31 માર્ચ 1998ના દિવસે દેશના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પર જાપાનથી એક પત્ર લખાય છે. આ પત્રમાં અરજ છે કે, ‘તમે 19 માર્ચના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા અને એવી જાહેરાત કરી કે દેશની સુરક્ષા અર્થે આપણે પરમાણુ શસ્ત્રોને વિકલ્પ તરીકે જોઈશું. હિરોશીમા અને નાગાસાકીમાં અમે બચી જનારાઓ ભારતની નવી સુરક્ષા નીતિને લઈને નારાજગી વ્યક્ત કરીએ છીએ. અને પરમાણુ નીતિને પ્રોત્સાહનની નીતિને બદલવા અરજ કરીએ છે, જેથી ફરી વાર હિરોશીમા-નાગાસાકી ન થાય. એવું કહેવાય છે કે પાકિસ્તાનના કારણે ભારત પરમાણુ શસ્ત્રો માટે પ્રેરાયું. જો કે એમ પણ જાણવા મળ્યું છે કે અમેરિકા અને રશિયાના શસ્ત્રની હોડને ત્યજીને ભારત પરમાણુ શસ્ત્રોથી દૂર રહ્યું છે. હાલના તબક્કે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોને ઓછા કરવાની નહીં બલકે નાબૂદ કરવાની માંગ છે. અમે તમારી સુરક્ષા નીતિનું ફરી મૂલ્યાંકન માટે વિનંતી કરીએ છીએ.’
આ પત્ર લખનારી સંસ્થા છે ‘જાપાન કન્ફડેરેશન ઓફ એ-એન્ડ એચ-બોમ્બ સફરર્સ ઓર્ગેનાઇઝેશન’. ગુજરાતીમાં તેનો અર્થ કરી શકાય જાપાનમાં પરમાણુ હુમલામાં બચી જનારાઓનું સંગઠન. આ સંસ્થા ‘નિહોન હિન્ડેક્યો’ના નામે ઓળખાય છે. જાપાની ભાષામાં આ સંસ્થાનું સંક્ષિપ્ત નામ ‘નિહોન હિન્ડેક્યો’ થાય છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા અત્યારે ચર્ચામાં છે; તેનું કારણ કે તેના સાત દાયકાના અવિરત શાંતિના પ્રયાસ અર્થે નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત થઈ છે.
દુનિયામાં જાપાન માત્ર એવો દેશ છે જેણે પ્રત્યક્ષ રીતે પરમાણુ શસ્ત્રોનું પરિણામ ભોગવ્યું અને તેથી જાપાનવાસીઓ એવું દૃઢપણે માને છે કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ફરી ક્યારે ય પૃથ્વી પર ન થવો જોઈએ. આ માટે જાપાનની સરકાર પણ પ્રતિબદ્ધ છે અને તે પછી જાપાને પોતાની સુરક્ષા નીતિનો ધરમૂળથી પરિવર્તન લાવી દીધું. આ તર્જ પર જ ‘નિહોન હિન્ડેક્યો’ સંગઠને છેલ્લા સાત દાયકાથી દુનિયાના તમામ પરમાણુ શસ્ત્રો મીટાવી દેવા માટે મુહિમ છેડી છે. આ મુહિમમાં તેઓએ જ્યાં જ્યાં પરમાણુ શસ્ત્રોની હોડ જોઈ કે કોઈ સરકારનું પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાનું વલણ જોયું તો તે અટકાવવા માટે પ્રયાસ કર્યા. આ પ્રયાસ અત્યાર સુધી કારગર રહ્યા છે; કારણ કે તે પછી દુનિયામાં પરમાણુ શસ્ત્રો વધ્યા છે પરંતુ પરમાણુ હુમલાની પીડા ભોગવવાની કોઈને આવી નથી.
વિશ્વમાં પરમાણુ શસ્ત્ર વિરોધી અભિયાન જાપાન પર તેના ઉપયોગ પછી સતત આગળ વધતું રહ્યું છે. પણ તેના પર સતત કાર્યરત ‘નિહોન હિન્ડેક્યો’ રહ્યું છે. તેમણે અવારનવાર દુનિયાને યાદ અપાવ્યું કે પરમાણુ શસ્ત્રોથી માનવજાતે દૂર રહેવું જોઈએ. 2005માં આ સંસ્થા તરફથી આવો એક સંદેશ વિશ્વભરના લોકોને સંબંધીને લખાયો હતો. એ સંદેશામાં લખ્યું હતું કે, ‘હિરોશીમા અને નાગાસાકી એ કોઈ ઇતિહાસ નથી. આજે પણ તે વખત પ્રસરેલું રેડિએશન બચી જનારા લોકોને મારી રહ્યું છે. આપણે શાંતિ સ્થાપિત કરવા અને દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત જોવા ઇચ્છતા હોવા છતાં આજે પણ બદલો વાળવા માટે નફરતની ભાષા બોલાય છે, જેમાં ઘણાં દેશો પરમાણુ શસ્ત્રોના હુમલા કરવા સુધ્ધાની ધમકી આપે છે. જો આ રીતે બદલાવૃત્તિ વારંવાર જાહેર થાય ત્યારે પૃથ્વી પર મોજૂદ 30,000થી વધુ પરમાણુ શસ્ત્રો માનવીના વિનાશ તરફ લઈ જાય તેવી ભીતિ સતત રહેશે. આજના પૂર્વે ક્યારે ય પરમાણુ શસ્ત્રોની તુરંત નાબૂદની આવશ્યકતા વર્તાઈ નહોતી.’ આ પત્ર લાંબો છે પણ તેના સંદેશામાં અનેક આવી વાતો ટાંકવામાં આવી છે; જેના કારણે પરમાણુ શસ્ત્રોની તુરંત નાબૂદીની આવશ્યકતા સૌને જણાય. આ સંસ્થા તરફથી આ રીતે અવારનવાર પત્રો લખાય છે અને તેની અસર પણ જોવા મળી છે. સરકારોએ તે અંગે જવાબ આપવા પડ્યા છે અથવા તેમની વાત ધ્યાને લેવી પડી છે.
પરમાણુ બોમ્બની ભયાનકતા અનેક રીતે મૂકી શકાય. સૌથી ભયાવહ રીતે તો માહિતી અને દૃશ્ય માધ્યમથી. આ માટે સંસ્થાએ જે સૌથી દાખલારૂપ કાર્ય કર્યું છે તે પરમાણુ હુમલાઓમાં ઘવાયેલા લોકોની જુબાની છે. આ જુબાનીમાં તેમની પીડા ઝળકે છે. આ હુમલામાં એક ઘવાનાર સાદકો સાસકી [Sadako Sasaki] હતી. હિરોશીમા પર જ્યારે પરમાણુ બોમ્બ નાંખવામાં આવ્યો ત્યારે સાદકો માત્ર બે વર્ષની હતી. આ હુમલામાં તે ઇજાગ્રસ્ત થઈ અને તે પછી તે એક દાયકા સુધી પીડા સાથે જીવીત રહી. હિરોશીમાં પર નંખાયેલા બોમ્બના ગ્રાઉન્ડ ઝીરો અંતરેથી તે માત્ર દોઢ કિલોમીટરના અંતરે હતી. સાદકો હુમલામાં બચી અને નાની-મોટી તકલીફો સાથે તે પછી દસ વર્ષ સુધી જીવી હતી. પરંતુ 1955માં તેને શરીર પર ગાંઠ થવા માંડી અને તેને દવાખાનામાં દાખલ કરી. તે પછી માત્ર એક વર્ષમાં તેનું અવસાન થયું. પરમાણુ હુમલામાં મૃત્યુ પામનારાઓમાં સાદકોને સ્મૃતિરૂપે યાદ કરવામાં આવે છે.
એ રીતે તેરુમી તનકા [Terumi Tanaka] જેઓ હાલ નોબલ સન્માનિત ‘નિહોન હિન્ડેક્યો’ સંસ્થાના પાયાના સભ્ય છે. નાગાસાકી શહેર પર બોમ્બ નાંખવામાં આવ્યો ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી સાડા ત્રણ કિલોમીટરના અંતરે તેઓ હતા. તેમની ઉંમર ત્યારે તેર વર્ષની હતી. તેરુમી તનકાએ પોતાના પરિવારના અનેક લોકોને ગુમાવ્યા. તેઓ પોતે પણ ઇજાગ્રસ્ત થયા, તેમ છતાં આજે પણ 92 વર્ષની ઉંમરે તેઓ સ્વસ્થ છે. તે પછી તેઓ અભ્યાસ પૂરો કરીને ‘ટોહુકો યુનિવર્સિટી’માં અધ્યાપક તરીકે જોડાયા. આ દરમિયાન તેઓ ‘નિહોન હિન્ડેક્યો’ સંસ્થા સાથે જોડાયા. દુનિયામાં જ્યારે જ્યારે પરમાણુ હુમલાનું જોખમ વધ્યું ત્યારે તેઓ પોતાનો અવાજ બુલંદ કરતા. તેમણે ઉત્તર કોરિયાએ પણ પરમાણુ પરીક્ષણ કર્યું તેનો વિરોધ જોરશોરથી કર્યો હતો. પરમાણુ હુમલામાં બચનારાઓનો અવાજ દુનિયાભરમાં પરમાણુ વિરોધમાં ગુંજ્યો તેમાં એક તેરુમી તનકા છે. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2016માં હિરોશીમાની મુલાકાત લીધી હતી ત્યારે ઓબામાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, ‘આકાશમાંથી મૃત્યુ આવ્યું’. આ વાક્યનો તેરુમીએ વિરોધ કર્યો હતો. તેમણે આ વિશે માધ્યમોમાં કહ્યું હતું કે મોત આકાશમાંથી આવ્યું નહોતું બલકે અમેરિકાએ જાપાનીઓને ખતમ કરવા માટે હુમલો સઉદ્દેશ્યથી કર્યો હતો. ‘નિહોન હિન્ડેક્યો’ના બીજા મહત્ત્વના સભ્ય
તોશુયિકી મિમાકી [Toshiyuki Mimaki] છે. તેઓ આ વિશે કહે છે કે, ‘આજે પણ દુનિયાભરમાં પરમાણુ હુમલામાં બચનારા 1,06,000 લોકો જીવી રહ્યા છે. તે પછી પણ ઘણા પરમાણુ પરિક્ષણ થયા અને તેમાંથી લોકોને તેની અસર થઈ તેઓ પણ પોતાને પરમાણુથી બચનારાઓ જ માને છે.’ જાપાનમાં આ રીતે પરમાણુથી બચનારાઓ માટે ‘હિબાકાશુ’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘હિબાકાશુ’ લોકો દુનિયામાં કાયમી શાંતિ ઇચ્છે છે. તેઓનું માનવું છે કે દુનિયાભરના રાજકીય આગેવાનો શાંતિની અપીલ કરે છે અને શાંતિ ઇચ્છતા હોય તેમ પોતાના વક્તવ્યમાં સ્થાન આપે છે. પરંતુ જમીની સ્તરે વાત અલગ છે. રશિયા યુક્રેનના યુદ્ધમાં આજે યુરોપ અને અમેરિકા સામેલ છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં પણ અરબના ઘણાં દેશો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સામેલ થયા છે. આ સંઘર્ષ સતત થઈ રહ્યા છે અને તે સંઘર્ષનું પરિણામ સૌકોઈ જાણે છે; તેમ છતાં યુદ્ધો અટકતા નથી. અને એટલે જ હિબાકાશુ પોતાની શાંતિની જ્યોત સતત જલાવીને રાખે છે, અને અવારનવાર તેવી શાંતિની અપીલ કરતા રહે છે.
આ ઉપરાંત ‘નિહોન હિન્ડેક્યો’ માહિતી દ્વારા પરમાણુની ભયાનકતા મૂકી છે. હિબાકાશુઓની આખરી અપીલ એ છે કે ફરી ક્યારે ય ‘હિબાકાશુ’ દુનિયામાં જોવા ન મળે. અને ક્યારે ય પરમાણુ યુદ્ધ ન થાય. આ ઉપરાંત તેમની કેટલીક માંગ છે. જેમ કે, ક્યારે પણ હિરોશીમા અને નાગાસાકીની ઘટના ન ભૂલાવી જોઈએ. તમારા નાગરિક આ વાતને સારી રીતે જાણે તે માટે પ્રચાર કરો. પરમાણુ શસ્ત્રો પર પૂર્ણ રૂપે પ્રતિબંધ આવે. પરમાણુ શસ્ત્રો ન નિર્માણ થાય તેવા કાયદા બને.
E.mail : kirankapure@gmail.com