આ લેખશ્રેણીમાં હું માણસની વાત કરી રહ્યો છું.
આ સમયમાં, માણસ પોતાની ઓળખ શી આપી શકે? હું કહું કે હું સુમન શાહ છું, તો ચાલે, પૂરતું ગણાય, કદાચ કશું ન થાય. જો કે, અનાજ-કરિયાણાના મારા વેપારી પડોશીને હું કશુંક વિચિત્ર પ્રાણી લાગું. પણ હું જો એમ કહું કે હું તો હિન્દુ છું, તો કલ્પનામાં તરત એક મુસ્લિમ કે ખ્રિસ્તી કે અન્ય વર્ગ ઊપસી આવવાનો. એવું જ બનવાનું જ્યારે એક મુસ્લિમ કે એક ખ્રિસ્તી કે એક અન્ય જન પોતાની એવી ઓળખ આપશે. મારી ‘શાહ’ અટક સામે પણ ‘પટેલ’ કે ‘ત્રિવેદી’ અટકોવાળાં વ્યક્તિજૂથો મને અને એમને તરત દેખાવા માંડે છે. આપણા સમાજમાં હજી પણ દલિત વ્યક્તિને અસ્પૃશ્ય ગણનારા કોઈ કોઈ દોષી મળી આવે છે. હજી પણ સ્ત્રીને ‘ઇન્ફીરિયર સૅક્સ’ ગણનારા ‘શિક્ષિતો’ આપણી વચ્ચે છે.
પ્લેનમાં મારી બાજુમાં બેઠેલો જન દેખાવે અશ્વેત છે એટલી જ માહિતી મને એનાથી છેટો રાખે છે. ભારતમાં હજી પણ વ્યંઢળોને સૂગથી જોનારો વર્ગ મોટો છે. કોઈ આધુનિક મિજાજની સ્ત્રી જો લૅસ્બીયન હોય અને જણાવે તો એની એ ઓળખથી અન્યોથી એ તરત કપાઇ જશે. એવો કોઇ પુરુષ જણાવે કે પોતે ગે છે, બધા એને અમુક નજરે જોશે. એ અમુક નજરને એટલે જ સાર્ત્ર gaze કહે છે, જેને કારણે એ other, hell લાગે છે.
આ બધા દાખલામાં દરેક જણું એક મનુષ્ય છે એ હકીકત જ આજે ભુલાઈ ગઈ છે.
એટલે, કિશોરલાલ મશરૂવાળાએ વિચારેલી સમૂળી ક્રાન્તિની ભાવના મને આ સમયમાં ઘણી જ પ્રસ્તુત અને આવકાર્ય લાગે છે.
+ +
માણસની વાતને હું મારી રીતે આગળ ચલાવું :
સુવિદિત છે કે માણસની આસપાસ ધર્મ અને રાજ્ય સદીઓથી ગોઠવાયેલાં છે; ધર્મ અને રાજ્યથી સંસ્કૃતિ અને સમાજ સંભવ્યાં છે. ધર્મ, રાજ્ય, સંસ્કૃતિ અને સમાજ એવાં વ્યવસ્થાતન્ત્રો છે, જે માણસ માટે કંઇ ને કંઇ પેદા કરે છે, પ્રોડ્યુસ કરે છે. એ પેદાશો, પ્રોડક્ટ્સ, બે પ્રકારની છે :
પહેલી એવી કે જે માણસને એ તન્ત્રો સાથે જોડી રાખે છે, એટલું જ નહીં, એ તન્ત્રોની નિયત વ્યવસ્થાઓ, એનાં કર્મકાણ્ડ, એણે ઘડેલા કાયદા કે નીતિનિયમો, વગેરે સાથે માણસને બાંધે પણ છે.
બીજી પ્રોડક્ટ્સ એવી કે જે માણસને એ તન્ત્રોથી મુક્ત રાખે છે. એ પ્રોડક્ટ્સ તે મારી દૃષ્ટિએ ફિલસૂફી અને કલાઓ. અને, કલાઓમાં ય જેની સાથે મારા લેખનને અને મારા વાચકોને સીધો સમ્બન્ધ છે, તે સાહિત્યકલા.
+ +
તાત્ત્વિક રીતે એમ કહેવાય કે પહેલા પ્રકારની પેદાશો માણસના અસ્તિત્વને અનેક બાબતે અનેક રીતે દોરવે છે, જાત જાતની દોરવણીઓ આપે છે. એ કામ એ શાસનની રીતે કરે છે. બીજા પ્રકારની પેદાશો માણસના સત્ત્વને ઓળખવાનો પૂરો પણ નમ્ર પ્રયાસ કરે છે; પરિણામે, માણસના સત્ત્વને પોષણ મળે છે. અલબત્ત, એ કામ ફિલસૂફી પોતાની રીતે અને કલા પણ પોતાની રીતે કરે છે.
