સુહાનો ફોન આવ્યો. “સરયૂદીદી! આવતા શનિવારે, અલગ ભાષાનાં લેખકોના સન્માનના કાર્યક્રમમાં તમારું નામ મેં આપ્યું છે. આવશો ને?” એકાદ વર્ષથી વાત નહોતી કરી તેથી મને આમંત્રણ આપતા સવાલથી અનેરો આનંદ થયો. મારા હકાર પછી તે આગળ બોલી,
“દીદી, કાર્યક્રમના દિવસે હું તમને લેવા આવીશ.”
“એટલે દૂરથી? … તને લાંબુ પડશે.” મેં કહ્યું.
“મારું નવું ઘર બહુ દૂર નથી. ફોન મૂકું છું … શનિવારે વધુ વાત કરશું.” કહીને સુહાએ વાત બંધ કરી.
મારા ‘કેમ’ અને ‘ક્યાં’ અધ્યાહાર રહી ગયા.
સુહાને હું મારી મિત્ર કહું કે, કેવળ ઓળખીતા કહું … કે નાની બહેન કહું, એ ચોક્કસ કહેવું મુશ્કેલ હતું. પણ જ્યારે જ્યારે સુહા સાથે વાત થાય ત્યારે કોઈ દંભ, દેખાવનું આવરણ રહેતું નહીં. આઠેક વર્ષ પહેલાં અમે પહેલી વખત સુહાને ઘેર સંગીત ગ્રુપના સભ્ય તરીકે આમંત્રણ હોવાથી ગયેલાં. એક મોટા બંગલાના ગોળ ડ્રાઈવ-વે પર અમે કાર ઊભી રાખી અને માણસ પાર્ક કરવા લઈ ગયો. વિશાળ બારણાઓ પાસે સુહાના પતિ, રણબીર સિન્હાએ પોતાનો પરિચય આપી, અમને આવકાર્યા. સુહા લોકોની વચ્ચેથી જગ્યા કરતી અમને આવીને મળી. સુંદર અને સાદી પણ પ્રેમાળ સુહાને પહેલી વખત મળી … પણ જાણે પુરાણી પહેચાન હોય તેવી ઉષ્માભરી તેની વર્તણૂક હતી.
સંગીતના કાર્યક્રમના મધ્યાંતરમાં વાતો કરતાં જાણવા મળ્યું કે સુહા મરાઠી, અને રણબીર પંજાબી છે, અને અમેરિકાની એન્જિનિયરીંગ કોલેજનો અભ્યાસ પૂરો કરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા. રણબીરને પોતાની કંપની હતી. તેમની મોટી દીકરી અનુ, સૌને મળવા આવી અને MITમાં પ્રવેશ મળી ગયો હોવાથી બે મહિના પછી Boston જવાની હતી. અમે બધાં સુહાના સૌભાગ્યને અહોભાવથી નવાજી રહ્યાં … એવામાં એક મદદનીશ બહેને આવીને સુહાના ખભે હાથ મૂકી ઈશારો કર્યો. સુહા તરત જ પાછલા દ્વારથી બહાર નીકળી, ત્વરાથી પાછળના ગેસ્ટ હાઉસ તરફ દોડી.
“સુહાનાં સાસુને ‘અલ્ઝહાઈમર છે. સુહા સિવાય બીજું કોઈ તેમને સંભાળી શકે તેમ નથી.” આ સાંભળી સુહાની સહનશીલતાનો ખ્યાલ આવ્યો. એ પણ જાણવા મળ્યું કે, સુહાએ ભારતીય પ્રૌઢ વ્યક્તિઓને મદદ કરતી એક સેવા-સંસ્થા શરૂ કરી છે.
ત્યાર બાદ, જ્યારે પણ અમે મળતાં કે ફોન પર વાતો કરતાં ત્યારે સુહા પોતાની અને સમાજની અનેક સમસ્યાઓ વિશે મારો અભિપ્રાય માંગતી.
કાર્યક્રમના દિવસે, સુહા સમયસર લેવા આવી. ટ્રાફિક અને સમયનાં દબાણને લીધે જતી વખતે તો વાત ન થઈ પરંતુ, વળતાં સુહા ગમગીન ચહેરે બોલી, “દીદી, છ મહિના પહેલાં રણબીરથી હું અલગ થઈ ગઈ. મારાં સાસુ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં પણ તેમની બીમારી અને બીજાં કારણોને લીધે અમારા સંબંધમાં અકળામણ વધી હતી. તો પણ, હું સાથે રહી પરિસ્થિતિ સુધારવા તૈયાર હતી. પણ રણબીર ન માન્યા. બીજી એક સમસ્યા ઊભી થઈ તેમાં અમારા વચ્ચે સખ્ત વિરોધ સર્જાયો. હું મા તરીકે પરિસ્થિતિ સ્વીકારી શકી પણ રણબીર ન સ્વીકારી શક્યા.”
“એવું તે શું થયું?”… પ્રશ્નાર્થ ભરી નજરે હું તેની સામે જોઈ રહી. ઘર આવતા સુહાએ કાર અટકાવી. તેની પર્સ ખોલી એક આમંત્રણ કાર્ડ મને આપ્યું. જેમાં લખ્યું હતું …
ભાવભર્યું નિમંત્રણ
ચિ. અનુ અને જેનિફરનાં લગ્નની ઉજવણી …
યજમાનઃ સુહા અને પરિવાર …
“ઓહ! અનુએ સામાજિક રૂઢિગત નિયમ તોડ્યો? અને તેથી, અણબનાવનું અંતિમ પરિણામ આ કારણે આવી ગયું … તારા અને રણબીરનાં છૂટાછેડા થયા?”
“અનુ અને જેનિફરનાં સંબંધને રણબીર અપનાવવા તૈયાર જ નથી.” સુહાની આંખમાં આંસુ જોઈ મારું મન પણ રડી ઊઠ્યું. “મારું એકલાપણું કેટલીક વખત અસહ્ય બની જાય છે. આ બધી તૈયારીમાં પણ તેનો સાથ ન હતો.”
“રણબીર સત્કાર સમારંભમાં પણ નહીં આવે?”
“આવશે … એક મહેમાનની જેમ.”
સુહાને વ્હાલ કરી મેં કહ્યું, “તું જરા ય દુઃખ નહીં લગાડતી. રણબીરની મનઃસ્થિતિ તારા જેટલી ઉચ્ચકક્ષાની નથી તેથી એ સ્વીકારી ન શક્યા. દરેકમાં બિનશરતી સ્નેહ કરવાની ક્ષમતા નથી હોતી.
—————-
e.mail : saryuparikh@yahoo.com
www.saryu.wordpress.com