૨૨ ફેબ્રુઆરી, કસ્તૂરબાની પુણ્યતિથિ. ‘બા’ અંગે આમ તો ઠીક ઠીક લખાયું છે. પણ ગાંધીજીની સરખામણીએ ‘બા’ અંગેનાં પુસ્તકો ઓછાં છે. ‘બા’ને સમજવા માટે પણ ગાંધીજીએ ક્યાંક લખ્યું છે એનો જ આધાર લેવો જરૂરી બન્યો છે.
આ નિમિત્તે વનમાળાબહેન પરીખ અને સુશીલાબહેન નય્યરના પુસ્તક ‘અમારાં બા'(નવજીવન પ્રકાશન)ને લઈને થોડી વાતો જણાવવી છે. આ પુસ્તક અંગે ‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી માર્ચ, ૧૯૪૬માં ઉમાશંકરભાઈ જોશીએ કેટલુંક પુસ્તકપરિચય અંગે જણાવ્યું છે તે જોઈએ.
•
‘ગાંધીજી જેવા દુરારાધ્ય પતિને બા શી રીતે રીઝવી શક્યાં ? ‘કેવળ સ્વેચ્છા’ના બળથી. જેમ જેમ બા ગાંધીજીને સેવાકાર્યમાં સમાતા જુએ છે, તેમ તેમ ગાંધીજીમાં – એટલે કે એમણે આંકેલા સેવાકાર્યમાં પોતે પણ સમાતાં જાય છે. પણ એ નક્કી કર્યું એમણે પોતે. એ સંકલ્પબળ અને સંકલ્પને જીવનભર જીરવવાનો પ્રયત્ન – એમાં બાની ખરી સિદ્ધિ છે. આખી પ્રક્રિયા બાના જ એક ઉદ્ગારમાં સ્પષ્ટ થાય છે : ‘તમારું મન જાણી લીધા પછી આપણે તો આપણું મન વાળી લીધું.’
બાનું આવું વલણ તે ગાંધીજીના પોતાના જ શુભ નિર્ણયનો મંગલ પ્રતિધ્વનિ છે. પણ તેઓશ્રી એનું બધું જ શ્રેય આપણી સંસ્કૃતિને આપે છે : ‘આ ગુણ હિંદુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે.’ આ જ વાત એમણે અન્ય પ્રસંગે પણ ભારપૂર્વક કહી છે : ‘મારી પત્ની વિશેનો મારો પ્રેમ અને મારી લાગણી હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ વિશેનો મારો પ્રેમ અને મારી લાગણીઓ હું વર્ણવી શકું.’ અને તેથી લોર્ડ વેવલને જવાબ આપતાં પોતાને સત્યાગ્રહનો પ્રથમ પાઠ આપનાર ગુરુ તરીકે બાને તેઓ ઓળખાવે છે ત્યારે નવાઈ લાગતી નથી. આવો એક પાઠ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે બાને જેલ પછીની ભારે માંદગીમાં સારવાર કરતાં કઠોળ-મીઠું છોડાવવા પોતે પણ છોડ્યાં એ છે.
બાએ ગાંધીજીને તેમના કડક આત્મનિરીક્ષણનું એક વધુ દૃષ્ટિબિંદુ સતત પૂરું પાડ્યા કર્યું હશે. વસુધૈવ કુટુંબકમ્ની સ્થિતિએ પહોંચતાં પહેલાંની શિથિલતાની પળો વખતે, પોતે જેનું સંકુચિત કુટુમ્બસુખ ઉખેડી નાખ્યું તે બાનું ‘બસ, થાક્યા ?’ એવું વહાલસોયા ઠપકાભર્યું ચિત્ર જરૂર ગાંધીજીને પ્રેરણાદાયક નીવડી રહ્યું હશે. અને પોતાના પગલામાં પગ મૂકી પાછળ ચાલી આવતી તપસ્વિનીને જોઈ ઘણી વાર એમણે પગમાં નવું જોમ અનુભવ્યું હશે.
બંને વચ્ચેના અતૂટ મેળનું તો એક અંગ્રેજનું અવલોકન મર્મગ્રાહી છે : ‘મેં એ દંપતીને એક વાર પણ એકબીજાંની સામે નજર માંડતાં ન જોયાં. પણ મારી ખાતરી છે કે એકબીજાંના મનમાં શું ચાલી રહ્યું છે તે બંને જાણતાં હતાં.’
પતિપત્ની જીવનરથનાં બે ચક્ર જેવાં ગણાય. ગાંધીજી જેવા ધર્મવીરને લગ્નજીવન નિર્મિત જ હતું તો એકંદરે આથી વધારે સુભગ યોગ ભાગ્યે જ કલ્પી શકાય. એક ચક્રના હકથી બીજાની ગતિ કદી ખોટકાઈ પડી ન હતી, હંમેશ અનુકૂળતા જ સાંપડી હતી. બાનો અંત જ જુઓ. ક્યાં એમનો જન્મ ? ક્યાં ક્યાં ને કેવું કેવું જીવન ? અને આખરે મૃત્યુ ક્યાં ? જેલખાનામાં ! પતિની ધર્મપ્રવૃત્તિને ઈષ્ટ એવું પોતા તરફથી એ છેલ્લું અને સૌથી મહાન અર્પણ.
[14 ફેબ્રુઆરી 2025]
•
લેખિકા બહેનો(વનમાળાબેન પરીખ અને ડૉ. સુશીલા નૈયર)એ આપેલી હકીકતો જોતાં પણ સ્પષ્ટ થાય છે કે બાના આત્મવિકાસમાં ગાંધીજીએ કદી કોઈ જાતની ચોરી કરી નથી. પોતાનો રાગરહિત સદ્ભાવ જે સૌ જીવો ઉપર અનાયાસે વરસ્યા કરે તેમાં બાને પણ ભાગીદાર જરૂર ગણ્યાં હતાં. 1938ના એક પત્રમાં બાપુ લખે છે : ‘મેં તારા માથા ઉપર જતાં હાથ પણ ન મૂક્યો, મોટર ચાલી ને મને પણ લાગ્યું. પણ તું દૂર હતી. હવે તને બહારની નિશાની જોઈએ કે? ….’
બીજા કોઈ પણ માણસની બાબતમાં જે વ્યવહાર ક્યારેક હાસ્યાસ્પદ બની રહે તે ગાંધીજીમાં માણસાઈની પતાકારૂપ શોભી ઊઠે છે. કારણ કે વ્યવહારના એમના ઝીણા ઉકેલો પાછળ નિર્ભેળ કારુણ્યની જ પ્રવૃત્તિ હોય છે. ’42માં બારડોલીમાં બા બીમાર હાલતમાં ‘આટલે વર્ષ મને વિજોગ પડે ને ?’ એમ કરતાં આવી પહોંચે છે ત્યારે, બા નહિ તો દાદર ચડી ઉપર આવશે એમ ખાતરી હોઈ, તે શ્રમમાંથી તેમને બચાવવા ગાંધીજી નીચે ઊતરી આવે છે અને કોડીલા કંથની જેમ સામે જઈ ગાડીમાંથી બાને ઉતારે છે.
છેલ્લા દિવસોમાં બા ગાંધીજી પાસે ગીતા શીખતાં, પંજાબી નદીઓનાં નામ ગોખતાં, ગુજરાતીનો અભ્યાસ વધારતાં ત્યારે ગાંધીજી નદીઓનાં નામ ગોખતાં, ગુજરાતીનો અભ્યાસ વધારતાં, ત્યારે ગાંધીજી ગુજરાતી વાચનમાળાની કવિતાઓના રાગ ગાઈ બતાવતા. સાંજને વખતે વૃદ્ધ પતિપત્ની સાથેસાથે કવિતાઓ ગાતાં હોય એ દૃશ્ય ઉપર તો સારું હતું કે સરોજિનીદેવી જેવાં હસનાર ત્યાં હતાં … પણ બધા જ પ્રસંગ હસવાના નથી હોતા.
એક પ્રસંગ તો એવો કરુણ છે કે કવિઓની કલ્પનામાં પણ એવા પ્રસંગ બહુ નહિ આવ્યા હોય. દંડકારણ્યમાં રાક્ષસી લીલાથી ક્ષણભર ત્રાસેલાં સીતાને ‘તમે કહો તો આપણે અયોધ્યા પાછાં જઈએ,’ એમ રામ કહે એવા પ્રસંગની જરી કલ્પના કરી જુઓ. સીતા હા પાડે જ નહિ, પણ એક વાર વચન નીકળી ગયા પછી એ પ્રમાણે રામ વર્તે નહિ એ તો ન જ બને. બાનું મન આ વખતે ગાંધીજીને સરકારે પકડ્યા તે પરથી ખાટું થઈ ગયું હતું એમ ગાંધીજીએ જ નોંધ્યું છે, પણ તેનું પરિણામ ક્યારે ય પણ એક ક્ષણાર્ધ માટે પણ ગાંધીજીને હસવામાં ય ‘તું કહે તો હું માફી માગું’ એવું કહેવામાં આવે એ ઘટના મનુષ્યજીવનમાં કેવી પારાવાર કરુણતા વણાયેલી છે એનો જ ઈશારો છે.
પૂ. બાના ચરણે શત શત નમન.
[15 ફેબ્રુઆરી 2025]
ઉમાશંકર જોશીકૃત ‘જીવનનો કલાધર’
[‘ભૂમિપુત્ર’માંથી સાભાર]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 241 − 242