
હેમંતકુમાર શાહ
પાંચમી ફેબ્રુઆરીએ અમૃતસર ખાતે અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસેલા ૧૦૪ ભારતીયોને લઈને આવ્યું હતું. એમાં ઘણા ગુજરાતીઓ પણ હતા.
આ બધા ગુજરાતીઓ ક્યાં ગયા એ સમજાતું નથી. શું તેઓ ગુજરાતમાં તેમના વતન પાછા આવ્યા કે પછી તેઓ ગુજરાતી હતા, પણ ગુજરાતમાં રહેતા નહોતા એટલે જ્યાંના હતા ત્યાં ગયા?
આજે દસ દિવસ થયા પણ તેઓ ગુજરાત પરત આવ્યા હોય, ટ્રેનમાં કે બસમાં કે કારમાં; પણ તેમના આગમનના કોઈ ફોટા અખબારોમાં પ્રસિદ્ધ થયાનું જાણમાં નથી આવ્યું! ટી.વી. ચેનલો ઉપર પણ તેમના આગમનના વીડિયો જોવા મળ્યા નથી.
આવું કેમ? શું નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ઇચ્છતી નથી કે તેમની અખબારો અને ટી.વી. ચેનલોમાં મુલાકાતો લેવાય? શું તેમને ગુપચૂપ પોતાના ઘેર પહોંચી જવાનો અને કોઈને પણ કશું નહીં કહેવાનો આદેશ આપવામાં આવ્યો છે? જો તેઓ કશું કહે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી કોઈ ધમકી સરકારી સૂત્રોએ તેમને આપી છે? સરકારે જ એમને ગૂમ કરી દીધા છે કે શું?
બંને સરકારો હકીકતો પ્રસિદ્ધ થાય તેનાથી કેમ ગભરાય છે? લોકોને હકીકતો જાણવાનો અધિકાર ખરો કે નહિ? અમેરિકન સરકારે તેમની સાથે હથકડી પહેરાવવા ઉપરાંત જે વ્યવહાર કર્યો હોય તેની જાણકારી ભારતના ગુજરાતી નાગરિકોને મેળવવાનો અધિકાર ખરો કે નહીં?
એક સવાલ એ પણ છે કે અમેરિકાનું લશ્કરી વિમાન ભારતના સરહદી શહેર અમૃતસરમાં કેમ આવ્યું? દેશની રાજધાની તો દિલ્હી છે, અમૃતસર નહિ. સરકારે અમૃતસરમાં વિમાનને ઊતરવાની મંજૂરી કેમ આપી? એને દિલ્હી આવવાનું કેમ કહેવાયું નહીં?
બધી ટી.વી. ચેનલો અને અખબારો આ બાબતે ચૂપ કેમ છે?
તા. ૧૫-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર