શ્રદ્ધાંજલિ
અતિથિ કાર્યક્રમમાં દેવાંગ ભટ્ટને આપેલી જૂની મુલાકાત [14 જુલાઈ 2014]
નોંધ : ૯મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ, સ્પેનના મૅડરિડ શહેરમાં, “ગુજરાતના ઘેરઘેર અને હૈયેહૈયે વસેલા”* ફાધર કારલૉસ ગોંઝાલેઝ વાલૅસ એસ. જે.નું ૯૫ વર્ષે નિધન થયું. સવાયા ગુજરાતી સ્વ. ફાધર વાલૅસને વંદન. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. એમણે કરેલી વાતોની પુન:મુલાકાત કરીને એમને યાદ કરવાનું યોગ્ય લાગ્યું. અંગ્રેજીમાં એમનાં લખાણો, વિચારો, માર્ગદર્શન એમની official website www.carlosvalles.com પર ઉપલબ્ધ છે. Website પર મુલાકાતીઓના સ્વાગતમાં એમના પુલકિત વ્યક્તિત્વનો રણકો ધરાવતા ઉત્સાહી શબ્દો નીચે મુજબ લખેલાં છે:
Good that we meet. On screen and heart. In electronic company. In Peace and Joy.
— રૂપાલી બર્ક
~ ~ ~ ~ ~ ~
દેવાંગ ભટ્ટ : નમસ્કાર મિત્રો, ‘અતિથિ’માં ફરી એકવાર તમારું સ્વાગત છે. ‘અતિથિ’ ઓટલો એવો કાર્યક્રમ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવે છે. આજે ‘અથિતિ’માં એવી વિશિષ્ટ વ્યક્તિ સાથે અંતરંગ વાતો કરવાની છે કે જે બોલેને ત્યારે એમને સાંભળવા પણ ગમે અને તેમને વાંચવા પણ ગમે. બહુ જ ઓછા એવા સિદ્ધહસ્ત લેખકો હોય છે જેમની વાણી પણ આપણા કાને પડે તો મજા આવે અને ખાસ કરીને તેમના શબ્દો પણ નજરે ચડે તો મજા પડે તેવાં અનેક યુવાનોના પ્રેરક જેઓ બન્યા છે, તેવા ફાધર વાલૅસ અમારી સાથે હાજર છે. ફાધર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. (ફાધર નમસ્તેમાં હાથ જોડે છે.) ફાધર, સૌથી પહેલા તો, ક્યાંથી સફર શરૂ થઈ? (ફાધરનું ઝીણું હાસ્ય સંભળાય છે.) હિન્દુસ્તાનની સફર ક્યાંથી શરૂ થઈ?
ફાધર વાલૅસ : ક્યાંથી? (સ્મિત સાથે) હવે તો યાદ મારે કરવી પડે છે. ૧૯૬૦માં હું આવ્યો હતો. કેટલા વરશ (ફાધર ‘વરશ’ ઉચ્ચાર કરે છે.) થયાં તમે પૂછ્યું. એટલે લગભગ ૫૦ ઉપર વધારે વરશો હું અહીંયા જ અને ખાસ કરીને, વિશેષ કરીને અમદાવાદમાં જ હું રહ્યો. અમદાવાદમાં મારા જીવનનાં ઉત્તમ ૪૦ વરશ થયાં. એ જ મારા મનમાં ખાસ યાદમાં છે. ખાસ પ્રસંગ છે, ખાસ મારું જીવન છે. અમદાવાદના પેલા ૪૦ પૂરાં વરશ.
દેવાંગ ભટ્ટ : જ્યારે સ્પેનથી આવ્યા ત્યારે ક્યાંક પ્રશ્ન થયો હશે ભાષાનો. પસંદગી કરી અમદાવાદ કે ગુજરાતની. પરંતુ વાત આવીને અટકે છે ભાષાની. હંમેશાં એવું કહેવાય છે કે બુદ્ધિશાળી જે વ્યક્તિ હોય છે એને કોઈ ભાષાનાં કોઈ બંધનો નડતાં નથી. પરન્તુ, પરન્તુ, લોકો સુધી પહોંચવા માટે સ્થાનિક ભાષાનો ઉપયોગ તો કરવો જ પડે. અને એના માટે આપે કોઈકનો સહારો લીધો હશે. જો મારી ભૂલ ના થતી હોય તો કદાચ ચંદ્રકાંત શેઠ. આપ ગુજરાતી ભાષા કોની પાસેથી શીખ્યા?
ફાધર વાલૅસ : (હસતાં) જુઓ, આટલો સરસ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપીશ તો કલાક લાગે કારણ એની અંદર લગભગ મારી આખી આત્મકથા આવી જાય છે. એ આકર્ષણની પાછળ ઘણી બધી … હું જરા લાંબુ કરું પણ તમે વચ્ચે વચ્ચે બોલો નહીં તો આખું ભાષણ થઈ જશે. (દેવાંગ ભટ્ટ કહે છે ‘ઓકે ઓકે’. બન્ને હસે છે.) પહેલી વાત. હું નાનો હતો, એટલે ૮૦ જેટલાં વરશ પહેલાંની વાત કરું છું. મારા બાપુજી, ઍન્જીનિયર, સ્પેનમાં. એમણે શું કર્યું ભાષાઓના માટે, ખબર છે? અમારી માતૃભાષા સ્પૅનિશ. સ્પૅનિશ તો ખરું, એ તો ચાલે. પછી કઈ સ્કૂલમાં … હું પાંચ વરશનો હતો ત્યારે મારા બાપુએ મને મોકલ્યો. નવાઈ લાગે હું તમને કહું. પચાસ વરસ … એંસી વરશ પહેલાંની વાત છે. જર્મન સ્કૂલમાં મને મૂકી દીધો કારણ કે એ વખતે યુરોપની અંદર બીજી કોઈ ભાષા કરતાં સૌથી અગત્યની, સૌથી ઉમદા, સૌથી ઊંચી ભાષા જર્મન. અંગ્રેજીનું કોઈ મહત્ત્વ ન હતું. નવાઈ લાગે છે હું તમને કહું. તો સાંભળો શું થયું તે. સ્પૅનિશ, સ્પૅનિશ ઉપરથી જર્મન અને જર્મન પછી એક શિક્ષક બોલાવીને ઘેર ફ્રૅંચના ક્લાસ કરે. સ્પૅનિશ, જર્મન, ફ્રૅંચ. એ વખતે મારા બાપુજીનું એવું કેવું વલણ હતું, કેવી જાગૃતિ હતી કે નાના છોકરાઓને ત્રણ ભાષા. પછી મને કહે, તમને હસવું આવશે, તમારું સ્પૅનિશ તો છે, જર્મન તો સ્કૂલમાં પાક્કું થશે અને આ ફ્રૅંચ પણ ખરું. કદાચ, પાછળથી, ના કરે ભગવાન ને અંગ્રેજીની જરૂર પડે તો તમે શીખી શકશો. (ફાધર એવી રમૂજી નાટ્યાત્મક્તાથી બોલે છે કે દેવાંગ ભટ્ટ હસી પડે છે.) એ વખતે અંગ્રેજીનું મહત્ત્વ નહોતું અત્યારે છે તેમ. હવે તો ક્યાં જર્મન, ક્યાં ફ્રૅંચ, અંગ્રેજી, અંગ્રેજી, અંગ્રેજી. બીજી વાત કહું. કહું એટલે મારો ઇતિહાસ આવી જાય. કહું છું આ તો કે અંગ્રેજી શીખવાનું પા….પ મેં ભારતમાં આવીને કર્યું … (દેવાંગ ભટ્ટ સૂચક રીતે “ઓ…” બોલે છે.) અંગ્રેજી હું અહીં આવીને શીખ્યો,સમજ્યા. તે વખતે જરા વધારે પ્રસિદ્ધ …
દેવાંગ ભટ્ટ : ફરી વાર કહું, રિપીટ કરું, રિપીટ કરું આપના શબ્દો, તો અંગ્રેજી શીખવાનું પા…પ, આપે કીધું પા…પ એમ ખેંચીને (ફાધર ખડખડાટ હસે છે.) Do you feel કે એ પાપ હજી પણ ભોગવી રહ્યા છે હિન્દુસ્તાનીઓ?
ફાધર વાલૅસ : સાચી વાત. પા…પ શબ્દ તમે ઉચ્ચાર્યો, બરાબર નકલ કરી. જરા રમૂજ સાથે. પાપ શા માટે કહું છું, આપણને જાણે દુ:ખ છે કે હવે તો આખી દુનિયામાં અંગ્રેજી, અંગ્રેજી. અંગ્રેજી એ ઉત્તમ ભાષા છે. શેક્સપિયર છે ને બધાં છે, એની ના નથી, જરૂર. પરંતુ જે રીતે અંગ્રેજી બોલાય — પ્રથમ તો એક અંગ્રેજી ભાષા નથી, બહુ અંગ્રેજી ભાષાઓ હોય છે. બીજું કહું છું, અંગ્રેજી ભાષા તો ખરી પણ એનો ઉચ્ચાર કેવો? ખરેખર શરમ આવે એવું. ગુજરાતીમાં હોય તો ક, ખ, ગ, ઘ … આ બધું સ્પષ્ટ આવી જાય છે. સ્પૅનિશ ભાષા હોય તો જેવી લખાય એવી બોલાય. એમાં આ સ્વર છે — આ, ઍ, ઈ, ઑ, ઉ. બીજું કશું નહીં. અંગ્રેજીમાં જે ગોટાળા આવે છે એ તમે જાણો છો, હું જાણું છું, બધાં જાણીએ છે. અહીંયા હું છું, (ફાધર હસી પડે છે.) આજે સવારે મને ટાવલ જોઈએ છે, ટાવલ. ટુવાલ લાવો. ટાવલનું ટુવાલ. (બન્ને હસે છે.) જુવલરી-જૂલરી — એ બધું થઈ જાય છે. એ તો અંગ્રેજીનું પાપ છે. તમે જરા સ્પષ્ટ કહો ને, ભાઈ.
દેવાંગ ભટ્ટ : જેવું લખ્યું છે એવું બોલો.
ફાધર વાલૅસ : એવું બોલો.
દેવાંગ ભટ્ટ : Fine. મારો basic પ્રશ્ન એ હતો કે ગુજરાતી ભાષા કોણે શીખવી અને કઇ રીતે ગુજરાતી પ્રત્યેનો પ્રેમ વિશેષ થયો.
ફાધર વાલૅસ : બરાબર છે. મારી આત્મકથામાં, ભાષાની આત્મકથામાં આગળ આવી જાય છે. હું ભારતમાં આવું, અંગ્રેજી શીખવાનું પાપ કરી લઉં અને મારા મનમાં તો એમ હતું કે અહીં અંગ્રેજી ચાલશે. બીજું, હું અહીંયા આવ્યો તે ગણિતના શિક્ષક તરીકે યુનિવર્સિટીમાં. અને મારા મનમાં ત્યારે એવું હતું કે ગુજરાતીમાં ગણિતનો વર્ગ ચાલશે તો અંગ્રેજીમાં એટલે મારે બીજી કોઈ ભાષા શીખવાની જરૂર નથી, પરંતુ ઘણી ડિગ્રી માટે મેં પૂછ્યું કે ભારતમાં અત્યારે યુનિવર્સિટી સારી કઈ? મદ્રાસ યુનિવર્સિટી. ચેન્નાઈ હું ગયો. લોલવાલા કૉલૅજ હું ગયો અને ત્યાં ગણિતમાં હું દાખલ થયો. બધું તો સ્પષ્ટ અને શુદ્ધ અંગ્રેજીમાં, પરંતુ, મેં એક વાત જોઈ. હું વર્ગમાં જઉં, બધાં વિદ્યાર્થીઓ, સાચું કહું, મારા બધાં ત્યાંના, ઘણા આદમી તો કેવા હતાં, ખબર છે? દક્ષિણના બ્રાહ્મણ લોકો. રામાનુજન. મજા તો પૂરી પૂરી આવી. ઘણાં બધાં પ્રસંગ મનમાં આવે. એક વખત શિક્ષક ભણાવતા હતાં અને કહ્યું અંગ્રેજીમાં “Today we have to teach the napkin-ring problem. Napkin-ring problem.” પછી કહે નૅપ્કીન-રીંગ શું છે મને ખબર નથી. પણ પ્રૉબ્લૅમ શું છે એ હું બતાવી આપું. એટલે મેં હાથ ઊંચો કર્યો કે સાહેબ, મને ખબર છે કે નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ શું છે. હા, તમે સમજાવો. નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ શું છે એ તમને ખબર છે? અહીં તો હવે વાપરીએ છીએ નૅપ્કીન-રીંગ પણ અમે જ્યારે નાનાં હતાં ત્યારે યુરોપમાં જે કરતાં હતાં તમે લોકો કરતાં નહોતાં. નૅપ્કીન-રીંગ તો ગોળ હોય છે, નહીં? અને જમવાના ટેબલ ઉપર એ જાતનું cloth હોય છે, નહીં? પછી અમે શું કરતાં કે નૅપ્કીન રીંગ કાઢીને ટેબલ ઉપર મૂકીને, પછી આમ ગોળ હોય (હાથથી આકાર બનાવી, ઈશારાથી સમજાવતા જાય છે) એ ઉપરથી તમે આમ કરો તો પછી એ આગળ જાય પણ સાથે સાથે એનો પાછળ આવવાનો ધ્યેય આપ્યો એટલે એ જરા આગળ આવી ને પછી પાછો આવી જાય, તમે જોયું હશે. (દેવાંગ ભટ્ટ કહે છે “જી, જી”.) એ નૅપ્કીન-રીંગ પ્રૉબ્લૅમ. ગણિતમાં કરવાનું કે આટલા માપનું છે એટલે એનું વજન આટલું, એટલે લંબાઈ આટલી અને એને એટલું જોર મળે તો ક્યાં સુધી જશે અને ક્યારે પાછું આવશે. એવું ગણિત કરવાનું. (બોર્ડ પર લખવાનો અભિનય કરે છે.) એ બધું શિક્ષકે બરાબર બતાવ્યું. પછી મેં કહ્યું કે રીંગ તો આ છે. એટલે આ ભાષા ને આ ગણિત ને (હસી પડે છે.) … પણ મૂળ વાત ઊપર આવું છું. હું તો મદ્રાસ યુનિવર્સિટીમાં. સારાસારા અધ્યાપકોની સાથે. અંગ્રેજી શુદ્ધ બોલે, ભલે નૅપ્કીન-રીંગની વાત જાણતા ના હોય, પરંતુ મારા મનમાં એ વાત આવી, અને એ અગત્યની વાત છે. કેવી રીતે જીવનમાં બદલાવ જોવા મળે છે, બીજું મેં એ જોયું કે વર્ગમાં તો બધું શુદ્ધ અંગ્રેજીમાં ચાલે છે, ઉત્તમ રીતે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ સરસ રીતે, પરંતુ ઘંટ વાગે, પિરિયડ પૂરો થાય, વિદ્યાર્થીઓ બહાર પગ મૂકે કે તરત જ એમની પોતાની માતૃભાષા તામિલમાં બોલવા જાય. અહંહં … મનમાં કાંઈક આવ્ચું કે પેલું ગણિત અહીંયા ચાલ્યું, બહાર જઈએ તો … ત્યારે મારા મનમાં બેસી ગયું, જાણે વ્રત મેં લીધું. મને હવે અમદાવાદ જઈને ગણિત ભણાવવાનું છે યુનિવર્સિટીમાં. મારા ખ્યાલ પ્રમાણે … (કાનમાં કહેતા હોય એવો અભિનય કરે છે.) જે ખ્યાલ પાછળથી ખોટો પડ્યો, સમજાવું. એમ હતું કે યુનિવર્સિટીમાં ગણિત ભણાવવાનું તો અંગ્રેજીમાં હશે, પછી અંગ્રેજીનું ગુજરાતી યુનિવર્સિટીમાં પણ થઈ ગયું (આંખો મિચકારીને ધીમું ધીમું હસે છે.) પણ એ વાત પાછળ મૂકીએ. મારા મનમાં તો એમ કે મારું ભણાવવાનું કામનું, ગણિતનું કામ તો અંગ્રેજીમાં ચાલશે પરંતુ મારે કામ સાથે, ગણિત સાથે નહીં, મારું કામ કાળા પાટિયા સાથે નહીં, વિદ્યાર્થીઓની સાથે છે અને વિદ્યાર્થીઓના મગજ સાથે નહીં, વિદ્યાર્થીઓનાં હૃદય સાથે છે. (દેવાંગ ભટ્ટ “Okay” કહી પ્રતિસાદ આપે છે.) એ હૃદયમાં પહોંચવાનો રસ્તો કેવો? (સહેજ મોં બગાડીને બોલે છે.) અંગ્રેજીમાં? (દેવાંગ ભટ્ટ બોલે છે “No way”.) માતૃભાષા. (ખૂબ જુસ્સાથી અને મક્કમતાથી બોલે છે.) ત્યારથી, મારા મનમાં એ નિર્ણય લીધો, એક વ્રત લીધું કે હું ગુજરાતમાં જઈશ તો હું ગુજરાતી શીખીને જઈશ.
દેવાંગ ભટ્ટ : ફાધર, હું તમને અહીંયા રોકીશ.
દર્શક મિત્રો, ખૂબ જ રોચક વાત. શા માટે ગુજરાતી? એક સ્પૅનિશ કે જેમણે જન્મ લીધો સ્પેનમાં. એમણે કીધું એ પ્રમાણે એમના પિતાજી એક અલગ વિચારધારાવાળા વ્યક્તિ હતા, તેમણે જર્મન લૅંગ્વૅજ શીખવાડી અને કીધું અંગ્રેજી તો જરૂર આવશે ત્યારે શીખી લઈશું. બહુ સૂચક વાત કરી કે અંગ્રેજી શીખવાનું પાપ તેમણે ભારતમાં આવીને કર્યું. ચેન્નાઈમાં તેમણે પ્રયત્ન કર્યો ગણિત શીખવાનો અંગ્રેજીમાં. પરંતુ ત્યારે મનમાં ગાંઠ વાળી લીધી કે મારે અમદાવાદ જાવું છે, ગુજરાતી માતૃભાષા છે, ચોક્કસપણે ગુજરાતીમાં જ આ વાત હું શીખવીશ. આના પછીની ઘણી બધી રસપ્રદ વાતો એક નાનકડા બ્રેક બાદ. દર્શકમિત્રો, સમય થયો છે વિરામનો …
વિરામ બાદ ફરી વખત તમારું સ્વાગત છે ‘અતિથિ’માં. વાત કરી રહ્યાં છીએ આપણે ફાધર વાલૅસ સાથે. … ફાધર, નક્કી કરી જ લીધું કે ગુજરાતી શીખવું છે પણ કોની પાસે? એ પણ પ્રશ્ન આવ્યો હશે. (ફાધર હસી પડે છે ને હકારમાં માથું હલાવે છે.) કોણ શીખવાડે આ સ્પેનથી આવેલા ગોરી ચામડીવાળા કોઈ ભાઈને, કોણ ગુજરાતી શીખવાડશે? એને શોધવાનું પણ એક અઘરું કામ હશે. અને કદાચ, શોધી લીધા પછી એમના માટે પણ વધું અઘરું થઈ ગયું કે આ વ્યક્તિને ગુજરાતી શીખવાડવાનું. (ફાધર ટૂંકું ખડખડાટ હસે છે.) કોણ હતું એ? આ ભગીરથ કામ ઉપાડવાવાળું?
ફાધર વાલૅસ : (હસતાં હસતાં બોલે છે.) ભાષાની આત્મકથાનાં પ્રકરણ આગળ વધતાં જાય છે. પણ ઠીક ઠીક કહેવાનું છે મારે. અમે જે પ્રદેશથી, સ્પેનથી આવતાં હતાં, મારા જેવા ફાધરોની સાથે એક ભાષા શાળાની વ્યવસ્થા કરી હતી જેમાં એક વરશ દરમ્યાન એક ગુજરાતી શિક્ષક આવીને અમને ગુજરાતી શીખવાડે. અમને ક, ખ, ગ, ઘ — કશું આવડતું નથી, પહેલેથી જ માંડીને એક વરશ સુધી બધા સાથે મળીને પાયામાંથી ગુજરાતી ભાષા શીખ્યા. એટલે એમાં હું ગયો. એમાં કોઈ ખાસ શિક્ષક સારા-ખરાબ નહીં, સામાન્ય હતા. બતાડતા હતા. અમે પ્રયત્ન કરતા હતા. અને એ વરશ પૂરું થયું ને બધા મારા જે સાથીઓ હતા એમને સંતોષ થયો. અમે કોર્સ કર્યો. પ્રમાણપત્ર મળ્યું. એક વરશ દરમ્યાન ગુજરાતીનો અભ્યાસ કર્યો. કેટલું આવડ્યું, કેટલું આવડ્યું નહીં, એનું કારણ નહીં પણ પેલું પ્રમાણપત્ર આવ્યું, certificate છે એ આવી ગયું. એ લઈને અમે બહાર જઈએ, આગળ જઈએ. અમારી કારકિર્દી બહુ લાંબી હોય છે, હં, બહુ વરશ થાય એટલે એ લોકોને ઉતાવળ છે કે બધું પૂરું કરીને કામ ઉપર આવીએ. અને મારી કારકિર્દી પણ લાંબી હતી, એ મદ્રાસમાં ગણિતના અભ્યાસને લીધે વધારે લાંબી થઇને! એટલે બધા રાહ જોતા હતા કે ભાઈ, તમે તો મોડા છો હવે જલદી કરો. મેં શું કર્યું? મેં કહ્યું કે ભાઈ, તમારી સાથે હું વરશ સુધી ગુજરાતમાં શીખવા રોકાઉં. વરશ પછી મને ખાતરી થઈ કે આ પૂરતું નથી. (દેવાંગ ભટ્ટ “Okay” બોલે છે.) પ્રયત્ન બહુ કર્યો પરંતુ પાછળથી મારા વિશે યશવંત શુક્લ કહેવાના હતા એ અત્યારે કહું, “ગુજરાતી એ કોઈ પરદેશીના હાથમાં જાય એ કોઈ ભાષા નથી. (દેવાંગ ભટ્ટ આશ્ચર્યના ભાવથી “Oh!” બોલે છે.)
પરદેશીના હાથમાં જાય એ કોઈ ભાષા નથી. પ્રસંગ પણ કહું પછી મૂળ વાત પર આવી જાઉં. હું એમની કૉલૅજમાં પ્રવચન કરતો હતો અને પ્રવચન કરતાં કરતાં ગુજરાતીમાં મેં એક પ્રયોગ વાપર્યો કે ગુજરાતમાં આ બાજુ આમ છે, આ બાજુ આમ છે (બે હાથથી વારાફરતી ત્રાજવાનાં પલ્લાં ઊંચાંનીચાં થતાં હોય એવું કરી બતાવે છે.) એટલે એનો ધડો કરવા … એટલે યશવંતભાઈએ મારી સામે વળીને કહ્યું કે ધડો શબ્દ પરદેશીના હાથમાં જાય એવો નથી. (બન્ને હસે છે.) સાચું છે, નથી? ગુજરાતી આવડે, કેમ છો? સારું છે. પણ ધડો કરવા જરા … (દેવાંગ ભટ્ટ બોલે છે “હટ કે”) એનો ભાગ જોડણીકોષમાં જોવો પડે છે, આવે તો સારું. એટલે એ રીતે, મૂળ વાત ઉપર આવું. મારા સાથીઓ ગયા. મને હસી કાઢીને ગયા. તમે ફસાઈ જશો. એક વરશ બગાડ કર્યો. હું બીજું વરસ રોકાવાનો છું. એક વરશ સુધી હું શીખતો હતો, પૂરતું નથી. અને મારા બાપુજીના તરફથી એવા સંસ્કારો મળ્યા હતા કે ભાઈ, તું જે કામ કરશે તે કરશે પણ જે કરીશ તે સારી રીતે કરીશ. શ્રેષ્ઠતાનો પાઠ પહેલેથી, નાનપણથી. ગુજરાતીને વરશ સુધી કર્યું, સંતોષ નથી, બીજું વરશ મને આપો અને હું બીજા વરશ માટે રોકાયો. ને હું કહું છું કે બધાં મારા સાથીઓ મારી હાંસી કરતા હતા અને મને કહેતા હતા કે તમે પસ્તાઈ જશો. એક વરશ બગાડી નાખો છો. શું કામ રોકાવ છો? એટલે સહેલું ના હતું તો ય મેં નક્કી કર્યું તમે જાવ (એકદમ કડકાઇભર્યાં સ્વરે ને હાવભાવ સાથે બોલે છે.) તમારે કામ હોય તો જાવ.હું એક વરશ માટે રોકાઈ જઉં છું. અને એક વરશ માટે, વાત પૂરી કરવા માટે, વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી છે ને? એમાં હું ગયો. અમારી પેલી, મેં તમને કહ્યું બધાની સ્કૂલ હતી એમાં બધું ભેગું હતું, અંગ્રેજી, સ્પૅનિશ, ગુજરાતી. જ્યારે હું વલ્લભ વિદ્યાનગર ગયો ત્યાં સવારથી સાંજ ગુજરાતી, ગુજરાતી, ગુજરાતી. હું છોકરાઓની હૉસ્ટૅલમાં રૂમ રાખીને રહેતો …
દેવાંગ ભટ્ટ : અહીંયા, અહીંયા હું રોકું છું. અહીં એક પ્રશ્ન મને પુછવાનું મન થાય. Being a priest you had been over here. અહીં આવ્યા, આપ. આપને એવું નથી લાગતું કે ગુજરાતી ભાષા પ્રત્યેનો કદાચ પ્રેમ અથવા તો ગણિત પ્રત્યેનો પ્રેમ, એના કારણે, ખરેખર priestનું જે કામ હતું એ ક્યાંક થોડું ઓછું થયું એના કારણે ઘણાં પ્રશ્નો પણ સર્જાયા હશે. આપને જે સંસ્થાએ મોક્લ્યા’તા, એ લોકોએ પણ પૂછ્યું હશે કે ફાધર, આપ અહીંયા ગુજરાતી ભાષા શીખવા આવ્યા છો એમાં ક્યાંક you are wasting your years. ઘણો બધો સમય આપનો waste કરી રહ્યા છો એવો પ્રશ્ન પણ આવ્યો હશે.
ફાધર વાલૅસ : બધાથી સારી વાત કરી, એકદમ સાચી વાત છે. હું અહીં આવ્યો ત્યારે મન ખુલ્લું રાખીને, ખુલ્લું રાખીને મારે કબૂલ કરવું પડે કારણ કે એ વખતનું વાતાવરણ પણ એવું હતું. મારો ધર્મ સાચો, બીજા બધા ખોટા. લોકોને સમજાવું ઘણું, તમે કહો છો કે મારું કામ એ મિશનરીનું કામ. એ બધું લઈને પેલું હતું. હવે મેં ધીરે ધીરે જોયું, એટલે તમે જે કહ્યું અને બહુ સાર્થક રીતે કહ્યું કે priestનું કામ ઓછું અને પછી આ સંસ્કાર-સંસ્કૃતિનું કામ વધારે. Priestનું કામ ઓછું એમ હું નથી કહેતો પણ priestનું ખરું કામ વધારે થાય કારણ કે priestનું ખરું કામ એ ધર્માંતર કરાવવાનું નહીં, એ લોકોને સારા બનાવવાના છે.
દેવાંગ ભટ્ટ : પણ ફાધર, આ જ વિચારના કારણે લોકોને આ વિચાર નહીં ગમ્યા હોય આપના.
ફાધર વાલૅસ : એવું બન્યું નથી, કોઈ જગ્યામાં, એવું બન્યું નથી. કદાચ, મને એક વાત કહેવા દો, મારી નથી, કાકાસાહેબની વાત છે. મારા વિશે વાતો કરતા એમણે શું કહ્યું હતું એ તમને કહું. બનતા સુધી બધું સ્પષ્ટ થઈ જશે, નહીં તો તમે પૂછતા રહેજો. બહુ જ સારી રીતે કરો છો તમે. એમની વાત મને આટલી બધી ગમી અને આ જાણે સ્પષ્ટ કરી દેશે. ટૂંકમાં કહું. કોઈ સંજોગોમાં અમે ભેગા થયા કરતા હતા, (ચહેરા પર છલકાતી પ્રસન્નતા સાથે ઉષ્માભેર બોલે છે.) કાકાસાહેબની સાથે મારે બહુ સંબંધ, હં, ખૂબ, પહેલેથી. અને એ ચુસ્ત હિન્દુ તરીકે અને હું ચુસ્ત નહીં પણ ખ્રિસ્તી તો ખરો (બન્ને થોડું હસે છે.) બીજી કાકાસાહેબની વાત, ફાધર વાલૅસ હિન્દુઓને ઇસુ ખ્રિસ્તને ચાહતા બનાવે છે, ખ્યાલ આવ્યો, એમાં મારું જીવન. એ કર્યું. પેલો કોઈનો પ્રચાર, આગળપાછળ કોઈનું સારુંખોટું, એવું નહીં. પણ તમે જેવા છો, ત્યાં છો, મારા સંપર્કમાં આવ્યા એટલે તમારું જીવન કંઈક ઊંચું આવે, બીજું શું પણ તમને વાંચ્યાનો આનંદ થાય. લોકો મને પૂછે છે લોકો તમારાં પુસ્તકો બહુ વાંચે છે, તમારે શું જોઈએ છે? હું કહું છું કે મારું પુસ્તક લખીને કંઈ નહીં તો એક કલાક કે એક દિવસ માટે એને જરા આનંદ થાય. એમાંથી કશું પમાય તો ઠીક છે. એને પુસ્તકોમાંથી કશું લેવાનું, શીખવાનું નહીં પરંતુ વાંચીને તમે ખુશ થઈ જાવ કલાક માટે તો સાર્થક થયું પુસ્તક.
દેવાંગ ભટ્ટ : અહીંયા રોકીશ again, again, again. લાગણીસભર વાતો, દિલ ખોલીને વાતો, અંતરંગ વાતો, છેલ્લાં તબક્કાની વાતો એક નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું કાર્યક્રમ ‘અતિથિ’માં. ફાધર, ઘણાં લોકો કહે છે મજાકમાં આપનું એક પુસ્તક લગ્નજીવન પર સરસ આવ્યું છે (ફાધર ખિલખિલાટ હસવા લાગે છે.) ફાધર કુંવારા પણ સલાહ બહુ સરસ આપી છે. કઈ રીતે આ બન્યું? How it’s possible?
ફાધર વાલૅસ : (હસતાં હસતાં) મેં લગ્ન તો કર્યા નથી.
દેવાંગ ભટ્ટ : એટલે જ ને.
ફાધર વાલૅસ : લોકો મને બહુ પૂછતા હતા. લગ્ન તો કર્યા નથી અને આટલું બધું … કારણ તો એ છે કે લગ્ન મેં કર્યા નથી એટલા માટે છોકરા-છોકરીઓ આવે મારી પાસે સલાહ પૂછવા માટે કે મારા ઘરમાં આમ થાય છે, મારા પતિ આમ છે, મારી પત્ની આમ છે, બધી વાતો તો આવ્યાં જ કરી છે અને મેં બોલવાનું, જાણવાનું, સલાહ આપવાની વાત આવે એટલે બધું આવી જાય છે. એક મજાનો પ્રસંગ તમને કહું. એક દિવસ એક યુવાન માણસ મારી પાસે આવે. “તમારું કહું છું પેલું લગ્ન વિશે ‘લગ્નસાગર’ (બે હાથ ફેલાવી વિશાળતા દર્શાવે છે.) સાગર છે. ‘લગ્નસાગર’ તમારું પુસ્તક એ હું બહુ જ વાંચું છું, એટલું જ નહીં પણ કાંઇક લગ્નના પ્રસંગે જઈએ ત્યારે ભેટ લઈને હું આપું છું.” માટે બહુ સુંદર, સુશોભિત આવૃત્તિ પણ કાઢી છે અમે તો. પછી કહ્યું … “હવે હું ફરીથી કોઈ તમારું પુસ્તક ભેટ આપવાનો નથી.” કેમ? કહે કે “હું તો એટલા માટે કે હું જ્યારે લાઈનમાં હતો ત્યાં વર-કન્યાની આગળ, મારા હાથમાં તમારું પુસ્તક લઈને, મારી આગળ બે-ત્રણ માણસો એ જ પુસ્તક લઈને ઊભાં હતાં. (બન્ને જોરથી હસી પડે છે.) એટલે હું ફરીથી લેવાનો નહીં.
દેવાંગ ભટ્ટ : અંતિમ સવાલ. છેલ્લાં પાંચ-છ સવાલ. જે આપની પાસે માર્ગદર્શક એકએક lineના જવાબ મને જોઈએ છે. (ફાધર ગંભીર બની તત્પરતા બતાવે છે.) કોઈ પણ યુવાનનો આદર્શ goal કયો હોવો જોઈએ? ધ્યેય કયો હોવો જોઈએ?
ફાધર વાલૅસ : (ઊંડો શ્વાસ છોડતાં માથું ધુણાવતા જાય છે.) મને દિલમાં લાગે છે એટલી વાત તમને કહી દઉં. તમને ખબર પણ નથી કે કેટલી અસર થઈ મારા ઉપર. લગભગ ગળગળો થઇ ગયો છું કારણ કે અમે નાના હતા, જુવાનો હતા, પેલી વાત, તમે કરી હતી તે જ. દિલમાં, મનમાં, કેટલી વાર, ગુજરાતીમાં પણ એ શબ્દ વાપર્યો છે — આદર્શ, ધ્યેય, લક્ષ્ય, goal. નાનપણથી જ, પહેલેથી જ અમને કહેતા હતા (ઊંડો શ્વાસ છોડે છે ને તીવ્ર નિસ્બતના ભાવથી સ્વરમાં મક્કમતા લાવીને, હાથ ઊંચો કરીને બોલે છે.) ક્યાં ય જવાનું હોય તો પસંદ કરવાનું છે કે ક્યાં જવાનું છે… એટલે એ ધ્યેય, એ લક્ષ્ય, એ goal પહેલું હોવું જોઈએ તમારા મનમાં, દિલમાં, અને પછી શું છે કે આમ હોય ત્યારે પછી ગમે તે પ્રયત્ન, ગમે તે સાધના કરવાની હોય તો ત્યાં જવાનું છે એટલે હું કરી દઈશ. પણ પેલું ના હોય તો (ગતાગમ ના પડતી હોય એવો અભિનય કરે છે.) ક્યાં જવાનું હોય, ખબર નહીં. એટલે કહું છું મને દિલ સ્પર્શે એ વાત તમે કરી કે (પાછી અવાજમાં મક્કમતા સાથે.) જીવનમાં એ નક્કી કરીએ તો પછી એ જ કરવાની … દુ:ખ તો એ છે તમે જોયું તે, મને જે સંસ્કારો મળ્યા એ હું નથી જોતો કે આજના યુવાનોને એ મળતા હોય. તેમને પૂછું તમારું ધ્યેય શું જીવનમાં. ધ્યેય? (માથું ખંજવાળીને વિચારવાનો અભિનય કરતા.) કહે અહીંયા છું, પાસ કરવાનો છું, પછી નોકરી લાગીશું, છોકરી લાઈશું, કોઈ નક્કી નથી. એટલે એક goal નથી તમે કહ્યું એમ. એક ધ્યેય નથી, એક લક્ષ્ય નથી. ઉપર જવાની નેમ નથી એટલે પછી એવું થાય છે. માટે દિલથી, મારા જીવનથી, અનુભવથી તમે કહ્યું કંઈ કરવાનું હોય તો જીવનમાં એ જાતનું ધ્યેય, એ જાતનું લક્ષ્ય. જીવન તો નાનું છે, જીવીને શું કરવું છે મારે? કોઈ વખત પૂછે છે તમે મરી જાવ પછી લોકો તમારા વિશે શું કહે એ તમારી એક જ ઈચ્છા છે. લોકો તમારી … તમને યાદ રાખે તો શા માટે યાદ રાખે? એવું કાંઇક મનમાં બેસાડો તે તમે તો જુઓ. એ જ સૌથી અગત્યનું છે આ જુવાન લોકોના માથે.
દેવાંગ ભટ્ટ : ફાધર, આપના મત મુજબ દુનિયામાં મોટામાં મોટું પાપ કયું?
ફાધર વાલૅસ : (ઊંડો શ્વાસ ખેંચે છે.) પાપની વાત કરવાનું હવે તો મેં બહુ ટાળ્યું છે. પરન્તું જે મોટી … એના કરતાં તમને બીજી એક વાત … એક બીજો શબ્દ વાપરવા દો … જો એની વાત નથી, આટઆટલા પ્રશ્નો પૂછ્યા પણ એક પણ વાત મારા મનમાં નાની નથી. યુરોપમાં પાપ, પાપ, પાપ, બધે ચાલે છે. I am a sinner, sinner, sinner. એ બધું એ ઉપરથી મળ્યું છે. આપણી ભાષામાં પાપ શબ્દ છે પણ સંસ્કારમાં, પ્રાર્થનામાં પાપ નથી અને બીજો શબ્દ વાપરીએ છીએ અને એ વધારે મજાનો છે. આપણી ભૂલ.
દેવાંગ ભટ્ટ : જી. કઈ મોટામાં મોટી ભૂલ આપને લાગે છે જે નહીં કરવી જોઈએ? જી.
ફાધર વાલૅસ : ભૂલ, ભૂલ. એ આખું વાતાવરણ બદલાય. હા ભઈ, (બે હાથ જોડી પ્રાર્થના કરવાનો અભિનય કરતા.) હે ભગવાન … ભૂલ એટલે માણસ માત્ર ભૂલને પાત્ર.
દેવાંગ ભટ્ટ : Fine, fine. Father, last question, last question. આ programme અંતરંગ વાતો કરવા માટે જાણીતો છે. અનેકો લોકોએ પોતાના દિલની વાત, દિલ ખોલીને આ કાર્યક્રમમાં કરી છે. અંતિમ સવાલ. કોઈ એવું confession કરવા માગો છો આજે? On screen? જે કદાચ આજ સુધી કોઈને કીધું ના હોય.
ફાધર વાલૅસ : (ખૂબ એકાગ્રતાથી સાંભળીને. ખૂબ ગંભીર મુખમુદ્રા સાથે વાત કરે છે.) એની વાત … હું તો … મારું મન એકદમ ખુલ્લું છે, ખુલ્લું છે. દરેક રીતે, દરેક બાબતમાં. સ્પષ્ટતા અને ખાસ કરીને પારદર્શક્તા એ મારો ખૂબ વહાલો ગુણ છે એ જોઈએ છીએ. કોઈ સંતાડવું, કોઈક … કોઈ ના જાણે એવું કહેવાનું, એ મારા વાતમાં, હું વિચાર કર્યા જ કરું છું અત્યારે. તમને ખરી વાત કહું અને એ સાચો જવાબ છે. મારા જીવનમાં બતાવ્યું એ છે પણ એનું એક મુખ્ય કારણ કે મારા જીવનમાં મિત્રતા બહુ વહાલી અને ઉત્તમ અને જરૂરી વસ્તુ છે. અને એ મિત્રોની સાથે, મિત્રતા એટલે શું? તમે કહ્યું તેમ કે હું કોઈ વાત સંતાડતો નથી. ગમે તે થયું હોય. ગમે છે, ગમતું નથી. યોગ્ય કર્યું છે કે ખોટું કર્યું છે. એ બધાં મિત્રોની સાથે cool, દિલ ખુલ્લું મુકીને. ગમે તે … જો એમણે આ ભૂલ કરી તો આ થયું. કહું છું. જરા મેં ખોટું કર્યું તો સંતાડીને કર્યું હોય એવું મને યાદ નથી. એટલે મનમાં વિચાર કરી કરીને બીજી રીતે તમે કહો તો ના થયું હોય તો સારું એવો વિચાર કરાવીશું તો સાચું કહું મને એવું જડતું નથી. મારું સિદ્ધાંત તો આ છે જીવવા માટે. અને આને માટે હું ધર્મ કે ભગવાન કે ઈશ્વર ઇચ્છા એ વચ્ચે લાવતો નથી હં, જેથી બધાંને માટે ખુલ્લું છે. જીવન મને લઈ જાય ત્યાં જઈશ. ઉપર, નીચે, દૂર, નજીક, ક્યાં છે મને ખબર નથી પણ મારી તૈયારી છે જ. અને આજ સુધી હું જોઉં તો પણ એવું થયું. મને પૂછ્યું હોત કે તમે ભારત શા માટે આવ્યા? મને મોક્લ્યો એટલા માટે. તમે ગણિત શા માટે લીધું? મને ત્યાં મોક્લ્યો એટલા માટે. હું અમદાવાદમાં આવ્યો, મને સૂઝ્યું એટલે જે થયા. જે થાય છે અંદરથી એ તૈયાર રહેવાનું. કોઈ દબાવવાનું નહીં. કહેવાય નહીં પણ નજરે જોઈને જીવન મને લઈ જાય છે તો લઈ જવા દેવાનો. એ મારો મોટો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ઉપરથી હું અહીંયા સુધી લાવ્યો છે. જીવન મને અહીંયા સુધી, ટી.વી. સુધી, તમારા સુધી લઈ આવ્યો છે.
દેવાંગ ભટ્ટ : (હાથ મિલાવતાં.) Father, thank you very much, thanks a lot.
દર્શક મિત્રો, એક પ્રેરક વ્યક્તિ,એક જીવન, એક ખરેખર કહી શકાય કે પથદર્શક બને છે. ફાધર વાલૅસની લખેલી વાતો, એમનાથી બોલાયેલી વાતો અથવા એમના વિશે સાંભળેલી વાતો જે કદાચ એમણે કીધું કે જીવનમાં પારદર્શક્તા, કદાચ આ જ, આ જ, આ જ ગુણ એમને આટલા સ્વસ્થ અને આજની તારીખમાં પણ ક્યાંક આપણને ઇર્ષા થાય તે પ્રકારનું સ્મિત, તે પ્રકારનું સ્વાસ્થ્ય અને આશા રાખીએ પ્રભુ પાસે હજુ પણ અનેકો વર્ષો સુધી ફાધર આપણી વચ્ચે રહે, સ્વસ્થ રહે અને ફરી વાર ચોક્કસપણે સમય મળશે ત્યારે ઘણી બધી વાતો એમની સાથે કરીશું. પરંતુ અહીંયા સમય થયો છે આપથી વિદાય લેવાનો. ફરી મળીશું next episodeમાં નવા ‘અતિથિ’ સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, Thnk you very much. Thanks a lot, again.
ફાધર વાલૅસ : (હાથ જોડીને.) નમસ્તે.
ફાધર વાલૅસને અર્પેલી શ્રદ્ધાંજલિમાં ગુજરાતના આર્ચબિશપ ટોમસ મૅકવાનના શબ્દો (https://youtu.be/34go0_178ZU)
સ્રોત: Devang Bhatt youtube channel
https://www.youtube.com/watch?v=QmVFmO5A3lc