Opinion Magazine
Number of visits: 9957401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2023

રમેશ ઓઝા

ચૂંટણી જાહેર થાય એ પછી કયા પક્ષ માટે, કે ગઠબંધન માટે, કેટલી અનુકૂળતા છે અને કેટલી પ્રતિકૂળતા છે એનું આખું તર્કશાસ્ત્ર જો ચૂંટણીનું પ્રત્યક્ષ પરિણામ ધારવા કરતાં વિપરિત આવે તો એ પછી બદલાઈ જતું હોય છે. આવો અનુભવ ભારતના પત્રકારોને અને રાજકીય નિરિક્ષકોને ૧૯૮૯થી થઈ રહ્યો છે. મંડલ, કમંડલ અને એ બન્નેમાં મધ્યમવર્ગની વગ વિસ્તરી એ પછીથી ચૂંટણીકીય પરિણામો વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ બની ગયું છે. ૧૯૮૯ પહેલાં સર્વે અને એક્ઝીટ પોલ સાચા પડતાં હતાં કારણ કે સમાજ આજ જેટલો સંકુલ નહોતો. લોકોની આકાંક્ષાઓ અને સ્વાર્થને અનુલક્ષીને સમીકરણો બદલાતા રહે છે. માટે ચૂંટણી પહેલા મલ્લીનાથી કરનારા પત્રકારો અને રાજકીય સમીક્ષકોને શીર્ષાસન કરવું પડે છે.

સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે કૉંગ્રેસ ભારે બહુમત સાથે તેલંગાણા મેળવશે, પાતળી બહુમતી સાથે મધ્ય પ્રદેશ મેળવશે, ઠીક ઠીક બહુમતી સાથે છત્તીસગઢ જાળવી રાખશે અને રાજસ્થાનમાં પરાજિત થશે. એ પછી વળી અનુમાન કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં કાઁગ્રેસ ભારે મુકાબલો કરી રહી છે અને લડાઇ હિન્દીભાષી પત્રકારોનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીએ તો લડાઇ કાંટે કી હોગી.

પણ એવું બન્યું નહીં. એક માત્ર તેલંગાણા છોડીને કૉંગ્રેસ નિષ્ફળ નીવડી અને બધાં અનુમાનો ખોટાં પડ્યાં. તેલંગણામાં વિદાય લેતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનો ભદ્દી રીતે નજરે પડે એવો ઉઘાડો પરિવારવાદ અને ઊપરથી ભ્રષ્ટાચાર એવો હતો કે લોકોની અંદર અભાવ પેદા થયો હતો. સામે બી.જે.પી.એ કાઁગ્રેસને હરાવવા કે.સી.આર.ને નકલી લડાઇ દ્વારા છૂપો ટેકો આપ્યો હતો જેનો લાભ કાઁગ્રેસને મળ્યો હતો. હવે કે.સી.આર.ના બી.જે.પી. અને ઇન્ડિયા એલયાન્સથી સમાન અંતર રાખીને રાષ્ટ્રીય નેતા બનવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. કે.સી.આર. પોતે બેમાંથી એક બેઠક પર પરાજિત થાય છે. કે.સી.આર. દેવગોવડાના માર્ગે લોકસભાની ચૂંટણી માટે બી.જે.પી. સાથે સમજૂતી કરશે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

રાજસ્થાનમાં કૉંગ્રેસ ભલે જીતે નહીં, પણ જબરદસ્ત લડત આપશે એવા અનુમાનનું કારણ એ હતું કે રાજસ્થાનમાં બી.જે.પી.નાં કદાવર નેતા વસુંધરા રાજે સિંધિયાને બી.જે.પી.ના કેન્દ્રીય નેતૃત્વએ કિનારે કર્યાં હતાં અને તેને કારણે તેઓ નારાજ હતાં. તેઓ અંદરખાનેથી મુખ્ય પ્રધાન ગેહલોતને મદદ કરી રહ્યાં છે એમ માનવામાં આવતું હતું. બીજું કાઁગ્રેસના કેન્દ્રીય નેતાઓએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમજૂતી કરાવી હતી અને તેઓ બન્ને જાહેરમાં તો રામ લક્ષ્મણની માફક બંધુભાવનું પ્રદર્શન કરતા હતા. પણ પરિણામ જોતાં બે ચીજ નજરે પડી રહી છે. વસુંધરા રાજે કાં તો એટલાં નારાજ નહોતાં જેટલાં માનવામાં આવતું હતું અથવા તેમની વગ નરેન્દ્ર મોદીની લોપ્રિયતા અને અમિત શાહની રણનીતિ સામે ઝાંખી પડી છે. બી.જે.પી. કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પરથી આનો જવાબ મળી રહેશે. બીજું રાજસ્થાનની ત્રણ દાયકા જૂની પરંપરા છે કે કોઈ પક્ષને રાજસ્થાનના મતદાતાઓ બીજી મુદ્દત આપતા નથી. એટલે પણ બી.જે.પી.નો વિજય આશ્ચર્યજનક નથી.

મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના પરાજયનું કારણ વધારે પડતો વિજયનો ભરોસો લાગે છે. પ્રારંભથી જ પક્ષ એમ માનીને ચાલતો હતો કે મધ્ય પ્રદેશમાં વિજય નિશ્ચિત છે. કાઁગ્રસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ તો એવી રીતે વર્તતા હતા કે જાણે મુખ્ય પ્રધાનપદની વરમાળા તેમના ગળામાં છે. આ સિવાય ભલે મોડે મોડેથી પણ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું હતું કે મામા ઉર્ફે શિવરાજ સિંહ ચૌહાણ વિના વૈતરણી પાર ઉતરે એમ નથી. બી.જે.પી.એ મામાને રાજી કરીને તેમને સુકાન સોંપી દીધું હતું અને મામાએ નૈયા પાર ઊતારી હતી. પણ વિજય મેળવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે કેમ એ સવાલ છે. જો ન બનાવે તો આશ્ચર્ય નહીં પામતા.

છત્તીસગઢનાં પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. રાજ્યના મુખ્ય પ્રધાનનું શાસન પ્રસંશનીય હતું. ખરું પૂછો તો આજના યુગમાં દાખલારૂપ હતું. ત્યાં બી.જે.પી.નો વિજય થયો છે. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં બી.જે.પી.ને મત આપ્યા છે એ બતાવે છે કે હિન્દુત્વનું રાજકરણ જંગલ સુધી પહોંચ્યું છે.

એકંદરે જોઈએ તો કાઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ. આત્મવિશ્વાસનો દેખાવ અને આત્મવિશ્વાસ પર ભરોસો એ બે જૂદી વસ્તુ છે. બી.જે.પી. આત્મવિશ્વાસનો દેખાવ કરે છે પણ તેનાં પર ભરોસો રાખીને પક્ષ સુસ્ત નથી રહેતો. હાર નજરે પડતી હોવા છતાં છેલ્લા બોલ સુધી પૂરી તાકાત સાથે લડવામાં તે માને છે. કર્ણાટકમાં આ જોવા મળ્યું હતું અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં તેણે હારને વિજયમાં ફેરવી દીધી. બી.જે.પી. પાસે આર.એસ.એસ.ની કેડર છે અને કાઁગ્રેસ પાસે ગ્રામીણસ્તરે સંગઠનનો અભાવ છે. કાઁગ્રસે નીચેથી પક્ષબાંધણી કરવી પડે એમ છે.

રહી વાત ૨૦૨૪ની તો ૨૦૨૪ની લડત ઇન્ડિયા એલયન્સ માટે ધારે છે એટલી આસાન નહીં હોય એ આ પરિણામોએ બતાવી આપ્યું છે. વિરોધીઓએ નરેન્દ્ર મોદીની ત્રીજી મુદ્દત માટે મનોમન તૈયારી કરવી રહી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2023

Loading

આપણે  

‘બાબુલ’|Poetry|10 December 2023

ક્યાંક લોકો મરે છે આપણે ચૂપ રહો 

દુનિયા જોયા કરે છે આપણે ચૂપ રહો

આભ આખું લગાવે આગ ચોગમ અહીં

ખાક પાણી ભરે છે આપણે ચૂપ રહો

ભૂખ તો ક્યાં ય ખોવાઇ બચપણ જેમ અહીં

છોકરાં કરગરે છે આપણે ચૂપ રહો

ગામ છોડી થવાના બાપડા હિજરતી

જીવ સૌ નો ડરે છે આપણે ચૂપ રહો

હાયકારા ચિત્કારો વંચિતો દફન છો

માત રોયા કરે છે આપણે ચૂપ રહો

દેહ ખંડેર છે, માંહ્યલો ય મૃત બાબુલ

શાંતિ ખોયા કરે છે આપણે ચૂપ રહો

e.mail : fdghanchi@hotmail.com

Loading

બે તમિળ મહાકાવ્યોની ગુજરાતીમાં વાચનીય પ્રસ્તુતિ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 December 2023

પુસ્તક પરિચય : 

સમાજઘડતરને ધ્યાનમાં રાખીને સાડા પાંચ તપથી રસાળ સાહિત્યનું સર્જન કરનાર યશવંત મહેતાએ પંચ્યાશીમાં વર્ષે કરેલાં ઉદ્યમ તરીકે ‘બે તમિળ ક્લાસિક્સ’ પુસ્તક મળે છે.

અહીં તેમણે જે મહાકાવ્યોનો કથાસાર ગુજરાતીમાં આપ્યો છે તેમનાં નામ છે ‘સિલપ્પાદિકારમ્‌’ અને ‘મણિમેખલૈ’.

આ કૃતિઓનો અનુમાનિત રચનાકાળ ઇસુની પહેલી સદીથી પાંચમી સદી દરમિયાનનો છે. તેમના લેખકો અનુક્રમે રાજકુમાર ઈલંગો આદિગલ અને વ્યાપારી રાજકુમાર શાત્તન છે.

આ કૃતિઓનાં સમય, ભાષા અને સંસ્કૃતિ ઘણાં અલગ છે, છતાં તે ગુજરાતીમાં રસપ્રદ બને છે. તેનું કારણ યશવંતભાઈની વાર્તા કહેવાની અને વર્ણન કરવાની કળા છે, જે દાયકાઓની મહેનતથી સિદ્ધ થઈ છે.

ગુજરાતી વાચકોને ‘પ્રશિષ્ટનો પ્રસાદ’ વહેંચવાનો તેમનો કસબ ગ્રીક મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’નાં પુન:કથન તેમ જ ‘વિશ્વશ્રેષ્ઠ નવલકથાઓ’ પુસ્તકમાં દેખાય છે. તમિળ મહાકાવ્યોનો કથાસાર પણ અંગ્રેજી અનુવાદ પરથી આપ્યો છે.

અંગ્રેજી અનુવાદક Alain Daniélou (1907-1994) ફ્રેન્ચ માતૃભાષા ધરાવનાર ઇતિહાસકાર, ભારતવિદ્યાવિદ્દ (Indologist), સંગીતજ્ઞ અને લેખક હતા. તેઓ શૈવ સંપ્રદાયના ઊંડા અભ્યાસી હતા, એટલું જ નહીં તેમણે ધર્મપરિવર્તન કરીને એ સંપ્રદાય સ્વીકારેલો. તેમને 1991માં  સંગીત નાટક અકાદમીની ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાહિત્યકૃતિનાં ભાષા, સ્વરૂપ અને સંસ્કૃતિના માર્ગે થતાં રસપ્રદ પ્રવાસના આપણી ભાષાના ઘણા  ઉદાહરણોમાં યશવંત મહેતાના આ કથાકથનનો સમાવેશ થઈ શકે.

યશવંત મહેતા

યશવંતભાઈએ ‘સિલાપ્પાદિકારમ્‌’નું પેટાશીર્ષક ‘કન્નકીની શીલકથા’ એવું આપ્યું છે. સમૃદ્ધ નગર પુહારમાં ધનવાન શ્રેષ્ઠીઓનાં રૂપ-ગુણ સંપન્ન સંતાનો કન્નકી અને કોવાલનનું નવદામ્પત્ય જીવન સુખેથી વીતતું હોય છે.

પતિ એક લાવણ્યવતી નગરનર્તકી માધવીના પ્રેમમાં પડે છે. તેની સાથેના વિલાસમાં પોતાની સંપત્તિ ગુમાવી બેસે છે. કન્નકી ભાંગી પડે છે, પણ પતિને વફાદાર રહે છે. પ્રેમીઓની વચ્ચે ભંગાણને પગલે પાછા આવેલા કોવાલનને કન્નકી માફ કરે છે.

બેઘર અને નિર્ધન દંપતી જિંદગીની નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કરે છે. તેના માટે તેઓ એક જૈન સાધ્વીની ઓથે લાંબો દુર્ગમ પ્રવાસ ખેડીને વેપારવણજથી ધમધમતા ઇચ્છિત નગર મદુરાઈ પહોંચે છે. અહીં કોવાલનને વ્યવસાય શરૂ કરવા માટેની મૂડી મેળવવા કન્નગી પોતાના પગનો તોડો આપે છે.

નાયક એ વેચવા નીકળે છે. રાજ-સોનીએ નગરની રાણીનું આવું જ ઘરેણું ઓળવ્યું છે. તે ચોરી છુપાવવા સોની કોવલન પાસેનું ઘરેણું રાણીનું ચોરેલું ઘરેણું છે એવું રાજાને ઠસાવે છે. પોતાના ન્યાયીપણા માટે મિથ્યા ગર્વ ધરતો મદુરાનો રાજા કશું ય જાણ્યા-પૂછ્યા વિના કોવાલનને મૃત્યુદંડ આપે છે.

પતિના આવા અન્યાયપૂર્ણ મોતથી અત્યંત દુભાયેલી – પુસ્તકના મુખપૃષ્ઠ પર જોવા મળતી –  કન્નકી પોતાના ચારિત્ર્યના બળે મદુરાનગરને ભસ્મીભૂત કરે છે. યશવંતભાઈ નોંધે છે : ‘આ કથા એક શીલવતી નારી દ્વારા અન્યાયના પ્રતિકારની કથા છે.’

બીજા મહાકાવ્ય ‘મણિમેખલૈ’ની નાયિકા પહેલા મહાકાવ્યના નાયક કોવાલનની દીકરી છે, જે તેના નગરનર્તકી સાથેના લગ્નબાહ્ય સંબંધથી જ્ન્મેલી છે. તેના પર મોહિત રાજકુમાર ઉદયકુમાર તેને પામવા મથે છે.

તેનાથી બચવા માટે એક પુષ્પવાટિકામાં છુપાઈ જનાર મણિમેખલૈને એ જ્ગ્યાએ બુદ્ધનાં પગલાં અને ચૈત્યનાં દર્શન થાય છે, જેનાથી તેના આત્મવિકાસનો આરંભ થાય છે. ક્રમશ: તેનું એવું ઊર્ધ્વીકરણ છે કે તે અમરત્વ ભણી ગતિ કરે છે.

આ કાવ્ય બૌદ્ધ ધર્મકેન્દ્રી છે. અનેક ધર્મોના વિચારોની ઝલક આપીને બુદ્ધવિચાર કેવી રીતે શ્રેષ્ઠ છે તેનું એમાં નિરૂપણ છે. બુદ્ધદર્શનમાં ગરીબો-પીડિતો પ્રત્યે અનુકંપા સમાયેલી છે એવું અહીં વારંવાર બતાવવામાં આવ્યું છે. કથામાં મણિમેખલૈને મળેલું ભિક્ષાપાત્ર મહત્ત્વનું પ્રતીક છે. તે ખરેખર તો એક અક્ષયપાત્ર છે જેના વડે નાયિકા અગણિત ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારે છે.

‘મણિમેખૈલે’નો અંગ્રેજી અનુવાદ The Dancer with a Magic Bowl અર્થાત ‘ચમત્કારિક ભિક્ષાપાત્રવાળી નર્તકી’ એમ થયો છે. જો કે નાયિકા નર્તકીની પુત્રી છે, પણ ખુદ નર્તકી તરીકે પેશ આવતી નથી. કથાની શરૂઆતથી જ એને બૌદ્ધ વિચારના સંપર્કમાં આવવાનું બને છે. કૃતિ આગળ વધે છે તેમ મણિમેખલૈ લોકોના કલ્યાણ માટે જીવન સમર્પિત કરી દેવા પ્રેરાય છે.

પ્રસ્તુત પુસ્તક માટેની પ્રેરણાની લેખકની કેફિયત રસપ્રદ છે. તેમણે પહેલાં મહાકાવ્યનો અંગ્રેજી મુક્તાનુવાદ The Tale of an Anklet તરીકે ચાળીસેક વર્ષ પૂર્વે વિખ્યાત સામયિક The Illustrated Weekly of Indiaમાં વાંચેલો. પછીના વર્ષોમાં ‘મણિમૈખલે’નું અંગ્રેજી પુસ્તક એક મેળામાં જોયેલું.

‘બન્ને કથાઓનું વારંવાર વાચન કરતાં હું એમના પ્રેમમાં પડી ગયો’, એમ કહીને લેખક ઉમેરે છે કે તેમણે આ બંને કથાઓ 1993-94માં અખબારી કૉલમ તરીકે આપી. પછી એ ‘ફાઇલમાં કેદ થઈ ગઈ’. કોરોના કાળમાં ‘યમરાજાએ બારણે ટકોરા મારવા માંડ્યા’ એટલે ‘અધૂરાં કામ પૂરાં કરવા’ માટે આ પુસ્તક થયું.

તમિળ-ગુજરાતીના સંદર્ભે અહીં એ પણ નોંધવું જોઈએ કે નવનીત મદ્રાસી (1919-2006) છવ્વીસ નવલકથાઓને સીધી તમિળ ભાષામાંથી ગુજરાતીમાં લાવ્યા છે, જે બીરેન કોઠારીએ લખેલાં તેમના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે.

તેના ઘણાં વર્ષ બાદ તમિળ સાહિત્ય પરનું યશવંતભાઈનું પ્રસ્તુત પુસ્તક અંગ્રેજીમાંથી મળે છે. તેને ત્રણસો જેટલાં પુસ્તકોના ‘જીવનસમર્પિત લેખક’ પોતાનું ‘ખિસકોલી-કાર્ય’ ગણાવે છે.

—————————————————– 

બે તમિળ ક્લાસિક્સ, પ્રકાશક : યશવંત મહેતા, પાનાં 12+172 = 184, રૂ. 250/-

વિતરક : ગૂર્જર સાહિત્ય ભવન, ફોન 079-2214 4663, 92 27 05 57 77

[630 શબ્દો] 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...949950951952...960970980...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved