
રમેશ ઓઝા
‘દિવ્ય ભાસ્કર’ની મુંબઈ આવૃત્તિના પ્રકાશન સમારંભમાં, ભારતીય જનતા પક્ષના નેતા પ્રમોદ મહાજને કંઇક આત્મનિરીક્ષણ કરતાં કહ્યું હતું કે “હમ કહાં જાને નીકલે થે ઔર કહાં પહૂંચ ગએ” તેમણે કહ્યું હતું કે મીડિયાની ભૂમિકા રાજકીય પ્રવાસીની રાજકીય યાત્રા પર નજર રાખવાની છે અને યાદ અપાવવાની છે કે તમે તમારા ઉદ્દેશથી ભટકી રહ્યા છો.
ભારતમાં આઝાદી પહેલાં અને પછી જેટલા પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે, એ કોઈને કોઈ ધ્યેય અને વિચારધારાથી પ્રેરાઈને સ્થપાયા છે. કાઁગ્રેસ મુખ્ય પક્ષ હતો અને તેની વિચારધારા જે લોકોને સ્વીકાર્ય નહોતી એ લોકોએ પોતાનો નોખો પક્ષ સ્થાપ્યો હતો અને આઝાદી પછી કાઁગ્રેસની પ્રાથમિકતા જે લોકોને સ્વીકાર્ય નહોતી એ લોકોએ કાઁગ્રેસમાંથી બહાર નીકળીને નોખો પક્ષ સ્થાપ્યો હતો. મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, દ્રવિડ મુનેત્ર કળગમ, ભારતીય જનસંઘ વગેરે કાઁગ્રેસની વિચારધારાને નકારનારા પક્ષો હતા અને સમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ વગેરે કાઁગ્રેસની પ્રાથમિકતાને નકારનારા પક્ષો હતા.
પણ પછી આ બધા પક્ષો સંસદીય લોકશાહીમાં ચૂંટણીકીય અખાડામાં ઉતર્યા અને ચૂંટણી જીતવા એટલા બધા સમાધાનો કરવા માંડ્યા કે ધ્યેય અને વિચારથી ક્યાં ય દૂર નીકળી ગયા. એટલી હદે ખરડાઈ ગયા કે મૂળ ચહેરો જ ગુમાવી દીધો. વિચારનિષ્ઠ રહીને, સમાધાનો કર્યા વિના શીલ જાળવીને મંજીલ સુધી પહોંચવું એ કપરું કામ છે અને ચૂંટણીના મેદાનમાં પરાજય પછી પરાજય પચાવવો અઘરો હોય છે. હતાશા વ્યાપી વળી, ધીરજ ગુમાવી દીધી, પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષાંતર કરવા માંડ્યા ત્યારે ટકી રહેવા માટે સમાધાનો કરવા પડ્યા અને વિચારનિષ્ઠ તેમ જ ધ્યેયનિષ્ઠ નેતાઓ સમાધાનો કરવા માંડ્યા. પ્રમોદ મહાજને એના તરફ ઈશારો કર્યો હતો. મીડિયા પાસેથી તેમણે વ્હીસલની અપેક્ષા રાખી હતી. જો આજે તેઓ હયાત હોત તો એવી અપેક્ષા ન રાખી હોત. જે લોકોએ વ્યવસ્થામાં પરિવર્તન કરવાની વાતો કરી હતી અને આશા જગાડી હતી એ લોકો પણ વ્યવસ્થાનો શિકાર બની ગયા. ૧૯૭૭માં જનતા પાર્ટી, ૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપસિંહ, ૧૯૮૪માં એન.ટી. રામારાવ આવાં ઉદાહરણ છે. ટૂંકમાં રાજકારણને બદલવા નીકળેલા લોકોને રાજકારણે બદલી નાખ્યા. આ લખનાર જેવા અનેક લોકોએ તેમના દાવા પર ભરોસો રાખીને તેમની પાલખી ઉઠાવી હતી અને છેતરાયા હતા.
પણ એ છેતરપિંડી નહોતી, તેમની ઉપર કહી એવી મજબૂરી હતી. ટકી રહેવા માટે તેઓ સમાધાનો કરવા માંડ્યા અને એ રીતે પ્રજાની અપેક્ષાનો ભંગ કર્યો હતો. ઈરાદો તેવો નહોતો, મજબૂરી હતી. ટકી રહેવાની મજબૂરી.

અરવિંદ કેજરીવાલ
ભારતના સંસદીય રાજકારણના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલો એવો માણસ છે જે શુદ્ધ છેતરપીંડીના ઈરાદાથી રાજકારણમાં પ્રવેશ્યો હતો, અને આ હું ૨૦૧૧થી કહેતો આવ્યો છું. એ પહેલો એવો રાજકીય નેતા છે જેની કોઈ વિચારધારા જ નથી અથવા છે તો એ હિન્દુત્વવાદી વિચારધારા છે જેને તે છૂપાવે છે. અરવિંદ કેજરીવાલ પહેલો એવો રાજકારણી છે જે સાધનશુદ્ધિમાં માનતો નથી. લોકોનો ઉપયોગ કરીને ફગાવી દેવાની નિર્દયતા રાજકારણમાં સર્વત્ર જોવા મળે છે, પણ અરવિંદ કેજરીવાલ જેટલો નિર્દયી માણસ બીજો કોઈ જોયો નથી. અને સરળીકરણ? જટિલ પ્રશ્નનું સરળીકરણ કરીને ચપટી વગાડતા ઈલાજ કરી આપીશ એવું જૂઠશાસ્ત્ર વિકસાવવામાં અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદીના ગુરુ છે. લોકપાલ આવવા દો બધા દુઃખદર્દ મટી જશે એ રાહે મને વડા પ્રધાન બનાવો ચપટી વગાડતા બધાં દુઃખદર્દ મટી જશે. અનુક્રમે ૨૦૧૧-૨૦૧૨માં અને ૨૦૧૪માં તમે આ સાંભળ્યું હશે.
વાત એમ છે કે ૨૦૦૯ પછી દેશમાં નિરાશાજનક સ્થિતિ પેદા થવા લાગી હતી. આર્થિક વિકાસ અટકી ગયો હતો, ક્રુડના ભાવ વધવા માંડ્યા હતા, મોંઘવારી વધવા માંડી, રૂપિયો ડોલર સામે સોંઘો થતો ગયો, આર્થિક સાથે વહીવટી તેમ જ ન્યાયતંત્રમાં થવા જોઈતા સુધારાઓના અભાવમાં ક્રોની કેપિટલિસ્ટોએ સરકારનો ભરડો લીધો હતો, ભ્રષ્ટાચાર વધવા માંડ્યો, ત્રાસવાદી ઘટનાઓ અવારનવાર ઘટતી હતી, મિશ્ર સરકાર હતી અને તેમાં વડા પ્રધાન ડૉ મનમોહન સિંહ નખશીખ સજ્જન હતા. ખોટું બોલવાનું તો બાજુએ રહ્યું, ખોટું વિચારતા પણ તેમને નહોતું આવડતું. એ સમયની વ્યાપક નિરાશાને કાઁગ્રેસ વિરોધી હવામાં ફેરવી શકાય એમ હતું અને એ કામ કરવા માટે અરવિંદ કેજરીવાલને પસંદ કરવામાં આવ્યા હતા.
કોઈ પ્રકારનો અંગત રાજકીય એજન્ડા નહીં ધરાવતા અને સ્વચ્છ શાસન તેમ જ લોકકલ્યાણ ઇચ્છનારા નાગરિક સમાજને સાથે લેવાનો હતો. આ સમાજ પરિવર્તનનો કારક નીવડે છે. પણ સમસ્યા એ હતી કે આ નાગરિક સમાજ એકંદરે સેક્યુલર અને ઉદારમતવાદી છે એટલે એવા માણસની જરૂર હતી જે એની વચ્ચે વિચારતો તો હોય, પણ તેમના જેવું વ્યાપક વૈચારિક દર્શન પ્રગટ ન કરતો હોય. વિચારધારાની જગ્યાએ સુધારા(એક્શન)ની વધારે વકીલાત કરતો હોય અને નિરાશ સમાજને ક્વિક એક્શનની જરૂર હતી. બસ, ભ્રષ્ટાચારમુક્ત ભારત. એક જ લક્ષ્ય અને એક જ સંકલ્પ. છે કોઈ શિવધનુષ ઉઠાવનાર? છોકરાઓને સાથે લઈને હું એ કરવા તૈયાર છું. કૃષ્ણએ ગોવાળિયાઓની સાથે મળીને ગેડીદડો યમુનામાંથી બહાર કાઢવાનો સંકલ્પ કર્યો હતો એમ. લોકોને કૃતિ કરનારા સંકલ્પબદ્ધ માણસ જોઈતો હતો અને કેજરીવાલ આવો એક માણસ હતો.
એ પછી એવા કોઈ માણસની જરૂર હતી જે સાદગીપૂર્વકનું જીવન જીવતો હોય, શુદ્ધ ચારિત્ર્યવાન હોય અને લોકકલ્યાણ માટે ઘસાતો હોય. અને અરવિંદ કેજરીવાલ પહેલાં અમદાવાદ ગાંધીવાદી નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા અને તેમને કહ્યું કે તમારા નેતૃત્વમાં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી (કાઁગ્રેસ વિરોધી વાંચો) આંદોલન કરવું છે અને તમારે અમારું નેતૃત્વ કરવું જોઈએ. ચુનીભાઈ વૈદ્યે સંપૂર્ણક્રાંતિ આંદોલન જોયું હતું એટલે તેમણે સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તનના આયામો વિષે સવાલ કર્યા જેમાં આ ભાઈને જવામાં જરા ય રસ નહોતો. તેમને તો લોકપાલના સરળીકરણમાં રસ હતો. જો સમગ્ર વ્યવસ્થાની વાત આવે તો એમાં વિચારધારા(અને એ પણ પ્રગતિશીલ)ના વિવિધ દૃષ્ટિકોણ આવે અને એમાં તેમને રસ નહોતો. અરવિંદ કેજરીવાલને બ્રીફ આપવામાં આવી હતી કે નાગરિક સમાજને સાથે લઈને હતાશ અને અધીરી થયેલી પ્રજાને કાર્યસંકલ્પનું વચન આપીને બાથમાં લેવાની છે, ન્યાય અને સમાનતા આધારિત વિચારધારાના પ્રદેશમાં પ્રવેશવાનું નથી. ટૂંકમાં વિચારનારા નાગરિક સમાજને સાથે રાખીને દૂર રાખવાનો છે. મુંબઈના મયંક ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં એક ભાઈ છે જે દરેક રીતે ચુનીભાઈ વૈદ્ય જેવા છે, ખાદી પણ પહેરે છે, પરંતુ તેમને રાજ્યવ્યવસ્થા અને તેની વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. તેઓ અન્ના હજારે પાસે ગયા અને એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.
આ લખનારને ત્યારે જ એમ લાગવા માંડ્યું હતું કે આ પરિવર્તન માટેનું આંદોલન નથી, પણ કાઁગ્રેસને ખતમ કરી નાખવા માટેનો ખેલ છે. એમ લાગવા માંડવાનું એક કારણ એ હતું કે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની તૈયારી માટેની પ્રારંભિક બેઠકો દિલ્હીમાં વિવેકાનંદ ફાઉન્ડેશનમાં થતી હતી, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા છે. બીજું કારણ એ હતું કે બરાબર એ જ સમયે સી.એ.જી.ના વિનોદ રાયે ભ્રષ્ટાચારના આંકડા આપવામાં રાયનો પર્વત કર્યો હતો. એક પણ કૌભાંડ નરેન્દ્ર મોદીની સરકાર સાબિત કરી શકી નથી. અને ત્રીજું કારણ એ હતું કે પાળેલા મીડિયા દિવસરાત ભ્રષ્ટાચારનો ભય અને શ્રવણકુમારના સરળીકરણનો મહિમા કરતા થાકતા નહોતા. જાણે કે દેશમાં આ એક જ પ્રશ્ન હોય. અન્ના હજારેના ઉપવાસ લંબાયા અને તેમની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હોવા છતાં શ્રવણકુમાર સમાધાન નહોતા કરતા. છેવટે મહારાષ્ટ્રના નેતાઓએ અન્નાને ખેલ સમજાવ્યો હતો અને તેમાંથી બહાર કાઢ્યા હતા.
અહી સુધીનો ખેલ તો પટકથા મુજબ ભજવાયો પણ એ પછી અરવિંદ કેજરીવાલે પટકથા ફગાવી દીધી તેની વાત આવતા સપ્તાહે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2025