+ +
પરન્તુ નૉંધપાત્ર વાત એ છે કે એ પેદાશો તન્ત્રો વડે પેદા થઈ હોવાથી આપણને માનવજીવનના હિતાર્થે જે કંઈ માહિતી પૂરી પાડે છે, એ માહિતી વસ્તુલક્ષી પ્રક્રિયાથી મળે એવી શુદ્ધ નથી હોતી, કેમ કે એ નાના-મોટા અનેક માણસોએ કરેલા કારોબાર કે કારભારથી ખરડાયેલી હોય છે. તેથી ક્યારેક એમાં તન્ત્રનું હિત અને મનુષ્યનું હિત સામસામે આવી જાય છે. એટલે એને માહિતીના મિશ્ર કે સારા-નરસા તાણાવાણાથી તૈયાર થયેલી જાળગૂંથણી કહેવી જોઈશે. હકીકતે એને જ કહીએ છીએ, માહિતી-જાળ અથવા ઇન્ફર્મેશન નેટવર્ક.
એ જાળને મારે ઉકેલવી અથવા એનું વિશ્લેષણ કરવું જરૂરી હોય છે, કેમ કે એવા વિશ્લેષણથી જ સમજાય કે એણે આપેલી માહિતી મારા માટે કે માનવજીવન માટે કેટલી ઉપકારક છે. જેમ કે, રાજ્યતન્ત્ર મને રાજ્યના નિયમો સાથે જોડે અને બાંધે, તો એ માહિતી-જાળને મારે સમજવી જોઈશે. એ જ રીતે મારે ધર્મ, સમાજ, સંસ્કૃતિ, કે અરે, ફિલસૂફી અને કલાઓ દ્વારા રચાયેલી માહિતી-જાળને પણ સમજવી જોઈશે.
અને, મારા એ વિશ્લેષણ-પુરુષાર્થને પરિણામે જો એમાં મને માનવજીવન માટે અનુપકારક તત્ત્વો – જૂઠાણાં, બણગાં કે છેતરપિંડી – જોવા મળે, અન્યાય અને શોષણનાં તત્ત્વો જોવા મળે, તો મારે ઊહાપોહ કરવો જોઈશે, અસમ્મતિ દર્શાવવી જોઈશે, સાત્ત્વિક વિદ્રોહ કરવો જોઈશે. કેમ કે, તન્ત્રો મનુષ્ય માટે છે, નહીં કે મનુષ્યો તન્ત્ર માટે. એ અસલ ક્રમનો વ્યુત્ક્રમ થઈ જાય, તે હિતકર નથી, બલકે, સંભવ છે કે તેથી અનેક ઉધમાતો કે ઉત્પાતો મચે …
+ +
ભૂતકાળમાં બન્યું છે અને વર્તમાનમાં પણ બને છે, એવું કે આ તન્ત્રોને જ્યારે પોતાનું જ અસ્તિત્વ ભયમાં લાગે અથવા પોતાનું સામર્થ્ય ઘટતું લાગે, ત્યારે એ પોતે રચેલી વિવિધ માહિતી-જાળને અતિશયિત વિકસાવે છે, એટલે કે, પોતાનો પ્રસાર અને પ્રચાર થાય એ માટેની માહિતી ચોપાસ ફેલાવે છે, અને હેતુ સિદ્ધ ન થાય ત્યાંલગી ચાલુ રાખે છે.
પ્રસાર અને પ્રચારનાં એ સાધનોનું હલકી કોટિનું દૃષ્ટાન્ત છે, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનો, હિટલરના સમયનો ‘ગોબેલ્સ પ્રૉપેગેન્ડા’. રાજકારણી જોસેફ ગોબેલ્સે નાઝી વિચારસરણીના બચાવ અને બઢાવ માટે પ્રજામત ઘડવા ભારે શ્રમ ઉઠાવેલો; પ્રેસ, રેડિયો અને ફિલ્મ પર એણે અંકુશ મેળવી લીધેલો. છાપાં નાઝી-સમ્મત માહિતી જ પ્રકાશિત કરી શકતાં. રેડિયોને નાઝીનો જ શુકપાઠ કરવાની છૂટ હતી. ફિલ્મો નાઝી આદર્શોને આગળ કરતી, એમાં શાસનને હાનિકારક જે કંઇ હોય એને તરત જ બૅન્ન કરી દેવાતું.
બીજું દૃષ્ટાન્ત છે, સ્તાલિનના એકહથ્થુસત્તાવાદી શાસનકાળનું. કહેવાય છે કે ત્યારે તો, બે પ્રેમીઓને ગોષ્ઠિની તક પણ કારખાનામાં મળતી હતી. કેમ કે શાસને નાગરિકોને રાષ્ટ્રની સેવામાં શ્રમજીવન વિકસાવવા કહેલું.
જુઓ, પ્રૉપેગેન્ડાની સાથે કે લગીર જ દૂર સૅન્સરશિપ હોય છે.
ત્યારે પુસ્તકો સૅન્સરના સિક્કા વિના પ્રકાશિત ન્હૉતાં થઈ શકતાં, કેમ કે અનિવાર્ય એ હતું કે એથી સરકારે ઘડેલી યોજનાઓની પુષ્ટિ થવી જોઈએ. જે લેખકો રાષ્ટ્રની એવી ‘સેવા’ કરવાનું ન્હૉતા ઇચ્છતા, એમણે પોતાની હસ્તપ્રતો ટેબલનાં ડ્રૉઅર્સમાં છુપાવી રાખેલી. સ્તાલિનના અસ્ત પછી એ લેખકો ‘ડ્રોઅર રાઇટર્સ’ રૂપે પ્રકાશિત થયેલા.
જુઓ, પ્રૉપેગેન્ડા અને સૅન્સરશિપ પછી આવે છે, પનિશમૅન્ટ, સજા.
સોલ્ઝેનિત્સિન —
સ્તાલિનના સમયે શ્રમછાવણીની એક અનોખી સજા વિકસાવાયેલી, જેનો હૃદયદ્રાવક દાખલો છે, જગવિખ્યાત સાહિત્યકાર અલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનનો (1918-2008). આત્મકથા અને કથાના સંમિશ્ર રૂપમાં લખાયેલી “વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન ડેનિસોવિચ” અને “ધ ગુલાગ આર્કિપેલગો” એમની જાણીતી કૃતિઓ છે.
તેઓને સ્તાલિન-શાસન દમનકારી લાગેલું. રાજ્યતન્ત્ર વિશે અસમ્મતિને વરેલા તેઓ એક ‘ડિસિડન્ટ’ લેખક હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, સ્તાલિન વિરુદ્ધ ટીકાટપ્પણી કરવા બદલ એમની ધરપકડ થયેલી અને એમને ‘ગુલાગ’ શ્રમછાવણીમાં ધકેલવામાં આવેલા. ત્યારબાદ એમણે જેલવાસ પણ ભોગવેલો, અને છેલ્લે, ૧૯૭૪-માં એમને દેશનિકાલ કરાયેલા. તેઓ અમેરિકા પ્હૉંચ્યા હતા, અને ઘણાં વરસો લગી વર્મોન્તમાં વસ્યા હતા. એ વરસો દરમ્યાન, એમણે માનવજાતના હિતમાં સોવિયેત રાજશાસન અને એકહથ્થુસત્તાવાદ વિરુદ્ધ ઘણું લખ્યું. એમને આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મળી. સદીના છેલ્લા દાયકામાં, તેઓ સ્વિત્ઝર્લૅન્ડ જઇ વસ્યા.
રાજશાસનનાં એકહથ્થુવાદી સત્તાતન્ત્રો અને સામ્રાજ્યવાદી સત્તાતન્ત્રો વચ્ચે ઘણી બધી સરખાઈ હોય છે, એનું દૃષ્ટાન્ત છે, બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા.
‘સિપાઇઓનો બળવો’ કહેવાય છે એ ૧૮૫૭-થી શરૂ થયેલા સ્વતન્ત્રતા માટેના સંગ્રામનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ત્યારથી માંડીને ૧૯૧૯-નો જલિયાનવાલા હિંસાચાર અને તે પછીનાં બધાં જ વરસોમાં અંગ્રેજ પોલીસે સામાન્ય જનો પર કરેલા લાઠીચાર્જ વગેરે, એ અનેક ઘટનાઓ, સિતમ સિવાય બીજું કંઈ જ ન્હૉતી, એમ કહીએ તો અતિશયોક્તિ ન લાગવી જોઈએ.
૧૮૫૭-ની એ જ સાલમાં કલકત્તા, મદ્રાસ અને મુમ્બઇમાં યુનિવર્સિટીઓ સ્થપાઇ અને તે પહેલાં ૧૮૩૫-માં મૅકોલે સિસ્ટમ અનુસારની શાળાઓ શરૂ થઈ, એ ઘટનાઓ પોતે જ રાજ્યતન્ત્રે અને તેની પાછળ વિરાજેલા સામ્રાજ્યવાદી તન્ત્રે ફેલાવેલી મહા મોટી માહિતી-જાળ ન્હૉતી તો શું હતી?
જો કે સ્વાતન્ત્ર્ય-સંગ્રામને પણ એવાં સંગઠનોની જરૂર પડેલી, જેને માહિતી-જાળ કહી શકાય. એકથી ગુલામી અને બન્ધન સુદૃઢ થાય, અને બીજીથી સ્વતન્ત્રતા અને મુક્તિ સિદ્ધ થાય, પરન્તુ એ બે વડે આત્મસાત્ થતું જ્ઞાન કરુણ હોય છે, એમ કહેવાની જરૂર નથી રહેતી.
એકહથ્થુસત્તાવાદ અને સામ્રાજ્યવાદથી છૂટીને લોકશાહીવાદે માણસને હાશકારો કરાવેલો, પણ એ જ લોકશાહીમાં બાદશાહો અને સરમુખત્યારો પ્રગટવા લાગ્યા છે, એટલે માણસને અગતિકતાનો અનુભવ થાય છે. એની દશા કાફ્કાના પેલા ઉંદર જેવી થાય છે. કેવી? આ પછીના લેખમાં.
= = =
(13Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર