Opinion Magazine
Number of visits: 9844838
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકામાં ટ્રમ્પોત્સવઃ નક્કર વચનોના ‘નેરેટિવ’ સામે સલૂકાઇ હારી ગઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 November 2024

વર્તમાન તંત્રની ખામીઓ સામે લોકોના રોષ પર ખેલાયેલી ટ્રમ્પની રાજ રમત, બોલ્ડ વાયદાઓ, દુ:શ્મનોને નાથી દેવાના એજન્ડાનું શક્તિપ્રદર્શન, અત્યારની આર્થિક સ્થિતિને કારણે નિમ્ન સ્તરના લોકોની હેરાનગતિ અટકાવવાની વાતને મતદારોએ ટેકો આપ્યો

ચિરંતના ભટ્ટ

અમેરિકામાં આજે ‘ટ્રમ્પ ઘેર આનંદ ભયો’નો માહોલ છે. અમેરિકામાં ચૂંટણી પહેલાં જેટલા પણ પોલ્સ થયા એમાં દર દસ પોલ્સમાંથી સાત પોલ્સમાં એવી વાત હતી કે દેશમાં ધરમૂળથી બદલાવ થાય એ ઘડી આવી ચૂકી છે અને હવે અમેરિકાનું નેતૃત્વ બહુ જ અલગ હાથમાં જશે અને કમલા હેરિસ દેશનું સુકાન સંભાળશે એવી ચર્ચાઓ ચાલતી હતી. પણ બધા દાવા ખોટા ઠર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ જેની પર જાતભાતના આક્ષેપો થયા છે, જેના વિચારોના વિરોધ કરનારાઓની કોઈ ખોટ નથી, જેના ટેકેદારો કેપિટલ હીલ પર ફરી વળ્યા હતા અને જેના વિવાદાસ્પદ વિધાનોનો કોઇ પાર નથી તે ફરી એકવાર વ્હાઇટ હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે અને એ પણ ધામધૂમથી. ડેમોક્રેટ્સના સૂપડાં સાફ કરીને ટ્રમ્પેટ વગાડતા વગાડતા ટ્રમ્પ ઓવલ ઑફિસમાં ફરી ગોઠવાઇ જવાના છે.

ટ્રમ્પની જીતનાં કારણોનું વિશ્લેષણ થઇ ચૂક્યું છે પણ આપણે સાથે એ પણ જોવું રહ્યું કે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં છવાઇ ગયેલા કમલા હેરિસે ક્યાં કાચું કાપ્યું અને ટ્રમ્પનો અભિગમ પ્રમુખ તરીકે કેવો રહેશે. વળી એ પણ જોવું રહ્યું કે જે ભારતીયોએ અમેરિકાનો નકશો જોવાનો પણ હજી પ્લાન પણ નથી કર્યો એ આપણા દેશબંધુઓ ટ્રમ્પની જીત પર આટલા બધા ગેલમાં કેમ આવી ગયા તો વળી જિઓ પોલિટિક્સ – ભૌગોલિક રાજકારણ પર વૈશ્વિક સ્તરે ટ્રમ્પનું અમેરિકાના પ્રમુખ હોવું કેવો પ્રભાવ પાડશે. આ એવી બાબત છે કે તેમાં જેટલાં પાસાં નાણવાં હોય એટલાં નાણી શકાય અને બધી જ શક્યતાઓ પર વાત કરી શકાય, એમાંથી અમુક મુદ્દાઓ પર આજે નજર કરીએ.

હેરિસની હાર

કમલા હેરિસ

કમલા હેરિસના કિસ્સામાં પાડાને વાંકે પખાલીને ડામ વાળું થોડું ઘણું તો થયું જ છે. જો બિડેનની સત્તામાં જે પણ ખોટાં પગલાં લેવાયાં અથવા તો તેમના લીધેલાં પગલાંની જે પણ આડ અસર પડી, તેનો બોજો કમલા હેરિસને માથે હતો જ અને તે ખંખેરવું તેમને માટે શક્ય નહોતું.  મોંઘવારીની વાત કરીએ તો અત્યારે અમેરિકામાં લોકો તોબા પોકારે છે. કોવિડ-19 રોગચાળા પહેલાં ટ્રમ્પની સરકાર વખતે જે કિંમતે અમેરિકન બજારો દોડતાં ત્યાં ફરી પહોંચી શકવામાં બિડેન સરકાર નિષ્ફળ રહી. હેરિસની લોકશાહીની વાતોની કે ટ્રમ્પની વિભાજનકારી માનસિકતાની વાતોની મોંઘવારી પર કોઇ અસર નથી થવાની એ લોકોને સમજાયું અને કઠ્યું. કમલા હેરિસની પ્રતિભા ગમે એટલી મજબૂત હોય પણ તે અમેરિકન મતદારોના મનમાં એવી છાપ ન છોડી શક્યાં કે તે પોતે જ એ વ્યક્તિ છે જે અમેરિકામાં બદલાવ લાવી શકશે. કમલા હેરિસના છેવાડાના સુધી પહોંચેલા પ્રચાર કે તોતિંગ ચૂંટણી ફંડ પણ લોકોના મન મનાવવામાં કામ ન લાગ્યા. વળી પોતાની લીટી લાંબી કરવાના બદલે ટ્રમ્પની લીટી ટૂંકી કરવામાં ડેમોક્રેટ્સે વધારે જોર લગાડ્યું. ટ્રમ્પ વિરોધી નેરેટિવ ફેલાવનારા ડેમોક્રેટ્સ મતદાતાઓને ગોઠ્યા નહીં. તેની સામે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ના નારા સાથે મતદારો જોડાઇ શક્યા કારણ કે તેમને તેમાં પોતાનો ફાયદો દેખાયો. ‘વૉકિઝમ’માં માનનારા ડેમોક્રેટ્સે વાલોને પૂછ્યા વિના લિંગ પરિવર્તન કરાવી શકાય જેવા મુદ્દાઓને આગળ ધર્યા પણ લોકોને તો વાજબી ભાવ અને રોજગારીમાં રસ છે, તેમને રસ છે કે ગેરકાયદે પોતાના દેશમાં રહેતા લોકોના બોજથી તેમનો દેશ છૂટે. પોતે બહુ જાગૃત છે એવું બતાડવામાં ડેમોક્રેટ્સ લોકોની નાડ ન પારખી શક્યા અને જરાતરા હાથમાં આવેલી બાજી હાથમાંથી ગઇ. આ સાબિત કરે છે કે અંતે દરેક મતદાર પોતાનો લાભ જુએ છે, તેમને મોટી વૈશ્વિક દરજ્જાની વાતોમાં કે નિંદામાં – ખાસ કરીને ચૂંટણી ટાણે તો જરા ય રસ પડતો નથી.

ટ્રમ્પનો અભિગમ

ડૉનાલ્ડ ટૃમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ એક બેફામ માણસ છે – આ એક એવો પ્રમેય છે જે સાબિત કરવા માટે દાખલો કરવાની જરૂર જ નથી. ટ્રમ્પ પોતે અમેરિકાના પ્રમુખ પદને લાયક છે એ માનવા માટે તેને બીજા કોઇપણ દેશની મંજૂરી કે ટેકાની ગરજ નથી. એટલું જ નહીં એને તો અડધો અડધ અમેરિકા પણ જો પોતાનું વિરોધી હોય તો ય કંઇ ફેર પડે એમ નહોતું. ટ્રમ્પે પોતાની નીતિઓ માત્ર અમેરિકા લક્ષી જ હશે એવું અનેકવાર કહ્યું છે. માત્રને માત્ર પોતાના દેશના વિકાસ માટે સ્વાર્થીનું પ્રમુખનું લેબલ અન્ય દેશો તરફથી મળી જાય તો પણ ટ્રમ્પને લગીરેક ફેર નથી પડતો. ટ્રમ્પ એક બિઝનેસમેન છે, રિયલ એસ્ટેટ ટાયકૂન છે અને તે દેશનું તંત્ર પણ કોઇ કોર્પોરેટની માફક જ ચલાવવા માગે છે. અમેરિકા નામે દેશ તેની કંપની છે અને તે તેના આર્થિક વિકાસ સિવાય કશાયને મહત્ત્વ આપવા નથી માગતા, એટલે જ અન્ય દેશો સાથે પણ ટ્રમ્પ એ રીતે વાટાઘાટ કરશે જે અમેરિકાના ફાયદામાં હોય. અમેરિકાનું સૈન્યબળ તેની USP છે અને ટ્રમ્પ તેનો ઉપયોગ આર્થિક બળ વધારવા જ કરશે. યુદ્ધોમાં લપેટાવાને બદલે જે સાથી દેશો હોય તેમને શસ્ત્રો વેચીને છૂટી જવું ટ્રમ્પની શૈલી છે – ટ્રમ્પને કોઇ રસ નથી કે અમેરિકા વૈશ્વિક પોલીસ અધિકારી બને. વળી ટ્રમ્પ એક એવો પ્રમુખ છે જે એમ માને છે કે અમેરિકાને સીધો ફાયદો ન થતો હોય તો માનવાધિકારને પણ મહત્ત્વ ન આપવું જોઇએ.  યુક્રેઇન અને પૂર્વ એશિયાના સંઘર્ષોને દૂર ધકેલી દેવા કે અટકાવી દેવામાં ટ્રમ્પને રસ છે કારણ કે તેમના મતે એ બધા સંઘર્ષો અમેરિકન સ્રોતને ખાલી કરનારા છે. વૈશ્વિક નેતાઓ પછી તે મોદી હોય કે પુતિન કે પછી કિમ જોંગ અન – આ બધા ય સાથે ટ્રમ્પને અંગત રીતે સારાસારી જ રાખવી છે અને તે એમ કરશે જ. ટ્રમ્પ હંમેશાં ઘોંઘાટ કરનારા રાજકારણી રહ્યા છે અને તેમણે આખા તંત્રને હચમચાવીને બદલી નાખવાના દાવા મોટા અવાજે કર્યા જે લોકોએ માની લીધા છે. અન્ય દેશના જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહીને ત્યાંના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે તેમનો સામૂહિક દેશનિકાલ, ટેરિફ્સના ઊંચા દર, વહીવટમાં ધરમૂળથી ફેરફાર જેવા વચન આપીને ટ્રમ્પે લોકોને આડકતરી રીતે રોજગારી આપવાથી માંડીને મોંઘવારી ઘટાડવાના વચન આપ્યાં જેણે પણ લોકોને આકર્ષ્યા છે.

ટ્રમ્પની જીતથી ભારતને શું?

ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા એમાં આપણે ઘર આંગણે ઓચ્છવ થઇ ગયો. કોઇપણ વિશ્લેષણ વગરની સીધીસટ્ટ વાત એ છે કે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની દોસ્તીના ચાહકોનો વર્ગ મોટો છે. દરેક ઉત્સાહીને આ દોસ્તીનાં રાજકીય કારણો ખબર હોવા જરૂરી નથી, મુદ્દો એ છે કે આપણા ‘સાહેબ’ને ટ્રમ્પ સાથે ફાવે છે, વાત પૂરી. આ ઉપરાંત વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ વાત કરીએ તો ટૅક્નોલૉજી, ડિફેન્સ, ઊર્જા અને સ્પેસને લગતાં કાર્યોમાં અમેરિકા સાથે આગળ વધવામાં ભારતને રસ છે. દ્વિપક્ષી વ્યાપાર વધારવાથી માંડીને કાયદાકીય સ્થળાંતરની તરફેણમાં કામ કરવા જેવા મુદ્દાઓ વડા પ્રધાન મોદીની યાદી પર છે. ટ્રમ્પનું ફરી અમેરિકાના પ્રમુખ બનવું ભારત માટે ફરી એકવાર પશ્ચિમી દેશોમાં મજબૂત છબી ખડી કરવાની તક સાબિત થશે. કેનેડા જેવા દેશો સાથે ભારતને જે ખેંચા-તાણી ચાલે છે એમાં બરાબર સોગઠી રમવું હવે ભારત માટે સહેલું થઇ પડશે, તો બીજી તરફ રશિયા સાથેના સંબંધોમાં સંતુલન સાધવામાં પણ ટ્રમ્પનો ટેકો ભારતને કામ લાગશે. ટ્રમ્પને ચીન જરા ય નથી ગમતું અને માટે જ ભારતને ચીનના વિકલ્પ તરીકે ગોઠવાઇ જઇ આર્થિક વિકાસ કરવાનું સહેલું થશે. ચીન સામે ઝીંક ઝિલવામાં ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક હિત કામે લાગશે.

ટ્રમ્પને ભારતના આંતરિક રાજકારણ સાથે કંઇ જ લેવાદેવા નથી એટલે એ હસ્તક્ષેપ વિના સરહદી સુરક્ષાના મુદ્દામાં જ્યાં જરૂર પડશે ત્યાં મોદી સરકારને અમેરિકાની મદદ મળશે. જો કે આપણે યાદ રાખવું પડશે કે ટ્રમ્પ માટે ‘અમેરિકા ફર્સ્ટ’ એક માત્ર અગ્રિમતા છે એટલે ભારતને આર્થિક અને તકનીકી લાભો ચપટી વગાડતાં મળી જશે એવું માનવાની ભૂલ ન કરવી. આપણે તો અમેરિકાના બજારોમાં એન્ટ્રી કરવી છે પણ ટ્રમ્પ એટલો બધો છૂટો દોર ન પણ આપે. અમેરિકી બજારોની વેપાર ખાધ ઘટાડવા માંગતા ટ્રમ્પ ભારત સાથેની લેતી-દેતી જટિલ બનાવી દે એમ પણ બને. ભારતની ‘ઓપન માર્કેટ’ પોલિસી ટ્રમ્પને માફક ન પણ આવે.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ

જેમ આપણે ત્યાં સોશ્યલ મીડિયા માર્કેટિંગમાં મોદી સાહેબ માહેર છે એ જ રીતે ટ્રમ્પે પણ ન્યૂ મીડિયાનો ઉપયોગ કરવામાં પાછું વળીને ન જોયું. ઇલોન મસ્ક અને ટ્રમ્પ એટલે જાણે એક તાંતણે બંધાયેલા બે જણા અને મસ્કનો ટેકો ટ્રમ્પને અણધારેલો લાભ કરાવી ગયો. અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓના મુદ્દા પર હેરિસે કોઇ નક્કર ઉકેલ ન આપ્યા અને મસ્કની મદદથી ટ્રમ્પે એ મુદ્દો બરાબર ચગાવ્યો. મસ્કના ટ્વિટર પર જાણે ટ્રમ્પોત્સવ ચાલ્યો અને ડેમોક્રેટ્સ આ મામલે હાથ ઘસતા રહી ગયા.

ટૂંકમાં, દેશ બદલ રહા હૈ – બદલેગા-વાળું ગાણું અમેરિકન મતદાતાઓને મનાવી ગયું અને બે વાર ઇમ્પિચ થયેલા ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બન્યા. વર્તમાન તંત્રની ખામીઓ સામે લોકોના રોષ પર ખેલાયેલી ટ્રમ્પની રાજ રમત, બોલ્ડ વાયદાઓ, દુ:શ્મનોને નાથી દેવાના એજન્ડાનું શક્તિપ્રદર્શન, અત્યારની આર્થિક સ્થિતિને કારણે નિમ્ન સ્તરના લોકોની હેરાનગતિ અટકાવવાની વાતને મતદારોએ ટેકો આપ્યો. પણ ટ્રમ્પનું પાછા આવવું અમેરિકામાં અછતને આધારે ચાલતી નીતિઓમાં બદલાવ લાવશે? આર્થિક કટોકટીને અંત આવશે? પ્રચારના વાયદા પૂરા થશે? આ બધા સવાલોનો જવાબ તો સમય આવ્યે જ અમેરિકનોને મળશે.

બાય ધી વેઃ

અમેરિકાના મતદારોને ‘પોલિટિકલી ઇનકરેક્ટ’ રહીને મનોરંજક અને તોફાની વિધાનો કરનારા ટ્રમ્પમાં વધારે વિશ્વાસ છે. સલામતી કે સંતુલનની વાતો કરનારા ડોમોક્રેટ્સની સુંવાળી વાતો તેમને ગળે ન ઉતરી. સામાન્ય માણસને ‘નેરેટિવ’ જોઇએ છે, વાયદા જોઇએ છે જે ટ્રમ્પે આપ્યા. આ રાજકીય ‘અફેર’ રસપ્રદ રહ્યું જ્યાં વ્યવહારુ વાતો કરનારી હેરિસને નિષ્ફળતા મળી પણ ચાંદ-તારા તોડવાની વાતો કરનારા ઝનૂની આશિક ટ્રમ્પે અમેરિકાના મતદારો, એવા મતદારો પણ જે ‘સ્વીંગ સ્ટેટ’માં હતા તેમને પણ પોતાની વાતોથી આંજી દીધા. જો ‘અચ્છે દિન’ની રાહ આપણે પણ જોઇએ છે પણ આપણને બીજે ક્યાંયથી અચ્છે દિન મળવાની ગેરંટી ન મળે ત્યાં સુધી જે એ વચન આપે છે એ પક્ષને ટેકો આપવાનું ભારતીય મતદારોને ફાવે છે એ દેખાઇ આવ્યું છે. ડેમોક્રેટ્સ મતદારોને પોતાની લડાઇના નક્કર કારણો ન આપી શક્યા અને ટ્રમ્પના બેફામ મુદ્દાઓ લોકોને ઠોસ લાગ્યા અને પરિણામ આપણી સામે છે. ભારત હોય કે અમેરિકા હોય કે યુ.કે. હોય – જો ઉમેદવાર લડાયક મિજાજનો ન હોય, સલૂકાઈ ભરી વાતો કરતો હોય તો મતદારોને એમાં ‘નેરેટિવ’ નથી મળતું અને ઉમેદવારને મત નથી મળતો એ આ રાષ્ટ્રોની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે. શેરીમાં યુદ્ધ થતું હોય ત્યારે બારીમાંથી બૂમો પાડવાથી એ નથી જીતી શકાતું એ તમામ ડાબેરી – ઉદારમતવાદી રાજકારણીઓએ સમજવાની ઘડી આવી ગઇ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2024

Loading

हारते अमरीका की हार 

कुमार प्रशांत|Opinion - Opinion|10 November 2024

कुमार प्रशांत

जोनाथन स्विफ्ट की अमर कृति ‘गुलिवर की यात्राएं’ पढ़ी है आपने ! उसमें गुलिवर घूमते-खोजते एक ऐसे मुल्क में पहुंच जाता है, जहां बौनों का राज है. लगता है, हमारा इतिहास भी घूमते-घूमते ऐसी ही दुनिया में पहुंच गया है जहां सब तरफ बौनों का बोलबाला है भी, होता भी जा रहा है – पुतिन, जिनपिंग, नेतन्याहू,मोदी,मैक्रों, स्टारमर,शोल्ज आदि-आदि. इस सूची के सबसे नये सदस्य हैं डोनल्ड ट्रंप ! वैसे इस अर्थ में ट्रंप नये नहीं हैं कि उनका बौनापन अमरीका भी और दुनिया भी पहले देख व भुगत चुकी है. शोक है तो इस बात का उन्होंने आम अमरीकी को भी अपनी तरह ही बौना बना दिया है. इसमें भी उनकी कोई शिफत नहीं है. इतिहास बताता है कि इंसान व उसका समाज फिसलन की तरफ आसानी से ले जाया जा सकता है, और फिसलन निष्प्रयास नीचे-से-नीचे ही जाती जाती है. ट्रंप फिसलते अमरीका की फिसलन को न केवल तेज करेंगे बल्कि उसे बहुत कुरूप व कर्कश बना देंगे. यह अनुमान नहीं है, अनुभव है. इसलिए मुझे यह लिखना पड़ रहा है कि ट्रंप की यह जीत हारते अमरीका की हार है. किसी व्यक्ति की जीत किसी समाज की हार कैसे बन जाती है, यह अमरीका भी समझेगा और हम भी.

दुनिया में धन और दमन की कलई जैसे-जैसे खुलती जा रही है, अमरीका बौना होता जा रहा है. उसके पास यही दो हथियार रहे हैं जिनसे उसने अपनी पहचान व ताकत बनाई थी. अब दुनिया के बाजार में उसके डॉलर का वह डर नहीं रहा, और यह भी जाहिर होता जा रहा है कि हथियारों की मारक शक्ति से कहीं बड़ी है इंसानों की संकल्प शक्ति ! यह वही बात जिसे महात्मा गांधी ने दुनिया की महाशक्तियों को बताने-समझाने की कोशिश की थी.

गांधी दुनिया के अंगुली भर देशों में भी नहीं गए थे लेकिन दुनिया देखी बहुत थी. इसलिए बहुत कुछ ऐसा कहते-समझाते रहे थे जिसे समझने में हमें सदियां लग गईं.  अभी भी हम उन्हें लेकर भटकते ही रहते हैं. वे कभी अमरीका नहीं गए. कई बार, कई विशिष्ट अमरीकियों ने, जिनमें अलबर्ट आइंस्टाइन भी थे, आग्रह किया था कि वे अमरीका आएं. गांधी ने कभी कुछ कह कर, तो कभी कुछ और कह कर बात टाल दी थी. आइंस्टाइन को लिख दिया कि मैं उस दिन की प्रतीक्षा में हूं कि जब अपने सेवाग्राम आश्रम में मैं आपका स्वागत कर सकूंगा. मतलब यह कि आप यहां आएं, मैं अमरीका आने की नहीं सोचता हूं.

दूसरे गोलमेज सम्मेलन के लिए जब गांधी इंग्लैंड आए तो यह दवाब कई तरफ से बनाया गया कि अब जब आप यहां तक आ ही गए हैं तो अमरीका भी आ जाइए. अमरीका में गांधी के कई चाहक व प्रिय भी थे, तो उनका अमरीका होते आना कतई असंगत नहीं होता. लेकिन गांधी ने कहा तो इतना ही कि मैंने अपने देश में ही कोई सिद्धि हासिल नहीं की है अब तक, तो अमरीका को वहां आ कर क्या दे सकूंगा ! फिर यह भी जोड़ दिया कि जब तक अमरीका दौलत के पीछे की अपनी अंधी दौड़ से बाहर नहीं आता है, मेरे वहां आने का कोई मतलब नहीं होगा.

अमरीका उस अंधी दौड़ से बाहर तो कभी नहीं आया, उसने सारी दुनिया को अपने जैसी ही अंधी दौड़ में दौड़ा दिया. जिन्हें ट्रंप अवैध अप्रवासी कहते हैं, जिन दूसरे मूल के वैध अमरीकियों को श्वेत अमरीकी जलती आंखों से देखते हैं, वे सब इसी अंधी दौड़ के धावक हैं. अमरीका ने सारी दुनिया से साम-दाम-दंड-भेद के बल पर जो दौलत निचोड़ी है, ये सब उसमें हिस्सेदारी मांगते हैं. अगर दौलत लूट लाना वैध है तो उसमें हिस्सेदारी अवैध कैसे है, यह समझना बहुत टेढ़ी खीर तो नहीं है.

इस अंधी दौड़ में दौड़ते-दौड़ते अब अमरीका का भी और दुनिया का भी दम टूट रहा है. यह स्थिति इसलिए भी ज्यादा घातक बन गई है क्योंकि उदार-लोकतांत्रिक ताकतों की अयोग्यता की वजह से हर देश में निराशा व्याप्त है. सामान्य जीवन जीना इतना कठिन व खतरों से भरा बन गया है कि इंसान हर नई आवाज की तरफ लपक रहा है. यदि उदार-लोकतांत्रिक ताकतों ने ईमानदारी से अपने-अपने देशों की वैकल्पिक ताकतों को संयोजित कर वह कुछ हासिल किया होता जिसकी ललक आम आदमी को होती है, तो दक्षिणपंथी-तानाशाही ताकतें इस तरह वापसी नहीं कर पातीं. लेकिन सत्ता को अंतिम प्राप्य मान कर बैठ जाने वाला तथाकथित उदार-लोकतांत्रिक नेतृत्व व्यापक निराशा व असंतोष का जनक बन गया है. बाइडन जैसों को एक दिन के लिए भी राष्ट्रपति क्यों बनना चाहिए था ? कमला हैरिस को हारना ही था क्योंकि वे बाइडन से अलग थी ही नहीं. इसलिए राष्ट्रपति बदलते हैं, अमरीका नहीं बदलता है. बराक ओबामा जैसा आदमी आया तो वह भी कुछ बदल नहीं सका. तो फिर ट्रंप से कैसी शिकायत ! लेकिन शिकायत है – गहरी व तीखी शिकायत है.

कमजोर होने में और कमजोर करने में बहुत बड़ा फर्क है. ट्रंप बिरादरी के बौनों की हकीकत यह है कि उनके पास देने के लिए कुछ भी नहीं है – न दिशा, न साहस, न सपने, न उदारता. उनके पास कहने के लिए भी कुछ उदार, कुछ मानवीय, कुछ उदात्त नहीं है. उनके पास सत्ता का दंभ व मनमानापन है, अकूत सार्वजनिक धन है, असहमति से घृणा है, असहमतों के प्रति क्रूरता है. बौनों की जो सूची मैंने शुरू में दी है, वे सब इन्हीं ताकतों के बल पर टिके हैं.

ट्रंप कमजोर होते अमरीका को जल्दी व ज्यादा कमजोर कर देंगे क्योंकि उनके पास महंगाई, बेरोजगारी को हल करने की कूवत नहीं है. वे अवैध अप्रवासियों का भूत उसी तरह खड़ा कर रहे हैं जिस तरह हमारे यहां अल्पसंख्यकों का भूत खड़ा किया जाता है. इसमें बदला लेने की मनुष्य की हीन भावना को उकसाया जाता है. यह उकसावा आसान भी है तथा यह आपको दूसरी जिम्मेवारियों से बच निकलने की गली भी देता है. अपने पिछले पांच साल के राष्ट्रपति-काल में ट्रंप ने अमरीकी समाज की एक भी मुसीबत का हल नहीं निकाला, अमरीका को हर तरह से उपहास का पात्र जरूर बनाया. उनमें अपनी हार स्वीकार करने की शालीनता भी नहीं रही. उन्होंने अमरीकी समाज के गुंडा-तत्वों को ललकार कर बुनियादी लोकतांत्रिक शील की भी खटिया खड़ी कर दी. वे आगे भी ऐसा ही करेंगे, क्योंकि इसके अलावा वे कुछ जानते नहीं हैं.

हमारा हाल यह है कि हमें प्रिय मित्र ट्रंप’ की जीत ऐसी लग रही है मानो डोनल्ड ट्रंप ने अमरीका के राष्ट्रपति का नहीं, भारत के राष्ट्रपति का चुनाव जीता है. उनके चुनाव जीतने से जितने खुश अमरीकी नहीं हैं, उससे ज्यादा भारत के सत्ताधारी व उस मानसिकता के लोग खुश हैं. अपने यहां के लोकसभा चुनाव में, उनके तईं जो कसर रह गई थी, मानो अमरीका ने ट्रंप जो चुन कर वह कसर पूरी कर दी है. यह भारत के अमरीका बनने का नया अध्याय है. यह हारते अमरीका के हारने के नये अध्याय का प्रारंभ है.

(09.11.2024) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

હિન્દુ દર્શન અને હિન્દુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 November 2024

રમેશ ઓઝા

હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરમાં છે અને એ ઇન્કયુબેટર બી.જે.પી. સીસ્ટમનું બનેલું છે. અધૂરા મહીને જન્મેલા બાળકને કે બીજાં અશક્ત બાળકોને ઇન્કયુબેટરમાં એટલા માટે રાખવામાં આવે છે કે તે ગર્ભબાહ્ય વાતાવરણમાં જીવવાની ક્ષમતા કેળવે, એ વાતારણ અપનાવતું થાય અને વાતાવરણ પણ એ બાળકને તેની શારીરિક વિશેષતાઓ સાથે સ્વીકારે. જે વિશેષ સુરક્ષા આપવામાં આવે છે એ તો બાળક સ્વતંત્ર રીતે જીવતું થાય એ માટેની હોય છે. કેટલાંક બાળકો સ્વતંત્રપણે જીવવાની ક્ષમતા કેળવી લે છે અને જે નથી કેળવી શકતાં એ મૃત્યુ પામે છે.

૨૦૧૪થી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં છે અને તેમાંથી બહાર કાઢવામાં નથી આવતું, કારણ કે તેમને ભય છે કે જો રાજ્ય નામનાં ઇન્કયુબેટરને હટાવવામાં આવશે તો એ જીવી નહીં શકે. માટે રાજ્ય છીનવાઈ ન જાય એ માટે તેમણે બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે. બી.જે.પી. સિસ્ટમનાં લક્ષણો આ પહેલાના લેખમાં બતાવવામાં આવ્યાં હતાં. પ્રજાને વિકલ્પશૂન્ય કરી નાખવી. હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારા રાજકીય વિકલ્પ જ ન બચે તો રાજ્ય કોણ કબજે કરશે? જ્યાં સુધી સત્તા દ્વારા રાજ્ય પર કબજો છે ત્યાં સુધી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં સુરક્ષિત છે.

પણ ક્યાં સુધી? લાખ રૂપિયાનો સવાલ આ છે. બહુમતી પ્રજાની સ્વીકૃતિ વિના અને બહુમતી પ્રજાની ભાગીદારી વિના માત્ર સત્તા દ્વારા રાજ્યનો કબજો કરીને કોઈ કલ્પનાને ક્યાં સુધી જીવાડી શકાય? રાજ્યાશ્રય લોકાશ્રયની જગ્યા લઈ શકે? આવો ઇતિહાસમાં કોઈ દાખલો ઉપલબ્ધ છે? આનો અર્થ એવો નથી કે ભારતીય રાષ્ટ્રની કલ્પના ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતીય રાષ્ટ્રે અપનાવેલી બંધારણીય વ્યવસ્થા ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતની તમામ પ્રજા ભારતીય રાષ્ટ્રની કલ્પનાની સમર્થક છે અને કોઈ વિરોધ નથી કરતું. કોણ વિરોધ કરે છે અને કઈ વાતે વિરોધ કરે છે એ આ દેશમાં બધા જાણે છે. એમાં સમયે સમયે સુધારા થઈ શકે છે અને અત્યારે ભારતીય રાષ્ટ્રની કલ્પના સામે જે પડકાર પેદા થયો છે એ સુધારા માટેનો છે. સુધારાની ગુહાર દાયકાઓથી લગાવવામાં આવતી હતી, પરંતુ ભારતીય રાષ્ટ્રનો વિરોધ કરનારાઓ અને તેને મિટાવીને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ સત્તાથી જોજન દૂર હતા અને તેઓ ક્યારે ય પોતીકી બહુમતી સાથે સત્તા સુધી નહીં પહોંચી શકે એવી ધારણાથી દોરવાઈને કોઈએ તે ગુહારને ગંભીરતાથી લીધી નહોતી. એટલે સમયસર સુધારા ન થયા પણ હવે કરવા પડે એમ છે. જો વિચાર કે કલ્પના પ્રાસંગિક હોય તો તેની સામે પેદા થતા પડકારો અને સંકટ તેમાં સુધારાના અવસર બનીને આવે છે, તે જીવાદોરી ટૂંકાવતા નથી, પણ લંબાવી આપે છે.

પણ એ કરે કોણ?

રાહુલ ગાંધી

તમે જો ભારતનાં રાજકીય પરિદૃશ્ય પર નજર કરશો તો એક માત્ર રાહુલ ગાંધી છે જેને આ વાત સમજાઈ ગઈ છે. હિંદુરાષ્ટ્ર લોકાશ્રિત નથી, રાજ્યાશ્રિત છે અને જે લોકાશ્રિત ન હોય તેનું લાંબુ ભવિષ્ય ન હોય. એટલે તેઓ શબ્દ ચોર્યા વિના કે હિંદુઓથી ડર્યા વિના સ્પષ્ટ ભાષામાં વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સીધા હુમલા કરી રહ્યા છે. તેમણે જે હિંદુ પેદા કર્યા છે એ સાચા હિંદુ નથી. હિંદુ દર્શન અને હિંદુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે. કેટલાક હિંદુઓનાં માનસ પર કબજો કરવામાં તેમને સફળતા મળી છે, પણ બહુમતી હિંદુઓ હિન્દુત્વના પુરસ્કર્તા નથી. એક જમાનામાં જવાહરલાલ નેહરુ આ ભાષામાં બોલતા હતા. એ પછીનાં વર્ષોમાં કાઁગ્રેસના નેતાઓએ હિંદુ મધ્યમવર્ગથી ડરીને બોલવાનું બંધ કરી દીધું હતું. રાહુલ ગાંધીનાં મુખે ફરી એક વાર નેહરુની ભાષા સાંભળવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય રાષ્ટ્ર કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષોએ નિરાશ કર્યા હોવા છતાં લોકાશ્રિત છે. હજુ પણ બહુમતી હિંદુઓ ભારતીય રાષ્ટ્રમાં શ્રદ્ધા ધરાવે છે અને હિંદુરાષ્ટ્રથી ડરેલા છે. એક વાત નક્કી છે કે લોકશાહી વિરોધી બી.જે.પી. સીસ્ટમ ગમે એટલી તાકાત લગાવે અને રાજ્ય પર કબજો કરે, પરંતુ એક દિવસ તેનો અંત આવવાનો છે. રાજ્યાશ્રય ક્યારે ય લોકાશ્રયની જગ્યા ન લઈ શકે. રાહુલ ગાંધીએ એવા હિંદુઓને નોખા તારવાનું શરૂ કર્યું છે જે લોકશાહીમાં, સેકયુલરિઝમમાં, સમાનતામાં, બંધારણીય મૂલ્યોમાં, ઉદારમતવાદી નરવી ભારતીય પરંપરામાં, બ્રાહ્મણ-શ્રમણ દર્શને પોષેલી હિંદુ પરંપરામાં, સંતોએ પ્રબોધેલી માનવતામાં શ્રદ્ધા ધરાવે છે. આવા હિંદુઓની સંખ્યા ઘણી મોટી છે એ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ ગયું છે.

અને એક વાત હવે એ પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે હિંદુરાષ્ટ્રની એવી કોઈ કલ્પના જ નથી જેને લોકો સ્વીકારે. બહુમતી હિંદુઓ સ્વીકારે. જેમાં લઘુમતી કોમ અભયનો અનુભવ કરે. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર એ જ છે જે અત્યારે જોવા મળી રહ્યું છે, પછી ભલે તેઓ ગમે એવી મોટી વાતો કરે. હિંદુરાષ્ટ્રને ટકાવી રાખવા માટે રાજ્ય પર કબજો કરવો પડે અને રાજ્ય હાથમાંથી સરકી ન જાય એ માટે બી.જે.પી. સીસ્ટમ દાખલ કરવી પડે એનાથી મોટો પરાજય બીજો કયો હોઈ શકે.

રાહુલ ગાંધી આ જાણે છે એટલે તેમણે લોકમાન્ય ભારતીય રાષ્ટ્રને રાજ્યરક્ષિત હિંદુરાષ્ટ્ર સામે મૂકવાનું શરૂ કર્યું છે.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2024

Loading

...102030...547548549550...560570580...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved