સ્વિત્ઝર્લૅન્ડનું કૅપિટલ સિટી બર્ન અને બીજું સિટી ઝૂરિક મને હમેશાં યાદ હોય છે કેમ કે ચિ. મદીરનાં એ બન્ને નગરોમાં શ્વસુરગૃહ આવેલાં છે. મારાં એ વેવાઈ-વેવણ ઝૂરિકમાં વસે છે.
પણ આજે સ્વિત્ઝર્લૅન્ડનું જીનીવા ઘણાં કારણે યાદ આવી ગયું :
વરસો પહેલાં, કદાચ ૨૦૦૧માં, હું અને રશ્મીતા મદીરના મિત્રવર્તુળની યુવતી ત્રિન્ન સાથે જીનીવા ફરવા ગયેલાં. ત્રિન્નનાં બેન-બનેવી જીનીવામાં રહેતાં હતાં એ અનુબન્ધને કારણે ત્રિન્ન શ્હૅરની ભોમિયણ હતી. ફરતાં ફરતાં અમે વિશ્વના ઊંચામાં ઊંચા વિખ્યાત ફાઉન્ટેઇન Jet d’Eau પ્હૉંચી ગયેલાં. એ ફુવારો લગભગ ૫૦૦ ફીટ ઊંચે ઊછળે છે, ને ચોપાસ પાણીની સોડમ આવે છે, અનેરાં રમણીય દૃ઼શ્ય રચાય છે. અમે જોતાં રહી ગયેલાં. આછી ઠંડકભરી વાછંટ જેવું પણ અનુભવેલું. દૂર Jura Mountains-ની ગિરિમાળા દેખાતી હતી.
Jet d’eau Geneve ––
એ પછી, ત્રિન્નનાં બેન-બનેવીને ત્યાં ભોજન લીધેલું. તેઓ માંસાહારી અને અમે બે ગુજ્જુ શાકાહારી બ્રેડ-બટર ને કૉફી સાથે, એક જ ડાઇનિન્ગ ટેબલ પર જમેલાં. એકાદ વાર રશ્મીતાને ઊબકો આવી ગયેલો. શું કરી શકાય એ વિમાસણમાં એ દમ્પતી અને ત્રિન્ન હાંફળાંફાંફળાં થઈ ગયેલાં; ત્રિન્ને રશ્મીતાનો વાંસો પંપાળી આપેલો, વગેરે.
એ પછી અમે Red Cross-નું બિલ્ડિન્ગ જોવા ગયેલાં. ICRC-નું, એટલે કે, ઇન્ટરનેશનલ કમિટી ઑફ રેડ ક્રૉસનું, એ હેડ ક્વાર્ટર છે. ત્યાં રેડ ક્રૉસનું આન્તરરાષ્ટ્રીય સંગ્રહાલય છે. એ આ વિશ્વસંસ્થાની સુવ્યાપ્ત પ્રવૃત્તિઓનો આપણી સમક્ષ એક ચૉક્કસ ચીતાર ખડો કરે છે.
પ્રવાસમાં હમેશાં ટાઇમટેબલને અનુસરવું પડે, નહિતર ટ્રેન કે પ્લેન છૂટી જાય. સમય ખૂટી ગયેલો એટલે અમે નીકળી ગયેલાં, જીનીવાના ગણાતા જગવિખ્યાત ફિલસૂફ અને પ્રભાવક સમાજવિજ્ઞાની વૉલ્ટેર રૂસોની પ્રતિમાના સ્થળે જવાનું રહી ગયેલું.
કદાચ ૨૦૧૦ દરમ્યાન મેં જાણેલું કે યુનિવર્સિટી ઑફ જીનીવા સાથે જોડાયેલી ‘જીનીવા ઍકેડૅમી ઑફ ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ ઍન્ડ હ્યુમન રાઇટ્સ’, એક જાણીતી જગ્યા છે. એ સ્વરૂપના અધ્યયન માટે એ વિશિષ્ટ ગણાય છે. એથી શાન્તિ તો શેની સ્થપાઈ જાય, પણ મારે ફરી જીનીવા જવું હતું અને બને તો ત્યાં રહીને ભણવું’તું, પણ થઈ શકેલું નહીં. વિદેશે ભણવા જવાના મનસૂબા જાગ્યા હોય પણ ન જવાયું હોય એના વસવસાની યાદીમાં એ પરોવાયેલું છે.
પણ હું અવારનવાર એનાં પ્રકાશિત જર્નલ્સ જોતો હોઉં છું. ઍકડૅમીનું એક ઑનલાઇન પોર્ટલ છે, RULAC – rule of law in armed conflicts. એનો તાજેતરનો અંક જણાવે છે કે વિશ્વમાં આજે બે મોટાં યુદ્ધ તો ચાલે છે, પણ ૧૧૦-થી પણ મોટી સંખ્યામાં આર્મ્ડ કૉન્ફ્લીક્ટસ ચાલુ છે — સશસ્ત્ર સંઘર્ષો.
જેમ કે –
મધ્ય પૂર્વમાં અને ઉત્તરી આફ્રિકામાં ૪૫.
એમાં છે, સાયપ્રસ, ઇજિપ્ત, ઇરાક, ઇઝરાઇલ, લિબિયા, મોરક્કો, પૅલેસ્ટાઇન, સિરિયા, તુર્કી, યેમન, અને પશ્ચિમી સહારા.
આફ્રિકા સમગ્રમાં ૩૫.
એમાં છે, બર્કિન ફાસો, કૅમેરૂન, સૅન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક, ડૅમોક્રેટિક રીપબ્લિક ઑફ ધ કૉન્ગો, ઇથિયોપિયા, માલિ, મોઝામ્બિક, નાઇજિરિયા, સેનેગલ, સોમાલિયા, દક્ષિણી સુદાન, અને સુદાન.
એશિયામાં ૧૯.
એશિયા બિન-આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીએટર કહેવાય છે. એટલે? એમ કે એમાં દેશ અને અન્ય સશસ્ત્ર દળો વચ્ચે સંઘર્ષ થતા હોય.
એમાં છે, અફઘાનિસ્તાન, ઇન્ડિયા, મ્યન્માર, પાકિસ્તાન, અને ફિલિપાઇન્સની ઘટનાઓ.
યુરપમાં ૭.
યુરપ આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીયેટર કહેવાય છે. એટલે? એમ કે એમાં બે કે વધુ દેશો વચ્ચે સંઘર્ષ થતા હોય.
એમાં છે, રશિયા-યુક્રેઇન. યુક્રેઇન બિન-આન્તરરાષ્ટ્રીય આર્મ્ડ કૉન્ફ્લીક્ટસનું થીએટર કહેવાય છે, જેમાં, ડોનેત્સ્ક અને લુહાન્સ્કનાં ‘પીપલ્સ રીપબ્લિક્સ’ સંગઠનો સરકારી પરિબળો સામે લડી રહ્યાં છે.
આટલું લખીને હું બીજા કામોમાં પરોવાયેલો, પણ સમાચાર વહેતા થયેલા કે જો પુતિન ન્યુક્લીયર વેપન્સ છોડશે તો વર્લ્ડ વૉર ૩ સરજાશે!
યુદ્ધ અને સંઘર્ષની વૃત્તિ કદાચ દરેક સજીવની પ્રકૃતિમાં છે, પણ માણસની કરુણતા એ છે કે યુદ્ધ અને સંઘર્ષને એ પોતાની બુદ્ધિશક્તિથી ખૂબ જ વિકસાવી શક્યો છે. સાર એ છે કે બન્ને પક્ષે સૈનિકો મરે છે, જેમને બન્ને પક્ષનાં રાષ્ટ્રો ‘શહીદ’ કહે છે. બાકી, એ કોઈનો પુત્ર, કોઈનો પતિ, પ્રેમી કે કોઈનો પિતા કે ગાઢ મિત્ર હતો. અને એ સ્વજનો જ જાણતાં હતાં કે કઈ વિશેષતા કે કઈ વિવશતાનો માર્યો એ સેનામાં જોડાયેલો …
+ +
હું એ પણ ઉમેરવા જતો’તો કે જીનીવા મને, ‘જીનીવા સ્કૂલ’-ને કારણે પણ યાદ આવી ગયું. જીનીવામાં જનમેલા અને ભાષાવિજ્ઞાની સવિશેષે સંકેતવિજ્ઞાની રૂપે જાણીતા સૉસૂર તેમ જ વિવેચનમાં ફીનૉમિનોલૉજિ – પરક પરિપ્રેક્ષ્યથી કામ કરતા વિવેચકો યાદ આવી ગયા. ‘ચાળીસીના દાયકાથી સ્કૂલ સાથે કોઈ-ને-કોઈ કારણે જોડાયેલા વિવેચકોમાં મુખ્ય છે, Georges Poulet. એમણે સાહિત્યવિવેચનમાં રૂપનિર્મિતિની શોધને બદલે સર્જકચેતનાના અનુસરણ પર ભાર મૂક્યો હતો. તેઓ માનતા હતા કે સાહિત્યિક મૂલ્યોની તપાસ ઑબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ્ઝથી ન થઈ શકે. અમેરિકામાં એવું જ બીજું મહત્ત્વનું નામ હતું J. Hillis Miller-નું; કહેવાય છે કે પાછળથી તેઓ ડીકન્સ્ટ્રક્શન અનુસારની વિઘટનશીલ વિચારધારા સાથે જોડાયેલા.
બીજાં નામો છે, Jean Rousset, Jean Starobinski, and Jean-Pierre Richard. આ વિવેચકોનું મન્તવ્ય હતું કે સાહિત્યકૃતિ એના કર્તાની ચેતનાની પ્રસ્તુતિ છે. કૃતિ એવી ‘વસ્તુ’ નથી કે અર્થ એમાં બેસી રહ્યો હોય; અર્થ જાણવા માટે કર્તાની ચેતનાને પામવી પડે. એટલે તેઓ બધા ‘ક્રિટિક્સ ઑફ કૉન્સ્યસનેસ’ કહેવાયેલા.
જો કે, આ અભિગમ રૂપનિર્મિતિ – પરક ગુજરાતી વિવેચકોને નહીં ગમેલો, કેમ કે ચેતનાને પામવા સર્જકના જીવનમાં ઊતરવું પડે, અને તેથી, સંભવ છે કે વિવેચન બહુશ: જીવનકથાલક્ષી પણ બની જાય; બલકે એમાં એમને ફીનૉમિનોલૉજિની ભૂમિકા પણ ખાસ નહીં દેખાયેલી. સંરચનાવાદી, અનુસંરચનાવાદી કે વિઘટનશીલ વિચારધારાના આવિષ્કારો પછી ચેતનાના આ વિવેચકોનો ખાસ કશો મહિમા ન રહ્યો.
+ +
હરારી કહે છે, વાર્તાઓ અને તમામ માહિતી શૃણ્ખલાઓની જેમ લિખિત દસ્તાવેજો પણ વાસ્તવિકતાની ચૉક્કસ રજૂઆત નથી કરતા. જો કે એથી નવી વાસ્તવિકતા સરજાય છે. સમ્પત્તિની યાદીઓ, વિવિધ કર-માળખાં, ચૂકવણાં વગેરેની લિખિત નૉંધણીઓને કારણે, એવા દસ્તાવેજીકરણને પ્રતાપે, વહીવટી તન્ત્રો, સામ્રાજ્યો, અને ધાર્મિક સંગઠનોની રચનાઓ આરામથી કરી શકાય છે. સ્પષ્ટપણે એમ કહેવાય કે દસ્તાવેજોએ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓના સર્જનની પદ્ધતિ જ બદલી નાખી!
મુખોમુખ પરમ્પરાઓ ધરાવતી સંસ્કૃતિઓમાં, આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ વાર્તાઓ અને લોકોનાં મુખે તેનાં પુનરાવર્તનોથી સરજાતી હતી, ઉપરાન્ત, મગજમાં સંઘરાતી હતી. પણ હકીકત એ છે કે માણસો યાદ રહેવાની ન હોય એવી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ નથી સરજી શકતા.
હરારી દેવો, ચલણી નાણાં કે રાષ્ટ્રોને પણ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ કહી ચૂક્યા છે. હમણાં કહ્યું એમ, આગળ વધીને એમાં દસ્તાવેજોને પણ ઉમેરે છે; એટલું જ નહીં, માહિતી-પ્રસરણના મામલામાં સાહિત્યને પણ જવાબદાર ગણે છે.
+ +
તો, જરા નિરાંતે સમજાવું કે આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા છે શું.
આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા intersubjective reality-નો મેં આપેલો ગુજરાતી પર્યાય છે. (અગાઉ મેં ‘આન્તરસ્વલક્ષી’ કહેલું, પણ એ બરાબર નથી)
કેટલીક વાસ્તવિકતાઓ માત્રઆત્મલક્ષી કે માત્રપરલક્ષી છે. જેમ કે, હું છું એ આત્મલક્ષી વાસ્તવિકતા છે, પણ ટેબલ ખુરશી પલંગ અરે આખો વસ્તુસંસાર પરલક્ષી છે. પણ કેટલીક વાસ્તવિકતાઓ એમ નથી, એ સહિયારી અને વ્યાપ્ત શ્રદ્ધાઓ છે, સ્વીકૃતિઓ છે, સાર્વત્રિક માન્યતાઓ છે. પરન્તુ એમનું ભૌતિક અસ્તિત્વ નથી.
લાલ પીળી અને લીલી લાઇટ્સનો થાંભલો પરલક્ષી વાસ્તવિકતા, પણ સર્વસ્વીકૃત સ્ટોપ, કૉશન, અને ગો-ના સંકેતાર્થ આન્તરઆત્મલક્ષી. રૂપિયા ૧૦૦-ની નોટ પરલક્ષી વાસ્તવિકતા, પણ એનું એ સર્વસ્વીકૃત મૂલ્ય આન્તરઆત્મલક્ષી.
ચલણી નાણાનો, રૂપિયા ૧૦૦-ની નૉટનો, દાખલો વિસ્તારથી સમજાવું. એ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતા છે. એટલે કે મેં કે તેં કે તેણે જ નહીં પણ ભારતવાસી સૌએ સ્વીકારેલું છે કે એ કાગળ નામની વસ્તુ નથી, પણ નક્કી મૂલ્ય ધરાવતું નાણું છે. હું એ ધરીશ તો એ રકમનો માલ આપવાની દુકાનદાર મને ના પાડી શકશે નહીં. એ એક સુનિશ્ચિત કરાર છે. એ રૂપે એ ચાલે છે એટલે ચલણી કહેવાય છે.
ગુજરાતી ભાષાનો આ ‘ચલણી’ શબ્દ આ વાસ્તવિકતાને સરસ રીતે વ્યક્ત કરે છે. આપણે સૌ એને ચલાવીએ છીએ, કેમ કે આપણે સૌ એ સમજના સહભાગી છીએ. આપણે સૌ જો ભૂલી જઈએ કે એનું મૂલ્ય ૧૦૦ રૂપિયા નથી, તો એ વાસ્તવિકતાનો નાશ થશે, એ કાગળિયું બની જશે.
આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાનું અસ્તિત્વ એટલે છે કે એ એક સહિયારી માન્યતા છે, એક સમજ છે. જેમ કે, અતિપ્રાકૃતિક હસ્તીઓ કે દેવો એમ છે કેમ કે એ છે એમ આપણે સૌએ સ્વીકારેલું છે. સહિયારાં પૂજાપાઠ અને કર્મકાણ્ડને કારણે એ સ્વીકૃતિઓ દૃઢ થાય છે.
ભારતમાં અને વિદેશે વધી રહેલાં હિન્દુ મન્દિરો અને એમાં અપનાવાયેલા વારતહેવારલક્ષી ક્રિયાકાણ્ડ એનું વર્તમાન દૃષ્ટાન્ત છે.
ઇતિહાસ, સંસ્કૃતિ કે ભાષા સહિયારાં છે એ કારણે ભારત રાષ્ટ્ર છે. મારા કે કશીક ભૌતિક વસ્તુના ટેકે એ નથી, આપણે માનીએ છીએ, એટલે છે. અન્યથા એ, પૃથ્વીના અમુક ભાગની જમીન છે. એના અસ્તિત્વને જાળવી રાખવાનું આપણે કબૂલેલું છે, એ સામુદાયિક કબૂલાત છે.
એ જ રીતે કૉર્પોરેશન્સ, જે વિશે હરારી તીવ્ર ટીકાઓ કરતા હોય છે, એટલે અસ્તિત્વ ધરાવે છે, કેમ કે સરકારમાં એની કાયદેસરની નૉંધણી થઈ છે; તેમછતાં સ્પષ્ટ છે કે એ ભૌતિક હસ્તી નથી.
હરારી ભારપૂર્વક સૂચવે તો એ છે કે આ બધી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ લાભપ્રદ બની શકે, જો એના સ્વરૂપને સમજીને આપણે આપણી માન્યતાઓનું કે શ્રદ્ધાઓનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કરીએ. અન્યથા, એ અતિ સામર્થ્યવાન એ અર્થમાં છે કે એ આપણી વર્તણૂકોને અને આપણા નિર્ણયોને એવા પ્રકારે ઘડશે, જેના પરિણામે, અન્તે બધું અનિચ્છનીય પુરવાર થાય …
= = =
(26Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર