Opinion Magazine
Number of visits: 9844847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈઝરાયેલ – પૅલૅસ્ટાઈન સંઘર્ષનું એક વર્ષ

સંકલન : રૂપાલી બર્ક|Opinion - Opinion|13 October 2024

રૂપાલી બર્ક

૮ ઑક્ટોબરે આ કારમા સંઘર્ષનું એક વર્ષ પૂરું થયું. ૨ ઑક્ટોબર ગાંધી જયંતીનો દિવસ.  ‘ગાઝા એકોક્તિઓ’ના ત્રીજા હપ્તાના ચાલુ અનુવાદ થકી આ પ્રદેશના હિંસક માહોલની અનુભૂતિ કરી રહી છું અને શાંતિની પ્રાર્થના કરી રહી છું એવામાં એક મિત્રએ ગયા વર્ષે પ્રસિદ્ધ થયેલો નીચે મુકેલો લેખ મોકલ્યો જેનો અનુવાદ અને મારા પ્રિય પૅલૅસ્ટિનયન-અમૅરીકી કવિ ફૅડી જુડાહના હૃદયના તાર ઝંઝોળી નાખે એવા કાવ્યનો અનુવાદ રજૂ કરું છું.

(વિસ્તૃત લેખ indianexpress.com પર વાંચવા મળશે. દૈનિક દ્વારા જ સંક્ષિપ્ત લેખ નીચે મુજબ છે.)

°°°

શા માટે ગાંધીજી પૅલૅસ્ટાઈનમાં યહૂદી રાજ્યની તરફેણમાં નહોતા? / અર્જુન સેનગુપ્તા, નવી દિલ્હી, ઑક્ટૉબર ૧૦, ૨૦૨૪ (‘ઇન્ડિયન ઍક્સપ્રૅસ’)

અનુવાદ : રૂપાલી બર્ક

“જે અર્થમાં ઇંગ્લૅન્ડ અંગ્રેજોનું છે અથવા ફ્રાંસ ફ્રૅંચ પ્રજાનું છે તે રીતે પૅલૅસ્ટાઈન આરબોનું છે,” એમ મહાત્મા ગાંધીએ ‘હરિજન’માં નવેમ્બર ૨૬, ૧૯૩૮ના રોજ લખેલું.

ગાંધીજીનો લેખ, ‘The Jews’ વર્ષોથી ગહન ચર્ચાનો વિષય રહ્યો છે. અમુકે એને ગાંધીજીના ભોળપણનો પુરાવો ગણાવ્યો છે તો બીજાઓેએ પરિણામની પરવાહ કર્યા વિના અહિંસા પરત્વે ગાંધીજીની ઊંડી પ્રતિબદ્ધતા તરીકે એને મુલવ્યો છે.

‘હરિજન’ ગાંધીજીએ શરૂ કરેલું સાપ્તાહિક સામયિક હતું જેમાં વિવિધ વિષયો પર ગાંધીજી એમના વિચારો વ્યક્ત કરતા.

યહૂદીઓ માટેની ગાંધીજીની સહાનુભૂતિ

પોતાના ધર્મને લીધે યહૂદી લોકોની ઐતિહાસિક સતામણી અંગે ગાંધીજી અત્યંત સભાન હતા અને એમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અનુભવતા હતા.

“મારી સહાનુભૂતિ સમગ્રપણે યહૂદીઓ પ્રત્યે છે … તેઓ ખ્રિસ્તી ધર્મના અછૂતો રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા એમની સાથેના વ્યવહાર અને હિન્દુઓ દ્વારા અછૂતો સાથેના વ્યવહારમાં ખૂબ સામ્ય છે. બન્ને કિસ્સાઓમાં સામા પક્ષ સાથે અમાનવીય વ્યવહારને વાજબી ઠેરવવા ધાર્મિક સંમતિનું કારણ દર્શાવવામાં આવે છે,” ગાંધીજીએ ‘The Jews’માં લખ્યું છે.

ગાંધીજીએ એમ પણ લખ્યું કે “જર્મનોના હાથે યહૂદીઓની સતામણીનો ઇતિહાસમાં જોટો નથી”, અને તે વખતે (૧૯૩૯માં બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પૂર્વે) ઍડૉલ્ફ હિટલરને પ્રસન્ન કરવાની બ્રિટનની નીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

“માનવતાના નામમાં અને માનવતા માટે જો કોઈ યુદ્ધને વાજબી ઠેરવવું હોય તો એક આખા સમુદાય વિરુદ્ધ ક્રૂર સતામણીને નિવારવા માટે જર્મની વિરુદ્ધ યુદ્ધ વાજબી ગણાશે,” એમ ગાંધીએ લખ્યું છે.

આરબો માટે ચિંતા

આમ છતાં, મહાત્મા ગાંધીએ પૅલૅસ્ટાઈનમાં ‘ઝાયોનિસ્ટ સ્ટેટ’ની (જેની યોજના બની રહી હતી) તરફેણમાં ન હતા. “આરબો પર યહૂદી આધિપત્ય ખોટું અને અમાનવીય છે. યહૂદીઓને આંશીક કે સંપૂર્ણ પૅલૅસ્ટાઈન પોતાના રાષ્ટ્રીય વતન તરીકે પરત આપવા માટે ગૌરવશાળી આરબોને ઓછા આંકવા માનવતા વિરુદ્ધ ગુનો બને”, ગાંધીજીએ નોંધ્યું છે.

ગાંધીજીનો વિરોધ બે સૈધાંતિક માન્યતાઓ પર આધારિત હતો. પ્રથમ, પૅલૅસ્ટાઈન આરબ પૅલૅસ્ટિનિયનોનું વતન હતું અને બ્રિટને સક્રિય રીતે શક્ય બનાવેલી યહૂદીઓની વસાહત મૂળભૂત રીતે હિંસક હતી.

“ધાર્મિક કૃત્ય (યહૂદીઓનું પૅલૅસ્ટાઈનમાં પાછા ફરવું) બેયોનૅટ કે બોંબની સહાય વિના શક્ય ના બને,” ગાંધીજીએ લખ્યું. એમના મુજબ યહૂદીઓ પૅલૅસ્ટાઈનમાં “આરબોના સદ્ભાવ”થી જ વસાહટ કરી શકે અને તે માટે એમણે “બ્રિટિશ બેયોનૅટ”ને ત્યજવી પડે.

બીજુ, ગાંધીજીને લાગતું કે યહૂદી વતનનો ખ્યાલ વિશ્વમાં અન્ય ઠેકાણે વધુ મહત્ત્વના હકો માટેની એમની લડાઈથી સાવ વિરુદ્ધ હતો.

“જો યહૂદીઓનું પૅલૅસ્ટાઈન સિવાય કોઈ વતન નથી તો શું વિશ્વના અન્ય ભાગોમાં જ્યાં એ વસેલા છે ત્યાંથી એમની હકાલપટ્ટી થાય એ એમને માન્ય હશે?” ગાંધીજીએ લખ્યું અને વધુમાં ઉમેર્યું રાષ્ટ્રીય વતન માટેના યહૂદી દાવાથી “જર્મનો દ્વારા યહૂદીઓની હકાલપટ્ટીને ઊંડુ સમર્થન મળે છે.”

ભારતની વિદેશ નીતિ

મહાત્મા ગાંધીની માફક આરબ દેશોના નેતાઓ અને સામ્રાજયવાદ વિરોધીઓ પૅલૅસ્ટાઈનના બ્રિટિશ વહીવટથી અને ૧૯૧૭ના બૅલફોર ડૅક્લરેશન મુજબ બ્રિટિશ મૅન્ડેટમાં દર્શાવેલ યહૂદીઓને વતનના વચનથી ભયભીત હતા.

બ્રિટિશ લેખક આર્થર કૉસ્લરે, જે પોતે યહૂદી હતા, ડૅક્લરેશન વિશે લખેલું, “એક રાષ્ટ્રે ગંભીરતાપૂર્વક બીજા રાષ્ટ્રને ત્રીજાના દેશનું વચન આપ્યું.”

ગાંધીજીના અભિપ્રાયનો નહેરુ પર ઊંડો પ્રભાવ પડ્યો અને એના લીધે તથા નહેરુની પોતાના સામ્રાજ્યવાદ વિરોધી મતને આભારી દશકો સુધી ભારતની વિદેશ નીતિ ઘડાતી રહી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની નવેમ્બર ૧૯૪૭ની સામાન્ય બેઠકમાં પસાર કરાયેલા ઠરાવ ૧૮૧ (૧૧)નો વિરોધ કર્યો કારણ કે એમાં મૅન્ડૅટરી પૅલૅસ્ટાઈનને યહૂદીઓ અને આરબો વચ્ચે વહેંચવાનું આવતું હતું.

ભારતે ૧૯૫૦માં ઈઝરાયેલને સમર્થન નહોતું આપ્યું. ૧૯૯૨માં પી.વી. નરસિંહમા રાવ વડા પ્રધાન હતા તે દરમ્યાન ભારતે ઈઝરાયેલ સાથે ઔપચારિક રાજનૈતિક સંબંધો સ્થાપ્યા.

*

અનુકરણ / ફૅડી જુડાહ

મૂળ અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

મારી દીકરી

એની બાયસીકલના હૅન્ડલ વચ્ચે રહેતા

કરોળિયાને હાનિ ના પહોંચાડી

કરોળિયો આપમેળે જતો ના રહ્યો ત્યાં સુધી

બે અઠવાડિયા એણે રાહ જોઈ.

 

જો તું એનું જાળું ખેંચી કાઢે

તો એને ખ્યાલ આવી જશે કે

આ સ્થળને ઘર કહેવાય નહીં

વળી તને સાયકલ ફેરવવા મળશે

મેં દીકરીને કહ્યું.

 

દીકરી બોલી, આ જ રીતે

બીજા નિરાશ્રિત બની જાય છે, ખરું ને?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

કાશ્મીર : બંદૂકની ગોળીથી સમરસતા સ્થપાતી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2024

રમેશ ઓઝા

કાશ્મીર ભારતનો મુગટ છે, ધરતી પરનું સ્વર્ગ છે, પણ આ ધરતી પરનાં સૌથી કમનસીબ પ્રદેશમાંનો એક છે. આમ જુઓ તો આજના સીમાબદ્ધ રાષ્ટ્રવાદના યુગમાં સીમાએ આવેલા પ્રદેશો સર્વત્ર દુઃખી છે. માત્ર ભારત નહીં, સર્વત્ર. આનું કારણ એ છે કે સીમાડાની પ્રજાનો સાંસ્કૃતિક અનુબંધ સીમાની સામે પાર આવેલા પ્રદેશ અને પ્રજા સાથે વધુ હોય છે અને રાષ્ટ્રની મધ્યે આવેલા પ્રજા અને પ્રદેશ સાથે ઓછો હોય છે. આને કારણે તેમનાં વજૂદને ઓછું આંકવામાં આવે છે અને તેમની રાષ્ટ્ર માટેની વફાદારીને શંકાથી જોવામાં આવે છે. મોટાભાગે શાસકો માટે સીમાડાનો પ્રદેશ જમીન(એસ્ટેટ)થી વધુ મહત્ત્વ નથી ધરાવતો. એ જમીન છે અને રાજ્ય એ જમીનનું માલિક છે. ત્યાં વસતા લોકોની ઇચ્છા અને એષણાની કોઈ કિંમત નથી હોતી. પણ કાશ્મીર આ બધામાં વધારે કમનસીબ છે.

જ્યારે દેશ આઝાદ થયો અને જમ્મુ અને કાશ્મીરના મહારાજાએ તેમનાં રાજ્યને ભારતમાં વિલીન કરવાનો નિર્ણય લીધો ત્યારે કાશ્મીરના લોકોને ત્રણ ચીજ કહેવામાં આવી હતી : ઈન્સાનિયત, જંબુરિયત (લોકતંત્ર) અને કાશ્મીરિયત. આમાંથી ઈન્સાનિયત અને જંબુરિયત તો સાર્વત્રિક છે, એટ લીસ્ટ કહેવા માટે દરેક સ્વીકારે છે, પણ કમનસીબે કશ્મીરિયત જમ્મુ અને કાશ્મીરમાં પણ સાર્વત્રિક રીતે સ્વીકાર્ય નથી અને કાશ્મીરિયત જેવી કોઈ ચીજ સાર્વત્રિક નથી એટલે નવી દિલ્હીના શાસકો ઈન્સાનિયત અને જંબુરિયત એમ બન્ને સાથે ચેડાં કરે છે. કાશ્મીર વધારે કમનસીબ છે એનું કારણ આ છે.

જમ્મુ અને કાશ્મીર કેવી રીતે બન્યું તેના ઇતિહાસમાં જવાની જરૂર નથી. એટલું કહેવું બસ છે કે એ જમ્મુ અને કાશ્મીરના મહારાજા ગુલાબ સિંહ અને અંગ્રેજો વચ્ચે ખરીદફરોખનું એ સર્જન છે. જી હા, અંગ્રેજોએ એ પ્રદેશો કાશ્મીરના મહારાજને વેચ્યા હતા અને તેને એકત્ર કરીને જમ્મુ અને કાશ્મીરની રિયાસત અસ્તિત્વમાં આવી હતી. એમાં હિંદુ છે, શીખો છે, કાશ્મીરની ખીણમાં મુસલમાનો છે, કારગીલ અને લડાખમાં બૌદ્ધો અને શિયા મુસલમાનો છે, ઉપર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કબિલાઈ શિયા મુસલમાનો છે અને એ બધાને કાશ્મીરની ભૌગોલિક રચનાને કારણે એકબીજા સાથે ખાસ સંબંધ નથી. સૌથી વધુ સંબંધ ખીણમાં પંડિતો અને પંડિતોમાંથી વટલાયેલા મુસલમાનો વચ્ચે છે, પરંતુ તેમનો ધર્મ અલગ છે અને એટલે જંબુરિયતના રાજકારણમાં તેમનો પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કાશ્મીરિયત જેવી કોઈ ચીજ હોય તો એ ફક્ત ખીણમાં પંડિતો અને મુસલમાનો માટે છે, તેમને તે વ્હાલી છે, પણ બન્ને સામસામે છે.

ભારતીય જનતા પક્ષના શાસકોએ હવે તેમને સાવ એકબીજાની સામે ઊભા કરી દીધા છે. લડાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરવામાં આવ્યો છે. કાશ્મીરની ખીણ અને જમ્મુનો રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. તે અત્યારે દિલ્હી જેવું કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રકારનું રાજ્ય છે. જમ્મુની છાવણીઓમાં રહેતા પંડિતોને કાશ્મીર વિરોધી હિન્દુમાં ફેરવી દેવામાં આવ્યા છે. કશ્મીરિયત છોડો હિંદુ બનો. દસ વરસથી દેશમાં હિન્દુત્વવાદીઓનું શાસન છે, પણ એક પણ પંડિત પાછો ખીણમાં પોતાને ગામ ગયો નથી. એ શક્ય નથી જ્યાં સુધી તંગદિલી છે. તમારી વેરની ભાવના પોષવામાં અમે સહાય કરીશું, ન્યાય મેળવવાની અને ખીણમાં પાછા જઇને વસવાના સપનાં જોવાનું છોડી દો. ઘણા લોકોને વેર વાળવામાં વિજયનો સંતોષ મળે છે.

જમ્મુ અને કાશ્મીરની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની આ પૃષ્ઠભૂમિ છે. જમ્મુના હિંદુઓને કાશ્મીરના મુસલમાનો સામે ઊભા કરી દેવામાં આવ્યા છે અને પંડીતોને પીર પંજાલની આ બાજુએ ઊભા કરી દઈને કશ્મીરિયત ખંડિત કરી દેવામાં આવી છે. જેટલી પ્રાદેશિક અસ્મિતા આધારિત એકત્વની ભાવના ઓછી એટલી ઈન્સાનિયત ઓછી અને જ્યાં ઈન્સાનિયત ન હોય ત્યાં જંબુરિયત ક્યાંથી હોય! મણિપુરમાં પણ આ જ જોવા મળી રહ્યું છે. ત્યાં મૈતી અને કુકીઓ સામસામે છે. કેન્દ્ર સરકાર તો ચૂંટણી જ યોજવા નહોતી ઈચ્છતી. એ તો સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચને આદેશ આપ્યો એટલે યોજવી પડી. સર્વોચ્ચ અદાલતે તો કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. અત્યારે જે ચૂંટણી પરિણામ આવ્યાં છે એ જોતાં મને નથી લાગતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપે, સિવાય કે સર્વોચ્ચ અદાલત કઠોર ભૂમિકા લે.

ઊલટું વિભાજન સંપૂર્ણ છે. મતદારક્ષેત્રોની પુન: રચના કરીને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં જમ્મુની બેઠકો વધારી આપવામાં આવી છે. વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનોની બહુમતી હોવા છતાં જમ્મુ અને કાશ્મીર પર કોઈ હિંદુ મુખ્ય પ્રધાન રાજ કરે. ખીણમાં થોડા બીકાઉ વોટ કટવા પેદા કરવાના જે મુસલમાન હોય. જો કોઈ વોટ કટવો ખીણમાં દસ બેઠકો તોડી આપે તો ખેલ ખલાસ. આ વખતે રશીદ એન્જિનિયરને ખાસ જેલમાંથી જામીન પર છોડાવીને કાશ્મીરની ખીણમાં મોકલવામાં આવ્યો હતો. આ ખૂંખાર ત્રાસવાદી છે અને દેશદ્રોહી છે એમ કહેવામાં આવતું હતું. હા, એ જ રશીદ એન્જિનિયર જેનાં ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મમાં કાળાં કૃત્યો જોઇને ભક્તો રડ્યા હતા.

આ વખતે યોજના સફળ ન નીવડી, પણ ભવિષ્યમાં નહીં નીવડે એની ખાતરી નથી. પણ પ્રશ્ન એ છે કે ધારી લો કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈ હિંદુ મુખ્ય પ્રધાન રાજ કરે તો બતાવી દેવાનાં ખોખલા સંતોષ સિવાય ફરક શું પડવાનો? કાશ્મીરની ખીણ હોય કે મણિપુર, ત્યાં જઇને વસવા તો ત્યારે જ મળવાનું છે જ્યારે ત્યાં શાંતિ હોય. અને જો અંતિમ લક્ષ સંઘની ભાષામાં કાશ્મીરની ભારતમાં ‘સમરસતા’ હોય તો તેનો માર્ગ અલગ છે. બંદૂકથી સમરસતા સ્થપાતી નથી, પછી ભલે બંદૂકમાં ગમે એટલી ગોળીઓ હોય.

અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં ઉત્તમ માર્ગ એ જ છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપે અને રાજ્યમાં રચાનારી નેશનલ કોન્ફરન્સ અને કોાંગ્રેસની સરકારને સહકાર આપે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 13 ઑક્ટોબર 2024

Loading

રતન ટાટાઃ  વૈશ્વિક પ્રગતિના ધ્યેય સાથે બિઝનેસ થાય, જિંદગી કરુણા અને સેવા થકી જીવાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 October 2024

રતન ટાટા એક એવા ઉદ્યોગપતિ હતા જેમને માટે નફો એક માત્ર ધ્યેય નહોતું, સામાજિક કલ્યાણ અને દેશની ઓળખ પણ તેમની વ્યવસાયી વિચારના અગત્યનાં પાસાં હતાં

ભારતના સૌથી શક્તિશાળી અને જેને અઢળક પ્રશંસા મળી હોય એવા ઉદ્યોગપતિ, એક એવી વ્યક્તિ જેણે ફેમિલી બિઝનેસને એક વિશાળ બિઝનેસ જૂથમાં ફેરવી નાખ્યો, પોતાના પ્રાણી પ્રેમના દૃષ્ટાંતો કોઇ પણ દેખાડા વિના આપનારા રતન ટાટા હવે નથી. તેમની સૌમ્ય પારસી પ્રતિભાએ લોકોના મનમાં ઘેરી છાપ છોડી છે.

ચિરંતના ભટ્ટ

ભારતમાં ઉદ્યોગની પૃષ્ઠભૂમિ પર ટાટા જૂથે દોઢસોથી વધુ વર્ષ પહેલાં પોતાનો પગદંડો જમાવ્યો હતો. અંગ્રેજો માટે અફીણના વ્યાપારથી માંડીને ટાટા જૂથની પહોંચ વિશે આજે ગણતરી કરવા બેસીએ તો રસોડાથી માંડીને આકાશની ઊંચાઇઓમાં ટાટા જૂથની પકડ અને પહોંચ છે. રતન ટાટાએ જ્યારે પોતાના ઉદ્યોગોમાં પ્રવૃત્ત થવાની શરૂઆત કરી, ત્યારે ભારત પણ પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યું હતું. ઉદારમતવાદી અર્થંતંત્રના વખતમાં ભારતના બિઝનેસ ગ્રૂપને ધીમા અને મક્કમ પગલે વૈશ્વિક ફલક પર મૂકી તેનો વિસ્તાર કરવો અને ઘર આંગણે દેશની ઓળખ બને એ રીતે કામ કરવું રતન ટાટાના વિશાળ વિઝનનું એક મહત્ત્વનું પાસું હતું. ભારતના ચોકઠામાં ગોઠવાય તેવા ભારતીયોની માગ અનુસાર બંધબેસે એવા વિદેશી બિઝનેસિઝને હસ્તગત કરીને વ્યવસાય અને વૈશ્વિક ઓળખ બન્નેનો વિસ્તાર કરતા રહેવામાં રતન ટાટાએ પાછા વળીને ન જોયું. ભારતીય અર્થતંત્રના વિકાસ સાથે ટાટાની સફળતાની ગાથા કદમથી કદમ મિલાવીને આગળ વધી અને માટે જ ભારતના અર્થતંત્ર પર તેનો ઘેરો પ્રભાવ રહ્યો.  ટાટાએ હસ્તગત કરેલા બિઝનેસીઝની યાદી લાંબી છે પણ તેમાંનાં કેટલાંક નામો એટલે ટેટલી, કોરસ, જાગુઆર લેન્ડ રોવર, બ્રુનર મોન્ડ, જનરલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્ટ્સ, દેવુ, સ્ટારબક્સ વગેરે, આ યાદી લાંબી છે અને તેમાંથી કેટલાક જોડાણોની સફર બહુ લાંબી નહોતી.

રતન ટાટા તેમની બિઝનેસની સૂઝ, મજબૂત નૈતિક મૂલ્યો અને કોઇપણ બહુ મોટા વિવાદો વગરની કામગીરીને કારણે એક અલગ આભા ખડી કરી શક્યા. રતન ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ હોય એટલે સ્વાભાવિક છે તેમની પી.આર. ટીમ પણ હોય પણ તેમનું પી.આર. મેનેજમેન્ટ કરવામાં કે તેમની પબ્લિક ઇમેજ જાળવવામાં ક્યાં ય પણ વધુ પડતા દેખાડા, હોબાળા, પૈસાની રેલમછેલ હોય એવા કાર્યક્રમો ક્યારે ય ગણતરીમાં નહોતા લેવાયા. રતન ટાટાની છબી એક સૌમ્ય, મળતાવડા અને પ્રાણી પ્રેમી બિઝનેસ ટાયકૂનની જ હતી અને એમ જ રહી.

આજની પેઢી, જેન ઝી – જેને વારે તહેવારે ટ્રોમા થઇ જાય છે તેમણે રતન ટાટા પાસેથી ઘણું શીખવા જેવું છે. પોતે દસ વર્ષના હતા ત્યારે માતા-પિતા એકબીજાથી છૂટા પડ્યા અને દાદીએ તેમને ઉછેર્યા. કદાચ આ કારણે જ પારવારિક મૂલ્યો તેમને માટે અગત્યનાં રહ્યા, તેમણે પોતે તો પરિવાર ન વિસ્તાર્યો પણ જે તેમની સાથે જોડાયું તે તેમનો પરિવારનો હિસ્સો બન્યો. રતન ટાટા આર્થિક રીતે સદ્ધર ઘરમાં જ જન્મ્યા હતા. તેમણે એક તવંગર પરિવારના દીકરાને મળે એવું સરસ ભણતર પણ મેળવ્યુ હતું. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને હાર્વર્ડમાંથી મેનેજમેન્ટની અભ્ચાસ કર્યો હતો. આઇ.બી.એમ. જેવી કંપનીમાં નોકરી મળતી હોવા છતાં તેમણે મુંબઈ આવી ટેલ્કો(આજે ટાટા મોટર્સ)માં કામ કરવાનું શરૂ કર્યું. લાઇમ સ્ટોનને પાવડાથી ઊંચકવાથી માંડીને બ્લાસ્ટ ફર્નેસિઝની ટીમમાં પણ કામ કર્યું. ટાટા ગ્રૂપની જ અલગ અલગ કંપનીઓમાં કામ કરીને નવ વર્ષ સુધી તેમણે એમ્પ્રન્ટિસની માફક તાલીમ લીધી. ઘરનો બિઝનેસ હોય તો તમને ટોચ પર બેસતાં કોઇ રોકી નથી શકવાનું પણ એમ ન કરતાં તેમણે નીચેથી શરૂઆત કરી અને કામ કરતાં કરતાં પ્રગતિના પગથિયાં સર કર્યા. ડાયરેક્ટરના પદે પહોંચેલા રતન ટાટાએ 1991માં જે.આર.ડી. ટાટા પાસેથી ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ધૂરા પોતાના હાથમાં લીધી. રતન ટાટાએ જે રીતે બિઝનેસ વિસ્તાર્યો અને નવા બિઝનેસ પર ટાટા બ્રાન્ડની માલિકીનો સિક્કો માર્યો તેને કારણે સો દેશોમા ટાટાનું નામ પહોંચ્યું. આની સીધી અસર ભારતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ થઇ અને તેને એક નવી તાકાત મળી, વિદેશી ધરતીમાં ઓળખ ખડી કરવાની તાકાત. રતન ટાટાને લીધે એક ભારત કેન્દ્રિય કંપન વૈશ્વિક બિઝનેસમાં ફેરવાઇ ગઇ.

રતન ટાટાના નેતૃત્વ હેઠળ કંપનીને એ રીતે વિસ્તારાઇ કે તમે રસ્તે ચાલતા હો અને ક્યાં ય પણ નજર પડે તો કોઇ એક ચીજ-વસ્તુ, સ્ટોર, વાહન કે અન્ય કોઇ બ્રાન્ડ – એમાં તેમને ટાટા તો નજરે ચઢી જ જાય. લોકો સાથે જોડાવાનો આનાથી વધારે મોટો કીમિયો તો શું હોઇ શકે? વર્ષોથી ટાટા નમક આપણા રસોડાની શાન રહ્યું છે તો હવે તો મસાલા અને પ્રિ-મિક્સ ખીરાં જેવું ઘણું બધું ટાટા સંપન્ન બ્રાન્ડ હેઠળ મળે છે. દુનિયાની સૌથી સસ્તી કાર નેનો – તેનો પ્લાન્ટ ગુજરાતમાં અને પછી ટાટા ઇન્ડિકા જેવી કાર જે ભારતના માહોલ સાથે મેળ ખાય – એ પણ ટાટા જૂથે જ આપણને આપી હતી. એક બિઝનેસ માટે તેના ધંધામાં સૌથી અગત્યનો હોય છે નફો – પ્રોફિટ પણ રતન ટાટા માટે બેલેન્સશીટમાં માત્ર નફો જ અગત્યનો નહોતો. તે પોતાના સામાજિક જવાબદારીમાંથી ક્યારે ય ન ચૂક્યા. ફિલાન્થ્રોફી એટલે કે પરોપકાર કરવામાં ટાટાએ પોતાની નાણાંની કોથળી છૂટી જ મૂકી દીધી હતી. વળી દાનની કે પરોપકારની વાત આવે ત્યારે ડાબો હાથ કરે તો જમણા હાથને પણ ન ખબર પડે વાળો નિયમ રતન ટાટાએ એટલી શાલીનતાથી નિભાવ્યો કે ન પૂછો વાત. ટાટા ટ્રસ્ટના નેજા હેઠળ વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપતા ટેક્નોલૉજી સેન્ટર્સ બન્યાં છે તો સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સસ્ટેનેબલ રહેઠાણોના પ્રોજેક્ટ માટે પણ ટ્રસ્ટે સારું એવું ભંડોળ આપ્યું છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જ્યાં એ ભણ્યાં ત્યાં પણ રતન ટાટાએ એક્ઝિક્યૂટિવ સેન્ટર બનાવવા માટે 50 મિલિયન ડૉલર્સનું દાન આપ્યું હતું તો ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને આઇ.આઇ.એમ. જેવી સંસ્થાઓમાં ટાટા ટ્રસ્ટે નાણાંકીય સહાય કરી છે.

ટાટા ગ્રૂપ માટે સૌથી મોટો આઘાત 26/11ના આતંકવાદી હુમલો ગણાવી શકાય પણ એ હુમલામાંથી કળ વળી એ પછી હુમલાનો ભોગ બનેલાઓ અને તેમના પરિવારોને મદદ કરવા માટે રતન ટાટાએ તાજ પબ્લિક સર્વિસ વેલફેર ટ્રસ્ટ ખડું કર્યું. રતન ટાટાએ બદલાતા સમય સાથે બદલાવામાં કોઇ કચાશ ન છોડી અને માટે જ તેમણે સ્ટાર્ટ-અપ્સનો ટ્રેન્ડ આવ્યો ત્યારે લેન્સકાર્ટ, પેટીએમ, ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી જેવા સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા. આવા લગભગ પચાસેક સ્ટાર્ટ-અપ્સને ટાટા જૂથનો ટેકો મળ્યો છે.

રતન ટાટાનું નામ ચર્ચામાં આવ્યું જ્યારે નીરા  રાડિયા ટેપ્સ અને વૈષ્ણવી એજન્સીના સમાચાર ઉછળ્યા એ પછી સાયરસ મિસ્ત્રીનું ટાટા ગ્રૂપમાં જોડાવું અને છૂટા પડવું એ પણ ચર્ચાનો વિષય બની રહ્યો. મિસ્ત્રીએ મતભેદો વિશે વાત કરી હતી જો કે જે ફેરફારો થયા તેની ઝાળ ભડકો બનીને ગણતરીના દિવસોમાં બુઝાઇ ગઇ અને ટાટા જૂથની કામગીરી ક્યાં ય અટકી નહીં. રતન ટાટાએ એક બાબતે બહુ ચિવટ રાખી, તેમણે ભ્રષ્ટાચારને ક્યારે ય પોતાના બિઝનેસ નજીક ફરકવાન દીધો. જરૂર પડી ત્યારે તેમણે પોતાના એક સમયના ખાસ ગણાતા, તેમની પાસે તાલીમ પામેલા દિલીપ પેંડસે સામે ક્રિમિનલ ચાર્જીઝ કર્યા હતા કારણ કે તેમણે ટાટા ફાઇનાન્સમાં ગોટાળા કર્યા હતા. આ ફરિયાદને પગલે દિલીપ પેંડસેને જેલ ભેગા થવું પડ્યું હતું. રતન ટાટાની સૌમ્યતામાં કડક નિર્ણય શક્તિ પણ હતી જો કે માણસ પારખવામાં તેમણે થાપ ખાધી હશે એવું નીરા રાડિયા કેસ અંગે કહી શકાય બાકી રતન ટાટા વિશે કહેવાય છે કે તે પોતાના ફોન પણ જાતે ઉપાડતા, તેમના સુધી પહોંચવું અશક્ય નહોતું અને તેમની સલુકાઇના કિસ્સાઓ સદીઓ સુધી લોકોની વાતચીતનો હિસ્સો બની રહેશે.

આ એ જ રતન ટાટા હતા જે 2021માં પોતાની કંપનીના કર્મચારીની બે વર્ષથી બિમાર હોવાની જાણ થતાં તે પોતે ખબર-અંતર કાઢવા પૂના પહોંચ્યા હતા. રતન ટાટાની વિદાયનો એક ઘેરો શોક છવાયો છે અને લોકો એક કિંવદંતીની માફક તેમને હંમેશાં વાગોળશે, યાદ કરશે અને તેમનાં મૂલ્યોમાંથી શીખવાનો પ્રયાસ કરશે. રતન ટાટાની આભાએ બહુ લોકો પર પ્રભાવ પાડ્યો અને તે એક એવી મશાલ સાબિત થયા જે અંતે સૂર્ય બનીને લાખો લોકોની જિંદગીને ઉજાળતા રહ્યા. રતન ટાટાએ પોતાની પદવી અને પ્રતિભાનો બોજ ન તો પોતાના પર આવવા દીધો ન અન્યો પર. તેમના વિશે કહેવા માટે ઘણું બધું છે પણ તેમને વિશે કહેવા કરતાં તેમની રીતે જીવી શકવાનો વિચાર કરવો, તેમના જીવન પરથી કંઇક શીખવાનો પ્રયાસ કરવો વધારે યોગ્ય શ્રધ્ધાંજલિ બની રહે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

ટાટા સન્સના ગ્લોબલ હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં આરામ કરતા શેરીનાં કૂતરાંઓ સચવાશે કારણ કે રતન ટાટાએ એક એવો વારસો છોડ્યો છે જેમાં કાળજી સૌથી ટોચ પર આવે છે. તેમની સાથે જોડાયેલાઓમાં શિસ્ત અને મૃદુતા આપ મેળે આવી જ જતી હોય છે એવું સતત સાંભળવા મળે છે. એક એવું રતન જેનો ઉજાસ આવનારાં વર્ષોમાં પણ લોકોને માટે માર્ગદર્શક બની જશે. રતન ટાટાને વારસામાં જે મળ્યું તે તેમણે વિસ્તાર્યું, તેમનાં મૂલ્યો અલગ હતાં અને તેને તે વળગી રહ્યાં પણ તે એક પાક્કા બિઝનેસમેન હતા, ભલમનસાઇમાં ભૂલો કરીને હાથમાંથી વસ્તુઓ જવા દેવાની ભૂલ તેમણે નહોતી કરી. હા ખોટાં બિઝનેસ ડિસીઝન ક્યારેક લેવાઇ શકે પણ તેનો અર્થ એમ નથી એ મૃદુ વ્યક્તિત્વમાં લોખંડી તત્ત્વ નહોતું, માત્ર તેનો ઉપયોગ અને પ્રદર્શન કરવાની પદ્ધતિ અલગ હતી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2024

Loading

...102030...579580581582...590600610...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved