(1)
એ પછી પણ કૈં જ નહિ
કેટલી લાંબી મથામણ ! એ પછી પણ કૈં જ નહિ !
ગામ આખાની ભલામણ, એ પછી પણ કૈં જ નહિ !
આ હવનકુંડે હ્રદયનું આયખું સ્વાહા કર્યું,
શ્વાસ ઓર્યા મેં સવા મણ, એ પછી પણ કૈં જ નહિ !
રત્ન નહિ તો છીપ ખાલી, શંખલા એ’કાદ-બે,
ડ્હોળી નાખ્યો મેં મેરામણ, એ પછી પણ કૈં જ નહિ !
એક- બે આંસુ નથી ખર્ચ્યા તને સમજાવવા,
ભીની થઇ ગઇ સાવ પાંપણ, એ પછી પણ કૈં જ નહિ !
જાણી મનનો વ્હેમ – એને ભૂલવા માંડો ‘પ્રણય’
જાય કોરો સાવ શ્રાવણ ! એ પછી પણ કૈં જ નહિ !
17-05-2005
(પ્રગટ : “કવિતા”; 31-07-2005)
•••
(2)
બાથમાં આવે નહીં
ખૂશ્બુઓ તો કોઇના યે હાથમાં આવે નહીં
જિન્દગીભર કોઇ પણ સંગાથમાં આવે નહીં.
દેહથી આગળ જવાથી પ્રેમ જેવું લાગશે,
છે ઘણું એવું અહીં – જે બાથમાં આવે નહીં.
હોય લખવી જો ગઝલ – તો ભાવ ઘૂંટાવા જ દે,
મૌજ આવે છે ગઝલમાં – પ્રાસમાં આવે નહીં.
હોય તારી એ જ ઈચ્છા, તો કશો વાંધો નહીં,
જિન્દગી મારી ભલે અજવાસમાં આવે નહીં.
તો સમજજો – કે નથી લાયક તમે જળને અહીં,
જો તલબ જેવું કશું પણ પ્યાસમાં આવે નહીં.
તો સમય થોડોક અંગત ક્ષણ મહીં પણ ગાળજો,
જો મજા તમને ‘પ્રણય’ – અહીં ઘાસમાં આવે નહીં.
15-12-2002
(પ્રગટ : “તાદર્થ્ય”)
•••
(3)
અળગો થઉં તો ક્યાં !
ઘરમાં રહું તો ક્યાં લગી-બાહર જઉં તો ક્યાં ?
થાક્યો છું હું તન્હાઈથી – જીવતો રહું તો ક્યાં ?
આખી ય જિન્દગી નડી લાચારસંહિતા,
મારી રીતે હું શ્વાસ પણ-આહીં લઉં તો ક્યાં ?
ખડકાળ છે તમા મ- અહીં જે સંબંધ છે,
જળ જેમ રોજ રોજ અહીં હું વહું તો ક્યાં ?
સીધી રીતે કદી ય મને અવગણ્યો નહીં,
એનાથી કોઇ પણ રીતે અળગો થઉં તો ક્યાં ?
છે જર્જરિત સાવ અમારું ય ઘર અહીં,
મારા હ્રદયની લાગણીઓ – પાથરું તો ક્યાં ?
હર કોઈને ‘પ્રણય’ ન કહી એ શકું કદી,
એવી એ વાત હોય કહેવી -ક હું તો ક્યાં ?
24-12-2002
(પ્રગટ : “તાદર્થ્ય”)
પુન:લેખન : 02-06-2004)
•••
(4)
મનને જો …
વીતી ગયેલ પળ ફરી ઉઘાડીએ છીએ
જામી ગયેલ ધૂળને ઉડાડીએ છીએ !
જંપી ગયેલ જીવને ઢંઢોળીએ છીએ,
પોઢી ગયેલ પ્યાસને જગાડીએ છીએ.
ખૂંદી વળીએ મનથી ધરા રજરજે લગી,
મુઠ્ઠીમાં આસમાનને ઉગાડીએ છીએ.
માટી ધસી પડે છે ફરી ભેખડો બની,
મનને જો કોઇ વાતમાં લગાડીએ છીએ.
આપી શકે ન તું ય સજા – એ ય છે સજા,
હાથે કરીને જિન્દગી બગાડીએ છીએ.
ઠોકર હજારવાર ‘પ્રણય’ – એ રીતે મળી,
બહુ જાળવીને પગ હવે ઉપાડીએ છીએ.
07-04-2008
(પ્રગટ “તાદર્થ્ય”, એપ્રિલ-2012)
•••
(5)
થયો
આપનો હમદમ થયો
એક માણસ કમ થયો !
એ સમય – જાણે સમય,
– જે ખુશી કે ગમ થયો.
તારો-મારો સંગ પણ,
ફૂલની મોસમ થયો.
સૂર્ય પ્હેલાનો સમય,
જો થયો-શબનમ થયો.
હું ‘પ્રણય’ લાચાર છું,
એમનો હુકમ થયો.
(પ્રગટ : “તાદર્થ્ય”; એપ્રિલ-2012)