વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં એ મતલબની ટકોર કરી હતી કે સમૂહ લગ્ન બાદ ઘરે માંડવો બાંધી નાત ના જમાડતા. જો રૂપિયા ઉછળતા હોય તો સારા કામમાં વાપરજો. ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નોમાં જે પ્રકારે સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિનું વરવું પ્રદર્શન થાય છે તેનાથી હવે તો સૌ કોઈ વાકેફ છે. થોડા કલાકો કે એકાદ દિવસની વાહવાહી લૂંટવા જે પ્રકારે લગ્નોમાં ધૂમ ખર્ચા થાય છે તે હાલની લગ્નસરામાં પણ જોવા મળશે.
ભારતમાં વરસે દહાડે ૧.૨ કરોડ લગ્નો થાય છે. ૨૦૧૭થી ૨૦૨૧માં લગભગ ૬ કરોડ લગ્નો થયા હતા. અમેરિકાનું લગ્ન બજાર ૭૦ અબજ ડોલરનું છે અને ભારતનું ૩.૭૧ લાખ કરોડનું છે. દર વરસે તેમાં સરેરાશ પચીસ ટકાના દરે વૃદ્ધિ થાય છે. ભારતમાં એક લગ્ન દીઠ સરેરાશ લગ્ન ખર્ચ ૫ લાખથી ૫ કરોડનો અંદાજવામાં આવે છે. બે વ્યક્તિ વચ્ચેનું મિલન એવો લગ્ન પ્રસંગ અંગત નહીં પણ પારિવારિક અને સામાજિક અવસર ગણાય છે. તેના માટે મહિનાઓથી તૈયારીઓ ચાલે છે અને આખી જિંદગીની બચત ખર્ચી નાંખવામાં આવે છે. જેની પાસે આર્થિક સવલત નથી તે દેવું કરીને પણ આ પ્રસંગને ભપકાદાર બનાવે છે.
લગ્ન ટાણે સોનુ, કપડાં, જમણવાર, ફટાકડા, વાહનો, દહેજ અને સજાવટ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જ્વેલરી માર્કેટમાં ૭૦ ટકા સોનાની ખરીદી લગ્નો માટે થાય છે. લગ્ન દીઠ ૩૦થી ૪૦ ગ્રામના હિસાબે વરસે એક કરોડ લગ્નોમાં ૩૦૦થી ૪૦૦ ટન સોનાનું જ વેચાણ થાય છે. હવે લગ્ન ખર્ચમાં અવનવા ઉમેરા થયા કરે છે. પારંપરિક લગ્નોનું સ્વરૂપ બદલાઈને કોર્પોરેટ લગ્નોનું બની ગયું છે. લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે. ધનાઢ્યોના ડેસ્ટિનેશન વેડિંગ સાથે મધ્યમવર્ગમાં પ્રી.વેડિંગ શૂટનું ચલણ વધ્યું છે.
કેટલાક અતિ ખર્ચાળ લગ્નોની ચર્ચા અને થોડીઘણી ટીકા માધ્યમોમાં દિવસો સુધી થાય છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં દીકરી ઈશા અંબાણીના ઉદ્યોગપતિ પરિવારના પુત્ર આનંદ પિરામલ સાથેના લગ્ન એટલા તો ભવ્ય હતા કે તેમાં ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ઉત્તરા ખંડના એક વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રોના લગ્નમાં ૨૦૦ હેલિકોપ્ટર, રૂ. ૫ કરોડનાં વિદેશી ફૂલ વપરાયાં હતા અને લગ્ન પછી ૨૭૫ ક્વિન્ટલ કચરો ઉત્પન્ન થયો હતો ! આ લગ્નનો ખર્ચ રૂ. ૨૦૦ કરોડનો હતો. ક્રિકેટર વિરાટ કોહલીના ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લગ્ન ઈટલીમાં યોજાયા હતા. અનુષ્કા માટેની રૂ. એક કરોડની વીંટી સાથે આ લગ્નનો ખર્ચ રૂ. ૧૦૦ કરોડનો થયાનો અંદાજ છે. ફિલ્મ અભિનેતા રણવીર સિહ અને અભિનેત્રી દીપિકા પદુકોણના લગ્નમાં રૂ. ૯૫ કરોડ વપરાયા હતા.
એવી દલીલ થાય છે કે જેમની પાસે નાણાં છે તે પોતાના આનંદ કે શોખ માટે લગ્નોમાં ખર્ચા કરે તેમાં ખોટું શું છે ? આ દલીલ કરનાર તેની અસર અન્યો પર પડે છે તે હકીકત નજરઅંદાજ કરે છે. લગ્નના વ્યર્થ ખર્ચને કન્યાના માતાપિતાની દૃષ્ટિએ જોવાની જરૂર છે. પિતૃસત્તાક દેશમાં પુત્રીના જન્મ સાથે જ એના લગ્નના ખર્ચની ચિંતા થાય છે. એક કરતાં વધુ દીકરીનાં માવતરને તો આખી જિંદગી આ ચિંતા સતાવતી રહે છે. એક સર્વેનું તારણ એવું પણ હતું કે જે કન્યાના લગ્નમાં વરપક્ષને ઓછો ખર્ચ થયેલો લાગ્યો હોય છે તે કન્યાને સાસરીમાં કાયમ મહેણાં-ટોણાં સાંભળવા પડે છે અને ક્યારેક વાત વણસીને છૂટાછેડા સુધી પહોંચે છે. મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબો પણ ભવ્ય લગ્નોને કારણે લઘુતા ગ્રંથિ અનુભવે છે.
જવાહરલાલ નહેરુએ એમની આત્મકથા ‘મારી જીવનકથા’માં લખ્યું છે કે, “હિંદુસ્તાનમાં ગરીબ કે અમીર સૌનાં લગ્નોમાં કેવળ દમામ અને દેખાવમાં પૈસાનું પાણી થાય છે એવી ટીકા બહુ થઈ છે અને એ ટીકા સાચી પણ છે. પૈસાનું પાણી થાય છે એ તો બાજુએ રહ્યું, પણ જેમાં કળા કે સૌંદર્યનું નામ પણ ન હોય એવા અશિષ્ટ તમાશા જોઈને તો દુ:ખ જ થાય છે. આ બધા માટે ખરા ગુનેગાર લોકો મધ્યમવર્ગના છે. ગરીબ લોકો પણ કરજના બોજા વહોરીને ઉડાઉ થઈ શકે છે.” (પૃષ્ઠ-૧૦) આઝાદી પૂર્વે લખાયેલી આ આત્મકથામાં લગ્નો પાછળના દેખાડાના ખર્ચની જે ટીકા અને ચિંતા છે તે આજે આઝાદીના અમૃત પર્વે પણ કરવી પડે છે.
લગ્નો પાછળ પાણીની જેમ વપરાતા પૈસા અંગે સમાજમાં જાગ્રતિ પણ આવી રહી છે. કેટલાક જ્ઞાતિ અને ધર્મ સમૂહોએ તેના પર પ્રતિબંધો મૂકવાના પ્રયાસો કર્યા છે. સામાજિક જાગ્રતિ સાથે સરકારી લગામ પણ જરૂરી છે. ૨૦૧૭માં બિહારના કાઁગ્રેસ સાંસદ રંજીત રંજને લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. ધ મેરેજ (કમ્પલસરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રિવેન્શન ઓફ વેસ્ટફૂલ એક્સપેન્ડિચર ) બિલ, ૨૦૧૬માં મહેમાનોની સંખ્યાથી માંડીને ઘણા ખર્ચા પર મર્યાદા મૂકવાની, પાંચ લાખથી વધારે ખર્ચ પર દસ ટકા ટેક્સ લેવાની જોગવાઈ હતી. આ બિનસરકારી વિધેયક હોઈ સ્વાભાવિક જ તે પસાર થઈ શક્યું નથી. પરંતુ આ પ્રકારના કોઈ સરકારી અંકુશની જરૂરિયાત છે.
નેતાઓ અને અભિનેતાઓએ સાદાઈથી લગ્નોનો દાખલો પૂરો પાડવાની પણ જરૂર છે. દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલે એમના સચિવ વી.પી. મેનનને તેમનાં દીકરીના લગ્નનો સમારંભ દિલ્હીમાં નહીં યોજવાની ફરજ પાડી હતી. ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાનના તેમના કાર્યકાળ દરમિયાન જ બંને સંતાનોના લગ્નો સાદાઈથી કર્યા હતા. જો કે ખુદ તેમના પક્ષના ગઈકાલના અને આજના નેતાઓ તેનું અનુકરણ કરતા નથી. સંતાનહીન લોકનાયક જયપ્રકાશ નારાયણનાં પત્ની પ્રભાવતી દેવી જેમને પુત્રવત માનતા હતા તેવા એક કૌટુંબિક યુવાનનું લગ્ન ભારે ધામધૂમ સાથે બનારસમાં યોજાયું અને તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક રાજનેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. તેથી જયપ્રકાશે ‘અંતે મેં ભી મિટ્ટી કા બના હુઆ નાચીઝ ઈન્સાન હું” એવા ખુલાસા સાથે દેશજનતાની ક્ષમા માંગતું અખબારી નિવેદન કર્યું હતું. આ સ્થિતિમાં આ પ્રશ્ન સહેલાઈથી ઉકલવાનો નથી.
e.mail : maheriyachandu@gmail.com