દીપા રેસ્ટોરેન્ટની બારીમાંથી કારગીલના બર્ફીલા પહાડોની ચોટીઓને બાયનોક્યુલરથી નિરખી રહી હતી. ક્યાં ય સુધી નિરખતી રહી, પછી ઉદાસ ચહેરે ટેબલ ઉપર કોફીનો ઓર્ડર આપીને બેઠી. કોફીનો કપ પૂરો કરી નીકળી ગઈ. દૂર ખુરશી પર બેઠેલા ત્રણ મિત્રો દીપાને અને દીપાની ચેષ્ટાને જોઈ રહ્યા હતા. એક મિત્રએ કહ્યું, “યુવતી સુંદર છે. તેની સાથે દોસ્તી કરવા જેવી છે. મને એ બહુ ગમી ગઈ છે.”
બીજે દિવસે દીપા રેસ્ટોરેન્ટમાં આવી. બાયનોક્યુલરથી કારગીલને નિરખી રહી હતી. એક મિત્રએ કહ્યું, “એમ દૂરથી કારગીલ નિરખવાથી શું વળે, સાચી મજા લેવી હોય તો સાથ સંગાથ લઈને કારગીલની બરફીલી પહાડીઓમાં ધુમવું પડે.” દીપાએ કંઈ જવાબ ન આપ્યો, રોજની જેમ કોફી પીને ચાલી ગઈ. ત્રણ મિત્રમાંથી એક મિત્રએ કહ્યું, “આ અઘરો દાખલો છે એમ આપણી દાળ ગળે એવું લાગતું નથી. અહીયાં છીએ ત્યાં સુધી પ્રયત્ન કરવામાં શું જાય છે પછી જેવા આપણા નસીબ.” આ શબ્દો દીપાએ સાંભળ્યા પણ જવાબ ન આપ્યો.
“મેડમ, તમે રોજ અહીંથી બાયનોક્યુલરથી કારગીલની પહાડીઓ નિહાળો છો, એમાં શું આનંદ મળે છે. તમે કંપની આપો તો રૂબરૂ કારગીલને ખૂંદી લઈએ.”
દીપાએ એક તીવ્ર નજર ત્રણે ઉપર નાખી, “પછી બારી પાસે બોલાવ્યા, દૂર શું દેખાય છે?” “કારગીલની બરફીલી પહાડીઓ.” “હજી ધ્યાનથી જુવો, ત્યાં ઊંચી ચોંટી ઉપર તિરંગો ધ્વજ લહેરાતો દેખાય છે? એ આપણો તિરંગો છે. ભારતની આન, બાન અને શાન છે. હું અહીં દર વર્ષે ચાર દિવસ માટે આવું છું અને આજનો દિવસ મારા માટે ખાસ છે. એ એટલા માટે છે કે આજના દિવસે મારા પતિ … હા .. તમે બરોબર સાંભળ્યું છે, મારા પતિ યુદ્ધમાં લડતાં લડતાં શહીદ થયા હતા. એટલે પહેલા બે દિવસ તેમની યાદમાં વિતાવું છું. આજ તેનો શહીદીનો દિવસ છે. આ દિવસ, હું, મારા પતિને, તેની શહીદીને નમન કરવા અને એક શહીદની વિધવા તરીકે ગૌરવ અનુભવવા માટે અહીયાં વિતાવું છું. કાલે છેલ્લી વખત કારગીલ પહાડીને નિરખીને જતી રહીશ. મારા જીવનને, મારા પતિએ દેશ માટે શહીદ થઈને ગૌરવશાળી બનાવી દીધું છે. આજે સમાજમાં શહીદની વિધવા તરીકે મારું મુઠ્ઠી ઊંચેરું સ્થાન છે. પણ, આ વાત તમારી સમજણ બહારની છે. તમને ઠઠ્ઠા, મશ્કરી સિવાય બીજું આવડે છે શું?”
દીપાની વાત સાંભળી ત્રણેય મિત્રોના હોંશ ઉડી ગયા. અવાક થઈ ગયા. દીપા ક્યારે ચાલી ગઈ એ ખ્યાલ પણ ન રહ્યો.
દીપા રેસ્ટોરેન્ટમાં આવી. આજનો દિવસ છેલ્લો દિવસ હતો. તેણે જોયું તો ત્રણેય મિત્રોનું ટેબલ ખાલી હતું પણ તેના ટેબલ ઉપર પુષ્પનો ગુલદસ્તો અને નીચે કાગળની ચબરખી હતી. તેમાં લખ્યું હતું, “આપની ભાવનાને શત શત નમન, દેશ ખાતર શહીદી વહોરનારને દિલથી વંદન. આ સાથે પુષ્પનો ગુલદસ્તો અર્પણ કરીએ છીએ એ સ્વીકારી અમને માફ કરશો અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપવા માટે ખૂબ ખૂબ આભાર.”
દીપા સજળ આંખે એક નજર કારગીલ પહાડી ઉપર નાખી રેસ્ટોરેન્ટમાંથી કોફી પીધા વગર નીકળી ગઈ. દૂર કારગિલની ચોંટી ઉપર ભારતની શાન, શહીદોની આનનો પ્રતીક તિરંગો લહેરાઈ રહ્યો હતો …
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com