આજે મહાન વિજ્ઞાની સી.વી. રામને તેમની વિખ્યાત ‘રામન ઇફેક્ટ’ની શોધ 28 ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે કરી એટલા માટે આ દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.
અમદાવાદનો યુનિવર્સ સાયન્સ ફોરમ (Universal Science Forum – USF) નામનો મંચ વૈજ્ઞાનિક અભિગમના પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. તે ગયા છ વર્ષથી ‘વિજ્ઞાન ચેતના’ નામનું ડિજિટલ માસિક સૂઝ અને માવજતથી બહાર પાડે છે. ફેબ્રુઆરી 2024નો અંક તેનો 68મો અંક છે. તેની લિન્ક આ પોસ્ટ સાથે મૂકી છે.
તદુપરાંત, USF ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમો પણ યોજે છે. હમણાં રવિવાર 25 ફેબ્રુઆરીએ, ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને અનુલક્ષીને, વિજ્ઞાન વેશભૂષા અને પોસ્ટર પ્રેઝન્ટેશનની સ્પર્ધા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો.
USF ગયા સાત વર્ષથી વિજ્ઞાન માટેના નોબલ સન્માન જાહેર થાય એટલે તેના વિષે કોઈ શાળા કે કૉલેજમાં વ્યાખ્યાન રાખે છે. તદુપરાંત, ફેબ્રુઆરીમાં ભારતીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષ્યમાં શાળાના અને ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં કૉલેજના વિદ્યાર્થીઓ માટે ‘વિજ્ઞાનમ્’ નામનો કાર્યક્ર્મ યોજે છે.
USFએ અત્યાર સુધી પ્રાસંગિક રીતે ચાર્લ્સ ડાર્વિન, મૅરી ક્યૂરી અને આલ્બર્ટ આઈન્સ્ટાઇન વિશે શાળા કૉલેજોમાં ફોટોગ્રાફ તેમ જ પોસ્ટરોનાં પ્રદર્શન પણ યોજ્યાં છે.
USFનું એક ખૂબ મૂલ્યવાન કામ પુસ્તક પ્રકાશનનું પણ છે. તેણે અત્યાર સુધી ઉત્તમ ગુણવત્તા ધરાવતાં નીચે મુજબનાં નાનાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યાં છે. તેની વિગતો નીચે મુજબ છે.
1. ચાર્લ્સ ડાર્વિન અને ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત, લેખક – નીતિન પ્રજાપતિ અને દિલીપ સતાશિયા, 2015
2. મહાન વિજ્ઞાની સી.વી. રામન, લેખક – દિલીપ સતાશિયા, 2017, બીજી આવૃત્તિ 2022 (સહયોગ રાશિ રૂ. 20/-)
3. તત્ત્વોનાં આવર્ત કોષ્ટકનાં પિતામહ દમિત્રિ મેન્ડેલીવ, લેખક – દિલીપ સતાશિયા, 2019 (સહયોગ રાશિ રૂ. 10/-)
4. ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતામહ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય, લેખક – દિલીપ સતાશિયા, 2022, (સહયોગ રાશિ રૂ.20/-)
બધાં પુસ્તકોમાં જેવા મળતી એકંદર ખાસિયતો : સુબોધ પણ બાળબોધ નહીં તેવી શૈલી, અનેક ચિત્રો-તસવીરો, વિજ્ઞાનીઓના પ્રદાનની શક્ય એટલી સરળ ભાષામાં સમજૂતી, તેમના સમકાલીન સમાજના સંદર્ભ અને સંઘર્ષની ઝલક, માનવરસની ઘટનાઓ, ગુજરાત/ભારતનો સંદર્ભ, નોંધપાત્ર ટૂંકી પ્રસ્તાવના, વિજ્ઞાન વ્યાપક માનવતાવાદનો નિર્દેશ અને વૈજ્ઞાનિક અભિગમની અનિવાર્યતાનો સંદેશ.
આ નોંધમાં જેમનું નામ લેખક તરીકે આપ્યું છે તે પ્રસ્તાવના નીચે લખાયેલું છે. પણ તેમની ઓળખ પુસ્તકમાં લેખક એવી સ્થાપિત નથી. જો કે પુસ્તકોનું મોટા ભાગનું કામ દિલીપભાઈએ કર્યું છે.
તેઓ ટેક્સ્ટાઇલ ઉદ્યોગના કન્સલટન્ટ અને એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં એ વિષયના મુલાકાતી અધ્યાપક છે. વિજ્ઞાનના ઘણાં પાસાં વિશે તે સરળ રીતે વાત કરી શકે છે.
USFના અન્ય કાર્યકર્તાઓ છે : ઉત્તમ સુરપતિ (7567436557), કિશન માલવિયા (7698021041), જહાન ઠક્કર (7490056251), ડૉ. દુર્ગેશ મોદી, પ્રશાન્ત જોષી.
પુસ્તક મેળવવા માટે ઉપરોક્ત કાર્યકર્તાઓના ફોન નંબર ઉપરાંત દિલીપ સતાશિયાનો પણ સંપર્ક કરી શકાય – 9909189969.
નજીવી કિંમતે મળતાં આ અત્યંત મૂલ્યવાન પુસ્તકો દરેક વિદ્યાર્થી અને વાચક સુધી પહોંચાડવા જેવાં છે. શક્ય હોય તો તેની આવૃત્તિ સ્પૉન્સર કરી શકાય. બધાં પુસ્તકો પાનાં ફેરવતાં પણ મનમાં વસી જાય તેવાં છે.
Universe Science Forumનું કામ ખૂબ નિ:સ્વાર્થ ભાવે, દેખાડા અને પ્રસિદ્ધિથી દૂર રહીને સામાજિક નિસબત સાથે, જૂજ કાર્યકર્તાઓ થકી સાતત્યપૂર્ણ રીતે થઈ રહ્યું છે.
અત્યારે સમાજનો એક મોટો હિસ્સો અવૈજ્ઞાનિકતા અને તેના જુદા જુદા પરિણામોનો ભોગ બની રહ્યો છે, ત્યારે Universe Science Forumનું કામ વધુ પડકારરૂપ, અને તેથી વધુ આદરપાત્ર છે.
આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિને Universe Science Forumને સલામ.
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર