સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ-૨
સત્તાનાં ત્રણેય સ્વરૂપો – એટલે કે સખત સત્તા, કાર્યસૂચક સત્તા અને વર્ચસ્વલક્ષી સત્તા – ની જાળવણીમાં લાલચ અને સજાના સ્વરૂપે પ્રેરક તત્ત્વો હોય છે. સ્પષ્ટ છે કે, સખત સત્તામાં લોકોને ડંડો બતાવવામાં આવતો હોય છે. આજે એ સત્તા લગભગ રાજ્ય, માફિયા અથવા આતંકવાદીઓ પાસે છે. પરંતુ તમામ સંગઠનોએ આવી પ્રેરક બાબતો વિકસાવી હોય છે કે જેથી તેમના સભ્યો સંગઠનનાં ધ્યેયો સાથે જોડાયેલા જ રહે. અર્થશાસ્ત્રીઓ તેને પ્રોત્સાહન તરીકે ઓળખાવે છે. વર્ચસ્વલક્ષી સત્તા મોટે ભાગે જેમને લાગુ પડે છે અને તેની પોતાની એજન્સી દ્વારા કામ કરે છે, તેમાં પણ પ્રોત્સાહનોનું પોતાનું એક માળખું હોય છે.
વર્ચસ્વલક્ષી સત્તાનો ખ્યાલ મોટા પ્રમાણમાં માર્ક્સવાદી પરંપરા સાથે જોડાયેલો છે. કાર્લ માર્ક્સના મતે વિચારધારા એક “ખોટી સભાનતા” છે. ઇટાલિયન દાર્શનિક એન્ટોનિયો ગ્રામસી (૧૮૯૧-૧૯૩૭) દ્વારા આ ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રામસીના શબ્દોમાં કહીએ તો, વર્ચસ્વ એ “બૌદ્ધિક અને નૈતિક નેતૃત્વ” વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે તેના દ્વારા “એક મૂળભૂત રીતે પ્રભાવક જૂથ દ્વારા સામાજિક જીવન કઈ દિશામાં ચાલે તેનો ખ્યાલ લોકો પર લાદવામાં આવે છે.”
ધર્મ લોકો માટે અફીણ છે એવો વિચાર એ આ પ્રકારની વિચારણાનું ઉદાહરણ છે. તેમાં તો આ જિંદગીમાં જે મુસીબતો ઉઠાવવામાં આવશે તેનું ફળ આવતી જિંદગીમાં મળશે એવું વચન આપવામાં આવે છે. એ રીતે કામદારોને આ પૃથ્વી પર તેમનું જે હિત છે તેને વિષે આંધળા બનાવી દેવામાં આવે છે. ધાર્મિક સત્તાધિકાર સહિતના પરંપરાગત સત્તાધિકારને સ્થાને વિચારધારાકીય સત્તાને આ રીતે જોઈ શકાય. વીસમી સદીમાં કોઈક વિચારધારા સાથે જોડાયેલો સમુદાય એ સૌથી વધુ બળવાન સ્વરૂપ રહ્યું છે.
ઔદ્યોગિક દેશોમાં કામદારોની ક્રાંતિ થશે એવી કાર્લ માર્ક્સની આગાહી કદી સાચી કેમ ના પાડી તે સમજાવવા માટે ગ્રામસીએ વર્ચસ્વલક્ષી સત્તાનો ખ્યાલ વિકસાવ્યો. કામદાર વર્ગને તેના પોતાના દમનની સ્થિતિને ટેકો આપવા સુધી દોરી જવાયો. તેની વાતને તત્કાળ સમર્થન એ ઉદાહરણથી મળ્યું કે કામદાર વર્ગના રાજકીય પક્ષોએ ૧૯૧૪માં પ્રથમ વિશ્વ યુદ્ધને ટેકો આપવામાં વર્ગ કરતાં રાષ્ટ્રને વધુ મહત્ત્વનું ગણ્યું.
ઉદ્દામવાદી ઇસ્લામને પણ વર્ચસ્વલક્ષી સત્તાનું સમકાલીન ઉદાહરણ ગણી શકાય. તેમાં અસંતુષ્ટ યુવાનોને સ્વર્ગ મેળવવાને નામે તેમની જિંદગીનું બલિદાન આપવા પ્રેરણા આપવામાં આવે છે.
સત્તાનું વર્ચસ્વલક્ષી પાસું સૌથી ધૂંધળું છે. જો એ અદૃશ્ય હોય તો આપણે એ અસ્તિત્વમાં છે એ કેવી રીતે જાણી શકીએ? એનો ઉત્તર આ છે : શા માટે લોકો પોતાના હિતની વિરુદ્ધ વર્તતા દેખાય છે એ સમજવા માટે એ ગુરુત્વાકર્ષણ જેવો ખ્યાલ છે એ સમજવું પડે. જો કે, આ મજબૂત એવી ટૂંકી દૃષ્ટિમાં એવી ધારણા કામ કરે છે કે સાચું અથવા વસ્તુલક્ષી હિત શું છે તેનું જ્ઞાન વ્યક્તિને નથી પણ એ હિત જે નક્કી કરે છે તેને છે.
કેટલાક કિસ્સામાં જો હકીકતો દર્શાવતી વૈજ્ઞાનિક બાબતો કહેવામાં આવે અને જો તેને વ્યવહારમાં મૂકવામાં ન આવે તો તે ટૂંકી દૃષ્ટિ કહેવાય. દવાઓ જેવી વિજ્ઞાનની બાબતમાં આપણે ડોક્ટરની અધિકૃતતા(authority)ની વાત કરીએ છીએ, સત્તાની નહિ. મોટા ભાગના માર્ક્સવાદીઓ માને છે કે માર્ક્સવાદ એ સમાજનું સાચું વિજ્ઞાન છે. એ ધ્યાનમાં લઈએ તો શા માટે કામદારો વિજ્ઞાન કહે છે તેમ વર્તતા નથી એ સમજાવવું પડે. તેમનું વર્તન એકદમ ભ્રમિત કક્ષાનું હોય છે.
બરાબર એ જ રીતે, અર્થશાસ્ત્રીઓ એવી અપેક્ષા રાખે છે કે લોકો તર્કબદ્ધ વર્તન કરશે પણ જો લોકો એમ ન કરે તો તેઓ બુદ્ધિપૂર્વક વર્તવામાં નિષ્ફળ જાય છે એમ તેઓ કહે છે. પરંતુ એ બેમાંથી એકેય કિસ્સામાં લોકોને સમાજનું સાચું વિજ્ઞાન કહેવામાં આવતું નથી; એટલે કે જે રીતે પ્રકૃતિનું સાચું વિજ્ઞાન વિકસાવવાનું સંપૂર્ણપણે, આંશિક રીતે કે અપૂર્ણ રીતે શક્ય છે તે લોકોને જણાવવામાં આવતું નથી.
તેને પરિણામે લોકો બુદ્ધિ વગરનું વર્તન કરે છે કે ટૂંકી દૃષ્ટિ ધરાવે છે એવો આરોપ તો નકામો બની જાય છે. એમ કહેવું સાચું છે જ નહિ કે ૧૯૧૪માં કામદાર વર્ગનો કોઈ દેશ નહોતો. તેઓ તો પોતાની જાતને જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજ, રશિયન અને ઇટાલિયન વગેરે સમજતા જ હતા. તેને લીધે જ તેઓ તેમનો દેશ યુદ્ધ કરે તેનું સમર્થન કરતા થઈ ગયા હતા. એ ભ્રમ નહોતો, એ એક વાસ્તવિકતા હતી. એ એવી વાસ્તવિકતા હતી કે જેમાં લોકો એ ભૂલી ગયા હતા કે તેઓ ખરેખર સમાજના કયા વર્ગના છે, લોકો ઇતિહાસનું એ અર્થઘટન સાવ વીસરી ગયા હતા.
સ્રોત: What is Wrong with Economics?
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર