પોતાની મૂડીની પાઈએ પાઈ દાનમાં આપી દેનાર દોરાબજી તાતા
૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખની બપોરે લોનાવાલા ખાતે યોજાયેલા તાતા પાવરના શીલાન્યાસ સમારંભમાં બોલવા માટે સર દોરાબજી તાતા ઊભા થયા અને કહ્યું :
આજે જો મારે સૌથી પહેલાં કોઈનો આભાર માનવાનો હોય તો તે મારા બાવા સર જમશેદજી નસરવાનજી તાતાનો. હા, એવને આ ફાની જિંદગાનીમાં પૈસા ઘન્ના બનાવિયા એની ના નહિ. પન એવનના એકુ પોરિયા તરીકે જ નહિ, એક હમસફર તરીકે બી બોલું છું એટલે જરૂરથી કહેવસ કે પૈસા બનાવવા એ કબ્બી બી એવનની જિન્દગાનીનો પહેલો મકસદ હૂતો નહિ. પોતાના માદરેવતનને વેપાર-ઉદ્યોગની બાબતમાં કેમ કરીને બને તેટલો આગલ વધારવો એ એક જ વાત તેમના દિલોદિમાગમાં હતી. આય પાવર પ્લાન્ટ શુરુ કરવાનું ડ્રીમ તેઓ પોતાની ફાની જિંદગાનીમાં તો પૂરું કરી સાકિયા નહિ, પણ મુને ખાતરી છે કે આજે એવનની રૂહ જેથે બી હોસે, એને હાસકારો થસે.

સર દોરાબજી તાતા
બીજી કબૂલાત મારે એ કરવાની છે કે એવા દિવસો બી આવિયા હુતા કે જ્યારે મુને લાગતું હુતું કે બાવાજીનું આય ડ્રીમ હું કે વારે બી પૂરું કરી સકસ નહિ. કેમ કે આય દેશમાં હજી આવા મોટ્ટા ઉદ્યોગો બહુ ઓછા સુરુ થયેલા છે. એટલે અહીંના લોક તેમાં પોતાના પૈસા રોકવા તૈયાર થતા નથી છે. બરાબર એ જ તાણે નેકનામદાર ગવર્નર સર જ્યોર્જ ક્લાર્ક સીડનહામ, જેઓ આજે અહીં પધારિયા છે, તેમની મદદ અમોને મળી. પોતાના ભાષણોમાં એવને ‘દેશી’ લોકોને અમારા આ સાહસમાં પૈસા રોકવા ઉશ્કેર્યા. આજે અહીં જે પાવર પ્લાન્ટનું બાંધકામ સુરુ થવાનું છે તેની પાછળ જે મૂડી રોકવામાં આવશે તેનો ઘન્નો મોટ્ટો હિસ્સો આપરા દેસના લોકોએ અમુને આપેલો છે. એ લોકોને મારે ખાતરી આપવી જોઈએ કે જે વિસવાસ તમે અમારી કંપનીમાં મૂકિયો છે તેને રોશન કરવાની મહેનત હું પોત્તે અને મારી પછી આવનારી અમારી પેઢીઓ બી કરશે.

બેઠેલા: જમશેદજી તાતા, આર.ડી. તાતા અને દોરાબજી તાતા. ઊભેલા: રતન તાતા
દોરાબજી બોલી રહ્યા વેરે એવન નામદાર ગવર્નર અને લેડીસાહેબા અને બીજા થોરા માનવંતા મહેમાનોને લઈને થોરે દૂર બનાવેલા માંચડા પર લઈ ગિયા. સૌથી પેલ્લી તો દોરાબજીએ સલાહકાર એન્જિનિયર આલ્ફ્રેડ ડિકીન્સન અને કંપનીના જનરલ મનેજર હેરી પાર્કર ગીબ્સની ઓળખ નામદાર ગવર્નર સાથે કરાવી. એ પછી તુરત જ દારૂગોળાના ભડાકા કરવામાં આવિયા હુતા. તેના એકો આખી ખીણમાં પડિયા હુતા. એ પછી નામદાર અને લેડી ગવર્નરના માનવંતા હાથ વરે પાયાનો પથ્થર એની જગોએ મૂકવામાં આવીયો. તાર બાદ ગવર્નર સાહેબ બોલવા ઊભા થીયા. એવાને દોરાબજીની શાબાસગી આપી અને કહ્યું :
સરકારની ઇન્કમ ટેક્સની આવક જુઓ, બેન્કોની વધતી જતી ફિક્ષ્ડ ડિપોઝીટ જુઓ, કોલસા, મેંગેનીઝ, સોનું, પેટ્રોલ, વગેરે જણસોનું ઉત્પાદન પણ સતત વધતું રહ્યું છે. અને એવું પણ નથી કે ખેતીવાડીને ભોગે આ ઔદ્યોગિક પ્રગતિ થઈ રહી છે. દસ વરસ પહેલાં ૧૮૦ મિલિયન એકરમાં ખેતી થતી હતી. આજે ૨૧૮ મિલિયન એકર જેટલી જમીનમાં ખેતી થાય છે. અને આ બધાની સાથોસાથ – તેમને બદલે કે તેમને ભોગે નહિ – હિન્દુસ્તાનનો ઔદ્યોગિક વિકાસ પણ થઈ રહ્યો છે. માનવંતા મહેમાનો, આપને થતું હશે કે આ બધી વાતોને અને આજના આ કાર્યક્રમને શો સંબંધ? અને આ ગમાર ગવર્નર આજે આ બધી વાત કેમ બોલી રહ્યો છે! તો મને કહેવા દો કી આજે જે પાવર પ્લાન્ટનો પાયાનો પથ્થર મૂકવાનું કામ મારે હાથે થયું છે તે પોતે તો હિન્દુસ્તાનની ઔદ્યોગિક પ્રગતિનો એક બુલંદ સિતારો છે જ. પણ આ પાવર પ્લાન્ટમાં જે વીજળી પેદા થશે તેને પરિણામે મુંબઈ અને બીજા કેટલાક પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસની ઝડપ પણ ઘણી વધશે.

