રતીત થાય કે મોટામાં મોટા પડકારોનો અહિંસક ઉપાય હોય છે. આ એક આશાવાદી દર્શન છે અને તદ્દન વાસ્તવિક છે. અમે આશા રાખીએ કે આ સામગ્રી અને બનાવો વાચકોના વિચારોને ટેકો આપશે અને તેને પોષણ આપશે.”
(મેટા સેન્ટર ફોર નોન વાયોલન્સ)
“અહિંસા માનવ જાતના કાબૂમાં હોય તેવી સૌથી વધુ મોટી શક્તિ છે.” − ગાંધી
યુ.એસ.એ.સ્થિત મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સ એજ્યુકેશન ગાંધીજીનાં મૂલ્યો, ખાસ કરીને અહિંસાનો પ્રચાર પ્રસાર અલગ અલગ માધ્યમો દ્વારા અવિરતપણે કરી રહ્યું છે. થોડા સમય પહેલા નોનવાયોલન્સ રેડિયો પર દક્ષિણ આફ્રિકાસ્થિત શાતિવાદી કર્મશીલ ઇલાબહેન ગાંધી સાથે મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સ એજ્યુકેશન[Metta Center for Nonviolence Education]નાં વહીવટી નિયામક સ્ટેફની વાન હૂક અને અહિંસાના અમેરિકી કર્મશીલ ઝંડાધારી માઈકલ નાગલરે વાર્તાલાપ કર્યો તેની ઝલક પ્રસ્તુત છે.
ઇલાબહેન ગાંધી, મહાત્મા ગાંધીનાં પૌત્રી, પોતે એક શાંતિનાં કર્મશીલ અને અહિંસાનાં નિષ્ઠાવાન ટેકેદાર છે, તેમ જ માનવ જાતના હિત માટે આજીવન કાર્યરત રહ્યાં છે. સ્વનિર્ભરતાનાં મૂલ્યોને સમર્પિત, પ્રકૃતિ માટે ગાઢ નિસબત ધરાવનાર અને માનવ માત્રની ગરિમા જળવાય તેને પ્રોત્સાહન આપનાર ફિનિક્સ આશ્રમમાં ઇલાબહેનનો ઉછેર થયો, જે ગાંધીજીએ 1904માં સ્થાપેલ. સ્ટેફની વાન હૂક અને માઈકલ નાગલરે ઇલાબહેનનાં જીવન વિષે, સાંપ્રત ગ્રાહકવાદની કોરી ખાનારી શક્તિ વિષે તથા જીવ માત્ર પ્રત્યે કરુણા, પ્રકૃતિ તરફ ઔચિત્ય ભરી આમન્યા અને સદ્વ્યવહાર દર્શાવવાના મહત્ત્વ વિશે તેમ જ ગાંધીજીના મહત્ત્વના રચનાત્મક કાર્યક્રમ વિશે વાત કરી. સ્ટેફની વાન હૂક અને ઇલાબહેનના શબ્દોમાં આ વાર્તાલાપનો સારાંશ જોઈએ :

સ્ટેફની વાન હૂક
સ્ટેફની : આપનું નામ ઇલા ગાંધી સાંભળતાની સાથે જ લોકો આપના દાદાનાં કાર્ય સાથે આપને જોડી દે છે, પરંતુ આપનું જીવન અને કાર્ય એટલાં રસપ્રદ અને સમૃદ્ધ છે કે લોકો આપને પહેલાં ઇલાબહેન તરીકે પહેચાને અને અહિંસાના ક્ષેત્રમાં કઈ રીતે કામ કરો છો, કે જે અલબત્ત આપના દાદાજીની પ્રેરણાથી થાય છે પણ આપ તેનાથી પણ વધુ આગળ વધ્યાં છો તેના પર હું પહેલાં ધ્યાન આપવા માંગુ છું.
આપ ફિનિક્સ સેટલમેન્ટમાં જન્મેલાં. એ સ્થળ કેવું હતું અને દક્ષિણ આફિકાના સંઘર્ષમાં તેનું શું મહત્ત્વ હતું તે કહેશો ?
ઇલાબહેન : ફિનિક્સ સેટલમેન્ટ 1904માં ગાંધીજીએ સ્થાપેલું. તે એવો સમય હતો જ્યારે તેમણે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમના વિચારો કેટલાક સમયથી બદલાતા હતા અને દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે તેમનો દૃષ્ટિકોણ તદ્દન બદલાઈ ગયેલો. તમે જાણો છો કે તેઓ વકીલ તરીકે પોતાના દરજ્જા વિશે ખૂબ જાગૃત હતા. તેમને જીવન પદ્ધતિ અને સભ્યતા કેવી રીતે જળવાવી જોઈએ એ વિશે કેટલાક આગ્રહો હતા. સમય વીતતાં એમને ખ્યાલ આવ્યો કે આપણે બધા સમાન છીએ. કોઈ ખાસ પદ જેવું કશું હોતું નથી. પદ કે દરજ્જામાં કોઈ પ્રકારનો ચડતો-ઉતરતો કર્મ ન હોવો જોઈએ. તેમણે પોતાના કાર્યક્ષેત્ર વિશે કહેલું, “વકીલ તરીકે સારું કામ કરવું.” 1904 સુધીમાં તેમની આવી સમજણ વિકસી હતી.

ઇલાબહેન ગાંધી
ગાંધીજીને એ પણ પ્રતીત થવા લાગ્યું હતું કે પ્રકૃતિની નિકટ રહેવું એ બહુ મહત્ત્વનું છે. પૂરતા ખોરાકની બાંયધરી હોવી, પોતાને જરૂરી શાકભાજી અને અનાજ જાતે ઉગાડવા, સ્વાશ્રયી બનવું અને એવું જીવન જીવવું જે પોતાની મેળે જ ટકી શકે અને તો જ સભર જીવન જીવી શકાય. આથી તેમણે શહેરથી દૂર ગરીબીથી પીડાતાં લોકો વચ્ચે રહેવા માટે સ્થળ જોવાનું નક્કી કર્યું. એટલે એક તરફ ભારતથી લાવેલા ખાંડના કારખાનાઓમાં કામ કરતા બંધુઆ મઝદૂર હતા, તો બીજી બાજુ આફ્રિકાના ધાર્મિક સીમબેક સમુદાયનું થાણું હતું. ફાર્મની સામી બાજુએ દુબે સેટલમેન્ટ હતું. મી. દુબે આફ્રિકન નેશનલ કાઁગ્રેસના પ્રથમ પ્રેસિડેન્ટ હતા, જે પહેલાં નેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતું.
આમ ગાંધીજીએ વિવિધ હિત ધરાવતા લોકો વચ્ચે જઈને તેમની સાથે વાત કરી, એ લોકોની શી વિપદાઓ હતી તે શોધી કાઢ્યું. સાથે પોતાની બદલાયેલી જીવનશૈલીનો પણ ક્યાસ કાઢતા હતા. પૂરા સુખ સુવિધાવાળા સ્થળને છોડીને જ્યાં વીજળી, નળમાં પાણી કે અન્ય કોઈ પ્રકારની સગવડો નહોતી એવા તદ્દન ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનો નિર્ણય કર્યો.
ગાંધીજી આ નવી પરિસ્થિતિમાં કુદરતી પર્યાવરણની જાળવણી કરીને કઈ રીતે જીવતા શીખ્યા એ રસપ્રદ કહાણી હતી. સ્વાસ્થ્યમય જીવન કેવી રીતે જીવવું એ શોધતાં તેઓ સ્વાસ્થ્ય વિષે વધુ સમજતા થયા. લંડન અભ્યાસ અર્થે ગયા ત્યારે માતાને આપેલ વચનને કારણે ફરજિયાત શાકાહારી ભોજન સ્વીકારેલ એ ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમને ખાતરી થઈ ચૂકી હતી કે શાકાહારી ખોરાક જ તંદુરસ્ત જીવન જીવવાનો એક માત્ર માર્ગ હતો.
ફિનિક્સ આશ્રમમાં બીજા પ્રયોગો થયા. કુદરતી ઉપચાર, જેમાં માટી અને પાણીના ઉપચારથી લોકોની નાની મોટી તકલીફોનો ઉપચાર કરવામાં આવતો. મારો જન્મ આ વાતાવરણમાં થયો. તેમણે આ વારસો મારા માતા-પિતાને આપ્યો અને તેઓએ એ જ જીવન પદ્ધતિ અપનાવી હતી. જન્મથી જ હું સંવેદનશીલતાનું મહત્ત્વ, પોતાના સ્વાસ્થ્યની રક્ષા કરવી, સ્વાશ્રયી બનવું વગેરે જેવાં લાક્ષણિક મૂલ્યો વચ્ચે જ ઉછરી.
સ્ટેફની : આપનું બાળપણ ઘણું રસપ્રદ રહ્યું હશે. મારા વાંચવામાં આવ્યું છે કે આશ્રમમાં તમારાં માતાએ એક શાળા શરૂ કરેલી, તો એ શિક્ષણ પદ્ધતિની અને તમે આશ્રમ શાળા શા કારણે છોડી એ કહેશો?
ઇલાબહેન : મારાં માતા ભારતના સંયોગોના શિકાર બનેલાં. તેઓ ભારતમાં જન્મેલાં. ભારતમાં ઘણા લોકોએ બ્રિટિશ શિક્ષણનો બહિષ્કાર કર્યો, મારા માતાનાં માતાએ એ શાળાઓનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો, તેથી મારાં માતાએ હાઇસ્કૂલ શરૂ કરી તે પહેલાં શાળા છોડી. એ અહિંસક લડાઈનો વચગાળાનો સમય હતો.
આથી મારાં માતાને મન શિક્ષણનું ઘણું ઊંચું મૂલ્ય હતું. મારા દાદાજી અને મારા પિતાએ તેમના શિક્ષણની તમામ પ્રક્રિયામાં તેમને મદદ કરી. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે જે બાળકોને શાળાએ જવાની તક નથી મળતી તેમને માટે શિક્ષણનો રાહ બદલવો. તે વખતે શાળાઓ ઘણા ઓછા પ્રમાણમાં હતી અને ઘણાં બાળકોને શાળાએ જવાની સુવિધા નહોતી; ખાસ કરીને આફ્રિકન બાળકો, અને ભારતીય બાળકોને પણ.
મારાં માતાએ એક નાના ઓરડામાં શાળા શરૂ કરી, એમ માનીને કે તેમાં 10-15 બાળકો આવશે. પરંતુ જોતજોતામાં લગભગ 300 બાળકો આવવાં લાગ્યાં અને એમની પાસે મકાનની સવલત નહોતી. પછી સરકારની આંખ તેમના પર પડી. સરકારી અધિકારીઓએ કહ્યું, તમે આફ્રિકન બાળકોને ભણાવી નહીં શકો કેમ કે તેઓને શાળામાં અલગ રાખવામાં આવે તેવો નિયમ છે. આથી તેઓને ભારતીય બાળકો માટેની જ શાળા ચલાવવાનો વિકલ્પ માન્ય રાખવો પડ્યો કેમ કે ભારતીય લોકો માત્ર તેમનાં બાળકોની શાળા ચલાવી શકતાં. આ નિર્ણય તેમને માટે ઘણો નિરાશાજનક નીવડ્યો, કેમ કે તેમની પાસે એક સારું જૂથ જમા થયેલું. જો કે એ મકાન આટલાં બધાં વિદ્યાર્થીઓ માટે અપૂરતું હતું.
કન્યાઓને પણ શિક્ષણની તકો મેળવી જોઈએ, લિંગની સમાનતા હોવી જોઈએ એ બધી બાબતો મારા પિતાજી શીખેલા. મારાં માતા પણ ઘણા મક્કમ વિચારના હતાં, તેથી ફિનિક્સના આ સમાનતાના વાતાવરણમાં તેઓ તરત ગોઠવાઈ ગયાં. શાળાનું સંચાલન કરવા પાછળ આ એક મોટું પ્રેરણા બળ હતું. અલબત્ત મારા પિતાએ તેમને આ બધી બાબતોમાં ટેકો આપ્યો. એ લોકો એકજૂટ બનીને કામ કરતાં. તેઓ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતાં, જે અવિરત મહેનત માંગી લેનારું હતું. તેનું પ્રકાશન સાપ્તાહિક હતું, પરંતુ તેને માટેનું લખાણ, છપાઈ વગેરે બધાં કાર્યો રોજ ચાલતાં. ફિનિક્સમાં અમે એ બધાં કામ જાતે કરતાં. દરેક વાક્યના અક્ષરો ગોઠવવા વગેરે જેવાં કામ હાથથી કરવાં પડતા. મારાં માતા આ બધાં કામ શીખ્યાં અને આખું પ્રેસ કેમ ચલાવવું તે જાણી લીધું. મારા પિતાના અવસાન બાદ ઘણાં વર્ષો સુધી તેમણે પ્રેસનું સંચાલન સાંભળ્યું અને તેને કારણે ફિનિક્સ સેટલમેન્ટ ધબકતું રહ્યું.
સ્ટેફની : હવે, હું ઈચ્છું છું કે અમારા શ્રોતાઓ જાણે કે અહિંસા એટલે માત્ર શાળા ચલાવવી કે પ્રેસ સાંભળીને સામાયિક છાપવું એટલું જ નહોતું, બરાબર? એ જેને ‘અહિંસા’ અંતર્ગત ‘રચનાત્મક કાર્યક્રમ’ તરીકે જાણીએ છીએ તે કાર્ય હતું. જ્યારે કોઈ વ્યવસ્થા નીતિભ્રષ્ટ હોય કે બરાબર ન ચાલતી હોય તો તેનો વિકલ્પ આપવો. તેનો સામનો કે વિરોધ કરવાને બદલે તમે તેનો વિકલ્પ શોધી કાઢો. એ રચનાત્મક કાર્યક્રમને ચિરસ્થાયી બનાવવા અને વિકસાવવા તમે મદદ કરી, તો તેનું તમારે મન શું મૂલ્ય છે તેના વિષે વાત કરો તેવી મારી વિનંતી છે.
ઇલાબહેન : ફિનિક્સ સેટલમેન્ટમાં લોકોને શાકભાજી વગેરે પાક જાતે ઉગાડવા પ્રોત્સાહન આપીએ છીએ. સ્વાશ્રયી બનવાનો અને મુખ્ય ધારાના અર્થતંત્ર પર ઓછા આધારિત બનવાનો એ એક માર્ગ છે. આ એવી આર્થિક વ્યવસ્થા ઊભી કેરવાની વાત છે જેનાથી તમે સ્વાશ્રયી બનો જેથી કરીને તમારું શોષણ કરનારા લોકો પર તમે આશ્રિત ન રહો.
બીજો મુદ્દો એ છે કે આ માર્ગે ચાલીને તમે એ શોષણકારી વ્યવસ્થાને ટેકો નથી આપતા. આ રીતે સ્વત્રંત્ર બનીને કે પોતાની જ શક્તિ પર આધાર રાખીને તમે એક નિવેદન કરો છો અને દર્શાવો છો કે આખર તેઓ ગ્રાહક તરીકે તમારા આશ્રિત છે. વર્તમાન ઉત્પાદન અને વેપારની પદ્ધતિથી લોકો સુખી નથી એ બતાવવાની આ રીત છે. અને એ તો તો જ શક્ય બને જો તમે આ પ્રકારનાં રચનાત્મક કાર્યમાં જોડાયેલા હો તથા મૂળ ધારાની અર્થવ્યવસ્થાનો સામનો કરી શકે તેવી નિજી અર્થ વ્યવસ્થા ઊભી કરી શકો. આજે આપણે એકબીજાં સાથે જોડાણ સાધવાનું વલણ જોઈ શકીએ છીએ, અને છતાં હજુ ઘણું શોષણ પણ થાય છે. અને એ શોષણને નાબૂદ કરવું રહ્યું. મને લાગે છે કે આજે પણ આપણે આત્મનિર્ભરતા સાધવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
ગાંધીજીને લોકોના આ વિચારોમાં ઘણો રસ હતો. એ વસાહત કંઈ એટલી મોટી નહોતી કે દુનિયાને પ્રભાવિત કરી શકે, પણ એ એક એવો નમૂનો છે જેને દુનિયા અનુસરી શકે. એ નમૂનાના પાયા ઉપર એવો સમાજ રચી શકાય જેમાં હાલમાં છે તેના કરતાં વધુ સમાનતા હોય. અસમાનતામાં જ આધુનિક જીવનની આપત્તિના મૂળ છે.
સ્ટેફની : ઇલાબહેન, તમે ગાંધીના પહેલા આશ્રમ ફિનિક્સ આશ્રમનાં કેટલાંક મૂલ્યો અને તેની અસરની વાત કરો છો તો મને લાગે છે કે લોકોને બધા સાથે મળીને આ રીતે આશ્રમના કે કિબુત્ઝના માળખામાં રહેવાનું થોડું મુશ્કેલી ભર્યું લાગ્યું હશે. એ પ્રકારનાં વાતાવરણને સફળતાથી સંચાલિત રાખવા કયા પરિબળો હોય, એ વિશે તમારો શો અનુભવ છે? એક સાથે મળીને સ્વનિર્ભર જીવન જીવવાની ઈચ્છા હોવી એ એક ઉત્તમ આદર્શ છે, પરંતુ જ્યારે સહુ સાથે રહેવા લાગે ત્યારે આખર આપણે સાધારણ માનવી છીએ જેને પોતપોતાની સમસ્યાઓ હોય, અલગ વ્યક્તિત્વ હોય અને ઊણપો હોય. તો એવી પરિસ્થિતિમાં રહેવું કેવું લાગે અને પોતાની દૃષ્ટિને એ ઉચ્ચ લક્ષ્ય પર કેવી રીતે ટકાવી રાખવી એ વિશે કહેશો?
ઇલાબહેન : મને લાગે છે કે ભૌતિકવાદે આ દુનિયા પર મોટી પકડ જમાવી છે. આજે આખા વિશ્વમાં લોકો વધુને વધુ વસ્તુ પ્રધાન બન્યા છે. માનવીય મૂલ્યો ભૌતિક મૂલ્યોથી દ્વિતીય નંબરે ગણવામાં આવે છે. લોકોની વાંછના વધતી જાય છે, લોકોને ઘણી વસ્તુઓ પ્રાપ્ત થાય તેવો માર્ગ જોઈએ છે.
આજે કોઈ સાથે વાત કરતાં મેં કહ્યું કે હાલમાં અહીં બેકારી ઘણી વધી છે, તો એ ગરીબી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવથી પીડાતા લોકસમુદાયને ખોરાક અને અન્ય વસ્તુઓ પૂરી પાડી શકીએ તેવી કોઈ યોજના કરીએ. જ્યારે લોકોને પૂછ્યું કે તેઓને કઈ ચીજની જરૂર છે તો કેટલાક લોકોએ કહ્યું, તેમને સૌંદર્ય પ્રસાધનો જોઈએ છે. અમે વિચાર્યું, ખોરાકની વસ્તુઓ અત્યંત જરૂરી છે, પરંતુ માનવ સ્વભાવને વ્યક્ત થવા દો તો તેમને મન સૌંદર્ય પ્રસાધનો પણ એટલા જ મહત્ત્વના હોય છે. જો દાતાઓ પાસે જઈને કહો કે તમારે એ કોમના લોકો માટે સૌંદર્ય પ્રસાધનો જોઈએ છે, તો શું તેઓ તમને એ માટે દાન આપશે? ભૌતિકવાદે આવો ભરડો લીધો છે. સિક્કાની બીજી બાજુ જોઈએ તો તમે જો ગરીબ હો તો સૌંદર્ય પ્રસાધનોની ઈચ્છા હોવી એ શું ગુનો છે? સૌંદર્ય પ્રસાધનો શું માત્ર ધનિક લોકો માટે જ હોય? આ એક બીજી દલીલ છે.
આ બધાની વચ્ચે ગાંધીના સાદગી અને કુદરતે આપેલ સંપત્તિને બધાને સમાન ભાગે કેવી રીતે વિતરિત કરી શકાય એ વિચારો પડેલા છે. કેમ કે આપણી પાસે જે સંસાધનો છે તે સમાન ભાગે વહેંચી લઈએ તો બધા સારી અને સ્વાસ્થ્યયુક્ત જિંદગી જીવી શકે. આ અસમાન વહેંચણીને પરિણામે કેટલાક પાસે અઢળક સંપત્તિ છે તો બીજાને ભાગે કશું નથી. હવે પ્રાપ્ત સંપત્તિને સરખે ભાગે વહેંચવા માટે આપણે એક એવી કાર્યપદ્ધતિ શોધવી જોઈએ જે સૌંદર્ય પ્રસાધનોનું સ્થાન બીજી ચીજ ન લઇ લે. એક વખત કોઈએ ગાંધીજીને કહ્યું, હાથે કાંતેલા સૂતરને વણીને જે કાપડ બને છે એ ખૂબ જાડું હોય છે અને ભારતની ગરમ આબોહવામાં પહેરવું ન ગમે. મશીનમાં બનેલ કાપડ ઘણું બારીક અને હળવું અને પહેરવામાં ઠંડક આપે. ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો, “તમે ખૂબ ઝીણા તાર કાંતતા શીખીને હળવું કાપડ બનાવી શકો. કાંતવું એ એક કળા છે, જેનાથી અત્યંત સુંદર કાપડ બનાવી શકાય.”
હું એ કહેવા માંગુ છું કે કેટલીક વસ્તુઓ માત્ર ધનિક લોકોને પ્રાપ્ત થઇ શકે અને ગરીબ લોકોને તે મળે નહીં એવું ન હોવું જોઈએ. ગરીબ લોકોને સૌંદર્ય પ્રસાધનો જેવી ચીજો મેળવવાની સુવિધા હોવી જોઈએ. હું ધારું છું કે ગાંધીજીને સૌંદર્ય પ્રસાધનો કદાચ બહુ પસંદ ન હોત. તેમણે કહેલું, “ભગવાને તમને સુંદર ચહેરો આપ્યો છે, તેના પર બીજી વસ્તુઓ શા માટે લગાડવી જોઈએ?” પણ જે લોકોને એવી વસ્તુઓની ઝંખના હોય તેને એમ ન કહી શકો કે તવંગર લોકો એ ખરીદી શકે, પણ તમારા જેવા લોકો નહીં, કેમ કે તમે નિર્ધન છો.
સ્ટેફની : બીજા પાસે જે વસ્તુઓ હોય અને જે મેળવવાની તમને મનાઈ ફરમાવવામાં આવી હોય તે મેળવવા પાછળ એક પ્રકારનું ગૌરવ પણ અનુભવાતું હોય છે. પણ તમે એમ કહો છો કે આપણે ગૌરવ શેમાંથી મળે છે તેનું મૂલ્યાંકન ફરીથી કરવું જોઈએ. ભૌતિક વસ્તુઓ મેળવવા પાછળ દોડવાની નકલ કરવી એમાં ગૌરવ છે? પણ, માનવીના બદલાતાં મૂલ્યોને પાછાં કેમ વાળવાં? આપણી પ્રાથમિક જરૂરિયાતોને પૃથ્વી સાથે તમે જોડી આપી. આપણી ભૌતિક જરૂરિયાતો મેળવવામાં ગૌરવ અનુભવવું એ કેવી મૂર્ખામી છે? આ વિચારધારાને આપણે કેવી રીતે જુદો વળાંક આપી શકીએ?
મેં તમને એમ પણ કહેતાં સાંભળ્યાં કે વ્યક્તિ પોતાની આસપાસના લોકોનાં મૂલ્યોને આત્મસાત કરતી હોય છે. આપણે જળશોષક વાદળી જેવા છીએ. ભૌતિકવાદની અસર આપણને સહુને થાય છે કેમ કે તે આપણી આસપાસના વાતાવરણમાં છે, જેને આપણે શોષી લઈએ છીએ. આથી ચોક્કસ હેતુથી ઊભી કરેલી વસાહતો, આશ્રમો કે કિબુત્ઝમાં જુદા પ્રકારનાં મૂલ્યોને આત્મસાત કરવાની તક હોય છે જે સમાજને બદલવામાં સહાય કરે છે. આપણે શિખાઉ કાંતનાર કે વણકર જેવા અપૂર્ણ માનવી તરીકે એમાં દાખલ થઈએ તો જેમ કાંતણ-વણાટને એક કલા તરીકે વિકસાવી શકાય તેમ આ મૂલ્યોને પણ એક કળાની માફક જીવનમાં ઉતારી શકીએ. આપણે જો એ મૂલ્યોને કોઈ કામ સારી રીતે કરીએ અથવા તેમાં નિષ્ફ્ળ જઈએ એ રીતે નહીં પણ એક કલા તરીકે ગણનામાં લઈને કેળવીએ તો એ વધુ બારીક, નાજુક, છતાં વધુ શક્તિવંત બની શકે. મને લાગે છે કે આપનું જીવન ઘણી બાબતોમાં આનો નમૂનો પૂરો પડે છે.
મેં આપના વક્તવ્યોમાં કહેતાં અને આપના વિષે લખાયેલાં પુસ્તકોમાં વાંચ્યું છે કે આપ આ પદ્ધતિ બાળકોનાં શિક્ષણમાં પણ લાગુ પાડો છો. હું જાણું છું એ મુજબ કરુણાનો નમૂનો પૂરો પાડતા પુખ્તવયના લોકો વચ્ચે જો બાળકો ઉછરે તો સમાજ ઘણો જુદો થશે, તો એ પ્રકારના શિક્ષણ વિષે થોડું કહેશો?
ઇલાબહેન : હા, મેં જે સાંભળ્યું છે અને જે દૃષ્ટિ કેળવાઈ છે એ મુજબ બાળકોને જે કહેવામાં આવે છે તેમાંથી એ શીખે તેના કરતાં એ જે જુએ તેમાંથી વધુ શીખતું હોય છે. ઉદાહરણ તરીકે જો શિક્ષક કહે કે ધુમ્રપાન કરવું નુકસાનકારક છે, અને એ પોતે ધુમ્રપાન કરે તો બાળક ધુમ્રપાન કરતા શીખવાનો, કેમ કે તેને કહેવામાં આવ્યું કે એ નુકસાનકારક છે, પણ તેણે શિક્ષકને તો ધુમ્રપાન કરતા જોયો છે. તો એ નુકસાનકારક કેવી રીતે હોય? બાળકો આવી રીતે વિચારે અને શીખે. બાળકો પોતાની ઉંમરના સહાધ્યાયીઓ, માતા પિતા, કુટુંબના સભ્યો અને અન્ય લોકોને જોઈએ પાઠ શીખે. જો બાળક પોતાની આસપાસ હિંસા થતી જુએ તો એ શીખે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં બાળકો ઘરેલુ હિંસા અને સમાજમાં હિંસાના બનાવોના સાક્ષી બને છે; એટલે જ્યારે તેઓ મોટા થાય ત્યારે એમ માને કે હિંસક માર્ગે જીવવું એ એક જ માત્ર રાહ જીવિત રહેવાનો છે. એ લોકો હિંસા વિના જીવી જ ન શકે.
જે લોકો બીજાને દૃષ્ટાંત પૂરો પાડી શકે તેવા લોકો આપણી આસપાસ હોવા જોઈએ, અને આ શિક્ષણ અમે આપીએ છીએ. અમે નાનાં બાળકો માટે શિક્ષણનો ખાસ કાર્યક્રમ ઘડ્યો છે કેમ કે બાળકના પહેલાં દસ વર્ષનો ગાળો તેની પાયાની સમજણ વિકસાવવા માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. ઘરમાં અને શાળામાં એ વર્ષો બાળક માટે અત્યંત મહત્ત્વના છે. એ વર્ષોમાં સારા શિક્ષકોની જરૂર હોય જે ઉત્તમ મૂલ્યો શીખવી શકે, અને એ પ્રવચનો આપવાથી ન શીખવી શકાય. એ માત્ર દૃષ્ટાંત પૂરા પાડવાથી જ બને. અમે શિક્ષકોને આ બાબત જ કહીએ છીએ. માત્ર કહેતા નથી, પણ જો શિક્ષકો પોતે એ રીતે ન વર્તે તો વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે એ બતાવીએ પણ છીએ. દાખલા તરીકે જો શિક્ષકો વચ્ચે ખૂબ મતભેદ પ્રવર્તતા હોય તો બાળકો ઊંચા અવાજે બોલવું, દલીલો કરવી, અસભ્ય ભાષા વાપરવી એવું જ શીખશે. આથી જ હું માનું છું કે તેઓએ શાળામાં અલગ રીતે વર્તવું જોઈએ. શિક્ષકોને આ રીતે તાલીમ આપ્યા બાદ અને સવિસ્તર ચર્ચા કર્યા બાદ શાળાના વાતાવરણમાં ઘણો સુધારો જોવામાં આવ્યો.
સ્ટેફની : આપે રંગભેદી નીતિનો સક્રિય સામનો કરેલો એ વિશે વાત કરશો? મેં સાંભળ્યું છે કે આપે તે મૂલ્યો વિષે વાત કરતાં કહેલું કે આપ કઈ રીતે એ સંયોગોમાં જીવન જીવતાં અને આપના પર રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયેલો અને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. એ રંગભેદી નીતિ વાળી સરકારના અમલ હેઠળ જીવવાનો અનુભવ કેવો હતો અને એ ઘાવને રૂઝાવવા આપે શો ભાગ લીધેલો એ જણાવો તેવી વિનંતી.
ઇલાબહેન : હું ધારું છું કે વર્તમાન સ્થિતિમાં આપણે જે અનુભવી રહ્યા છીએ એ કઇંક અંશે તે સમયે જીવન કેવું હતું તેનો ખ્યાલ આપે છે. કોવિડથી બચવા લોકડાઉન કરવામાં આવ્યું, જેથી આપણી અવરજવર, પરસ્પરના સંપર્ક અને સામાજિક સંબંધો પર મર્યાદા મુકાઈ. અમારી આવી જ સ્થિતિ હતી, પણ એ ફરજિયાત લાદવામાં આવેલી. હાલમાં કોવિડ એક કુદરતી આપત્તિ છે, જેના વિશે દરેકે કાળજી રાખવી જોઈએ, એ કારણે પ્રતિબંધ મુકાયા, જ્યારે અમારા પર ન્યાય ખાતાના હુકમ લાગુ કરવામાં આવેલા. લોકડાઉનની સ્થિતિમાં જીવન કેવું દુષ્કર થયું છે તે આપણે અનુભવ્યું. અમે ઘરની બહાર નહોતા નીકળી શકતાં. હું ‘અમે’ શબ્દ વાપરું છું કેમ કે મારા પતિ પણ એ સમય દરમ્યાન નજરકેદમાં હતા. અમારાં બાળકો એ સંયોગોમાં ઉછર્યાં. એ ખૂબ કઠિન સમય હતો. અમારાં બાળકોએ ભાગ લીધો હોય એવી શાળાની પ્રવૃત્તિઓમાં અમે હાજર નહોતા રહી શકતાં. અમારાં બાળકને પહેલા વર્ગમાં દાખલ કરવા હોય તો પણ અમને શાળામાં દાખલ થવાની પરવાનગી નહોતી. અમે માત્ર બાળકનાં માતા-પિતા છીએ એવું બયાન કરતા ખત પર સહી કરીએ તો જ શાળામાં દાખલ થવા દેવામાં આવતાં. હાલમાં જેમ લોકડાઉનમાં કર્ફ્યુ હોય છે તેમ સાંજના સાત વાગ્યાથી સવારના સાત વગ્યા સુધી કટોકટીભરી સ્થિતિ હોય તો પણ અમે ઘરની બહાર નહોતા નીકળી શકતાં.
સ્ટેફની : પણ મેં તો સાંભળ્યું છે કે આપ ઘરની બહાર નીકળેલાં?
ઈલાબહેન : તમે જાણો છો કે ક્યારેક એવી તક ઝડપી લેવી પડે. હાલની સ્થિતિમાં કુદરત આપણને કહે છે કે આ લોકડાઉન કરવું જરૂરી છે, નહીં તો કોરોના વાયરસનો ઘણાને ચેપ લાગે. તે વખતે ન્યાય ખાતાનો હુકમ હતો. અમે ઘણી વખત ન્યાય ખાતાના હુકમોનું ઉલ્લંઘન કરતાં, પણ કુદરતના હુકમની અવગણના નથી કરતાં. એ બંનેમાં ફરક છે.
સ્ટેફની : આ રસ પડે તેવો પદાર્થપાઠ છે, જેની થોડી વધુ ચર્ચા કરીએ. આ તો કુદરતના નિયમો અને માનવીય મૂલ્યોનો આદર કરવાનો જ વિષય છે. સત્ય અને સમાધાનની (truth and reconciliation) પ્રક્રિયાના સંક્ર્મણ કાળ દરમ્યાન એ અસરકારક છે એમ લાગવાથી પાર્લામેન્ટના સભ્ય તરીકે અને શાંતિના કર્મશીલ હોવાને દાવે આપે કયા કાર્યમાં ભાગ લીધેલો?
ઇલાબહેન : અમે સત્ય અને સમાધાન કમિશન (Truth and Reconciliation Commission) કાર્યાન્વિત થાય તે માટે કાયદો ઘડ્યો. એટલે કે પાર્લામેન્ટે એ કમિશનના કાર્ય સંચાલનમાં ભાગ નહોતો લીધો, પરંતુ એ કમિશન કેવી રીતે કાર્ય કરે અને તેનું કાર્ય શું છે તથા કેટલીક એવી શાખા છે જે ધ્યાનમાં લેવા યોગ્ય છે તે દર્શાવવા માટે કાયદા અને નિયમો ઘડ્યા.
અમારે બીજા દેશોમાં આના જેવા પહેલ કરેલા પગલાંઓનો વિગતે અભ્યાસ કરવો પડેલો. અમે આવા નિયમો ઘડનારાઓમાં પ્રથમ નહોતા. અન્યના પ્રયોગોમાં શું સફળતા મળી, શામાં નિષ્ફ્ળતા મળી તે વિષે અભ્યાસ કરવો પડ્યો અને ત્યાર બાદ અમારી યોજના ઘડી. હવે પાછળ નજર કરતાં લાગે છે કે અમારી યોજના ઉત્તમ નહોતી. અમારા કાયદામાં ઘણી બાબતોનો સમાવેશ નહોતો કર્યો જેમ કે નુક્શાનની ભરપાઈ કરવી અને સ્વાસ્થ્યકર ન્યાય જેવા મુદ્દાઓ, કે જેની વધુ સારી સમજણ કેળવીને યોજનામાં સામેલ કરવામાં આવે જેથી સમાજને ફાયદો થાય તે સામેલ કરવામાં ચૂકી ગયા. અને સમાજને એવી જ અપેક્ષા હતી.
પાર્લામેન્ટના સભ્યપદ દરમ્યાન હું એટલું જરૂર શીખી કે તમે કાયદાઓ ઘડી શકો, પણ જો સમાજ તેનાથી સંતુષ્ટ ન હોય, એ કાયદાઓ સ્વીકારે નહીં, તો તેનો ભંગ ઘણા પ્રમાણમાં થાય અને એ કાયદાઓ માત્ર કાગળ પર રહી જાય. સમાજ તેનો હર રોજ ભંગ કરે. આથી દરેક કાયદા અને નિયમ માટે સમાજનો ટેકો હોવો ખૂબ જરૂરી છે. અને એ મળી શકે, માત્ર તમારે એ માટે ઘણી મહેનત કરવી પડે. તમારે મતવિસ્તારમાં જઈને કેટલીક બાબતો શા માટે મહત્ત્વની છે એ સમજવવી પડે. લોકોએ સમજવું જરૂરી છે, લોકો તમને એ કામ અમુક રીતે કરવું કે ન કરવું તે કહી શકે. ત્યારે જ તમને અહેસાસ થાય કે એક જ કાર્ય બીજી રીતે પણ થઇ શકે. સમાજ સાથે ચર્ચા કરવી ઘણી જરૂરી છે. શરૂઆતનાં પાંચ વર્ષ દરમ્યાન અમે બંધારણ લખવામાં અને એ ટર્મમાં પસાર કરેલા કાયદાઓ વિષે લોકો સાથે ખૂબ મંત્રણાઓ કરેલી. પણ તે પછી તેનો અમલ કરવામાં અમે તદ્દન નિષ્ફ્ળ ગયા. આથી જ તો દક્ષિણ આફ્રિકા આવી ગંભીર પરિસ્થિતિમાં આવી પડ્યું છે. અસમાનતાનું પ્રમાણ ઊંચું ગયું અને બેકારીનું પ્રમાણ વધ્યું. 25 વર્ષ બાદ હજુ ઘણાંખરાંને પ્રાથમિક જરૂરિયાતો પૂરતાં પાણી, અન્ન, શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધાઓ, આવાસ વગેરે નથી સુલભ થયાં. આ બધી સગવડો અમારે બધાને પૂરી પાડવી જોઈતી હતી.
સ્ટેફનીના આભાર દર્શન સાથે આ મુલાકાત પૂરી થઇ.

માઇકલ નાગલર
મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના સ્થાપક માઈકલ નાગલરે વાતનો દોર સંભાળતા ઇલાબહેનને પૂછ્યું, “આપ સહુએ ફિનિક્સ આશ્રમમાં આર્થિક રીતે કાર્યક્ષમ થવા માટે જે મથામણ કરી અને મહદ્દ અંશે સિદ્ધિ મેળવી તેનું સુંદર વર્ણન આપે કર્યું, તો એ મૂલ્યો અને કાર્યપદ્ધતિ આર્થિક ક્ષેત્રમાંથી તબદીલ કરીને સંઘર્ષના ક્ષેત્રમાં ઉપયોગમાં લાવી શકાય? મેં આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો કે અમારા દેશમાં એવા કેટલાક જનસમૂહ છે જે ઘર આંગણે શાંતિ જાળવી રાખવા માટે પોલીસ દળ પર આધાર રાખે છે, જેમ આખો દેશ પોતાની સુરક્ષા અને શાંતિ માટે અનેકગણા શક્તિશાળી એવા સૈન્યબળ પર આધાર રાખે છે. આપ લોકો જે પ્રયોગો ફિનિક્સમાં કરતાં હતાં તેમાં આ સમસ્યામાંથી છુટકારો થઇ શકે એવું ગર્ભિત સૂચન હતું?
ઇલાબહેન : હા, બિલકુલ. જ્યારે ફિનિક્સમાં મારો ઉછેર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ વાડ નહોતી. એ 100 એકરની જમીન ગાંધીજીએ ખરીદેલી હતી. કોઈ એની સરહદનું ઉલ્લંઘન નહોતા કરતા. અમે બધું વહેંચીને વાપરતા. એક નદી અને એક કૂવો હતો, જ્યાંથી સહુ પાણી ભરી જતાં. એ અમારી મિલકત હતી, પણ એ કુદરતી સ્રોત પર કોઈ માલિકી ભાવ નહોતો. અમે શાકભાજી અને ફળો વાવ્યાં તો કોઈ ચોરી ન જતું. એ લોકો સમજતા કે જો બીજાં શાકભાજી વાવે, તો અમે પણ અમારી જમીન પર વાવીએ. બીજાની મિલકત શા માટે ચોરવી? તે સમયે લોકો એ પ્રકારની સમજણ ધરાવતા હતા. ‘70 અને ‘80ના દાયકા સુધી અમે ફિનિક્સ ખાતે આવું સુંદર જીવન જીવતા હતા. પછી સરકારે મોટી સંખ્યામાં લોકોને લાવીને ખેતરોને રહેણાંક વિસ્તારમાં બદલી નાખ્યા. તેને કારણે ઘણા ટંટા ફિસાદ થવા લાગ્યા. રંગભેદની નીતિની ઉશ્કેરણીથી ફિનિક્સને 1985માં આગ ચાંપવામાં આવી હતી. ‘70 પછી અમને એ બધી મર્યાદાઓ નડવા લાગી અને અમે ફરી ખેતીવાડી કરતો સમાજ ઊભો કરી ન શક્યા. હાલમાં અમે પાસ પાડોશના લોકો સાથે સારા સંબંધો કેળવીને શાકની વાડીઓ બનાવવાની કોશિશ કરીએ છીએ. પણ એ બધા નાના પ્રકલ્પો છે. ગાંધીજીના મનમાં મોટા પાયાની યોજના હતી.
માઈકલ : એક છેલ્લો પ્રશ્ન. ગાંધીજી અને અન્ય લોકોએ ફિનિક્સમાં શીખેલા પાઠ અને મૂલ્યોને 1906માં શરૂ થયેલી સત્યાગ્રહની ચળવળમાં અમલમાં મુકવા જાગૃતપણે પ્રયાસ કરેલો?
ઇલાબહેન : હા, એકદમ. 1910માં જોહાનિસબર્ગમાં જમીનની એક ટુકડો લઈને ત્યાં ટોલ્સટોય ફાર્મની એ જ મૂલ્યોને આધારે સ્થાપના કરી. એક વર્ષ બાદ ગાંધીજી ફિનિક્સ પાછા ફર્યા કેમ કે એ શહેરથી ઘણું દૂર હતું અને ગાંધીજીને નતાલ પાછા આવવું પડતું, એવી સમસ્યાઓ હતી, એટલે ટોલ્સટોય ફાર્મ બંધ કરવો પડ્યો. પણ ફિનિક્સમાં એ જ મૂલ્યોને આગળ ધપાવવામાં આવ્યા. ત્યાં રહેલા ઘણા લોકો એમાં જ મોટા થયા અને પોતપોતાના સમાજમાં એ સાથે લઇ ગયા. એ દેખીતી રીતે દૃષ્ટિગોચર નથી થતા હોતા કેમ કે મોટા ભાગના ગાંધીને પગલે ચાલનારા ચૂપચાપ કામ કરતાં હોય છે. એ લોકો પોતાના કાર્ય વિશે ઢોલ નથી પીટતા હોતા. લોકોને એના વિશે કશું સાંભળવા નથી મળતું, એટલે દુનિયામાં શું થઈ રહ્યું છે એ આપણને જોવા નથી મળતું. તમારા આશ્રમના સ્થાપક એકનાથજી ગાંધી વિચારથી ખૂબ પ્રભાવિત હતા, માટે જ તમારો આશ્રમ બન્યો.
[મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સે લીધેલી માનનીય ઇલાબહેનની મુલાકાત દ્વારા આપણને સહુને ફિનિક્સ આશ્રમનાં મૂલ્યો, આશ્રમવાસીઓનાં જીવન અને કાર્ય વિષે જાણકારી મળી. રેડિયો મુલાકાતની લેખિત પ્રતનો અનુવાદ કરવાની મંજૂરી બદલ મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના આભારી છીએ.]
e.mail : 71abuch@gmail.com