Opinion Magazine
Number of visits: 9846458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નથી આ શાસક પક્ષને શોભતું કે નથી શોભતું વિપક્ષને-

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 November 2023

રવીન્દ્ર પારેખ

વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ભારતની હારને ઘણા ક્રિકેટ રસિકોએ બહુ ખેલદિલીથી સ્વીકારી, પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એ જીતને જીરવી ન શક્યા. ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર મિશેલ માર્સે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકી ફોટો પડાવ્યો ને કેપ્ટન પેટ કમિન્સે તે ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ પણ કર્યો. એક તરફ પહેલીવાર વર્લ્ડ કપ જીતતો ભારતીય કેપ્ટન કપિલદેવ ટ્રોફી માથે મૂકીને તેનું ગૌરવ કરે છે ને બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રોફી પર પગ મૂકી તેનું અપમાન કરે છે. આમ કરીને તો તે પોતાનું છીછરાપણું જ પ્રગટ કરે છે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે કોઈને જ ગૌરવ ન રહે એ રીતનો ટ્રોફી સાથેનો વ્યવહાર મિશેલના આત્મવિશ્વાસને નહીં, પણ તેના અહંકારને જ પ્રગટ કરે છે. આ એક મોટી ભૂલ છે, પણ તે કબૂલ કરવા જેટલો વિવેક તો ઓસ્ટ્રેલિયન ટીમમાં ક્યાંથી હોય?

આનાથી વધુ છીછરી માનસિકતા વર્લ્ડ કપ 2023ને નિમિત્તે રાજકીય પક્ષોએ પ્રગટ કરી છે જે વધારે શરમજનક છે. એક તરફ પાંચ રાજ્યોની ચૂંટણી અને બીજી તરફ આવી રહેલી લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો સામા પક્ષનું અપમાન કરીને જ પોતાનું સ્વમાન જાળવી લે છે. શરમ અને સંકોચ કોઈ પણ પક્ષને ન રહે તો સમજવું કે ચૂંટણી આવી રહી છે અથવા તો ચાલી રહી છે. અત્યારે આ બંને સ્થિતિ છે ત્યારે મોટે ભાગે રાજકીય પક્ષોને ક્યાં ય ચામડી જ રહેતી નથી કે કોઈ વાતે રૂંવાડું ફરકવાનો સવાલ રહે, પરિણામે વાત સામસામા આક્ષેપો અને અપમાન સુધી આવી રહે છે. ગરિમા જેવો શબ્દ લગભગ આઉટડેટેડ થઈ ગયો છે એટલે હીન કોટિના આક્ષેપો કરવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. ચૂંટણી એટલે જ સામેવાળાને નીચા બતાવી પોતાનું છીછરાપણું શિખર પર મૂકવું. સદ્દભાગ્યે આવી તક કોઈ ચૂકતું નથી. હેતુ એક જ હોય છે – સામેવાળાને નિર્વસ્ત્ર કરતાં જઈને પોતાની નગ્નતા ખુલ્લી કરવી. આ બધાંમાં પ્રજા ક્યાં ય આવતી નથી ને વાતો તો પ્રજા હિતની જ થાય છે. જો કે, પ્રગટ હેતુ તો સત્તા મેળવવાનો જ રહે છે. જેની પાસે સત્તા છે તે ટકાવી રાખવા માંગે છે ને નથી તે મેળવવા મથે છે. એને માટે કોઈ પણ પાપ કરવાનો કોઈને જ વાંધો નથી હોતો, ગમ્મત એ છે કે આ બધું પાછું ચોર કોટવાળને દંડે એ ન્યાયે થાય છે.

બન્યું એવું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ જોવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. દરેક ટીમને હરાવી ચૂકેલું ભારત વર્લ્ડ કપ જીતશે જ એવી આગોતરી ખાતરી ભારતીય ટીમ માટે આખા દેશની હતી, પણ ઘોડું દશેરાએ જ ન દોડ્યું ને વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાના કબજામાં ગયો. બહુ થાય તો ક્રિકેટ રસિકોને વાંધો પડે ને એ લવારે ચડે એમ બને, પણ રસ કાઁગ્રેસને પડ્યો. તે એટલે કે સ્ટેડિયમમાં વડા પ્રધાન મેચ જોવામાં હાજર હતા. બસ ! કાઁગ્રેસી પૂર્વ પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીને બહાનું મળી ગયું ને તેમણે એવું બાલિશ સ્ટેટમેન્ટ કર્યું કે પી.એમ. મેચ જોવામાં હાજર હતા એટલે ભારત વર્લ્ડકપ હારી ગયું. પી.એમ. એટલે પનોતી મોદી એવી નવી વ્યાખ્યા રાહુલ ગાંધીએ આપી. પનોતી એટલે શનિની દશા, પડતીનો સમય એવી સામાન્ય સમજ લોકોમાં પ્રવર્તે છે. તેને પી.એમ. સાથે જોડીને રાહુલ ગાંધીએ પનોતીને જ આમંત્રણ આપ્યું છે. ‘મોદી’ નિમિત્તે રાહુલ પર એક કેસ તો ચાલે જ છે, તેમાં નવી ‘પનોતી’ બેસતાં ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. વાત આટલેથી અટકતી નથી, પનોતીનો ઉપયોગ કરીને કાઁગ્રેસે કાર્ટૂનો, પોસ્ટરો પણ બહાર પાડ્યાં છે ને વડા પ્રધાનને પનોતી-એ-આઝમ કહીને તેમની ઠેકડી ઉડાવી છે. પંજાબ કાઁગ્રેસે તો ‘પનોતી, તુમ કબ જાઓગે? ’જેવો સોંસરો સવાલ પણ પૂછી લીધો છે. પી.એમ.ને ખિસ્સાકાતરુ કહેવા સુધી કાઁગ્રેસ ગઈ છે. આવું કરવાથી કાઁગ્રેસને કોઈ લાભ નહીં થાય એવું લાગતાં, કેટલાક કાઁગ્રેસી નેતાઓને જ તેનો વાંધો પડ્યો છે, ભૂતકાળમાં પણ કાઁગ્રેસે ‘મૌતના સૌદાગર’, ‘ચૌકીદાર ચોર હૈ’, ‘ચાઇવાલા’, ‘’ફેંકુ’, ‘નીચ આદમી’ જેવા અણછાજતા શબ્દ પ્રયોગો મોદી માટે કર્યાં છે. એનાથી ભૂતકાળમાં કાઁગ્રેસને તો નુકસાન જ થયું છે. ટૂંકમાં, ‘પનોતી’નો ઉપયોગ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારે એમ બને. એમને નોટિસ અપાઈ છે ને માફી મંગાવવા સુધી વાત આવી છે.

બાકી, હતું તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તો નામ દીધાં વગર નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે કહ્યું કે પાપીઓ વર્લ્ડકપ ફાઇનલ જોવા બેઠા એટલે ઇન્ડિયા હારી ગયું. આ મેચ કોલકાતા કે મુંબઈમાં રમાડાઈ હોત તો ભારત વર્લ્ડ કપ જીતી ગયું હોત. મમતાએ ભગવાકારણનો વાંધો ઉઠાવતા એમ પણ કહ્યું કે ભારતીય ખેલાડીઓ ભગવી જર્સી પહેરવા માંગતા નથી, પણ તેમને પરાણે પહેરાવવામાં આવે છે. વિપક્ષોએ એ સમજવાની જરૂર છે કે માત્ર ટીકા કે મજાક-મશ્કરી કરવાથી ચૂંટણી જીતાતી નથી. એમ પણ લાગે છે કે સામસામી ટીકાઓ કરવા સિવાય શાસકો કે વિપક્ષો પાસે કોઈ કામ રહ્યું નથી. એમને એમ જ છે કે આવી ટીકાઓ કરવાથી જ પ્રજા મત આપશે. જો કે, પ્રજાને આટલી ભોળી આંકવાની જરૂર નથી. કાઁગ્રેસ કે તૃણમૂલ કાઁગ્રેસ કે અન્ય વિપક્ષો જ સરકારની ટીકા કરે છે એવું નથી, શાસક પક્ષ અને તેમાં ય વડા પ્રધાન પોતે કાઁગ્રેસની ને તેનાં નેતાઓની ટીકા કરવાની એક પણ તક ચૂકતા નથી. નહેરુ, ઇન્દિરા, સોનિયા કે રાહુલ ગાંધીની ટીકા કરવામાં પી.એમ. પણ વિવેક ચૂકે છે. સોનિયાની જર્સી ગાય, રાહુલની પપ્પુ કહીને ટીકાઓ ઓછી નથી થઈ. પૂર્વ પી.એમ. મનમોહનસિંહ અને કાઁગ્રેસી નેતા શશિ થરૂર માટે પણ અશોભનીય ટિપ્પણીઓ શાસક પક્ષ તરફથી થઈ જ છે. આમાં કોને નીચા દેખાડીને રાજકીય લાભ ખાટી શકાય એમ છે – એ રીતે આવી ટીકાઓનો લાભ લેવાય છે. એમાં કોઈ, કોઈનાથી ઊતરે એમ નથી. હકીકત એ છે કે વાલને વખાણવા જેવો નથી કે ચણાને ચાખવા જેવો નથી. રાહુલ ગાંધીએ પી.એમ.ને પનોતી કહ્યા તો ભા.જ.પ.ના પ્રવક્તા શહેઝાદ પૂનાવાળાએ પ્રિયંકા, રાહુલ, સોનિયા, રાજીવ, નહેરુ, રોબર્ટ અને ઇન્દિરાનાં નામની સ્પેલિંગનો ઉપયોગ કરીને ‘PANAUTI’ ક્રિએટ કરી અને ‘યે હૈ ભારતકી અસલી પનૌતી’ જેવું પોસ્ટરમાં ઉમેર્યું. કાઁગ્રેસ પનોતી કહે તો ભા.જ.પ. પણ પનોતી કહે એમાં તંદુરસ્ત સ્પર્ધા નથી. સ્પર્ધા એકબીજાને વધુને વધુ નીચા દેખાડવાની છે. એમાં ખેલદિલી દૂર દૂર સુધી ક્યાં ય જોવા મળે એમ નથી. આમ કરવાથી કોનું શું ને કેટલું ભલું થાય છે તે તો જે તે પક્ષ જાણે, પણ પ્રજાને કરમુક્ત મનોરંજન સિવાય કોઈ પ્રાપ્તિ નથી. આવી બાલિશ રમતો બંધ થવી જોઈએ, કારણ આ કોઈને શોભતું નથી. જો રાહુલનું પી.એમ.ને પનોતી મોદી કહેવાનું યોગ્ય ન હોય તો, શહેઝાદ પૂનાવાળાનું કાઁગ્રેસને અસલી પનોતી કહેવાનું કઇ રીતે યોગ્ય છે? કોઈએ પનોતી કહ્યું એટલે અન્યને પણ તેવું કહેવાનો અધિકાર મળી જતો નથી.

આજકાલ શાસક પક્ષ કે વિપક્ષ સામસામા આક્ષેપો કરીને કામ કાઢી લે છે. એમાં વિપક્ષ તો આક્ષેપો કરીને જ દા’ડા કાઢે છે. તેની પાસે પ્રજાની પીડા દૂર થાય એવો કોઈ ઉકેલ હોય તો આનંદ જ થાય, તો એ જ સ્થિતિ શાસક પક્ષની પણ છે. નહેરુને ગુજરી જવાને પણ સાંઠ વર્ષ થવાના. એનું વારંવાર તર્પણ કર્યાં કરવાથી નથી પ્રજાની હોજરી ભરાતી કે નથી તો સરકારને વધુ મત મળતા. ભા.જ.પ.ને પણ કેન્દ્રમાં સત્તામાં આવ્યાને દાયકો થવાનો. ખરેખર તો કાઁગ્રેસને ભાંડીને પરોપજીવી બનવાને બદલે ભા.જ.પે. આત્મનિર્ભર ને સ્વાવલંબી બનવાની જરૂર છે. એટલું સ્પષ્ટ છે કે કાઁગ્રેસને ભાંડીને હવે લાંબું નહીં ખેંચાય. આટલી યોજનાઓ ને આટલો વિકાસ કર્યો હોય તો કાઁગ્રેસ કે વિપક્ષોના જમાવડાની ચિંતા કર્યાં વગર ભા.જ.પે. ઠોસ પરિણામોની જ વાત કરવાની રહે. એ જ રીતે કાઁગ્રેસ કે અન્ય વિપક્ષોએ પણ એ સમજી લેવાનું રહે કે ‘પનોતી’, ‘ફેંકુ’, ‘ચાયવાલા’ જેવું કહેવાથી પ્રજા મત નથી આપવાની. કોઈ નક્કર યોજના કે કામ પ્રજાહિતનું નહીં થાય તો વિપક્ષનો દા’ડો વળવાનો નથી.

આજની તારીખમાં પરિપક્વતાની ખોટ શાસકોમાં ને વિપક્ષોમાં સરખી જ વર્તાય છે ..,

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 નવેમ્બર 2023

Loading

‘લોકોને કઈ રીતે ખબર પડે કે આઝાદી આવી છે?’

રમેશ સવાણી|Opinion - Opinion|26 November 2023

[ભાગ-6]

રમેશ સવાણી

વિધાનસભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ સરકારની વાહવાહી થાય તેવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. મુખ્ય મંત્રી જ આવું આયોજન કરે છે. ગુજરાતમાં, સત્તાપક્ષના ધારાસભ્યો પોતાની મેળે પ્રશ્નો પણ પૂછી શકતા નથી, તેવું વાતાવરણ 2002 પછી નિર્માણ કરવામાં આવ્યું છે. 2022 તથા 2023માં ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષના ધારાસભ્યોએ લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે મોં ખોલ્યું નથી ! ધારાસભ્યોને પોતાના ધંધામાં જ રસ છે, પૈસા બનાવવામાં જ રુચિ છે. તેઓ સેવા માટે ચૂંટાયા નથી, મલાઈ તારવી લેવા માટે જ પરિશ્રમ કરે છે. પરંતુ 1950માં આ સ્થિતિ ન હતી. તે વેળાએ ધારાસભ્યો કંઈક જુદી માટીના હતા. લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ / સરકારી સેવકોની જવાબદારી / સુરક્ષા / શિક્ષણ / આરોગ્ય સવલત / રસ્તાઓ / ખેડૂતોની વેદનાઓ વગેરે માટે અવાજ ઉઠાવવા પરિશ્રમ કરતા હતા !

સોનગઢ, વળા, લાઠી, લિલિયાના ધારાસભ્ય છગનભાઈ પટેલે 22 માર્ચ 1950ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં રજૂઆત કરી હતી : “સરકારી નોકરો સરકાર તેમ જ પ્રજા પ્રત્યે જે રીતનું વર્તન રાખીને કામ કરવું જોઈએ તેવી રીતે નથી કરતા. તેઓ નોકરીના સમય દરમિયાન બેસી રહે છે અને સરકાર અને પ્રજાને મુશ્કેલી થાય તેવી સ્થિતિ ઊભી કરવા પ્રયત્ન કરે છે. તેના સંબંધમાં અહીં સુધી માહિતી ન હોય અને બિલકુલ જ ખ્યાલ ન આવે એમ લાગતું નથી, થોડાઘણાં પગલાં લેવાયા હોય છતાં વાતાવરણ ઘણું જ કલુષિત રહે છે. જ્યારે આઝાદી આવી તે પહેલા લોકોના દિલમાં આશા, તમન્ના જાગ્રત થયેલ હતી, તે આપણે તુરત જ પૂરી ન કરી શકીએ તે સમજી શકાય તેવું છે, પણ સરકારી નોકરો વફાદારીથી વર્તે તેમાં કાંઈ મુશ્કેલીઓ બબ્બે વર્ષથી દેખાતી હોય, તે તુરત દૂર કરવી જોઈએ, જેથી પ્રજાને ખ્યાલ આવે કે આ નોકરો હવે પ્રજાના નોકરો થયેલ છે. બધા નોકરિયાત હવે આઝાદી મળ્યા પછી પ્રજાના નોકરો છે તેવી અસર પ્રજાના દિલ ઉપર ન પડે ત્યાં સુધી આ તંત્ર આપણું છે એવો ખ્યાલ ગ્રામજનતાને પણ ક્યાંથી આવે? નોકરિયાતો તેના તે જ હોય તો ગ્રામલોકોને આ ખ્યાલ ક્યાંથી આવે? વાતાવરણ સારું કરવા જે પ્રયાસ થાય છે તેને ખૂબ ઝડપ આપવાની જરૂર છે, જેથી ગ્રામલોકોને ખબર પડે કે આઝાદી આવી છે અને આપણું રાજ આપણે ભોગવી રહ્યા છીએ … પોલીસ ખાતું, પ્રજાના રક્ષણ માટે છે તેવી છાપ હજી પ્રજા ઉપર પાડી શક્યું નથી …””

“ગામડાંની નિશાળોમાં મોટા ભાગના શિક્ષકો બાળકોને બરાબર ભણાવતા નથી. સરકારને આ માટે ઘણા સૂચનો થયા છે, સૌરાષ્ટ્રમાં મોટી વસ્તી ગામડાંમાં વસે છે, ગામડાંની અજ્ઞાન જનતા કેળવણી માટે ફરિયાદ કરે છે કે કરોડો રૂપિયા સરકાર કેળવણી પાછળ ખર્ચે છે, તે ક્યાં ખર્ચાય છે? ગામડાંમાં વધારે શિક્ષકો રાખવા જોઈએ તેને બદલે આમ કેમ છે? ગામડાંના શિક્ષકો રીસાણા હોય તેમ લાગે છે, શું તેને કાંઈ પગાર કે સગવડ નથી મળતી? ગામડાંના બાળકો મોટી સંખ્યામાં ભણવા આવે, બાળકોને સારામાં સારું શિક્ષણ આપે તેઓ પ્રબંધ થવો જોઈએ.”

“ગામડાંમાં વૈદકીય રાહત જે રીતે અપાય છે તે સંતોષકારક નથી. ગામડાંમાં દર વર્ષે બે મહિના એવા જાય છે કે જેથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. એક બાજુ દિવાળી ટાણું હોય, ઘઉંના વાવેતર શરૂ કરવાના હોય અને બીજી બાજુ મેલેરિયાની સીઝન નીકળે. આપણા પ્રદેશમાં એવું એક પણ ગામ નહીં હોય કે જ્યાં મેલેરિયા ન હોય. ખેડૂતો-મજૂરો સૌને લાગુ પડે છે અને કામના દિવસોમાં કામ અટકી પડે છે. તે વખતે પાંચ દસ ગાઉ દોડધામ થાય. ઇન્જેક્શન ફી, વાહન ભાડું અને ડોક્ટરની વિઝીટ ફી એમ ત્રણ થરી ફી ખેડૂતને ભારે પડે છે. આ દિશામાં શું કરવું જોઈએ? વેળાસર સસ્તી યોજના અમલમાં મૂકવી જોઈએ … સોરઠ જિલ્લાના પ્રભાસ પાટણમાં લોકોના ઉપયોગ માટે જે પાણીની વાવ છે તે વાવના પાણીથી લોકોને વાળાનું દર્દ થાય છે, એ વાત સરકારના લક્ષ ઉપર આવી છે કે નહીં? આવી હોય તો તે સંબંધે સરકારે શું ઉપાયો લીધા છે? વનસ્પતિ ઘી રૂપિયા 1 કે સવાનું મળતું હોવાથી 3 રૂપિયાવાળા ચોખ્ખાં ઘી તરીકે વેચે છે. નીતિનું ધોરણ ખૂબ નીચું લાવવા વનસ્પતિ ઘીએ જબરજસ્ત ફાળો આપ્યો છે. વનસ્પતિ ઘી ખૂબ વપરાશમાં આવતું હોવાથી ખેતી ઉપયોગી પશુઓ બળદ, ગાયો વગેરેને ફટકો પડ્યો છે. વહેલી તકે વેજીટેબલ ઘીને બંધ કરી પશુધનને રક્ષણ આપવું જોઈએ.”

“(4 ઓક્ટોબર 1950) ગઢડા અને ઢસા વચ્ચેના વાહન વ્યવહારમાં ચોમાસામાં સીતાપરી નદી, રસનાળિયો તથા સાદરડીના નેરા વગેરે લઈને ખૂબ મુશ્કેલી આવે છે તો તેના બેઠા પુલ બાંધી ઢસા ગઢડા વચ્ચેનો વાહન-વ્યવહાર ચાલી શકે તેવી સગવડ કરી આપવા સરકાર કૃપા કરશે? ભાવનગરથી રાજકોટ જતી સડકમાં સણોસરા પાસે નદી આડી આવે છે. સડકનો ખૂબ જબરો ઢાળ છે, જેથી સામે કાંઠે જવા અને ખાતરના ભર્યા ગાડાં લઈ જવામાં મુશ્કેલી પડે છે. તેની તપાસ કરી, પુલ કે એવું કાંઈ કરી, એ વેઠવી પડતી મુશ્કેલી દૂર કરવા સરકાર કૃપા કરશે?”

“(9 ઓક્ટોબર 1950) અનાજનું ઉત્પાદન વધારવા માટે હિન્દ સરકાર અને સૌરાષ્ટ્ર સરકાર તરફથી અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સરકારે અનાજ ઉત્પાદન વધારવા ખાતર, બળદ, કોસ, વ્રત, બિયારણ વગેરે માટે અનેક જાતની તગાવી (ધીરાણ-લોન) છૂટે હાથે આપવાની સગવડ કરી છે. પરંતુ ખેતીમાં નકરો પૈસો જરૂરી નથી. ખેતીના કામકાજમાં પૈસા સિવાય માણસો જોઈએ, પશુ જોઈએ, લોઢું-લાકડું-સૂતર જોઈએ. જ્યાં સુધી ગાડાનું ધોંસરું પૈડાં ઊંધા હોય ત્યાં સુધી એક પગલું ન ભરી શકે. ખેતી માટે જુદા જુદા અનેક જાતના સાધનો જોઈએ. આ વસ્તુઓ પૂરી પાડવા માટે સૌરાષ્ટ્ર સરકારે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. ખેડૂતોને લોખંડનો ક્વોટા નામનો જ મળે છે. લોખંડનો ક્વોટા ખૂબ વધારવાની જરૂર છે, તે વગર ખેડૂતને રખડવું પડે છે. પૂરતાં પ્રમાણમાં સાધનો નહીં મળતાં ખેડૂત પૂરેપૂરી રીતે ખેતી પણ કરી શકતો નથી. ખેતી એટલા પૂરતી ઓછી થાય છે અને અનાજ વધારે ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી શકતા નથી. ખેડૂતને સાધનો પૂરાં પાડવા જોઈએ. લોખંડ ખેડૂતોને મળતું નથી અને મકાનોમાં ખૂબ લોખંડ વપરાય છે, ખેડૂતોને માટે આજે આ જીવન મરણનો પ્રશ્ન છે. એટલે વહેલામાં વહેલી તકે આ સગવડ કરવાની જરૂર છે. બહારથી આપણે ખૂબ જ અનાજ મંગાવીએ છીએ પણ સાધનની પૂરી સગવડ મળે તો તે ઘણો ઓછો મંગાવવું પડે ! લોખંડનો ક્વોટા માળબંધ મહેલ, મકાનોને આપવાના બદલે ખેડૂતોને વધારે આપવું જોઈએ … અહીં એક સભ્યએ કહ્યું કે ‘સૌરાષ્ટ્ર સરકાર આવ્યા પહેલાં ઘણું સારું હતું !’ અગાઉ અગાઉ કાઠિયાવાડના રાજ્યોમાં ફક્ત હવા અને પાણી ઉપર વેરો ન હતો. બાકી પ્રજા ઉપર એટલા બધા વેરા હતા કે ખેડૂત ખેતરનું કામ કરીને સાંજે ઘરે પહોંચ્યો હોય ત્યારે વેઠમાં જવાની બીક તો તેના ઉપર ઊભી જ હોય. ખેડૂત ભલે સાજો ન હોય તો પણ તાલુકદાર સાહેબ ઓર્ડર કરે કે તુરત તેને વેઠ માટે ગાડું જોડવું પડે. તેના તાલુકદાર કહે તો ખેડૂતના બૈરાં કે બહેન દીકરીએ ગાર (લીંપણ) પણ કરવી પડે ! કોઈ અમંગળ થયું હોય તો ઘેર રાબડી કરવી પડે. સૌરાષ્ટ્ર થયા પહેલા ગામડાંના લોકોની આ દશા હતી. શું આ બધું સારું હતું? સૌરાષ્ટ્રની 40 લાખની પ્રજા તરફથી 45 સભ્યોને અહીં ભૂમિકા ભજવવા માટે મોકલ્યા છે તે ભૂમિકા આપણે બરાબર ભજવવી જોઈએ.”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 November 2023

રમેશ ઓઝા

જેના પર ભરોસો મૂકી શકાય એવો શ્રદ્ધેય માણસ ધાર્મિક હોવો જરૂરી છે? શું માણસાઈ અને ધાર્મિકતા એકબીજાથી અલગ ન કરી શકાય એવાં અવિભાજ્ય છે અથવા એકના વિના બીજાનું અસ્તિત્વ સંભવી જ ન શકે એવાં અવિનાભવી છે? તમારો અનુભવ શું કહે છે? ઘડીભર માની લો કે તમે હિન્દુ કન્યાનાં હિન્દુ પિતા છો અને તેનાં હિન્દુ યુવક સાથે સગપણનો પ્રસ્તાવ આવ્યો છે. તમે એ યુવક હિન્દુ છે, દેખાવડો છે અને સુખી છે એટલું જોઈને પ્રસ્તાવ મંજૂર રાખશો કે પછી તે અને જે ઘરે દીકરી જવાની છે એ પરિવાર કેટલો સંસ્કારી છે એ પણ જોશો? આપણે દરેક સામેના પક્ષની માણસાઈની અલગથી ચકાસણી કરીએ છીએ. આને અર્થ એ થયો કે ધર્મ અને ધાર્મિકતા માણસાઈની ગેરંટી આપતાં નથી. આનો બીજો અર્થ એ થયો કે માણસાઈ એક ધર્મનિરપેક્ષ મૂલ્ય છે અર્થાત્ માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે. તેને ધાર્મિક હોવાપણા સાથે કે ન હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. અને આ વાત દરેક ધર્મને લાગુ પડે છે, દરેક પ્રજાને લાગુ પડે છે અને ઇતિહાસના કોઈ પણ સમયખંડને લાગુ પડે છે.

માનવીય જીવનમાં જો માણસાઈ સૌથી મૂલ્યવાન જણસ હોય અને એ જો સેક્યુલર હોય એટલે કે ધર્મનિરપેક્ષ હોય તો પછી ધર્મનો શું ખપ? કોઈ ધર્મ પાપ કરવાનું શીખવતો નથી. દરેક ધર્મ સારાં કર્મો કરવાનું અને એ રીતે પુણ્ય કમાવાનું કહે છે. મોક્ષની, નિર્વાણની, મુક્તિની, કયામતના દિવસે રહેમની સીડી સારાં કર્મો દ્વારા જ ચડી શકાય છે. તો પછી દેખીતી રીતે માણસાઈ ધર્મજન્ય હોવી જોઈતી હતી, પણ અનુભવ એમ કહે છે કે માણસાઈ આપણે કોઈ વ્યક્તિના ધાર્મિક હોવાપણામાં નહીં, પણ ધર્મની બહાર જે તે વ્યક્તિના વહેવારમાં શોધીએ છીએ. ઊલટો એવો અનુભવ પણ થાય છે કે અતિ ધાર્મિક માણસ વહેવારમાં ખોટો હોય, સ્વાર્થી હોય અને કોઈને ય પણ છેતરવામાં લાજતો ન હોય.

ટૂંકમાં ધર્મ જો માણસાઈની ગેરંટી ન આપતો હોય અને માણસાઈ ધર્મનિરપેક્ષ સ્વતંત્ર ગુણ હોય તો પછી ધર્મનો શું ખપ? ધર્મિક માણસ મૂલ્યપરાયણ હોય એની કોઈ ખાતરી નથી. ધર્મપરાયણ માણસ અનિવાર્યપણે મૂલ્યપરાયણ ન હોવો જોઈએ? હોવો તો જોઈએ, પણ એવું બનતું નથી. કેમ? આ લાખ રૂપિયાનો સવાલ છે?

ધર્મનું એક આધ્યાત્મિક પાસું છે જે માળખાથી મુક્ત છે અને ધર્મનું એક અસ્મિતાકીય પાસું છે જે માળખાબદ્ધ છે. કોઈ સાચો હિંદુ સાચા હિંદુ બનવા માટેની યાત્રા શરૂ કરે તો એ સાચા માણસ બનવા સુધી પહોંચી જશે. એનું અસ્મિતાકીય હિંદુપણું ખરી જશે. અને જ્યાં સુધી માળખાબદ્ધ અસ્મિતાકીય હિંદુપણું ખરી ન જાય ત્યાં સુધી એ હિંદુ માણસ બની શકવાનો નથી. અને કોઈ પણ ધર્મનો કોઈ પણ સાધક જ્યાં સુધી શુદ્ધ માણસ ન બને ત્યાં સુધી એ મુક્તિનો અધિકારી બનવાનો નથી. આ વાત માત્ર હિન્દુ માટે સાચી નથી, દરેક વ્યક્તિ માટે સાચી છે પછી તે ગમે તે ધર્મનો હોય. એટલે તો સંતો અને સૂફીઓ એક મુકામે પહોંચી જાય છે. બન્નેનું મુકામ એક જ છે, અલગ અલગ નથી.

પણ ધર્મનું અસ્મિતાકીય માળખાબદ્ધ પાસું વધારે પ્રબળ છે અને વર્તમાન યુગમાં એ વધારે પ્રબળ બની રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે એ તમને ચોક્ક્સ ધર્મના અનુયાયી હોવાની અને એ અનુયાયીઓના સમૂહનો હિસ્સો હોવાની સુરક્ષા આપે છે. સમૂહનો હિસ્સો બનવાથી માણસ તરીકેની વ્યક્તિગત જવાબદારીઓ અને માનવીય ધર્મથી મુક્તિ મળી જાય છે. લોકોનાં આવાં પલાયનપારાયણ માનસનો રાજકારણીઓ, ધર્મગુરુઓ અને પુરોહિતો લાભ લે છે. ડરાવો અને વાડામાં પૂરી રાખો. રાજકારણીઓ વિધર્મીથી ડરાવે છે અને પુરોહિતો નર્કનો તેમ જ ૮૪ લાખ યોનિમાં પુનર્જન્મનાં ચકરવાથી ડરાવે છે. ધર્મનું રાજકારણ કરનારા રાજકારણીઓ સુરક્ષાની ગેરંટી આપે છે અને પુરોહિતો તેમ જ ધર્મગુરુઓ સદ્દગતિની ગેરંટી આપે છે. પણ આ બેમાંથી કોઈ માણસાઇની ગેરંટી આપતાં નથી.

ધર્મનું આધ્યાત્મિક પાસું માણસાઈની ખોજ કરનારું પાસું છે, માણસાઈને સમૃદ્ધ કરનારું પાસું છે, અસ્મિતામુક્ત કરનારું પાસું છે, ભયમુક્ત કરનારું પાસું છે, ઈશ્વર સાથે અને માણસ માણસની વચ્ચે એકત્વ સાધનારું પાસું છે. અસ્મિતાકીય માળખાબદ્ધ ધાર્મિકતાથી બિલકુલ સામેના છેડાનું છે. માટે દરેક ધર્મના કોમવાદીઓ (ફરીવાર કહું છું દરેક ધર્મના કોમવાદીઓ) પોતાના ધર્મના હાર્દને તમારી સમક્ષ રજૂ નહીં કરે. ઈશુનાં વચન, મહમ્મદનાં વચન, બુદ્ધનાં વચન, મહાવીરનાં વચન, વેદો તેમ જ ઋષિઓનાં વચન, સંતોનાં વચન, સૂફીઓનાં વચન, મરમીઓનાં વચન જે તે ધર્મના હાર્દરૂપ છે. પણ કોમવાદીઓ તેને તમારી સમક્ષ રજૂ નહીં કરે. એ તેમને માફક આવતાં નથી. એ વચનો માણસને અસ્મિતામુક્ત કરે છે, એ વચન માણસને ભયમુકત કરે છે, એ વચન માણસને માણસ સાથે જોડે છે, એ વચન દીવાલોને તોડે છે.

મારા વાચકમિત્ર, તારે ચાર કામ કરવાં જોઈએ. એક, તારા ધર્મનો હાર્દ શું છે અને શું કહે છે અથવા શીખવે છે એની તપાસ કર. જો તું તારા ધર્મ માટે ગૌરવ અનુભવે છે તો તેનાં અમૂલ્ય હાર્દ માટે અનુભવે છે કે બાહ્ય માળખાં માટે? બીજું, બીજાના ધર્મના હાર્દ પર (હાર્દ પર, બાહ્ય માળખા પર નહીં) પણ એક દૃષ્ટિ કરી જો. એના ધર્મના હાર્દ અને તારા ધર્મના હાર્દ વચ્ચે કેટલો તફાવત છે એ તું પોતે ચકાસી જો. ત્રીજું, તમારા ધર્મના અને એ સાથે વિધર્મીઓના ધર્મના કોમવાદીઓનાં કથન પર એક નજર કરી જો. તેમણે ક્યારે ય તેમના ધર્મના હાર્દની વાત કરી છે? કોમવાદનો લગભગ પોણા બસો વરસનો ઇતિહાસ છે અને એમાં તમને કોઈ ધર્મના કોઇ કોમવાદીનું પોતાનાં ધર્મના હાર્દને સ્પર્શતું હોય એવું એક પણ નિવેદન નહીં મળે. ગેરંટી. તમે પોતે ચકાસી જુઓ. ઘણું કરીને તેઓ એના વિષે જાણતા પણ નહીં હોય. કોમવાદી માનસ વિકસાવવા માટે તેની જરૂર પણ નથી, ઊલટું બાધારૂપ છે. અને ચોથું, માણસ તરીકેનો એક જ જન્મ મળ્યો છે તો માણસાઈની આરાધના કરવાની કે નીચતાની? વિચારી જો. તારું જીવન છે, તારે માર્ગ નક્કી કરવાનો છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 નવેમ્બર 2023

Loading

...102030...938939940941...950960970...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved