એકવાર મેઘાણી વાપી આવેલા અને બેએક દિવસ રોકાયેલા એવો પુરાવો સ્વામી આનંદના પુસ્તક ‘ધરતીની આરતી’માંથી મળે છે. હું તો એ પુરાવો જોઈને ચમકી જ ગયો. અને ચમકી શું ગયો, મેઘાણી ક્યાં રોકાયેલા અને તેમણે ક્યાં સભા કરેલી એના પુરાવા મેળવવાની માથકૂટમાં પણ જોતરાઈ ગયો છું. આખરે મેઘાણી મારા શહેરમાં આવી ગયા હોય અને તેમણે અહીં ફરી કોકવાર પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હોય એવો આ પ્રદેશ તેમને ગમી ગયો હોય તો એ તો મારે મન મોટી જ વાત!
તો વાત એમ હતી કે મેઘાણી કોઈક કામે મુંબઈ જવાના હતા અને વળતા તેઓ વાપી ઉતરવાના હતા અને વાપીમાં એકાદ-બે દિવસ સ્વામી આનંદ તેમ જ છોટુભાઈ દેસાઈ (મહાદેવથી મોટેરા) સાથે રોકાવાના હતા એવું પહેલેથી નક્કી હતું. જો કે મેઘાણીને આ વખતે એવી ઈચ્છા હતી કે તેઓ વાપીમાં માત્ર આરામ કરશે અને સ્વામી સાથે સમય ગાળશે. એટલે તેમણે સ્વામી આનંદને કાગળમાં કહી રાખેલું કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કે મેળાવડા જેવું નહીં રાખે.
નક્કી થયેલા સમય અને તારીખ મુજબ મેઘાણી તો વાપી ઉતરી પડ્યા અને સ્ટેશનથી ઉતારે જવાના આખે રસ્તે મેઘાણી, સ્વામી આનંદ અને છોટુભાઈ એમ ત્રણ જ જણાં એટલે મેઘાણી તો ખુશખુશ કે વાહ, આ તો મજાનો આરામ મળી જશે વાપીમાં ! પણ ક્યાંથી ઉતારે પહોંચીને જમીને પરવારે ત્યાં તો વાપીના શુક્લા માસ્તરની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ આવી પહોંચેલું અને તેમણે મેઘાણીને આજીજી કરી કે તમે દક્ષિણ ગુજરાત સુધી આવ્યા છો તો ભલે કશું ગાઓ કે સંભળાવો નહીં, પણ તમે મેદનીને જરા સરીખા દર્શન તો આપો જ.
એ વાતો ચાલતી હતી ત્યાં છોટુભાઈએ ટાપસી પુરાવી કે મેઘાણીજી વાપીના લોકને માત્ર દર્શન આપવા એ તો પ્રૂફ રીડિંગમાં નજરે ચઢતી ‘વીડો લાઈન’ જેવું છે. એટલે સાથે જો તમે લાડકવાયો ગાઓ તો તમારા દર્શન ‘સૌભાગ્યવતી’ પણ બનશે ! જો કે આ સંવાદ કંઈ શિષ્ટ ગુજરાતીમાં નહોતો થયો. છોટુભાઈ અસ્સલ અનાવલીમાં આ બધુ બોલેલા, જેને કારણે મેઘાણી પણ રાજી થયેલા.
બીજી તરફ સાક્ષાત મેઘાણી સભામાં આવવાના છે એવા સામાચાર વાયુવેગે પ્રસરેલા. અને એ સમાચાર ફેલાવવામાં છોટુભાઈનો જ હાથ હતો, કે મેઘાણી અહીં સુધી આવે તે કંઈ એમ જ થોડા જવા દેવાય ! એટલે વાપી શું, આજુબાજુના અનેક ગામોમાંથી બધુ લોક આવી ચઢેલું. સ્વામી આનંદે એ ભીડ માટે શબ્દ વાપરેલો કે, ‘મનખો માય નહીં. માય તેથી બમણું લોક બહાર.’ પણ એ તમામ લોકને સમજાવી દેવાયેલું કે મેઘાણી માત્ર દર્શન આપવા આવશે અને લાડકવાયો ગાશે. એટલે મેદની તૈયાર હતી કે મેઘાણીને ઝાઝા પરેશાન નહીં કરવા. બસ, મેઘાણી જોવા મળે તો યે ઘણું. (કેવી લોકપ્રિયતા હતી એમની!) પરંતુ પછી તો લોકોને અને તેમના ઉત્સાહને જોઈને મેઘાણીને એવું શૂર ચડેલું કે તેમણે પૂરા દોઢ કલાક સુધી તેમના બૂલંદ સ્વરે ગાયેલું!
જો કે કિસ્સો અહીં જ નથી અટકતો. આપણા આ છોટુભાઈ એટલે મહાદેવ દેસાઈના મોટા પિતરાઈ, આમ ભલે ખેપાની અનાવિલ હતા અને રેલવેની પોતાની નોકરી દરમિયાન ભલભલાને ભૂ પીવડાવી આવેલા. પણ આમ પાછા અભ્યાસુ. એટલે તેમણે મેઘાણીની કવિતાઓ અને ખાસ તો ‘માણસાઈના દીવા’ વાંચેલી. એટલું જ નહીં, મેઘાણીએ રવિશંકર મહારાજ સાથે મહિકાંઠાના વિસ્તારોમાં ફરીને, ફિલ્ડ વર્ક કરીને ‘માણસાઈના દીવા’ લખેલી એની પણ તેમને પાકી જાણકારી.
એટલે છોટુભાઈએ મેઘાણીને રુક્ષતાભરી અનાવલી વિનંતી કરેલી, કે તમે ગીતો – વાતો એકઠી કરવા બહુ જગ્યાએ જતા છો તે અમારી જંગલપટ્ટીમાં હો આવોની … આ તરફ થાણા, ફરંગા (દમણ – સેલવાસ) ને વાસંદા-ધરમપુરની રાનીપરજમાં મારી હાથે ફરો … તો એ લોકોનાં ગીત હો તમુને ગાંસડે – પોટલે બંધાવું.’
આટલું જ નહીં. આ તો માત્ર લોકગીતોની વાત થઈ. વાર્તાઓ બાબતે પણ છોટુભાઈએ મેઘાણીને લલચાવેલા કે, ‘માણસાઈની મશાલો ભલે તમે ગુજરાતમાં જોઈ, પણ આ દખ્ખણના ગુજરાતમાં આવો-ફરો તો મશાલ નહીં તોયે કિટસન – કોડિયાં તો અલબત્ત દેખડાવું. તેમાં ફેર ની મલે. કરી જૂઓ અખતરો એકવાર જોઈએ તો!’
… ને છોટુભાઈની વાત સાંભળીને મોઘાણી એવા તે પ્રભાવિત થયા કે વાપીથી પાછા ઘરે ફર્યા ત્યારે તેમણે એકાદ મહિનામાં જ છોટુભાઈ દેસાઈ સાથે દક્ષિણ ગુજરાતના પ્રદેશો ફરવાનો કાર્યક્રમ ઘડી નાંખ્યો અને તારીખ વાર સહિત બધુ લખી મોકલ્યું.
પણ પણ પણ … મેઘાણી દક્ષિણ ગુજરાતને વ્યવસ્થિત જોવા રખડવા અને ત્યાંથી ગીતો- વાર્તાઓ લઈને આખા ય ગુજરાતને પહોંચાડવા તેમના ઘરેથી નીકળે ત્યાં તો આગલા દિવસે તેમનું હ્રદયરોગના હુમલાથી બોટાદમાં તેમનું અવસાન થયું અને એક આખો પ્રદેશ મેઘાણીના વહાલથી વંચિત રહી ગયો. નહીંતર ગુજરાતે અમારી કાળીપરજ, રાનીપરજ, અહીંના કોળી, અહીંના માછી, અહીંના અનાવિલો, અહીંના આદિવાસી અને અહીંના કોણ જાણે કેટલાયનાં લોકગીતો, અહીંની સંસ્કૃતિ અને અહીંના લોકોની ખુમારીની વાતો સાહિત્યરૂપે વાંચ્યા હોત! અને એ બધી ય વાતો ગુજરાતની અમૂલ્ય લોકસંસ્કૃતિ તરીકે મેઘાણીના હસ્તાક્ષર સાથે સંગ્રહિત થઈ જાત …
કાશ મેઘાણીને છોટુભાઈ થોડા વહેલા મળ્યા હોત … કાશ મેઘાણી વધુ વર્ષો જીવી ગયા હોત … કાશ નર્મદ- મુનશીના આ પ્રદેશને મેઘાણીએ પણ પંપાળ્યો હોત …
સૌજન્ય : અંકિતભાઈ દેસાઈના ફેઇસબૂક દીવાલેથી સાદર