ચીનમાં કોરોના વાઇરસના નવા વેરિયંટને લઈને ફરીથી દહેશત ઊભી થઇ છે. એવું કહેવાય છે કે અર્થતંત્રને બચાવવા માટે ચીને તેનાં કોવિડ-નિયંત્રણો ઉઠાવી લીધાં હતાં તે પછી ડિસેમ્બર મહિનામાં અચાનક વાઇરસનો ચેપ ફેલાવા લાગ્યો હોવાના અને દરદીઓથી હોસ્પિટલો ઉભરાઈ હોવાના અહેવાલો છે. પશ્ચિમના એક સમાચારપત્રએ તેના પહેલાં પાને આ સમાચાર ફ્લેશ કરીને ઉપર મથાળું બાંધ્યું હતું; ચાઈના ઇન અ કેચ-ટ્વેંટી ટૂ (Catch -22). અર્થાત, લોકોને બચાવવા માટે ફરીથી નિયંત્રણો લાદીને અર્થતંત્રને નુકશાન થવા દેવું કે અર્થતંત્રને ધબકતું રાખીને લોકોને જોખમમાં નાખવા તેને લઈને ચીન અસમંજસની સ્થિતિમાં છે.
આપણો વિષય ચીન કે કોરોના વાઇરસ નથી. આપણે વાત કરવી છે ‘કેચ-ટ્વેંટી ટુ’ શબ્દની. અંગ્રેજી સમાચારપત્રોમાં આ અત્યંત જાણીતો રૂઢિપ્રયોગ છે. કેચ-ટ્વેંટી ટુ એટલે એવી પરિસ્થિતિ જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય. ગુજરાતી ભાષામાં તેના માટે ‘સાપે છછુંદર ગળ્યું’ એવી કહેવત છે. છછુંદર ઉંદર જેવું જ હોય અને સાપ ભ્રમિત થઇને તેને પકડી લે, પણ એ તેને ગળવાની કોશિશ કરે ત્યારે ભાન થાય કે આ ઉંદર નથી. સાપમાં માત્ર ગળી જવાની જ આવડત હોય છે, કશું બહાર કાઢવાની નહીં. હવે એ છછુંદરને ગળી પણ ન શકે અને બહાર કાઢી પણ ન શકે. આને કેચ-ટ્વેંટી ટુ સ્થિતિ કહે છે. તેના માટે બીજો પણ એક રૂઢિપ્રયોગ છે; ઊલમાંથી ચૂલમાં પડવું – એક દુઃખમાંથી છૂટીને બીજા દુઃખમાં પડવું. હિન્દીમાં તેના માટે ‘આકાશ સે ગિરા, ખજૂર મેં અટકા’ કહેવત છે.
પરસ્પર વિરોધી નિયમો અથવા પરિસ્થિતિ હોય તેને કેચ-ટ્વેંટી ટુ કહે છે. ‘શોલે’ ફિલ્મવાળા રમેશ સિપ્પીએ જ્યારે બાપ-દીકરા વચ્ચેની અંટસ પર ‘શક્તિ’ ફિલ્મ બનાવી ત્યારે તેમને આ કેચ-ટ્વેંટી ટુ રૂઢિપ્રયોગની ખબર હતી કે નહીં એ તો ખબર નથી, પરંતુ એક મહત્ત્વના દૃશ્યમાં તેમણે તે ભાવનાનો બખૂબી પ્રયોગ કર્યો હતો.
તમને વાર્તા ખબર જ હશે. ફિલ્મમાં આદર્શવાદી પિતા અશ્વિનીકુમારનું ઘર છોડી ગયેલો બેરોજગાર પુત્ર વિજય, બચપણમાં ગેંગસ્ટર જે.કે. વર્મા(અમરીશ પૂરી)ના અડ્ડા પર તેના તારણહાર બનેલા બિઝનેસમેન કે.ડી. નારંગ(કુલભૂષણ ખરબંદા)ની હોટેલમાં, આસિસ્ટન્ટ મેનેજરની નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા જાય છે. એ ઇન્ટરવ્યૂમાં જનરલ મેનેજર વિજયને એવું કહીને રીજેક્ટ કરે છે કે તારી પાસે કામનો અનુભવ નથી. એ વખતે વિજય તેના ઘેરા અને નારાજ અવાજમાં કહે છે, “મેનેજર સા’બ, અગર મેં નોકરી નહીં કરુંગા તો અનુભવ કૈસે મિલેગા? ઇસ લિહાઝ સે તો મેં કહી નોકરી કર હી નહીં શકતા.” તે દરમિયાન પાછળથી નારંગ પસાર થાય છે, અને વિજયના અવાજમાં તેવરને પારખીને જોઇને તેને હોટેલમાં નોકરી આપી દે છે.
નોકરીઓમાં આ કાયમની દુવિધા હોય છે; નોકરી પહેલાં આવે કે અનુભવ? નોકરી ન મળે તો અનુભવ ન મળે અને અનુભવ મળે તો નોકરી ન મળે. મજાની વાત એ છે કે ‘શક્તિ’ ફિલ્મ આવી (1982) તેના પાંચ વર્ષ પછી, હોલિવૂડમાં ‘ધ સિક્રેટ ઓફ માય સકસેસ’ નામની વ્યંગ ફિલ્મ આવી હતી. એ ફિલ્મમાં પણ અદ્દલ ‘શક્તિ’ જેવું જ દૃશ્ય હતું. તેમાં ફિલ્મનો હીરો બ્રેન્ટલી ફોસ્ટર (માઈકલ જે. ફોક્સ) કાન્સાસમાં એમ.બી.એ. કર્યા પછી ન્યૂયોર્કમાં નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે. ત્યાં એચ.આર. મેનેજર અને ફોસ્ટર વચ્ચે આ પ્રમાણે સંવાદ થાય છે;
મેનેજર : આઈ એમ સોરી, મિસ્ટર …?
બ્રેન્ટલી : ફોસ્ટર.
મેનેજર : આઈ એમ સોરી, મિસ્ટર ફોસ્ટર. અમારે અનુભવી વ્યક્તિની જરૂર છે.
બ્રેન્ટલી : પણ મને અનુભવ આપે તેવી નોકરી જ ન મળે તો અનુભવ કેવી રીતે મળે?
મેનેજર : અમે જો તને અનુભવ મળે તે માટે નોકરી આપીએ, તો તું અનુભવ મેળવીને બીજે ક્યાંક સારી નોકરી લઇ લઈશ અને એ અનુભવનો લાભ બીજાને મળશે.
બ્રેન્ટલી : ખરું, પણ મને આ પ્રકારના કામની કોલેજમાં ટ્રેનિંગ મળેલી છે, એટલે એ અર્થમાં મને અનુભવ છે એવું કહેવાય.
મેનેજર : તને જે અનુભવ મળ્યો છે તે કોલેજનો છે, અમે જે પ્રકારના વ્યવહારિક અનુભવને ઇચ્છીએ છીએ તે નહીં. તું જો અમારી સ્કૂલના ટ્રેનિંગ-પ્રોગ્રામમાં જોડાયો હોત તો તને આ નોકરી માટે અમે ગણ્યો હોત.
બ્રેન્ટલી : તો પછી હું ઝખ મારવા ગયો હતો?
મેનેજર : (હસીને) ત્યાં મોજ-મસ્તી કરી કે નહીં?
(એક આડ વાત : હિન્દી ફિલ્મમાં કોઈ દૃશ્ય કે સંવાદ આવી ગયો હોય તે પછી હોલિવૂડની કોઈ ફિલ્મમાં તે અદ્દલ આવે એવો આ કદાચ પહેલો કિસ્સો છે. બાકી, આપણે ત્યાં તો હોલિવૂડમાંથી જ બેઠ્ઠી ઉઠાંતરી થતી હોય છે)
આને કેચ-ટ્વેંટી ટુ પરિસ્થિતિ કહેવાય. વાસ્તવમાં, આ રૂઢિપ્રયોગ જોસેફ હેલર નામના અમેરિકન નવલકથાકાર અને નાટ્યકારની ‘કેચ-ટ્વેંટી ટુ’ નામની વ્યંગ નવલકથા પરથી આવ્યો છે. એ નવલકથા 1961માં પ્રકાશિત થઇ હતી. બીજા વિશ્વયુદ્ધની તબાહી જોઈ ચુકેલા હેલરે યુદ્ધના વિરોધમાં આ નવલકથા લખી હતી. તેમાં તેણે નોકરશાહી પર વ્યંગ કર્યો હતો.
એ વાર્તા, યોસેરિયન નામના એક ઇટાલિયન બોમ્બર વિશે છે. એ ગુસ્સામાં છે, હતાશામાં છે કારણ કે તેને એવા લોકોને મારવા માટેના મિશનમાં જોડવામાં આવે છે જેને તે ક્યારે ય મળ્યો નથી. યોસેરિયન તેના સાથી સૈનિકોને અમેરિકા માટે લડવાનો ઇન્કાર કરવા માટે ઉશ્કેરે છે. એમાં, અમેરિકન હવાઈ દળનો ડોક ડાનીકા નામનો સાઇકિયાટ્રિસ્ટ, ઓર્ર નામના ફાઈટર પાયલોટને એક નિયમ સમજાવે છે; કોઈ પાઈલટે મિશન પર જવાનો ઇન્કાર કરવો હોય, તો તે તેને માનસિક ગાંડપણ છે એવી એપ્લીકેશન આપીને રજા માગી શકે, પણ એમાં એક ‘કેચ’ છે – તે મિશનમાંથી રજા માંગતી એપ્લીકેશન કરવા એ સક્ષમ છે એ હકીકત જ પુરવાર કરે છે કે એ ગાંડો નથી, એટલે તેને રજા નહીં મળે અને મિશન પર મોકલવામાં આવશે.
હેલર લખે છે, “ઓર્ર સામેથી ચાલીને મોતના મિશન પર જાય તો ગાંડો કહેવાય. એ જો મિશન પર ન જાય તો ડાહ્યો ગણાય, પણ એ જો ડાહ્યો સાબિત થાય તો તેણે મિશનમાં જવું પડે. યોસેરિયન કેચ-ટ્વેંટી ટુના આવા એકદમ સરળ નિયમથી દૃવી ઊઠ્યો અને તેના મોઢામાંથી એક વ્હીસલ નીકળી ગઈ.”
પૂરી નવલકથામાં ઠેકઠેકાણે આવી વિરોધાભાસી સ્થિતિ આવે છે. હેલરે મિલીટરીની વ્યવસ્થા કેવી ગાંડી છે અને કેવી રીતે સૌથી જુનિયર જવાનોના અહિતમાં હોય છે તે સાબિત કરવા માટે આ રૂઢિપ્રયોગ કર્યો હતો, જે પછીથી આખી દુનિયામાં પ્રચલિત થઇ ગયો હતો.
એમાં 22 નંબરનો કોઈ તર્ક ન હતો. હેલેરે એમ જ એ સિલેક્ટ કર્યો હતો. અત્યાર સુધીમાં ‘કેચ-ટ્વેંટી ટુ’ નવલકથાની ૧ કરોડ નકલો વેચાઈ છે. ૧૯૯૩માં ઓક્ષફર્ડ ડિક્ષનરીમાં ‘કેચ-ટ્વેંટી ટુ’ શબ્દ સામેલ કરવામાં આવ્યો હતો.
પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 01 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર