Opinion Magazine
Number of visits: 9844208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—262

દીપક મહેતા|Opinion - Opinion|9 November 2024

જમશેદજી તાતા: પાંચગણીની સ્ટ્રોબેરીથી મુંબઈની હોટેલ તાજ મહાલ પેલેસ  

જમશેદજી શેઠ પોતે મોનામાં ચાંદીની ચમચી લઈને જનમિયા હુતા નહિ. જાત મહેનત કીધી હુતી. પોતાના ફરજંદોને ભણવા ગણવામાં કાબિલ બનાવિયા, પન તેમને ક્યારેય તૈયાર ભાને જમવા બેસારિયા નહિ. દીકરા દોરાબજીને શીખવા માટે વિલાયત મોકલીયા. ભણીગણીને પાછા આવિયા તે વારે જમશેદજીની નાગપુરની એમ્પ્રેસ મિલ ધમધોકાર ચાલતી હુતી. દોરાબજી એ મિલમાં ઊંચી પાયરીએ આસાનાથી ગોઠવાઈ સકિયા હોતે. પન નહિ. મુંબઈના ‘બોમ્બે ગેઝેટ’ નામના અખબારમાં એક મામૂલી રિપોર્ટર તરીકે દોરાબજીને નોકરી કરવા મોકલિયા. બે વરસ નોકરી કીધા પછી મોકલીયા પોન્ડીચરી. ત્યાં એક ખાસ કીસમનું ફ્રેંચ કાપડ તૈયાર થતું હુતું તે એમ્પ્રેસ મિલમાં કેમ બનાવવું તે જાણવા માટે. જો કે પછીથી જણાયું કે નાગપુરમાં આય કપરું બનાવવાનું બનશે નહિ. એટલે એ વાત પરતી મૂકી.

મુંબઈની પહેલવહેલી મોટરના માલિક જમશેદજી તાતા

જમશેદજીએ પાંચગણી(પંચગની)માં પુષ્કળ જમીન ખરીદી હુતી. ત્યાં ખેતી કરવાની એવનની મુરાદ હુતી. મુંબઈથી એવન વારંવાર પાંચગણી જતા. એ વખતે મુંબઈથી ત્યાં વેર પોચતા લગભગ ૨૪ કલાક લાગતા. મુંબઈથી પૂનાની ટ્રેન રાતે નવ વાગે પૂના પૂગે. ત્યાંથી બીજી ટ્રેન અને પછી છેવટની મુસાફરી ટાંગામાં. થોરો વખત તો જમશેદજી આય રીતે પાંચગણી ગિયા. પન પછી મુંબઈથી પાંચગણી જવા માટે જ ખાસ મોટર ખરીદી. મુંબઈમાં પોત્તાની મોટર ધરાવનાર જમશેદજી પહેલવહેલા ઇસમ હુતા.

પાંચગણીમાં પહેલાં તો એવાને ઈજિપ્શિયન કોટન ઉગાડવાની જહેમત કીધી. પણ તેમાં બહુ ફાવ્યા નહિ. એટલે ત્યાં સ્ટ્રોબેરી ઉગાડવાનું શુરૂ કીધું. આજે તો ઠંડીની સિઝનમાં પાંચગણી અને મહાબળેશ્વરની સ્ટ્રોબેરી મુંબઈમાં અને બીજે ઢગલાબંધ વેચાય છે. પન આય સ્ટ્રોબેરી પાંચગણીમાં ઉગાડવાની સુરૂઆત કરનાર હુતા જમશેદજી.

એમના જમાનાની સગવડ-અગવડ જોતાં જમશેદજી દેશ-પરદેશમાં ઘન્નું ફરિયા. પણ કેથ્થે બી જાય, માદરે વતન હિન્દુસ્તાન તો છાતીએ વળગેલું જ રહે. એક વાર ગયા ફ્રાંસ. બજારમાં ફરતાં એવનની નજર ફ્રાન્સમાં બનતા એક ખાસ કીસમના રેશમી કાપડ પર પરી. અને જમશેદજીના મનમાં બત્તી થઈ. હિન્દુસ્તાનમાં બેંગલોરની આબોહવા બી અહીંના જેવી જ છે. તો અહીં બને છે તેવું રેશમી કપરું તાં કેમ નહિ બને? પૂછીગાછીને થોડા કોશેટા ખરીદ્યા. લાંબી દરિયાઈ મુસાફરીમાં તેનું જતન કરીને મૈસોર લઇ ગિયા. તાં બી એવનની ઘન્નીબધી જમીન તો હુતી જ. ત્યાં આ કોશેટા ઉછેર્યા. રેશમી કાપર બનાવિયું. લોકોને ઘન્નું પસંદ પરીયું અને ‘મૈસોર સિલ્ક’ તરીકે દેશભરમાં નામીચું થિયું.

૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ગાંધીજી અને કસ્તૂરબા એપોલો બંદર પર ઊતરિયા ત્યારે ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા હૂતો જ નહિ. કારણ એનું બાંધકામ પૂરું થિયું છેક ૧૯૨૪માં. પણ એ વખતે એપોલો બંદરને અડીને આવેલી તાજ મહાલ હોટેલ તો ઊભી હુતી. ૧૮૯૬થી ૧૮૯૯ વેરનાં વરસ આય મુંબઈ શેર માટે ઘન્ના કપરા હુતા. શહેરમાં પ્લેગનો રોગ ફેલાયો હૂતો. નહિ નહિ તો ૧૮ હજાર લોકો આય પ્લેગમાં સપરીને ગુજરી ગિયા. પન મુંબઈની એક ખાસિયત છે. ક્યારેય હારતું નથી એવું તો નથી. પણ હારીને તરત બેઠું થાય છે. બેઠું થઈને તરત દોરવા લાગે છે. વીસમી સદીની સુરૂઆતમાં તો મુંબઈ ફરી દોરતું થઈ ગિયું હુતું. એ જમાનામાં સારી ગણાય એવી ફક્ત ત્રણ હોટેલ હુતી મુંબઈમાં. વોટસન હોટેલ, ગ્રેટ વેસ્ટર્ન હોટેલ, અને એપોલો હોટેલ. તનેમાં ફક્ત ગોરાઓ રહી સકે. જમશેદજીને થયું કે મુંબઈમાં એક એવી હોટેલ બાંધવી જોઈએ જેમાં કાલા-ગોરાના ભેદ વગર હર કોઈ દાખલ થઈ સકે. એપોલો બંદર પાસેની જમીન ૯૯ વરસના લીઝ પર લીધી. એ વખતે મુંબઈમાં ઘન્ની મોતી મોતી ઇમારતો બંધાતી હુતી : વિક્ટોરિયા ટર્મિનસ, મ્યુનિસિપાલીટીનું મકાન, બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન વગેરે. ફ્રેડરિક સ્ટિવન્સ આય બધ્ધા મકાનના આર્ચીતેક્ત. એવનના બે ‘દેસી’ મદદગાર, મરાઠી માણૂસ રાવસાહેબ સીતારામ ખંડેરાવ અને પારસી બાવા ડી.એન. મિર્ઝા. પોતાની હોટેલનું બાંધકામ જમશેદજીએ આ બે ‘દેસી’ઓને સોંપિયું. જમશેદજી મુંબઈમાં એકુ હોટેલ બાંધવાના છે એ વાતની તેમના સિસ્ટરને ખબર પરી. એવન તો થઈ ગિયા રાતાપીલાં. ‘ટુ તો આપરા તાતા ખાનદાનનું નામ બોલવા બેઠો છે. ભઠિયારખાનું સુરુ કરીને આપરા કુટુંબનું નામ બોલવા બેઠો છ. જરાક તો લાજ-સરમ રાખ આપરા નસરવાનજી બાવાની!’ જમશેદજીએ તરત જ કહ્યું : ‘આય કામ માટે આપરા ખાનદાનની એક દમરી બી વાપરસ નહિ. બધ્ધા પૈસા મારી જાતકમાઈની આવકમાંથી ખરચીસ. ૧૮૯૮ના નવેમ્બરની પહેલી તારીખે એક નાલ્લી પૂજા કરીને બાંધકામ સુરુ કીધું. ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે આય હોટેલ, તાજ મહાલ પેલેસ, ખુલ્લી મૂકાઈ. તે વેલા એકુ રૂમનું એકુ દિવસનું ભારું હુતું મોંઘુ દાત, રૂપિયા છ!

૨૧ ઓક્ટોબર ૧૯૦૩ના અખબારમાં પ્રગટ થયેલી પહેલી જાહેર ખબર

પન આય બધાં કામ તો જમશેદજી માટે ડાબા હાથના ખેલ. સ્વામી વિવેકાનંદને લખેલા લેટરમાં જે બીજા સપનાની વાત કીધી હુતી એ હુતું મુંબઈ શેરને ઈલેક્ટ્રીસિટી પૂરી પારવા માટે હાઈડ્રોલિક પાવર સ્ટેશન શુરુ કરવાનું. લોણાવળા પાસેની એકુ જાગા જોઈને જ એવનને થિયું કે અહીં હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઊભું કરી મુંબઈને પાવર પહોંચારી સકાય. પરદેસથી એક્સપર્તોને બોલાવિયા, તેમણે બી કીધું કે હા, આમ જરૂર જ થઈ સકે તેમ છે. પન આ પાવર સ્ટેશન ધમધમતું થિયું તે સર સાહેબ બેહસ્તનશીન થયા પછી. આય તાતા પાવર સ્ટેશન આજે બી મુંબઈ શેરના ઘન્ના ભાગોમાં પાવર પૂરો પાડે છે. અને એ રીતે લોકો આજે બી સર સાહેબને યાદ કરે છે.

તાતા પાવર સ્ટેશન – પહેલું મકાન

જમશેદજી સેઠ બેહસ્તનશીન થિયા પછી એવનને વાસ્તે દલગીરી જાહેર કરવાને આપરા ટાઉન હોલમાં એક મોટ્ટી મિટિંગ ભરાઈ હુતી. તે વેલા જસ્ટીસ નારાયણ ગણેશ ચંદાવરકર શોકના ઠરાવને ટેકો આપવાને ઊભા થિયા ત્યારે બોલ્યા હુતા : ‘કેટલાક લોક કહે ચ કે સર જમશેદજી તાતાના દિમાગમાં રોજ નવા નવા વિચારો આવતા હતા છે. તો ઘન્ના લોક વલી બોલે ચ કે એ હંમેશ બીજાઓને નવાં નવાં કામ કરવા ઇન્સ્પીરેશન આપતા હુતા છે. પન કદાચ વધુ સાચી વાત તો એ છે કે સર જમશેદજી નસરવાનજી તાતા એટલે રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 નવેમ્બર 2024)

Loading

પરમાણુ શસ્ત્ર સામેના અભિયાનને નોબલ શાંતિ પુરસ્કાર

કિરણ કાપુરે|Opinion - Opinion|9 November 2024

કિરણ કાપુરે

31 માર્ચ 1998ના દિવસે દેશના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પર જાપાનથી એક પત્ર લખાય છે. આ પત્રમાં અરજ છે કે, ‘તમે 19 માર્ચના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા અને એવી જાહેરાત કરી કે દેશની સુરક્ષા અર્થે આપણે પરમાણુ શસ્ત્રોને વિકલ્પ તરીકે જોઈશું. હિરોશીમા અને નાગાસાકીમાં અમે બચી જનારાઓ ભારતની નવી સુરક્ષા નીતિને લઈને નારાજગી વ્યક્ત કરીએ છીએ. અને પરમાણુ નીતિને પ્રોત્સાહનની નીતિને બદલવા અરજ કરીએ છે, જેથી ફરી વાર હિરોશીમા-નાગાસાકી ન થાય. એવું કહેવાય છે કે પાકિસ્તાનના કારણે ભારત પરમાણુ શસ્ત્રો માટે પ્રેરાયું. જો કે એમ પણ જાણવા મળ્યું છે કે અમેરિકા અને રશિયાના શસ્ત્રની હોડને ત્યજીને ભારત પરમાણુ શસ્ત્રોથી દૂર રહ્યું છે. હાલના તબક્કે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોને ઓછા કરવાની નહીં બલકે નાબૂદ કરવાની માંગ છે. અમે તમારી સુરક્ષા નીતિનું ફરી મૂલ્યાંકન માટે વિનંતી કરીએ છીએ.’ 

આ પત્ર લખનારી સંસ્થા છે ‘જાપાન કન્ફડેરેશન ઓફ એ-એન્ડ એચ-બોમ્બ સફરર્સ ઓર્ગેનાઇઝેશન’. ગુજરાતીમાં તેનો અર્થ કરી શકાય જાપાનમાં પરમાણુ હુમલામાં બચી જનારાઓનું સંગઠન. આ સંસ્થા ‘નિહોન હિન્ડેક્યો’ના નામે ઓળખાય છે. જાપાની ભાષામાં આ સંસ્થાનું સંક્ષિપ્ત નામ ‘નિહોન હિન્ડેક્યો’ થાય છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા અત્યારે ચર્ચામાં છે; તેનું કારણ કે તેના સાત દાયકાના અવિરત શાંતિના પ્રયાસ અર્થે નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત થઈ છે.

દુનિયામાં જાપાન માત્ર એવો દેશ છે જેણે પ્રત્યક્ષ રીતે પરમાણુ શસ્ત્રોનું પરિણામ ભોગવ્યું અને તેથી જાપાનવાસીઓ એવું દૃઢપણે માને છે કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ફરી ક્યારે ય પૃથ્વી પર ન થવો જોઈએ. આ માટે જાપાનની સરકાર પણ પ્રતિબદ્ધ છે અને તે પછી જાપાને પોતાની સુરક્ષા નીતિનો ધરમૂળથી પરિવર્તન લાવી દીધું. આ તર્જ પર જ ‘નિહોન હિન્ડેક્યો’ સંગઠને છેલ્લા સાત દાયકાથી દુનિયાના તમામ પરમાણુ શસ્ત્રો મીટાવી દેવા માટે મુહિમ છેડી છે. આ મુહિમમાં તેઓએ જ્યાં જ્યાં પરમાણુ શસ્ત્રોની હોડ જોઈ કે કોઈ સરકારનું પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાનું વલણ જોયું તો તે અટકાવવા માટે પ્રયાસ કર્યા. આ પ્રયાસ અત્યાર સુધી કારગર રહ્યા છે; કારણ કે તે પછી દુનિયામાં પરમાણુ શસ્ત્રો વધ્યા છે પરંતુ પરમાણુ હુમલાની પીડા ભોગવવાની કોઈને આવી નથી.

વિશ્વમાં પરમાણુ શસ્ત્ર વિરોધી અભિયાન જાપાન પર તેના ઉપયોગ પછી સતત આગળ વધતું રહ્યું છે. પણ તેના પર સતત કાર્યરત ‘નિહોન હિન્ડેક્યો’ રહ્યું છે. તેમણે અવારનવાર દુનિયાને યાદ અપાવ્યું કે પરમાણુ શસ્ત્રોથી માનવજાતે દૂર રહેવું જોઈએ. 2005માં આ સંસ્થા તરફથી આવો એક સંદેશ વિશ્વભરના લોકોને સંબંધીને લખાયો હતો. એ સંદેશામાં લખ્યું હતું કે, ‘હિરોશીમા અને નાગાસાકી એ કોઈ ઇતિહાસ નથી. આજે પણ તે વખત પ્રસરેલું રેડિએશન બચી જનારા લોકોને મારી રહ્યું છે. આપણે શાંતિ સ્થાપિત કરવા અને દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત જોવા ઇચ્છતા હોવા છતાં આજે પણ બદલો વાળવા માટે નફરતની ભાષા બોલાય છે, જેમાં ઘણાં દેશો પરમાણુ શસ્ત્રોના હુમલા કરવા સુધ્ધાની ધમકી આપે છે. જો આ રીતે બદલાવૃત્તિ વારંવાર જાહેર થાય ત્યારે પૃથ્વી પર મોજૂદ 30,000થી વધુ પરમાણુ શસ્ત્રો માનવીના વિનાશ તરફ લઈ જાય તેવી ભીતિ સતત રહેશે. આજના પૂર્વે ક્યારે ય પરમાણુ શસ્ત્રોની તુરંત નાબૂદની આવશ્યકતા વર્તાઈ નહોતી.’ આ પત્ર લાંબો છે પણ તેના સંદેશામાં અનેક આવી વાતો ટાંકવામાં આવી છે; જેના કારણે પરમાણુ શસ્ત્રોની તુરંત નાબૂદીની આવશ્યકતા સૌને જણાય. આ સંસ્થા તરફથી આ રીતે અવારનવાર પત્રો લખાય છે અને તેની અસર પણ જોવા મળી છે. સરકારોએ તે અંગે જવાબ આપવા પડ્યા છે અથવા તેમની વાત ધ્યાને લેવી પડી છે.

સાદકો સાસકી

પરમાણુ બોમ્બની ભયાનકતા અનેક રીતે મૂકી શકાય. સૌથી ભયાવહ રીતે તો માહિતી અને દૃશ્ય માધ્યમથી. આ માટે સંસ્થાએ જે સૌથી દાખલારૂપ કાર્ય કર્યું છે તે પરમાણુ હુમલાઓમાં ઘવાયેલા લોકોની જુબાની છે. આ જુબાનીમાં તેમની પીડા ઝળકે છે. આ હુમલામાં એક ઘવાનાર સાદકો સાસકી [Sadako Sasaki] હતી. હિરોશીમા પર જ્યારે પરમાણુ બોમ્બ નાંખવામાં આવ્યો ત્યારે સાદકો માત્ર બે વર્ષની હતી. આ હુમલામાં તે ઇજાગ્રસ્ત થઈ અને તે પછી તે એક દાયકા સુધી પીડા સાથે જીવીત રહી. હિરોશીમાં પર નંખાયેલા બોમ્બના ગ્રાઉન્ડ ઝીરો અંતરેથી તે માત્ર દોઢ કિલોમીટરના અંતરે હતી. સાદકો હુમલામાં બચી અને નાની-મોટી તકલીફો સાથે તે પછી દસ વર્ષ સુધી જીવી હતી. પરંતુ 1955માં તેને શરીર પર ગાંઠ થવા માંડી અને તેને દવાખાનામાં દાખલ કરી. તે પછી માત્ર એક વર્ષમાં તેનું અવસાન થયું. પરમાણુ હુમલામાં મૃત્યુ પામનારાઓમાં સાદકોને સ્મૃતિરૂપે યાદ કરવામાં આવે છે. 

તેરુમી તનકા

એ રીતે તેરુમી તનકા [Terumi Tanaka] જેઓ હાલ નોબલ સન્માનિત ‘નિહોન હિન્ડેક્યો’ સંસ્થાના પાયાના સભ્ય છે. નાગાસાકી શહેર પર બોમ્બ નાંખવામાં આવ્યો ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી સાડા ત્રણ કિલોમીટરના અંતરે તેઓ હતા. તેમની ઉંમર ત્યારે તેર વર્ષની હતી. તેરુમી તનકાએ પોતાના પરિવારના અનેક લોકોને ગુમાવ્યા. તેઓ પોતે પણ ઇજાગ્રસ્ત થયા, તેમ છતાં આજે પણ 92 વર્ષની ઉંમરે તેઓ સ્વસ્થ છે. તે પછી તેઓ અભ્યાસ પૂરો કરીને ‘ટોહુકો યુનિવર્સિટી’માં અધ્યાપક તરીકે જોડાયા. આ દરમિયાન તેઓ ‘નિહોન હિન્ડેક્યો’ સંસ્થા સાથે જોડાયા. દુનિયામાં જ્યારે જ્યારે પરમાણુ હુમલાનું જોખમ વધ્યું ત્યારે તેઓ પોતાનો અવાજ બુલંદ કરતા. તેમણે ઉત્તર કોરિયાએ પણ પરમાણુ પરીક્ષણ કર્યું તેનો વિરોધ જોરશોરથી કર્યો હતો. પરમાણુ હુમલામાં બચનારાઓનો અવાજ દુનિયાભરમાં પરમાણુ વિરોધમાં ગુંજ્યો તેમાં એક તેરુમી તનકા છે. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2016માં હિરોશીમાની મુલાકાત લીધી હતી ત્યારે ઓબામાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘આકાશમાંથી મૃત્યુ આવ્યું’. આ વાક્યનો તેરુમીએ વિરોધ કર્યો હતો. તેમણે આ વિશે માધ્યમોમાં કહ્યું હતું કે મોત આકાશમાંથી આવ્યું નહોતું બલકે અમેરિકાએ જાપાનીઓને ખતમ કરવા માટે હુમલો સઉદ્દેશ્યથી કર્યો હતો. ‘નિહોન હિન્ડેક્યો’ના બીજા મહત્ત્વના સભ્ય

તોશુયિકી મિમાકી

તોશુયિકી મિમાકી [Toshiyuki Mimaki] છે. તેઓ આ વિશે કહે છે કે, ‘આજે પણ દુનિયાભરમાં પરમાણુ હુમલામાં બચનારા 1,06,000 લોકો જીવી રહ્યા છે. તે પછી પણ ઘણા પરમાણુ પરિક્ષણ થયા અને તેમાંથી લોકોને તેની અસર થઈ તેઓ પણ પોતાને પરમાણુથી બચનારાઓ જ માને છે.’ જાપાનમાં આ રીતે પરમાણુથી બચનારાઓ માટે ‘હિબાકાશુ’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘હિબાકાશુ’ લોકો દુનિયામાં કાયમી શાંતિ ઇચ્છે છે. તેઓનું માનવું છે કે દુનિયાભરના રાજકીય આગેવાનો શાંતિની અપીલ કરે છે અને શાંતિ ઇચ્છતા હોય તેમ પોતાના વક્તવ્યમાં સ્થાન આપે છે. પરંતુ જમીની સ્તરે વાત અલગ છે. રશિયા યુક્રેનના યુદ્ધમાં આજે યુરોપ અને અમેરિકા સામેલ છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં પણ અરબના ઘણાં દેશો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સામેલ થયા છે. આ સંઘર્ષ સતત થઈ રહ્યા છે અને તે સંઘર્ષનું પરિણામ સૌકોઈ જાણે છે; તેમ છતાં યુદ્ધો અટકતા નથી. અને એટલે જ હિબાકાશુ પોતાની શાંતિની જ્યોત સતત જલાવીને રાખે છે, અને અવારનવાર તેવી શાંતિની અપીલ કરતા રહે છે.

આ ઉપરાંત ‘નિહોન હિન્ડેક્યો’ માહિતી દ્વારા પરમાણુની ભયાનકતા મૂકી છે. હિબાકાશુઓની આખરી અપીલ એ છે કે ફરી ક્યારે ય ‘હિબાકાશુ’ દુનિયામાં જોવા ન મળે. અને ક્યારે ય પરમાણુ યુદ્ધ ન થાય. આ ઉપરાંત તેમની કેટલીક માંગ છે. જેમ કે, ક્યારે પણ હિરોશીમા અને નાગાસાકીની ઘટના ન ભૂલાવી જોઈએ. તમારા નાગરિક આ વાતને સારી રીતે જાણે તે માટે પ્રચાર કરો. પરમાણુ શસ્ત્રો પર પૂર્ણ રૂપે પ્રતિબંધ આવે. પરમાણુ શસ્ત્રો ન નિર્માણ થાય તેવા કાયદા બને.

E.mail :  kirankapure@gmail.com

Loading

સબસે મહેંગી સૂરસગાઈ 

સોલી કાપડિયા|Opinion - Opinion|9 November 2024

સોલી કાપડિયા

વહેલી સવારમાં સંગીતનો જલસો હતો.

ઉસ્તાદ અમીર ખાઁ

શ્રોતાગણ પંડિતો અને નાયાબ સુનકારોથી છલોછલ! ઉદ્ઘોષક આવકારના બે શબ્દ બોલ્યા કે તરત જ કાળો ડગલો, સફેદ ચુરીદાર પહેરેલો અત્યંત હેન્ડસમ, ઊંચા કદનો કલાકાર સ્ટેજ ઉપર આવીને બિરાજમાન થાય છે અને ઑડીટોરિયમમાં અચાનક સોપો પડી જાય છે. એવી જબરદસ્ત પ્રતિભા હતી આ મહાન ગવૈયાની. મિત્રો, એ બીજું કોઈ નહીં પણ સૂર-સમ્રાટ ઉસ્તાદ અમીર ખાં સાહેબ હતા. થોડી જ ક્ષણોમાં પહેલો ‘સા’ શ્રોતાખંડમાં રેલાયો. સૂરની લગાવટ એવી મજબૂત હતી કે જાણે સમગ્ર શ્રોતાગણને સમાધિ લાગી ગયી હોય! તમે માનશો નહીં ખાં સાહેબે ‘સા’નું  વાતાવરણ લગભગ ૧૦ મિનિટ સુધી જમાવી રાખ્યું! ક્યારે સાંભળ્યું છે કે માત્ર એક સૂર ઉપર ટકીને આવો અદ્દભુત સમા બાંધી શકાય?!! અને પછી ખાં સાહેબ બોલ્યા : ‘અબ મૈં રાગ ભૈરવ પેશ કરુંગા.’ એટલે અમુક સુનકારો અને પંડિતો બોલી ઉઠ્યા :’ખાં સાબ, આપ કે પેહલે સૂર ને હી પૂરા પ્રોગ્રામ મુકમ્મલ કર લિયા હૈ!’  દોસ્તો, આ છે તાકાત એક સાચા સૂરની! એક સીધો સૂર મનુષ્યના હૃદયને પાર કરી જઈ દિવ્ય અનુભૂતિ કરાવી શકે છે જે હજારો તાન, ગમક કે મુરકી નથી કરી શકતા હોતા. હકીકતમાં આ બધાં આભૂષણો સ્વર-વિલાસ માટે છે જે મનોરંજન માટેનું એક મુખ્ય સાધન છે. આત્મ-તૃપ્તિ માટે આ સાધનની જરૂર નથી પડતી. એને માટે તો એક સૂર જ પુરતો છે !

આપણા સંગીતપટ ઉપર બે પ્રકારના ગાયકો-વાદકો હોય છે.

એક મોટો વર્ગ અસહ્ય તરવરાટ, ચંચળતા, મારફાડ તૈયારી અને ‘તોડી નાખું તબલા ને ફોડી નાખું પેટી’ વાળા ખુન્નસ સાથે ગાયન-વાદન કરનારાઓનો. ગુલાટી, કૂદકા, છલાંગો, લોંગ જંપ, હાઈ જંપ (જેમાં કોઈને જંપ ના હોય!), આડા, ઊભા, ત્રાંસા એમ દરેક પ્રકારના ખેલ ગૌરવભેર પેશ કરે! સ્ટેજ ઉપર લગભગ જિમ્નાસ્ટીક્સનો એક્રોબેટીક શો ચાલતો હોય એવી ફીલિંગ આવે અને આજુબાજુ બેઠેલા એના પ્રશંસકો અંદર અંદરજ દાદ ઉઘરાવી ઉઘરાવીને સ્ટેજ ઉપર ઠાલવતા નજરે પડે અને સુજ્ઞ શ્રોતાનો તો હસવાનો પાર નહીં! આમાં ગાયકનો કંઠ અને દિમાગનું સહિયારું ગણિત કામ કરે છે. હૃદયનું આમાં કોઈ કામ નથી. કહેવાનો મતલબ એ છે કે આવું ગાયન ગાયન મટીને એક આત્મા-વિહીન કસરત બની જાય છે. શાસ્ત્રીય-સંગીતની સ્વર-પ્રધાન પ્રણાલીમાં તો ઠીક પણ ભૂલે ચૂકે જો આવા કલાકારો સુગમ-સંગીત કે કોઈ પણ શબ્દ-પ્રધાન સંગીત રજૂ કરે તો આ બધી જગ્યાઓ અને હરકતોમાં બિચારા શબ્દની ચટણી થઇ જાય! શ્રોતા સુધી પહોંચે એ પહેલાં જ શબ્દ અસંખ્ય ટુકડાઓમાં તીતરભીતર થઇ સ્ટેજની શેતરંજી નીચે ક્યાંક ખૂણામાં પડ્યો હોય ..!! આમ હસવું આવે એવી વાત છે પણ મિત્રો, આ સમસ્યા અતિ ગંભીર છે. સૂર-પ્રધાન અને શબ્દ-પ્રધાન સંગીત વચ્ચેનો ભેદ જાણવો જ રહ્યો.

બીજી બાજુ ચૈનથી સૂર પકડી, એના ઉપર વ્યવસ્થિત ઠેરાવ કરી ગાનારાઓની સંખ્યા જૂજ છે અને અંતે એઓ એક સાચા શ્રોતાને ઊંડે સુધી અડકી શકે છે. પહેલો ‘સા’ લાગે ત્યારથી જ એક અદ્દભુત સમા બંધાય, વાતાવરણમાં એક અજીબોગરીબ કશિશ અને મુસલ્સલ સુકૂનનો માહોલ સર્જાય.

‘એક સીધા સૂર, હઝાર તાન મજબૂર‘ એવું વાક્ય સૂઝે છે. આ સૂરની વાતને લઈ બડે ગુલામ અલી ખાં સાહેબ જેવા આબાદ ફનકારને લતા મંગેશકરનાં વખાણ કરવા માટે ફરજ પડી હતી : ‘કમબખ્ત કભી ભી બેસૂરી નહીં હોતી!’

સૂરને હાસેલ કરવા કંઈ કેટલાં ય જન્મો લેવા પડે છે! સૂરનું સગપણ એ ગળથૂથીમાં હોય તો સધાય છે. સૂર એક એવો આશીર્વાદ છે જે જૂજ હસ્તીઓને જ પ્રાપ્ત થાય છે. જેને સૂર સિદ્ધ થાય એનો તો જન્મારો સફળ! પ્રસિદ્ધિ અને શાનો-શૌકત એને ત્યાં આજીવન નોકરી કરશે!

આ તો સંગીતના ‘સા’ની વાત થઇ. તમારા જીવનનો ‘સા’ કદી શોધવાનો પ્રયત્ન કર્યો છે? મળ્યો છે કોઈ સાચો મુકામ?

જો મળે તો પકડી રાખજો, મારા ભાઈ, 

કેમ કે ….. ‘સબસે  મહેંગી  સૂર–સગાઇ !

તિરકીટ ધા: 

કાર્યક્રમમાં એક ગાયક ખૂબ જોરદાર ગાતા હતા. દરેક ગીત પછી ત્રીજી હરોળમાં બેઠેલા એક શ્રોતા માથું ધુણાવે અને સાથે પોતાનો અંગૂઠો હલાવે. ગાયક વિમાસણમાં. મારું ગાયન પસંદ નથી આવતું કે શું?! આ બાજુ દરેક ગીત પછી ઓડિયન્સ તાલીઓનો વરસાદ વરસાવે! દુવિધામાં કાર્યક્રમ પૂરો કર્યો અને છેવટે ગાયકે પેલા શ્રોતા મિત્રને પૂછ્યું : સાહેબ, આ અંગૂઠો બતાવવાનું રહસ્ય શું છે? કાર્યક્રમ પસંદ ના આવ્યો? શ્રોતા : ‘અરે હોતું હશે, સાહેબ? અંગૂઠો હલાવીને હું એવું કહેવા માગતો હતો કે તમારા જેવું અદ્દભુત કોઈ ગાઈ જ ન શકે!’

e.mail : soli.kapadia@gmail.com

Loading

...102030...548549550551...560570580...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved