દેશપ્રેમીઓએ શું શું નથી કર્યું દેશને બચાવવા? ઈલેક્ટોરલ બોન્ડ્સ લાવીને એ દેશદ્રોહીઓનાં ચૂંટણી લડવા માટેનાં નાણાંકીય સ્રોતને સુકવી નાખ્યાં, પક્ષો અને તેની સરકારો તોડી, સંસદસભ્યો અને વિધાનસભ્યોને ખરીદ્યા, ઈ.ડી. અને બીજી એજન્સીઓને કામે લગાડીને ડરાવ્યા – ધમકાવ્યા અને જે ડરતા નહોતા કે ખરીદાતા નહોતા તેમને જેલમાં નાખ્યા, ચૂંટણીપંચને અનુકૂળ કરી નાખ્યું, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને સ્પીકરો આંખને ઇશારે કામ કરે છે, સર્વોચ્ચ અદાલત પણ હવે તો અનુકૂળ ચુકાદાઓ આપે છે, ગોદી મીડિયા એ જ બોલે છે જે તેમને બોલવાનું કહેવામાં આવે છે, વહીવટીતંત્રમાં દરેક મહત્ત્વના સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસોને ગોઠવવામાં આવ્યા છે, મોટી સંખ્યામાં દેશપ્રેમી ભક્તો છે જે વિરોધીઓની પાછળ પડી જાય છે અને છતાં ય એ દેશદ્રોહીઓનું નિર્મૂલન થતું નથી. એટલે આખરે સંસદમાંથી ૧૪૧ સંસદસભ્યોનું સભ્યપદ રદ્દ કરવું પડ્યું. પરશુરામે જેમ પૃથ્વીને નક્ષત્રીય કરી હતી એમ આપણા યુગપુરુષ ભારતને ન–વિરોધી (અવિરોધી નહીં, ન–વિરોધી. અવિરોધ અને ન–વિરોધમાં જમીન આસમાનનો ફરક છે. અવિરોધ ગાંધીજીનો માર્ગ હતો અને ન–વિરોધ હિટલર અને મુસ્સોલિનીનો.) કરવા માગે છે. દેશદ્રોહીઓને ક્યાં સુધી સહન કરવાના!
દેશમાં જે કાંઈ થઇ રહ્યું છે એ બધું જ દેશહિતમાં થઈ રહ્યું છે. જે લોકો લોકશાહીની, ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર જેવી બંધારણીય સંસ્થાઓની નિર્ભયતા તેમ જ સ્વતંત્રતાની, ન્યાયની, સમાનતાની, સમાન અવસરની, ખુલ્લા અવાજની, ખુલ્લા સમાજની, તાર્કિક મિજાજની, વિચારવાની, શંકા કરવાની તેમ જ પ્રશ્નો પૂછવાની આઝાદીની માંગણી કરી રહ્યા છે એ દેશદ્રોહીઓ છે. આ એવા લોકો છે જે તાળીઓ પાડવાની જગ્યાએ આંગળી ઊંચી કરે છે, આંગળી ચીંધે છે, પ્રશ્નો કરે છે, શંકાઓ કરે છે અને બીજું શું શું નથી કરતા! એ દેશદ્રોહીઓએ મંદિરો બાંધવાની જગ્યાએ આઈ.આઇ.ટી. અને ઈસરો જેવી શિક્ષણસંસ્થાઓ સ્થાપી. આપણે જગતનું બધું જ જ્ઞાન ધરાવીએ છીએ, આપણે તો વિશ્વગુરુ છીએ, જગત આપણું ઋણી છે ત્યારે વળી વિશ્વગુરુએ વિદ્યાર્થી બનવાનું હોય! વિદ્યાર્થી તો એ બને જેની પાસે વિદ્યા ન હોય અને વિદ્યાને અર્થે ગુરુ પાસે જાય. આપણે તો સાક્ષાત વિશ્વગુરુ છીએ. આપણે જ્યારે મંત્રશક્તિથી અવકાશમાં જઈ શકતા હોઈએ તો ઈસરોની શી જરૂર છે? પણ એ લોકોએ તો મંદિરો બાંધવાની જગ્યાએ શિક્ષણસંસ્થાઓ સ્થાપી અને પાછો જવાહરલાલ નેહરુ નામનો દોઢ ડાહ્યો કહે છે કે આ તો આધુનિક યુગનાં મંદિરો છે, બોલો! છે કોઈ લાજશરમ! માટે આપણા પ્યારા ભારતને આવા લોકોથી ન-વિરોધી કરી નાખવા જ રહ્યા.
કાઁગ્રેસે શરૂઆતના દસકાઓમાં શુદ્ધ લોકતાંત્રિક અવિરોધી (અવિરોધી, ન-વિરોધી નહીં) વલણ અપનાવીને બધાને બોલવા દીધા હતા. દેશમાં જુદા જુદા અને એકબીજાથી વિરોધી અવાજોની કાગારોળ ચાલતી હતી. કાગારોળ જ ને! બીજું શું? જો કે એ ડાયલા લોકો તો પાછા કહે છે કે એને કાગારોળ ન કહેવાય, વિવિધ પક્ષીઓનું મધુર ગાન કહેવાય! સુરોનો સંગમ કહેવાય. જે.એન.યુ. અને તેના જેવી બીજી શિક્ષણસંસ્થાઓમાં, અખબારોનાં સંપાદકીય પાનાંઓમાં, ટી.વી.ની ડીબેટોમાં ૨૦૧૪ પહેલાં જે ચાલતું હતું એ શું સુરોનો મધુર સંગમ હતો? કાન ફાડી નાખ્યા હતા આ સા… વિચારનારાઓએ અને પ્રશ્ન કરનારાઓએ. બોલ્યા નહીં કે પ્રતિવાદ કર્યો નહીં, બોલ્યા નહીં કે બીજો સૂર આલાપ્યો નહીં. માનસિક રોગીઓ છે. પાછા અળવીતરા એવા કે તેમને ફિલ્મ બનાવતા આવડે, નાટક લખતા અને ભજવતા આવડે, લખતા આવડે, બોલતા આવડે, નૃત્ય કરતા આવડે, ચિત્ર બનાવતા આવડે, આડે કેડે ચાલતા આવડે, ચીલો ચાતરતા આવડે, નવો કેડો પાડતા આવડે, વગેરે વગેરે. હદ તો એ વાતની છે કે તેઓ આવી પ્રવૃત્તિ એવી ઝીણી ભાષામાં અને એવાં ઝીણાં સંકેતોમાં કરે કે આપણને કાંઈ ગમ જ ન પડે. પૂછો તો કહે કે એના માટે સંવેદનશીલ કાન, સંવેદનશીલ નેત્રો અને ખુલ્લું ચિત્ત જોઈએ. આ લાવવા ક્યાંથી એવો સવાલ જો પૂછીએ તો શું કહે છે ખબર છે! એ તો સમુદ્રમાં તરવાથી મળે, ખાબોચિયામાં ન મળે. એ તો નિબીડ જંગલમાં મળે, કિચન ગાર્ડનમાં ન મળે. એ તો મનચાહી નિર્ભય જિંદગી જીવવાથી મળે, કોઈનાં પીંજરામાં પૂરાઈને કોઈની ભાષામાં બોલતા પોપટોને ન મળે. ઓલા વિવેક અગ્નિહોત્રીને આ લોકોનો મુકાબલો કરવા મદદ કરી અને તે બિચારો ફિલ્મો બનાવે છે, પણ જાણકારો કહે છે કે એને કલાકૃતિ ન કહેવાય, પોદળો કહેવાય. એ લોકોની ગુસ્તાખી તો જુઓ!
તેમણે (એટલે કે ઉપર કહી એવી મોકળાશ ઇચ્છનારાઓએ) પોતે જ બંધારણ ઘડીને અને બંધારણમાં એવી જોગવાઈ કરીને અને તેને વફાદાર રહીને પોતાનાં કાંડા કાપ્યાં હતાં. હવે ભોગવો! તમારી સીડી પર ચડીને હવે તમારી સીડીનાં જ પગથિયાં તોડવામાં આવી રહ્યા છે. દેશને ન-વિરોધી કરવાનો આ પ્રયાસ છે. એક પક્ષીય અને માત્ર કલેવર ધરાવનારી પ્રાણહીન લોકશાહી આકાર લઈ રહી છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 ડિસેમ્બર 2023