તાતા કંપનીનો પહેલો પાવર પ્લાન્ટ
હું જાણું છું કે છેલ્લાં કેટલાંક વખતથી આ દેશમાં ‘સ્વદેશી’ની હિમાયત જોરશોરથી થઈ રહી છે. પણ ‘સ્વદેશી’ એ વિશેષણ માત્ર નાના નાના કે ઘરઘરાઉ ઉદ્યોગોને જ લાગુ પડે છે એવું નથી. હમણાં મેં જેનો પાયાનો પથ્થર મૂક્યો તેવા મોટા ઉદ્યોગોને પણ આ વિશેષણ લાગુ પડે છે. આપણા પોતાના ખિસ્સામાં પૈસા હોય તો બીજા પાસેથી ઉધાર ન લઈએ એમાં જેમ ડહાપણ છે, તેમ જ જો દેશમાંથી જ જરૂરી પૈસા ઊભા થઈ શકતા હોય તો વિદેશી મદદ ન લેવી જોઈએ એટલું તો કોઈ પણ સમજે. પિતા જમશેદજીનું સપનું સ્વદેશી મૂડી વડે સાકાર કરવા માટે દોરાબજીએ જે જહેમત ઉઠાવી છે તેનો હું સાક્ષી છું. અને એ જહેમતને પરિણામે આજનો દિવસ આપણે જોઈ શક્યા છીએ તે માટે તેમનો આભાર માનું છું. અને હા, આજે મારે હાથે જે મૂકાયો છે તે માત્ર કોઈ બાંધકામનો પાયાનો પથ્થર જ નથી. હિન્દુસ્તાનના લોકોની પોતાની જાતમાં રહેલી શ્રદ્ધાનો પાયો પણ તે છે. મને ખાતરી છે કે એક દિવસ અહીં પેદા થયેલી વીજળી તાર દ્વારા મુંબઈ સુધી પહોંચશે અને ત્યાંના વેપાર-ઉદ્યોગને જ નહિ, ત્યાંના લોકોના જીવનને પણ ઉજાળશે.
*
જમશેદજી વારસામાં સારી એવી પૂંજી મૂકી ગયા હુતા. અને દોરાબજીએ તેમાં ઘન્નો વધારો કીધો. પન એ ધન ન પોતાને માટે રાખિયું, ન પોતાના વારસો માટે. એવને એક ટ્રસ્ટ શુરુ કીધું અને પોતાની બધ્ધી મિલકત – પોતે પહેરતા તે મોતી મઢેલી ટાઈ-પીન સિક્કે – એ ટ્રસ્ટને લખી આપી. એવનનાં ધનિયાની ગુજરી ગયા વેરે એવને આય ટ્રસ્ટ કીધું. અને એવને લખી જનાવિયું કે દેશ, જાત, ધરમ, કે બીજા કોઈ બી ભેદ ભાવ વગર આ ટ્રસ્ટના પૈસા વિદ્યા અને સંશોધનનાં કામોમાં, આફતગ્રસ્ત લોકોની મદદ માટે, અને બીજા જાહેર સખાવતી કામોમાં વાપરવા. આય ટ્રસ્ટ તે સર દોરાબજી તાતા ટ્રસ્ટ.

પત્ની મહેરબાઈ સાથે દોરાબજી તાતા
દોરાબજીનાં ધનીયાની મેહેરબાઈ લુકેમિયાના રોગનો ભોગ બની આય ફાની દુનિયામાંથી સીધાવિયા હુતા. એટલે આય રોગ અંગે અભ્યાસ-સંશોધન કરવા માટે દોરાબજીએ લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ બનાવિયું. મેહેરબાઈનો અંતકાલ ઈંગલન્ડમાં આવીયો હૂતો. એવનની કબરના દિદાર કરવા દોરાબજી ૧૯૩૨ના એપ્રિલની ૧૧મી તારીખે મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા નીકલીઆ. પન ખોદાયજીએ કૈંક જુદું જ ભાયેગમાં લખિયું હોસે. તે ૧૯૩૨ના જૂનની ત્રીજી તારીખે મુસાફરી દરમ્યાન જ જર્મનીમાં એવન બી ખોદાયજીને પ્યારા થઈ ગયા. એવનનાં રૂઆનને ઈંગલન્ડ લઇ જઈ ધનીયાનીની કબ્રની બાજુમાં દફનાવવામાં આવિયું.
જેને લીધે ‘તાતા’નું નામ હિન્દુસ્તાનના ઘર ઘરમાં જાણીતું અને માનીતું થયું એવી એકુ કંપનીની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 ડિસેમ્બર 2024
![]()



અને આ જ પરિવારનાં અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી સારાભાઈનાં દીકરી મૃદુલા તો વળી ઓર અધિક મહિમામય કારકિર્દી જીવી ગયાં. આઠ ભાઈ-બહેનોના બહોળા પરિવાર અને લખલૂટ સંપત્તિની સુવિધામાં મૃદુલાબહેનનું બાળપણ સ્વપ્નની જેમ પસાર થઈ ગયું. અંબાલાલભાઈ પોતાનાં સંતાનોને બહારની કોઈ શિક્ષણસંસ્થામાં મોકલતા નહિ. તમામ બાળકોના માધ્યમિક કક્ષા સુધીના તમામ શિક્ષણની જોગવાઈ શાહીબાગ ખાતેના એમના વિશાળ રીટ્રીટ બંગલા ખાતે થતી. એમના ભણતર માટે શિક્ષકોનો મોટો કાફલો રોકવામાં આવતો. દરેક સંતાનની રુચિ પારખવામાં આવે અને પછી એ દિશામાં એની વિશેષ તાલીમ થાય એવી જોગવાઈ હતી. મોટી વાત એ હતી કે અતિ માલદાર પરિવાર હોવા છતાં ઘરમાં સાદગીનું વાતાવરણ રહેતું. ભોજન, કપડાં, વડીલો ઉપરાંત નોકરચાકર તરફનું વર્તન, એ બધી બાબતમાં સાદાઈ અને શાલીનતાનો આગ્રહ રહેતો. આમાં પણ, મૃદુલાબહેન સાવ નાનપણથી કાંઈક જુદું જ વલણ ધરાવતાં હતાં. એમને સાદગી ખૂબ પસંદ હતી.
આ રીતે તેઓ ગાંધીજીના નિકટ સંપર્કમાં આવ્યાં. ગાંધીજીનાં પ્રશંસક બન્યાં. ગાંધીજી માત્ર રાજકીય આઝાદી માટે મથતા નથી પરંતુ સત્યાગ્રહી માનવોને ઘડવા માટે પ્રયત્નશીલ છે, એ મૃદુલાબહેન બરાબર સમજતાં હતાં. અલબત્ત, મૃદુલાબહેન ગાંધીજીનાં પ્રશંસક અને ટેકેદાર રહ્યાં, પરંતુ કદી એમનાં ભક્ત ન બન્યાં. ગાંધીજી પોતાના સંપર્કમાં આવનાર દરેકને કશીક ને કશીક રચનાત્મક કે વિકાસાત્મક પ્રવૃત્તિમાં જોડાઈ જવાનો અનુરોધ કરતા. કોઈને ગામડામાં જવા, કોઈને આદિવાસીઓમાં જવા તો કોઈને શિક્ષણના કામમાં જોડાવા અનુરોધ કરતા. એમણે મૃદુલાબહેનને કોમી એકતા અને સ્ત્રીવિકાસ, એ બે ક્ષેત્રે કામ કરવાની પ્રેરણા આપી. ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ માટે પણ એ મથતાં રહ્યાં.
અને ગાંધીબાપુના આદેશને માન આપીને મૃદુલાબહેને એક સંસ્થાની રચનાનો મુસદ્દો તૈયાર કર્યો. નામ રાખ્યું જ્યોતિસંઘ. ૧૯૩૪ના એપ્રિલની ૨૪ તારીખે એનો રીતસર પ્રારંભ કર્યો. શરૂઆતમાં અમદાવાદના રિચી રોડ (આજના ગાંધી રોડ) પર દૂધિયા બિલ્ડીંગમાં સંસ્થાની ઑફિસ હતી. પછી રિલીફ રોડ (હાલના ટિળક માર્ગ) પર સંસ્થાનું આગવું મકાન બન્યું. મુખ્યત્વે મૃદુલાબહેનના પ્રયત્નોથી સ્થપાયેલી અને ચાલેલી આ સંસ્થાએ પોણી સદી ઉપરાંત સમયમાં લાખો સ્ત્રીઓને શિક્ષણ, તાલીમ, આશ્રય, માર્ગદર્શન, કાનૂની સહાય, રોજગાર, તબીબી સેવાઓ, વ્યાવસાયિક સહયોગ વગેરે આપીને એક યુગકાર્ય કર્યું છે. પાયામાં છે મૃદુલાબહેન સારાભાઈ. પાછળથી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા સુંદરમ્ કેટલાક સમય જ્યોતિસંઘના કર્મચારી હતા. એ સંઘનું ધ્યેયગીત ‘સંઘ અમારો’ એમણે રચી આપ્યું છે.

