Opinion Magazine
Number of visits: 9882599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાર્થક જલસો, ઇલાબહેન અને પુસ્તકપ્રેમ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 June 2016

સાર્થક જલસો  :

માનવામાં ન આવે એવી વાત છે. અત્યારે અમદાવાદમાં ભણતી અનુષ્કા નામની ઓગણીસ વર્ષની અંગ્રેજી કવયિત્રી, હિટલરે યહૂદીઓ માટે ઊભીકરેલી યાતના છાવણીઓનું દોજખ વેઠ્યા પછી ય જીવી ગયેલી બે મહિલાઓને ગયાં મે-જૂનમાં ચેક રિપબ્લિકમાં અલગ-અલગ દિવસે મળી. તેણે તેમની સાથે સમય વિતાવ્યો, તેમનાં સંભારણાં સાંભળ્યાં. કાળના પ્રવાહમાં હવે પછી ભાગ્યે જ કોઈને મળે તેવો આ અનુભવ ગણાય. અનુષ્કાએ તેને  સંયત છતાં ય સોંસરી રીતે લખ્યો છે તે વાંચવા મળે છે. [પૂરક લેખ : હેલ્ગાની ડાયરી, લે. નીલા જયંત જોશી, નિરીક્ષક, તા. ૧૬-૪-’૧૬] ‘સાર્થક’ પ્રકાશનના ‘જલસો’ અર્ધવાર્ષિકના છઠ્ઠા અંકના ઉઘાડના ફોટા  સાથેના લેખમાં – ‘આવી યાતના  વેઠનાર અમે છેલ્લાં હોઈશું’. ‘સાર્થક’ની સાર્થકતા આવી ચીજોમાં છે!

પંદરમી મેએ છેતાળીસ ડિગ્રી તાપના મધ્યાહ્ને અવતરેલા આ નવા અંક થકી, વધતા જતાં તાપમાનવાળા અઠવાડિયામાં ય કેટલાકે  વાંચવાનો  ‘જલસો’ માણ્યો હશે. તાજા અંકમાં હંમેશ મુજબનાં વિષયવૈવિધ્ય અને સંપાદકીય માવજત છે. જીવનચરિત્રાત્મક લેખોમાં, ઉર્વીશ કોઠારીએ પ્રકાશ ન. શાહનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પ્રસન્નકારી નર્મવિનોદ અને  ખાસ છબીઓ છે. આખી મુલાકાત પુસ્તક તરીકે આવશે. હર્ષલ પુષ્પર્ણાએ ‘વિજ્ઞાન, તત્ત્વજ્ઞાની, લાગણીસભર સ્વપ્નદૃષ્ટા’ રવજીભાઈ સાવલિયાનું જીવન આલેખ્યું છે. ચંદુ મહેરિયાનો ‘તમારું ખાહડું અને અમારું માથું’ લાક્ષણિક દલિત આપવીતી છે. ‘લાંબા લેખને બદલે નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની ચીલાચાલુ કરતાં જુદી બહુરંગી છબી ઉપસાવાનો પ્રયાસ એટલે આંબેડકરગંગા’ – આવી સંપાદકીય નોંધ હેઠળ અગિયાર લખાણો મળે છે. આ પ્રકારનું એક પુસ્તક થઈ રહ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

અગ્રણી ગુજરાતી સાક્ષર નગીનદાસ પારેખ વિશે હસિત મહેતાએ ખૂબ માહિતી એકઠી કરીને લખેલા લેખમાં કેટલી ય બાબતો  તો પહેલવહેલી વાર વાચકો સમક્ષ મુકાઈ છે. અલબત્ત, લેખના મથાળામાં ‘અનુવાદ સેનાપતિ’ શબ્દપ્રયોગ અને લેખનું લંબાણ ખટકે છે. લાંબા લેખ અને લંબાણવાળા લેખ વચ્ચેનો ભેદ પાડવો જરૂરી બનતો હોય તેવું  દીપક સોલિયાના સ્વકથનમાં પણ બને છે. આ લખનારને લેખકની ‘નાનકડી જ્ઞાનગંગા’ વાચક માટે વધુ પડતી મોટી અને મંદગતિ લાગે છે. વળી એ વાંચતા એક વ્યક્તિના વિચારતરંગોના, તત્ત્વચિંતનમાં ઝબકોળાયેલા બયાન કરતાં વિશેષ કંઈ મળતું નથી. લેખકે તેમના બે અધ્યાપકો સાથેના સંબંધોનું કરેલું આલેખન હૃદયસ્પર્શી હિસ્સો છે. આ પહેલાના અંકમાં પણ એક બહુ લાંબો લેખ ઓએસિસ સંસ્થા વિશે હતો. પણ બંને લેખોમાં લંબાણ સિવાય કોઈ સામ્ય નથી. વળી, નગીનદાસ પારેખ, પ્રકાશ ન. શાહ અને દીપક સોલિયા દરેકને માટે સરાસરી પચીસ પાનાં ફાળવવામાં પ્રમાણ ચૂકી જવાયું હોય એવું પણ લાગે. સમીકરણની રીતે ન જોઈએ તો પણ એક વાત મનમાં આવે. ‘હિંદસ્વરાજ’ની યાદગાર ફેરરજૂઆત સહિત કેટલુંક તાજગીસભર લખાણ કરનારા પચાસ વર્ષના પત્રકાર દીપક સોલિયાની જિંદગીના એકાદ-બે તબક્કા વિશે આટલું  બધું લખવા-વાંચવાનું થતું હોય, તો પંચોતેર વર્ષના વિચક્ષણ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકાશ ન. શાહના જાહેર બાબતો(પબ્લિક અફેઅર્સ)ને  સંપૂર્ણ સમર્પિત જીવન વિશે કેટલું અને કેવા સ્તરનું લખવા-વાંચવાનું થાય?

યુવા લેખકો આરતી નાયર અને શારીક લાલીવાલાએ તેમના લેખોમાં વંચિતો વચ્ચે કામ કરતાં થયેલા અનુભવોનું વર્ણન કર્યું છે. અન્ય નોંધપાત્ર લેખો છે : ‘એકવીસમી સદીમાં ભાર વિનાનું ભણતર’ (ઋતુલ જોષી, મીરાં થૉમસ), ‘સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી ‘દુર્ઘટના’ (બીરેન કોઠારી), ‘અજાણ્યા ઈશાન ભારતનો આત્મીય પ્રવાસ’ (લતા શાહ, અશોક ભાર્ગવ) અને હિન્દી ફિલ્મના વિલનોનાં નામની કહાણી (સલીલ દલાલ). વલ્લભ વિદ્યાનાગરના કિરણ જોશીના  ચબરાકિયામાંથી ત્રણ : ‘જામમેં ડૂબ રહી હૈ યારોં / મેરે જીવન કી હર શામ’ (ટ્રાફિકમાં ફસાતા લોકોનું રાષ્ટ્રગીત), ‘પ્રેરણાત્મક પુસ્તક વાંચીને સુધરેલી વ્યક્તિને પછી દુનિયાની કોઈ જ તાકાત સુધારી શકતી નથી’, ‘રમેશ પારેખ કવિ હતા તો પણ કેવી જબરદસ્ત કવિતાઓ લખતા હતા!’

ઇલાબહેનનું સ્મરણ :

ગુજરાતના અસાધારણ નારીવાદી કર્મશીલ ઇલાબહેન પાઠક(૧૯૩૩-૨૦૧૪)ના ચોર્યાસીમા જન્મદિવસ નિમિત્તે અઠ્ઠ્યાવીસ જૂને એક કાર્યક્રમમાં ‘સંઘર્ષ સમતાનો’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. નારીઅભ્યાસ ક્ષેત્રના વરિષ્ઠ અધ્યાપક-સંશોધક કલ્પના શાહે લખેલા આ પુસ્તકમાં, ઇલાબહેને સ્થાપેલી ‘અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ-અવાજ’ સંસ્થાની કામગીરીનું વિહંગાવલોકન છે. આ પુસ્તકની પ્રત જોવા માટે ‘અવાજ’ની ભુદરપુરા શાખા પર ગયો હતો. ત્યાં સારાબહેન બાલદીવાલાએ સંસ્થાએ પોતાનાં પ્રકાશનોનું કાઉન્ટર ઊભું કર્યું છે, તે બતાવ્યું. તેની પર અમસ્તી નજર કરનારને પણ ‘અવાજ’ના કામના વ્યાપનો અંદાજ મળી શકે. આ પ્રકાશનો ભેટ મેળવવામાં ધન્યતા અનુભવી, તેમનાં  નામ છે ‘ઓલવાયેલા દીવા’ ‘ગુજરાતમાં આત્મહત્યાનો અભ્યાસ’, ‘કાનૂની સહાયકેન્દ્રોના સામાજિક કાર્યકરો માટે માર્ગદર્શિકા’, ‘કુટુંબ સલાહકેન્દ્રોના સલાહકારો માટે માર્ગદર્શિકા’, ‘માનવ-અધિકાર ઘોષણાપત્રોઃ સંયુક્ત રાષ્ટ્રો ૧૯૪૮ અને ૧૯૯૩’, ‘મોકળાશની મથામણોઃ નારીવાદી દરમિયાનગીરી’, ‘યુવતી વિકાસકેન્દ્રોના કાર્યકરો માટે માર્ગદર્શિકા’, ‘સ્ત્રીના માનવાધિકારોના આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો’, ‘આફ્ટરમાથ ઑફ ડૉમેસ્ટિક વાયોલન્સ અગેઇન્સ્ટ વિમેન’, ‘ગાઇડલાઇન્સ ફૉર કાઉન્સેલર્સ ઑફ ફૅફ્લીએ કાઉન્સેલિન્ગ સેન્ટર્સ’, ‘સોશિયલ ઍન્ગેજમેન્ટ ઑફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ઇન સિવિલ સોસાયટી’ … તદુપરાંત મારી પાસે ‘પોલીસપોથી’ અને મહિલા જાગૃતિકરણ શિબિરો માટેની માર્ગદર્શિકા ‘અસ્તિત્વથી વ્યક્તિત્વ-વિકાસ’ પુસ્તક હતાં.

ઉપર્યુક્ત પ્રકાશનોમાંથી કેટલાંકમાં સમાજવિજ્ઞાની એડવિન મસીહી અને પ્રાધ્યાપક નલિની  ત્રિવેદીનો સહયોગ છે. જો કે મોટાં ભાગનાંમાં મુખ્ય કામ ઇલાબહેનનું છે. ન ભૂલીએ ‘નારીવાદીની કલમે’, ‘નારીવાદીની નજરે’, ‘નારીવાદીનું આકલન’ અને ‘નારીવાદીનું મનોમંથન’ એવાં નામે પાર્શ્વ પ્રકાશને ૨૦૧૨માં બહાર પાડેલાં ઇલાબહેનનાં પુસ્તકો જે અત્યારે અપ્રાપ્ય હોવાનું જાણવા મળે છે. ઇલાબહેનની વૈચારિક ભૂમિ કેટલી અભ્યાસપૂત હતી તે આ પુસ્તકોમાં દેખાય છે. નારીવાદી વિચારધારાની ઊંડી સૈદ્ધાંતિક સમજમાંથી નીપજેલાં આ લેખનમાંથી જણાઈ આવે છે કે ભારતીય અને ગુજરાતનાં સ્ત્રીજીવનનું ભાગ્યે જ કોઈ પાસું એવું છે કે જેના વિશે ઇલાબહેનને તીક્ષ્ણ નજરે અને સ્પષ્ટ રીતે કંઈ કહેવાનું ન હોય.

આવો પણ પુસ્તકપ્રેમ : 

રાજેન્દ્ર પરમાર કોઈ અધ્યાપક, લેખક, સંશોધક નથી. અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના નિવૃત્ત કર્મચારી એવા રાજેન્દ્રભાઈ ગૂજરાત વિદ્યાપીઠ કે સાહિત્ય પરિષદમાં યોજાતા કાર્યક્રમોમાં શાહીબાગથી ખસૂસ આવતા નિસબતી નાગરિક છે. એ અદના વાચક પણ છે. હમણાં તેમને એક દુર્લભ પુસ્તકની શોધ હતી. આ પુસ્તક એટલે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે ૧૯૫૦માં પ્રસિદ્ધ કરેલી બૂકર ટી. વૉશિંગ્ટનની, પ્રફુલ્લ પ્રા. ઠાકોરે ગુજરાતીમાં ઊતારેલી આત્મકથા, કિંમત દોઢ રૂપિયો. બુકર ટી. (૧૮૫૮-૧૯૧૫) અમેરિકામાં ગુલામીની મુક્તિ અને પુનર્વસના સંઘર્ષનો એક આગેવાન, કેળવણીકાર, વક્તા, લેખક. એમના આત્મવૃતાંતના પુસ્તક માટે રાજેન્દ્રભાઈએ બહુ કોશિશ કરી. તાજેતરમાં ‘નિરીક્ષક’ અને ‘ભૂમિપુત્ર’માં નિવેદન પણ આપ્યાં. પણ એ છપાય તે પહેલાં એમને પુસ્તક મળી ગયું. તેના માટે ક્યાંકથી ફોન નંબર મેળવીને ફોન કર્યો, એકાદ વાર યાદ કરાવ્યું, એકાદ મહિનો રાહ જોઈ. પુસ્તકની નકલ કઢાવીને પછી એ પાછું આપવા આવ્યા ત્યારે આ જ આત્મકથાનો અશોક વિદ્વાંસે કરેલો, ‘વિચારવલોણું’  પ્રકાશને બહાર પાડેલો ભાવાનુવાદ ભેટ તરીકે આપી ગયા. વળી, હિટલરે કરેલા માનવસંહારને લગતું એક મહત્ત્વનું જણાતું પુસ્તક ‘જવાબ માગે છે જિંદગી’ (ઓએસિસ પ્રકાશન,૨૦૦૮) વાંચવા માટે આપી ગયા. તેમાં નાઝી યાતના-છાવણીમાં રહી ચૂકેલા મનોવિજ્ઞાની વિક્ટર ફ્રેન્ક્લના ‘મૅન્સ સર્ચ ફૉર મીનીંગ’ પુસ્તકની સંજીવ શાહે પોતાની રીતે રજૂઆત કરી છે.

ગાંધીનગરના યુવા સરકારી અધિકારી યતીન કંસારાને પરિચય પુસ્તિકાઓ વસાવવાની ઘેલછા છે. અત્યાર સુધી બહાર પડેલી તેરસો જેટલી પરિચય પુસ્તિકાઓમાંથી નવસોથી વધુ તે ભેગી કરી શક્યા છે, શોધ ચાલુ છે. તાજેતરમાં સોએક પુસ્તિકાઓ તેમણે અમદાવાદની એક કૉલેજના ગ્રંથાલયમાંથી મેળવી. કેશોદના વતની યતીન કેમિસ્ટ્રી સાથે સ્નાતક અને સમાજકાર્ય સાથે અનુસ્નાતક થઈને હંગામી અધ્યાપક પણ હતા. સાહિત્યરસિક યતીન પાસે બે હજારથી વધુ પુસ્તકો છે. જેમાંથી મોટાભાગના રાજકોટ અને અમદાવાદની ગુજરીમાંથી વસાવ્યાં છે. પક્ષીનિરીક્ષણમાં રસને કારણે તેમણે પક્ષીઓ વિશેનાં દુર્લભ પુસ્તકો વસાવ્યાં છે. એક નિવૃત્ત સરકારી અધિકારીએ તેમને પોતાનો પુસ્તકસંગ્રહ આપ્યો તેની વાત કરતાં તેમને થઈ રહેલા હરખનો ફોન પર પણ અંદાજ આવતો હતો. યતીન સાહિત્યના કાર્યક્રમોમાં જોવા મળે છે. દર શનિ-રવિ બંગાળી શીખવા વિદ્યાપીઠમાં આવે છે. પત્ની પણ નોકરી કરે છે, લખે છે. બે વર્ષની દીકરી છે. ત્રણેય સાથે પ્રવાસ પણ કરી આવે છે. બાંધ્યા પગારવાળા સરકારી કર્મચારી હોવા છતાં યતીનભાઈ પુત્રી – પત્ની – પુસ્તકો – પક્ષીઓના સંગાથે રસિક જિંદગી જીવે છે. પરિચય પુસ્તિકાઓ પ્રત્યેનો પ્રેમ પત્રકાર-કોલમિસ્ટ દિવ્યેશ વ્યાસમાં પણ જણાઈ આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના વિદ્યાર્થી હોવા દરમિયાન તેઓ પરિચય પુસ્તિકા મેળવવા એક પુસ્તક સંગ્રાહકને ત્યાં સુરેન્દ્રનગર જઈ આવ્યા હતા.

વિશ્વાસ કેળકર મરાઠી પુસ્તકોનું ફરતું પુસ્તકાલય ચલાવે છે. તે દર પંદર દિવસે સ્કુટી પર થેલામાં ત્રીસેક પુસ્તકો મૂકીને તેમના સભ્યોના ઘરે જાય છે. તેમાંથી સભ્ય બે પુસ્તકો પસંદ કરે છે, જે બીજા પખવાડિયાના ફેરામાં બદલાવી શકાય છે. મરાઠી ભાષામાં બહાર પડતાં પુસ્તકોમાં અપાર વૈવિધ્ય હોય છે. તેને શક્ય એટલું સમાવવા માટે કેળકર કોશિશ કરે છે. તે પોતે અચ્છા વાચક છે, એટલે તેમની પસંદગી પણ ઉત્તમ હોય છે. પૂના-મુંબઈ જાય ત્યારે પુસ્તકો વસાવે છે. ઑનલાઈન મગાવે છે. પ્લાસ્ટિકના પૂંઠાંમાં પુસ્તકો સરસ રીતે સચવાય છે. તેમનું આખું કામ જ મરાઠીમાં કહીએ તો ‘સુટસુટીત’! એમના ઘરે જઈને ય પુસ્તકો લઈ શકાય, ક્યારેક એકાદ પુસ્તક વધારાનું ય માગી શકાય. નાટક અને સંગીતમાં ખૂબ રસ ધરાવતા કેળકર નિવૃત્ત ઇજનેર છે. તેમની પ્રવૃત્તિ એ તેમના મરાઠી વાચકો પર તેમણે કરેલું અનંત ઋણ છે.                  

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 10-11

Loading

ક્રાંતિકારી તૃપ્તિને છાજે તેવી અંતિમયાત્રા

નેહા શાહ|Opinion - Opinion|3 June 2016

ભાવાંજલિ

તૃપ્તિએ આપણી વચ્ચેથી ૨૬મી મે ના રોજ વિદાય લીધી. ગુજરાતમાં માનવ અધિકારનું પાયાનું કામ કરનાર તૃપ્તિ દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. છેલ્લા દિવસો સુધી શરીરે સાથ આપ્યો એમ એણે કામ ચાલુ રાખ્યું. એણે કેન્સર સામેનો સંઘર્ષ છોડ્યો નહિ પણ રોગને, એની અસાધ્યતાને અને એના પરિણામને સ્વસ્થતાથી સ્વીકારી લીધાં હતાં. જ્યારે કેન્સરનું નિદાન થયું ત્યારે એક હળવાશ ભરી પળે એણે એક મિત્રને કહ્યું હતું કે “આપણે કહેતા જ રહ્યાં છીએ કે આ પ્રદૂષણયુક્ત પર્યાવરણથી કેન્સરની શક્યતા વધી જાય છે, જુઓને આ તો આપણને જ થઈ ગયું.” હું આમ કહેતી તૃપ્તિની કલ્પના કરું છું ત્યારે પણ એનો હૂંફાળો સસ્મિત ચહેરો જ દેખાય છે. આવું વિધાન પણ એની સમાવર્તી સમજનું જ પરિણામ સ્તો!! ‘હું જ કેમ?’’ ‘મારી જ સાથે આવું કેમ?’ એવાં સ્વકેન્દ્રી સવાલો નહીં, પણ ભોગ બનનાર અન્ય કોઈની જેમ આપણે પણ હોઈ જ શકીએ છે એ વાત નો તટસ્થતાપૂર્વક સ્વીકાર. 

બાળપણથી તૃપ્તિ અમારે માટે રોલ મોડેલ જેવી જ ભૂમિકામાં હતી. એના માતા-પિતા (ઠાકોરભાઈ અને સૂર્યકાન્તાબહેન શાહ) સાથે મારા માતા-પિતા(ઘનશ્યામભાઈ અને કલ્પનાબેન શાહ)નો ઘનિષ્ઠ કૌટુંબિક સંબંધ. અમે સૌ જોડે મોટાં થયાં. અમારી પેઢીમાં એ સૌથી મોટી અને ખૂબ પ્રતિભાશાળી એટલે સ્વાભાવિક રીતે અમારા મનમાં એને માટે ખૂબ આદર. હું જ્યારે વડોદરા ભણવા ગઈ ત્યારે એમનું જગમાલની પોળનું ઘર મારે માટે હંમેશાં ખુલ્લું રહેતું. હું ઘણી વાર ત્યાં પહોચી જાઉં અને ત્યાં જ રોકાઈ પડું. હું એમના ઘરે પહોચી જાઉં એટલે ‘આવ ને ..’નો રણકો મને આવકારે. એ સમય દરમ્યાન સાગબારા બળાત્કાર કેસ પૂરો થયો હતો અને એ ‘સહિયર’ને આકાર આપવામાં ગળાડૂબ હતી. સાથે સાથે ‘મંથન’ યુવા સંગઠનમાં પ્રવૃત્ત. હું પણ આ પ્રવૃત્તિઓમાં જોડાતી ગઈ.

અમે સૌએ ભેગા થઈને “દીકરી આવી રે …” નાટક કરી ‘સહિયર’ માટે ફંડ ભેગું કર્યું. અલબત્ત, સમગ્ર આયોજનની મુખ્ય શિલ્પી એ જ હતી. ત્યાર બાદ ‘સહિયર’ અને ‘મંથન’માં ઘણાં કામ અમે જોડે કર્યાં. ૮ માર્ચની નિયમિત ઉજવણી, ભ્રૂણહત્યા વિરોધી આંદોલન અને જાતિ પરીક્ષણ પર પ્રતિબંધની માંગ, આંબેડકર નગર ઝૂંપડાવાસીઓના રહેણાંક હક માટે આંદોલન, નાનાપુરા ગામમાં રસ્તો બનાવવાનું કામ, કોમી હિંસા વખતે વસ્તીઓમાં જઈને કરેલાં કોમવાદ વિરોધી નાટકો, ‘પરિવર્તન’ સાથે કરેલ શેરી નાટ્ય મહોત્સવ, માંડલ પંચની ભલામણ પછી અનામત વિરોધી આંદોલન દરમ્યાન પત્રિકાઓ લખવી અને વહેંચવી પત્રિકાઓ ઘણું બધું. આ દરમ્યાન જ એ અને રોહિત મળ્યાં અને તેમણે જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું. મને યાદ છે અમે સૌએ કૂદકાઓ મારી-મારી ને તાળી વગાડી હતી અને એમના નિર્ણયને વધાવી લીધો હતો.

આ દરમ્યાન અમે એક ગીત ગાતાં … “અમે ચાલતાં રહ્યાં …પંથ હો વેરાન હો .. ચરણ ચિન્હ ચાંપતા રહ્યાં …” કદી ના અટકવાનું ગીત. મૃત્યુ આવે તો ય કામ અટકવું ના જોઈએ એવાં જોશનું ગીત. પ્રત્યેક જીવનનું મૃત્યુ નિશ્ચિત જ છે અને તો ય જીવન તો ચાલ્યા જ કરે છે. આ ફિલોસોફી તૃપ્તિ અને રોહિત બંને સમજીને જીવ્યાં છે. તૃપ્તિએ સૌ મિત્રોને સંબોધીને છએક મહિના પહેલા લખ્યો હતો. સમગ્ર લખાણમાં જીવનના સાતત્યનો ભાવ હતો. જીવનમાં જે કરવા ધાર્યું એ કાર્ય કર્યાનો સંતોષ વ્યક્ત કરવાની સાથે આગામી સમયમાં કરવાના બાકી કામોની યાદી હતી. આ સાથે એણે એની આજુબાજુ ધબકતા જીવનનું વર્ણન કર્યું હતું. હોસ્પિટલના બિછાનેથી માતા સાથે ગેલ કરતા વાનર બચ્ચાની ચેષ્ટાઓ માણવાનું એ કેન્સરના દર્દ સાથે પણ ચૂકી નહીં. બાજુના વૉર્ડમાંથી આવતા નવજાત શિશુના રૂદનનો અવાજ સાંભળી એને ધવડાવવામાં મુંઝાતી માતાની મદદ કરવાનું એને સહજ સ્ફૂર્યું હતું. આજ તૃપ્તિ હતી, જીવન માત્રને વધાવનારી, જીવન માત્ર પ્રત્યે સંવેદનશીલ.

તૃપ્તિની અંતિમયાત્રા એના કામ અને વિચારધારાને છાજે એવી જ રહે એની રોહિતે (તૃપ્તિના જીવન સાથીએ) પૂરતી કાળજી રાખી. ખૂબ હિંમતપૂર્વક અને પૂરી સ્વસ્થતા સાથે સમગ્ર આયોજનની જવાબદારી એણે પોતે જ સંભાળી. એટલે જ આવા પ્રસંગોમાં સામાન્ય રીતે જે ધાર્મિક ભાવો છવાઈ જતા હોય છે તે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અસ્થાને થઈ ગયા. અને ક્રાંતિકારી વાતાવરણ જળવાઈ રહ્યું. ગુજરાતભરથી સૌ સ્વજનો ભેગા થયા હતા. સ્વજનો એટલે કુટુંબીજનો તો ખરા જ પણ સાથે સાથે ગુજરાતભરના માનવ અધિકાર માટે નિસબત ધરાવનારા લોકો. એમાં ગાંધીવાદી ઝોક ધરાવનારા સર્વોદયી કાર્યકરો પણ હતા, ડાબેરી વિચારધારાથી રંગાયેલા કોમરેડ પણ હતાં તેમ જ માત્ર તૃપ્તિની સંવેદનાથી ભીંજાયેલા આત્મજન પણ હતા. સૌના મન ભારે હતા, અને આંખો ભીની હતી પણ તૃપ્તિને જોમવંતી વિદાય આપવાની હતી. કાર્યકર બહેનોએ ‘સહિયર’નું બેનર ઓઢાડ્યું. કોઈ ફૂલ કે ધૂપની જરૂર જ ક્યાં હતી, બેનરના જાંબલી રંગમાં જ જરૂરી રંગ અને સુગંધ ભળેલાં હતાં. મિત્ર ચારુલ અને વિનયે અંજલિ આપવા આશાવાદી ક્રાંતિકારી ગીતો ગાયાં. “હમ લોગ : વી ધ પીપલ ….” ભારતના બંધારણના સર્વ સમાવિષ્ટ ભાવને રજૂ કરતું આ ગીત અને ત્યાર બાદ કિશોરકુમારનું “આ ચલ કે તુઝે, મેં લેકે ચલું …” સૌએ ભેગા થઈ ને ગાયું. વિચારધારા કોઈ પણ હોય પણ ત્યાં મોજુદ સૌ આ જ સપનાંથી જોડાયેલાં હતાં એટલે તાળીના તાલે સૌ એના ભાવમાં રંગાયા. નિર્ધારિત સમયે શબવાહિની આવી ત્યારે સૌ શિસ્તબદ્ધ બે હરોળ બનાવી ઊભા રહ્યાં. પતિ રોહિત, પુત્ર માનવ, ભાઈ ચિરાગ, તેમ જ સહિયર  દિપાલી અને શિલ્પાએ કાંધ આપી. સૌ એ તૃપ્તિને માટે ક્રાંતિકારી સલામ પાઠવી. એની બીમારીને કારણે હોસ્પિટલે એના મૃતદેહને સ્વીકાર્યો નહીં, એટલે દેહદાનની એની ઈચ્છાનો આદર ન થઈ શક્યો. એના દેહની અંતિમક્રિયા કારેલીબાગ ખાતેના સ્મશાનમાં ક્રાંતિકારી સલામ સાથે કરવામાં આવી.

તૃપ્તિ આજે દૈહિક રીતે આપણી વચ્ચે નથી, પણ ન્યાયપૂર્ણ સમાજ માટે એણે શરૂ કરેલ સંઘર્ષ માટે લાંબી મજલ બાકી છે. એની વિદાયથી  જરૂર એક ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. પણ સંઘર્ષ અટક્યો નથી. તૃપ્તિના જીવન અને કામ ઘણાંને પ્રેરણા આપી છે. અને ભવિષ્યમાં પણ એ પ્રેરણા આપતાં રહેશે.

સલામ તૃપ્તિ. તું હંમેશાં અમારી સાથે જ હોઈશ.

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 16 & 14                        

Loading

સમાનતા + ન્યાય = શાંતિપૂર્ણ સમાજ

આશા બૂચ|Opinion - Opinion|2 June 2016

સાંપ્રત યુગમાં કૌટુંબિક સ્તરથી માંડીને સામાજિક અને રાષ્ટ્રીય સ્તર સુધી અશાંતિ વ્યાપી રહેલી અનુભવાય છે. કેટલાક અનુભવીઓ વ્યક્તિનાં ઘડતર અને તેની સંસ્કાર મૂડીના વિનીપાતને આવી પરિસ્થિતિ માટે કારણભૂત માને છે. વૈષ્વિક પરિસ્થિતિની ચર્ચા ટાણે વ્યક્તિ અને કુટુંબ જેવા સાવ નાના અને મહત્ત્વના ન ગણી શકાય તેવા એકમની વાત શા માટે વિચારવી જોઈએ તેમ કોઈ કહી શકે, પણ આપણા પુરોગામી વિચારકો, તત્ત્વજ્ઞાનીઓ અને યુગ પ્રવર્તકો કહી ગયા છે એ આત્મસાત કરવા પ્રયત્ન કરીએ તો સ્વીકારવું પડશે કે આખર વ્યક્તિ જ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો નિર્ણાયક, ધારક અને વિધાયક હોય છે જે નાનામાં નાના એકમથી માંડીને વિશાલ ફલક પર સમાન અને ન્યાયી સમાજની રચના કરવામાં નિર્ણાયક બનતો હોય છે.

રાજકીય, ધાર્મિક કે સામાજિક સમસ્યાઓ અને અશાંતિના કારણોના મૂળ શોધવા જઈએ તો તેનું પગેરું તમામ પ્રકારની અસમાનતા અને અન્યાયમાં નીકળશે. તેની શરૂઆત જન્મ સમયે આચરવામાં આવતા ભેદભાવથી થાય છે. ભારતીય અને અન્ય કેટલાક સમાજોમાં બાળકનો જન્મ થાય તે પહેલાંથી જ તેના પર અન્યાયી અત્યાચાર થતો જાણીએ છીએ જેમ કે ભ્રુણ હત્યા. જન્મ બાદ બાળકીને શિક્ષણની સમાન તકો નથી અપાતી. સ્ત્રીને ન ભણાવો તો આપણી મા, બહેન, પત્ની, દીકરી બધાં અભણ રહેશે એટલું જ નહીં તેને કારણે આપણા દીકરા, ભાઈ, પતિ અને પિતા પણ અશિક્ષિત રહેશે. આ હકીકત કહેવાતા રિવાજોની જાળવણીના બહાના નીચે ભૂલી જવાઈ છે. લૈંગિક અસમાનતાને કારણે સમાજનાં નૈતિક મૂલ્યોની હાનિ થાય અને પરિણામે સ્ત્રી-પુરુષની શાંતિમય સહઅસ્તિત્વ જોખમાય. એવી જ રીતે વર્ગ પ્રથા કે જ્ઞાતિ પ્રથાની પેદાશ રૂપ નીચલા થરનાં બાળકો બાળ મજૂરીની ગર્તામાં ફસાતા હોય છે ત્યાં ન્યાય કે સમાનતાની શી વાત કરવી? બાળ મજૂર એ જ મોટા થતાં પુખ્ત વયનો નાગરિક હશે જે નબળો, અશિક્ષિત, ગમાર અને આત્મવિશ્વાસ વિનાનો હશે. માણસ માત્રને ભણતર, સારું સ્વાસ્થ્ય, કેળવણી અને સર્વ ઇન્દ્રિયોના વિકાસની તક મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર હોય છે.

કોઈ પણ દેશનું ભાવિ તેમાં વસતા બાળકોના સર્વાંગી વિકાસ પર જ નિર્ભર હોય છે. સબળ ચારિત્ર્યવાન નાગરિકોની ફૌજ પર જ શક્તિશાળી દેશનું ચણતર થાય અને તેના અભાવમાં વિદેશી આક્રમણના ભોગ બનવું પડે અને વિકાસની દોડમાં પાછળ રહી જવાય એ અનુભવ કદાચ ભારત દેશને જેટલો થયો છે એટલો બીજા ભાગ્યે જ કોઈ દેશને થયો હશે. જેમ બાળકોને સમાન અધિકાર આપવાની વાત છે તેમ સ્ત્રીઓને પણ સમાન માનવીય અધિકારો મળે તો તેના વિકાસની પણ સીમા ન રહે. શિક્ષણ, સ્વાસ્થ્ય, આજીવિકા અને પ્રગતિની સમાન તકો ન આપીને સમાજની અર્ધોઅર્ધ પ્રજાને સદીઓથી અન્યાય થતો આવ્યો. આપણે કેમ સમજી ન શક્યાં કે સ્ત્રીને અન્યાય થાય એટલે તેનાં બાળકો પણ કુપોષણ, ગરીબી, નિરક્ષરતા, અસંસ્કારી વાતાવરણ અને ગુનાખોરીનો ભોગ બને? સ્ત્રીને સમાનતા અને ન્યાય ન મળે તો તેને જ માત્ર નહીં, પણ સરવાળે તેના દ્વારા ઉછેરવામાં આવેલ બાળકો અને કુટુંબના પુરુષોને પણ અન્યાય થાય. આ સ્થિતિમાં એવી પ્રજા કેવી હીર વિહોણી બને એ આપણે અનુભવી ચુક્યા છીએ. એ અશિક્ષિત અને બેકાર પ્રજા ગુનાઓમાં અને વ્યસનોમાં સપડાય અને પરિણામે સમાજ એક અંધારી ગર્તમાં ડૂબી જાય એ પણ સાબિત થઈ ચુક્યું છે અને એવા વંચિત લોકો પોતાના મૂળભૂત અધિકારોની જાળવણી ન થાય, ત્યારે હિંસાનો આશ્રય લેતા જોવા મળે છે. શારીરિક, બૌદ્ધિક અને વૈચારિક તાકાત વિનાનો સમાજ સ્વતંત્ર વિચાર ધરાવનાર યુવા વર્ગ પેદા કરી ન શકે ત્યાં લોકશાહીને બદલે ટોળાશાહી પ્રવર્તે તે ક્યાં અજાણ્યું છે?

આપણે લૈંગિક અને સામાજિક અસમાનતાની વાત કરી, હવે બીજા કયા ક્ષેત્રમાં ત્રાજવાનું પલ્લું સમાન નથી તે જોઈએ. ગાંધીજીએ મુખ્ય ત્રણ પ્રકારની લઘુમતીઓનો ઉલ્લેખ કર્યો છે: એક ધાર્મિક, બીજી સામાજિક અને ત્રીજી રાજનૈતિક. મુસ્લિમો અને અન્ય ધર્મના અનુયાયીઓ ધાર્મિક લઘુમતીમાં ગણાય, શોષિત અને વંચિત એટલે કે દલિત-આદિવાસીઓ સામાજિક લઘુમતીના ચોકઠામાં બેસે અને ઉદારમતવાદીઓ રાજકીય લઘુમતીની સીમામાં બંધાય. સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા ભારત એક સાર્વભૌમ, લોકશાહી અને ગણતંત્ર રાષ્ટ્ર જાહેર થયું. સમય જતાં ઇન્દિરા ગાંધીએ સેક્યુલર અને સમાજવાદી શબ્દો ઉમેર્યા. હવે સમાજવાદ એટલે મોટા મોટા ઉદ્યોગો ઊભા કરવા, પંચવર્ષીય યોજનાઓ ઘડવી અને સરકારી અંકુશ વધારવો એવો અર્થ કરવામાં આવેલો. લાયસન્સ અને પરમીટ રાજને કારણે લાંચ રુશ્વત વધી. અહીં સમાનતાનું ગળું ટુંપાયું. ખાસ કરીને મનમોહનસિંહના જમાનાથી સમાજવાદ પર ચોકડી મુકાઈ, અને મૂડીવાદને રાજગાદી પર બેસાડવામાં આવ્યો. અને ત્યારથી આર્થિક અસમાનતા બેસુમારપણે આગળ વધતી રહી. રોજગારીની તકોની અસમાનતાને પરિણામે ઊભો થયેલ વર્ગ ભેદ અગાઉના વર્ણ ભેદની સાથે ભળીને એક એવી તો અનઉલ્લંઘનીય ખાઈ બની ગઈ છે કે તેમાંથી ઉગરવાનો કોઈ માર્ગ ન જડવાથી નક્સલવાદ જેવા હિંસક સંગઠનો ઊભાં થયાં જે શોષિત અને શોષકને વિનાશને રસ્તે લઈ જાય છે.

ધાર્મિક અને કોમી એખલાસની સમસ્યાની માંડણી ક્યાંથી કરવી? ભારતે 1973થી સેક્યુલર શબ્દને તેના જીવ સાથે દફનાવ્યો. ઈ.સ. 1947માં ધર્મ નિરપેક્ષતાનું એલાન કરનાર નવોદિત રાષ્ટ્ર થોડાં વર્ષોમાં તો સહિષ્ણુતા કોને કહેવાય એ જાણતો ન હોય તેવો બની ગયો. દયાનંદ સરસ્વતીએ 1875માં આર્ય સમાજ સ્થાપ્યો તે અરસામાં અન્ય ધર્મો દ્વારા વટાળ પ્રવૃત્તિઓ હાથ ધરાયેલી જેના પ્રતિસાદ રૂપે આર્ય સમાજે બીજા ધર્મના અનુયાયીઓની શુદ્ધિ કરી તેમને હિંદુ ધર્મમાં પુન: પ્રવેશ આપવાનું અભિયાન આદરેલું. તેની પાછળ ધર્મ પરિવર્તન કરવાને કારણે તરછોડાયેલાને ફરી અધિકૃત જીવન જીવવાની તક આપવાની નેમ હતી. આજે આર.એસ.એસ. પણ જે મૂળે હિંદુ હતા તેમને ઇસ્લામ કે ક્રીશ્ચિયાનિટી સ્વીકારવાના ‘ગુના’ બદલ સમાજમાં તરછોડી દીધેલા એ જ સમૂહને પોતાના ધર્મના અનુયાયીઓની સંખ્યામાં વધારો કરવા ‘ઘર વાપસી’ કરે, આ શું માંડ્યું છે? બી.જે.પી.ને આર.એસ.એસ. સાથે નાળ સંબંધ છે અને તેથી જ તો બી.જે.પી. સેક્યુલર છે, સમાજ વિરોધી અને હિન્દુત્વવાદી પક્ષ નથી અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા નથી માગતો કે વટાળ પ્રવૃત્તિ સાથે સીધી લેવા દેવા નથી એમ સ્પષ્ટ સાબિત નથી કરી શકતો. 1947માં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના વલણથી એક દેશના બે ભાગલા પડ્યા, હવે વી.એચ.પી. અને આર.એસ.એસ.ના ઈલ્મથી દેશને રૂંવે રૂંવે આગ લાગશે. આમ ધાર્મિક અસમાનતા અને અન્યાય જ્યાં દૂર થવાને બદલે વકરતા જતા હોય ત્યાં આતંકવાદીઓ અડ્ડો જમાવે અને સમાજના તાણા વાણા પાતળા બને એ સમજી શકાય તેવી વાત છે.

થોડા સમય પહેલાં ભારતની મુલાકાતે આવેલ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહેલું કે ધાર્મિક સહિષ્ણુતા હશે તો ભારતનો વિકાસ થશે. હાલની ભારતની આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય નીતિ અને લઘુમતીની દશા જોઈને ગાંધીને આઘાત લાગ્યો હોત તેમ પણ તેમણે કહ્યું. કદાચ આજે બી.જે.પી. આર.એસ.એસ.ને પંપાળે છે એ એમની વિચક્ષણ આંખોએ જોઈ લીધું હશે? ઓબામાએ ભારતના કેટલાક લોકોની ધાર્મિક અસહિષ્ણુતાને જગજાહેર કરી. સારું કર્યું. જોવાનું એ છે કે ઓબામા ગાંધીને વધુ સમજે, આપણે નહીં. આમ જુઓ તો IS અને હિન્દુત્વનો પ્રચાર કરનાર સંગઠનો વચ્ચેની ભેદરેખા પાતળી હોવાનું માલુમ પડશે. ઈસ્લામને અનુસરનારાઓને વધુ બાળકો પેદા કરવાં, સ્ત્રીઓને શિક્ષણ અને અન્ય જન્મસિદ્ધ અધિકારોથી વંચિત કરી ઘરમાં પૂરી રાખવી, અન્ય ધર્મના લોકો સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવું અને ધર્મને નામે વેર ઝેર ફેલાવી હિંસક પ્રવૃત્તિઓ પોષવી એવો પ્રચાર કહેવાતા ઇસ્લામિક સ્ટેટનો ફેલાવો કરનારાઓ કરી રહ્યા છે. હવે જો ભારતમાં પણ હિંદુ ધર્મના અવતારો અને મહાપુરુષોના વિચારોને સ્વહિત ખાતર મારી મચડીને તેનો ખોટો પ્રચાર કરી લોકોને હિંદુ લોકોની જનસંખ્યા વધારવા વધુ બાળકો પેદા કરવા ઉશ્કેરવામાં આવે, સામૂહિક પ્રાર્થના કરવા ઉત્સાહિત કરવામાં આવે, શોભા યાત્રાઓની સંખ્યા વધારવામાં આવે, ધર વાપસીને નામે પુન: ધર્મ પરિવર્તન કરવાં અને અન્યના ધાર્મિક સ્થાનોનો વિનાશ કરવાની રફતાર શરૂ કરવામાં આવે તો જેને આપણે પછાત અને રુઢિચુસ્ત ધર્મ ગણાવીએ છીએ તેમનામાં અને આપણામાં શો ફર્ક રહે?

ધાર્મિક અસમાનતાના જુવાળે તો સામાજિક સુમેળ અને એકતાનાં વાતાવરણને ભારે ડહોળી નાખ્યું છે. ધર્મનું ઝનૂન શરમજનક કક્ષાએ પહોંચ્યું છે. થોડા વખત પહેલાં સમાચાર સાંભળવામાં આવેલા કે રાજકોટમાં મોદીની પ્રતિમા વાળું મંદિર બાંધવાના છે, તો કેટલાકને ગોડસેનું મંદિર કેમ ન બાંધી શકાય તેવો વિચાર આવ્યો. પ્રતિમાઓથી ભરી દો દેશને, પછી આ કરોડો જીવતી પ્રતિમાઓનું હિત કેવી રીતે સાધીશું? લોકોએ સમજવાનું રહે કે મંદિર ન તો ગાંધીનું બને, ન તો ગોડસેનું, બને એક માનવ મંદિર. ગાંધી બનવું કે ગોડસે તે લોક નક્કી કરે. ધાર્મિક ઝનૂન એક બીજો વિચાર લઈને પ્રસરી રહ્યું છે. ભડકાવેલા લોકોને મોઢે ‘મુસ્લિમો પાકિસ્તાન જતા રહે’ના નારા સાંભળવા મળે છે. ભારતને  સ્વતંત્રતા મળી તે માત્ર હિન્દુ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નને આભારી છે અને તે શું માત્ર હિંદુઓ માટે જ આઝાદી મળી? દુનિયાના કયા પડમાં માત્ર એક કોમ કે ધર્મને આધારે બનેલ દેશ છે? અને એવા દેશો હોય ત્યાં અમન છે? જે ઝઘડે તે ડૂબે અને ડૂબાડે, જે સહકારથી રહે તે તારે અને તરે આટલું ન સમજી શકનારા લોકો જ આવો બેહૂદો પ્રચાર કરે. એટલું નિશ્ચિત છે કે ધર્મ આધારિત રાજ્ય અને દેશની સીમાઓ આંક્વાથી એ ક્યારે ય સફળ નથી થયાં. ભારતને માત્ર હિન્દુઓની ભૂમિ બનાવવા જે લોકો ઈચ્છા ધરાવે છે તે બનશે નહીં, તો શા માટે નાહક સમાજમાં ઝેર ઘોળે છે? સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે  જેઓ વિકસ્યા તે હિંદુ હોવાને નાતે કે ધર્મ નિરપેક્ષ દેશની વિકાસ નીતિને કારણે? ધર્મને આધારે જેની રચના થઈ એવા ઇસ્લામી દેશોમાં બીજાનો તો ઠીક, ખુદ મુસ્લિમોનો પોતાનો પણ વિકાસ નથી થતો. ભારતના હિંદુઓ બીજાનો તો ઠીક પણ પોતાનો પણ વિકાસ ન થાય તેવું ઈચ્છે છે? પોતાના નિકટના પાડોશી એવા પાકિસ્તાનના વિકાસમાં ભારતનું ભલું છે અને પોતાના દેશમાં વસતા અન્ય ધર્મના લોકોની ભલાઈમાં જ બહુમતી ધર્મના લોકોનો વિકાસ છે એ સમજી લેવું રહ્યું. હિંદુ સિવાયના ધર્મના લોકો અને કહેવાતી નીચલી જ્ઞાતિના લોકોની સેવા લઈ લઈને ઉચ્ચ કહેવાતા હિંદુ લોકો પુષ્ટ થયા, હવે તેમને તગડી મુકવાની વાત કરીને પોતાની જ ઘોર ખોદે છે. બનાવે ‘હિન્દુસ્તાન’ બીજા કોઈ ગ્રહ પર, આ ભૂમિ તો ધર્મ નિરપેક્ષ ભારત વર્ષ જ રહેશે એવો સંદેશ કોમી એખલાસમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર બુદ્ધિમાન પ્રજાએ આપવો રહ્યો.

ધર્મની માફક રાજનીતિ પણ પ્રજાનું રક્ષણ કરે તે ખરું પણ બે-લગામ બનતાં તેનું જ ભક્ષણ કરનાર પણ બની શકે. દેશની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક નીતિઓના પ્રતાપે જે અસમાનતા દિન દહાડે વધતી જાય છે તેનાથી સમાજની સમતુલા ઓછી થતી જાય છે. સત્તાધારીઓ પછી એ પોતાના દેશના હોય કે વિદેશી જો એ પોતે જ પોતાની પ્રજાનું દમન કરે અને એના પર અત્યાચાર ગુજારે ત્યારે માનવની અંત:પ્રેરણા તેનો વિરોધ કરે તો જ શોષણ-દમન અટકે. વ્યક્તિની માનસિકતા કેમ સુધરે એ જ હવે કરવાનું છે કેમ કે અંતે તો એ વ્યક્તિ જ છેવટ આતંકવાદી જૂથનો સભ્ય હોય છે, રાજ્યમાં રાજ્યકર્તા પણ એ જ છે, વેપારમાં લુંટનાર પણ એ જ, અને જનતામાં મૂક પ્રેક્ષક-શ્રોતા તરીકે પણ એ જ બેઠો હોય છે. આજે જાણે વ્યક્તિને એક નાગરિક તરીકે કોઈ પણ બાબત માટે નિસ્બત નથી રહી. અંગત જીવન કૌટુંબિક રૂઢિથી દોરવાય, નોકરીના સ્થળે સાહેબોની નીતિ નતમસ્તકે સ્વીકારીને ઘાણીના બળદની માફક ચક્કી પીસતા રહે અને જાહેર જીવનમાં ધાર્મિક વાડાઓ અને સરકારી નિયમો-કાયદાઓને મને-કમને અનુસરીને જીવન વ્યતીત કરતા રહે તેવા પ્રજાજનોથી દેશ ભર્યો છે. પંચશીલના સિદ્ધાંતો અને પંચવર્ષીય યોજનાઓને નજરમાં રાખીને સ્વતંત્ર ભારતે વિકાસની કેડી પર ડગ માંડેલા, એ જ દેશમાં આજે અનામત બેઠકોને લઈને હિંસા આચરવામાં આવે છે. અરે, નાના મોટા હજારો લોકોને વિશેષાધિકારો મળે છે. આ ખિતાબો અને વી.આઈ.પી.ની સગવડો આપવી જરૂરી છે શું? વ્યક્તિના વિચાર અને કામનું સન્માન તેમને અનુસરીને કરીએ. માન ચાંદની પ્રથા જૂની છે. રાજા તેમના રાજ્યનો વિસ્તાર વધારવામાં મદદ કરનારને જમીન, જાગીર કે સોનામહોર આપતા તેના અવશેષ સમી આ પ્રથા છે. લોક આપે તે સાચું સન્માન ગણાવું જોઈએ. સરકાર તો રૂઢિગત સ્થાપિત હિત જાળવવા અને પોતાની સત્તા જાળવવા અમુક ખાસ લોકોને ખુશ કરવા આપે આવા માન ચાંદ આપે છે જેનાથી ફરી એક એવો વર્ગ ઊભો થાય છે જેને પરિણામે એક વધુ અસમાનતાનું વર્તુળ પેદા થાય છે.

આમ માનવ જીવનના હરેક ક્ષેત્રમાં એક નહીં અને બીજા પ્રકારની હિંસા, અશાંતિ અને સંઘર્ષ રૂઢ થતાં જોવા મળે છે જેની પાછળ વ્યક્તિગત, સંસ્થાગત અને સમૂહગત અસમાનતા કારણભૂત જણાય છે. વર્તમાનની વિષમ પરિસ્થિતિઓ માટે ધર્મ અને રાજકારણનું અનર્થઘટન અને દુરુપયોગ વધુ જવાબદાર હોય તેમ ભાસે છે. પહેલાં રાજકારણમાં ધાર્મિક તત્ત્વ હતું, હવે ધર્મમાં રાજકારણ ઘુસી ગયું. નહીં તો કુટુંબ ભાવના, સમાજ પ્રત્યે વફાદારી, દેશભક્તિ, વિશ્વ ભાવના અને ધર્મ નિષ્ઠા વગેરે એકબીજાથી વિરુદ્ધ કેમ વર્તે છે? સવાલ એ થાય કે ધર્મ અને રાજકારણના લગ્ન ક્યારે થયાં? એ ગોઠવેલ હતાં કે પસંદગીનાં? યુગે યુગે માનવ પ્રગતિને દિશા બતાવનાર અનેક વિચારકો, દ્રષ્ટાઓ અને મહાનુભાવોની ભેટ આ પૃથ્વીને મળી છે, પણ આપણે તેમના બાવલાં બનાવી હાર પહેરાવ્યા પણ તેમના વિચારોનો અમલ ન કર્યો. રામધારીસિંહ દિનકર કહે  છે તેમ મહાપુરુષોની એક નિયતિ એવી છે કે તેને તેના અનુગામીઓ, પૂજકો અને ભક્તો તેમની પૂજા કરી કરીને મારી નાખે છે અને તેના વિરોધીઓ તેમને મારીને જીવાડે છે. જુઓને જીસસ, સોક્રેટીસ, ગાંધી અને માર્ટીન લ્યુથર કિંગના એ જ હાલ થયા. તેઓએ હર પ્રકારની અસમાનતા ઊભી જ ન થાય તેવી જીવન પદ્ધતિઓ પોતે જીવીને આપણે ચરણે ધરી અને કલહ વિનાના શાંતિમય સમાજની વિભાવના માટેનો માર્ગ બતાવ્યો અને આપણે તેમને ઝેર આપ્યું, ગોળીએ વિંધ્યા. નેતા બન્યા વિના આચારથી દાખલો બેસાડી રાહ બતાવનાર હતા ગાંધી. તેમણે જેમની પાસેથી પ્રેરણા મેળવેલી એવા અન્ય યુગપુરુષોની વાણી અને કર્તવ્યોને સમજીને દુનિયાના બુદ્ધિજીવીઓ, રાજ્ય કારણીઓ, કર્મશીલો અને ધર્મના પ્રતિનિધિઓ ભેળા મળીને હર પ્રકારના ભેદભાવ, અન્યાય અને અસમાનતા દૂર કરી એખલાસ ભર્યા સમજની રચના કરવાનું કામ ઉપાડી લે એવી કામના.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,6733,6743,6753,676...3,6803,6903,700...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved