Opinion Magazine
Number of visits: 10,221,648
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લવારા, લવારા અને લવારાઓ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2026

રવીન્દ્ર પારેખ

ભારતીય રાજકારણમાં શાસક પક્ષ અને વિપક્ષ કે વિપક્ષો સામસામે શિંગડાં ભરાવતાં જ રહે છે. શાસક પક્ષને પોતાનામાં કંઇ ફેરવિચાર કરવા જેવું લાગતું નથી ને વિપક્ષોને એમાં કશું જ સારું દેખાતું નથી ને સત્ય એ બે છેડાની વચમાં ક્યાંક હોય તો હોય. સામસામે આરોપો મૂકવાનું જ ચાલે છે ને એમાં બોલવાનું ભાન નથી રહેતું ને સામસામી ટીકાઓથી જ પેટ ભરાતું રહે છે. ભલભલા રાજકારણીઓ સામા પક્ષની ટીકાઓ કરીને નિર્વાહ કરતા હોય છે. જરા વિચારો કે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ન હોત, તો આજના વડા પ્રધાન પાસે કહેવાનું જ શું બચ્યું હોત ! કેટલા બધાનો વ્યવહાર આવાં તર્પણ ઉપર જ ચાલતો હોય છે. અહીં નહેરુ માટે બહુ વહી જાય છે, એવું નથી, પણ આમ મૃતકને જીવતો રાખવાથી હાંસલ શું થાય છે તે વિચારવા જેવું છે. હાલના વડા પ્રધાન નહેરુની ખોદણી કરે તો પોતાના પક્ષમાં માન પ્રતિષ્ઠા વધે છે, પણ કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મોદીની ટીકા કરે તો તેને ચૂંટણીપંચ સો કોઝ નોટિસ આપે છે ને એક જ દિવસમાં જવાબ માંગે છે. આમ કરવાથી ખડગેનો બચાવ કરવાનો ઈરાદો નથી, પણ એકને ગોળ ને એકને ખોળ – એ નીતિ પુનર્વિચાર માંગે છે.

એ ખરું કે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કદાચ સૌથી સિનિયર નેતા છે. તેમની પાસેથી ઠરેલપણાંની સહજ અપેક્ષા રહે. ચેન્નાઈની એક સભામાં AIADMK અને ભા.જ.પ.ના ગઠબંધનની ટીકા કરતાં ખડગેએ એવા મતલબનું કહ્યું કે વડા પ્રધાન મોદી આતંકવાદી છે. અન્નાદુરાઈનો ફોટો લગાવનાર AIADMK મોદીને ટેકો આપી જ કઈ રીતે શકે? એ તો આતંકવાદી છે. તેમની પાર્ટી ન્યાયમાં ને સમાનતામાં માનતી નથી. દેખીતું છે કે આ ટિપ્પણીથી ભા.જ.પ. છાવણીમાં ખળભળાટ મચી જાય. આ મામલે ભા.જ.પે. ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથથી લઈને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રવક્તાઓ સુધીના નેતાઓએ આને 1.4 અબજ લોકોનું અપમાન ગણાવ્યું છે. આ પહેલાં પણ ખડગેએ મોદીની તુલના ઝેર સાથે કરી હતી. કાઁગ્રેસે આની જાહેરમાં માફી માંગવી જોઈએ. ખડગેએ ખાતર પર લીંપણ તો ઘણું કર્યું, પણ એમણે સ્વીકારવું જોઈએ કે મોદીને અજાણતાં કે જાણીને આતંકવાદી કહ્યા છે તે હકીકત છે અને એની જાહેરમાં માફી માંગવી જ જોઈએ.

આ અગાઉ થોડા દિવસ પર કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6.4 કરોડ ગુજરાતીઓને અભણ કહીને અપમાનિત કર્યા હતા. કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વયોવૃદ્ધ નેતા વાણી વિવેક ન દાખવે તે ઠીક નથી. તેઓ જ જો સંયમ ન રાખે તો તેમના પછીના અન્ય પક્ષોના નેતાઓ ઉદ્ધતાઈથી વર્તે તો તેને કેમ કરીને રોકીશું? આમ પણ નેતાઓની જીભને હાડકું હોતું નથી ને ખડગે પહેલાં કે પછી પણ અવિવેક. નેતાઓની લાક્ષણિકતા રહી છે. એ સ્થિતિમાં રાજકારણીઓની ઓળખ કઈ રીતે ટપોરીઓથી અલગ હશે તે વિચારવાનું રહે. અહીં કોઈ પક્ષની ટીકા થાય તેની તો ના જ નથી, પણ ખડગે કે કેજરીવાલ કે મમતા બેનર્જી કે ભા.જ.પ.ના કે અન્ય પક્ષના નેતાઓ અંગત આક્ષેપોમાં સરી પડે કે અણછાજતી ટીકા કરે, તો એવી કાદવ ઉછાળ પ્રવૃત્તિઓથી સૌએ દૂર રહેવું જોઈએ. જો કે, તેવું બહુ જોવા મળતું નથી. લવારા કરવાનું જ રાજકારણીઓને સહજ લાગે છે. તેમને બિનસંસદીય શબ્દો વિષે ખાસ ખબર નથી, અથવા તો જાણીને બોલે છે ને પછી માફી માંગી લે કે પ્રકરણ પૂરું થઇ જાય છે. ચૂંટણી વખતે આવા લવારાઓ સહજ થઇ પડે છે. મલ્લિકાર્જુન ખડગેએ ખુલાસો કર્યો કે ચૂંટણીપંચે નોટિસ ફટકારી એટલાથી વાત પૂરી થઈ જાય છે. મોટે ભાગે આ દુષિતો નિર્દોષની જેમ વળી ક્યાંક લવારા કરી લે તો પણ બહુ વાંધો આવતો નથી.

નજીકના જ ભૂતકાળમાં કેટલાક નેતાઓએ કેવા કેવા લવારાઓ કર્યા છે તે જોઈશું તો તેઓ કોઈ પણ હદે જઈ શકે છે એનો ખ્યાલ આવશે. મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીઆ એક પ્રચાર સભામાં માઈક પર જ ગાળ બોલી ગયા ને એના વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલીઆ ગાળ બોલતા જણાય છે ને તે અંગે તેમને કોઈ સંકોચ પણ નથી. આમાં માફી માંગવાનો વિવેક તો નથી જ જળવાતો, બલકે, એવો બેશરમ બચાવ પણ ગોપાલ ઈટાલીઆ કરે છે કે ભાવનગરમાં આવું બોલાવું બહુ સામાન્ય છે. ત્યાં ભાઈઓ-બહેનોમાં આમ બોલાવું સહજ છે. બચાવમાં ઈટાલીઆએ ભાવનગરમાં ભાઈઓ આવું બોલે છે એટલું જ નહીં, બહેનો પણ બોલે છે એવું પણ થયેલાં વિધાનને લઈને મહિલા આયોગે ઉમેર્યું. ભાવનગરમાં એવું કઈ બહેનો બોલે છે તે તપાસનો વિષય છે. બાકી, હતું તે સુરતમાં પણ આવું બોલાય છે, એમ કહીને બધાના જેવું જ પોતે બોલ્યા છે એમ ઠસાવવાનો પ્રયત્ન પણ કર્યો. ઈટાલીઆ આપના ધારાસભ્ય છે. વિધાનસભામાં કેવી સંસદીય ભાષા બોલવી તેનો તેમને ખ્યાલ છે, છતાં માઈક પરથી ગાળ બોલ્યા, એટલું જ નહીં, આવું બધું તો ચાલે એ ટાઈપનો બચાવ પણ કર્યો જે ઘૃણાસ્પદ છે.

બિહારની પૂર્ણિયા લોકસભા બેઠકના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણી કરતાં એવો લવારો કર્યો કે આજના સમયમાં મોટા ભાગની મહિલાઓ કોઈ પુરુષ રાજનેતાના બેડમાં સમય વિતાવ્યા વિના રાજકારણમાં પ્રવેશી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે 90 ટકા મહિલાઓ આવું જ કરે છે. આવાં ગંદા નિવેદન પછી, બિહારના મહિલા આયોગે પપ્પુ યાદવને નોટિસ ફટકારી છે. મહિલા બિલ લોકસભામાં પસાર ન થયું તે મુદ્દે વાત કરતાં યાદવે ઉમેર્યું કે મોટેભાગના પુરુષ નેતાઓ ગીધ જેવા હોય છે. મહિલાઓ અંગેની બીભત્સ ટીકાથી ભારે હોબાળો મચ્યો છે. વધારામાં ઘરેલું હિંસા કોણ કરે છે? મહિલાઓ પર નજર કોણ બગાડે છે? અમેરિકાથી લઈને ભારત સુધીનાં રાજનેતાઓ આવા જ છે, મહિલાઓનું શોષણ હવે સંસ્કૃતિ છે જેવી યાદવની ટીકાથી મહિલા આયોગે આ મામલે થયેલાં વિધાનને ધ્યાને લઈને નોટિસ ફટકારી છે અને ૩ દિવસમાં જવાબ માંગ્યો છે.

આવો જ એક કિસ્સો મોરબી ભા.જ.પ.ના પૂર્વ નેતા અવાડીઆનો અમૃતિયા અંગેનો છે. અવાડીઆને એવું છે કે તેમની ટિકિટ અમૃતિયાને લીધે કપાઈ છે. દેવા અવાડીઆએ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેણે મારી ટિકિટ કાપી તેના આત્માને ત્રણ મહિના અને 21 દિવસમાં ભગવાન શાંતિ આપે. મેં આ માટે ઘરે અખંડ દીવો રાખ્યો છે. હું તેના ફોટાને 111 દિવસે પગે લાગવા જઈશ. રાજ્ય સરકારના મંત્રી અને મોરબી ધારાસભ્યે પણ વળતો જવાબ આપતા કહ્યું કે તાકાત હોય તો સામી છાતીએ લડો. જે દીવો સળગાવ્યો છે, તેનું ઘી હરામના પૈસામાંથી આવ્યું છે. એવું કહેવાય છે કે અમૃતિયાએ ટિકિટ કપાઈ તે મામલે માફી પણ માંગી હતી. આ પછી પણ અવાડીઆ અમૃતિયાને મૃત્યુ મળે એટલે અખંડ દીવો રાખે ને ત્રણ મહિનામાં અમૃતિયાનું મોત થાય એવી બધા રાખે એ અસહ્ય છે. ચૂંટણીમા ટિકિટ મળે તે માટે ને ન મળે તે માટે પણ જે હવાતિયાં મરાય છે તેણે ખેલદિલી જેવા શબ્દનો છેદ ઉરાડી દીધો છે. એ પણ વિચારવાનું રહે કે જીતવાથી કેટલું કંઇ મળતું હશે કે ટિકિટ ન મળવાથી હતાશ ઉમેદવાર કોઈના મોત માટે પ્રાર્થના કરવા લાચાર થાય. એ પણ છે કે લવારા કરવામાંથી કોઈ ગાંજ્યો જાય એમ નથી. લવારા પણ કેવા-કોઈનું મોત ઇચ્છે એવા. આ લવારો એટલો ખતરનાક છે કે મળેલી ટિકિટ પણ છીનવી લેવાય તો કશું ખોટું નથી. લવારાની આ અવધિ છે.

એ અત્યંત દુ:ખદ છે કે આવા લવારિયા ફાલતું નેતાઓ જીતે છે ને નવા લવારા કરવા વિધાનસભા કે સંસદમાં દાખલ પડી જાય છે. આમ થવાનું કારણ તંત્રોની ઢીલાશ જ છે. કોઈ પણ કાયદો આવા લવારિયાઓનું કંઇ બગાડી શકતો નથી, એટલે તેમની હિંમત વધે છે. આવા નેતાઓને ઉઘાડા પણ પાડી શકાતાં નથી, કારણ એ બધાં ઉઘાડાં જ છે. ખુરશી એટલી મહત્ત્વની થઇ ગઈ છે કે તેને માટે નેતાઓ કોઈ પણ પાપ કરવા તૈયાર થઈ જાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઍપ્રિલ 2026

Loading

સંબંધો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|22 April 2026

સોનલ અને હીરાબાને આજે એક સમારંભમાં જવાનું હતું. સમારંભનું આયોજન તો માતા અને દીકરીનું સંયુક્ત હતું.

એટલે હીરાબાએ સોનલને કહ્યું,

“બેટા, સમારંભમાં તારે અને તારી માતાએ જવાનું છે. તેને બોલાવી લે.”

“ના બા, આપણે બંનેએ જવું છે. તમે જ મારી માતા અને સાસુ છો.”

હીરાબા સોનલના આગ્રહને અવગણી ના શક્યાં. ક્યાંક સોનલ નારાજ થઈ જાય તો. હીરાબાને પણ સોનલ ઉપર અપાર પ્રેમ હતો. કોઈને ખબર પણ ન પડે કે આ સાસુ-વહુ છે, કે માતા-દીકરી.

સમારંભમાં વાનગી બનાવવાની, ગીત સંગીત અને “માતા” “દીકરી”માં કોને શું ગમે છે એ માતાએ દીકરી માટે અને દીકરીએ માતા માટેની પ્રશ્નોતરીના જવાબ આપવાના હતા.

આ સ્પર્ધા  પચાસ જોડીઓ વચ્ચેની હતી. સ્પર્ધાને અંતે એકથી ત્રણ અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા.

સ્પર્ધા પૂરી થયા પછી આયોજકોએ પરિણામની જાહેરાત કરી કે પ્રથમ ઇનામ સોનલ અને હીરાબાની ટીમને મળે છે. બાકી બીજા, ત્રીજા અને બાકીના પ્રોત્સાહન ઇનામો હતા તેને જે તે સ્પર્ધકને આપવામાં આવ્યા. જે ટીમને બીજું ઇનામ મળ્યું હતું એ પણ ખુશ હતા કે સોનલ અને હીરાબા પ્રથમ ઇનામ માટે યોગ્ય હતાં.

પણ પછી શું થયું કે જેને બીજું ઇનામ મળ્યું હતું. તેઓને ખબર પડી કે સોનલ અને હીરાબા માતા-દીકરી નહીં પણ સાસુ-વહુ છે. તેમણે આયોજકોને રજૂઆત કરી કે સ્પર્ધામાં નિયમનો ભંગ થયો છે.

આયોજકોએ સોનલ અને હીરાબાને પૂછ્યું, 

સોનલે કહ્યું કે “વાત સાચી છે. હીરાબા મારાં સાસુ છે પણ મારા માટે માતાથી વિશેષ છે.”

સોનલે આયોજકોએ કહ્યું, કે “સ્પર્ધા માતા-દીકરી માટેની આયોજિત કરી હતી. પણ નિયમમાં  ક્યાં ય સગી માતા કે જનેતા એવો ઉલ્લેખ નથી. છતાં સ્પર્ધાના નિયમનો ભંગ થતો હોય તો હું મને મળેલ ઈનામ જતું કરું છું. પણ મારી એક વિનંતી છે કે મારે સ્પર્ધકોને કંઈક કહેવું છે.”

આયોજકોએ સોનલની વિનંતી માન્ય રાખી. સોનલે ઊભા થઇ અને કહ્યું ……..

“માતાઓ અને મારી બહેનો, મારે તમને કંઈ કહેવું નથી પણ મારા મનના ભાવો તમારી સાથે વહેંચવા છે. આપણને જન્મદાત્રી માતા સાથે અતૂટ સંબંધ હોવા છતાં એ સમય મર્યાદાથી બંધાયેલ છે જે આપણા લગ્ન સુધીનો હોય છે, અને પછી આપણી સાસુ, પતિની માતા સાથે સંબંધ બંધાય છે, જે એક બીજાના અંત સમય સુધીનો હોય છે. ટૂંકમાં માતા સાથેનો જે સમય છે તે કરતાં સાસુ સાથેનો સમય વધુ હોય છે. આ બાબતે તો તમે પણ મારી સાથે સહમત થશો.”

“મારી જેમ તમને પણ અનુભવ થયો હશે કે સાસુ તમને કંઈપણ કહેશે પણ બીજાને કંઈ કહેવા નહીં દે, ઢાલ બની ઊભાં રહેશે. ઘરની રસોઈની પદ્ધતિ, રહેણીકહેણી શીખવાડશે. સામાજિક સંબંધોની આટીઘૂંટી સમજાવશે અને કોઈ પણ સમયે પહેલો હોંકારો તે આપશે. માતા તો આપણાથી ક્યાં ય દૂર બેઠી હશે. તો પછી આપણે માતાનું પ્રતિબિંબ સાસુમા જોઈને તેમને માતાનો દરજ્જો કેમના આપી શકીએ?”

“મેં હીરાબાને સાસુ નહીં માતા જ માન્યાં છે અને આજે જે જીત થઈ એ તેનું જ પ્રતિબિંબ છે અને પરિણામ છે. અને મને જો હીરાબા મારા સાસુ છે, માતા નથી એટલે ઇનામ આપવામાં નિયમનો ભંગ થતો હોય તો એ ઇનામ મારે નથી જોઈતું.”

“મને એ નથી સમજાતું કે જો અમે માતા-દીકરી હોત તો ઇનામના હક્કદાર, અને જ્યારે ખબર પડી કે અમારા સંબંધો સાસુ-વહુના છે, તો તે ઇનામના હક્કદાર નહીં. સ્પર્ધામાં ભાગ તો સોનલ અને હીરાબાએ લીધો હતો છતાં હું નિર્ણય તમારી ઉપર છોડું છું.”

સોનલની વાત સાંભળી આયોજકો સાથે બધા જ  સ્તબ્ધ હતા. વાત સાચી હતી. વિચારવા લાયક હતી. આ એક સોનલની નહીં પણ હાજર રહેલી દરેક વ્યક્તિને સ્પર્શતી વાત હતી. આયોજકોએ બધાનો નિર્ણય પૂછ્યો. અને નિર્ણય સોનલ અને હીરાબાની તરફેણમાં આવ્યો.

આયોજનના મુખ્ય વ્યવસ્થાપકે કહ્યું, “આજે સોનલ અને હીરાબાની સાસુ-વહુની જોડીએ  આપસી સંબંધોને જુદી રીતે પરિભાષીત કર્યા છે. વિચાર માટે નવી દિશા આપી છે અને તેમના પ્રત્યક્ષ દાખલાથી એ પુરવાર કરી દીધું કે સંબંધોને કોઈ સીમાડા નથી કે એ અશક્ય નથી.

સૌએ તાળીઓના ગગડાટથી વાતાવરણને હળવું ફૂલ બનાવી દીધું, અને આયોજકોએ જાહેર કર્યું કે હવે પછીની સ્પર્ધા સાસુ-વહુની જોડીની યોજવામાં આવશે.

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

સૂબેદાર – મુખ્યધારાનો દલિત હીરો

મૂળ લેખક - હરીશ વાનખેડે [અનુવાદ - નિલય ભાવસાર]|Opinion - Opinion|21 April 2026

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સિનેમામાં દલિત પાત્રોને વિવિધ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેમ કે જમીનદારોના જુલમનો ભોગ બનેલા દલિત પાત્રો (દામુલ, 1985), આ સિવાય અન્ય એક ફિલ્મ બેન્ડિટ ક્વીનમાં દલિત પાત્ર તેમ જ ઉચ્ચ જાતિઓની મદદ વિના ન્યાય નહીં મેળવી શકતી વ્યક્તિઓ (આર્ટિકલ 15, 2019). “માંઝી” (2015) અને “ન્યૂટન” (2017) જેવી ફિલ્મોમાં અલગ રીતે દલિત પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં બોલિવૂડના એક્શન હીરોની દેખાડાતી તાકાત અથવા લોકપ્રિય અપીલનો અભાવ હતો. આ સંદર્ભમાં અનિલ કપૂરની તાજેતરની ફિલ્મ “સૂબેદાર” મહત્ત્વની છે કારણ કે તે દર્શાવે છે કે વંચિત પણ મુખ્ય પ્રવાહના હીરો બની શકે છે અને વિજય મેળવી શકે છે. દિગ્દર્શક સુરેશ ત્રિવેણીની આ ફિલ્મ “સૂબેદાર” લોકપ્રિય સિનેમાની માચો હીરો પરંપરા સામેનો એક મજબૂત વિરોધ છે. જેમાં એક્શન છે અને સમાજની વાસ્તવિકતાનું ચિત્રણ પણ કરે છે કે જેમાં જાતિ અને સમુદાયની વાત રજૂ થાય છે. “સૂબેદાર” એક એવા હીરોનું ચિત્રણ કરે છે જે જાતિ-આધારિત દબાણ હેઠળ જીવે છે અને પોતાની હિંમત તેમ જ ગુસ્સાથી તે તોડવા માટે પણ તૈયાર છે. ફિલ્મમાં જાતિનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ પ્રતીક અને વર્તન દ્વારા તે દર્શાવવામાં આવ્યું છે, જે દર્શકોએ સમજવું પડશે.

ચંબલના કોતરોમાં સ્થિત આ વાર્તા રેત માફિયાઓનું રાજ હોય તેવા એક નાના શહેરને દર્શાવે છે કે જેનું સંચાલન બાબલી દીદી અને તેના ભાઈ પ્રિન્સ દ્વારા કરવામાં આવે છે. આ પાત્રો જમીનદારી અને જાતિના ઘમંડનું ચિત્રણ રજૂ કરે છે, જે ગરીબોનું શોષણ કરે છે. અનિલ કપૂર સૂબેદાર અર્જુન મૌર્યની ભૂમિકા ભજવે છે કે જે એક નિવૃત્ત સૈનિક છે, જે તેની પત્નીના મૃત્યુ પછી તેની પુત્રી પાસે પાછો ફરે છે. મૌર્ય અને તેની પુત્રી શ્યામા વિવિધ વિલન તરફથી મુશ્કેલીઓનો સામનો કરે છે. મૌર્ય માફિયા નેતા પ્રિન્સ દ્વારા દુર્વ્યવહાર અને અપમાન સહન કરે છે, જ્યારે તેની પુત્રી પોતાની ઓળખ જાહેર કરવા બદલ જાતીય હિંસાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલા હીરોનું ઉભરી આવવું સ્વાભાવિક છે. પિતા અને પુત્રી હાર માનવાનો ઇન્કાર કરે છે અને ગુંડાઓને પડકાર આપે છે અને અંતે લડીને જમીનદારોને હરાવે છે. આ ફિલ્મ શરૂઆતમાં એક સરળ એક્શન ફિલ્મ લાગે છે, તે જાતિ અને સમાજની વાસ્તવિકતાઓને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, ફિલ્મમાં એક જૂની જીપની વાર્તા દર્શાવવામાં આવી છે, જેની ગુંડાઓ દ્વારા તોડફોડ કરવામાં આવે છે. આ જીપ મૌર્યની પત્ની તરફથી ભેટ હતી, જે તેને સમાજમાં માન-સન્માન મેળવવા માટે આપવામાં આવી હતી. દલિત માટે ગાડી હોવી તે આત્મસન્માન અને સમાનતાનું પ્રતીક માનવામાં આવે છે, જેની ઉચ્ચ વર્ગ કદર કરતો નથી. તેથી, ગુંડાઓ જીપની મજાક ઉડાવે છે અને તેને નુકસાન પહોંચાડે છે.

સુબેદાર ફિલ્મમાં “મૌર્ય” અટકનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. ઉત્તર ભારતમાં તે દલિત ઓળખ સાથે સંકળાયેલ છે. ફિલ્મમાં એક દૃશ્ય છે જ્યાં પ્રિન્સ એક લાચાર સ્ત્રીને માર મારે છે અને પછી પોતાના હાથ ધુએ છે, જે “શુદ્ધતા” અને “અશુદ્ધતા”ના વિચારોને પ્રતિબિંબિત કરે છે. બીજા દૃશ્યમાં તે મૌર્યની જીપ પર પેશાબ કરે છે જે વાસ્તવિક જીવનના જાતિ અત્યાચારોને પ્રતિબિંબિત કરે છે. તેમ જ એક ખાલી પડેલું દલિત ગામ પણ બતાવવામાં આવ્યું છે જ્યાં હીરો છુપાઈ જાય છે, આ સમાજની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ કરે છે.

“સૂબેદાર” ફિલ્મ દલિત પાત્રોને નબળા નહીં, પણ મજબૂત અને લડાયક પાત્રો તરીકે દર્શાવે છે. પિતા અને પુત્રી બંને સિસ્ટમ સામે ઊભા છે અને અંતે વિજય મેળવે છે. મૌર્ય અન્ય બોલીવુડ હીરોની જેમ હિંસાનો સહારો લે છે, પરંતુ તે પરિવર્તન લાવવા માટે છે. બહુ ઓછી ફિલ્મોમાં દલિત પાત્રોને આવા ગુસ્સા અને તાકાત સાથે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે અગાઉ ફિલ્મોમાં તેમને નબળા તરીકે દર્શાવવામાં આવ્યા હતા, “સૂબેદાર” તેને મજબૂત, ગુસ્સાવાળા અને વિજયી તરીકે દર્શાવે છે. લાંબા સમય સુધી બોલીવુડે ઉચ્ચ વર્ગના પાત્રોને પ્રાથમિકતા આપી છે તેમ જ દલિત-બહુજન પાત્રોને હાંસિયામાં ધકેલ્યા હતા. “સૂબેદાર” આ પરંપરાને તોડીને એક નવા પ્રકારના હીરોનો પરિચય કરાવે છે. “ભીડ” (2023), “ધડક 2” (2025), અને “હોમબાઉન્ડ” (2025) જેવી તાજેતરની ફિલ્મોમાં પણ દલિત પાત્રોને શિક્ષિત અને પોતાના અધિકારો માટે લડતા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમને ભાગ્યે જ એક્શન હીરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. “સૂબેદાર” આ ખાલી જગ્યાને ભરે છે. દલિત-બહુજન નાયકોનો ઉદ્ભવ દર્શાવે છે કે હિન્દી સિનેમા ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને વધુ વાસ્તવિક વાર્તાઓ રજૂ કરી રહ્યું છે. આ ફિલ્મ ઉદ્યોગને વધુ સમાનતા અને ન્યાય તરફ દોરી જશે. હોલીવુડમાં, “બ્લેક પેન્થર” (2018) જેવી ફિલ્મોમાં અલગ ઓળખ ધરાવતા નાયકો દર્શાવવામાં આવ્યા છે, અને બોલીવુડમાં “સૂબેદાર” એ દિશામાં એક પગલું છે. વિવેચકોએ આવા પરિવર્તનને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી સિનેમા દરેક સમુદાયને સચોટ અને મજબૂત રીતે દર્શાવી શકે.

સ્રોત – 

https://hindi.theprint.in/opinion/anil-kapoor-and-the-rise-of-angry-dalit-bahujan-hero/957479/

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...96979899...110120130...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved