Opinion Magazine
Number of visits: 9957598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસ્લિમોએ જિહાદ અને સત્યાગ્રહ વચ્ચે તુલના કરવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2023

રમેશ ઓઝા

જાણીતા રાજકીય સમીક્ષક અને અર્થશાસ્ત્રી સ્વામીનાથન અંકેસરિયા ઐયરે તેમની ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માંની કોલમમાં લખ્યું હતું કે જો પેલેસ્ટેનીઓએ હિંસાની જગ્યાએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોત તો તેમને તેમની હકની લડાઇમાં સફળતા મળી હોત .. તેમની આ વાત વિચારણીય છે. 

અહિંસા ગાંધીજીની જીવનનિષ્ઠા હતી. ગાંધીજીની હયાતીમાં જ કેટલાક લોકોને સમજાઈ ગયું હતું કે અહિંસા ગાંધીજી માટે ભલે જીવનનિષ્ઠા હોય; શાંતિપૂર્વકનો સંઘર્ષ, પ્રતિકાર અને અસહકાર તો અકસીર છે. એ પણ ગાંધીજીના કહેવાથી સમજાઈ ગયું હતું એવું નહોતું. લોકમાન્ય તિલકે અને લાલા લજપતરાયે તો ગાંધીજીના અહિંસાના આગ્રહ સામે પ્રતિવાદ કર્યો હતો અને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ભલે અહિંસક લડત સફળ નીવડી હોય, ભારતમાં એ શક્ય નથી. એ તો  ભારત આવ્યા પછી ચંપારણમાં કરેલા સત્યાગ્રહનાં પરિણામ જોઈને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. જેનો સૂરજ આથમતો નહોતો એવાં બ્રિટિશ સામ્રાજ્યને અહિંસા અથવા શાંતિમય સંઘર્ષ દ્વારા ઝૂકાવી શકાય છે એનો ભારતનાં નેતાઓને અને દુનિયાને પરિચય થવા લાગ્યો હતો. દુનિયા કુતૂહલપૂર્વક ગાંધીજીને જોતી થઈ હતી.

વાત એમ છે કે હિંસા કરાવામાં રાજ્ય જેટલી શક્તિ ધરાવે છે એટલી શક્તિ પ્રજા સંગઠિતપણે પણ ધરાવતી નથી. અસંતુલિત મુકાબલો છે. એટલે રાજ્ય ગમે એટલો અન્યાય કરે, ગમે એટલો જુલમ કરે, ગમે એટલી મનમાની કરે, પ્રજાને એ સહન કરવા સિવાય રસ્તો નહોતો. લોકો સારા શાસકો માટે પ્રાર્થના કરે એ સિવાય કોઈ વિકલ્પ નહોતો. એટલે તો ભારતમાં જ્યાં જ્યાં રિયાસતોનો અંત આવતો હોય અને અંગ્રેજી રાજ્ય લાગુ થતું હતું ત્યારે લોકો તેનું સ્વાગત કરતા હતા. લોકોને એમ લાગતું હતું કે અંગ્રેજોનું રાજ્ય ન્યાયી છે અને ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય છે. દલપતરામનું હરખ હવે તું હિન્દુસ્તાન નામની કવિતા તો જાણીતી છે.

ટૂંકમાં હિંસાના માર્ગે કયારે ય પ્રજા રાજ્ય સામે ટકી ન શકે. લોકો રહેમદિલી અને ન્યાય માટે આજીજી કરતા હતા. ગાંધીજી ભારત આવ્યા એ પહેલાં કાઁગ્રેસનાં નેતાઓ પણ માગણીઓનાં ઠરાવો કરતા હતા અને ક્યારેક પ્રતિનિધિમંડળને મોકલતા હતા. આ સિવાય બીજું શું કરવું એ કોઇને સૂઝતું નહોતું. દેખીતો અન્યાય થઈ રહ્યો છે પરંતુ તેનો અંત કઈ રીતે લાવવો? પ્રજા શું કરી શકે? હિંસક માર્ગે રાજ્ય સામે ટકી રહેવું અસંભવ છે. રાજ્ય અનેકગણી સંહારક શક્તિ ધરાવે છે.

આનો ઉપાય ગાંધીજીએ શોધી કાઢ્યો અને એ વિશ્વમાન્ય બનવા લાગ્યો. શક્ય હોય તો સંગઠિતપણે અને નહીં તો એકલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો, સાતત્યપૂર્વક સંઘર્ષ કરવાનો, રાજ્ય જુલમ કરે તો સહન કરી લેવાનો, હજુ વધુ જુલમ કરે તો હજુ વધુ સહન કરી લેવાનો, જેટલો જુલમ કરે એટલો સહન કરી લેવાનો અને એક દિવસ જુલમ કરનારાને જ શરમ આવવા લાગશે. અન્ય લોકો, અન્ય દેશો અને પ્રતિષ્ઠિત નાગરિકો જુલમ સહન કરનારાની વહારે ધાશે. જગતમાં બદનામી થશે અને સૌથી મોટી વાત એ કે જુલમ કરનાર રાજ્યને છે.

અહિંસક માર્ગે ભારતને આઝાદી મળી એ પછી જગતમાં ન જાણે કંઈ કેટલા ય લોકોએ અહિંસક અથવા શાંતિપૂર્વકના સંઘર્ષનો માર્ગ અપનાવ્યો. માર્ટીન લ્યુથર કિંગ, નેલસન મંડેલા, લેચ વાલેસા વગેરેએ ગાંધીનો માર્ગ અપનાવીને પોતપોતાના દેશોમાં સફળતા મેળવી હતી. જગત આખામાં કોઈ પણ દિવસે ઓછામાં ઓછાં દસ વીસ જગ્યાએ સત્યાગ્રહ ચાલતા જ હોય છે.

તો પછી પેલેસ્ટાઈનના લોકોએ ઈઝરાયેલ સામે સત્યાગ્રહનો માર્ગ કેમ નહીં અપનાવ્યો? તેમની નજર સામે જગતમાં સત્યાગ્રહો થઈ રહ્યા છે અને મોટાભાગના લોકોને સફળતા મળી રહી છે અને એ છતાં તેમણે અહિંસક સત્યાગ્રહનો માર્ગ નહીં અપનાવ્યો એનું શું કારણ? એનાં બે કારણ છે એક તો જિહાદ અને બીજું આગળ આ કોલમમાં મેં લખ્યું હતું એમ ઉમ્મા એટલે કે વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ તેમ જ વૈશ્વિક મુસ્લિમ સારોકાર. શરિયા મુજબ જિહાદ એટલે કે ધર્મયુદ્ધમાં જે મૃત્યુ પામે છે તે સીધો જન્નતનો અધિકારી બને છે. આને કારણે સફળતા કરતાં મરી ફીટવાની તમન્ના પ્રબળ બનવા લાગી. તેઓ હિંસક હુમલાઓ કરીને જરૂર પડ્યે જન્નતનશીન થતા હતા, એ રીતે લડવૈયાઓને ગુમાવતા હતા અને ઇઝરાયેલને તેમને ત્રાસવાદી તરીકે ઓળખાવવાનો મોકો મળી ગયો. માત્ર ઇઝરાયેલ નહીં, જગત આખું તેમને ત્રાસવાદી તરીકે ઓળખાવે છે. છેવટે ઇઝરાયેલની સંહારક શક્તિ સામે તેઓ ટકી નથી શકતા. આ બાજુ મુસ્લિમ વૈશ્વિક બંધુત્વ અને મુસ્લિમ વૈશ્વિક સરોકાર કોઈ કામમાં નથી આવતા. સત્ય પેલેસ્ટાઈનના લોકોના પક્ષે હોવા છતાં તેઓ ઇઝરાયેલની સંહારક શક્તિ સામે પરાજિત થાય છે. માટે સ્વામીનાથન અંકલેસરિયા ઐયરે લખ્યું હતું કે જો પેલેસ્ટિનિયનોએ અહિંસક લડતનો માર્ગ અપનાવ્યો હોત તો તેમને સફળતા અવશ્ય મળી હોત અને તેઓ ત્રાસવાદી તરીકે ન ઓળખાતા હોત.

આજે જગતમાં ભાગ્યે જ કોઈ દેશ કે દેશની પ્રજા હશે જેણે ક્યારેકને ક્યારેક રાજ્ય સામે સત્યાગ્રહનો માર્ગ નહીં અપનાવ્યો હોય. આમાં અપવાદ છે મુસ્લિમ દેશો. હું ખોટો હોઈ શકું, પણ કોઈ મુસ્લિમ બહુમતી દેશમાં મુસ્લિમોએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોય એવું મારા જોવામાં નથી આવ્યું.

મુસ્લિમોએ જિહાદ અને સત્યાગ્રહ વચ્ચે તુલના કરવી જોઈએ. ખુલ્લી આંખે અસરકારકતા તપાસવી જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 17 ડિસેમ્બર 2023

Loading

હીરો મોંઘો અને પાણી સસ્તું કેમ?

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|17 December 2023

નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ – ૨

અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સિદ્ધાંત (Theory of Value) પ્રયોગમૂલક અને નૈતિક એમ બંનેનો સંયુક્ત વંશવેલો ધરાવે છે. એક તરફ એ વસ્તુઓની જે કિંમત હોય છે તે કેમ હોય છે તે સમજાવે છે; તો બીજી તરફ, તે વસ્તુઓની કિંમત કેટલી હોવી જોઈએ તે પણ સમજાવે છે. આ કિંમત જ ઉત્પાદકોના પ્રયાસોને અને ગ્રાહકોની જરૂરિયાતને ન્યાય આપે છે. એ એકબીજાનું શોષણ કરતાં લોકોને રોકવા માટે ઘડવામાં આવેલા નૈતિક કાયદા ઉપર આધારિત છે. ન્યાયી (just) કિંમતનો સિદ્ધાંત છેક એરિસ્ટોટલ સુધી જાય છે. મધ્ય યુગીન વિદ્વાનોએ તેની વિસ્તૃત સમજૂતી પણ આપી છે. તેમના આ વિચારનો પાયો દૈવી કે કુદરતી કાનૂનમાં છે એમ કહેવાયું છે. ન્યાયી કિંમત એ વાજબી સોદાનું માપ છે. 

આધુનિક આર્થિક વિચારધારા અગાઉ ન્યાયી કિંમતને અછડતી રીતે પરંપરાગત કિંમત તરીકે જોવામાં આવતી હતી. આખો સમાજ જેને વાજબી સોદા તરીકે જોતો હતો તેનો સંદર્ભ પરંપરાગત કિંમત તરીકે જ હાથવગો હતો. જો કે, ૧૬મી અને ૧૭મી સદીમાં જે ભયંકર ફુગાવો થયો અને વૈશ્વિક સ્તરે જે વ્યાપાર વધ્યો, તેની સાથે જ બજાર કિંમત એ પરંપરાગત કિંમતથી વેગળી થઈ ગઈ. તેને પરિણામે એમ કહી શકાય કે નૈતિક અર્થતંત્ર ધંધાકીય અર્થતંત્રની તુલનાએ સંકોચાતું ગયું. 

મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એ ન્યાયી કિંમતના સિદ્ધાંતનું વ્યવહારુ સ્વરૂપ હતું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એટલે કે એડમ સ્મિથ અને તેમના અનુયાયીઓ તથા ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીઓએ ઉત્પાદક અને અનુત્પાદક શ્રમ એમ બે શ્રમ અલગ કરી નાખ્યા. મૂલ્યના શ્રમ સિદ્ધાંતનો ઈરાદો એ હતો કે કિંમતના એ ભાગને અલગ ગણવો કે જે મૂલ્યનો ભાગ નથી, પણ જે ખરેખર તો ભાડું છે. આર્થિક ભાડું એવી કિંમત છે કે જેનો વાસ્તવિક ખર્ચ સાથે કશો સંબંધ નથી, તે તો જમીન અને નાણાંના માલિકોને તદ્દન મફતમાં મળે છે. પ્રશિષ્ટ મધ્ય યુગીન અન્યાયી કિંમત એટલે વ્યાજખોરી, લોન ઉપર લેવામાં આવતું વ્યાજ. એ અન્યાયી કે ગેરવાજબી કેવી રીતે? 

વ્યાજ નાણાંમાંથી નાણું જન્માવે છે માટે એ અન્યાયી છે. તમારે જેનો સહેજે ઉપયોગ નથી એવું નાણું ધિરાણમાં આપો તો તેમાં કશો ખર્ચ થતો નથી અને તેથી તમને એમાંથી કશું મળે એનો તમને અધિકાર નથી. 

એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો, બંનેએ એ સ્વીકાર્યું હતું કે લાંબા ગાળાની કે સામાન્ય કિંમત શ્રમના પ્રયાસોથી સમજી શકાય છે, બજાર ભાવથી નહિ. તેનું કારણ એ છે કે બજારના ભાવ તો બદલાયા જ કરે છે. તેમણે શ્રમના પ્રયાસોની કિંમત એટલે કુદરતી કિંમત અને બજાર કિંમત વચ્ચે ભેદ પાડ્યો હતો. એડમ સ્મિથે હીરા અને પાણી વચ્ચેનો વિખ્યાત કોયડો રજૂ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે જિંદગી માટે હીરા તદ્દન નકામા છે અને પાણી જિંદગી માટે ખૂબ જ ઉપયોગી છે છતાં હીરા કેમ મોંઘા છે અને પાણી કેમ સસ્તું છે? એડમ સ્મિથ દ્વારા તેનો જવાબ એમ અપાયો હતો કે, “હીરા ખાણમાંથી બહાર કાઢવાનું બહુ મુશ્કેલ અને ખર્ચાળ છે.” તેના પરથી તેઓ એવા તારણ પર આવ્યા હતા કે “માણસ જે મહેનત કરીને મુશ્કેલ ચીજ મેળવવા માગે છે તેની કિંમત વધારે હોય છે.”

એડમ સ્મિથને અનુસરતાં મૂલ્યનો શ્રમ સિદ્ધાંત જટિલ બની ગયો. શું મૂડીપતિનો શ્રમ પણ વળતરને લાયક છે? ડેવિડ રિકાર્ડો કહે છે કે મૂડી એ સંઘરેલો શ્રમ છે. એમ કહીને તેમણે મૂલ્યના શ્રમ સિદ્ધાંતમાં મૂડીપતિનું વળતર દાખલ કરી દીધું. મૂડીપતિની કરકસર અથવા બચતને પરિણામે જ મૂડી અસ્તિત્વમાં આવે છે. મૂડીપતિની બચત જ શ્રમિકોની પીડાદાયક મહેનતને મૂલ્ય અર્પે છે.

રિકાર્ડોના કિસ્સામાં મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એ ઉત્પાદનના ખર્ચનો સિદ્ધાંત બની ગયો. તેનું એક મૂળ મધ્ય યુગના ન્યાયી કિંમતના વિચારમાં પડેલું છે. પરંતુ તેનો ઈરાદો સ્વહિતને કોઈક નૈતિક મહત્તા આપવાનો હતો, સ્વાર્થમાં મૂલ્યનું આરોપણ કરવામાં આવ્યું – ભાવિ વપરાશ માટે વર્તમાન વપરાશનું બલિદાન. આમ, નફાને એ બલિદાન માટેના ન્યાયી પારિતોષિક તરીકે જોઈ શકાય. બહુ મોડેથી પછી નફો એ જોખમ ઉઠાવવાનું કે સાહસ કરવાનું વળતર છે એવો વિચાર ઉદ્ભવ્યો. 

કાર્લ માર્ક્સનું કામ જુદું હતું. તેમણે મૂલ્યના શ્રમ સિદ્ધાંતને સ્વીકાર્યો. તેમનો ઈરાદો મૂડીવાદી વર્ગના નફાને વાજબી ઠેરવવાનો નહોતો, પણ મૂલ્યના સમીકરણમાંથી મૂડીવાદી વર્ગને દૂર કરવાનો હતો. મૂડીવાદી નાણાંની વપરાશ કરતો નથી તેને તેના નફા સાથે કશી લેવાદેવા નથી; પણ તે શ્રમ કરતો નથી તેની સાથે નફાને સંબંધ છે. નફો કામદાર જે અધિશેષ મૂલ્ય પેદા કરે છે તે મૂડીવાદી લઈ લે છે તે છે. દા. ત. કામદાર આઠ કલાક કામ કરે છે પણ તેને પાંચ કલાકના શ્રમનું જ વળતર આપવામાં આવે છે. આ બે વચ્ચેનો તફાવત એટલે મૂડીપતિનું ભાડું, તેણે મહેનત નહિ કરીને મેળવેલી આવક. માર્ક્સવાદીઓ તેને શ્રમનું શોષણ કહે છે. 

આ શોષણ શક્ય બને છે કારણ કે મૂડીવાદી મશિનોનો માલિક હોય છે. તેથી શ્રમિક પાસે તેનો શ્રમ વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આમ, એક વિશિષ્ટ અન્યાયી સોદાબાજી થાય છે: કામદારે તેને મૂડીવાદી જે વેતન આપે તે સ્વીકારી લેવું પડે છે, ભૂખમરો પણ વેઠવો પડે.

(ક્રમશ:)
સ્રોત: લેખકનું પુસ્તક : ‘What is Wrong with Economics?’
પ્રકરણ: ‘Ethics and Economics’.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉત્કલની શ્રેષ્ઠ વાર્તાઓ, ઉત્તમ ગુજરાતીમાં

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|17 December 2023

પુસ્તક પરિચય

‘શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ’ સંગ્રહમાં રેણુકા શ્રીરામ સોનીએ મૂળ ભાષામાંથી કરેલાં 49 વાર્તાઓના અનુવાદમાં વાચક કલિંગની કંગાલિયતની ઝાળ, ઉત્કલના પરિવેશની છાલક અને ગુજરાતી ભાષાની ભાવવાહિતા ત્રણેય અનુભવે છે.

સાહિત્યનાં અઢાર પુસ્તકોમાં જુદાં સ્વરૂપોની ઉડીઆ કૃતિઓ ગુજરાતીમાં લાવનાર રેણુકાબહેને પ્રસ્તુત સંગ્રહમાં ગયા દોઢસો વર્ષના ઉત્કલ-સાહિત્યના દરેક તબક્કામાંથી વાર્તાઓ પસંદ કરી છે.

એટલે અહીં ઓગણીસમી સદીના પાછલાં વર્ષોમાં લખનારા ફકીર મોહન સેનાપતિથી લઈને કોવિડકાળમાં આદિવાસીઓની દુર્દશા  પર ‘ઘરાક’ વાર્તા લખનાર સમકાલીન લેખક અનિલકુમાર પાઢી સુધીના સમયગાળાના સર્જકોની કૃતિઓ મળે છે.

‘આજની તારીખની વાર્તા’માં મ્યુનિસિપાલિટીના રોકડ ભથ્થાં વિતરણ કેન્દ્રની હરોળમાં ઊભેલો એક નેત્રહીન ભિખારી હાથ વગરની તેની સાથીની રાહ જોઈ રહેલા બાઘા નામના વિકલાંગ ભાઈબંધને પૂછે છે : ‘દરિદ્રતાની સીમારેખા શી છે, તને ખબર છે?’

થોડાંક જ કલાકના સમયગાળામાં સંપન્ન થતાં વસ્તુવાળી આ વેધક સમકાલીન કથાની જેમ આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ દરિદ્રતાની સીમારેખાની ઉપર, નીચે અને આસપાસ રહેતા લોકોના વીતકોનું બયાન છે.

અનુવાદક પ્રસ્તાવનામાં લખે છે :‘ઓડિશા ગરીબ પ્રદેશ છે. ત્યાંની આદિવાસી જનતાની હાલત વિશેષ કરીને દયાજનક છે. સાહિત્યકાર એક સંવેદનશીલ જીવ છે. એની કલમમાંથી શોષિત, નિરાધાર જનતાનાં દુ:ખદર્દની ચીસ સંભળાય એ સ્વાભાવિક છે. એ ચીસ કેવી હૃદયદ્રાવક છે તે આ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં દેખાશે.’

અનુવાદકના વિધાનની પ્રતીતિ સંગ્રહની પહેલી વાર્તા ‘રેવતી’થી થવા લાગે છે. ‘ઉત્કલના વેદવ્યાસ’ ગણાતા ફકીરમોહનની આ વાર્તા ‘ઉડીઆ ભાષામાં પહેલી ટૂંકી વાર્તા’ છે. કટક જિલ્લાના પાટપુર ગામમાં ગરીબી અને કૉલેરાને કારણે કરુણ રીતે નાશ પામતા પરિવારની આ કથામાં નાયિકાનો શિક્ષણ માટેનો તલસાટ પણ જોવા મળે છે.

આ જ નામની બીજી વાર્તા દાયકા પહેલાં નિવૃત્ત થયેલાં સનદી અધિકારી તરુણકાન્તિ મિશ્રાએ લખેલી છે. તેમાં કલાહાન્ડી જિલ્લાના સુરુગિવદર ગામનો ઘાતકી પિતા કુંટુંબની કંગાલિયતમાંથી બચવા સોળ વર્ષની દીકરીને કોલકાતામાં જઈને દેહવ્યવસાયમાં ધકેલી આવે છે.

શાંતિલતા મહાપાત્રની વાર્તામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ભાડુઆતની કુમળી વયની શાળામાં ઇનામો મેળવનાર દીકરી સુશ્રી મકાનમાલિકને ત્યાં આવેલાં કૃષ્ણ તરીકે પૂજાતા ‘મહારાજ’ની વાસનાનો ભોગ બનતા માંડ બચે છે.

રેણુકાબહેને જેમની વાર્તાઓનો આખો સંચય આપ્યો છે તે લેખક મનોજ દાસની ‘લક્ષ્મી’વાર્તા અહીં છે. તેમાં નિશાળમાં ભણતી લક્ષ્મીના પિતા એને નવું ફ્રૉક ન લાવી આપી શકે તેટલા ગરીબ છે.

એક દિવસ ભૂખી લક્ષ્મી, ગામના મંદિરમાં પૂજારી ઘોરતો હોય છે તેવા સમયે ભગવાનની સાથે મીઠા એકોક્તિની ઢબે વાત કરે છે. પછી પ્રસાદ તરીકેનાં કેળાંમાંથી બે લઈ લે છે, પૂજારી તેને પકડે છે, ગામલોક અપમાનિત કરે છે, આઘાતથી આવેલાં તાવમાં છોકરી મૃત્યુ પામે છે.

સમકાલીન લેખક, વિજ્ઞાની અને લોકવિદ્યાના જાણકાર કૈલાસ પટ્ટનાયકની વાર્તામાં ચાના ગલ્લાવાળો ખૂબ કંગાળ ગૌર મા વિનાની તેની એકની એક દીકરી હેમને મેળામાં ગુમાવી બેસે છે. તેને પાછી મેળવવા માટે ભૂવાએ આપેલો નુસખો અજમાવતાં માંદો પડે છે અને દીકરીની રાહમાં ‘કુદરતી દૃશ્ય’ જોવાની ભ્રમણામાં અસ્પતાલની પથારી પર સબડે છે. ‘યાજ્ઞસેની’ નવલકથા માટે જાણીતા પ્રતિભા રાયની ‘સજ્જન’ વાર્તામાં એક આદર્શ પણ ગરીબ શિક્ષકનું દેવાના બોજા તળે મોત થાય છે.

મહિલા લેખકોની નારીપ્રધાન વાર્તાઓમાં બીણાપાણિ મહાન્તિની ‘પાટદેઈ’ વાર્તામાં એ જ નામની નાયિકાની અત્યંત વ્યથિત જિંદગી છે. આ વાર્તાની ત્રણ સિદ્ધિઓ છે – તેના નામ સાથેના સંગ્રહને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, વાર્તાનો ‘ફેમિના’ માસિકમાં અંગ્રેજી અનુવાદ અને તેની દૂરદર્શન પર તેની નાટ્યપ્રસ્તુતિ.

પુષ્પાંજલિ નાયકની ‘પુપૂન પાછો આવ્યો નથી’માં નીચલા મધ્યમવર્ગની ખંડ સમયની અધ્યાપક માધુરીના પોતાના કુટુંબને અને પાણીદાર છતાં બેરોજગાર ભાઈ પુપૂનને સાચવવા માટેના સંઘર્ષની વાત છે.

‘કુરેઈફૂલ’માં પારમિતા શતપથી આંગણવાડી સંભાળતી આદિવાસી કન્યાની શહેરી યુવક દ્વારા પ્રેમના નાટક દ્વારા કરેલી છેતરપિંડીની વાત છે. સાથે વિકાસ ખાતર ગરીબોને આપવા પડતા ભોગનો સંદર્ભ પણ તેમાં છે.

‘સાસરીનું ગામ’માં અત્યારના ચિરશ્રી સિંહા એક સમાજસેવિકાની કથા મુખરતા વિના માંડે છે. બાળવિધવા બન્યા બાદ દક્ષિણ ઓડિશાના ગંજમ જિલ્લાના ડુંગરાળ હલદીપદર પંથકમાં ગાંધી-વિનોબાનું તેમણે આદિવાસીઓ માટે અનેક પડકારોની વચ્ચે કામ કર્યું હતું.

આદિવાસીઓની તાકાત, તેમના ભોળપણ અને તેમના શોષણની વાત સ્વાતંત્ર્યપૂર્વ કાળના વાર્તા કાર ભગવતીચરણ પાણિગ્રાહીએ ‘ઇનામ’ વાર્તામાં કરી છે. આ વાર્તા ગુજરાતી માસિક ‘ઉદ્દેશ’માં  2002માં પ્રસિદ્ધ થયા બાદ ઘણી વખણાઈ હતી. 1973માં જ્ઞાનપીઠ મેળવનાર પહેલા ઉડીઆ લેખક ગોપીનાથ મહાન્તિની ‘કીડીઓ’ વાર્તામાં, ‘ખાલી હાડકાં, ચામડાં, આંખોની બખોલ’ દેખાતાં હોય તેવા કંધ જાતિના આદિવાસીઓની દુર્દશા જોઈને મહાત્ત્વાકાંક્ષી અધિકારી રમેશનું દિલ પીગળી જાય છે.

મહાન્તિ બાદ 1986માં ઉડીઆમાં જ્ઞાનપીઠ સન્માનિત સચ્ચિદાનંદ રાઉતરાય ‘સ્મશાનનું ફૂલ’ નામની વાર્તામાં ગામડામાં મડદા બાળવાવાળા જગુતિઆડીનું અજુગતું પાત્ર હચમચાવી દે તેવી વિગતો સાથે સર્જ્યું છે.

બીજું એક વિશિષ્ટ અને મનોહર પાત્ર અત્યારના લેખક વિષ્ણુ સાહુએ નારિયેળીનાં વૃક્ષોના જાણતલ શ્રમિક ચિન્તો રૂપે પ્રથમ વ્યક્તિ એકવચનની કથનરીતથી આલેખ્યું છે. ‘માની વાડી’ વાર્તામાં વાડી માટેના પ્રેમની ઉત્કટતા જેટલું જ અસકારક સંયુક્ત કુટુંબનું, અને ખાસ તો વાડીનું વર્ણન છે.

પાત્રના ચેતનાપ્રવાહનું નિરુપણ કરતી કે જુદી કથનરીતિ અપનાવવા ધારતી વાર્તાઓ પણ છે. પણ અનુવાદકે એકંદરે પ્રયોગશીલ વાર્તાઓને બદલે સમાજવાસ્તવનું આલેખન કરતી વાર્તાઓને પ્રધાન્ય આપેલું જણાય છે. વળી, ગુજરાતી ટૂંકી વાર્તાઓ કરતાં ઉડીઆ ટૂંકી વાર્તાઓ લાંબી હોવાની છાપ પણ 360 પાનાંના સંગ્રહમાંથી ઉપજે છે.

સમાજના અભાવોના ચિત્રણ જેટલું જ ઉત્કલના જાનપદનું આ વાર્તાઓમાં થયેલું ચિત્રણ રસપ્રદ છે. રેણુકાબહેને પસંદ કરેલી વાર્તાઓમાં મેળા, બજાર, ગામ, વેશ, વાનગીઓના ઉલ્લેખો / વર્ણનો તેમ જ વૃક્ષ, વનસ્પતિ, ફળ, ફૂલ જેવાં ઉલ્લેખોને કારણે ગુજરાતી વાચકને ઉત્કલના તળપદની ઝલક મળે છે.

અનુવાદક લખે છે : ‘પ્રસ્તુત ગ્રંથમાં લીધેલી વાર્તાઓમાં ઓડિશાના ધબકતા જીવનની છબી છે. તે ઓડિશાનું ગ્રામજીવન, નગરજીવન, ઓડિશાની સંસ્કૃતિ, ત્યાંની સામાજિક સમસ્યાઓ અને લોકોનાં નૈતિક મૂલ્યોનું ચિત્ર રજૂ કરે છે.’

વ્યવસાયે એનેસ્થેટીસ્ટ ડૉક્ટર રેણુકાબહેને સંચયની પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘મૂળે હું ગુજરાતી છું, પણ ઓડિશામાં જન્મ, ઉછેર અને શિક્ષણ મેળવ્યાં છે. સને 1980માં લગ્ન પછી રવીન્દ્રતત્વાચાર્ય મુ. નગીનદાસ પારેખ, મારા શ્વશુર બાળસાહિત્યકાર-અનુવાદક રમણલાલ સોની અને ભોળાભાઈ પટેલની પ્રેરણાથી ગુજરાતીમાંથી ઉડીઆમાં અનુવાદકાર્ય શરૂ કર્યું તે આજ  સુધી ચાલુ છે.’

પ્રસ્તુત પુસ્તક રેણુકાબહેને ‘મને અનુવાદની દીક્ષા આપનાર … વાત્સલ્યમૂર્તિ નગીનદાસ પારેખને’ અર્પણ કર્યું છે. ભોળાભાઈ પટેલે એક જગ્યાએ લખ્યું છે કે ‘માતૃભાષા ગુજરાતી કરતાં લગારેક વધારે અધિકાર તેમનો  ઓડિયા  ભાષા પર હશે.’

કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સન્માન પામેલાં રેણુકાબહેને કેટલાંક ગુજરાતી પુસ્તકોનો પણ ઉડીઆમાં અનુવાદ કર્યો છે. તેઓ માત્ર અનુવાદક જ નહીં, ઉડીઆ ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી પણ છે. આ હકીકત ‘ગુજરાતી વિશ્વકોશ’માં તેમણે ‘ઉડિયા ભાષા અને સાહિત્ય’ પર લખેલા વિસ્તૃત અધિકરણ પરથી સમજાય છે.

પ્રસ્તુત સંગ્રહનો વિશેષ એ વિકાસના અણસાર કે અંચળા વિનાના અભાવગ્રસ્ત સમાજનું સાહિત્યકારોએ કરેલું પ્રામાણિક ચિત્રણ  છે.

17 ડિસેમ્બર 2023

‌‌‌‌—————

શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ, પ્રકાશક : ગૂર્જર (2023), પાનાં10+368, રૂ.480/- 

પ્રાપ્તિસ્થાન : ગુર્જર સાહિત્ય ભવન, સંપર્ક : 079-22144663 – મો. 9825268759

ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, સંપર્ક : 079 -26582949, – મો. 9898762263

[960 શબ્દો] 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...940941942943...950960970...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved