બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ
ન તો ઇજારાશાહી મૂડીવાદ, ન તો રાજ્યનો મૂડીવાદ, વિવેકસર રાજ્ય અને બજાર વચ્ચેની રમઝટભેર નાગરિકને કેન્દ્રમાં રાખી સમતા–સ્વતંત્રતા–બંધુતાના આદર્શ સાથે આપણા પ્રજાસત્તાક સ્વરાજે આગળ વધવાપણું છે.
અલબત્ત, હતો તો એ એક જોગાનુજોગ જ, પણ એ નિઃશક સૂચક બની રહેશે. છવ્વીસમી નવેમ્બરના બંધારણ દિવસની પૂર્વસંધ્યાએ સ્વાભાવિક જ યાદ કરવાનું બન્યું હતું કે, બંધારણ પસાર થયું એને આગલે દિવસે, પચીસમી નવેમ્બરે બંધારણ સમિતિના વાસ્તવિક અગ્રપુરુષ આંબેડકરે ચિંતા અને ચેતવણીનાં શાંશાં વચનો ઉચ્ચાર્યા હતા. નાતજાત કોમ ધરમમજહબમાં વહેંચાયેલા આપણે ખરા ને પૂરા અર્થમાં હજુ ‘રાષ્ટ્ર’ બનવાનું છે.
આર્થિક-સામાજિક ખાઈ પણ આપણને ‘રાષ્ટ્ર’ બનતા રોકે, એનીયે એમણે ચિંતા દાખવી હતી. હવે તમે જુઓ, ઓણ બરાબર એ જ તારીખે – પચીસમી નવેમ્બરે – સર્વોચ્ચ અદાલતે રણકતો ચુકાદો આપ્યો કે બંધારણના આમુખમાંથી બિનસાંપ્રદાયિકતા (સેક્યુલરિઝમ) અને સમાજવાદ (સોશલિઝમ) એ શબ્દો કાઢવાનું કોઈ લૉજિક નથી. વડા ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની ખંડપીઠે આ બંને સંજ્ઞાઓની સરળ સમજૂત પણ સુપેરે આપી કે જ્યારે ‘સેક્યુલર’ એ સંજ્ઞા ખપમાં લઈએ છીએ ત્યારે અભિપ્રેત મુદ્દો એ છે કે એક પ્રજાસત્તાકને નાતે આપણે સર્વ ધર્મ પરત્વે સમાદરની ભૂમિકાએ છીએ. ‘સમાજવાદ’ કહેતાં અભિષ્ટ વાનું રાજકીય, આર્થિક, સામાજિક હર શોષણમાંથી મુક્તિનું છે. એક રીતે, આંબેડકરના બંધારણ સભાના વક્તવ્યનું સહજ વાર્તિક હોય એવી આ સુપ્રીમ ટિપ્પણી હતી અને છે.
આમુખમાંથી આ બંને સંજ્ઞાઓ પડતી મૂકવા માટેનો ધક્કો એ વિગતથી લાગતો રહ્યો છે કે ઇંદિરાજીએ તે કટોકટી દરમિયાન દાખલ કરાવી હતી. વાત સાચી, પણ એ બંધારણીય પ્રક્રિયાથી દાખલ થયેલી સંજ્ઞાઓ હતી અને હજુ હમણે જ સર્વોચ્ચ અદાલતે વળી એક વાર સ્પષ્ટ અને સ્ફુટ કર્યો છે તેમ તે બંધારણના મૂળભૂત માળખાને અનુવર્તી છે.
જનસંઘ અને ભા.જ.પ. સ્વરાજની લડત દરમિયાન સેક્યુલરિઝમનો જે ખયાલ વિકસ્યો એને અંગે સલામત અંતરની કંઈક વિરોધની, કંઈક વૈકલ્પિક વિમર્શની ભૂમિકાએ જણાય છે. તેમ છતાં ભા.જ.પે. જનસંઘના જનતાઅવતાર પછી સ્વતંત્ર પક્ષબાંધણીનો રાહ લીધો ત્યારે પોતાની મૂળભૂત નિષ્ઠાઓ તરીકે સકારાત્મક સેક્યુલરિઝ અને ગાંધીવાદી સમાજવાદનો બાકાયદા સ્વીકાર તો જાહેર કર્યો જ હતો. હિંદુરાષ્ટ્રવાદ અગર તો હિંદુત્વ રાજનીતિને કારણે એને અસુખ હોય તો પણ બહુધર્મી દેશમાં એક સમાવેશી અભિગમની અને ધરમમજહબને ધોરણે ‘રાષ્ટ્ર’ની વ્યાખ્યાથી પરહેજ કરવાની જરૂરત છે, હતી અને રહેશે. કાઁગ્રેસ શાસનમાં કે અન્યથા બિનસાંપ્રદાયિકતાના ગેરઅમલ અગર અણઅમલ અંગે તીખાં ટીકાટિપ્પણને અવકાશ હોય તો પણ નાવણિયા સાથે બાળુડાને ય ફગાવી દેવાનું ન જ સ્વીકારી શકાય.
જ્યાં સુધી સમાજવાદનો સવાલ છે, એને સોવિયેત સમાજવાદ સાથે એટલે કે રાજ્ય માલિકી સાથે ગોટવી દેવાનો તો સવાલ જ નથી. નેહરુ શાસનમાં જાહેર સાહસોની જરૂરત સાથે પણ આ રાજ્યનો મૂડીવાદ નથી એ એક સ્પષ્ટતા સતત રહી છે. જરૂર પ્રમાણે રાજ્યની સલાહકારીથી માંડી સામેલગીરીની ભૂમિકા હોઈ શકે પણ તે રાજ્યનો મૂડીવાદ ન હોઈ શકે. રાજ્યવાદ, ઇજારાશાહી મૂડીવાદ, ક્રોની કેપિટલિઝમ કરતાં લોકશાહી સમાજવાદ એ ન્યારો પદારથ છે.
ગોર્બાચેફે ગ્લાસનોંસ્ત(ખુલ્લાપણું) અને નવવિધાન (પેરેસ્ત્રોઇકા)ના રાહે સામ્યવાદી રૂસમાં પરિવર્તન આણ્યું ત્યારે એમની સમક્ષનો વિકલ્પ નેહરુના હિંદ પેઠે મિશ્ર અર્થતંત્રનો સ્તો હતો.
પક્ષો પોતાની સમજ અને જરૂરત પ્રમાણે રાજ્ય અગર સમાજને છેડેથી બાંધછોડ કે ગાંઠ બાંધવાનું કરે ત્યારે પણ એ મૂળ વિચારધારાની ‘મિથ’ને વળગી રહેવું પસંદ કરતાં હોય છે. ક્યારેક આદર્શવાદને ધોરણે ભલે સત્તાલક્ષી ખેંચાણથી પણ જેઓ એકત્ર આવ્યા હોય એમને સૌને ઘટતી બાંધછોડ અગર ગાંઠબાંધ છતાં સાથે રાખવાની દૃષ્ટિએ ‘મિથ’નો કારોબાર ખપ પણ આપતો હોય છે.
મુદ્દે, રાજ્ય મૂડીવાદ અને ઈજારાશાહી મૂડીવાદથી ઉફરાટે નાગરિક માત્ર પઇસે ઓછીવત્તી પણ ખરીદશક્તિ શક્ય બને અને વિષમતા હાલની બેફામ અનવસ્થાને બદલે પ્રમાણસરની બને એટલું તો થવું જ જોઈએ. આવો કોઈ ત્રીજો રસ્તો નથી એવું તો નથી. રાજ્યછેડે અને સમાજછેડેથી યથાસમય યથાર્હ આર્થિક નિર્ણયને અવકાશ ન હોવાનું કારણ નથી.
આમુખનો ધ્રુવતારક સાદ દે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024