પરિપ્રેક્ષ્ય
રાહુલ ગાંધીની પદયાત્રાએ રાજનીતિથી અલગ વિચારનો
એક સંકેત સર્જે છે એમાં શંકા નથી
દેશ એક વિલક્ષણ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. એક એવો દોર, જેમાં નાયકો હારણ હાંફળાફાંફળા દીસે છે, અને કદાચ ખુદના કહ્યામાં યે પૂરતા નથી. સરકાર સંસદને ચાલવા દેવા અગર ચલાવવા બાબતે નિરુત્સાહ હોય એ આજકાલ લગભગ રોજનું ચિત્ર છે. અને ગૃહ કામકાજ ન કરી શકે એવા સંજોગો સરજાતા રહે એમાં એને સિદ્ધિ તેમ કદાચ સલામતિ પણ વરતાય છે : ચાહે તો રાહુલનું કથિત માફી પ્રકરણ હો કે, પછી અદાણી મામલે સંયુક્ત સંસદીય સમિતિની માંગ. ગૃહ ન ચાલે એથી રૂડું શું. એવી સમજે હમણાં તો આપણો રાજકીય – શાસકીય અગ્રવર્ગ બરોબરનો લાંગરેલો છે.
લંગર છોડ્યા વગરની આ જે હલેસામાર, એની વચ્ચે હવે એક બિનપપ્પુ રાહુલ ગાંધીનો ઉદય થઈ રહેલો માલુમ પડે છે. 2024નો કોઈ તરણોપાય એ હશે કે છે એમ તો નહીં પણ સત્તાપક્ષને આજે નેતૃત્વના કરિશ્માની રીતે, સંગઠનની શક્તિની રીતે અને સાધનસંપત્તિની રીતે જે બેહિસાબ સવલત છે તે છતાં એની હાલત ગિજુભાઈની વળતા માંહેલા પેલા પાપ જેવી છે કે કોઈથી નહીં પણ ઢાબા ટબુકલાથી તો બીઉ જ બીઉ. નિરાશાવશ આડેધડ જે ભીંતપછાડ એનો તરોતાજા દાખલો તે છેક નીચલી કોર્ટે રાહુલને યદ્વાતદ્ધા અલબત કથિત કાનૂનન વાંકમાં ઠરાવ્યા એ સાથે લોકસભામાંથી તત્ક્ષણ શી રૂખસદનો મામલો. રાહુલ ગાંધીએ સંસદનું સત્તાવાર નિવાસ છોડવાની જાહેરાત કરી ન કરી અને સત્તાવર્તુળો ચીખતાં રહ્યા : અપીલમાં કેમ નથી જતા? ગહરાઇ નહીં પણ ઘાંઘાઈનો એ સાક્ષાત્કાર હતો. કેમ કે સામું પાત્ર ધારી સ્કિપ્ટ મુજબ ચાલતું ન હોય એવી એ ઘાટી હતી.
રાહુલ ગાંધીના બિનપપ્પુ અવતારને તમે પૂર્વવત્ હસી કાઢી શક્તા નથી તો એ પણ સાચું છે કે, પદયાત્રા સાથે એમની જે પ્રતિમા ઊંચકાઇ છે એની સામે કૉંગ્રેસની નીતિરિતિ હજુ કુંડાળાની બહાર નીકળી નથી. શશી થરુરે મોવડી મંડળની અનિચ્છા છતાં પ્રમુખપદ માટે ઉમેદવારી કરી એ ઠીક જ થયું. પણ હજુ આ પક્ષના આલા કમાનને ખરેખરનો ને ખરાખરીને ઝંઝેડાટ અનુભવાતાં અનુભવાશે. ચોકીદાર છે એ સૂત્ર નહોતું ઊંચકાયું પણ અદાણી મુદ્દો ચોક્કસ જ પકડાયો છે. પણ શશી થરુરે હમણાં કહ્યું તેમ ભેરુબંધ મૂડીવાદ એક મુદ્દો જરૂર છે, મહત્ત્વનો પણ છે, પણ તે એકમાત્ર વિમર્શમુદ્દો નથી. ન હોઈ શકે.
આવા એકમાત્ર મુદ્દાવાર દરેક પક્ષને જે તે મનોવૈજ્ઞાનિક ઘડીએ ફાવતો ને ભાવતો આવતો હોય છે અને એમાંથી જ કોઈ એક સમજ અગર પરસેપ્શન પેદા થઈ ફળ પણ આપતી હોય છે. કેટલીક વાર એ જો કે, શેરબજારના સંવેદી સૂચક આંક જેવી પણ હોય છે. જેમાં તળ વાસ્તવ ઓછું અને વા વાયે નળિયું મળ્યું એમ ‘સેન્ટિમેન્ટ’ કામ કરી જતો હોય છે.
2014 અને 2019ના પરિણામોમાં તળ વાસ્તવ કરતાં “સેન્ટિમેન્ટ”નો હિસ્સો મુદ્દલ ઓછો નહોતો. અમેરિકામાં આગોતરી મંદી જોઈ શકનાર રઘુરામ રાજન અને વિશ્વમંદી વચ્ચે ભારતને મુકાબલે હેમખેમ પાર પાડનાર મનમોહન સિંહની આર્થિક સમજ સામે મોદીનોમિક્સનો પાયો કાચો હતો, પણ લાગણી ફુગાવો બેહિસાબ હતો.
ગાંધીનેહરુપટેલની સ્વરાજ ત્રિપુટીના વારસામાં ઝોકફેર સધાયેલ એકંદરમતી અને ભાવપટ, નેહરુના વડાપ્રધાનકાળના ગાળામાં સધાયેલ સહમતી. જયપ્રકાશના આંદોલને સરજેલ મનોવૈજ્ઞાનિક વાયુમંડળ એ એકંદરે નરવાનક્કુર દોર પૈકી હતા.
આ લખતાં સહજપણે સાંભરી આવ્યું કે, ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ તો છૂટી ગયો, અને તે પણ સહજ જ ! એમની અપીલ ક્યારેક ખાસી ચાલેલી પણ કટોક્ટીરાજના અનુભવે આપણી સામે એમની કંઈ નહીં તો પણ એક એવી છબિ ઊભી કરી જે દેશને બંધક બનાવનારી અને એથી પણ વધુ તો ધ્રુવીકૃત કરનારી (પોલરાઇઝિંગ) હતી. કંઈક એવો જ અનુભવ. સમયફેરે, કદાચ આ દિવસોમાંયે થઈ રહ્યો છે. રાહલ ગાંધીની પદયાત્રાએ કોઈ પૂરા કદનું નવ્ય કથાનક કે વિવરણ (નેરેટિવ) પૂરું પાડ્યું ન હોય તો પણ ધ્રુવીકૃત ધોરણો ને વલણોમાં રાચતી રાજનીતિથી અલગ વિચારનો એક સંકેત સરજ્યો છે એમાં શંકા નથી. રાહુલ ગાંધીની પદયાત્રાએ જગવેલ સ્પંદનો-બિનકાઁગ્રેસી રાજ્યોમાં જગવેલ ઉમળકો – અને બધાં હમણાં નિર્દેશ્યાં તે પ્રાદેશિક વલણો મળીને આખો એક વૈકલ્પિક કથાપટ, ભલે પરસેપ્શન પૂરતો પણ આપી તો શકે.
નાગરિક કર્મશીલ અને અભ્યાસી
e.mail : Prakash.nireekshak@gmail.com
(પ્રગટ : “દિવ્ય ભાસ્કર”)
[મુદ્રાંકન : હિદાયત પરમાર]