ગુજરાતમાં વિકાસ-ઘેલછા જગજાહેર છે, પરંતુ તેના થકી અવતરતા વિનાશથી સૌ એટલા જ અજાણ્યા છે. જમીન સંપાદન અઘરું થયું ત્યારે એસ.ઈ.ઝેડ. ઍક્ટ આવ્યો, એ પતે છે, ત્યારે એસ.આઈ.આર. ઍક્ટ આવ્યો, એમાં જરા ઢીલાશ થવા માંડી એટલે ટાઉનપ્લાનિંગ ઍક્ટનો આશરો લેવાવા માંડ્યો. પણ ગમે તેમ કરીને કોઈ પણ રીતે સરકારને જમીન જોઈએ છે. તેને કારણે સરકાર ખેતી, ખેડૂત અને ગામડાં વિરોધી છે તેવી માન્યતા વધુ ને વધુ દૃઢ થતી જાય છે.
સાથોસાથ જે તે વિસ્તારના નાગરિકો દ્વારા નવા-નવા કાયદાઓનો અને જમીન ખૂંચવી લેવાનો વિરોધ થતો રહ્યો છે. જૂનાગઢ, મોરબી-વાંકાનેર, નવસારી, બારડોલી શહેરી સત્તાવિકાસ મંડળ સામે ગામલોકો સહિત ખેડૂતોનો જમીન પડાવી લેવા સામે સખત વિરોધ થયો હતો. સ્માર્ટ સિટી બનાવવા માટે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાનાં જે ૨૨ ગામોને શહેરી વિકાસ કાયદા, ૧૯૭૬ની જોગવાઈઓ લાગુ કરીને તેને એસ.આઈ.આર.માં સમાવતા સ્થાનિક ખેડૂતો આજે પણ વિરોધ કરી રહ્યા છે. જમીન આંચકી લેવાની સામે લોકો અને ખેડૂતોનો આક્રોશ એ કારણસર પણ વધતો રહે છે કે, વિકાસ કાયમ ગરીબો, ખેડૂતો અને ગામડાં પાસે જ શા માટે ભોગ માંગે છે ?
સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા અને માંગરોળ તાલુકાનાં કુલ ૧૦૪ ગામોને સુડામાં એટલે કે સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીમાં સમાવી લેવામાં આવ્યાં છે, તેવું જાહેરનામું ૧૦-૫-૨૦૧૬ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ ૧૯૮૩માં જે ૯૫ ગામોને સત્તામંડળમાં સમાવવામાં આવ્યાં હતાં તેમનાં ઝોનિંગમાં પણ મોટે પાયે ફેરફારો કરવામાં આવ્યા. આમ, કુલ ૧૯૯ ગામોની ૧૦૨૪ ચોરસ કિલોમીટર એટલે કે ૧,૦૨,૪૦૦ હૅક્ટર વિસ્તારને સમાવી લેવામાં આવ્યો છે. અતિ ફળદ્રુપ જમીન ધરાવતા, સાથોસાથ ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓના ડાબા અને જમણા કાંઠાની નહેરોથી સિંચાઈ મેળવતાં આ ગામોમાં કેળાં, કપાસ, પપૈયાં, શેરડી, શાકભાજી જેવાં પાકો થાય છે.
આ વિસ્તારમાંથી રૂ. ૧૨૨૭.૭૮ કરોડની ખાંડ, ૨૫૨ કરોડનું દૂધ, ૧૭૧ કરોડના ચોખા અને ૧,૭૪૧ કરોડનાં શાકભાજીનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ વિસ્તારની સમગ્ર પ્રજા અને સહકારી ક્ષેત્ર એકબીજાં સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે, ઉપરાંત એકબીજાં પર આધારિત પણ છે. આ વિસ્તારને સુડામાં સમાવી લેવાનું આયોજન અમલમાં મુકાય તો અહીંના આખા સહકારી ક્ષેત્રનું અસ્તિત્વ જોખમાય તેવું છે. આ વિસ્તાર જેમને કાચો માલ પૂરો પાડે છે, તેવી કામરેજ, સાયણ , ચલથાણ, મરોલી, પંડવાઈ, વટારિયા, કોઠા અને બારડોલી જેવી સુગર ફૅક્ટરીઓનું ભાવિ પણ જોખમમાં મુકાય તેમ છે.
સરકાર સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ બની છે, ત્યારે તેણે વિચારવું જોઈએ કે હાલ સુરત શહેરની વસ્તી ૫૦,૦૦,૦૦૦થી વધુ છે. જો સુડામાં આ વિસ્તાર સમાવવામાં આવે, તોે સ્માર્ટ સિટીની વસ્તી એક કરોડથી વધી જાય તેમ છે. અગાઉ થયેલા વિસ્તરણમાં સમાવવામાં આવેલાં ગામડાંઓનો આજે ૩૦ વર્ષ પછી પણ સરકાર કોઈ ચોક્કસ વિકાસ કરી શકી નથી. પ્રજાને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. ૧૯૮૩માં સમાવેલાં ગામોમાં આજદિન સુધી પૂરતી માળખાકીય સુવિધા પણ ગોઠવાઈ નથી, ત્યારે કરોડ માનવીઓનું ભારણ સુરત શહેર ખમી શકશે ખરું?!
તાજેતરમાં સુરત જિલ્લામાં સુડા – ૨૦૧૫ ડ્રાફ્ટ-પ્લાનમાં ૧૦૪ જેટલાં ગામોનો સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ કરવા સમગ્ર ખેડૂત આલમ એક બૅનર હેઠળ એકઠું થયું હતું. ડ્રાફ્ટ-પ્લાનના વિરોધમાં ૯૦,૦૦૦ જેટલાં ગામડાંના લોકોએ મજબૂત ટેકો ખેડૂત-આગેવાનોને આપ્યો હતો. ખેડૂતોની માંગણી એવી છે કે, જો જમીનો સ્માર્ટ સિટીના નામે લેવાશે તો, હજારો ખેડૂતો અને ખેતમજૂર પરિવારોની રોજીરોટીનો સવાલ ઊભો થશે. આ વિસ્તારમાં ખેતીથી થતી વાર્ષિક આવક આશરે ૨,૦૦૦ કરોડની છે અને પશુપાલન થકી દૂધ સહિતની આવક પણ બંધ થવાની શક્યતાઓ છે. એક લાખ હૅક્ટર જમીન સંપાદિત કરીને વિકાસને નામે ખેડૂતનું મરણ નોતરવાની વાત કોઈને સ્વીકાર્ય નથી. ખેડૂતો કહી રહ્યા છે કે, અમે વિકાસના નહીં, વિકાસ અમારો વિરોધી છે …
સુરતમાં નીકળેલી ખેડૂતોની વિરોધી રેલીમાં ૧૫,૦૦૦થી વધુ ખેડૂતો, ૩૦૦થી વધુ ટ્રૅક્ટરો, ૫૦૦ જેટલી મોટરકાર, ૫૦૦ જેટલી બાઇકો જોડાયાં હતાં. અઢી કલાક સુધી ચાલેલી રેલીમાં સૂત્ર હતું, ‘જાન દેંગે પર જમીન નહીં’ અને ‘ગામનો વિનાશ બિલ્ડરનો વિકાસ’ જેવાં સૂત્રોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું આ રેલીમાં ખેડૂતોએ પોતાનો વિરોધ રજૂ કરતાં કહ્યું :
૧. સરકાર ઉપરથી સ્થાનિક જનતાને માથે પોતાની મરજી મુજબનો વિકાસ થોપી ના શકે. અહીં આખી પ્રક્રિયા બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ વર્તીને થઈ રહી છે, તેથી આ જાહેરનામું રદ્દ થવું જોઈએ.
૨. ભારતની સંસદે ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા દ્વારા જે કલમોનો ઉમેરો કર્યો છે, તે આજ સુધી ગુજરાત સરકારે લાગુ કર્યો નથી. સરકારે આ સુધારાના અમલીકરણ માટે સમય માંગ્યો છે, તેવા સંજોગોમાં આખી પ્રક્રિયાનું સ્વરૂપ હાલમાં અનિશ્ચિત લાગે છે. ખરેખર તો, નામદાર હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈતી હતી. ટૂંકમાં, બંધારણની ઉપરૉક્ત કલમમાં સુધારા બાદ અને જિલ્લા-આયોજન કમિટી ઍક્ટ ૨૧-૧-૨૦૧૬થી અમલમાં મુકાયા બાદ ટીપી ઍક્ટ મુજબ અર્બન ડેવલપમૅન્ટ ઑથોરિટી પાસે ડ્રાફ્ટ-પ્લાન રજૂ કરવાની સત્તા રહી નથી, જેથી આ ડ્રાફ્ટ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે, જેથી તેને રદ્દ કરવો જોઈએ.
૩. આ આખી વિકાસયોજનાની જાહેરાતથી લઈને અત્યાર સુધીમાં જે ગામોનો એમાં સમાવેશ કરાયો એ ગામોના લોકોને, ગ્રામપંચાયતોને, ગ્રામસભાઓને, સરપંચોને, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેવાયા નથી. ટૂંકમાં, લોકશાહી-પ્રક્રિયા થઈ જ નથી, તેથી આ જાહેરનામાનું કોઈ વજૂદ રહેતું નથી.
૪. જમીન કપાત થયા પછી નવી જગ્યાએ મળનાર ફાઇનલ પ્લૉટનું સ્થળ બદલાય છે, તેથી નહેરો, ખેતીનાં સાધનો, કૂવા, ઢાળિયા, ગમાણો, વગેરે નવી જગ્યાએ બદલી શકાતાં નથી, તેથી અનિચ્છાએ પણ પ્રજાએ ખેતી છોડવી પડે છે. આમ, આ આયોજન દેશમાં બેરોજગારોની સંખ્યામાં વધારો કરે છે. તેથી જ ખેડૂતો પોકારે છે … અમે વિકાસના નહીં વિકાસ અમારો વિરોધી છે.
૫. ખેડૂતોની જમીનો સુડામાં સમાવવામાં આવતાં, હવે તેમને ખેતી માટે મળનારા લાભો, ધિરાણ, સબસિડી, પ્રોત્સાહનો વગેરેથી ખેડૂતો વંચિત થશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં તેમનો સમાવેશ થતાં મિલકતવેરો, વીજળીનાં બિલો વગેરે વધી જશે. તે ગરીબ ખેડૂતોને ખૂબ જ તકલીફ આપશે.
૬. આ આખું ય આયોજન અમલમાં મુકાય તો, અહીંનો પશુપાલનઉદ્યોગ મરી પરવારે અને તેને કારણે બહેનોને મોટું આર્થિક નુકસાન થાય તેમ છે.
તેથી ખેડૂતો કહી રહ્યા છે કે, આ તમામ વાંધાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કરી સરકાર આ બંધારણ વિરોધી વિકાસ-નકશો રદ્દ કરવો જોઈએ.
આ સરકાર ખેતીનો નાશ કરીને ઉદ્યોગકારોને ફાયદો કરાવે, એવી નીતિ અમલમાં મૂકી રહી છે, જેને કારણે સ્માર્ટ સિટીને નામે અનેક ગામો નામશેષ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બધાં ગામોમાં રહેતાં પ્રજાજનો ખાસ કરીને ખેડૂતો-ખેતમજૂરો અને મહિલાઓને સૌથી વધુ અસર થવાની છે. આ સરકાર ખેતીને ખોટનો ધંધો બનાવી એક યા બીજા બહાને ખેડૂતોની જમીનો પડાવવા માંગે છે. જ્યાં એમ કરવામાં સફળતા મળતી નથી, ત્યાં શહેરી આયોજન અને વિકાસના નામે જમીનો પડાવી લેવા માંગે છે. સરકારની આ ખેડૂત અને ગામડાં વિરોધી માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ખેડૂતોની માંગણી આખું આયોજન રદ્દ કરવાની છે, તેની સાથે સૂર પુરાવીને નિસબત ધરાવતાં નાગરિકો અને મંડળોએ ખેતી અને ગામડાંના હિતમાં સૌએ ભેગા થઈ વિરોધ કરવો જોઈએ, અને મેદાને પડેલા ખેડૂતોને – નાગરિકોને સાથસહકાર આપવો જોઈએ. આમ કરવામાં નહીં આવે તો, ભવિષ્યની પેઢી આજના સમાજને કદાપી માફ કરશે નહીં.
e.mail : gthaker1946@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 14-15