સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું તે અગાઉ 24મી ને રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, જેમાં 30 પક્ષોના 42 નેતાઓ હાજર રહ્યા હતા. ભા.જ.પ.ના વરિષ્ઠ નેતા અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કાઁગ્રેસી નેતા જયરામ રમેશ, ડી.એમ.કે.ના તિરુચિ શિવા જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષોએ અદાણી જૂથની વિરુદ્ધ અમેરિકામાં લાગેલા લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી, તો સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ સ્પષ્ટતા કરી કે બંને ગૃહોમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે, પણ વિનંતી એટલી જ છે કે બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રૂપથી ચાલવા દેવામાં આવે. બંધારણનાં 75 વર્ષ પૂરાં થતાં તેની ઉજવણી કરાશે અને આ સત્રમાં ચર્ચા માટે 17 બિલો આવી શકે છે. લોકસભામાં કાઁગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઇએ અદાણી સામેના આરોપોને કૌભાંડ ગણાવ્યા હતા ને સરકારે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનને જેલમાં ધકેલી દીધા, તો હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહને મામલે ભીનું સંકેલ્યું -જેવા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો.
સોમવારે જેવું સત્ર શરૂ થયું કે વિપક્ષોએ અદાણી, મણિપુર જેવા મુદ્દે જે.પી.સી.ની રચનાની માંગ કરતાં ધારણા મુજબ જ હોબાળો શરૂ થયો ને ગણતરીની મિનિટોમાં જ સંસદના બંને ગૃહોની કાર્યવાહી 26મી સુધી સ્થગિત કરવાની ફરજ પડી. જો કે, 26મીએ ભારતીય બંધારણની વર્ષગાંઠ હોવાથી બંને ગૃહોમાં કામકાજ બંધ રહ્યું હતું, પણ 27 નવેમ્બરે લોકસભામાં 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે અદાણી મુદ્દે ફરી હોબાળો મચાવતા લોકસભા અધ્યક્ષે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. રાહુલ ગાંધીએ સંસદની બહાર કહ્યું કે અદાણી પર અમેરિકામાં 2,200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે, તેમને જેલમાં ધકેલવા જોઈએ, પણ સરકાર તેમના બચાવમાં ખડી છે. યુનાઈટેડ સ્ટેટ ઍટર્ની ઓફિસે જણાવ્યું હતું કે અદાણીએ ભારતમાં સૌર ઊર્જાને લગતો કોન્ટ્રાક્ટ મેળવવા ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપી હતી અથવા આપવાની યોજના બનાવી હતી. આની સામે અદાણી ગ્રૂપનું કહેવું છે કે ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન પર અમેરિકામાં લાંચ સંબંધિત કોઈ આરોપ નથી.
રાજ્યસભામાં પણ હોબાળો થતાં અધ્યક્ષ જગદીપ ધનખડેએ ગૃહની કાર્યવાહી 28 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી. સત્રના ત્રીજા દિવસે નવા ચૂંટાયેલા સંસદ સભ્યોનો સોગંદ વિધિ થયો ને પછી અદાણી મુદ્દે એવો હોબાળો થયો કે બંને ગૃહો સ્થગિત કરવાં પડ્યાં. આ જ હાલત ચોમાસુ સત્રમાં પણ થઈ હતી. તેમાં 12 બિલ રજૂ કરવામાં આવ્યાં, પણ પસાર 4 જ થઈ શક્યાં હતાં.
આ વખતનું શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું ને તે 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. મહિનાથી પણ ઓછા ગાળાના સત્રમાં હોબાળા જ ચાલવાના હોય તો સંસદ ક્યારે ચાલશે એ સવાલ છે. અત્યારે જે પક્ષ સત્તામાં છે, તે એક કાળે વિપક્ષમાં બેસતો હતો ને તે પણ હોબાળો કરતો હતો ને સંસદની કાર્યવાહી સ્થગિત કરવાની જે તે ગૃહના અધ્યક્ષને ફરજ પડતી હતી. એટલે એટલું સ્પષ્ટ છે કે વિપક્ષનું કાર્ય હોબાળો કરીને જે તે ગૃહની કાર્યવાહી સ્થગિત કરાવવાનું છે. આ સંપૂર્ણ સાચું ન હોય તો પણ તે સત્યથી સાવ વેગળું છે, એવું પણ નથી. એવું નથી કે વિપક્ષ ખોટો હોબાળો કરે છે. તેની પાસે મુદ્દા છે જ. જેમ કે અદાણી કે મણિપુરનો મુદ્દો ખોટો નથી જ ! સરકારની નીતિરીતિ સામે વિપક્ષને વાંધો હોય ને તે પ્રજાહિતમાં અવાજ ઉઠાવે તો તેમાં કૈં ખોટું નથી, પણ અવાજ ઉઠાવવામાં સંસદ સત્ર ખોટકાતું રહે ને ગૃહની કાર્યવાહી સ્થગિત જ થતી રહે તો કામ ન થાય એ નક્કી છે.
સવાલ એ પણ છે કે જે મુદ્દે અવાજ ઉઠાવવામાં આવે છે એ મુદ્દાઓનો ઉકેલ આવે છે કે વાત કોઈ પરિણામ પર પહોંચે છે? વળી જે મુદ્દાઓ ઉઠાવાય છે તે જનતાને સીધા સ્પર્શતા મુદ્દા છે કે અગાઉથી જ ચર્ચામાં હતા ને તેને શિયાળુ સત્રનું બહાનું મળ્યું છે? મણિપુર, અદાણી જેવા મુદ્દાઓ વિપક્ષની શોધ નથી, તે ઓલરેડી ચર્ચામાં છે જ, પણ સરકારને ઘેરવાનું સહેલું થાય એટલે વિપક્ષ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવે છે. જૂના જ મુદ્દા ઉઠાવવા હોય તો મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દાઓની ક્યાં ખોટ છે? પણ, એનું આશ્ચર્ય જ છે કે મોંઘવારીની વાત લગભગ સરકાર સમક્ષ આવતી જ નથી. તે એટલે પણ હોય કે વિપક્ષને પગાર અને ભાડાંભથ્થાં ભરપટ્ટે મળતાં હોય તો સરકારની જેમ તેને ય મોંઘવારીનો વાંધો ન પડે તે સમજી શકાય એવું છે. એ જ કારણ છે કે વિપક્ષ તરફ પ્રજા પણ દુર્લક્ષ સેવતી રહે છે. જનતાને ધમાલમાં નહીં, કમાલમાં રસ છે ને એ વિપક્ષથી ભાગ્યે જ બને છે. સરકાર પણ એમ માનીને જ ચાલે છે કે વિપક્ષ તો આમ જ વર્તે. ખરેખર તો સરકારે પણ એ જોવું જોઈએ કે સંસદ યોગ્ય રીતે ચાલે અને એ, વિપક્ષને વિશ્વાસમાં લઈને જ થઈ શકે.
અગાઉ ન હતી એવી ખોટ, મજબૂત વિપક્ષની આજે ય વર્તાય છે. સ્થિતિ થોડી સુધરી છે, પણ તેનો હેતુ ગૃહની કાર્યવાહી અટકાવવાનો તો ન જ હોય, ન હોવો જોઈએ, પણ એ આદર્શ સ્થિતિ છે. મોટે ભાગે તો વિપક્ષ ધાંધલ-ધમાલ કરીને સ્થિતિ એવી ઊભી કરે છે કે લોકસભા કે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવાની ગૃહના અધ્યક્ષને ફરજ પડે. આમ થતાં પ્રજા હિતનાં કામો તો ખોરંભે ચડે જ છે ને વિપક્ષના હાથમાં પણ હોબાળા સિવાય કૈં આવતું નથી. હેતુ તો એ પણ વિપક્ષનો નથી જ ! તો, તેણે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે સંસદ ચાલુ રહે ને પોતાના વાજબી મુદ્દાઓનો પ્રજાહિતમાં ઉકેલ આવે.
વિખ્યાત હિન્દી શાયર દુષ્યંતકુમાર કહે છે :-
સિર્ફ હંગામાં ખડા કરના, મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.
માત્ર હોબાળો કરવાથી કૈં થતું નથી. નથી પ્રજાને એથી કશો લાભ થતો કે નથી તો વિપક્ષ કૈં કમાઈ જતો. મૂળ વાત તો છે, પરિસ્થિતિ બદલવાની. એ બદલાય તો કોઈ અર્થ છે. જો કે, આ વખતે વિપક્ષ વાંકમાં ઓછો છે. મૂળ વાત એ છે કે અદાણી કે મણિપુર મુદ્દે ગૃહના અધ્યક્ષો જ ચર્ચા કરાવવાના મૂડમાં ન હતા. તેનું કારણ એ હતું કે દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી ગૃહની કાર્યવાહી થોડો સમય મોકૂફ રાખવાની પ્રથા છે. વિપક્ષે તેનું અર્થઘટન એવું કર્યું કે અદાણી મામલે ચર્ચા ન કરવી પડે એટલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. કાઁગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બંને ગૃહોના અધ્યક્ષોની કાર્યવાહી સ્થગિત કરવા બાબતે ટીકા કરતાં કહ્યું કે સરકારે સત્યને લોકો સમક્ષ ઉજાગર થવા દેવું જોઈએ.
હવે એ જોવાનું રહે કે ગૃહ મોકૂફીનો સમય વીતતા બંને ગૃહોની કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે? ઈચ્છીએ કે વિપક્ષને તેના મુદ્દાઓની ચર્ચા ગૃહમાં થતી જોવા મળે. થોડા અપવાદો બાદ કરતાં, વિપક્ષનો હેતુ હોબાળો કરવાનો જ રહેતો હોય છે ને તેને પ્રસ્તુત એવી રીતે કરે છે કે જાણે દિગ્વિજય થયો હોય. એટલે જ દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ પછી તરત જ ધમાલ શરૂ કરવામાં આવી, એમાં વિવેકનો અભાવ હતો. આ વખતનું આગળનું સત્ર હોબાળા વિના પસાર થાય તો એ એક ઉપલબ્ધિ હશે. એવું નથી કે વિપક્ષ પાસે મુદ્દા નથી, પણ તેને હોબાળો કરવા કરતાં ગૃહમાં તેને લગતી ચર્ચા થાય એમાં રસ હોવો જોઈએ, તેને બદલે તેનો રસ સંસદ ન ચાલે એમાં હોય તો વાત પરિણામ પર ન પહોંચે. એવું થાય તો વિપક્ષ કે પ્રજા કોઈ ઉકેલ વગર અધૂરાં જ રહે છે.
સરકાર અને વિપક્ષ સતત સ્પર્ધામાં જ રહે એથી પ્રજાનું કલ્યાણ થતું નથી ને કમનસીબી એ છે કે ન તો સરકાર કે ન તો વિપક્ષ, પ્રજાની મૂળભૂત જરૂરિયાત કે સમસ્યા અંગે ગંભીર છે. દેખાડો તો ઘણો થાય છે, વિકાસ પણ દેખાડાય છે, પણ એનાથી પ્રજાની કોઈ સમસ્યા હલ થાય છે? જો ન થતી હોય તો સરકાર, સરકારને રસ્તે છે ને પ્રજા એને રસ્તે છે. એ બે વચ્ચે સેતુ નથી. હોય તો કેવળ સ્વાર્થ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 નવેમ્બર 2024