ગાંધીજી અને વિનોબા બે એવા નામ કે જે સતત ચાલતા રહ્યા એટલે કે વિસ્તરતા રહ્યા ને જુદી રીતે વર્ધમાન સાબિત થયા. એનાથી પણ મોટી ને મહત્ત્વની વાત એ છે કે આ બે વિભૂતિઓએ કેટલાયને ચાલતા કર્યા, એટલે કે વિસ્તરતા કર્યા ને એમ થવાથી ગાંધી-વિનોબા વિચારરૂપે સામાન્યજન સુધી પહોંચ્યા ને આ રીતે બનેલી સાંકળ ભારતને સર્વોદયની દિશામાં આગળ લઈ ગઈ. ગાંધી અને વિનોબાએ છેવાડાના માણસની દરકાર કરી ને એના ઉત્થાનમાં જ સમાજ અને દેશનું ઉત્થાન રહેલું છે, એવો વિચાર સ્થાપિત કર્યો. એની એટલી બધી પ્રબળ અસર થઈ કે જેમણે ગાંધી-વિનોબા સાથે કામ કર્યું હતું તેઓ ને કેટલાક તો એવા પણ કે જેમણે ગાંધી આદિને પ્રત્યક્ષ પણ જોયા હોય તેવા લોકો પણ ગાંધીના કાર્યોથી પ્રભાવિત થઈ કોઈને કોઈ ખૂણાના પ્રદેશમાં પલાંઠી વાળીને બેસી ગયા. લોકકલ્યાણ માટે જીવન ખર્ચી નાખવાની તૈયારી સાથે બેઠેલા આવા લોકોએ જ ગાંધી-વિનોબાનાં કાર્યોનો વ્યાપ વિસ્તાર્યો. દક્ષિણ ગુજરાતમાં મીઠુબહેન પિટીટ દ્વારા આ પ્રકારનાં કામો માટે શરૂ થતી સંસ્થાની પાયાવિધિ કરતા ગાંધીજીએ એમને પૂછેલું કે, 'મારી પાસેથી આ ખાડો ખોદાવો છો એનો શો અર્થ થાય છે તે જાણો છો ?' ત્યારે મીઠુબહેન પિટીટે વળતો ઉત્તર આપેલો કે, ‘હા, મને ખબર છે કે મારે આમાં દટાઈ જવાનું છે.'
અવતાર પુરુષોને બાદ કરતાં આટલી પ્રબળ અસર અને એ પણ સામાજિક કાર્યો કરવા સંદર્ભે ગાંધી-વિનોબા સિવાય કોઈ મહાપુરુષોની પડી હશે કે કેમ એ પ્રશ્ન છે. કોઈ પણ જાતના દેખાડા વિના કોઈ એક ખૂણે નાનકડી દિવડી બની બેસી જઈ એ અંધારિયા મલકમાં પ્રકાશ પાથરવાની ભાવના સાથે કામ કરનાર આવા મૂક સેવકોના કાર્યને જોઈએ છીએ, ત્યારે એમના પ્રત્યે અને એમને એ માર્ગે પ્રેરનારા પ્રત્યે સહજ ઝૂકી જવાય છે. આ સંદર્ભમાં કચ્છના અત્યંત પછાત અને અંતરિયાળ વાગડ વિસ્તારને આ રીતે અજવાળવા મથનાર મણિભાઈ સંઘવી, એમના સાથીકાર્યકરો ને પછીથી એમના સંતાનોએ કરેલ મોટાં કામની નાનકડી વાત કરવાની અહીં નેમ છે.
જેમનું આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, એવા કર્મયોગી મણિભાઈ સંઘવી મૂળે વાગડની ધીંગી ધરાનું ખમીરવંતુ સંતાન. ફતેહગઢ ગામના વણિક પરિવારમાં જન્મેલા બાળક મણિલાલ અભ્યાસ અર્થે કચ્છના માંડવી બંદરે જાય છે, જ્યાં એમનો ભેટો નખશીખ શિક્ષક એવા નાનાલાલ વોરા સાથે થાય છે. મણિભાઈના જીવનઘડતરમાં એક શિક્ષક તરીકે નાનાલાલ વોરાએ અદકેરી ભૂમિકા અદા કરી છે. મુંદ્રા ખાતે આયોજિત પ્રજાકીય પરિષદના અધિવેશનમાં યુસૂફ મહેરઅલી અને અન્ય નેતાઓના આઝાદી માટેની ચળવળના જોશીલાં ભાષણો તેમને દેશ માટે કંઈક કરી છૂટવા માટે પ્રેરે છે, પણ પછીથી એ વિચારને કાર્યાન્વિત કરવાની તાલીમ તેમને મળે છે માવજીભાઈ વેદ પાસેથી. બાળક મણિલાલ અને એમના મિત્રો માવજીભાઈ વેદના માર્ગદર્શન તળે સામાજિક પ્રવાહમાં પાછળ રહી ગયેલા લોકો માટે માંડવીમાં રાત્રિવર્ગો, સફાઈ, પુસ્તકાલય, આરોગ્યસેવા આપવા જેવાં નાનાં-નાનાં કામ કરવાનું આરંભે છે. દેશદાઝમાં લાગેલું મણિલાલનું મન બીજે ક્યાં ય લાગતું ન હોઈ મેટ્રિકની પરીક્ષામાં તેઓ નાપાસ થાય છે. તેમની મનઃસ્થિતિને પામી ગયેલા મોટાભાઈ રાજપાળભાઈ તેમને વતન ફતેહગઢમાં ખાદીના કાર્યમાં જોડાવવા વ્યવસ્થા કરી આપે છે. વાગડમાં તે સમયે ચાલતા પણ મંદ પડી ગયેલા ખાદી કંતાઈ-બુનાઈનાં કામને મણિલાલ પોતાની આગવી સૂઝ-બૂઝથી વિસ્તારે છે. ખાદીનું કામ એટલે ગાંધીનું કામ ને ગાંધીનું કામ એટલે દેશનું કામ એમ સમજી એમાં તેઓ ખૂંપી જાય છે. ફતેહગઢમાં દલિત પરિવારોના ઘરે ક્રાંતિકારી જૈન સાધુ મુનિશ્રી સંતબાલજીને ગોચરી વહોરવા લઈ જઈ એક બહુ મોટું પગલું ભરતા પણ મણિલાલ અચકાતાં નથી. દલિત સમાજના વિકાસ માટે મથતા આ મસીહાને નાતબહાર પણ કરવામાં આવે છે. અલબત્ત, આવી એક પણ ઘટના તેમની જાતે જ સ્વીકારેલી કર્તવ્યનિષ્ઠાને ચલિત કરી શકતી નથી.
આઝાદી પછી પણ ગાંધીનું કામ અટકતું નથી, કેમ કે આઝાદી એ ગાંધીના સ્વપ્નનું સ્વરાજ તો બિલકુલ નહોતું. ગામડે ગામડે સાચા અર્થમાં સ્વરાજ સ્થપાય એ માટે ગાંધીના આ સેનાનીઓએ હજુ હથિયાર હેઠાં નહોતાં મુક્યા. કચ્છમાં સદનવાડી જેવી સંસ્થા સ્થાપવામાં જેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી એવા મગનભાઈ સોની પણ કામ કરવા કોઈ ખૂણાનો પ્રદેશ શોધતાં વાગડની વરનોરા વાંઢ પર પસંદગી ઉતારે છે. મગનભાઈ અને મણિભાઈ સાથે મળીને ત્યાંના કોળી સમાજના અગ્રણી રામસિંહજી પરસોંડે આપેલા નાનકડા બે ભૂંગામાં સરદાર છાત્રાલય શરૂ કરી કામ શરૂ કરે છે. ગામને નામ અપાય છે વલ્લભપર. ગાંધીવિચારનું મૂલ્યલક્ષી શિક્ષણ તો અહીં અપાય જ છે સાથોસાથ એક ગામડાથી શરૂ કરી એ પ્રદેશમાં ચેતન પ્રગટાવવાનો યજ્ઞ પણ જાણે આરંભાય છે. મણિભાઈ આ કાર્યની સમાંતરે ખાદીના કાર્ય માટે ગઢસીસા જઈ ત્યાં પણ કામ કરે છે. ટૂંકમાં, જ્યાં જ્યાં હાકલ પડે ત્યાં સાચા સ્વરાજ માટે કામ કરતા આ સિપાહી કામ કરવા દોડી જાય છે. વિનોબાજી કચ્છમાં પધાર્યા ત્યારે અને એ પછી પણ ભૂદાન આંદોલનમાં સક્રિય કાર્યકર તરીકે મણિલાલ સંઘવી કામ કરતા રહે છે. શ્રમજીવી તરીકે કામ કરતા રહી દેશનું કામ કરવા મિત્રોની મદદથી વાડી ખરીદી ખેતી પણ કરે છે. ૧૯૭૮-૭૯માં તત્કાલીન સરકાર દ્વારા ચાલતી સર્વોદય યોજનાનું કામ કરવા એનાં માળખા પ્રમાણે સંસ્થાની આવશ્યકતા ઊભી થાય છે ને એમ કરતાં નીલપરની ભાગોળે બાબુભાઈ શાહ ઝીલિયાવાળાની પ્રેરણા અને મહેશભાઈ ભણસાળીની આર્થિક મદદથી જમીન ખરીદી સંસ્થા શરૂ કરાય છે, ને નામ અપાય છે ગ્રામ સ્વરાજ સંઘ – નીલપર.
સર્વોદયનાં જે કાર્યો કરવાના ઉદ્દેશ્યથી સંસ્થાની સ્થાપના થયેલી તે તો સઘળા સુપેરે પાર પડે જ છે, પરંતુ સાથોસાથ અન્ય પ્રવૃત્તિઓ પણ ધીરે-ધીરે ઉમેરાતી જાય છે અને સંસ્થાનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જાય છે. શિક્ષણ, પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોકસંગઠન દ્વારા લોકશક્તિ નિર્માણ, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી સંસ્થાનું પરિસર સતત ધમધમતું રહે છે. આજે સંસ્થાની સ્થાપનાને ચાર દાયકા વીતી ચુક્યા છે, ત્યારે એનાં કામ પર એક વિહંગ દૃષ્ટિપાત કરીએ તો પણ ખ્યાલ આવે છે કે કેટલું નક્કર અને આવશ્યક કામ થઈ શક્યું છે.
સંસ્થાના નીલપર અને વલ્લભપર પરિસર પર કુલ મળીને પાંચેકસો જેટલાં વંચિત સમુદાયનાં બાળકો પ્રતિ વર્ષ મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે છે. કન્યા કેળવણીનું પ્રમાણ તો આ પ્રદેશમાં લગભગ નહિવત જેવું જ હતું. એને બદલે આજે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું પ્રમાણ દર લગભગ સરખું થવા જઈ રહ્યું છે, એ પરથી જ અહીં શિક્ષણ અને તેમાં પણ કન્યા કેળવણી માટે લેવાતી વિશેષ જહેમતનો પરિચય આપોઆપ મળી જશે. બાળકો ન કેવળ શિક્ષણ મેળવે છે, પણ જીવન ઘડતરના સઘળા પાઠ અહીં સહજ ભણે છે. બાળકના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર આ સંસ્થાએ વાગડનાં હજારો વિદ્યાર્થીઓનાં વ્યક્તિત્વને ઘડવાનું બહુ મોટું કામ કર્યું છે ને આજ પર્યંત કરી રહી છે.
વાગડ એટલે રણ અને તેની નજીકનો વિસ્તાર. પાણી તો એક સમયે એનો પ્રાણપ્રશ્ન. આવા વિસ્તારમાં લોકો અને પશુપંખીની તૃષા છીપાવવા નાનાં-મોટાં તળાવ બંધાવવાં, વૃક્ષો વાવી તેનું જતન કરવું, ખેડૂતોને બિયારણ આપવાથી માંડીને તેમના દરેક પ્રશ્ને પડખે ઊભા રહેવા જેવાં બહુ નાનકડાં પણ પાયાનાં કાર્યો સંસ્થાએ કર્યાં છે ને હાલ પણ કરી રહી છે. સંસ્થાના પરિસર પર શોભતાં લીલાછમ્મ વૃક્ષો વિદ્યાર્થીઓ દ્વારા વાવવા ને ઉછેરવામાં આવ્યાં છે. કોઈ નાની મૃત બાળકીનો પરિવાર કોઈ વૃક્ષ પાસે આંસુ સારતું ઊભું હોય ને કોઈ પૂછે તો કહે કે, 'અમારી પાસે તો અમારી દીકરીની યાદગીરીરૂપે એણે વાવીને ઉછેરેલું આ વૃક્ષ જ એક નિશાની છે’, ત્યારે ખ્યાલ આવે અહીં બાળકોને કેવી રીતે પ્રકૃતિ સાથે અનુબંધિત કરાય છે !
ગાંધી-વિનોબાના કાર્યની એક વિશેષતા એ પણ રહી છે કે તેમણે માણસને ઊભો કરવા હાથ તો લંબાવ્યો છે, પણ પછી એને પોતાના પગે ઊભા રહેતાં પણ શીખવ્યું છે. આ સંદર્ભમાં ગ્રામ સ્વરાજ સંઘે એક મોટું કામ લોકસંગઠન અને લોકશક્તિ નિર્માણનું કર્યું છે. વાગડની નાની નાની વાંઢો(નેસડા)માં વસતા કોળી, હરિજન અને અન્ય વંચિત સમુદાયના લોકોને લાઈટ-પાણીથી માંડીને આંગળવાડી, શાળાના લાભ મળી રહે તે માટે સંસ્થા તેમની મદદે તો આવી પણ તેમને પોતાના પ્રશ્નોના નિવારણ માટે માનસિક તૈયાર પણ કર્યા. સંસ્થાના પ્રયત્નો થકી પિસ્તાળીસ વાંઢોમાં પ્રાથમિક શાળાઓ શરૂ થઈ, બાળકો અને ગર્ભવતી માતાઓ માટે જરૂરી કામગીરી ને એવું તો ઘણું ઘણું કામ થઈ શક્યું. આ સંસ્થાનું કાર્ય પરિસરમાં ન પુરાઈ રહેતાં આમ વિસ્તરતું ચાલ્યું છે.
કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે તાત્કાલિક અને અસરકારક કામગીરી કરી લોકસેવાનું કામ કરવામાં સંસ્થા હંમેશાં અવ્વલ રહી છે. મચ્છુ હોનારતથી માંડીને, કચ્છમાં વારંવાર પડતા દુષ્કાળ, વાવાઝોડું, વિનાશક ભૂકંપ, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીર ભૂકંપ, બિહાર પૂર-હોનારત, નેપાળ ભૂકંપ કે તાજેતરમાં આવેલી કોરોનાની વિકટ પરિસ્થિતિ હોય − સંસ્થાએ આવી પડેલ આપદ્દ ધર્મ પૂરી નિષ્ઠાથી બજાવી રાહત અને પુનર્વસનનું કામ ચુપચાપ કર્યાં કર્યું છે. આ રીતે લોકોનાં જીવનમાં એક નવી ચેતનાનો સંચાર કરવાનું કામ સંસ્થા દ્વારા નિરંતર થયા કર્યું છે.
અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં બારેમાસ પક્ષીચણ કેન્દ્ર, ઉનાળામાં છાશકેન્દ્ર, કૂતરાને રોટલા, જરૂરિયાતમંદ અને અશક્ત લોકોને પ્રતિમાસ રાશનકીટ આપવી, અસાધ્ય રોગોથી પીડાતાં દરદીઓને સારવાર માટે સહાય જેવાં અનેક કામ સંસ્થા દ્વારા નિરંતર થયા કર્યા છે. મણિભાઈ સંઘવીમાંથી 'બાપુજી'માં ફેરવાઈ ગયેલા મણિભાઈના દેહાવસાન બાદ પણ એમનું કાર્ય આગળ ધપી રહ્યું છે, એનું કારણ એમનાં જ ચીલે ચાલતા એમનાં સંતાનો, અન્ય પરિજનો અને કર્મનિષ્ઠ કાર્યકરો છે. સર્વશ્રી રમેશભાઈ સંઘવી, દિનેશભાઈ સંઘવી, મુકતાબહેન ભાવસાર, નકુલભાઈ ભાવસાર જેવાં બાપુજીના સાચા અર્થમાં વારસદારોએ પણ તેમના કાર્યને આગળ ધપાવવા પોતાનું જીવન અર્પણ કરી દીધું છે. બાપુજી સાથે અને બાપુજી પછી એમની પ્રગટાવેલી મશાલને લઈને આ મશાલચીઓ દોડ્યા જ કર્યાં છે ને હજુ દોડી રહ્યાં છે.
હવે થોડી વાત ગ્રામ સ્વરાજ સંઘની ભગિની સંસ્થા સુશીલ ટ્રસ્ટની. મણિભાઈને જીવનભર સેવાકીય કાર્યોમાં સાથ આપનાર સુશીલાબહેન સંઘવીનું કુદરતે આયખું થોડું નાનું ઘડેલું, પણ તેમના દેહવિલય પછી એમનાં નામે સુશીલ ટ્રસ્ટની સ્થાપના કરી સમાજ ઉપયોગી કાર્યો થકી એમને ચેતનવંતાં રાખવાનું કામ એમનાં સંતાનોએ કર્યું ને એ રીતે તેઓ આજે પણ લોકહૃદયમાં ધબકી રહ્યાં છે. રમેશભાઈ સંઘવી, મુકતાબહેન ભાવસાર આદિએ મળીને ગ્રામોત્થાનનાં કાર્યમાં ગ્રામ સ્વરાજ સંઘની પૂરક સંસ્થા બને એવા ઉદ્દેશ્યથી સુશીલ ટ્રસ્ટની ૧૯૯૧માં સ્થાપના કરી. કાર્યક્ષેત્ર તરીકે પસંદ કર્યો વાગડનો વણસ્પર્શયો ખૂણો ખડીર વિસ્તાર. ધોળાવીરા કે જે અત્યારે પુરાતન નગરી તરીકે વિખ્યાત થયું છે, તે વિસ્તાર વાગડના મુખ્ય મથક રાપરથી પણ સોએક કિલોમીટર જેટલાં અંતરે. રણ અને સરહદનો આ વિસ્તાર જ્યાં કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધા પણ ન મળે, એવા ખડીરમાં રતનપર મુકામે સંસ્થાનું નાનકડું પણ રૂપકડું પરિસર ઊભું થયું. રમેશભાઈ સંઘવી અને મુકતાબહેન ભાવસારે એની પાછળ વિશેષ જહેમત લઈ અહીં વળી એક નવી દિવડી પ્રગટાવી. બહુ મોટા સંકલ્પો અને એના માટેની બહુ મોટી વ્યવસ્થાઓ ઊભી કરવાને બદલે આ સંસ્થાના સંવાહકોએ નાનું નાનું પણ નક્કર કામ કરવાનો નિર્ધાર કર્યો. ખડીર મુકામે રામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ ઊભું કરી શિક્ષણ દ્વારા નવચેતનની કેડી કંડારી. રાપરમાં બાલમંદિર શરૂ કરી આવનારી પેઢીને ઘડવાનું કોમળ કામ હાથમાં લીધું. બાળ મહિલા પુસ્તકાલય શરૂ કરી માનસ ઘડતરની સૂક્ષ્મ પ્રક્રિયા આરંભી. આ રીતે આદિવાસી કન્યા આશ્રમશાળા, માધ્યમિક શાળા, છાત્રાલય આદિ શરૂ કરી વિદ્યાની જ્યોત પ્રગટાવી જ્ઞાનનો પ્રકાશ રેલાવ્યો. ગાયો માટે નિરણકેન્દ્ર, લોકો માટે આરોગ્યકેન્દ્ર, હુન્નરશાળા આદિનો આરંભ કરી જુદી જુદી રીતે લોકસેવાનું કામ આ સંસ્થા ચૂપચાપ કરી રહી છે.
આ બધી પ્રવૃત્તિઓની સમાંતરે યુવા શિબિરો, ખેડૂત સંમેલન, મહિલા શિબિરો, શિક્ષક સજ્જતા કાર્યક્રમો, બાલોત્સવ જેવાં કાર્યક્રમો દ્વારા ચારિત્ર્ય નિર્માણનું ઝીણું કામ સહજ રીતે થયાં કર્યું. ખેત તલાવડીઓ બનાવી આપી ખેડૂતોને સંસ્થા મદદરૂપ બની તો વળી નિરાશ્રિતોને ઘરનું ઘર મળી રહે એની ચિંતા પણ સંસ્થાએ સેવી. બહેનોને પગભર કરવા સિલાઈની તાલીમ પણ અપાઈ ને સિલાઈ મશીન પણ. વ્યસનમુક્તિ માટેના પ્રયત્નો નિરંતર ચાલતા રહ્યાં.
સુશીલ ટ્રસ્ટની કામગીરી વિશે જાણીતાં લેખિકા મીરાબહેન ભટ્ટે ‘જન્મભૂમિ પ્રવાસી’ના ઓગસ્ટ-૨૦૦૦ના સમાચારપત્રમાં છપાયેલ લેખમાં જે નોંધ્યું છે તે મણિભાઈ ને એમના કાર્ય વિસ્તાર માટે ઊભી થયેલી બંને સંસ્થાઓને એક સરખું લાગુ પડે છે. તેઓ નોંધે છે કે, 'અહીં કામ કરતા મિત્રોનો આરાધ્યદેવ 'લોક' છે. લોકજાગૃતિ થાય, લોકશક્તિ નિર્માણ થાય અને લોકભાગીદારી દ્વારા ધીરેધીરે ગ્રામસ્વરાજયનું કાઠું બંધાતુ જાય એવી દિશામાં આ મંગળ પ્રયાણ થયું છે.' ગાંધીજીએ છેવાડાના માણસની સેવાનું માદળિયું પહેરવાની જાણે આ લોકોને અહીં મોકલ્યા હોય એવું લાગે ! ફરિસ્તાઓ આકાશથી જ ઊતરે એવું ન હોય કોઈ વ્યક્તિમાં સૂતેલો દેવદૂત જાગી ઊઠે ને એ પોતાના કાર્ય થકી લોકના મનમંદિરમાં અનાયાસ સ્થાપિત થઈ જાય એવું પણ બને ! ગાંધી-વિનોબા પણ આ રીતે જ પોતાના કાર્યો થકી માનવહૈયે વસી ગયા છે. ભગવાન વિષ્ણુની વામન અવતારની કથામાં એમના ચરણનો વ્યાપ વામનમાંથી વિરાટ બને છે ને ત્રણેય લોક એમાં સમાઈ જાય છે.
ગાંધી-વિનોબાની આવી કોઈ કથા નથી પણ શું આપણે વાગડના ખૂણે ધીમી ધારે વહેતી આ કાર્યગંગાને જોઈને એમ ન કહી શકીએ કે આ ગાંધી-વિનોબાના પગલાંનો જ વિસ્તાર છે !
e.mail : ramjanhasaniya@gmail.com
પ્રગટ : “કોડિયું”, ’સર્વોદય’ વિશેષાંક,15 જાન્યુઆરી 2022; પૃ. 374-377