બાંધ ગઠરિયાં મૈ તો ચલી : ગાંધીરંગે રંગાયેલાં મીઠુબહેન પિતિત
એક હતી છોકરી. હોશિયાર, ચાલાક, મીઠડી. અરે! એનું નામ જ હતું મીઠુ. ઘરમાં પૈસાની રેલમછેલ. મીઠુ અને ઘરનાં બીજાં બાળકો જે માગે તે તેમને મળે. અઠવાડિયામાં બે-ચાર વાર બે ઘોડાની, પડદાવાળી બગીમાં બેસીને મીઠુ ખરીદી કરવા બજાર જાય. જે જણસ નજરમાં વસે, તે ખરીદી લેવાની. ના, પોતાને માટે નહિ. સ્કૂલમાં સાથે ભણતાં છોકરા-છોકરીઓ માટે. કોઈની પાસે નોટ બૂક નથી, કોઈને પેન્સિલની જરૂર છે. કોઈનાં કપડાં અભોટાં થઈ ગયાં છે. કોઈ ફાટેલાં તૂટેલાં પગરખાં પહેરીને આવે છે – આવી એકેએક વાત મીઠુના મનમાં નોંધાઈ ગઈ હોય. અને પછીની ખેપમાં એ બધું ખરીદી લે, અને જરૂરતમંદને પહોંચાડી દે. અલબત્ત, પોતે તો કાયમ વિલાયતી કપડાંમાં ફૂલફટાક થઈને જ ફરે.
માતા પીરોજબાઈ અને પિતા હોરમસજી સાથે બાળક મીઠુ
પછી ઊગ્યો ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખનો દિવસ. મકર સંક્રાંતિનો દિવસ. તે દિવસે હવાની રૂખ બદલાય. જહાંગીર પિતિતના વિશાલ બંગલામાં સવારથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સાંજે મોટી ગાર્ડન પાર્ટી હતી. નામદારો અને આમદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, નેતાઓ અને નામાંકિત નાગરિકો – કંઈ કેટલા ય લોકોને આગમ ચ નોતરાં મોકલાઈ ગયાં હતાં : ‘દક્ષિણ આફ્રિકાથી આવેલાં મિસ્ટર અને મિસિસ ગાંધીને મળવા અમારે બંગલે ગાર્ડન પાર્ટી રાખી છે. જરૂરથી આવજો જ.’
સાંજ પડી. એક પછી એક મહેમાનો આવવા લાગે છે. અને આવી પહોંચે છે મિસ્ટર અને મિસિસ ગાંધી. થોડે દૂર ઊભેલી પેલી મીઠુ બંનેને તાકી તાકીને જોઈ રહે છે. બંનેનો પહેરવેશ સાવ સાદો, સફેદ. પુરુષને માથે સફેદ કાઠિયાવાડી ફેંટો. સફેદ અંગરખા પર સફેદ ખેસ. સફેદ ધોતિયું. તેની પત્નીએ પહેર્યાં છે બંધ ગળાનું, લાંબી બાયનું સફેદ બ્લાઉઝ અને આછા બુટ્ટાવાળી સફેદ સાદી. હાથમાં બંગડીઓ. મીઠુનું મન વિચારે ચડે છે : આવા, સાવ સાદા વર-વહુને મળવા કેટલા અને કેવા કેવા લોકો આવ્યા છે! માણસની સાચી ઓળખ એનાં કપડાં કે ઘરેણાં નહિ, એની સાદાઈ અને સારપ છે. મન તો થાય છે પાસે જઈને વાત કરવાનું. પણ એમ કાંઈ જવાય? કેવા કેવા મોટા માણસો આ બે મહેમાનો સાથે બેઠા છે! સર ફિરોજશાહ મહેતા, મહંમદ અલી ઝીણા, કનૈયાલાલ મુનશી, અરે! નામ ગણતાં પણ થાકી જવાય!
જહાંગીર પિતિતનો વિશાળ બંગલો
બાવા અને મમ્મા પૂરેપૂરાં અંગ્રેજ-ભક્ત. પણ કુટુંબના બીજા કેટલાક ધીમે ધીમે અલગ પડીને આ દક્ષિણ આફ્રિકાથી આવેલા પતિ-પત્ની સાથે હળવા-ભળવા લાગ્યા. તેમને મદદ કરવા લાગ્યા. મીઠુ પણ પોતાનાથી બને તેટલી મદદ કરવા લાગી. અને એક દિવસ એ વાત બાવા હોરમસજીને કાને પડી. હોરમસજી પૂરેપૂરા તાજના રાજના ભક્ત. નોકરોને હુકમ છૂટ્યો : અત્તર ઘરી મીઠુને હાજર કરો. મીઠુ આવી.
‘આય બધું સુ ચાલે છે? પેલા આફ્રિકાથી આવેલા મોહનદાસને અને તેના અંગ્રેજવિરોધી સાગરિતોને ટુ મદદ કરે છે? પૈસા આપે છે?’
પહેલાં કોઈ દિવસ કર્યું નહોતું તે આજે દીકરી મીઠુએ કર્યું : ડેડીની આંખમાં આંખ મેળવીને ધીમે પણ મક્કમ અવાજે બોલી.
‘તમારું કામ સરકારની સાથે ઊભા રહેવાનું છે. મારું કામ લોકોની સાથે ઊભા રહેવાનું છે. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો.’
‘હું મારું કામ કરસ ને, તે દહારે તારી આંખે ધોળે દિવસે તારા દેખાશે, તારા.’
‘મને મારો તારક મળી ગયો છે, મોહનદાસ કરમચંદ ગાંધી. હવે તમારી જાહોજલાલી તો મારે મન તણખા જેવી છે. આજે હોય, કાલે ન હોય.’
બીજે જ દિવસે હોરમસજી શેઠે વકીલને ઘરે બોલાવ્યા. સહી સિક્કા કરેલા ખતપત્ર તૈયાર કરાવ્યા. “હું, હોરમસજી પિતિત, શુદ્ધ બુદ્ધિથી અને સ્વસ્થ મનથી લખી જણાવું છ કે મારી પછી, મારી સ્થાવર-જંગમ મિલકતમાં મારી દીકરી મીઠુનો એક કાની કોડીનો બી ભાગ રહેશે નહિ.” બે દિવસ પછી પિતિત શેઠનાં ધણિયાણી પીરોજબાઈએ પોતાના વકીલને બોલાવી કાગળપત્ર તૈયાર કરાવ્યા : “મારી પછી, મારાં સોના, રૂપાનાં તથા બીજાં બધ્દ્ધાં જ ઘરેણાં મારી દીકરી મીઠુને ભાગે જશે. બીજા કોઈનો તેમાં ભાગ રહેશે નહિ.”
પણ મીઠુના મનની સ્થિતિ તો ત્યારે કૈક આવી હતી :
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
માયજીએ ભલે પોતાનાં બધ્ધાં ઘરેણાં આપી દીધાં, પણ મીઠુએ તો ઘરેણાં પહેરવાનું જ છોડ્યું. આજ સુધી તેના અંગ પર મોંઘા દાટ પરદેશી પોષાક શોભતા હતા તે છોડ્યા. તેની જગ્યા લીધી સાદી સફેદ સાડીએ. ગાંધીજીની પ્રેરણાથી સરોજિની નાયડુ અને પેરીન નવરોજીએ રાષ્ટ્રીય સ્ત્રી સભાની સ્થાપના કરી હતી. આ સંસ્થાની બહેનો ઘરે ઘરે ફરીને ખાદી વેચવાનું કામ કરતી. પહેલાં તો બહાર જતી વખતે મીઠુના હાથમાં રૂમાલ મૂકવા માટે બે-ત્રણ નોકરો ખડે પગે ઊભા રહેતા. પણ હવે એ જ મીઠુ ખાદીનાં પોટલાં ખભા પર મૂકીને રોજ કેટલાયે મકાનના દાદરા ચડ-ઊતર કરતી થઈ ગઈ! પણ હા! હજી પેલાં વિલાયતી કપડાં ઘરને કોક ખૂણે સાચવી રાખેલાં ખરાં!
પણ પછી … પરદેશી રાજ સામેની લડતના ભાગ રૂપે ગાંધીજીએ લોકોને વિલાયતી કાપડનો બહિષ્કાર કરવાની હાકલ કરી અને વિલાયતી કાપડની જાહેરમાં હોળી કરવાનું આવાહન કર્યું. એની શરૂઆત મુંબઈથી કરવાનું ઠરાવ્યું. તારીખ ૩૧ જુલાઈ ૧૯૨૧. સ્થળ પરળમાં આવેલી એલ્ફિન્સ્ટન મિલ સામેનું કંપાઉંડ. સહેજ કંપતા હાથે મીઠુએ પોતાનાં વિલાયતી કપડાં ભેગાં કર્યા. ખાદીની ચાદરમાં બાંધ્યાં. અને પછી … પરળ જઈને એ પોટલું અગ્નયે સ્વાહા!
પછી ખેડા જિલ્લામાં ભયંકર પૂર આવ્યું ત્યારે મીઠુબહેન ત્યાં ઉપડ્યાં. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની નીચે આખો જિલ્લો ખૂંદી વળ્યાં. ગરીબી એટલે શું, એ વાતનો હવે ખરો ખ્યાલ આવ્યો. વલ્લભભાઈ પટેલ અને ઠક્કરબાપાનો પરિચય થયો. બારડોલીની લડત વખતે ઘરે ઘરે ફરીને ‘આ લડત શા માટે’ એ સ્ત્રીઓને સમજાવ્યું મીઠુંબહેને. ૧૯૨૯માં દારૂનાં પીઠાંનો બહિષ્કાર કરવાની હાકલ ગાંધીજીએ કરી. ત્યારે મીઠુબહેન તેમાં જોડાયાં અને ધરપકડ થઈ. એ તેમની પહેલી ધરપકડ. જેલમાંથી છૂટ્યા પછી આદિવાસીઓ અને ગામડાના લોકો માટે સતત કામ કરતાં રહ્યાં. સરદાર પટેલ તેમના આ કામથી એટલા તો પ્રભાવિત થયા કે મીઠુબહેનને ‘દીનભગિની’નું બિરુદ આપ્યું. તો ગામડાના લોકો તેમને ‘માઈજી’ તરીકે ઓળખતા થયા. અને મીઠુબહેને નક્કી કર્યું : બાકીની બધી જિંદગી ગામડામાં. મુંબઈના મહેલ જેવા ઘરને હવે રામ, રામ. અને પછી જીવનભર મીઠુબહેને મુંબઈના ઘરમાં પગ ન મૂક્યો!
દાંડી યાત્રામાં મીઠું ઉપાડતા ગાંધીજીની બાજુમાં ઊભેલાં મીઠુબહેન
૧૯૩૦, માર્ચ મહિનો. આઝાદીની લડતના ભાગ રૂપે ગાંધીજીએ નમકનો કાનૂન તોડવા માટે ‘દાંડી યાત્રા’નું આયોજન કર્યું. આ યાત્રા માટે તેમણે જે ૭૮ સાથીઓની પસંદગી કરી તેમાં એક પણ સ્ત્રીનો સમાવેશ કર્યો નહોતો. પણ એટલે કોઈ સ્ત્રી તેમાં ભાગ ન લે એવું બને? ગાંધીજી જે દિવસે કાનૂનભંગ કરે તે જ દિવસે મોટર દ્વારા દાંડી પહોંચવાનું સરોજિની નાયડુએ નક્કી કર્યું. તેમના સાથી હતાં મીઠુબહેન. ગાંધીજી વાંકા વળીને મીઠું ઉપાડે છે એ ક્ષણનો ફોટો આજે પણ ખૂબ જાણીતો છે. એ ફોટામાં સફેદ સાડી પહેરેલી જે સ્ત્રી ગાંધીજીની બાજુમાં ઊભી છે તે જ મીઠુબહેન.
પાકટ વયે મીઠુબહેન
બીજે વરસે ગાંધીજી અને સરદાર પટેલની પ્રેરણાથી મીઠુબહેને ગામડાના લોકો અને આદિવાસીઓની સેવા કરવાના ઈરાદે ગુજરાતમાં મરોલી ખાતે કસ્તૂરબા સેવાશ્રમની સ્થાપના કરી. ૧૯૩૧ના જૂનની ૧૨મી તારીખે ગાંધીજીને હાથે તેનું ખાતમૂરત મીઠુબહેને કરાવ્યું. એ વખતે ગાંધીજીએ પૂછ્યું : “મીઠુબહેન! મારે હાથે પાયો નખાવો છો એની જવાબદારી સમજો છો?” તરત જવાબ મળ્યો : “હા બાપુ! હું અહીં જ દટાવાની છું.” અને પછી ખરેખર, એ આશ્રમ છોડીને બીજે ક્યાં ય ગયાં નહિ. આઝાદી પછી ભારત અરકારે ૧૯૬૧મા મીઠુબહેનને ‘પદ્મશ્રી’ના સન્માનથી નવાજ્યાં. ૧૯૭૩ના જુલાઈની ૧૬મી તારીખે મીઠુબહેનનો દેહાંત થયો. તેમના અંતિમ સંસ્કાર પણ આશ્રમમાં જ થયા.
પિતિત ખાનદાનની બે દીકરીઓ. એક હતી રતન. પરધર્મી પ્રેમી ખાતર ઘરબાર, માબાપ, કુટુંબ, ધનદોલત, બધું છોડ્યું. બીજી હતી મીઠુ. તેણે પણ એ બધું જ છોડ્યું, પોતાના દેશને ખાતર. મહાત્માને ખાતર. બંનેના મૂળમાં હતો પ્રેમ. એકમાં વ્યક્તિ માટેનો. બીજીના મનમાં દેશ માટેનો. બંનેના મનમાં છેવટે તો કદાચ આ પંક્તિ ગુંજતી હશે :
છોડ મુસાફિર માયાનગર,
અબ પ્રેમનગર કો જાના હૈ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 ફેબ્રુઆરી 2025