મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ. ગઠબંધનને ભવ્ય વિજય મળ્યો એનો વધુ નહીં તો કમ સેક મ ૩૦ ટકા શ્રેય એકલાં ચૂંટણીપંચને આપવો જોઈએ. ૧૯૯૯ની સાલથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાતી આવી છે. એ જ વિદાય લેતા વરસાદ અને તહેવારોની વચ્ચે. આગળ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની પાંચ ચૂંટણી વખતે ક્યારે ય ચૂંટણીપંચને એવું લાગ્યું નહોતું કે વરસાદ અને તહેવાર નડતરરૂપ થશે. આ વખતે લાગ્યું કારણ કે તેને આદેશ આપવામાં આવ્યો હતો કે હજુ શાસક મોરચા માટે જોઈએ એવી અનુકૂળતા નથી એટલે વખત આપો. ‘લાડકી બહીણ’ યોજના હજુ લાગુ કરવામાં આવી હતી અને તેનાં ઓછામાં ઓછા ત્રણ હપ્તા મહારાષ્ટ્રની ગરીબ સ્ત્રીઓનાં ખાતામાં જમા ન થાય ત્યાં સુધી ચૂંટણી યોજવામાં ન આવે. ચૂંટણીપંચ તો ગુલામપંચ છે એટલે તહેવારો અને વરસાદનું બહાનું આગળ કરીને સમય કાઢી આપ્યો. પૈસા ધડાધડ ખાતામાં આવવા માંડ્યા અને એ સિવાય બીજી પણ રેવડી આપવામાં આવી. આમ વિજયનો ત્રીસ ટકા શ્રેય એકલાં ચૂંટણીપંચને જાય છે. બાય ધ વે ચૂંટણીપંચ ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજી શકતું નથી ત્યાં વન નેશન વન ઈલેક્શનની વાત કરવામાં આવે છે.
પણ બાકીનો ૭૦ ટકા શ્રેય ભા.જ.પ.ના રણનીતિકારોને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને, મબલખ પૈસાને અને યુતિ સરકારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવો જોઈએ. શું રણનીતિ હતી! આભા થઈ જઈએ. પરિણામ એટલાં આશ્ચર્યજનક હતાં કે આ લખનારે મહારાષ્ટ્ર વિધાનસભાની પ્રત્યેક બેઠકનું બેઠકવાર આકલન કર્યું હતું. જ્યાં ઉદ્ધવ ઠકારેની શિવસેનાનો હાથ ઉપર હતો ત્યાં રાજ ઠાકરેના પક્ષના ઉમેદવારને ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં એમ લાગતું હતું કે રાજ ઠાકરે મત કાપી આપે એ પછી પણ ઉદ્ધવ ઠાકરેની સેનાના ઉમેદવારને હરાવવો મુશ્કેલ છે, કારણ કે વિધાનસભાની પાછલી ચૂંટણીમાં શિવસેનાએ પ્રચંડ બહુમતી મળેવી હતી ત્યાં શિવસેનાના જ કોઈ આજી-માજી નેતાને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રાખવામાં આવ્યો હતો. આ સિવાય બે-ત્રણ હજાર મત કાપી આપે એ સારુ અનેક અપક્ષ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યાં કાઁગ્રેસનો હાથ ઉપર હતો ત્યાં વંચિત બહુજન આઘાડી, બહુજન સમાજ પાર્ટી, પ્રહાર જનશક્તિ પાર્ટી, રાષ્ટ્રીય સ્વાભિમાન પાર્ટી અને દલિત તેમ જ મુસ્લિમ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા. કાઁગ્રેસ મોટા ઉપાડે સામાજિક સમાનતાની, અનામતની, સહિયારા ભારતની અને બંધારણની વાત કરે છે તો લો કરો આ બધા મુદ્દાઓ લઈને રાજકારણ કરનારા નાનાનાના પક્ષોના ઉમેદવારોનો મુકાબલો. એ સિવાય જ્યાં કાઁગ્રેસની ગઈ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ સરસાઈ હતી ત્યાં ઉપર કહ્યું એમ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યાં શરદ પવારના રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સરસાઈ હતી ત્યાં તેમના જ પક્ષના કોઈ અસંતુષ્ટને ઊભા કરવામાં આવ્યા હતા. ભાગ્યે જ કોઈ એવું મતદારક્ષેત્ર હશે જ્યાં શરદ પવારને અજીત પવારના ઉમેદવાર ઉપરાંત પોતાના જ પક્ષના અસંતુષ્ટનો સામનો ન કરવો પડ્યો હોય.
યાદ રહે આવું સર્વત્ર જોવા નહોતું મળતું. જ્યાં મહાવિકાસ આઘાડીની તાકાત વધારે હતી એવા મતદારક્ષેત્રોમાં જ અલગ અલગ તીડને ઉતારવામાં આવ્યા હતા. તેમણે મતદાર ક્ષેત્રમાં કયા વિસ્તારમાં પ્રચાર કરવાનો છે એ વિસ્તાર પણ બતાવી આપવામાં આવ્યા હતા. તમે જીતવા માટે ચૂંટણી નથી લડતા, પણ અમે કહીએ એને હરાવવા માટે લડો છો એ ભૂલવાનું નથી. જેમ કે બોરીવલીના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવાર કુણાલ મેઈનકરે ગુજરાતી અને ઉત્તર ભારતીય વિસ્તારમાં પગ પણ નહોતો મુક્યો કે નહોતું કોઈ બેનર લગાડ્યું. પૈસા અને કાર્યકર્તાઓની તો તેમની પાસે કોઈ કમી નથી.
પણ વિજયનો શ્રેય જેટલો બી.જે.પી.ના રણનીતિકારોને જાય છે એટલો જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જાય છે. જે માણસ ભોંદુ લાગતો હતો, જે માણસ ચાવી આપેલાં રમકડા જેવો લાગતો હતો એ બહુ ચાલાક નીકળ્યો. એક સમયે બી.જે.પી.ના કેન્દ્રીય નેતાઓને સમજાય ગયું કે આ માણસ ચૂંટણી જીતાડી શકે એમ છે અને તેના જેટલી આવડત મહારાષ્ટ્રના બી.જે.પી.ના કોઈ પણ નેતામાં નથી. એકનાથ શિંદે લોકોની વચ્ચે લોકોના જેવા થઈને હળતામળતા હતા. કોઈ પ્રોટોકોલ નહીં અને મુખ્ય પ્રધાન હોવાનો આવિર્ભાવ નહીં. એક સમયના લાલુ પ્રસાદ યાદવની યાદ આવે. હું તો કહીશ કે તેમનાં કરતાં પણ ચડે. કોઈ વચન નહીં, તાત્કાલિક લાભ પછી ભલે એ લાભ તત્કાલીન હોય. બી.જે.પી.ના નેતાઓ જેને પગલૂછણિયું સમજતા હતા તેમના પગમાં બેસવાનો વખત આવ્યો હતો.
માત્ર બી.જે.પી.એ વિરોધ પક્ષોને પરાજીત નથી કર્યા, વિરોધ પક્ષો પરાજિત થયા પણ છે. છેલ્લે સુધી બેઠકો માટે સમજૂતી નહોતી થતી. વોટકટવાઓનો અને અસંતુષ્ટોનો ઉપયોગ કરવામાં આવશે એની તેમને પણ જાણ હતી, ઊઘાડો ખેલ હતો, પરંતુ તેમણે તેનો ઈલાજ નહોતો કર્યો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે અને લોકસભાની ચૂંટણી વખતે નાગરિક સમાજનો સહયોગ લેવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે તેમણે ઉદારમતવાદી નાગરિક સમાજને દૂર રાખ્યો હતો. કાંગ્રેસ પાસે તો જમીન પર કામ કરનારા કાર્યકર્તા જ નથી એટલે બૂથ મેનેજમેન્ટ કરી શકતી નથી.
હરિયાણા પછી કાઁગ્રેસને આ બીજો અણધાર્યો ફટકો પડ્યો છે. રાહુલ ગાંધીએ માત્ર નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાની જગ્યાએ હવે બી.જે.પી.ને ટાર્ગેટ કરવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને માર પડ્યો હતો, પરંતુ પેટા ચૂંટણીમાં એ જ બી.જે.પી.એ ભવ્ય વિજય મેળવ્યો છે અને બિહારમાં એન.ડી.એ.એ બધી જ ચાર બેઠક જીતી લીધી છે. કારણ બહુ સ્પષ્ટ છે. હરિયાણા મહારાષ્ટ્ર અને અન્યત્ર, ભા.જ.પ. માટે હવે નરેન્દ્ર મોદી ચૂંટણીનો ફેસ નથી, પણ પક્ષ અને સંઘની રણનીતિ છે. સંઘ/બી.જે.પી.એ સુકાનની દિશા બદલી નાખી ત્યારે કાઁગ્રેસે પણ સુકાન બદલવાની જરૂર છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2024