1 કરોડ 72 લાખ વસ્તી સામે 2 કરોડ 3 લાખ સાઇકલ!
ઉત્તર-પૂર્વી યુરોપમાં નેધરલેન્ડનામનો એક દેશ છે. તેને હોલેન્ડ પણ કહેવામાં આવે છે. નેધરલેન્ડ શબ્દનો અર્થ થાય છે ‘નીચલો ભૂભાગ.’ અહીં દેશનો લગભગ 50 પ્રતિશત હિસ્સો સમુદ્ર તળથી કેવળ 1 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીં 21 પ્રતિશત વસ્તી અને 26 પ્રતિશત ક્ષેત્રફળ સમુદ્ર તળની નીચે વસવાટ કરે છે.
તાજેતરમાં તેની રાજધાની એમ્સ્ટરડેમમાં, આઈ નદીની નીચે, દેશનું સૌથી મોટું સાઈકલ પાર્કિંગ (ઓપન હેવન ફ્રન્ટ) ખોલવામાં આવ્યું છે. તેમાં એક સાથે 11,000 સાઈકલો સમાઈ શકે છે. તમને થશે કે ખાલી એક જ શહેરમાં આટલી બધી સાઈકલોનું એક પાર્કિંગ હોય તો, આખા દેશમાં નાના-મોટાં લગભગ 1 હજાર શહેરોમાં કેટલી સાઈકલો હશે?
તમને જાણીને આશ્ચર્ય થશે કે નેધરલેન્ડમાં તેની કુલ વસ્તી કરતાં સાઈકલ વધારે છે; 1 કરોડ 72 લાખ વસ્તી છે અને સાઇકલની સંખ્યા 2 કરોડ 3 લાખ છે! નેધરલેન્ડ સાઈકલોનો દેશ કહેવાય છે. અહીં 36 પ્રતિશત ડચ લોકો રોજિંદી અવરજવર માટે સાઈકલ વાપરે છે, જયારે 45 પ્રતિશત મોટરકાર અને 11 પ્રતિશત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. નેધરલેન્ડના રાષ્ટ્રવ્યાપી (ગ્રામીણ અને શહેરી) ટ્રાન્સપોર્ટેશનમાં સાઈકલિંગનો હિસ્સો 21 પ્રતિશત છે. શહેરોમાં તો એ વધુ છે. એમ્સ્ટરડેમમાં 38 પ્રતિશત, ઝ્વોલેમાં 46 પ્રતિશત લોકો સાઈકલ પર ફરે છે.
આપણે ત્યાં જેમ હાઇવેઝનું દેશવ્યાપી નેટવર્ક છે તેવી રીતે નેધરલેન્ડમાં ડચ સાઈકલ નેટવર્ક નામની સંસ્થા દેશમાં સાઈકલ માટેના રસ્તાઓ નિર્માણ કરવાનું અને તેની સાર-સંભાળ રાખવાનું કામ કરે છે. દેશમાં 1,40,000 કિલોમીટરનું રોડ નેટવર્ક છે, તેમાં 35,000 કિલોમીટરના રસ્તાઓ સાઈકલ માટે સમર્પિત છે.
યુરોપિયન દેશોની એક ખાસિયત એ છે કે ત્યાંના લોકો આફતને અવસર ગણીને તેનું એવું સમાધાન શોધે છે જે બીજા લોકો માટે પ્રેરણાદાયી બની જાય છે. વૈજ્ઞાનિક અભિગમ એને જ કહે છે. સમસ્યાના નામે રડતા રહેવાને બદલે તેનું સમાધાન શોધવા માટે પ્રયાસ કરવા. ત્યાંના લોકોમાં સામાજિક જાગૃતિ એટલી બધી છે કે સરકાર, બજાર અને સમાજ ત્રણે ભેગા થઇને સામાજિક સુવિધા કેવી રીતે સુધરે તેની સતત ચિંતા કરતા હોય છે.
આપણે ત્યાં ઊંધું છે. પહેલાં તો ‘મારે શું’નો અભિગમ છે. આપણે ઘરનો કચરો બારણા બહાર ફેંકી દઈને આપણા પૂરતા ચોખ્ખા રહીએ છીએ. સાર્વજનિક સભ્યતા અને શિસ્તના નામે આપણે ઝીરો છીએ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના એક અભ્યાસ પ્રમાણે અડધી સદીમાં ભારતમાં વાહનોની સંખ્યામાં ૭૦૦ ઘણો વધારો થયો છે. ૧૯૫૧માં ભારતમાં ૩ લાખ વાહનો હતાં, ૨૦૧૫માં તે સંખ્યા ૨૧ કરોડ થઇ છે.
દેશમાં રોડ-રસ્તા અને પબ્લિક ટ્રાન્સપોર્ટની નબળી સેવાના કારણે નાના-મોટા શહેરોમાં સવાર-સાંજ ટ્રાફિક જામ થઇ જવાના કારણે અવાજની સાથે હવાના પ્રદૂષણમાં પણ એટલો જ વધારો થઇ રહ્યો છે. આપણે ત્યાં આનો ઉપાય કરવાની એક પણ રાષ્ટ્રીય ચળવળ નથી. ‘સબ ચલતા હૈ’ એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. એક દેશની રાષ્ટ્રીય સમસ્યાને કેવી રીતે સુલઝાવે છે તેનું નેધરલેન્ડ ઉદાહરણ છે.
દ્વિતીય મહાયુદ્ધ અગાઉ, નેધરલેન્ડ-વાસીઓ અવરજવર માટે સાઈકલનો જ ઉપયોગ કરતા હતા. ત્યાંના લોકોમાં સાઈકલિંગ જાણે પ્રાચીન સમયની પરંપરા હોય તેવો મોહ હતો. યુદ્ધ દરમિયાન અને પછી ઔધોગિકરણમાં જબરદસ્ત ગતિ આવી હતી અને યુરોપ-અમેરિકામાં ઓટોમોબાઇલ્સનું ઉત્પાદન વધ્યું હતું. 1950 અને 60ના દાયકામાં નેધરલેન્ડની અર્થવ્યવસ્થામાં તેજી આવી તેની સાથે મોટરકારના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. તેમાં અન્ય યુરોપિયન દેશોની માફક, નેધરલેન્ડમાં રોડ્સ પર મોટરકારોનો ઝમેલો વધવા લાગ્યો હતો અને સાઈકલ સવારો માટેની જગ્યા સંકોચાઈ ગઈ હતી. એમ્સ્ટરડેમના અડોસપડોસમાં દર વર્ષે 7 ટકાના દરે સાઈકલો ગાયબ થવા લાગી હતી.
તેની સાથે બીજી સમસ્યા પણ આવી. મોટરકારના વપરાશની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધવા લાગી. 1971માં, નેધરલેન્ડમાં મોટર અકસ્માતોમાં 3,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાં 450 બાળકો હતાં. નેધરલેન્ડવાસીઓને આટલી મોટી સંખ્યામાં બાળકોનું જીવન બરબાદ થતું જોઈને આઘાત લાગી ગયો.
એમાં, 1973ના મધ્ય પૂર્વ તેલ સંકટમાં તેલ ઉત્પાદક દેશોએ અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં તેલની નિકાસ અટકાવી દીધી. તેના પગલે ડચ લોકોને થયું કે મોટરકારો સફેદ હાથી જેવી થઇ ગઈ છે. આ બે સમસ્યાઓથી લોકોમાં કાર પ્રત્યે ઘૃણા અને સાઈકલ પ્રત્યેનો ઝુકાવ વધ્યો.
એમાંથી દેશમાં એક સાર્વજનિક ચળવળનો પ્રારંભ થયો; સ્ટોપ દે કિન્ડરમૂર્ડ (સ્ટોપ ધ ચાઈલ્ડ મર્ડર). એ એક સંગઠિત ચળવળ હતી. તેમાં સભ્યો બનાવવામાં આવતા હતાં. તેઓ સમસ્યા અંગે જનજાગૃતિ કરવા માટે કાર્યક્રમો કરતા હતા. તેઓ જ્યાં વધુ અકસ્માતો થતા હોય તેવી જગ્યાઓએ જઈને સામૂહિક ડીનર પાર્ટી કરતા હતા, જેથી આવતા-જતા લોકો અને સરકારી માણસોનું ધ્યાન ખેંચાય.
એ સંગઠનની પહેલી અધ્યક્ષ એક મહિલા હતી. તેણે એ દિવસોને યાદ કરીને કહ્યું હતું, “હું એમ્સ્ટરડેમ રહેતી હતી. મારાં નાનાં બાળકો હતાં. મેં બાળકો ભોગ બનતાં હોય તેવા અનેક અકસ્માતો જોયા હતા. મેં જોયું હતું કે રોડ્સ બનાવવા માટે થઈને શહેરમાં ઠેકઠેકાણે તોડફોડ કરવામાં આવી હતી. શહેરમાં જે પરિવર્તન આવી રહ્યું હતું તેનાથી મને ચિંતા થઇ હતી – તેનાથી અમારી જિંદગી પ્રભાવિત થતી હતી. ગલી-ગુંચીઓ ત્યાં રહેતાં લોકો માટે રહી નહોતી, પણ ટ્રાફિક નામના અજગરના કબજામાં હતી. મને બહુ ગુસ્સો આવતો હતો. અમે સંસદ સભ્યો અને વડા પ્રધાનના ઘર સુધી દેખાવો કર્યા હતા. અમે અમારાં બાળકો માટે રસ્તાઓ, ગલીઓ સુરક્ષિત બનાવવા માંગતા હતાં.”
અલબત્ત, તેમની ધરપકડ થતી હતી અને તેમનો ‘અપરાધ’ અખબારોના પાને ચઢતો હતો, પણ સંગઠનને એ સંતોષ હતો કે તેમનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. 70ના દાયકામાં નેધરલેન્ડમાં એવા રાજકારણીઓ હતા જે માનતા હતા કે મોટરકારોનો વધુ પડતો ઉપયોગ સમાધાનને બદલે સમસ્યા બનવાનો છે.
મજાની વાત એ છે કે સરકારે સ્ટોપ દે કિન્ડરમૂર્ડને સુરક્ષિત અર્બન પ્લાનિંગ માટેની એક અગત્યની ચળવળ ગણી એને તેને આર્થિક સહાય આપી. એમાંથી ‘વૂનેર્ફ’ નામના રોડ અને ગલીઓનો ખયાલ વિકસ્યો. ડચ ભાષામાં ‘વૂનેર્ફ’ એટલે ‘જીવંત સ્ટ્રીટ,’ જ્યાં રાહદારીઓ, સાઈકલ સવારો અને મોટર કારો સુધ્ધાં આરામથી, એકબીજાને નડ્યા વગર, ધીમી ગતિએ અવરજવર કરી શકે.
આ ચળવળ સફળ થઇ એનું એક કારણ એ હતું કે નેધરલેન્ડમાં સાઈકલિંગની પરંપરા જૂની હતી અને લોકોનો તેની સાથે ભાવનાત્મક લગાવ હતો. ધીમે ધીમે રાજકારણીઓ અને સરકારને સાઈકલિંગનું મહત્ત્વ સમજાવા લાગ્યું અને 1980ના દાયકામાં ટ્રાન્સપોર્ટેશનની નીતિઓમાં સાઈકલ પ્રત્યે ઝુકાવ આવ્યો અને પછી ડચ શહેરોમાં રોડ-રસ્તાઓ અને ગલી-ગુંચીઓ સાઈકલો ફરી શકે તેવી બનાવામાં આવી.
નેધરલેન્ડમાં આજે સાઈકલિસ્ટ યુનિયન સક્રિય છે અને તેમાં 34,000 સભ્યો છે. આ યુનિયન દુનિયાના અન્ય દેશોને પણ સાઈકલ-સવારી કેવી રીતે પ્રચલિત કરાય તે માટે જરૂરી મદદ કરે છે. આ યુનિયનનો પ્રવક્તા કહે છે, “અમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે, પણ અમારી લડાઈ હજુ જારી છે. અર્બન પ્લાનરો હજુ પણ તેમની યોજનાઓમાં મોટરકારોને પ્રાથમિકતા આપે છે. અમે જંપીને બેસવાના નથી.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 16 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર