
રવીન્દ્ર પારેખ
દુનિયામાં સારું હજી છે ને એ જ મોટું આશ્વાસન છે, પણ જે રીતે દેખાડાનું, છીછરાપણાનું સામ્રાજ્ય વકરતું આવે છે તે સામાજિક આરોગ્ય કથળ્યું છે તેની ચાડી ખાય છે. દેશમાં દેખાડાનો, બીભત્સતાનો, છેતરપિંડીનો, ધર્માંધતાનો, હરામખોરીનો, નિર્લજ્જતાનો આડો આંક વળ્યો છે ને તેનો કોઈને જ સંકોચ ન હોય તેવી સ્થિતિ છે. કોમેડીને નામે છીછરી નગ્નતાનો-વલ્ગારિટીનો પુરસ્કાર થતો હોય તેમ સૌ તેને જાણે-માણે છે. અનિષ્ટ જ ઇષ્ટ હોય તેવું વાતાવરણ છે. વિરોધ હોય તો પણ તેનો કોઈને ખાસ વાંધો નથી. પ્રશ્નો જ એટલા છે કે બાર સાંધો ને તેર તૂટે તેવી હાલત છે ને પ્રજાને આમાંનું કૈં નડતું ન હોય તેમ શાંત છે ને દુ:ખ પણ સુખની જેમ માણે છે. આકાશ-પાતાળ એક થઈ જાય કે ધરતી રસાતળ જાય તો પણ કોઈને કૈં ફરક પડતો નથી. ક્યાંક થોડો ઘણો ગણગણાટ થતો હશે, પણ નવી કોઈ વાત સામે આવે છે કે આગલી વાત પર પડદો પડી જાય છે.
11 ફેબ્રુઆરી, 2025ને રોજ યુ ટ્યૂબ પર ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ નામક સ્ટેન્ડ અપ કોમેડી શોમાં પેનલ ગેસ્ટ તરીકે આવેલા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને એમ પૂછ્યું કે તમે તમારાં માબાપને અંગત પળોમાં રોજ જોવા ઈચ્છશો કે એક વાર એમાં સામેલ થઈને તેને રોકશો? આ એવી ભદ્દી રીતે પુછાયું કે રણવીરને પોતાને માબાપ હશે કે કેમ એવી શંકા પડે. કોઈ પણ દીકરો માબાપ વિષે ન પૂછે એવું સ્પર્ધકને રણવીરે પૂરી નિર્લજ્જતાથી પૂછ્યું ને શો સંચાલક સમય રૈના, મહિલા યુ ટ્યૂબર અપૂર્વ મખીજા સહિત સૌ તાળીઓ પાડીને તેને એન્જોય કરતાં હતાં. મખીજા તો છડેચોક વલ્ગર શબ્દો બોલતી હતી. આખું કલ્ચર જ એવું હતું જે કૈં પણ એન્જોય કરવા પેદા થયું હોય ! આ ત્રણે સામે મુંબઈ પોલીસે FIR દાખલ કરી છે. તેની સામે ગુવાહાટી પોલીસે પણ FIR નોંધી છે. એ ઉપરાંત હ્યુમન રાઇટ્સ કમિશન અને મહિલા આયોગ પણ વિરોધમાં જોડાયું છે. મહારાષ્ટ્ર સરકારે પણ અશ્લીલ કોમેન્ટ બાબતે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે એવી કોમેન્ટ પણ કરી છે કે રણવીર અને મખીજાએ ડાર્ક કોમેડીને નામે અશ્લીલ વાતો જ રજૂ કરી છે. આ મામલે હોબાળો વધતાં રણવીર અલ્હાબાદિયાએ વીડિયો જાહેર કરીને માફી માંગતા કહ્યું છે કે કોમેડી મારી ખાસિયત નથી ને હું માફી માંગવા આવ્યો છું.
દેશમાં સારું પણ ચાલતું જ હશે, પણ યંગ કહી શકાય એવા લોકપ્રિય ચહેરાઓ એટલા છીછરા છે કે તે ગમે ત્યારે ફાટીને ધુમાડે જઈ શકે એમ છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના સંચાલક સમય રૈના એક ઓડિયો ક્લિપમાં એવું કહે છે કે કોઈ પોર્ન વીડિયો શૂટ કરવા ઈચ્છે તો તેને અમારા શોમાં મોકલો … પૂરા ઈન્ટરનેટ ફટ જાયેગા. તે એમ પણ કહે છે કે કોમેડી કરનારની કોઈ જવાબદારી નથી. તે કૈં નૈતિક્તાના પાઠ ભણાવવા નથી આવતો. એક તરફ જવાબદારી વગરની આ છીછરી અભિવ્યક્તિ છે, જેને રોકવા જેવી છે ને બીજી તરફ સાંસદ ઈમરાન પ્રતાપગઢીની કવિતાને રોકવાની ન હતી, તેને રોકવામાં આવી. જામનગરમાં મુસ્લિમ સમાજમાં 51 નિકાહના પ્રસંગે સાંસદ ઈમરાન પહોંચે છે એવો વીડિયો ટ્વિટ થયો. એના બેકગ્રાઉન્ડમાં એક કવિતા બોલાય છે – એ ખૂન કે પ્યાસો બાત સુનો – આ વીડિયોને વાઇરલ કરીને તેને ઉશ્કેરણીજનક ગણાવતા જામનગર પોલીસે ફરિયાદ નોંધી. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે ઇમરાને અરજી કરીને જણાવ્યું કે એ કવિતા પ્રેમ અને અહિંસાનો સંદેશ આપે છે ને તેનો ઇરાદો સાંપ્રદાયિક લાગણીઓને ઉશ્કેરવાનો નથી, પણ હાઇકોર્ટે વાત ન સ્વીકારતાં કહ્યું કે કવિતા ‘ગાદી’ અને ‘સત્તા’ વિષે વાત કરે છે ને આવેલી પ્રતિક્રિયાઓ સાંપ્રદાયિક સૌહાર્દને હાનિ પહોંચાડે એવી છે. મામલો સુપ્રીમમાં પહોંચ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટે ઈમરાન પ્રતાપગઢીની FIR રદ્દ કરવાની અરજી એટલે ફગાવી કે તે કવિતાના અર્થને સમજી નથી. આ કવિતા પરોક્ષ રીતે કહે છે કે કોઈ હિંસામાં સામેલ થાય તો પણ આપણે તેમાં સામેલ થવું નહીં.
કોણ જાણે કેમ પણ આપણને દેખાડાની એવી લત લાગી છે કે ઉઘાડા પડવાનું જોખમ વહોરીને પણ જાહેર થવાની લાલચ રોકી રોકાતી નથી. એમાં ગંભીરતાને બદલે બતાવી દેવાનું ઝનૂન કદાચ વધારે કામ કરે છે. સુરતના ઓલપાડ તાલુકાનાં કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલનાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હતો. આ વિદાય શાંતિપૂર્ણ અને હૃદયસ્પર્શી બનવાને બદલે પાવર શો બની. વિદ્યાર્થીઓએ કોઈને પણ જાણ કર્યા વગર કે કોઇની પણ મંજૂરી લીધા વગર 30થી વધુ લકઝરી કાર સાથે સ્કૂલ સુધી રેલી કાઢી. રેલી સ્કૂલ સુધી પહોંચે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓએ સનરૂફમાંથી માથું કાઢીને ફોટા પાડ્યા, વીડિયો ઉતાર્યા, ટ્રાફિક નિયમોની ઐસી તૈસી કરી, ગાડીઓમાં બેફામ મ્યુઝિક વગાડ્યું, હવામાં પિસ્તોલ લહેરાવી.
આ ઘટનાના સૂચિતાર્થો ગંભીર છે. પોલીસે સોમવારે 12 અને મંગળવારે 7 લકઝરી કાર ડિટેન કરી છે. CBSEની 12ની પરીક્ષા પતે પછી તમામ સામે પગલાં ભરાશે. ત્રીસ જેટલી કારનો કાફલો નીકળે ને વાલીઓ તેનાથી અજાણ હોય એ શક્ય નથી. મતલબ કે વાલીઓની જાણમાં આ થયું છે. પોલીસનું કહેવું છે કે આ અંગેની મંજૂરી લેવાઈ નથી. સ્કૂલનું કહેવું છે કે અમે દરેક વાલીને મેઈલ કરીને વિદ્યાર્થીઓને ખાસ સ્કૂલ બસમાં મોકલવા સૂચના આપી હતી, પણ વાલીઓએ સ્કૂલની જાણ બહાર વિદ્યાર્થીઓને લકઝરી કારમાં મોકલ્યા. આમાં કોઈ જવાબદારી લે કે ન લે, પણ સ્કૂલને આંગણે આ ભવાડો થયો એનો ઇન્કાર થઈ શકે એમ નથી. આ શરમજનક છે, પણ તે તો જેમને શરમ હોય તેમને, બાકીનાને તો ક્યાં કૈં લાગે વળગે છે?
એક તરફ ફાઉન્ટન હેડ જેવામાં બેફામ દેખાડાની વાતો છે, તો બીજી તરફ સ્કૂલોને મંજૂરી આપવામાં કડક ધોરણો અપનાવાય છે. સુરતમાં નવી શાળાઓ શરૂ કરવા 28 અરજીઓ આવી, પણ તે મેદાન ન હોવાને લીધે કે બાંધકામ અધૂરાં હોવાને કારણે કે અન્ય કારણોસર, શિક્ષણ વિભાગે 27 અરજીઓ નામંજૂર કરી અને બારડોલીની એક જ અરજી મંજૂર કરવામાં આવી. શિક્ષણ વિભાગ મંજૂરી આપવા અંગે આટલી કાળજી લે તેનો આનંદ જ હોય, પણ સ્કૂલો તો ઠીક, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને કર્મચારીઓની 60 ટકા જગ્યાઓ ખાલી પડી છે એ અંગે તે ચૂપ છે. તાજેતરમાં જ નેકની તપાસમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભારે અછતની વાત બહાર આવી હતી. આ ઉપરાંત લેબોરેટરીનું અપગ્રેડેશન થતું નથી કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર-બિલ્ડિંગનો પૂરતો વપરાશ નથી ને તેની પૂરતી જાળવણી પણ નથી કે નવી શિક્ષણ નીતિ મુજબ પી.જી. પ્રોગ્રામ્સના સિલેબસ અપડેટ થયા નથી – જેવી નેકની ટિપ્પણીનો પણ યુનિવર્સિટીએ સામનો કરવાનો આવ્યો છે. આમાં યુનિવર્સિટીની જવાબદારી તો ખરી જ, પણ સરકારની ઉદાસીનતા પણ ઓછી જવાબદાર નથી.
સરકાર અને સરકારી પરીક્ષાઓ પણ આજકાલ ચર્ચામાં છે. 12 ફેબ્રુઆરીના સમાચારમાં નર્સની ભરતી અંગેના પ્રશ્નપત્રમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા એ રીતે પ્રબળ થઈ છે કે એક ક્લાસવાળાએ એવી ડંફાસ મારતો મેસેજ વાઇરલ કર્યો કે પેપર ‘આપડે’ જ કાઢ્યું છે …’ આવી ગયુંને આખું પેપર ! પરીક્ષા પછી જાહેર કરાયેલી આન્સર કીની પેટર્ન એ.બી.સી.ડી., એ.બી.સી.ડી… પ્રકારની ક્રમબદ્ધતા પણ શંકા ઉપજાવનારી છે. આ અગાઉ પણ મહેસૂલી તલાટીથી લઈને અનેક સરકારી પરીક્ષાઓ વગોવાઈ ચૂકી છે, પણ પરિસ્થિતિમાં ફરક પડતો નથી તે દુ:ખદ છે.
ફાઉન્ટન હેડ જેવી સ્કૂલમાં વાલી – વિદ્યાર્થીઓ તો દેખાડો કરે, પણ યુનિવર્સિટીના કુલપતિ પણ તેમાંથી બાકાત ન હોય તે વધારે શરમજનક છે. આમ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કુલપતિને વિવાદ જોડે અણબનાવ નથી, ત્યારે નવા કુલપતિ ડો. ઉત્પલ જોશીએ નિમણૂકના મહિનામાં જ પોત પ્રકાશ્યું છે. તેમણે કોઈ મંત્રીની જેમ કાર પર સાઇરન લગાડીને વિવાદને આમંત્રણ આપ્યું છે. હકીકત એ છે કે ગુજરાત વેહિકલ્સ એક્ટ મુજબ સાઇરન ઇમરજન્સી વેહિકલ્સ અને ડિઝાસ્ટર વિભાગ સાથે સંકળાયેલા અધિકારીના વાહન પર જ લાગે છે, પણ એવી કોઈ ઇમરજન્સી ન હોવા છતાં, માત્ર ટ્રાફિકમાંથી રસ્તો કાઢવા કુલપતિએ સાઇરનનો પ્રયોગ કર્યો છે. સાચું તો એ છે કે સાહેબ કોઈ ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા નથી એટલે સાઇરન લગાવી ન શકે. કુલપતિ કક્ષાની વ્યક્તિ સ્વસ્થ હોય ને શિક્ષણ શાસ્ત્રી પણ હોય એ વાત હવે ભૂતકાળની થઈ લાગે છે.
જગતમાં સારું પણ છે જ, છતાં એમ લાગે છે કે બાળકો, યુવાનો ને પરિપક્વ વ્યક્તિઓમાં દેખાડો, છીછરાપણું, આક્રમકતા … રાજરોગની હદે વકર્યાં છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ફેબ્રુઆરી 2025