
રમેશ ઓઝા
કાશ્મીર ભારતનો મુગટ છે, ધરતી પરનું સ્વર્ગ છે, પણ આ ધરતી પરનાં સૌથી કમનસીબ પ્રદેશમાંનો એક છે. આમ જુઓ તો આજના સીમાબદ્ધ રાષ્ટ્રવાદના યુગમાં સીમાએ આવેલા પ્રદેશો સર્વત્ર દુઃખી છે. માત્ર ભારત નહીં, સર્વત્ર. આનું કારણ એ છે કે સીમાડાની પ્રજાનો સાંસ્કૃતિક અનુબંધ સીમાની સામે પાર આવેલા પ્રદેશ અને પ્રજા સાથે વધુ હોય છે અને રાષ્ટ્રની મધ્યે આવેલા પ્રજા અને પ્રદેશ સાથે ઓછો હોય છે. આને કારણે તેમનાં વજૂદને ઓછું આંકવામાં આવે છે અને તેમની રાષ્ટ્ર માટેની વફાદારીને શંકાથી જોવામાં આવે છે. મોટાભાગે શાસકો માટે સીમાડાનો પ્રદેશ જમીન(એસ્ટેટ)થી વધુ મહત્ત્વ નથી ધરાવતો. એ જમીન છે અને રાજ્ય એ જમીનનું માલિક છે. ત્યાં વસતા લોકોની ઇચ્છા અને એષણાની કોઈ કિંમત નથી હોતી. પણ કાશ્મીર આ બધામાં વધારે કમનસીબ છે.
જ્યારે દેશ આઝાદ થયો અને જમ્મુ અને કાશ્મીરના મહારાજાએ તેમનાં રાજ્યને ભારતમાં વિલીન કરવાનો નિર્ણય લીધો ત્યારે કાશ્મીરના લોકોને ત્રણ ચીજ કહેવામાં આવી હતી : ઈન્સાનિયત, જંબુરિયત (લોકતંત્ર) અને કાશ્મીરિયત. આમાંથી ઈન્સાનિયત અને જંબુરિયત તો સાર્વત્રિક છે, એટ લીસ્ટ કહેવા માટે દરેક સ્વીકારે છે, પણ કમનસીબે કશ્મીરિયત જમ્મુ અને કાશ્મીરમાં પણ સાર્વત્રિક રીતે સ્વીકાર્ય નથી અને કાશ્મીરિયત જેવી કોઈ ચીજ સાર્વત્રિક નથી એટલે નવી દિલ્હીના શાસકો ઈન્સાનિયત અને જંબુરિયત એમ બન્ને સાથે ચેડાં કરે છે. કાશ્મીર વધારે કમનસીબ છે એનું કારણ આ છે.
જમ્મુ અને કાશ્મીર કેવી રીતે બન્યું તેના ઇતિહાસમાં જવાની જરૂર નથી. એટલું કહેવું બસ છે કે એ જમ્મુ અને કાશ્મીરના મહારાજા ગુલાબ સિંહ અને અંગ્રેજો વચ્ચે ખરીદફરોખનું એ સર્જન છે. જી હા, અંગ્રેજોએ એ પ્રદેશો કાશ્મીરના મહારાજને વેચ્યા હતા અને તેને એકત્ર કરીને જમ્મુ અને કાશ્મીરની રિયાસત અસ્તિત્વમાં આવી હતી. એમાં હિંદુ છે, શીખો છે, કાશ્મીરની ખીણમાં મુસલમાનો છે, કારગીલ અને લડાખમાં બૌદ્ધો અને શિયા મુસલમાનો છે, ઉપર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કબિલાઈ શિયા મુસલમાનો છે અને એ બધાને કાશ્મીરની ભૌગોલિક રચનાને કારણે એકબીજા સાથે ખાસ સંબંધ નથી. સૌથી વધુ સંબંધ ખીણમાં પંડિતો અને પંડિતોમાંથી વટલાયેલા મુસલમાનો વચ્ચે છે, પરંતુ તેમનો ધર્મ અલગ છે અને એટલે જંબુરિયતના રાજકારણમાં તેમનો પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કાશ્મીરિયત જેવી કોઈ ચીજ હોય તો એ ફક્ત ખીણમાં પંડિતો અને મુસલમાનો માટે છે, તેમને તે વ્હાલી છે, પણ બન્ને સામસામે છે.
ભારતીય જનતા પક્ષના શાસકોએ હવે તેમને સાવ એકબીજાની સામે ઊભા કરી દીધા છે. લડાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરવામાં આવ્યો છે. કાશ્મીરની ખીણ અને જમ્મુનો રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. તે અત્યારે દિલ્હી જેવું કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રકારનું રાજ્ય છે. જમ્મુની છાવણીઓમાં રહેતા પંડિતોને કાશ્મીર વિરોધી હિન્દુમાં ફેરવી દેવામાં આવ્યા છે. કશ્મીરિયત છોડો હિંદુ બનો. દસ વરસથી દેશમાં હિન્દુત્વવાદીઓનું શાસન છે, પણ એક પણ પંડિત પાછો ખીણમાં પોતાને ગામ ગયો નથી. એ શક્ય નથી જ્યાં સુધી તંગદિલી છે. તમારી વેરની ભાવના પોષવામાં અમે સહાય કરીશું, ન્યાય મેળવવાની અને ખીણમાં પાછા જઇને વસવાના સપનાં જોવાનું છોડી દો. ઘણા લોકોને વેર વાળવામાં વિજયનો સંતોષ મળે છે.
જમ્મુ અને કાશ્મીરની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની આ પૃષ્ઠભૂમિ છે. જમ્મુના હિંદુઓને કાશ્મીરના મુસલમાનો સામે ઊભા કરી દેવામાં આવ્યા છે અને પંડીતોને પીર પંજાલની આ બાજુએ ઊભા કરી દઈને કશ્મીરિયત ખંડિત કરી દેવામાં આવી છે. જેટલી પ્રાદેશિક અસ્મિતા આધારિત એકત્વની ભાવના ઓછી એટલી ઈન્સાનિયત ઓછી અને જ્યાં ઈન્સાનિયત ન હોય ત્યાં જંબુરિયત ક્યાંથી હોય! મણિપુરમાં પણ આ જ જોવા મળી રહ્યું છે. ત્યાં મૈતી અને કુકીઓ સામસામે છે. કેન્દ્ર સરકાર તો ચૂંટણી જ યોજવા નહોતી ઈચ્છતી. એ તો સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચને આદેશ આપ્યો એટલે યોજવી પડી. સર્વોચ્ચ અદાલતે તો કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. અત્યારે જે ચૂંટણી પરિણામ આવ્યાં છે એ જોતાં મને નથી લાગતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપે, સિવાય કે સર્વોચ્ચ અદાલત કઠોર ભૂમિકા લે.
ઊલટું વિભાજન સંપૂર્ણ છે. મતદારક્ષેત્રોની પુન: રચના કરીને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં જમ્મુની બેઠકો વધારી આપવામાં આવી છે. વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનોની બહુમતી હોવા છતાં જમ્મુ અને કાશ્મીર પર કોઈ હિંદુ મુખ્ય પ્રધાન રાજ કરે. ખીણમાં થોડા બીકાઉ વોટ કટવા પેદા કરવાના જે મુસલમાન હોય. જો કોઈ વોટ કટવો ખીણમાં દસ બેઠકો તોડી આપે તો ખેલ ખલાસ. આ વખતે રશીદ એન્જિનિયરને ખાસ જેલમાંથી જામીન પર છોડાવીને કાશ્મીરની ખીણમાં મોકલવામાં આવ્યો હતો. આ ખૂંખાર ત્રાસવાદી છે અને દેશદ્રોહી છે એમ કહેવામાં આવતું હતું. હા, એ જ રશીદ એન્જિનિયર જેનાં ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મમાં કાળાં કૃત્યો જોઇને ભક્તો રડ્યા હતા.
આ વખતે યોજના સફળ ન નીવડી, પણ ભવિષ્યમાં નહીં નીવડે એની ખાતરી નથી. પણ પ્રશ્ન એ છે કે ધારી લો કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈ હિંદુ મુખ્ય પ્રધાન રાજ કરે તો બતાવી દેવાનાં ખોખલા સંતોષ સિવાય ફરક શું પડવાનો? કાશ્મીરની ખીણ હોય કે મણિપુર, ત્યાં જઇને વસવા તો ત્યારે જ મળવાનું છે જ્યારે ત્યાં શાંતિ હોય. અને જો અંતિમ લક્ષ સંઘની ભાષામાં કાશ્મીરની ભારતમાં ‘સમરસતા’ હોય તો તેનો માર્ગ અલગ છે. બંદૂકથી સમરસતા સ્થપાતી નથી, પછી ભલે બંદૂકમાં ગમે એટલી ગોળીઓ હોય.
અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં ઉત્તમ માર્ગ એ જ છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપે અને રાજ્યમાં રચાનારી નેશનલ કોન્ફરન્સ અને કોાંગ્રેસની સરકારને સહકાર આપે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 13 ઑક્ટોબર 2024