ટ્રમ્પ આયાતો પર જકાતના બોજની ચાંપ દબાવી એક સાથે અનેક રાષ્ટ્રોને માટે નવી સમસ્યા ખડી કરી રહ્યા છે. આ નાના-મોટા રાષ્ટ્રો સાથે સામસામી રમત ચાલ્યા કરશે તો વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ મંદ પડી જશે

ચિરંતના ભટ્ટ
અમેરિકાના પ્રમુખ તરીકે બીજી ટર્મમાં પાછા ફરેલા ટ્રમ્પ, દર થોડા દિવસે, કંઇ નવી જાહેરાત કરે છે અને એક કરતાં વધુ રાષ્ટ્રોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર તેનો પ્રભાવ પડે છે. ટ્રમ્પે ગાદી ધારણ કરી પછી તો જાણે કંઇ નવું અને દુનિયા આખીને આધાત આપે એવી કામગીરી કરવાનો સપાટો બોલાવ્યો છે. આ બધાંની વચ્ચે ટેરિફ વૉર એટલે કે (શુલ્ક) જકાતી યુદ્ધનું એલાન કરીને ભલભલા રાષ્ટ્રો પર તાણ વધારી દીધી છે. આ જકાતી યુદ્ધનો તર્ક, અન્ય દેશો અને ખાસ કરીને ભારત પર તેની અસર શું થઇ શકે અને ટ્રમ્પની પહેલી ટર્મ વખતે જકાતને મામલે શું કરાયું હતું? તેની અમેરિકા પર કેવી અસર થઇ હતી તે જરા કળવાનો પ્રયાસ કરીએ. આપણે છાપું વાંચીને કામે જવું હોય ત્યારે અમેરિકાના પ્રમુખની બેફામ જાહેરાતોથી આપણે શું એવો વિચાર ચોક્કસ આવે, પણ છતાં પણ થોડી તસ્દી લેવી પડે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓની ડોમિનો ઇફેક્ટ લાંબે ગાળે વર્તાતી જ હોય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે જે પણ દેશો અમેરિકાના ઉત્પાદનો પર જકાત લગાડે છે તેમની પર તે સામે રેસિપ્રોકલ ટેરિફ – પ્રત્યાઘાતી જકાત લાગુ કરવાની પેરવીમાં છે. આમ કરીને ટ્રમ્પ બીજા દેશોના કાન આમળે છે. ભારત સાથેના વ્યાપારની વાત કરતાં ટ્રમ્પે એમ કહ્યું કે ભારતમાં આયાતી જકાત બહુ ઊંચી છે અને તેમણે ભારતને ‘ટેરિફ કિંગ’નું ટાઇટલ આપ્યું. જેની સામે મોદીએ એમ બચાવ કર્યો કે અત્યારે જે જકાત છે એ વાજબી નથી અને બહુ આકરા પણ છે.
હવે ટ્રમ્પ જે રીતે કહે છે એ રીતે જો ખરેખર જેવા સાથે તેવા વાળી કરશે અને જે દેશ ઊંચી જકાત લગાડે છે તેમના ઉત્પાદનો પર જકાત વધારી દેશે તો વૈશ્વિક સ્તરે વ્યાપારી સંબંધોમાં સંઘર્ષ વધવાની પૂરી શક્યતા છે. ટ્રમ્પની આ જાહેરાત ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતની પહેલાં જ કરવામાં આવી. તાજી અપડેટ મુજબ ટ્રમ્પે મોદીને વચન આપ્યું છે કે તેઓ જકાતને મામલે ભારત સાથે ન્યાયી વહેવાર રાખશે અને જે અમેરિકાને મળશે તે જ પ્રકારે સામે પ્રતિભાવ આપવામાં આવશે. જો કે ટ્રમ્પનો અભિગમ તો એવો જ છે કે ભારત જેટલી જકાત લગાડશે એટલી જ જકાત અમેરિકા ભારત પર લગાડશે. નરેન્દ્ર મોદીને મૂળે તો અમેરિકન જકાતને અવગણી શકાય એની પેરવીમાં છે પણ યુક્રેઇન રશિયા સંઘર્ષ પર મોદીએ ટીકા કરવાનું ટાળ્યું એ અમેરિકા અને અન્ય પશ્ચિમી દૃશ્યોને કઠ્યું છે એટલે કોનું ધાર્યું થાય છે તે તો અંતે વખત આવ્યે જ ખબર પડશે. જો કે અત્યારે તો બન્ને દેશોએ જરા જરા ઢીલું મૂકીને સંબંધો સાચવી લીધા છે અને તણાવ ટાળ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો બહુ મજબૂત છે અને ભારત ચીન કરતાં અમેરિકા સાથે વ્યાપારી સ્તરે વધુ જોડાયેલ છે. ભારત અમેરિકા પાસેથી જેટલી આયાત કરે છે તેના કરતાં કંઇ ગણી વધારે નિકાસ કરે છે અને એટલે જ ટ્રમ્પ જકાતને મામલે ભારત સામે ભવાં તાણે છે. 2023માં ભારતે યુ.એસ.એ.માં 87 બિલિયન ડૉલર્સની નિકાસ કરી પણ ત્યાંથી આયાત માત્ર 42 બિલિયન ડૉલર્સની કરી. આને કારણે બન્નેના આયાત નિકાસ વચ્ચેની ખોટ પણ સારી એવી છે, જેમાં ભારતને વધારે ફાયદો છે. ટ્રમ્પને આ જ ટ્રેડ ડેફિસિટ – વ્યાપારી ખોટ નડે છે. ટ્રમ્પને વાંધો છે કે, યુ.એસ. વેચે છે તેના કરતાં વધુ ખરીદે છે અને તે ય ઊંચા જકાત દરો પર. અન્ય દેશોની આયાત પર જકાત વધશે તો જ અમેરિકાને ફાયદો થશે એમ ટ્રમ્પનું માનવું છે.
ટ્રમ્પના આ ઊંચી જકાતના સપાટામાં અત્યાર સુધી ચીન, કેનેડા અને મેક્સિકો આવી ગયા છે. વળી માત્ર વ્યાપાર ખોટ ઘટાડવી ટ્રમ્પનો ઇરાદો નથી. આ ત્રણ રાષ્ટ્રોના મામલે તો ટ્રમ્પને ગેરકાયદે ઘુસણખોરી અને ડ્રગ્ઝનો ધંધો બન્ને અટકાવવા છે જેને માટે જકાતી યુદ્ધ તેમને શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. વળી ઘુસણખોરો ઓછા થશે તો અમેરિકાના નાગરિકો માટે નોકરી બચશે તેવું પણ ટ્રમ્પ દૃઢપણે માને છે. ટ્રમ્પના આ પગલાં સામે ચીને પણ યુ.એસ.એ.ના કોલસા, ગેસ અને મશીનરી પર પ્રત્યાઘાતી શુલ્ક લાગુ કર્યું. મેટા, ક્વૉલકોમ અને ગુગલ પર તપાસ લાગુ કરી ડિજિટલ યુદ્ધ છેડ્યું. આટલું ઓછું હોય એમ ચીને અમેરિકન ટેક કંપનીઓને નેવે મૂકીને વિએટનામ અને થાઇલેન્ડ જેવા એશિયાઇ દેશો સાથે વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
મેક્સિકો અને કેનેડાએ અમેરિકા સાથે USMCA (United States – Maxico- Canda Agreement) કરાર કર્યા. પોતે ઘુસણખોરો અને ડ્રગ્સ ટ્રાફિકિંગ પર કાબૂ કરશે તેમ કહી મેક્સિકોએ પોતાની ઉત્તર સરહદે 10,000 ટ્રુપ્સ તેનાત કરી, 20 મિલિયન ફેનેટાઇલ ડોઝિસ જપ્ત કર્યાં. કેનેડાની વાત કરીએ તો પહેલાં તો કેનેડાએ આ નવી જકાતના બોજનો વિરોધ કર્યો પણ અંતે પોતાના બોર્ડર સિક્યુરિટી પ્લાન વધારીને 900 મિલિયન ડૉલર્સનો કરી નાખ્યો. વળી ફેનેટાઇલ ટ્રાફિકિંગના વિરોધમાં કડક પગલાં લેવાની ખાતરી આપી. આ બે દેશોએ આટલી પહેલ કરી તેની સામે ટ્રમ્પે 30 દિવસ સુધી કેનેડા અને મેક્સિકોને જકાત મુક્તિ આપી. ચીની ઉત્પાદનો પર 60 ટકા જકાત લાદવાની વાત કરનારા ટ્રમ્પે અંતે તો 10 ટકા જકાત લાદી પણ તેની સામે ચીને અમેરિકન નિકાસ પર 15 ટકા જકાત લાગુ કરી. યુરોપિયન યુનિયન અને અન્ય ભાગીદારો પર જકાતનો બોજ લાદવાનો ટ્રમ્પનો પાકો ઇરાદો છે. દક્ષિણ કોરિયા સાથે અમેરિકાએ KORUS ફ્રી ટ્રેડ કરારમાં સુધારા કર્યા. આ તરફ જાપાને જકાત ઘટાડી પણ અમેરિકન ઉપ્તાદન પર જોર આપ્યું. ટૂંકમાં ટ્રમ્પ આયાતો પર જકાતના બોજની ચાંપ દબાવી એક સાથે અનેક રાષ્ટ્રોને માટે નવી સમસ્યા ખડી કરી રહ્યા છે. આ નાના-મોટા રાષ્ટ્રો સાથેની સામસામે રમત ચાલ્યા કરશે તો વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ ધીમો પડશે એ ચોક્કસ છે.
આમ તો જકાત કે શુલ્ક બે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં વ્યાપારી ખોટ સંતુલિત કરવાનું માધ્યમ હોય છે પણ ટ્રમ્પે જકાતને સુરક્ષા, સ્થળાંતર અને ડ્રગ્ઝના મુદ્દા સાથે જોડવાનું નક્કી કર્યું. આ પરિસ્થિત વણસે અને જકાતી યુદ્ધ થાય તો આર્થિક વિકાસ મંદ પડે અને અમેરિકામાં ભાવ વધારો ઝીંકાવાનું જોખમ વધી જાય. ટ્રમ્પ જકાતનો ઉપયોગ રાજકીય શસ્ત્ર તરીકે કરી અન્ય રાષ્ટ્રોનું નાક દબાવી તેમની પાસે ધાર્યું કરાવી રહ્યા છે. જકાત મૂળ તો વૈશ્વિક સ્તરે ન્યાયી અને સંતુલિત અર્થતંત્ર જળવાય તે માટે લાગુ કરાતા હોય છે.
ભારતે ટ્રમ્પના આ જકાત યુદ્ધનો જવાબ આપવા રાજકીય અને આર્થિક વ્યૂહરચના ઘડવી પડશે જેમાં પહેલાં તો વ્યાપારી ખોટ ઘટાડવા માટે IT સર્વિસ, ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ નિકાસ વધારવી પડશે. ભારત અને યુ.એસ.એ. વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જેવી દરખાસ્તો માટે દબાણ વધારવું પડશે. અમેરિકા સિવાયના બજારો જેમ કે યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા સાથે પણ FTA કરાર કરવા જોઇએ. ચીન સાથે વ્યાપાર ઘટાડી યુ.એસ. સાથે ટેક અને ડિફેન્સની ભાગીદારી વધારવાની દિશામાં પણ કામ કરવું જોઇએ. ભારતે યુ.એસ.ની IT કંપનીઓ માટે H1B નીતિના સુધારાની માગ કરવી જોઇએ. યુ.એસ.માં AI અને સેમિકંક્ટર ચિપ ક્ષેત્રે કામ કરતી NVIDIA, ઇન્ટેલ, ક્વૉલકોમ જેવી કંપનીઓ સાથે સંયુક્ત રોકાણની શક્યતાઓ પણ ભારતે વિચારવી જોઇએ. ભારતે G20, સંયુક્ત રાષ્ટ્ર અને BRICSમાં પોતાનું નેતૃત્વ વધારવું જોઇએ જેથી અમેરિકાનું દબાણ ઘટાડી શકાય. ભારત માટે જકાતી યુદ્ધ તક અને પડકાર બન્ને જ છે પણ ટ્રમ્પને વાદે બીજી કોઇ રીતે નહીં પણ અમેરિકા ફર્સ્ટની માફક ભારત ફર્સ્ટ વાળી નીતિ ભારતે ફાયદો કરાવશે એ ચોક્કસ.
બાય ધી વેઃ
ટ્રમ્પે અગાઉ પણ જકાત શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, પણ તેનાં પરિણામ નકારાત્મક હતાં. ત્યારે પણ જકાત વધારી ટ્રમ્પ જે હાંસલ કરવા માગતા હતા તે તેમને નહોતું જ મળ્યું. તેનાથી ટ્રેડ ડેફિસિટ – વ્યાપારી ખોટમાં કોઇ ઘટાડો નહોતો થયો. પહેલી ઇનિંગમાં પણ તેમને હતું કે યુ.એસ.-ચીનની ટ્રેડ ડેફિસિટ તે 200 બિલિયન ડૉલર્સ ઘટાડી શકશે પણ એવું ય ન થયું. વળી ઉત્પાદન અને નિકાસ મોંઘા લાગતાં અમેરિકન કંપનીઓએ જ જગ્યા બદલી નાખી. એટલે કે વિએટનામ અને અન્ય એશિયાઇ દેશોમાં ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું. આમ અમેરિકન કંપનીઓ જ આ વ્યાપારી ખોટ વધારવાનું કારણ બની. જકાત વધારવાથી અમેરિકામાં રોજગારી વધશે વાળો તર્ક પણ સાવ ખોટો પડ્યો હતો. ટ્રમ્પે ચીન જેવા દેશો સાથે જે વ્યાપારી સોદા પાર પાડવાનો ઇરાદો કર્યો હતો તે વાટાઘાટો પણ આગળ ન વધ્યાં. જો કે ટ્રમ્પને કોઇ કંઇ કહી શકે એમ તો છે નહીં એટલે તેમણે પોતાની બીજી ઇનિંગમાં પણ જકાતી યુદ્ધની શરૂઆત કરી જ દીધી છે. ટ્રમ્પને એ સ્વીકારવું નથી કે જકાત વધારવાથી ન તો ઉપ્તાદન વધે છે, ન તો વ્યાપારી ખોટ ઘટે છે કે ન તો નવી નોકરીઓ ખડી થાય છે. પહેલીવારમાં જે નહોતું થયું એ બીજીવારની ઇનિંગમાં થશે એવું માનવું તદ્દન અતાર્કિક છે. પણ આ તો ટ્રમ્પ છે, પોતે કંઇ ખોટું કરે છે એ સ્વીકારે એ બીજા.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2025