ભૂખે ના ભાખર જે ભાવ્યો:
તરસે જે આસવ ના ફાવ્યો:
છોડી તે સેવક સ્વામીનો
શબ્દ સુણી આવ્યો!
હાવાં તવ ભાખર લીધો:
દેવોનો દ્રાક્ષાસવ પીધો:
દુનિયાએ છો અળગો કીધો:
સ્વામી, સાચવજો!
(‘પવિત્ર ભોજન’ — કવિ ‘કાન્ત’)
… Thou hast bound bones and veins in me, fastened me flesh,
And after it almost unmade, what with dread,
Thy doing: and dost thou touch me afresh?
Over again I feel thy finger and find
I did say yes
O at lightning and lashed rod;
Thou heardst me truer than tongue confess
Thy terror, O Christ, O God….
(‘The Wreck of the Deutschland’ — G.M .Hopkins)
મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ (૧૮૬૮-૧૯૨૩) અને જૅરાર્ડ મૅનલી હૉપકિન્સ (Gerard Manley Hopkins) (૧૮૪૪-૧૮૮૯) સંદર્ભે ઘણાં નોખા પડે છે. ભારતીય-ગુજરાતી કવિ કાન્ત અને બ્રિટિશ કવિ હૉપકિન્સના જિંદગીના અનુભવો વચ્ચે આશ્ચર્યજનક સામ્ય જોવા મળે છે. પંદરેક વર્ષ પૂર્વે ગુજરાતી નાટ્યકાર સતીશ વ્યાસ લિખિત કવિ કાન્ત પર આધારિત નાટક ‘જળને પડદે’ના અનુવાદ દરમ્યાન સંદર્ભોને યોગ્ય રીતે સમજવા માટે કવિ કાન્ત વિશે વધુ જાણકારી મેળવવા હરગોવિંદદાસ કાંટાવાલા સંપાદિત ‘કાન્તમાલા’ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સંપાદિત ‘મણિશંકર ભટ્ટ ‘કાન્ત’માંથી પસાર થવાનું બનેલું. મારા પીએચ.ડી.ના વિષયમાં જી.એમ. હોપકિન્સનો સમાવેશ હતો. આ બન્ને કવિઓના જીવન અને કવનમાં ચોંકાવનારું સામ્ય જણાયું. ત્યારબાદ હૈદ્રાબાદમાં ૨૦૧૦માં કમ્પૅરૅટિવ લિટરેચરની આંતર-રાષ્ટ્રિય કૉન્ફરન્સમાં અંગ્રેજીમાં શોધપત્ર રજૂ કર્યું હતું. ૨૦૨૩ ‘પૂર્વાલાપ’નું શતાબ્દી વર્ષ હોવાથી તે શોધપત્રને ફેરફાર સાથે ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં રજૂ કરું છું. આશા છે કે વિશ્વ-સાહિત્યના ભાવકોને ગમશે.
આ વિભાગમાં કવિ કાન્ત અને કવિ હૉપકિન્સનાં ઘણા ખરા અંશે સમાંતર જીવન-પથ વિશે વાત કરીશું. દુનિયાના બે અલગ ખૂણે જન્મેલી બે વ્યક્તિઓના જીવનમાં ખૂબ જ આશ્ચર્યજનક સામ્યતા જણાય છે.
જન્મ : કાન્તનો જન્મ ૨૦ નવેમ્બર, ૧૮૬૮ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લામાં ચાવંદ ગામમાં થયો. હૉપકિન્સ ૨૮ જુલાઈ, ૧૮૪૪ના દિવસે સ્ટ્રૅટફર્ડ, ઈસૅક્સમાં જન્મ્યા.
કાન્ત કરતાં હૉપકિન્સ ૨૪ વર્ષ મોટા હતા અને ૧૮૮૯માં તેમનું મૃત્યુ ૪૫ વર્ષે થયું. કાન્ત ૧૯૨૩માં ૫૫ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા અને હૉપકિન્સના મૃત્યુ પછી તે ૩૪ વર્ષ જીવ્યા.
કુટુંબ : ભટ્ટ પરિવારમાં કાન્તનો જન્મ થયો. જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદના ક્ષેત્રોમાં સર્વોચ્ચ ગણાતા જ્ઞાતિ માળખાના મોખરે એવા પ્રશ્નોરા નાગર-બ્રાહ્મણ ભટ્ટ પરિવાર સુશીલ હતો. કાન્ત ઉપર ભજનીક દાદા મુકુંદનો સારો પ્રભાવ હતો. પરદાદા કલ્યાણ અને મદનજી ૧૭૦૦ અને ૧૭૭૦ના અરસામાં કવિ હતા. કાન્ત એમના પિતા પાસેથી સંસ્કૃત અને સંગીત શીખ્યા. સતીશ વ્યાસ નોંધે છે એમ, “સુધારક યુગનું મુખ્ય થાણું સુરત હતું. પંડિત યુગનું મુખ્ય મથક નડિયાદ બને છે. હજી બન્ને યુગમાં ગુજરાતની એ સમયની નાગર જ્ઞાતિ આધિપત્ય ધરાવે છે.” (પૂર્વાલાપ, ૬)
હોપકિન્સ એમનાં વખતના ઈંગ્લૅન્ડમાં મોભો ધરાવતા કુલીન ચર્ચ ઑવ ઈંગ્લૅન્ડ કુંટુંબમાં જન્મ્યા હતા. હૉપકિન્સ પરિવાર ખૂબ ધર્મનિષ્ઠ અને પ્રતિભાશાળી હતો. હૉપકિન્સના માતાપિતા મૅનલી અને કેટ તથા ફોઈ ઍની કવિ હતાં. હૉપકિન્સ ફોઈથી ખૂબ પ્રભાવિત હતા અને ફોઈ એમને કાવ્યો લખવા માટે પ્રોત્સાહન આપતાં.
આમ, બન્ને કવિઓ સમાજના અત્યંત વિશેષાધિકૃત વર્ગમાં અને સુસંસ્કૃત કુટુંબમાં જન્મ્યા અને ઉછર્યાં હતા.
અભ્યાસ : કાન્તની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ હતી. પ્રાથમિક શિક્ષણ બાદ તે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવા રાજકોટ અને ગોંડલ ગયા. ૧૮૮૮માં ઍલફિન્સટન કૉલૅજમાંથી તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન વિષયો સાથે પોતાની જ્ઞાતિના પ્રથમ સ્નાતક બન્યા.
હૉપકિન્સનું પ્રાથમિક શિક્ષણ હૅમસ્ટડની હાઇગેટ ગ્રામર સ્કૂલમાં થયું. તે તેજસ્વી વિદ્યાર્થી હતા અને ઘણાં ઈનામો જીત્યાં હતા. ૧૮૬૩માં તે ઑક્સફર્ડની બૅલિયૉલ કૉલૅજમાં પ્રાચીન સાહિત્યના અભ્યાસ માટે ગયા.
બન્ને કવિઓના ધર્માંતરમાં એમના કૉલૅજકાળે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ બાબતની વિસ્તૃત ચર્ચા લેખના બીજા વિભાગમાં જોઈશું.
ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીને કારણે બન્ને કવિઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિષ્ઠિત પદ મળ્યા — કાન્ત તત્કાલિન ભાવનગર રાજ્યમાં સ્થાન પામ્યા, જ્યારે હોપકિન્સ ડબ્લિનની યુનિવર્સિટીની ચૅર ઑવ ક્લાસિક્સ પર નિમાયા.
કવન : કવિતા લોહીમાં હોવાને કારણે બન્ને કવિઓએ બાળપણથી કાવ્યો રચવાનાં શરૂ કર્યાં હતા. કાન્તે દસ વર્ષની ઉંમરે કાવ્યો રચવાની શરૂઆત કરી હતી. એમનું પ્રથમ કાવ્ય તે વખતના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિક ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલું. હૉપકિન્સ શાળામાં પ્રવેશ મેળવ્યા પહેલાથી કાવ્ય રચતાં હતા. સોળ વર્ષે એમને ‘The Escorial’ અને ‘A Vision of the Mermaids’ કાવ્યો માટે શાળાનાં ઈનામો મળેલા.
બન્ને કવિઓ પ્રતિભાસંપન્ન હોવાથી તત્કાલ કવિતા રચી શક્તા. ભાવનગરના મહારાજા ભાવસિંહજીની માગણીને માન આપવા કાન્તે ‘સાગર અને શશી’ કાવ્ય રચેલું તો હૉપકિન્સે ઈસુ-સંઘના એમના ઉપરીની માગણીથી ‘E Wreck of the Deutschland’ કાવ્ય રચેલું. બન્ને કવિઓનાં આ ઉત્ક્રૃષ્ટ કાવ્યો એમનો આગવો અમર વારસો છે. આ બન્ને કાવ્યો પોતપોતાના સાહિત્યોમાં ગૌરવપૂર્ણ સ્થાન પામ્યાં છે.
બન્ને કવિઓ શબ્દસાધકો હોઈ નવા શબ્દો ઘડતા અને નવા સાહિત્યિક સ્વરૂપો અને છંદમાં અનોખા પ્રયોગો કરતા. કાન્તે સૉનૅટ રચ્યાં. સતીશ વ્યાસ નોંધે છે એમ, “આ પ્રક્રિયામાં કોઈ એક ધન્ય ક્ષણે કાન્ત દ્વારા ખંડકાવ્ય જેવું નોખું સ્વરૂપ ઉદ્ભવ્યું.” (પૂર્વાલાપ, ૭). હૉપકિન્સ અંગ્રેજી પિંગળશાસ્ત્રમાં એમની ‘Sprung Rhythm’ અને અંગ્રેજી ભાષામાં નવા શબ્દો રચવા માટે વિખ્યાત થયા છે. વધુમાં, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળાના કવિઓ હોઈ, બન્ને કવિઓ પોતપોતાનાં સાહિત્યોમાં આધુનિક યુગના પુરોગામી હતા.
બન્નેના કાવ્યસંગ્રહ એમના મૃત્યુ બાદ પ્રકાશિત થયેલા. કાન્તે પોતાનો કાવ્યસંગ્રહ પ્રકાશન માટે આપેલો. જે દિવસે કાન્ત ટ્રેનમાં રાવલપીંડીથી લાહોર જતા મૃત્યુ પામ્યા તે દિવસે એમનો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ (૧૯૨૩) અમદાવાદમાં પ્રકાશિત થયો. હૉપકિન્સના પરમ મિત્ર રૉબર્ટ બ્રિજીસે હૉપકિન્સના મૃત્યુ બાદ એમના કાવ્યસંગ્રહ ‘The Poems of Gerard Manley Hopkins’નું સંપાદન અને પ્રકાશન ૧૯૧૮માં સંપન્ન કરેલું.
૧૧-૧૦-૧૯૧૯ના પત્ર મુજબ કાન્તે ‘કાન્તકાવ્યકલાપ’ એમના કાવ્યસંગ્રહનું નામ રાખી એમાં બે ભાગ ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’ કરવા ધારેલા. (કાન્તમાલા, ૩૭૯) આ સંબંધી રા.વિ. પાઠકની નોંધ આગળ વાંચીશું.
હૉપકિન્સનો કિસ્સો અલગ છે. કાવ્યો નહીં રચવાનો અને પ્રકાશિત નહીં કરવાનો એમનો નિર્ણય નીચેની નોંધ પરથી સમજાય છે :
૫ ઑક્ટોબર, ૧૮૭૮ના પત્રમાં એમના જૂના સ્કૂલમાસ્ટર ડૉ. આર.વી. ડિક્સનને હૉપકિન્સ કાવ્યો રચવાનું છોડી કેમ દીધેલું એનું કારણ જણાવે છે, “You ask, do I write verse myself. What I had written I burnt before I became a Jesuit and resolved to write no more, as not belonging to my profession, unless it were by the wish of my superiors : so for seven years I write nothing but two or three little presentation pieces which occasion called for. But when in the winter of ‘75 the Deutschland was wrecked in the mouth of the Thames and five Franciscan nuns, exiles from Germany by the Falck Laws, aboard of her were drowned I was affected by the account and happening to say so to my rector he said that he wished someone would write a poem on the subject.” (P & P, 187)
૧ ડિસેમ્બર, ૧૮૮૧ના પત્રમાં હૉપકિન્સ ડૉ. ડિક્સનને બીજુ કારણ જણાવતા લખે છે, “When a man has given himself to God’s service, when he has denied himself and followed Christ, he has fitted himself you receive and does receive from God a special guidance … If I wait for such guidance, through whatever channel conveyed, about anything, about my poetry for instance, I do more wisely in every way than if I try to serve my own seeming interests in the matter… For genius attracts fame and individual fame St. Ignatius looked on as the most dangerous and dazzling of all attractions.” (P & P, 196)
એમના ઉપરીની ઇચ્છાને દિવ્ય માર્ગદર્શનનું માધ્યમ સમજીને માન આપવા હૉપકિન્સે કાવ્ય રચ્યું. ત્યાર બાદ હૉપકિન્સ એમની આધ્યાત્મિક મજલના ઉતારચઢાવને અનુરૂપ અંગત ધોરણે કાવ્યો રચતા રહ્યા. પરંતુ પ્રકાશન માટે ક્યારે ય રાજી ન હતા. બીજી તરફ, કાન્તને પોતાના કાવ્યસંગ્રહના પ્રકાશન અંગે ઉત્સુક્તા હતી. એમણે ૧-૮-૧૮૮૯ના પત્રમાં લખેલું, “મને મારા હૃદય પર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભુંસાઈ નહીં જાય.” (કાન્તમાલા, પૃ. ૩૨૨). અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કાન્ત સંસારી હતા, જ્યારે હૉપકિન્સે સંસાર ત્યાગ કરેલો હતો એટલે બન્નેની પ્રતિક્રિયા એમની જીવન પરિસ્થિતિને અનુરૂપ છે.
બન્ને કવિઓના જીવનમાં બીજી સામ્યતા એ છે કે કાન્ત ગુજરાતી સાહિત્યના ઝળહળતા ‘પંડિત યુગ’માં સક્રિય હતા જ્યારે હૉપકિન્સ અંગ્રેજી સાહિત્યના જ્વલંત ‘વિક્ટોરિયન યુગ’માં સક્રિય હતા. બન્નેને કવિ મિત્રોનું વર્તુળ હતું. કાન્તના કવિ મિત્રો હતા બળવંતરાય ઠાકોર, કલાપી અને ન્હાનાલાલ. હૉપકિન્સના કવિ મિત્રો હતા રૉબર્ટ બ્રિજીસ, કવન્ટ્રી પૅટમૉર (જેનો ઉલ્લેખ કાન્તે કલાપીને એક પત્રમા કર્યો હતો) અને આર.ડબલ્યુ. ડિક્સન. બન્ને કવિઓ પોતપોતાના કવિ મિત્રો સાથે ના કેવળ એકબીજાનાં કાવ્યો અંગે પ્રતિભાવ અને સૂચનો કરતા, પરંતુ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન સંબંધી વિચારોની આપ-લે પણ કરતા.
આમ, કાન્ત અને હૉપકિન્સના જીવનમાં આશ્ચર્યજનક સામ્યની આપણે ઉપરના વિભાગમાં વાત કરી. હવે પછીના વિભાગમાં આપણે એમના કવનમાં, વિશેષ કરીને વિભાગ ૨ની શરૂઆતમાં ઉલ્લેખ છે એમ ‘અંતર-ધર્મ’ (ધર્માંતર નહીં) તરીકેના ધર્મપરિવર્તન બાદના એમના કવનમાં સામ્યની વાત કરીશું.
પૂર્વ તથા પશ્ચિમનાં સાહિત્યમાં આધ્યાત્મ-ભક્તિ કાવ્યોનો ખજાનો છે. ધર્મ આધ્યાત્મિક ઝંખનાનું મૂર્ત સ્વરૂપ છે. આયોજનબદ્ધ અને સંસ્થાગત હોવાને કારણે ચિહ્નો અને પ્રતિકો ધર્મના પાયામાં છે. પ્રતિકો અને ચિહ્નો સાહિત્યનો પણ અભિન્ન હિસ્સો છે. આમ, ધર્મ અને સાહિત્ય અરસપરસ વ્યાપ્ત કરે છે.
અહીં જે બે વ્યક્તિઓના ધર્મપરિવર્તનની ચર્ચા હાથ ધરી છે, તે કાન્ત અને હૉપકિન્સ બન્ને કવિઓ છે. અનુક્રમે એક ભારતીય, બીજા બ્રિટિશ, એક સંસારી, બીજા વૈરાગી. એક હિન્દુ, બીજા ખ્રિસ્તી. આથી, એમની સામાજિક-સાંસ્કૃતિક-સાહિત્યિક-ધાર્મિક સહિત અનેક ઓળખોની આંટીઘૂંટી સમજવી પડે એમ છે. સાંપ્રત સમયના સંદર્ભમાં જે રીતે ધર્મપરિવર્તનને સ્થૂળ / સામન્ય અર્થમાં અને / અથવા સામાજિક-ધાર્મિક-આર્થિક-રાજકીય દબાણ / લોભ /છળ વગેરેને આધીન — એવાં અર્થમાં લેવાથી આખી વાત ગેરમાર્ગે દોરવાવવાનો ભય છે. વિગતે વાંચવા-સમજવામાં આવે તો આ કવિઓએ ગહન વાંચન, અભ્યાસ, ચર્ચા, અથાગ ચિંતન, આધ્યાત્મિક અનુભૂતિ, બૌદ્ધિક મથામણ અને તાર્કિક સૂઝથી પોતાનો નિર્ણય લીધો જણાય છે. કાન્તના સંદર્ભમાં સતીશ વ્યાસની છણાવટ મહત્ત્વની છે, “કાન્તે કોઈ વટાળપ્રવૃત્તિનો ભોગ બન્યા વિના ‘અંતર-ધર્મ’ (ધર્માંતર નહીં) તરીકે ધર્મપરિવર્તન કર્યું.”(પૂર્વાલાપ, ૫.)
૭-૪-૧૮૯૮ના પત્રમાં કાન્ત જણાવે છે, “ … Both your letters are duly received. I have been thinking for several days as to how I should write to you, for there is news for you. I have adopted the Christian faith …” (કાન્તમાલા, ૩૪૬). ૯-૪-૧૮૯૮ના પત્રમાં કાન્ત લખે છે, “… I believe every word of Swedenborg, and I believe him to be God’s commissioner. You shall not therefore be surprised when I inform you that I have become a Christian …” (કાન્તમાલા, ૩૪૭) ૬-૫-૧૮૯૮ના પત્રમાં કાન્ત લખે છે, “You must have received my booklet on the nature of the Bible and the Law of its interpretation … Don’t prejudge and have patience; this is all I request of you …. (કાન્તમાલા, ૩૪૭)
૨-૩-૧૯૦૦ના પત્રમાં કાન્ત લખે છે, “… સૌ. નર્મદા મને “પવિત્ર ભોજન” ન લેવાને આગ્રહ કરે છે, કે જેથી તે મારી સાથે રહીને મારે ધર્મ સમજવાનો યત્ન કરી શકે. હું જવાબ આપું છું, કે “પવિત્ર ભોજન” લેવાની મારી ફરજ છે; તેમાં મારું, તેમનું અને સર્વનું શ્રેય છે. પરમ કૃપાળુ પરમેશ્વર જે કંઈ પરિણામ થવા દેશે તે સહીશ. છેવટે શ્રેય થશે એ સંબંધી મને કશો સંદેહ નથી … દેવાલયમાં પ્રવેશ કરવાની જ્યાં સુધી ફરજ માત્ર લાગે છે, ત્યાં સુધી એ યોગ્ય રીતે થઈ શકશે નહીં. એવો વખત આવે છે જ્યારે તેમ કરવાની પ્રબળ ઇચ્છા થશે …” (કાન્તમાલા, ૩૪૯) ૨૬-૩-૧૯૦૦ના પત્રમાં કાન્ત લખે છે, “… મેં ગઈ કાલે “સ્વામીના ભોજન”માં ભાગ લીધો. એ સંસ્કાર કેટલો ગંભીર છે, તે તમે કલ્પી શકશો : જુઓ લુક, ૨૨: ૧૯-૨૦.” (કાન્તમાલા, ૩૪૯)
૧-૮-૧૯૦૦ના પત્રમાં કાન્ત લાચારીવશ લખે છે, “… I find that I at least have not the courage to remain aloof from family and brethren and that way serve Christ. I have discovered unsuspected weaknesses in my nature. I feel that I must return to my caste and for the rest of my life only try to imbibe a little of the spirit of Christ if I may … The “shastras” provide a remedy for everything.” (કાન્તમાલા, ૩૪૯) ૨૯-૧૧-૧૯૦૦ના પત્રમાં કાન્તની મથામણનો નમૂનો મળે છે, “… Now the only resource lies in not consulting the caste at all just now. I should go to Kashi, perform the necessary penance there, and returning begin to stay with my wife.” (કાન્તમાલા, ૩૫૧)
૨૯-૯-૧૯૦૬ના પત્રમાં કાન્ત લખે છે, “…—માં ગઈ તા. ૯મીની વિશ્રામવારની રાત્રિએ —ની સાથે એક ઘણી લાંબી વાતચિત થઈ … “ગુજરાતને ક્રાઈસ્ટનું નામ ગમતું નથી : પ્રભુના નામથી જે બોલવું હોય તે બોલો. તમે જાતે ભલે ક્રાઈસ્ટને માનો; પણ અમે એ ન માનીએ તેમાં અમારો દોષ ન કહાડો; અમે ક્રાઈસ્ટથી વિરુદ્ધ છીએ, પણ પ્રભુના સેવક છીએ. પ્રભુ કરતાં ક્રાઈસ્ટ માટે વધારે આગ્રહ? અવતાર કહો તો રામ કૃષ્ણ કાં નહીં? બધાં મનુષ્યો કાં નહીં? તમે ક્રાઈસ્ટનું નામ ગુપ્ત રાખીને કહેવા ચાહશો તો ઘણું ઉપયોગી કરી શકશો. આ તો તમારું જીવન વૃથા વીતે છે.” વગેરે ઘણા અભિપ્રાયો — એ આવેશથી આપ્યા.
હું તેને શો જવાબ આપું? “— , જેણે ક્રાઈસ્ટને તેના શબ્દથી જાણ્યો નથી, તેણે પ્રભુને જાણ્યો નથી … એ નામ સાથે દેશને તકરાર હશે તો મારે તો એ નામથી સાથે સ્નેહ છે … હું તો એ નામની ખાતર મરવા તત્પર છું ….” (કાન્તમાલા ૩૬૧-૩૬૨)
કાન્તે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ઘર્મમાં ધર્મપરિવર્તન કર્યું. અહીં નોંધવું જરૂરી છે કે દુનિયાના અનેક ધર્મોની માફક ખ્રિસ્તી ધર્મમાં પણ અનેક પંથ છે. સ્વાભાવિક છે કે કાન્તને હૉપકિન્સ જેટલો ખ્રિસ્તી ધર્મનો પ્રત્યક્ષ પરિચય ના હોય અને તેથી જ હૉપકિન્સથી વિરુદ્ધ ઉપર ટાંકેલા કાન્તના પત્રોમાં આપણે કાન્ત ખ્રિસ્તી ધર્મના પંથો સમજવામાં ગફલત, પછીથી ઊંડી સમજણ, ત્યારબાદ સામાજિક દબાણ, કુટુંબથી વિરહનો ભય, વગેરે કારણોને લીધે એક ડગ આગળ ને એક ડગ પાછળ માંડતા મળે છે.
આ દ્વિધામાંથી દિવ્ય દોરવણી જ રાહ દેખાડી શકશે એવી અભિવ્યક્તિ ૧૯૦૯માં લખાયેલી કવિતા ‘નયન પ્રાર્થના’માં કાન્તની વિનંતીમાં જોવા મળે છે :
આપ જ તાતજી! દોરો હવે મને આપ.
રોતો હું આપનો છોરો હવે.
જંગલમાં ભટક્યો બહુ ઘાટે, વાટે મળ્યા કાળા ચોરો —
હવે મને આપ જ તાતજી! દોરો.
રોતો હું આપનો છોરો, હવે મને —
આપ જ તાતજી! દોરો.
ગર્ત બધે પડતો ઝરડાતો આવી શકું નહિ ઓરો —
હવે મને આપ જ તાતજી! દોરો.
રોતો હું આપનો છોરો, હવે મને —
આપ જ તાતજી! દોરો. (પૂર્વાલાપ, ૭૫)
બીજી તરફ, હૉપકિન્સ જુલાઈ ૧૭, ૧૮૬૬ની એમની અંગત નોંધપોથીમાં લખે છે :
… It was this night I believe but possibly the next that I saw clearly the impossibility of staying in the Church of England, but resolved to say nothing till three months are over, that is the end of the Long, and then of course to take no step till after my Degree. (P & P, 108)
એકતાલીસ દિવસ બાદ ઑગસ્ટ ૨૮, ૧૮૬૬ના રેવ. ડૉ. જૉન ઍચ. ન્યુમૅનને પત્રમાં હૉપકિન્સે જણાવ્યું :
… I am anxious to become a Catholic … I do not want to be helped to any conclusions of belief, for I am thankful to say my mind is made up … you will understand that by God’s mercy I am clear as to the sole authority of the Church of Rome. (P & P, 161)
ઑક્ટોબર ૧૬, ૧૮૬૬ના રોજ એમના પિતાને પત્રમાં હૉપકિન્સ લખે છે :
The following is the position of things with me. You ask me to suspend my judgment for a long time, or at the very least more than half a year, in other words to stand still for a time. Not to stand still is not possible, thus: I must either obey the Church or disobey. If I disobey, I am not suspending judgment but deciding, namely, to take backward steps fr. the grounds I have already come to … Only one thing remains to be done : I cannot fight against God Who calls me to His Church : if I were to delay and die in the meantime I shd. have no plea why my soul was not forfeit. I have no power in fact to stir a finger : it is God who makes the decision and not I. (P & P, 164-165)
ઉપર જે સુક્ષ્મ ભેદ છે તે બાહ્ય-ભૌતિક પરિબળોથી જુદુ આંતરિક-આત્મિક પરિબળોને આધિન જન્મના ધર્મથી જુદા ધર્મના અંગીકારની બાબત છે. આપણે જાણીએ છીએ એમ ધાર્મિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સુક્ષ્મ ભેદ છે એમ સતીશ વ્યાસે દર્શાવેલો ધર્માંતર અને ધર્મપરિવર્તન વચ્ચેનો સુક્ષ્મ ભેદ અહીં ઉપયોગી સાબિત થાય છે.
સ્વાભાવિક છે કે ખ્રિસ્તી ધાર્મિક અનુભવમાંથી પસાર થઈ, ધર્મપરિવર્તન કરીને, પોતાના કવનમાં એની અભિવ્યક્તિ કરી હોય એવા કવિનું ઉદાહરણ ગુજરાતી સાહિત્યમાં કેવળ કાન્તનું છે.
બીજી તરફ, બ્રિટિશ સાહિત્યમાં હૉપકિન્સ ઉપરાંત ઍલિયટ એવા કવિ છે જેમણે ધર્મપરિવર્તન કરી એમના કવનમાં એની અભિવ્યક્તિ કરી છે. આ બન્ને કવિઓએ ખ્રિસ્તી ધર્મના એક પંથમાંથી બીજા પંથમાં ધર્મપરિવર્તન કર્યું. કાન્તના ધર્મપરિવર્તન કરતાં એમનું ધર્મપરિવર્તન જુદું છે. સાઉથવૅલ, ડન્ન, હર્બર્ટ, હૅરિક, ક્રૅશૉ, મિલ્ટન જેવા બીજા બ્રિટિશ કવિઓએ ધાર્મિક કાવ્યો રચ્યાં પરંતુ એમણે ધર્મપરિવર્તન વિશે કાવ્યો રચ્યાં નથી. જો કે, ક્રૅશોને બાદ કરતાં બાકીના કવિઓ એ ઘટનામાંથી પસાર થયા નહોતા. ક્રૅશોએ ઍન્ગલિકનિઝમમાંથી કૅથૉલિસિઝમમાં ધર્માંતર કર્યું હતું તેમ છતાં એમણે આ અનુભવને એમના કવનમાં વાચા આપી નથી. ડન્નના કિસ્સામાં ધર્માંતરણ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી, છતાં કૅથૉલિસિઝમથી રીફૉર્મડ પંથો તરફના એમના પ્રયાણનો એમણે પણ એમના કાવ્યોમાં ઉલ્લેખ કર્યો નથી, અલબત્ત ગદ્યમાં ચર્ચા કરેલી છે. (ડન્ન વિશે વિગતવાર વાત કરવા અલગ લેખ કરવો પડે. અહીં માત્ર માહિતી આપવાનો આશય છે.)
આ તબક્કે બન્ને કવિઓના ધર્માંતરણના નિર્ણય માટે જવાબદાર કારણોનો ટૂંકો ચિતાર આપવો ઉપયોગી બનશે. પ્રશ્નોરા બ્રાહ્મણમાંથી પ્રખર સ્વિડનબોર્ગયનીઝમ સુધીની કાન્તની સફર પર એક નજર કરીએ. આ ઘટનાને એક સદી ઉપર સમય થઈ ગયો છે. તે વખતે કાન્ત ૩૦ વર્ષના હતા. ૧૮૯૭માં ગિરગાંવના નેટિવ યુનિટરેયિન ચર્ચના પુસ્તકાલયમાં કાન્ત સ્વીડનબોર્ગનાં લખાણોના સંપર્કમાં આવ્યા. તે સમયે કાન્ત ગુજરાતીના શિક્ષકોના તાલીમ કેન્દ્રના હેડમાસ્તર હતા અને ગિરગાંવની મુલાકાતે અવારનવાર જતા. સ્વીડનબોર્ગનું સૂત્ર હતું “ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં વસવાટ કરે છે તે ઈશ્વરમાં વસવાટ કરે છે અને ઈશ્વર તેનામાં વસવાટ કરે છે. વૈવાહિક પ્રેમ એ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને તેવાં વ્યક્તિ પોતાના જોડીદાર સાથે સ્વર્ગમાં ઐક્ય મેળવે છે. પ્રથમ પત્નીના મૃત્યુથી વ્યથિત કાન્તના ઘાયલ હૃદય માટે આ મલમ સાબિત થયું. છેવટે કાન્તે ૧૮૯૮માં ધર્મપરિવર્તન કર્યું. આ નિર્ણયનાં કપરાં પરિણામો કાન્તે ભોગવવા પડ્યા. રા.વિ. પાઠક નોંધે છે તેમ, “આ ધર્માંતરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિમાં ગર્તમાં તેમણે ગાળ્યું .…” (પૂર્વાલાપ, ૧૦૧) દુન્યવી દુ:ખ છતાં કાન્તની આધ્યાત્મિક ખેંચાણે એમને નિર્ણય લેવડાવ્યો. હૉપકિન્સે પણ ધર્મપરિવર્તનના એમના નિર્ણયને લીધે કુટુંબ અને સમાજનો તિરસ્કાર વેઠવો પડ્યો હતો.
કાન્ત અને હૉપકિન્સે પોતાની નવી ધાર્મિક ઓળખ અપનાવીને સામાજિક સ્તરે એક ડગલું નીચું ઉતર્યાં હતા. કાન્તના સમયમાં એમની જ્ઞાતિ સામાજિક-સાહિત્યિક ધોરણે સર્વોચ્ચ હતી. આથી, ૧૯મી સદીના ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં એમનું ધર્મપરિવર્તન એક સીમાચિહ્ન બની રહે છે. મેથ્યુ નોંધે છે કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન મિશનરી પ્રવૃત્તિમાં વધારો થયો હતો. ધર્માંતરણ બે સ્તરે થતાં હતાં — એક તરફ, આદિવાસીઓ અને સામાજિક રીતે પછાત એવાં અન્ય વર્ગોનું સામૂહિક ધર્માંતરણ અને બીજી તરફ, ઉચ્ચ જ્ઞાતિઓ અને બુદ્ધિજીવી વર્ગની વ્યક્તિઓનું ધર્માંતરણ. (મેથ્યુ, ૪૧) આ જ બાબત સતીશ વ્યાસ નોંધે છે, “એ સમયે ભારતના કેટલાક બૌદ્ધિકો ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા હતા. બંગાળમાં માયકલ મધુસૂદને પણ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો.” (પૂર્વાલાપ, ૫)
પશ્ચિમી શિક્ષણની સાથે ધર્મપ્રચારના બે વિરોધાભાસી પરિણામો આવ્યાં. એક તરફ, ૧૮૭૦-૧૮૮૦ દરમ્યાન પ્રાર્થના સમાજ, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, થિયોસૉફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન, વગેરે સામાજિક-ધાર્મિક ચળવળો શરૂ થઈ. (બ્રૂસ, ૯૬) આ ભારતીય આધ્યાત્મિક નવજાગૃતિનો જેટલો ખ્રિસ્તી ધર્મ સામે વિરોધ હતો તેટલો જ રૂઢિવાદી હિન્દુ ધર્મ સામે પણ હતો. આ સમયે કાન્ત ઍલફિનસ્ટન કૉલૅજમાં તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. પ્રિન્સિપલ વર્ડસ્વર્થ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક મિસ્ટર મૅકમિલન સાથેની નિકટતા, અજ્ઞેયવાદ અને જેમ્સ સ્ટુઅર્ટ મિલના સ્વાતંત્ર્ય અંગેના વિચારો પ્રત્યેનું વલણ અને બ્રિટિશ સાહિત્યનાં વાચનની કાન્ત પર ઊંડી અસર હતી. અનંતરાય રાવળ મુજબ કાન્ત પહેલાં રમણભાઈ નિલકંઠના એકેશ્વરવાદથી અને ત્યારબાદ મણિલાલ દ્વિવેદીના અદ્વૈતવાદથી પ્રભાવિત થયા હતા. (બ્રહ્મભટ્ટ, ૧૧૫.)
‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિના ‘ઉપોદઘાત [1]’માં રા.વિ. પાઠક નોંધે છે, કાન્તની “ધર્મજિજ્ઞાસા પહેલેથી જ તીવ્ર હતી પણ તેમના લાગણીવાળા સૌંદર્યપરિક્ષક અને તલસ્પર્શી અંત:કરણને કોઈ પણ ધર્મસંપ્રદાય ચાલુ સ્વરૂપમાં ગ્રાહ્ય ન લાગ્યો. પ્રથમ પત્ની નર્મદાના અવસાનથી મર્મવેધી શોકથી એક તરફથી મનોબળ ક્ષીણ થતું ગયું અને બીજી તરફથી ધાર્મિક સાંત્વન મેળવવાની જિજ્ઞાસા વિહ્વલ થતી ગઈ .… મણિભાઈને ઘણાં લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબૉર્ગના સંપ્રદાયનાં પુસ્તકો તેમના વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસતું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતા, એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની એમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કાંઈ કરી શકે તે અલભ્ય હતી. બીજાં કોઈ સ્વજનોનું, જ્ઞાતિજનોનું, મિત્રોનું, હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. મનનો વેગ કોઈથી અટકાવાયો નથી. ૭-૪-૯૮ના પત્રમાં લખે છે ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે.’” વધુમાં પાઠક ઉમેરે છે, “ધર્મજિજ્ઞાસાથી ઇસ્લામ અને શીખધર્મનો અભ્યાસ કર્યો, અને આર્યસમાજમાં તો ભળ્યા પણ ખરા. પણ આ સઘળા ફેરફારમાં ખ્રિસ્તીધર્મ ઉપરની તેમની શ્રદ્ધા ચલિત થઈ નહોતી ….” (પૂર્વાલાપ, ૯૯-૧૦૧) આગળ જોઈશું તેમ હૉપકિન્સના કિસ્સામાં પણ ધર્મપરિવર્તન અંગે આવી જ દૃઢતા અનુભવાય છે.
પ્રિયજનોના ઉપરાઉપરી મૃત્યુથી કાન્ત અત્યંત વ્યથિત હતા. માનવ પ્રેમ નિષ્ફળ ગયો ત્યારે દિવ્ય પ્રેમે પોષવાનું આશ્વાસન આપ્યું. ૧૮૯૩માં રચાયેલા એકરાર કાવ્ય ‘માનસસર’માં કાન્તના મનનો અજંપો વર્તાય છે :
અંતર ઊછળ્યું હો! સહસા ધૈર્ય ગળ્યું હો!
ક્ષોભ થયો વૃત્તિમાં અતિશય, તરંગ જબ્બર ચાલે
માનસસર મારું ડોળાયું, ખૂબ ચલિત જલ હાલે:
સ્થાનક ન મળ્યું હો! સહસા.
હાય! વધે જલ, અલ્પ દીસે સ્થલ, છેવટ રે! શું થાશે?
નાજુક પાળ, પ્રચંડ ભરાવો: હા! શી રીત સમાશે?
જલબલ ન ચળ્યું હો! સહસા.
આવે ઉગ્ર ઉછાળા ઉપર, તોફાન ખરું જામે:
ન્હાનું સર, દેખાવ ભયાનક! શાથી સદ્ય વિરામે?
પાછું ન વળ્યું હો! સહસા.
રંગ ગયો બદલાઈ, ખરેખર નિર્મલતા પણ ઊડી!
જલસેના ઊભરાવા માંડી, પાળો પણ ગઈ બૂડી:
સ્થલ સાથ ભળ્યું હો! સહસા.
ઉપર થઈ ઢોળાય બધેથી મસ્ત ધોધવા દોડે:
જંગ બરાબર થાતાં નિર્બલ પરિસીમાને તોડે:
આખર ન કળ્યું હો! સહસા. (પૂર્વાલાપ, ૪૩-૪૪)
૨૫ માર્ચ, ૧૯૦૦ના દિવસે કાન્તે ભાવનગરના ઘોઘાના સ્કૉટિશ પ્રૅસબિટૅરિયન ચર્ચમાં બાપ્તિસ્મા ગ્રહણ કર્યું. આ અનુભવ એમનાં કાવ્યો ‘પવિત્ર ભોજન’ અને ‘સ્વર્ગગીત’માં નોંધાયેલો છે. પરંતુ બાદમાં કાન્તને ખ્યાલ આવ્યો કે સ્વીડનબોર્ગના ન્યુ ચર્ચ કરતાં જુદા ચર્ચમાં એમણે બાપ્તિસ્મા લીધું હતું એટલે એમણે એમના બાપ્તિસ્માને રદ્દબાતલ જાહેર કર્યું. સતીશ વ્યાસ નોંધે છે એમ, કાન્તે “૧૯૦૦માં ભાવનગર પણ છોડવું પડે છે. આ પછી લાંબી રઝળપાટ ચાલી છે, જે ૧૯૨૩ સુધી રહે છે. ૧૯૧૭માં પ્રાયશ્વિત કરી કાન્ત ફરી હિન્દુ ધર્મમાં પુન:પ્રવેશ કરે છે, પણ ચિત્ત તો ખ્રિસ્તી ધર્મમાં (કાન્તને મન સ્વીડનબોર્ગ્યનીઝમ ખ્રિસ્તી ધર્મ હતો) જ લીન છે. આ પછીના જ વર્ષમાં (૧૯૧૮) બીજી પત્નીનું પણ અવસાન થાય છે. એ પુન: યજ્ઞોપવિત ત્યાગ કરે છે.” (પૂર્વાલાપ, ૫) આ જ બાબત રા.વિ. પાઠક નોંધે છે, “આ ધર્માન્તરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિના ગર્તમાં તેમણે ગાળ્યું.” (પૂર્વાલાપ, ૧૦૧). રઝળપાટ દરમ્યાન થોડો સમય અમદાવાદમાં અજ્ઞાતવાસમાં ગાળવો પડેલો. દીકરાના લગ્ન ટાણે જ્ઞાતિજનોએ ‘શુદ્ધિ વિધિ’ કરાવી, પરંતુ અંદરખાને કાન્ત સ્વીડનબોર્ગ્યન રહ્યા. ૧૯૦૪માં એક પત્રમાં કાન્ત લખે છે, “…મારી માનસિક સ્થિતિ ખરેખર વિષમ થઈ પડી છે. ફરી ફરીને વિચારતાં પણ મારી ધાર્મિક માન્યતા મને ખોટી લાગતી નથી. પણ આપણાં દેશમાં એ માન્યતા બીજાઓ સ્વીકારે એવો સંભવ દેખાતો નથી … (કાન્તમાલા, ૩૫૯). ધર્મપરિવર્તનથી શી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને એની શી કિંમત ચુકવવી પડશે એ કાન્તને બરાબર ખબર હતી. એ સમયની યાતનાની કાન્તે ‘મિત્રને નિવેદન’, ‘કાવ્યમાં અભિવ્યક્તિ કરી છે :
વદને બહુ નીર ભરાય, સખે!
તનુ ચેતન માત્ર હરાય, સખે!
જલને પડદે સઘળે નીરખું:
નિરખું નહિ નેહ જરાય, સખે! (પૂર્વાલાપ, ૫૫)
આમ, કાન્તે બાહ્ય મથામણની સમાંતરે આંતર મથામણ પણ કેટલી અનુભવી હશે એ કલ્પના કરી શકાય છે.
કાન્ત અને હૉપકિન્સ બન્નેએ ધર્મ-પરિવર્તનના નિર્ણયને કારણે સામાજિક નિસરણી પર એક ડગલું નીચું માંડેલું. આ એમના નિર્ણયથી એમને કોઈ લાભ નહોતો ઊલટાનું વિકટ પરિસ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો હતો. હૉપકિન્સની માફક કાન્તને પણ બેવડા અલગાવનો અનુભવ કરવો પડેલો. ખ્રિસ્તી ધર્મ અપનાવવા બદલ પોતાના કુટુંબ અને જ્ઞાતિનો બહિષ્કાર. મુખ્યધારાના ખ્રિસ્તીઓ મુજબ સ્વીડનબોર્ગ મિશન બિનપરંપરાગત પંથ હતો માટે મુખ્યધારાના ખ્રિસ્તીઓનો બહિષ્કાર પણ કાન્તે સહેવો પડ્યો હતો. હૉપકિન્સને ઇસુ-સંઘનો પ્રાપ્ત હતો એવો આશ્રય કાન્તને ઉપલબ્ધ ન હોવાથી એમને વિચરણ કરતા રહેવું પડ્યું હતું જેમાં કાશ્મીર, રાવલપીંડી અને લાહોરના પ્રવાસ દરમ્યાન થોડો સમય અમદાવાદમાં તે અજ્ઞાતવાસમાં રહ્યા હતા. કથળતી તબિયત સાથે એમણે એમના ભાઈને પત્રમાં લખેલું કે એમનું મૃત્યુ થાય તો એમને કાશ્મીરની ખીણમાં એમને દફનાવવામાં આવે. ૧૯૨૩માં એમના મૃત્યુના વર્ષમાં શ્રીનગરમાં એમણે ‘અંતિમ પ્રાર્થના’ કાવ્ય લખ્યું :
ઊંચાં પાણી મને આ સતાવે પિતા!
પ્રભુ તારક! સત્વર ઉદ્ધારી લ્યો!
કૈંક નારકી દૃશ્ય બતાવે, પિતા!
મને પાતકીને દયાથી તારી લ્યો!
મારી હોડી ખરાબામાં તૂટી ગઈ:
મારી જોડી હા માયા તે લૂંટી ગઈ:
મારી હિંમત છેક જ ખૂટી ગઈ:
પ્રભુ તારક! સત્વરે ઉદ્ધારી લ્યો!
મારાં પાપ તણો અરે પાર નથી:
મારા અંતરમાં કશો સાર નથી:
ભવસાગરે અન્ય આધાર નથી:
પ્રભુ તારક ! સત્વરે ઉદ્ધારી લ્યો! (પૂર્વાલાપ, ૯૦)
પ્રમોદકુમાર પટેલ નોંધે છે, “પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે, પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે, જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી.” (પૂર્વાલાપ, ૧૬૦)
રા.વિ. પાઠક નોંધે છે, “આ પહેલાં ઘણી વાર પોતાનો કાવ્યસંગ્રહ છપાવવાની એમની ઇચ્છા થયેલી પણ કોઈને કોઈ કારણથી કામ અટકી પડતું. ૨૧-૪-૦૯ના પત્રમાં લખે છે : ‘મારાં કાવ્યો પ્રસિદ્ધિ માટે તૈયાર કરું છું. “પૂર્વાલાપ” નામ આપવું ધાર્યું છે … તે પછી ૧૯૧૯માં પાછો સંગ્રહ બહાર પાડવા વિચાર કરે છે તે વખતે ‘કાન્તકાવ્યકલાપ’ નામ રાખવાની યોજના જણાય છે અને તેમાં ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’ એ પ્રમાણે બે ભાગ થવાનું જણાવે છે. એ વખતે પણ કશું પ્રગટ ન થયું … ‘પૂર્વાલાપ’ નામ શાથી પડ્યું એ સંબંધી અનેક તર્કો થયા છે. કર્તાએ પોતે કશો ખુલાસો કર્યો નથી એટલે એ સંબંધી તર્કથી વિશેષ થઈ શકે એમ નથી. એટલું તો ચોક્કસ કે કર્તાએ પોતે પોતાનાં કાવ્યો પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગમાં વહેંચવા ધારેલાં હતા. આ રીતે એમનાં જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે … તેમનાં કાવ્યો પત્રો સર્વમાં આ એક જ વસ્તુ પ્રતિત થાય છે. નવા ધર્મના અંગીકાર પછીનાં કાવ્યો ઘણાં ખરાં એ ધર્મશ્રદ્ધાનાં જ છે. એટલું જ નહિ પણ એ શ્રદ્ધાથી અસંગત ભાવનાં જૂનાં કાવ્યો તેમણે ફેરફાર કરી નવી શ્રદ્ધાને અનુકૂળ કર્યાં છે. (‘ચક્રવાકમિથુન’ અને ‘વિપ્રયોગ’ ઉપરનું ટિપ્પણ) માટે પૂર્વાલાપ એટલે આ નવા જ્ઞાનના પાદુર્ભાવ પહેલાંનાં કાવ્યો એટલું ચોક્કસ. અને તેથી ઉત્તરાલાપ એટલે એ નવા ધર્મના મંતવ્યો જેમાં પ્રગટ થયાં હોય તે. ૧૮૯૭ પછીનાં પણ જે કાવ્યો આ મંતવ્યો સાથે સંબંધ ન હોય તે પૂર્વાલાપમાં જ ગણાય. પણ પછીથી ‘કાન્તકાવ્યકલાપ’ ને પૂર્વાલાપ અને ઉત્તરાલાપના વિભાગોમાં પ્રગટ કરવાનો વિચાર બંધ કર્યો એટલે ઉત્તરાલાપનાં પણ જે કાવ્યો આપણા જનસમાજને દુર્ગ્રાહ્ય થાય એટલાં સાંપ્રદાયિક ન હોય તેનો પણ પૂર્વાલાપમાં સમાવેશ કર્યો છે એમ જણાય છે.” (પૂર્વાલાપ, ૧૦૩-૪)
હવે હૉપકિન્સની આધ્યાત્મિક સફર તરફ વળીએ. હૉપકિન્સ ઑક્સફર્ડમાં અભ્યાસ અર્થે ગયા ત્યારે એમને હિબ્રુના રૅજિયસ પ્રોફેસર, ઍડવર્ડ પ્યુસી અને ગ્રીકના રૅજિયસ પ્રોફેસર, બૅન્જામિન જૉઍટ સાથે પરિચય થયો. આ બન્ને વિદ્વાનો અનુક્રમે ‘High Church’ અને ’Broad Church’ના હિમાયતી હતા અને તેથી પ્રતિસ્પર્ધી હતા. આ બન્ને વચ્ચેના મતભેદની ઊંડી અસર જેમ તે વખતના અન્ય વિચારશીલ વ્યક્તિઓ પર એમ હૉપકિન્સ ઉપર પણ થઈ હતી. પ્યુસી સાથે જોડાયા પહેલા થોડો સમય હૉપકિન્સ જૉઍટના બ્રૉડ ચર્ચ તરફ ખેંચાયા હતા. પરંતુ તેમાં હૉપકિન્સ ઝાઝો સમય ટક્યા નહીં. હૉપકિન્સે ઑક્સફર્ડમાં પ્રવેશ લીધો ત્યારે જૉન ન્યુમૅનને ત્યાંથી ચર્ચ ઑવ રોમમાં જોડાયે ૨૦ વર્ષ થઈ ગયાં હતા. ધર્મપરિવર્તન પામેલા વ્યક્તિની કલમે લખાયેલી માર્ગદર્શિકા ગણાતી ૧૮૬૪માં પ્રકાશિત થયેલી ન્યુમૅનની આત્મકથા ‘Apologia Pro Vita Sua’માં વર્ણવેલી આધ્યાત્મિક કટોકટીની અંગત વિગતોનો પ્રગાઢ પ્રભાવ હૉપકિન્સ ઉપર પડેલો. સાથે જ એમને ન્યુમૅન અને પોતાની વચ્ચે સામ્યનો પણ અહેસાસ થયેલો. ૨૧ ઑક્ટોબર, પોતાના ધર્મપરિવર્તનના થોડાં જ મહિના પૂર્વે હૉપકિન્સની ન્યુમૅન સાથે મુલાકાત થઈ અને ૧૮૬૬ના દિવસે પ્રેરણામૂર્તિ ન્યુમૅન હસ્તે જ રોમન કૅથૉલિક ચર્ચમાં જોડાવવાનું સૌભાગ્ય હૉપકિન્સને સાંપડ્યું હતું. અહીં નોંધવું જરૂરી છે કે ધર્મપરિવર્તન બાદ કાન્તે ૧૯૦૪માં ન્યુમૅનના ‘Lead kindly light’ને ગુજરાતીમાં ‘કાર્ડિનલ ન્યુમૅનની પ્રાર્થના’ના શિર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો.
હૉપકિન્સે એમના પત્રો અને ડાયરીની નોંધોમાં પોતાના ધર્મ-પરિવર્તન વિશે મહત્ત્વની વિગતો આપેલી છે જે આ લેખમાં અગાઉ ટાંકેલી છે. વધુમાં, ૧૬ ઑક્ટોબર, ૧૮૬૬ના એમના પિતાને લખેલા પત્રમાં હૉપકિન્સ ખુલ્લા મન અને હૃદયે એમના ધર્મપરિવર્તન અંગેના નિર્ણયનો ચિતાર આપે છે :
“I am surprised you shd. say fancy and aesthetic tastes have led me to my present state of mind : these wd. be better satisfied in the Church of England, for bad taste is always meeting one in the accessories of Catholicism. My conversion is due to the following reasons mainly (I have put them down without order) — (i) simple and strictly drawn arguments partly my own, partly others’, (ii) common sense, (iii) reading the Bible, especially the Holy Gospels, where texts like ‘Thou art Peter’ (the evasions proposed for this alone are enough to make one a Catholic) and the manifest position of St. Peter among the Apostles so pursued me that at one time I thought it best to stop thinking of them, (iv) an increasing knowledge of the Catholic system (at first under Tractarianism, later in its genuine place), which only wants to be known in order to be loved — its consolations, its marvellous ideal of holiness, the faith and devotion of its children, its multiplicity, its array of saints and martyrs, its consistency and unity, its glowing prayers, the daring majesty of its claims, etc. etc. ” (P & P, 165-66)
અહીં નોંધવા જેવી બાબત એ છે કે જે ‘ચર્ચ ઑવ ઇંગ્લૅન્ડ’ હૉપકિન્સે ત્યજ્યું એ ચર્ચમાં ટી.ઍસ. ઍલિયટે ધર્મપરિવર્તન કર્યું. ઍલિયટ ન્યુ ઇંગ્લૅન્ડના યુનિટરી ચર્ચના હતા.
ધર્મપરિવર્તનના એક વર્ષ પૂર્વે હૉપકિન્સે લખેલાં પાંચ કાવ્યોમાંથી એમના કાવ્ય ‘Nondum’માં ઈશ્વર અને એમની હાજરીની ખોજ કરતા હૉપકિન્સ લખે છે :
Dispel the doubt and dry the tears,
And lead me childlike by the hand
SayIf still in darkness not in fear.
Speak! Whisper to my watching heart
One word — as when a mother speaks
Soft, when she sees her infant start. (PGMH, 34)
ખોજમાં આગળ વધતા સાંપડેલી સફળતાની અભિવ્યક્તિ હૉપકિન્સ ‘Let me be to Thee as the circling bird’માં કરે છે, “I have found the dominant of my range and state / Love, O God, to call Thee Love and Love”. અહીં કાન્તનો ૩૦-૧૦-૧૯૦૭નો પત્ર ટાંકવો જરૂરી છે. કાન્ત લખે છે, “વચ્ચે હું નિર્વેદ પામ્યો હતો. મારા જૂના મિત્રોમાંના લગભગ બધાની સાથેનો મારો સંબંધ નષ્ટપ્રાય થયેલો. હવે તે પિતા મને પોતાની વિભૂતિ બતાવવા લાગ્યો છે. તે પિતા સ્નેહ છે. God is Love એ મારું તો ધર્મસૂત્ર છે.” (કાન્તમાલા, ૩૬૩) ‘The Wreck of the Deutschland’માં એમના ધર્મ-પરિવર્તનનો સૌથી સ્પષ્ટ ચિતાર મળે છે. ઍલીઝાબૅથ શ્નાઇડર આ કાવ્યને “an ode to conversion, conversion to the Catholic Church” કહે છે (Schneider, 14). આ કાવ્યમાં હૉપકિન્સ લખે છે, “Thy doing : and dost thou touch me afresh? / Over again I feel thy finger and find thee.” (P & P, 12) ત્યારબાદ હૃદયમાં હર્ષ સાથે હૉપકિન્સે ‘Pied Beauty’, ‘God’s Grandeur’, ‘The Starlight Night’, ‘Hurrahing in Harvest’ અને ‘The Windhover’ જેવાં કાવ્યો રચ્યાં. ધર્મપરિવર્તન બાદ હૉપકિન્સને શાતા વળી પરંતુ અંગત જીવનમાં પરિવાર-મિત્રો સંદર્ભે અને ઈસુ સંઘમાં જોડાવવાથી એમને અળગાપણા, એકલાપણા અને અદૃશ્યપણાનો સામનો કરવો પડ્યો. રગલ્સ નોંધે છે, “converts were treated by friends as though they were dead.” (Ruggles, 142) જ્યારે બરગૉન્ઝી નોંધે છે, “Jesuits were seen as scheming, prevaricating, disloyal and profoundly unEnglish.” (Bergonzi, 4) વિક્ટૉરિયન ઇંગ્લૅન્ડમાં રોમન કૅથૉલિસિઝમ અને ઇસુ સંઘને અંગ્રેજ રાષ્ટ્રભક્તિ સાથે અસંગત માનવામાં આવતા હતા તેથી પ્રૅસબિટરીમાં બહારની દુનિયાથી વિસામો હતો પરંતુ પોતાની અંગ્રેજ રાષ્ટ્રિયતાને લીધે હૉપકિન્સ એમના આઈરીશ સાથીઓ માટે અસ્વિકૃત હતા, તે કાયમી પારકા જ રહ્યા. નીચે ટાંકેલા સૉનૅટમાં હૉપકિન્સ આ બાબતે હૈયુ ઠાલવે છે તે વાંચવાથી એમની વ્યથાનો તાદૃશ્ય ખ્યાલ આવે છે. કાન્તની પણ આવી જ અવસ્થા અંગેની રા.વિ. પાઠકની નોંધ આપણે અગાઉ જોઈ ગયા.
એક તરફ ધર્મપરિવર્તનના અને ઈસુ સંઘમાં જોડાવવાના એમના નિર્ણયથી દુ:ખી માતા-પિતાથી અળગા રહેવાની પીડા અને બીજી તરફ આ જ કારણે એમના સામાજિક બહિષ્કારથી અનુભવાતા સંતાપ અને વિષાદને એમણે એમના ૬ ‘terrible’ અથવા ‘dark sonnets’માં વાચા આપી છે :
To seem the stranger lies my lot, my life
Among strangers. Father and mother dear,
Brothers and sisters are in Christ not near
And he my peace/my parting, sword and strife.
England, whose honour O all my heart woos, wife
To my creating thought, would neither hear
Me, were I pleading, plead nor do I: I wear-
y of idle a being but by where wars are rife.
I am in Ireland now; now I am at a third
Remove. Not but in all removes I can
Kind love both give and get. Only that word
Wisest my heart breeds dark heaven’s baffling ban
Bars or hell’s spell thwarts. This to hoard unheard,
Heard unheeded, leaves me a lonely began. (P & P, 61-62)
આ ઉપરાંત એમની તંદુરસ્તી પણ કથળતી જતી હતી અને ૧૮૮૯માં એ મૃત્યુ પામ્યા ત્યારે એમને પડખે એમના માતા-પિતા હતાં. પરંતુ આ વિષમ પરિસ્થિતિમાં પણ એમનો વિશ્વાસ અડગ રહ્યો. “Between pie mountains — lights a lovely mile.” (P & P, 63) હૉપકિન્સના ‘dark sonnets’ના છઠ્ઠું સૉનૅટ ‘My own heart let me more have pity on’ની આ અંતિમ પંક્તિ છે. સંપાદક ડબલ્યુ.ઍચ. ગાર્ડનર નોંધે છે કે ૮ જૂન, ૧૮૮૯ના દિવસે મૃત્યુ પામતાં હૉપકિન્સના છેલ્લા શબ્દો હતા, “I am so happy, so happy.” (P & P, xxxi) હૉપકિન્સની માફક કાન્તને પણ અનહદ માનસિક અને શારીરિક યાતનાનો સામનો કરવાનો આવેલો જેની સાક્ષી પૂરતા ‘કાન્તમાલા’ના સંપાદક નોંધે છે, “એણે જે જે સહન કર્યું છે તે કલ્પના-ચક્ષુ વડે જે કોઈ થોડુંઘણું પણ પ્રત્યક્ષ કરી શકશે, તે માણસ હશે, તો તેને આંસુ આવ્યા વગર નહીં રહે. આવા બેશુમાર વીતકોવાળા મર્ત્યો માટે ખેર જ મૃત્યુ તે શાંતિ છે.” (કાન્તમાલા, ૩૨૧) કાન્ત પણ દુન્યવી દૃષ્ટિએ ભગ્ન હૃદયે પરંતુ આધ્યાત્મિક ખાતરી અને સંતોષ સાથે મૃત્યુ પામ્યા હતા એવું એમના મૃત્યુના જ વર્ષમાં લખાયેલા એમના અંતિમ કાવ્ય ‘અંતિમ પ્રાર્થના’ પરથી માનવાનું મન થાય.
સંદર્ભ ગ્રંથો :
પૂર્વાલાપ, સં. સતીશ વ્યાસ. ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ, ૨૦૦૮.
કાન્તમાલા, સં. હરગોવિંદાસ કાંટાવાલા. ૧૯૨૪.
મણિશંકર ભટ્ટ ‘કાન્ત’, સં. અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ, ૧૯૭૧.
Christian Missions, Education and Nationalism: From Dominance to Compromise 1870-1930. A. Mathew. Anamika Prakashan, Delhi, 1988.
Gerard Manley Hopkins: A Life. Eleanor Ruggles. The Bodley Head, London, 1947.
Hopkins the Englishman. Bernard Bergonzi. Annual Hopkins Lecture 6. The Hopkins Society, 1975.
PGMH – The Poems of Gerard Manley Hopkins, ed. W. H. Gardner and N. H. Mackenzie. Oxford Univ. Press, London, 1967.
P & P – Gerard Manley Hopkins: Poems and Prose, ed. W. H. Gardner. Penguin, Harmondsworth, 1953.
Religion in the Modern World: From Cathedrals to Cults. Steve Bruce. Oxford Univ. Press, Oxford, 1996.
e.mail : rupaleeburke@yahoo.co.in